Skip to main content

નવરાત્રી અને શક્તિપૂજા

નવરાત્રીના ઉત્સવો એ શક્તિની આરાધનાના ઉત્સવો છે. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. મહા માસ, ચૈત્ર માસ, અષાઢ માસ અને આસો માસ. એ ચાર મહિનાઓના શુક્લ પક્ષની એકમથી નોમ સુધીના દિવસો નવરાત્રી તરીકે ઓળખાય છે. આ ચાર પૈકી બે નવરાત્રી ગુપ્ત અને બે નવરાત્રી પ્રગટ હોય છે. આ ચારેયમાં આસો માસનાં નોરતાં અથવા નવરાત્રી ખૂબ પ્રસિધ્ધ છે.

આસો નવરાત્રીના સમયનું ભારે મહત્ત્વ છે. આસો નવરાત્રી એટલે શરદઋતુના દિવસો. આયુર્વેદ કહે છે કે શરદઋતુ મનુષ્યના સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ ઋતુ છે. શરદઋતુને જે હેમખેમ પાર કરી જાય તેને પછી આખું વર્ષ સ્વાસ્થ્યની ચિંતા રહે નહી. તેથી આશીર્વચનમાં ‘શતમ્ જીવ શરદ' એમ કહેવાય છે. ‘રોગાનામ્ શારદી માતા' શરદઋતુ રોગોની માતા છે. આ સંદર્ભમાં જોતાં આ દિવસોમાં શક્તિની ઉપાસન કરવાનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે.

નવરાત્રી દરમ્યાન નાની-નાની બાલિકાઓ ગરબે ઘૂમે છે. ઘેર-ઘેર ગરબા સ્થાપના કરવામાં આવે છે. માટીનો ગરબો માનવ દેહનું પ્રતીક છે. ગરબામાં જે છિદ્રો હોય છે તે મનુષ્યની ઈન્દ્રિયોનું પ્રતીક છે. ગરબાની અંદર જે જ્યોત છે તે મનુષ્યની અંદર સતત પ્રજ્જવલિત આત્મજ્યોતનું પ્રતીક છે. ભીતરની સતત જલતી જ્યોત ઈન્દ્રિયોનાં દ્વારો વાટે વિશ્વને પણ પ્રકાશિત કરે એવી ગરબાની ભાવના છે.

એમ માનવામાં આવે છે કે નવરાત્રી દરમ્યાન માતાજી સાક્ષાત્ પધારે છે. માતાજીનું પ્રાગટ્ય નવરાત્રી દરમ્યાન કઈ રીતે થાય છે તે બાબત પણ સમજવા જેવી છે. માતાજી એટલે શક્તિ તત્ત્વ, શક્તિને કોઈ આકાર હોતો નથી. શક્તિ પોતે અપ્રગટ રહીને વિશ્વને કાર્યશીલ બનાવે છે. કોઈ માણસ હાથમાં પથ્થર લઈને તેને દૂર ફેંકે છે ત્યારે તે પથ્થરને કોણ ગતિ આપે છે ? આપણને દૂર જતો ગતિશીલ પથ્થર દેખાય છે, પરંતુ તેને ગતિ આપનાર શક્તિ દેખાતી નથી. એ શક્તિ તો અપ્રગટ જ રહે છે, છતાં બધું કાર્ય કરાવે છે. ‘શક્તિ' શબ્દ સ્ત્રીલિંગ હોવાથી આપણે શક્તિને નારીના રૂપમાં પૂજીએ છીએ, પરંતુ ખરેખર તો જેને બાહ્ય આકાર છે જ નહીં તેને લિંગભેદ પણ હોઈ શકે નહીં એટલે શકિત સ્ત્રી, પુરુષ તથા અણુ અણુમાં રહેલ તત્ત્વ છે. છતાં મનુષ્યને સમજાવવા માટે શાસ્ત્રોએ શક્તિને બ્રહ્માણી, રૂદ્રાણી, લક્ષ્મી, અંબાજી, ખોડિયાર, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, બગલામુખી, કાલી, ત્રિપુર સુંદરી, માતંગિની, તારા, ઘૂમાવતી વગેરે અનેક નામો આપેલ છે તથા તેમની પૂજાની વિવિધ વિધિઓ બતાવેલ છે. માઁનાં નામ અનેક છે પરંતુ માઁ તો એક જ છે. જુદાજુદા સમયે આ માતૃ તત્ત્વ અથવા શક્તિ તત્ત્વ અવતાર ધારણ કરીને નિશાચરોનો સંહાર કરે છે તથા ભક્તોનું રક્ષણ કરે છે તેથી તે જુદા જુદા નામથી ઓળખાય છે. આ શક્તિ તત્ત્વને માઁનું સ્વરૂપ આપવા પાછળ પણ ઘણું ઊંડું રહસ્ય છે. માઁ શબ્દ ખૂબ જ પવિત્ર છે. વાત્સલ્યથી ભરપૂર છે. શાંતિદાયક છે. જે રીતે આ સંસારમાં માઁ પોતાના સંતાનોનું રક્ષણ જ કરે છે, ભલું જ ઈચ્છે છે, તેમ આ શક્તિ પણ સમગ્ર વિશ્વના જીવોનું હિત જ કરે છે, શક્તિને માઁના સ્વરૂપે ભજવાથી ભક્તિભાવ અને સમર્પણભાવ જાગી ઊઠે છે તેથી શક્તિ તત્ત્વને માઁના સ્વરૂપે ભજવામાં આવે છે. પશુ અને પક્ષીઓની સૃષ્ટિમાં પણ માતાનો સંતાન માટે અનન્ય પ્રેમ હોય છે. માતા પોતે ભૂખી રહીને પણ પોતાનાં સંતાનોને ભોજન કરાવે છે. સંતાનના દુ:ખે માતા દુ:ખી થતી હોય છે. મનુષ્ય, પશુ અને પ્રાણીઓમાં પણ જો માતાનો પોતાના સંતોનો પ્રત્યે આવો અનન્ય વાત્સલ્ય ભાવ હોય તો પછી જગતજનની જગદંબાનો વિશ્વનાં બાળકો પ્રત્યે, પ્રાણીમાત્ર પ્રત્યે કેવો અને કેટલો પ્રેમ હશે તે સમજી શકાય તેમ છે. આ ભાવનાનો જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે સમજાય છે કે - શાસ્ત્રોએ શક્તિ તત્ત્વને જે માતાનું સ્વરૂપ આપ્યું છે તે કેટલું બધું ઉચિત છે.

નવરાત્રીના પવિત્ર દિવસોમાં બાલિકાઓ, બહેનો, માતાઓ દિવ્ય શૃંગાર કરીને ગરબા લે છે અથવા સ્ટેજ ઉપર આવે છે ત્યારે ભાવિક લોકોને તેમનામાં સાક્ષાત્ જગદંબાનાં દર્શન થાય છે, છતાં જેમની આંખોમાં વાસનાના મોતિયા છવાયેલા હોય છે, જેમણે પોતાની આંખોમાં દોષનું આંજણ આંજ્યું હોય છે એવી કુટિલ, કામી વ્યક્તિઓને આ દિવ્ય સ્વરૂપ ક્યાંથી દેખાય ? આવી વ્યક્તિઓ એટલે જ નિશાચર. જગદંબા આવા નિશાચરોનો અથવા આવા લોકોમાં રહેલ નિશાચરરૂપી કામ-વાસનાનો વધ કરે છે.

નવદુર્ગાનો અર્થ પણ ઘણો ગહન છે.

દુર્ગાસપ્તશતીમાં તેર અધ્યાય આવે છે તેમાં દશ અધ્યાય સુધી નિશાચરોનો વધ આવે છે અને અગિયારમાંથી તેરમા અધ્યાય સુધી માતાજીની સ્તુતિ, પ્રાર્થના તથા વરદાનનો ઉલ્લેખ છે. નવ અધ્યાયમાં ક્રમથી મધુ કૈટભ, મહિષાસુર, ધૂમ્રલોચન, ચંડમુંડ, રક્તબીજ, નિશુંભ વગેરે નિશાચરોના વઘનાં વર્ણનો આવે છે. માઁએ દસ દિવસમાં સમસ્ત નિશાચરોનો વધ કરી નાંખેલ છે અને ભક્તોને સુખ તથા આશીર્વાદ આપેલ છે. માર્કંડેય પુરાણ મુજબ સપ્તશતીનો પાઠ નવ દિવસ કરવામાં આવે છે. રાજા સુરથે જગદંબાની ઉપાસના કરી હતી પરંતુ તે ઉપાસના કઈ રીતે કરી હતી, મંત્ર શું હતો, વિધિ શું હતી તેની સ્પષ્ટતા સપ્તશતીમાં મળતી નથી. માઁ અને દૈત્ય વચ્ચેના સંઘર્ષની કથા તો મળે છે પરંતુ ઉપાસના શું હતી તે રહસ્ય જ છે. ઉદાહરણથી આ વાત સ્પષ્ટ થશે. આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ અથવા બ્રાહ્મણ પાસે કરાવીએ છીએ. તે કથામાં આવે છે કે રાજાએ, ગોવાળિયાઓએ સત્યનારાયણનું વ્રત કર્યું. પણ આ વ્રત કયું ? તેની વિધિ શું ? તે તો રહસ્ય જ છે. સત્યનારાયણનું વ્રત એટલે જ જીવનમાં સત્યનું સેવન. જ્યાં સુધી સત્યનું જીવનમાં આચરણ કરવામાં ન આવે ત્યાં સુધી સત્યનારાયણનું વ્રત સફ્ળ થાય નહીં. આવી જ રીતે સપ્તશતીમાં પણ રાજા સુરથ જે વ્રત કરે છે તે ભીતરની ભક્તિ છે. દુર્ગાશપ્તશતીના તેરમા - અધ્યાયનાં નવમા શ્લોકમાં વર્ણન છે કે ‘રાજા સુરથ તેમજ વૈશ્ય જગદંબાની ઉપાસના માટે નદી કિનારે ગયા’ અહીં આગળ ઉપર વર્ણન છે કે - બંનેએ માઁની માટીની મૂર્તિ બનાવી અને સૂક્તનો પાઠ કરવા લાગ્યા. આ પ્રસંગ ઉપર વિદ્વાનો વચ્ચે થોડા મતભેદો છે, કેટલાક વિદ્વાનો કહે છે કે તેઓએ દેવી સૂક્તનો પાઠ કરેલ છે તો કેટલાક વિદ્વાનો કહે છે કે તેમણે પરદેવી સૂક્તનો પાઠ કરેલ છે. શ્લોકમાં શબ્દો છે કે- પરમ દેવીસૂક્તં જપતાં. કેટલાક વિદ્વાનો આનો અર્થ ‘દેવીસુક્તમ જપન' એવો અર્થ કરે છે. ઘણા સિધ્ધો મહાપુરુષો અહીં ‘પરમ દેવીસૂક્તં જપન' સાથે સમ્મત થાય છે. પરદેવી સૂક્ત એક હજાર અક્ષરનો મંત્ર છે. આ સૂક્ત વિશેની મહત્તા ભગવાન શંકરે સ્વમુખે ડામરતંત્રમાં વર્ણવેલ છે. સપ્તશતીમાં જે ‘કૃત્વા મૂર્તિ મહામયીમ્' નો ઉલ્લેખ છે, તે જ ઉલ્લેખ, તેનો આશય તથા તેની વિધિ ડામરોક્ત પરદેવી સૂક્તમાં વર્ણવેલ છે. માની માટીની મૂર્તિ બનાવી પ્રેમભાવથી પરદેવી સૂક્ત મુજબની ઉપાસના કરવાથી માઁ પ્રસન્ન થાય છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કલિયુગમાં એક અક્ષર, ત્રણ અક્ષર તથા હજાર અક્ષરનો મંત્ર જલ્દી સિધ્ધિદાયક હોય છે, વળી, કલિયુગમાં માઁ તથા ગણપતિ જલદી પ્રસન્ન થાય છે. ‘કલૌ દેવી વિનાયકો'. વળી સિધ્ધ સમર્થ મહાપુરુષો ગમે તેટલા અક્ષરનો મંત્ર આપે, ગમે તે યુગમાં આપે કે ગમે તે સમયે આપે છતાં તે તુરત જ ફ્ળદાયી નીવડે છે. ગુરુકૃપાના આધારે કોઈપણ દેવનો સાક્ષાત્કાર થઈ શકે છે. આ વાતની વધુ સ્પષ્ટ સમજ માટે જિજ્ઞાસુએ ‘લલિતા રહસ્યસાર', હેમાદવ, ભવિષ્યપુરાણ, પારિજાત તંત્ર, પુરશ્વણાર્ણવ, ડામરતંત્ર, રાધાતંત્ર, કિંકણીતંત્ર, કાકચંડેશ્વરતંત્ર વગેરે ગ્રંથો જોવા જોઈએ.

આ બધો વિદ્વાનોનો વિષય છે. મૂળ વાત તો એ છે કે નવરાત્રી દરમ્યાન શક્તિનું વિશિષ્ટ રીતે અવતરણ થાય છે. આ નવ દિવસ દરમ્યાન શક્તિનો કોઈપણ શાસ્ત્ર સંમત મંત્ર લઈને અથવા પોતાના ગુરુ તરફ્થી મળેલ મંત્ર લઈને થાય તેટલા તેના જપ કરવા જોઈએ. ફ્ળની પણ બહુ આશા રાખવી ન જોઈએ, કારણ કે આ જીવાત્મા ઉપર ઘણા દોષના તથા વાસનાનાં આવરણો હોય છે. એ બધા જ્યાં સુધી કપાઈ ન જાય ત્યાં સુધી ઘણીવાર ફળ દેખાતું નથી. માટે ઉપાસના ચાલુ રાખવી. પરદેવી સુક્તમાં નવદુર્ગાની ઉપાસના આવી જાય છે. સમસ્ત દેવતાઓની સમસ્ત શક્તિઓની ઉપાસના આવી જાય છે. પરદેવી સૂક્તને કેટલાક લોકો શ્રી વિગ્રહસૂક્ત પણ કહે છે. આ સૂક્ત જો પ્રાપ્ત થાય તો તેને આધારે ઉપાસના કરવી; નહીં તો શક્તિના કોઈપણ મંત્રની આરાધના કરવી. નવરાત્રી દરમ્યાન કરેલ શક્તિની આરાધના ખૂબ જ ફળદાયી નીવડશે.

ભગવાન રામે પણ નવ દિવસ સુધી શક્તિની ઉપાસના કરેલ છે અને દસમા દિવસે રાવણનો વધ કરેલ છે. રામ તથા કૃષ્ણ જેવા અવતારી પુરૂષો તો જગતને બોધ આપવા માટે જ લીલા કરતા હોય છે. નવરાત્રી એટલે પાંચ તત્ત્વ તથા મન-બુધ્ધિ-ચિત્ત અને અહંકાર એ અંતઃકરણ ચતુષ્ટય મળીને જે નવ થાય છે તેનાજ પ્રતીકરૂપે નવરાત્રી છે. આત્મા આ પાંચ તત્ત્વ અને અંતઃકરણ ચતુષ્ટયને પોતાનું રૂપ માની લે છે તેથી જ આત્મા જીવભાવમાં આવીને દુ:ખોનો અનુભવ કરે છે. આ જ અજ્ઞાન છે. તેનું નિવારણ ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિથી થાય છે. ગુરુકૃપાથી જ આ શક્ય બને છે.

મૂલાધારથી આજ્ઞાચક્ર સુધીનાં છ ચક્રો તથા ત્યાંથી આગળ ત્રિકુટીચક્ર, હિરણ્યગર્ભ અને મહામાયા સુધી જે સૂક્ષ્માતિસૂક્ષ્મ દોષો કે આવરણો છે તે જ નિશાચર છે, તે તે ચક્રોમાં વસી રહેલ દોષો વિકારોનો નાશ તે તે ચક્રોમાં જ વસી રહેલ ગુરુશક્તિ દ્વારા થાય છે. જ્યાં સુધી આ સ્થાનોમાં રહેલ સૂક્ષ્મ દોષોનું નિવારણ ન થાય ત્યાં સુધી સીતારૂપી સાચી શાંતિ પ્રાપ્ત થતી નથી. સીતાની પ્રાપ્તિ થયા પછી આત્મારૂપી રામ અવધમાં આવે છે. અવધ એટલે જ્યાં વધ અથવા મૃત્યુ નથી તે સ્થાન. ભગવાન ગીતામાં કહે છે.

યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ્ !

જયાં ગયા પછી મનુષ્યને આ સંસારમાં પાછા આવવાનું રહેતું નથી, તે જ પરમ ધામ છે. તે જ અવધ છે.

નિશાચરો ઉપર વિજય મેળવવા માટે રામે હનુમાનજીની મદદ લીધી હતી. હનુમાન પવનપુત્ર છે, તે જ પ્રાણાયામની પ્રક્રિયાનું પ્રતીક છે. હનુમાન પોતાની સાથે જે વીંટી લઈ જાય છે તે કુંડલિની શક્તિ છે.

હનુમાન જેવા હોય એટલે કે માન-સન્માનની ભાવનાથી પર હોય તે જ સાત ચક્રોનું ભેદન કરી, ઈડા-પિંગળા-સુષુમ્હાનું શુધ્ધિકરણ કરીને સીતારૂપી શાંતિ સુધી પહોંચી શકે છે.

આમ ભગવાન રામની નવરાત્રી દરમ્યાનની જે સાધના છે તેને જ રામાયણમાં કથાનું સુંદર સ્વરૂપ આપેલું છે.

નવરાત્રીના નવલા દિવસોએ શક્તિની આરાધના અને ઉપાસનાના દિવસો છે. તેમાં જેટલી બને તેટલી વધુ સાધના કરો. ખાન-પાનમાં ખૂબ નિયમિત બનો. સાદાઈ રાખો. હૃદયમાં ભક્તિભાવ કેળવો તો જગતજનની જગદંબા માઁ આદ્યશક્તિ તમારા સૌ ઉપર ખૂબ કૃપા વરસાવશે. આ દિવસો દરમ્યાન જે કાંઈ મંત્ર જાપ કરો તેની આગળ પાછળ ‘હરિ ૐ તત્સત્ જ્યગુરુત્ત’ એ વરદાની સિધ્ધ મંત્રનો જપ પણ કરો. તેથી તમારો ઈષ્ટમંત્ર સિધ્ધ બની જશે. ગુરૂ અને ગુરૂની શક્તિ એકબીજાથી જુદાં નથી, બંને એક જ છે. ગુરૂની કૃપા હશે તો શક્તિનું ઉત્થાન તુર્ત જ થશે. આદ્યશક્તિ તમારા ઉપર ખૂબ વાત્સલ્યથી વરસશે.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કલિયુગમાં એક અક્ષર, ત્રણ અક્ષર તથા હજાર અક્ષરનો મંત્ર જલ્દી સિધ્ધિદાયક હોય છે, વળી, કલિયુગમાં માઁ તથા ગણપતિ જલદી પ્રસન્ન થાય છે. ‘કલૌ દેવી વિનાયકો'. વળી સિધ્ધ સમર્થ મહાપુરુષો ગમે તેટલા અક્ષરનો મંત્ર આપે, ગમે તે યુગમાં આપે કે ગમે તે સમયે આપે છતાં તે તુરત જ ફ્ળદાયી નીવડે છે. ગુરુકૃપાના આધારે કોઈપણ દેવનો સાક્ષાત્કાર થઈ શકે છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Navratri Shakti Nav Durga Garba Hanumanji Shree Raam MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace