Skip to main content

જડનો ચેતનને ઉપદેશ

કોઈ પવિત્ર આત્મા કોઈ ગુરુથી ઉપદેશ લઈ વર્ષોથી સાધના-ઉપાસના કરતા હતા, વર્ષો પછી એક દિવસ તે ભગવાન શંકરના મંદિરે જાય છે અને ત્યાં બેઠા બેઠા મૂર્તિ સામે જોતાં મનોમન વિચાર કરે છે કે - વર્ષોથી સાધના ઉપાસનામાં જોડાયેલો છું. મારી પ્રગતિ થાય છે કે નહિ, મને ભગવાન મળશે કે નહીં, મારી સાધના-ઉપાસના બરાબર ચાલે છે કે નહીં વગેરે ઘણા વિચારો કરતા-કરતા ભગવાન શંકરના લિંગ સામે અંતરથી પ્રાર્થના કરે છે કે - મારા ગુરુ અત્યારે હાજર નથી, તેઓનું શરીર વિલીન થઈ ગયું છે એટલે હે ભગવાન ! મારે માટે કાંઈક રસ્તો બતાવો. એ રીતે ઘણી આજીજી કરીને થોડીવાર બેસે છે. પણ ભગવાન તરફ્થી કોઈપણ ઉત્તર મળતો નથી. થોડીવાર પછી ઘરે આવી જાય છે. બીજા દિવસે ફરી મંદિરે જવાનો વિચાર કરે છે અને બોલે છે કે આ મંદિર ખૂબ જ ચેતન છે. આ શિવલિંગના ખૂબ જ વખાણ થાય છે. ઘણા લોકોની મનોકામના પુરી થાય છે એટલે કદાચ આજે મને જવાબ મળે એ આશાથી ફરીથી મંદિરે જાય છે અને મનોમન કાલનો જ પ્રશ્ન આજે પણ દોહરાવે છે. થોડીવાર ધ્યાનમાં બેસે છે. આજે પણ કોઈ જાતનો ઉત્તર મળતો નથી. નિરાશ થઈને ફરી પાછા આવી જાય છે. ત્રીજા દિવસે સવારે ઉઠે છે. હવે મંદિરે જવાનું માંડી વાળવું જોઈએ તેમ વિચાર કરી રહ્યા હતા એટલામાં જાણે અંદરથી કોઈ પ્રેરણા કરે છે કે આજે પણ મંદિરે જવું જોઈએ અને એકાંતમાં મોડે સુધી બેસવું જોઈએ. આ અંતઃપ્રેરણાથી પ્રેરાઈ ફરી તે ત્યાં જાય છે અને પહેલા જેમ પ્રાર્થના કરે છે, મોડે સુધી બેઠા, કોઈ જાતનો જવાબ ન મળતાં મનોમન વિચાર કરવા લાગે છે કે -

આ મૂર્તિમાં ભગવાન હશે અથવા તો માણસોની ભાવના જ મૂર્તિમાં ભગવાન દેખાતા હશે અગર ભગવાન હોય તો મને જવાબ કેમ ન મળે ? એમ કલ્પના કરતા-કરતા એવા નિર્ણય ઉપર આવ્યા કે - પત્થરમાં ભગવાન હશે નહીં. આમ વિચારી ઉઠીને ચાલવાની તૈયારી કરે છે એટલામાં મંદિરમાંથી અવાજ આવે છે. “ભકત ! તારી શું ઉલઝન છે ? તારે શું જોઈએ ? તું કેમ ભટકે છે ?” આ ગેબી અવાજ સાંભળી સાધક મંદિરમાં જુએ છે પણ કાંઈ દેખાતું નથી છતાં શિવલિંગમાંથી અવાજ આવે છે. શિવલિંગ હાલતું-ડોલતું નથી, પૂર્વવત્ સ્થિર છે. ફરી અવાજ આવે છે - તારે શું પુછવું છે ?

ભકત બોલે છે, “ભગવાન, આપ કોણ બોલો છો ? શિવલિંગ તો સ્થિર છે છતાં આ જડમાંથી અવાજ કયાંથી આવે છે ?”

ફરી ગેબી અવાજ સંભળાય છે “હું ચૈતન્ય બ્રહ્મ છું, શિવ છું.” ભકત બોલે છે કે, “ભગવાન, મારી એક શંકાનું નિવારણ કરો કે આ પત્થર ભગવાન છે કે આપ પત્થરથી કોઈ જુદા ભગવાન છો અગર પત્થર ભગવાન હોય તો તે હાલતા-ડોલતા કેમ નથી.”

ભગવાન બોલે છે કે, “આ પત્થર ભગવાન નથી છતાં ભગવાન અણુ-અણુમાં વ્યાપ્ત છે. આ નિયમ પ્રમાણે પત્થર પણ ભગવાન છે. આ સૂક્ષ્મ ઈશ્વરનું સ્વરૂપ સૂક્ષ્મ દૃષ્ટિ સિવાય જોઈ શકાતું નથી એટલે તમને પત્થર જડ લાગે છે અને એક દૃષ્ટિએ પત્થર જડ જ છે ભગવાન નથી.”

ભકત બોલે છે, “ભગવાન, આ જડમાં ચેતન કેવી રીતે છે તેનું રહસ્ય સમજાતું નથી.” ભગવાન બોલે છે, “ભકત, જે જડ છે તેને જ તમારા જેવા લોકો બધા ભગવાન બોલે છે અને તે જડ જ તમારા લોકો જેવા ચેતનને બોધ આપે છે. ચૈતન્ય બ્રહ્મ અંગે એક નાનો એવો દાખલો તમને સમજાવું છું, આ સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્મમાંથી થાય છે. બ્રહ્મ એકોહમ બહુસ્યામિની ભાવના કરે છે ત્યારે ક્રમથી સૃષ્ટિ બની જાય છે. જેમ કે પ્રકૃતિ અને પુરુષ મહદ્તત્ત્વ, મહદ્ત્તત્ત્વ તેમાંથી પંચમહાભૂતો, ત્રણ ગુણો અંતઃકરણ ચતુષ્ટય વિગેરે. તે પછી અન્ય સૃષ્ટિઓ થઈ જાય છે. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી અને એ રીતે મહાપ્રલયમાં ક્રમથી એક-બીજામાં લય પામતાં બ્રહ્મમાં સમાઈ જાય છે. નિયમ પ્રમાણે સમજાય છે કે સારી સૃષ્ટિ ચૈતન્ય છે. કોઈપણ વસ્તુ જડ છે જ નહીં છતાં જે જડ દેખાય છે તેનું કારણ એક જ છે કે બ્રહ્મની સૂક્ષ્મગતિ, સૂક્ષ્મસ્થિરતા જોવાની શક્તિ બધામાં નથી. સમર્થ ગુરુની કૃપા પછી જ્યારે ત્રીજું નેત્ર ખુલી જાય છે ત્યારે જ વ્યાપક બ્રહ્મનું સ્વરૂપ દેખાય છે છતાં લોક વ્યવહારમાં જડ અને ચેતન બંને છે.”

ભકત પૂછે છે કે, “પ્રભુ, આપની વાત આપની કૃપાથી સમજાય છે. અત્યારે આ પત્થરમાં જે સૂક્ષ્મ બ્રહ્મ છે તે જ બોલી રહ્યા હોય તો દરેક પત્થરમાં, શિલામાં જે ચૈતન્ય બ્રહ્મ વ્યાપ્ત છે તે કેમ નથી બોલતા ?, કેમ પ્રગટ થતા નથી ? અને બધા પત્થરને બધાય ભગવાન કેમ નથી માનતા ?”

ભગવાન બોલે છે કે, “ભકત ! સાધનાની શરૂઆત ભાવાવસ્થામાં પ્રવેશ કર્યા પછી જ થાય છે. ભાવ જગતનું નિર્માણ કરવા માટે પણ પ્રથમ આધાર જોઈએ. જે રીતે અગ્નિ સર્વત્ર વ્યાપ્ત છે, દરેક પત્થરમાં ઘર્ષણ કરવાથી તણખા નીકળી શકે છે છતાં તે વ્યાપ્ત અગ્નિથી લાકડું સળગતું નથી. પત્થર પર બેસવાથી દઝાતું નથી અગર તે અગ્નિ પ્રગટ થઈ જાય તો તેને અડી શકાતું નથી. એ રીતે વ્યાપક બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત છે છતાં તે સાધનારૂપી મંથન સિવાય જોઈ શકાતું નથી. એટલે દરેક પત્થરમાં ભગવાન છે અને સૌથી વધારે તમારામાં છે. ”

ભકત બોલે છે કે, “અગર મારા જેવા માનવી ભગવાન હોય તો લોકો પત્થરની મૂર્તિને ભગવાન માની તેની પાસે શા માટે આવે છે ?”

ભગવાન બોલે છે કે, “પત્થર જડ છે છતાં એમની પાસે તમારા જેવા ચેતન ઉપદેશ લેવા આવે, દર્શન કરવા આવે તે સમજવાની વાત છે. હવે, હું તમને પ્રશ્ન કરું છું કે આ પત્થરમાં ચેતન નાખનાર કોણ ? અગર કોઈપણ પત્થરમાં ભગવાનનું ચિત્ર કોતરી દેવામાં આવે અને તે ભગવાન બની જાય એવી તમારી માન્યતા હોય તો દુકાનદારની દુકાને હજારો મૂર્તિઓ પડી હોય છે તો ત્યાં ભગવાન માની દર્શન કરવા કેમ જતા નથી ? અગર તમે બોલો કે પ્રતિષ્ઠા કર્યા પછી પત્થરમાં ભગવાન આવે તો પ્રતિષ્ઠા કરનાર તમારા જેવા માનવી જ છે અગર ચેતન જડમાં પ્રતિષ્ઠા કરીને જડને ભગવાન બનાવી દે અને ચેતન જડ જેવા ફરે તો આ કેવો વિચારવા જેવો પ્રશ્ન છે.”

ભકત પૂછે છે કે, “ભગવાન, આ પ્રશ્ન સમજાતો નથી. આપ ભગવાન છો મને સમજાવો કે જડ-ચેતનનું રહસ્ય શું છે.”

ભગવાન બોલે છે, “હું ચૈતન્ય બ્રહ્મ છું. અત્યારે આ પત્થરમાંથી જ બોલું છું. તમારી અંદર પણ એજ રીતે વ્યાપ્ત છું પણ તમને દેખાતો નથી તેનું કારણ એક જ છે કે માનવીની છાયા છાયો હોય કે તડકો હોય સર્વત્ર એક સરખો પડે છે પણ તે છાયા અરીસા સિવાય બીજે કોઈપણ ઠેકાણે સ્પષ્ટ દેખાતી નથી. લુગડાં જેટલા વધારે સફેદ હોય એટલો જ રંગ સ્પષ્ટ દેખાય છે એ જ રીતે જેનું હૃદય જેટલું નિર્મળ હોય, સરળ હોય, ગુરુ અને દેવમાં સરખા જ ભાવ હોય, અનન્ય શરણાગતિ હોય તેઓના હૃદયમાં ઈશ્વરની ઝાંખી સ્પષ્ટ થાય છે એટલે કે આત્મતત્ત્વ સમજાય છે.

ભકત પૂછે છે કે, “ભગવાન આ પત્થરને હ્દય નથી, મન નથી, એમાં ચૈતન્ય નથી તો એની અંદર આપની ઝાંખી કઈ રીતે થાય છે.”

ભગવાન બોલે છે કે, “હે ભક્ત ! જે આ પત્થર છે જેને તમે જડ બોલો છો તે જ ઉપદેશ આપી રહ્યા છે એનું કારણ એ છે કે - આ પત્થરનું મૂળ સ્વરૂપ ખૂબ જ બેઢંગુ હતું. કારીગરો પત્થરને ઉપાડીને કારખાને લઈ આવ્યા ત્યારે આવવામાં વિરોધ ન કર્યો, તે પછી ઘણ અને છીણીથી તેને કાપી કાપીને ગોળ કરવામાં આવ્યો ત્યારે પણ પત્થરે સહન કર્યું. એ પછી તેને મશીનમાં નાખી ગોળ-ગોળ ફેરવ્યા અને ઘસીને લીસા બનાવ્યા તો પણ પત્થરે વિરોધ કર્યો નહિ અને અંતરમુખ થઈ બધુ સહન કરેલ છે. આ સહનશક્તિને કારણે પત્થર ભગવાન બની ગયા છે. બધાયે ભાવના કરી-કરીને આ પત્થરમાં ભગવાન ભરી દીધા છે. આ જે સૂક્ષ્મ ચૈતન્ય અણુ-અણુમાં વ્યાપ્ત છે તે આજે પત્થરોની સહનશક્તિ જોઈ પ્રગટ થઈ ગયા છે. એવી રીતે જે કોઈ આ સંસારમાં આવી ખૂબ સહન કરે છે છતાં કોઈને દુ:ખ નથી આપતા, માર ખાઈને પણ આશીર્વાદ આપે છે, ભલાઈ જ ઈચ્છે છે, પરોપકારમાં જોડાએલા રહે છે. સુખમાં, દુઃખમાં, હાનીમાં, લાભમાં, પ્રાપ્તિમાં, અપ્રાપ્તિમાં, માનમાં, અપમાનમાં જે ચલિત નથી થતાં તેઓની અંદર સ્પષ્ટરૂપે ભગવાનની ઝાંખી થાય છે અને તે મહાન બની જાય છે. હવે, તમે તમારા ગુરુ ચરણમાં સંપૂર્ણ શ્રદ્ધા rakhi સાધના-ઉપાસના કરો. અત્યારે જે તમને ગુરુનો અભાવ ખટકે છે તે ભ્રમ છે. સ્થૂળ શરીરને ગુરુ માનવા તે અજ્ઞાનતા છે. સ્થૂળ શરીર તો પ્રાથમિક ભૂમિકા માટે માર્ગદર્શન લેવા-દેવા માટે અપેક્ષિત છે, જ્યારે સૂક્ષ્મ તત્ત્વમાં પ્રવેશ થઈ જાય છે ત્યારે સ્થૂળની જરૂર રહેતી નથી. ગુરુતત્ત્વ બ્રહ્મનું સ્વરૂપ છે, અણુ-અણુમાં વ્યાપ્ત છે. બ્રહ્મમાં તેમજ ગુરુમાં કોઈ ફેર નથી. બ્રહ્મ ગુરુ સિવાય મળે નહીં. તે શાસ્ત્ર સંમત વાત છે એટલે બ્રહ્મ જ પ્રથમ ગુરુ બની બોધ આપીને બ્રહ્મતત્ત્વમાં સમાઈ જતા હોય છે એટલે તમારા ગુરુ તમારી સાથે જ છે. આ તમારા ગુરુનો જ પ્રતાપ છે કે આ જડ પત્થરમાં વ્યાપી રહેલા સૂક્ષ્મ ચૈતન્ય બ્રહ્મને આજે બોલાવી રહ્યા છે.”

ભકત પૂછે છે, “ભગવાન ! મારી ઘણી ઉલઝનો નીકળી ગઈ. મારા ગુરુ મારી પાસે જ છે તેની થોડીક પ્રતિતી કરાવો” એટલે ફરીથી શિવલિંગમાંથી અવાજ નીકળે છે. “ભકત ! સાધનાના બે માર્ગ છે સાકાર અને નિરાકાર, ભક્તિ અને જ્ઞાન. લક્ષ પ્રાપ્તિ માટે બંને પોતપોતાની જગ્યાએ મહાન છે. જ્ઞાની અણુ-અણુમાં એક જ તત્ત્વને જોતાં પોતાનામાં પણ એ જ તત્ત્વ છે એટલે કે હું પોતે જ બ્રહ્મ છું એ ભાવના સાથે સોહમનો જાપ કરતા ક્રમે-ક્રમે પ્રણવમાં, નાદમાં, તેજમાં, બિંદુમાં પ્રવેશી શાંત બ્રહ્મનું સ્વરૂપ લઈ લે છે. બીજી બાજુ ભક્ત સાકાર ઉપાસના કરતા સાકાર બ્રહ્મનું સતત ધ્યાન ચિંતન કરતા-કરતા ભૃગકીટન્યાય પ્રમાણે ઈષ્ટના સ્વરૂપમાં તલ્લીન થઈ તે જ બની જતા હોય છે એટલે શિવલિંગમાં તમારી ઉલઝન દૂર કરવા માટે તમારા જ ગુરુ શિવ સ્વરૂપમાં આજે ઉપદેશ આપી રહ્યા છે. હવે તમે ઈન્દ્રીઓને અંતરમુખ કરી આંખો બંધ કરી ધ્યાનમાં બેસો તમને ઘણી અનુભૂતિઓ થશે. જે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે શરીરમાં મૂલાધારથી લઈ સહસ્ત્રાર સુધીમાં ગણપતિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે બધા દેવતાઓ , છેવટે સહસ્ત્રારમાં સદગુરુ પરમાત્મા અથવા તો પરબ્રહ્મ પરમેશ્વરનો વાસ છે. જ્યાં સુધી દૃષ્ટિ અંતરમુખ થાય નહીં, પંચકોષ, પંચપ્રાણોની શુદ્ધિ થાય નહીં, ચક્ર ઉઘડે નહીં, કુંડલિની જાગે નહીં, આજ્ઞાચક્ષુ ખુલે નહીં ત્યાં સુધી આ સૂક્ષ્મ તત્ત્વોની અનુભૂતિ થતી નથી. આ સમર્થ ગુરુની કૃપા સિવાય સંભવ પણ નથી.”

ભકત આ વાતો સાંભળી ધ્યાનમાં બેસી જાય છે. ગુરુનું સ્મરણ કરે છે. એકાએક શરીરમાં ક્રિયાઓ થવા લાગે છે. લયયોગ, ક્રિયાયોગ, અંતરયોગના આધારે સૂક્ષ્મ બ્રહ્માંડના દર્શન થાય છે. સમસ્ત દેવી-દેવતાઓની ઝાંખી થાય છે છેવટે બધા એક-બીજામાં લય પામતા તે જ બિંદુમાં પરિણમે છે અને પછી શાંત બ્રહ્મની અનુભૂતિ થાય છે. સર્વત્ર પોતાના સદગુરુની ઝાંખી થાય છે. શિવલિંગમાં પણ ગુરુની ઝાંખી થાય છે તે પછી ભકતનું ધ્યાન ખૂલી જાય છે આંખો ઉઘડી જાય છે અને શિવલિંગ પાસે ઉભેલા પોતાના ગુરુ દેખાય છે તે ગુરુમાં ક્યારેક શિવ કયારેક ગુરુ વારંવાર બદલાય છે તેવી અનુભૂતિ થાય છે. ભક્ત ગદગદ્ થઈ જાય છે, પ્રેમાશ્રુ ઝરે છે, અવાક થઈ જાય છે, વાણી નીકળતી નથી. માત્ર પ્રેમભાવની દૃષ્ટિથી ચરણાવલોકન કરે છે.

સામેથી ફરીથી અવાજ આવે છે કે, “હે ભકત ! તારી અંદર પણ હું અખંડ વ્યાપ્ત છું. સમય પાકે નહીં ત્યાં સુધી મારો પ્રાગટ્ય થતો નથી. ભકતોના પ્રારબ્ધકર્મો જ્યાં સુધી સંપૂર્ણ રીતે કપાઈ ન જાય, અંતઃકરણ ચતુષ્ટય શુધ્ધ ન થઈ જાય, મન વાસનારહિત ન બની જાય, ચિત્તમાં સ્થિરતા ન આવી જાય ત્યાં સુધી હું અંદર હોઉં છું છતાં દેખાતો નથી અને ઉપરોકત સ્થિતિમાં મુકવા માટે, કર્મો કાપવા માટે શુધ્ધિ કરવા માટે જ્યારથી હું અપનાવી લઉં છું ત્યારથી સમસ્ત વિધીઓ કર્યા કરું છું. સાધકની શરણાગતી જેટલી ગાઢ થતી જાય છે, ગુરુ ચરણમાં શ્રધ્ધા-વિશ્વાસ જેમ દંઢીભૂત બને છે તેમ-તેમ આધ્યાત્મિક પ્રગતિ ઝડપી થાય છે. આ માર્ગમાં અહમ્ ખૂબ જ બાધક ગણાય છે. અહમ્ થી પતન થઈ જાય છે, લપસી જવાય છે એટલે અહમ્ આવવા દેવું નહીં. બીજી વાત એ કે જે ભકતો ઉપર હું ખૂબ જ કૃપા કરું છું તેના કલ્યાણ માટે આ કારણે જ નિંદા ટીકા કરાવું છું જેથી કે ભકતોના બધા કર્મો જલદી કપાઈ જાય. પોતાની સાધના ઉપાસનાના બળ ઉપર કોઈ સાધક પોતાના કર્મો કાપી શકે નહીં એટલે હું લાખો કરોડો નિંદકો ઉભા કરી કર્મોં કપાવી લઉં છું. નિંદા કરનારા વચ્ચેવચ્ચે બધા કર્મોને નિંદા કરીને લઈ લે છે અને સાધક નિર્મળ બની જતા હોય છે અને ત્યારે જ મુક્તિ મળી જતી હોય છે. આ મુક્તિના માર્ગે ચાલી સફ્ળતા મેળવવામાં લાખો કરોડોમાંથી એકાદ નીકળતા હોય છે તેનું કારણ એક જ છે કે કર્મોં કાપવા માટે સદગુરૂ અને ઈશ્વર જે જે નાટક ઉપસ્થિત કરતા હોય છે તેમાં સંસારી જીવાત્માઓ ચલિત થઈ જતા હોય છે અને પોતાનું માન-સન્માન મેળવવા માટે અઈચ્છનીય સુખની પ્રાપ્તિ માટે ફરીથી સંસારમાં ખેંચાઈ જતા હોય છે. તે જ પરમપદ પ્રાપ્ત કરી શકે છે, મુક્તિ મેળવી શકે છે કે જેને સદગુરૂ તેમજ પરમાત્મા સિવાય કાંઈ જોઈતું નથી છતાં સંસારી નાટકમાં જોડાઈ નાટકના સ્ટેજ ઉપર અસંગ અને અલિપ્ત ભાવે સાંસારીક દરેક નાટકો કરતા હોય છે તે આસક્તિ રહીત વ્યક્તિ સંસારીક વ્યવહારમાં જોડાએલા હોવા છતાં મન ચિત્ત બુધ્ધિ ભગવાનના ચરણમાં રાખી ચાલતા હોવાને કારણે સંસારમાં રહીને પણ મુક્તિ મેળવી લેતા હોય છે પણ દ્વૈતમાં, દ્વંદ્રમાં અકારણ નિંદા-ટીકામાં સાવધાની રાખી કોઈપણ દુ:ખોની ઉપસ્થિતિમાં જે ચલિત નથી થતા, હંમેશા એમ જ માનતા હોય છે કે જે કાંઈ થઈ રહ્યું છે તે મારા ભલા માટે જ છે, આમ માની ચાલનાર વ્યક્તિ મુકત થઈ જાય છે.

ભકત ગદગદ્ થઈ જાય છે. સદ્ગુરુના ઉપદેશથી સાધનામાં જોડાઈ સમસ્ત દુ:ખો સહન કરતાં લક્ષ્ય પ્રાપ્તિ કરે છે એટલે કે આ ચેતન જડના ઉપદેશથી મહાન બને છે અને બ્રહ્મની વ્યાપકતા સમજી આનંદ માને છે.

ગર્વ કિયો સોહી નર હાર્યો ||

અહીં ગર્વનો અર્થ અભિમાન, મદ, છકી જવું. અહમ્ ને નિરંકુશ બનાવવો, એવો (અર્થ) થાય છે, લેવાનો છે. ગર્વ એટલે ગૌરવ-સ્વાભિમાન એવો વિવેકથી સૌમ્ય અર્થ નથી લેવાયો. આપણા પુરાણો-ગ્રંથોમાં સીતા-મંદોદરી-દ્રૌપદી-તારા-અહલ્યા વિગેરેને સતી સ્ત્રીઓમાં આદરણીય સ્થાન આપવામાં આવ્યું છે. પુરાણ ગ્રન્થોના અનુસંધાને જોઈએ તો મંદોદરી એ માયાસુર નામના અસુર રાક્ષસની હેમા નામક પત્નીની પુત્રી હતી. પિતા અસુર હોવા છતાં માતા સંસ્કારી-ધાર્મિક અને સદગુણ સંપન્ન હોય તો અચુક તેમને ત્યાં સારા સંતાનો ગુરુકૃપા-ઈશકૃપાથી થાય છે જ. પ્રહલાદનુ ઉદાહરણ છે તેવુ જ ઉદાહરણ મંદોદરીનું આપવામાં આવે છે. રાવણ સાથેના લગ્ન બાદ પણ મંદોદરીએ પોતાની ધર્મ પરાયણતા, નીતિ, સંસ્કારયુક્ત જીવન વ્યવહારો પૂર્ણ દૃઢતા અને હિંમત સાથે જાળવી રાખ્યા હતા. રાવણ સાથે વૈચારિક ભૂમિકામાં પાયાની ભિન્નતા હોવા છતાં તેનુ ગૃહસ્થ જીવન, દામ્પત્ય જીવન, સંસાર જીવન, સંતાન જીવન પૂર્ણપણે સન્માનનીય અને આદર્શ હતુ. આવી ધર્મપરાયણ પત્ની રામ સાથેના યુધ્ધના આગલા દિવસે, એક દિવસ અગાઉ પણ ફરીવાર - છેલ્લીવાર, રામ સાથે યુધ્ધ ન કરવા, સીતાને માનસન્માન સાથે સુપરત કરવા પર્યાપ્ત વાજબી ન્યાયી અને સત્યાધારિત દલીલો સાથે રાવણને સમજાવે છે.

પ્રથમ દલીલ કરવાનું કારણ આપતા મંદોદરી જણાવે છે કે - હે રાજન ! રામના દૂત તરીકે અધિકૃત રીતે આવેલ અંગદે આપને યુધ્ધ ન કરવા, વિષ્ટિકાર રૂપે આદર સાથે વિનંતી કરી હતી. આપ કે આપના રાજદરબારે આ વાત અહમ્ તથા મજાકમાં લીધી હતી ત્યારે વાલીપુત્ર અંગદે પોતાનો જમણો પગ સભામાં આગળ મૂકીને કહ્યું કે મારો આ પગ આપની સભાનો કોઈપણ મલ્લ, યોદ્ધો, સરદાર સહેજ પણ હલાવી શકશે તો હું હાર્યો ગણાઈશ અને શ્રીરામ પરત જશે. તમામ યોદ્ધા, સરદારો, આપના પુત્રો પણ નિષ્ફળ ગયા ત્યારે આપ પોતે નામોશી બચાવવા આહ્વાહન ઝીલી લેવા નીચે ઉતરી તેનો પગ પકડયો, આપ પણ નિષ્ફળ ગયા. અંગદે કટાક્ષ કર્યો કે - મારા બદલે શ્રીરામના ચરણ પકડો તો કલ્યાણ થઈ જાય. આપ ન જ સમજ્યા.

બીજુ ઉદાહરણ આપતા સમજાવે છે કે રાજા જનકને ત્યાંના સ્વયંવરમાં તમે પણ ધનુષ ઉપાડી ના શક્યા અને રામ ધનુષ ઉપાડી સ્વયંવરમાં જીતી ગયા. મારિચને નિમિત બનાવી રામ-લક્ષ્મણને દૂર મોકલ્યા. લક્ષ્મણરેખાની તાકાત એવી કે આપે તપસ્વી સાધુનો આશરો લઈ, ભિક્ષા ગ્રહણના બહાને, લક્ષ્મણરેખા ઓળંગાવીને અપહરણ કરી યાચકવૃત્તિને લજવી સાધુતાને લજવી ત્યારે જટાયુ જેવા પક્ષીરાજની સલાહ પણ ના માની.

હે રાજન્ ! આપને રામના સામર્થ્યની, તેના દુત, સૈન્યોના સામર્થ્યનો પરિચય પણ કયાં નથી ? આપને અનુભવ છે જ. માત્ર સીતાની શોધમાં આવેલ રામદુત હનુમાને આપનો બંદિ હોવા છતાં લંકા દહન કયાં નહોતુ કર્યું. આપ એમને શું કરી શકેલા ? આપના પુત્રો, પરિવારજનો, રાજ દરબારીઓ, યોદ્ધા, સૈન્ય, સરદારો કશું જ કરી શક્યા ન હતા. શુર્પણખા આપની બહેને રામના ભાઈ લક્ષ્મણ સાથે પરણવાની ઈચ્છા-ચેષ્ટા વ્યક્ત કરી ત્યાં તેના નાક-કાન લક્ષ્મણે કાપી લીધા હતા. આપ બહેન માટે શું કરી શક્યા ? યુધ્ધ કરો તો પણ કપાઈ ગયેલા નાક-કાન બહેનને થોડા પરત અપાવી શકવાના છો ? યુધ્ધથી સૈન્યને, પરિવારને આપણી સોનાની લંકાની સમૃધ્ધ પ્રજાને કેટલુ નુકશાન થશે ? રામદુત હનુમાન સાથેની વાતચીત-સંવાદથી પણ સમજીને આપના ભાઈ વિભીષણ રામ સાથે યુદ્ધ સલાહકાર તરીકે જોડાઈ ગયા છે તે ઘટના આપને આ યુધ્ધમાં કેવી નુકશાનકારક બનશે તે પણ આપ સમજવા કોશીશ કરો તે ઈચ્છનીય છે. માત્ર વાનર સૈન્યની મદદ લઈને હનુમાન, સુગ્રીવે સમુદ્રમાં સેતુબંધ સરળતાથી બાંધી આપ્યો. આવી વિવિધ દલીલોની રાવણ પર સહેજે પણ અસર ન થતાં મંદોદરી થાકતી નથી, નિરાશ થતી નથી અને સહૃદયતાથી-ઋજૂતાથી પુનઃ વિનવે છે કે,

શ્રીરામને આપ માનવ ન જ સમજો. શ્રીરામ તો સાક્ષાત્ ઈશ્વર જ છે, માત્ર માનવ સ્વરૂપ દેખાય છે તેટલુ જ છે. કાળ કોઈનેય કયારેય પ્રત્યક્ષ રીતે તો મારતો જ નથી, પરંતુ તેના ધર્મ-બળ-બુધ્ધિ-વિવેક-વિચારશક્તિ વિગેરે સદગુણો હરી લે છે અને તેની જગ્યાએ મદ-અહમ્-ખુશામતો-ક્રોધ-કામ વિગેરેને ભરી દે છે. માત્ર આપના અહમ્ ને કારણે બે પુત્રો ગુમાવ્યા, નગર બળી ગયું અને હવે રહ્યુ-સહુ સૈન્ય અને થોડા બચી ગયેલા પરિવારનો તો સહેજ વિચાર કરો. પત્ની તરીકે મારા સૌભાગ્યનો તો વિચાર કરો અને શ્રીરામ સાથે યુધ્ધ માંડી વાળી અપહુત સીતા શ્રીરામ ચરણે સોંપી ભૂલનુ પ્રાયશ્ચિત કરો તેમાંજ આપણુ સહુનુ, આપણી પ્રજાનુ, સમાજનુ, કલ્યાણ-હિત છે.

પત્નીની આવી ડાહી-ડાહી શીખામણને પોતાના પુરુષત્વનુ સત્તાધીશપણાનુ અપમાન લાગતા તે પત્ની મંદોદરીને પણ જેમ તેમ અપમાન કરી ધુત્કારે છે તો પણ સૌજન્ય મૂર્તિ મંદોદરી આખરે કહે છે કે,

ગુરૂ વિનાની વિધા અવિદ્યા છે. ગુરુ કૃપા વિનાનુ તપ, સાધના, કલ્યાણના બદલે સ્વેચ્છાચાર લાવે છે. આસુરી શક્તિને નિયમમાં રાખવાના બદલે નિરંકુશ બનાવે છે. અમારા અને પ્રજાના કમનશીબ કે શક્તિશાળી શાસકને ગુરુ વિના સત્તા મળી છે. ગર્વ કીયો સોહી નર હાર્યો.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"સાધકની શરણાગતી જેટલી ગાઢ થતી જાય છે, ગુરુ ચરણમાં શ્રધ્ધા-વિશ્વાસ જેમ દંઢીભૂત બને છે તેમ-તેમ આધ્યાત્મિક પ્રગતિ ઝડપી થાય છે. આ માર્ગમાં અહમ્ ખૂબ જ બાધક ગણાય છે. અહમ્ થી પતન થઈ જાય છે, લપસી જવાય છે એટલે અહમ્ આવવા દેવું નહીં."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Murti Garv Abhiman Ravan Mandodari MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace