Skip to main content

પ્રશ્નોત્તરી (પ્રશ્ન 4)

પ્રશ્ન : પૂજ્યશ્રી ! ધ્યાન દરમ્યાન ખૂબ જ વિચારો આવે છે તો આ બધા વિચારોને કઈ રીતે દૂર કરવા ?

૫.પૂ. પુનિતબાપુશ્રી : આપ લોકો મને પ્રશ્નો પૂછી રહ્યા છો અને હું બોલ્યા કરું છું. ‘ચચલં હિ મન: કૃષ્ણ પ્રમાથિ બલવદૃઢમ્' અર્થાત્ "હે કૃષ્ણ ! ચંચલ મનને શી રીતે વશ કરવું ?" બધા શાસ્ત્રોમાં આ પ્રશ્ન જોવા મળે છે અને બધા ઋષિઓ-મહર્ષિઓને લોકોએ આ પ્રશ્ન પૂછયો છે કે - મન ભાગ્યા જ કરે છે, શું કરીએ ? એ રીતે હું પણ આપને જવાબ આપું તો આપને સંતોષ નહીં થાય. શાસ્ત્રોમાં આ બાબતે વિસ્તૃત જવાબ આપેલ છે અને તેનો રસ્તો પણ બતાવ્યો છે સાથોસાથ એ પણ બતાવેલ છે કે - અમુક બાબત ગુરુગમ્ય છે, કોઈ સિદ્ધ પુરુષ કે કોઈ મહાપુરુષને મળો. તેથી વિચાર તો આપને આવશે - બોલશે પણ ખરા, આપને પરેશાન કરશે પણ ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' કરી આપ જ્યારે ધ્યાનમાં બેસો તો ધીરે-ધીરે આપના વિચારો આપને પરેશાન નહીં કરે અને તે દૂર રહેશે. ‘ઋતે જ્ઞાનાન્ન મુક્તિઃ અર્થાત્ "જ્ઞાન એ જ મુક્તિ છે". જ્ઞાન એ જ સુખ અને શાંતિનું સ્વરૂપ છે, પરમ શાંતિ છે તે જ્ઞાન સ્વરૂપ છે - જ્ઞાન જ છે. એટલે જ્યાં અજ્ઞાનતા છે ત્યાં દુ:ખ છે, પરેશાની છે. ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' શુદ્ધ જ્ઞાન પ્રકાશીત કરી અજ્ઞાનને દૂર કરશે. આ રીતે આપ જ્યારે ધ્યાનમાં બેસો તો આપની નાભિની નીચે ક્યારેક ઊંચું-નીચું થવા લાગે છે તે પોતાની મેળે થશે. કયારેક નાભિની નીચે ગરમી લાગે છે, ક્યારેક બરફ જેવી ઠંડી લાગે છે, ક્યારેક કરોડરજ્જુમાં કંઈક ચડી રહ્યું હોય તેવું લાગે છે. ક્યારેક આજ્ઞા ચક્રમાં કીડી ચાલી રહી હોય, ખંજવાળ આવતી હોય એવું લાગે છે. ક્યારેક આપને કોઈ નેત્ર દેખાવા લાગે છે તે નેત્ર આવે અને ચાલ્યું જાય. કયારેક એક નેત્ર તો ક્યારેક બે નેત્ર દેખાય છે. આ બધુ ધ્યાનમાં થાય છે, ક્યારેક સર્પ દર્શન થાય છે તે કુંડલિની શક્તિનું પ્રતીક છે, સાધનામાં ચક્રો-પ્રકૃત્તિના કલર દેખાય છે, ક્યારેક ક્યારેક આપના ગુરુ મહારાજ અને ક્યારેક ક્યારેક આપના ભગવાનના દર્શન થાય છે તો ક્યારેક કશું જ દેખાતું નથી, માત્ર શાંતિ અનુભવાય છે. આ સહજ ધ્યાન જે આપ કરો છો તે ધ્યાનની શક્તિ આપની અંદર જઈ બધા તત્ત્વોના વિચારો કે જે બે-ત્રણ જન્મોના વિચારો છે તેને મોટું કરી તમને દેખાશે અને તે તેમાંથી બહાર કાઢી સારી વસ્તુ આપને આપશે, થોડી ઈચ્છા પૂર્તિ કરાવશે અને પછી સાચી દિશામાં પરમ શાંતિ તરફ લઈ જશે. આપની અંદર જેટલા વિચારો ભરેલા છે તે બધા શુધ્ધ કરશે અને બધી જ ઈચ્છા પૂર્તિ કરાવી આપને લક્ષ્ય તરફ લઈ જશે. આ સહજ ધ્યાનમાં એટલો બધો લાભ છે કે આપ આ વિષયમાં વધારે જાણકારી મેળવવા ઈચ્છા હો તો સહજ ધ્યાનયોગ-પથપ્રદિપીકા પુસ્તકમાં મેં લખાવેલ છે તે વાંચજો અને કંઈ સમજમાં ન આવે તો પત્ર વ્યવહાર કરી પૂછજો. જો હું ન મળું તો ધ્યાનમાં બેસી પ્રશ્ન પૂછશો તો અંદરોઅંદર સમાધાન થશે. ‘ગુરુસ્તુ મૌનં વ્યાખ્યાનં શિષ્યસ્તુ છિન્ન સંશય:' એટલે અંદરોઅંદર-મનોમન આપને જવાબ મળશે અને તમે ખુશ થઈ જશો.

સહજ યોગમાં શરીરનું ડોલવું, આગળ-પાછળ જવું, ક્યારેક ઉછળ-કૂદ જેવું થાય. આ બધી ક્રિયા થાય તો ગભરાવું નહીં કારણ કે આપ તો આ કરી રહ્યા નથી, પોતાની મેળે થાય છે. માતાઓ-બહેનોને ખાસ સમજવું જોઈએ કે તેમને ક્યારેક પોતાની મેળે ભસ્ત્રિકા કરવાની પ્રેરણા થાય છે. પોતાની મેળે પ્રેરણા થાય છે કે અહીં શ્વાસ આવ્યો, દબાણ થયું મતલબ શ્વાસ લો-છોડો એમ કરતા રહો. આ દબાણ એટલા માટે આવે છે કે જલ્દી જલ્દી શ્વાસ લો અને છોડો. આપણે એવા ગભરાઈ જઈએ છીએ કે મને હાઈ બી.પી. થઈ ગયું, ડૉકટરને બોલાવો. તમને સાચુ જ્ઞાન નથી તેથી. બહેનોને શરીરમાં હલન-ચલન થાય, કપાલ ભસ્ત્રિકા થાય, પોતાની મેળે રડવાનું-હસવાનું આવે તો તેમની પર કૃપા વરસી રહી છે. એમ ન માનવું કે કાલી માઁ -દુર્ગા માઁ-ખોડિયાર માઁ નો પ્રવેશ થયો. કોઈ અજ્ઞાની લોકો માતા માની અગરબત્તી કરવા લાગે છે અને તે માતા ખોટા રસ્તે ચડી જાય છે તે ભુવા-ભુઈ બની જાય છે, તેથી આ બધુ ન થાય તે માટે ખાસ સાવધાની રાખવી જોઈએ. સહજ યોગમાં શક્તિની જાગૃતિ સાથોસાથ તેનું ઉર્ધ્વગમન થાય છે. આ સહજ યોગમાં સદ્ગુરુ દત્તાત્રેય જેવા સિદ્ધ મહાપુરુષોના આશીર્વાદ છે તેથી આવું થાય છે. અમને તો એટલે સુધી જણાવ્યું છે કે - ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' બોલાવીને ધ્યાનમાં બેસાડશો તો પોતાની મેળે ધ્યાન લાગશે જે આપ લોકો કરી જુઓ. જો થતું હોય તો સમગ્ર વિશ્વને જણાવવું જોઈએ, અહીં કોઈ નવો પંથ-સંપ્રદાય શરૂ કરવો નથી, કોઈ ભેદભાવની દિવાલ રચવી નથી, કોઈને ચેલા બનાવવા નથી અને કોઈ સંપ્રદાયનું ખંડન-મંડન કરવું નથી. આપ જ્યાં હો ત્યાં જ રહો, જે સંપ્રદાયમાં છો તેમાં જ રહો. જેને ગુરુ માન્યા છે તેને જ માનો, પોતાનો ઈષ્ટમંત્ર-ગુરુમંત્ર જ જપો પણ આપ ધ્યાન કરો. જો તમને ધ્યાન લાગતું હોય તો કોઈ વાંધો નથી. આ ધ્યાન કરવાથી આપને આપના રામ, કૃષ્ણ, શિવ, મહાવીર, બુદ્ધ ભગવાનના દર્શન થતા હોય તો શું વાંધો છે ? આમાં કંઈ બદલાતુ તો નથી. જો નવી ટેકનોલોજી બહાર પડતી હોય તો અપનાવી લેવી જોઈએ. આજ કાલ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. જે જ્યાં બોલે તે ટી.વી.માં દેખાય છે. અમારી સરકારે આજકાલ કલિયુગમાં કૃપા કરી નવી ટેકનોલોજી રૂપે એક એવો મહામંત્ર "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" પ્રદાન કરેલ છે કે સમગ્ર વિશ્વમાં જે કોઈ આ મંત્ર કરશે તેને ઘેર બેઠા ધ્યાન લાગશે. કોઈ જગ્યાએ જવાની જરૂરત નથી. કોઈ પાસે કંઈ સમજવાની પણ જરૂરત નથી, ઘેર બેઠા ધ્યાન કરો. આપ ક્યાં-ક્યાં ભટકી રહ્યા છો ? જ્યાં જ્યાં જાવ છો ત્યાં માનસિક શાંતિ તો મળતી નથી. આનાથી શાંતિ મળતી હોય તે સારી બાબત છે તેનો આપ લાભ લો. સમજમાં ન આવે તો મને પૂછો. ક્યારેક આપ લોકો આનો ટેસ્ટ કરી જુઓ તો સારુ રહેશે.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"જો નવી ટેકનોલોજી બહાર પડતી હોય તો અપનાવી લેવી જોઈએ. આજકાલ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. જે જ્યાં બોલે તે ટી.વી.માં દેખાય છે. અમારી સરકારે આજકાલ કલિયુગમાં કૃપા કરી નવી ટેકનોલોજી રૂપે એક એવો મહામંત્ર "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" પ્રદાન કરેલ છે કે સમગ્ર વિશ્વમાં જે કોઈ આ મંત્ર કરશે તેને ઘેર બેઠા ધ્યાન લાગશે. કોઈ જગ્યાએ જવાની જરૂરત નથી. કોઈ પાસે કંઈ સમજવાની પણ જરૂરત નથી, ઘેર બેઠા ધ્યાન કરો."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Mind Control Dhyana Meditation sahajyog MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace