Skip to main content

પ્રભુના માર્ગે

શાસ્ત્રોમાં માનવ શરીરને ખુબ દુર્લભ કહ્યું છે. જેટલું માનવ શરીર દુર્લભ છે તેટલું જ પરમ પદ - મુક્તિ પામવી કઠિન છે. અનેક જન્મોના સંચિત પ્રારબ્ધના આધારે સ્થુળ પિંડ સર્જાય છે. જ્યારે કોઈ સમર્થ ગુરુ મળે અને ગુરુ વાક્યને દિલ ખોલી કોઈ સત્ શિષ્ય અનુસરે ત્યારે મુક્તિ અને પરમ પદ સરળ અને સહજ બને છે. જ્યારે તન, મન, ધન સંપૂર્ણપણે ઈશ્વર અને સદગુરુને અર્પણ કરી દેવાય, કર્તા-કરાવતાં-ભોકતા બધું જ ઈશ્વર અને સદગુરુ જ બની જાય છે ત્યારે હું, મારું-તારું સમાપ્ત થવા લાગે છે અને ત્યારથી સહજતાથી પ્રારબ્ધ ભોગ પુરા થવા લાગે અને સંચિત ક્રિયમાણ બનતું નથી, ત્યારે સીધો મુક્તિનો માર્ગ ખુલે છે.

સંન્યાસ એટલે સત્યમાં સ્થિર થવું. જયારે સત્ય સમજાય ત્યારે અસત્ય એની મેળે છુટી જાય છે. સત્ય પરમ તત્ત્વ છે અને આ જગત અને માયા અસત્ય છે. કપડાં પહેરવાથી સંન્યાસ શબ્દ ચરિતાર્થ થતો નથી. મહાન પુરુષો તો મનને રંગી દે છે. મનથી બધુ ત્યાગી દે છે. અહંકારનો ત્યાગ કરી શરણાગત, સરળ, વિનમ્ર બની મુમુક્ષુ પુરુષો ગુરુ અને ઈશ્વરની સેવા કરે છે. તેઓ પાસે જે કાંઈ હોય તે તેઓનું હોતું નથી, તે બધી વસ્તુઓ ઈશ્વરની અને સદગુરુ ની છે. માત્ર તે સાચવે છે. જે કાંઈ વસ્તુમાં આસક્તિ હોય, ચાહે તે પરિવાર હોય, કુટુંબ હોય, ધન હોય, દોલત હોય તે હવે મુમુક્ષુ પુરુષનું હોતું નથી. તેઓની દરેક વસ્તુમાંથી આસક્તિઓ હટી જાય છે. આસક્તિ હટી ગઈ કે નહીં તેની સતત ચકાસણી મુમુક્ષુ પુરુષો કરતા જ રહે છે. વેદાંતનું પુસ્તક વાંચવું, સત્સંગ સાંભળવો ને બોલવો તે કળિયુગમાં લગભગ બધાને આવડે છે પણ અંદરખાને કશું છુટતું નથી, છતાં આવી દંભી, અહંકારી વ્યક્તિઓ પોતાને તત્ત્વજ્ઞાની અને મુક્ત સમજતાં હોય છે. આ એક સંપૂર્ણ દંભ છે, ત્યાગ નથી.

સંન્યાસ અને ત્યાગના માર્ગે આવતા સ્થૂળ શરીરધારી મુમુક્ષુને ગુરુ ભેખ આપી, ભિક્ષા માંગી ખાઈ લેવા માટે બાર વર્ષ સુધી પહેલાં આદેશ આપતા હતા તેનાથી સાધકનો અહંકાર દુર થતો, દરેક વસ્તુમાંથી આસક્તિ હટી જતી, કયાંક માન તો કયાંક અપમાન થતું, આવી દરેક પરિસ્થિતિમાં પણ ગુરુના આદેશથી સાધક સ્વસ્થ રહેતા, દરેક પરિસ્થિતિમાં એમ જ સમજતાં, 'કરુણામૂર્તિ સદગુરુ મારા દરેક પ્રારબ્ધ કર્મો યેનકેન પ્રકારે કાપી, મને ક્રિયમાણ અને સંચિત કર્મથી મુકત કરી પોતાના ચરણકમળનો દાસ બનાવી રહ્યા છે'.

મુમુક્ષુ સાધકની ફરજ છે કે - અંદર અને બહારથી, મનમાંથી, વસ્તુમાંથી,પરિવારમાંથી પણ લાગણી, મમતા, આસક્તિ ત્યાગી સદગુરુ ચરણમાં શરણાગત થઈ, ભિક્ષા માંગી, સદગુરુ અથવા આશ્રમમાં રહેતા જીજ્ઞાસુઓની સેવા કરતાં, સત્સંગ સાંભળતા અને ગુરુનો બોજ ઓછો કરતાં, જો કે ગુરુને કોઈ બોજા હોતા નથી, પણ કર્મયોગથી જે ગુરુને ગમતુ હોય તે કરતાં, કોઈ પણ વસ્તુમાં આસક્તિ, મોહ-મમતા નહીં, શ્વાસોશ્વાસમાં માત્ર નામસ્મરણ. આજ સાચી ગુરુભક્તિ. હજુ તો ગુરુભક્તિની વ્યાખ્યા બહુ લાંબી છે. જયાં સુધી સદશિષ્ય પોતાના સંકલ્પબળથી, સાધનાથી, શરણાગતિથી સદગુરુનું સ્વરૂપ ન બને ત્યાં સુધી સાધના અધુરી રહે છે.

જે કોઈ મુમુક્ષુને હજુ પૈસામાં, ભૌતિક-મોજશોખની વસ્તુઓમાં આસક્તિ હોય, મમતા બેઠી હોય, મારું છે એવું ગાઢપણું અનુભવાતું હોય તો ખરેખર આવા લોભીલાલ અને આસકત આત્માને હજુ સંસારમાં રહેવું જોઈએ, સારી રીતે સંસારની વસ્તુઓ ભોગી લેવી જોઈએ, ધંધો વ્યાપાર કરીને પોતાનું બેંક બેલેન્સ સંતોષકારી કરી લેવું જોઈએ. ટુંકમાં, આવી આસકત વ્યક્તિએ નોકરી ધંધામાં જોડાઈ જવું જોઈએ.

ઉપરોકત નિર્ણય લેવામાં શરમ અને સંકોચ લાગતો હોય તો એવી સંસ્થામાં જોડાઈ જવું જોઈએ જયાં પૈસાનો વહીવટ, વસ્તુઓનો સંચય અને મોજશોખની પ્રવૃત્તિ ચાલતી હોય, ઘણી આવી સંસ્થાઓ અને વ્યવસ્થા હાલ છે કે જ્યાં વ્યવસ્થાપકો ધંધા-વ્યાપાર સાથે જોડાયેલા છે. ઉપર છલ્લી ભક્તિ કરતાં, ધન-દોલત-વૈભવ-પૈસા પ્રતિષ્ઠામાં આસકત છે ત્યાં જઈ મનને સંતુષ્ઠ કરી લેવું જોઈએ.

અગર ઉપરોકત વાતો હૃદયમાં બાણ જેમ લાગતી હોય, અહં ઘવાતો હોય, છતાં કલ્યાણકારી લાગતો હોય તો, આવી જીજ્ઞાસુ વ્યક્તિઓએ માત્ર એક જોડી કપડાં અને બે કમ્બલ લઈ, હાથમાં એક પાત્ર સાથે, પોતાની જન્મભૂમિના કોઈ પણ એક છેવાડે ડેરા નાખી, રોજે જઈને ભિક્ષા માંગવી જોઈએ. ભિક્ષા આરોગી ચોવીસ કલાક પ્રભુ ભક્તિમાં મસ્ત રહેવું જોઈએ. આ માર્ગ અપનાવાથી ટીકા ટીપ્પણી પણ થશે, પ્રશંસા પણ થશે, પોતાના અનેક જન્મોના સંચિત કર્મો કપાશે, અહંકાર ભાંગી જશે અને પરમાત્મા દેખાવા લાગશે. આ રીતે ભિક્ષા વૃત્તિ ન કરવી હોય તો પોતાથી નિશ્ચિત કરેલા આશ્રમમાં રહી પોતાના મનચિત્ત-બુધ્ધિ, આત્મબળ વધારી કોઈ એવી પ્રવૃત્તિ કરવી જોઈએ કે ગુરુ, ગુરુઆશ્રમ અને આશ્રમવાસીઓ માટે હું ઉપયોગી બનું. યેન કેન પ્રકારે જનતા જનાર્દનને ઉપયોગી બનવું જોઈએ.

મુમુક્ષુ સાધકે કાયમ વિચાર કરતા રહેવું જોઈએ કે - હું માનું છું કે બધુ છોડીને આવ્યો છું તે કેટલું સાચું છે ? મેં અત્યાર સુધી જેટલી ચિંતા પોતાના કુટુંબની પરિવારની કરી છે, દ્વવ્યો ઉપાર્જીત કરી જે એ લોકોને આપ્યું છે, તે અત્યારે મારા મનથી આ બધા છુટી ગયા છે કે નહીં ? હું ભેદભાવ રહીત બીજાઓ માટે પણ એટલી લાગણી કે સેવાભાવ ધરાવું છું ? નહીં તો ત્યાગને લાયક બનવું જોઈએ.

હું આશ્રમમાં કે કોઈ સંસ્થામાં રહું છું તો હું ગુરુની સેવા કરું છું કે કરાવું છું ? હું પોતા પાસે જે કાંઈ છે તે પોતાનું માની જે રીતે જીવું છું તે જીંદગી ખરેખર સાચી છે ? હું ગુરુ કે સંસ્થા માટે શું કરું છું ? બરોબર વિચારવું જોઈએ અને તન-મનથી બને તેટલી સંસ્થાની સેવા કરવી જોઈએ.

ઉપરોકત દરેકનો સાર અને નિચોડ એ છે કે, સાધક પોતાનું તન-મન-ધન બહારથી અને ભીતરથી સદગુરુને સમર્પણ કરી, સદગુરુ સમક્ષ હાથ જોડી અર્જુનની જેમ, ભિષ્મ પિતામહની જેમ, શરણાગત ભકતોની જેમ જે જીવે તે સાચા સાધક છે. એટલે જેને ખરેખર પ્રભુમય, ભક્તિમય જીવવું હોય તેઓ પાસે જે એમનું કહેવાય છે તે કશું ન હોવું જોઈએ. ઉપર આકાશ, નીચે ધરતી અને સર્વત્ર ચારે બાજુથી ગુરુ અને ઈશ્વરકૃપાથી જે આવૃત્ત થઈ રહે છે તેને બધુ મળી રહે છે.

હે સાધક ! ત્યાગ, સમર્પણ, સત્ય, સંતોષની પથારી ઉપર વિશ્રામ કરો, ધીરજ રૂપી બિસ્તરા ઉપર રહી, સદગુરુ કૃપાની પછેડી ઓઢો, વ્યાધિથી પીડાતા શિરને સંતોષ રૂપી ઓશિકા આપો, સદગુરુ કૃપાનું રસપાન અને નામ જાપનું રસપાન કરતાં પરમ શાંતિ પ્રાપ્ત કરો. તમારો અહંકાર આ બધી વાતો કદાચ સ્વીકારવા દેશે નહીં, તર્કની જાળમાં તમને ગુંથશે, પ્રશ્નોત્તરીની કસરત કરાવશે તો પણ અગર બધી વાતો સમજાય તો ઠીક. જીવનમાં મમતા, આસક્તિ, ઈચ્છાઓને માથું ઉંચકવા દેવાય નહીં.

આ સત્સંગ સરખો સમજી વિચારીને વાંચજો. કડવા-મીઠા શબ્દો ધીમે-ધીમે હજમ કરજો. સદગુરુ અને ઈશ્વર સાચા માતા-પિતા અને ભવરોગના વૈદ્ય છે અને જે રીતે સાધકનું કલ્યાણ થાય, ભલુ થાય તેમ કરે છે, સાધકે આત્મ કલ્યાણનો માર્ગ સાચી રીતે નિર્ણય કરી અપનાવવો જોઈએ.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"સાધક પોતાનું તન-મન-ધન બહારથી અને ભીતરથી સદગુરુને સમર્પણ કરી, સદગુરુ સમક્ષ હાથ જોડી અર્જુનની જેમ, ભિષ્મ પિતામહની જેમ, શરણાગત ભકતોની જેમ જે જીવે તે સાચા સાધક છે. એટલે જેને ખરેખર પ્રભુમય, ભક્તિમય જીવવું હોય તેઓ પાસે જે એમનું કહેવાય છે તે કશું ન હોવું જોઈએ. ઉપર આકાશ, નીચે ધરતી અને સર્વત્ર ચારે બાજુથી ગુરુ અને ઈશ્વરકૃપાથી જે આવૃત્ત થઈ રહે છે તેને બધુ મળી રહે છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Sanyas Sadhana Mumukshu Tyag sadhana success MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace