Skip to main content

સાધના ઉપાસના વખતે મનમાં આવતા શુભ-અશુભ વિચારો

આત્મિય જીજ્ઞાસુ ભાઇઓ તેમજ બહેનો,

જય ગુરુદત્ત,

ઘણા સાધકોને મંત્ર જાપ કરતી વખતે, સાધના ઉપાસના કરતી વખતે મનની અંદર ન આવવા જેવા વિચારો આવે છે. મન ચંચળ બની જાય છે. તે અંગે જીજ્ઞાસુ ભાઈઓ-બહેનો ખુબજ ચિંતા કરતા હોય છે અને પોતાની બુધ્ધિ પ્રમાણે વિચારતા પણ હોય છે કે મંત્ર જપ, સાધના ઉપાસનાથી ખરાબ વિચારો મટી જવા જોઇએ, મન-ચિત્ત સ્થિર થઈ જવું જોઈએ તો આ વિપરીત પરિણામ કેમ ? આ વિચારો મનમાં શા માટે સ્ફુરે છે તે થોડુંક સમજાવું તો તમે લોકો સમજી શક્શો.

સફેદ કપડાં જ્યારે મેલાં થઈ જાય છે ત્યારે સાબુ લગાડવાની જરૂર પડે છે. શરીરમાં ગુમડું થઈ જાય ત્યારે દવાખાનાની તેમજ દવા લગાડવાની જરૂર પડે છે. સાબુ લગાડવાથી કપડાં પહેલા જેવા સાફ થઈ જાય છે. દવા ખાવાથી તેમજ લગાડવાથી ગુમડું મટી જાય છે અને પહેલાં જેવું અંગ થઈ જાય છે. સાબુ માત્ર મેલની સફાઈ કરે છે, નહિં કે કપડાંમાં ધોળાપણું લાવે છે. વસ્ત્ર તો સ્વાભાવિક રીતે ધોળું જ છે, સાબુ તો એટલી જ મદદ કરે છે કે વસ્ત્રનું મૂળ સ્વરૂપ દેખાઈ આવે અને કચરાઓ દૂર થઈ જાય. એ જ રીતે ભજન, સાધના, ઉપાસના કરવાથી આત્મ સાક્ષાત્કાર, ઇષ્ટની પ્રાપ્તિ અથવા સદગુરુના મુળ સ્વરૂપના દર્શન થતા નથી. એમ પણ ન કહી શકાય કે ઉપરોકત સાધનાઓ કર્યા સિવાય દર્શન કે આત્મ સાક્ષાત્કાર થઈ શકે. ભજન સાધનાથી જન્મ જન્માંતરથી મન-ચિત્ત ઉપર પડેલા અજ્ઞાન રૂપી આવરણો દૂર થાય છે. જેમ-જેમ આવરણો હઠતા જાય છે તેમ-તેમ મુળ સ્વરૂપનો બોધ થતો જાય છે. હું શું છું? સંસાર શું છે ? તેનું સમગ્ર આવરણ દૂર થતાં ખીલી ઉઠે છે. મંત્ર જાપ સાધના ઉપાસનાથી તમારી અંદરના સંચિત થયેલા સમગ્ર વિકારો બહાર નીકળે છે. બહારથી કોઈ પણ વિઘ્ન આવતું નથી. એટલે સાધકે મંત્ર જાપ, સાધના ઉપાસના કરતી વખતે મન ગમે તેટલું ચંચળ બને, દૃશ્યો ઉપસ્થિત થાય, તેની સામે વિચાર નહિં કરતાં, વારંવાર મન ગુરુ ચરણમાં મૂકતાં જાપ ચાલુ રાખવા જોઈએ. જાપની નિશ્ચિત સંખ્યા પુરી કર્યા પછી શાંતિથી ધ્યાનામાં બેસવું જોઈએ. ધ્યાનમાં બેસવા અંગેનો પ્રકાર નીચે મુજબ છે.

વધારે મેલાં કપડાંને એક જ વખત સાબુ લગાડવાથી સાફ થતાં નથી. એ જ રીતે સદગુરુ-પરમાત્મા જીજ્ઞાસુ શિષ્યની અંદર જન્મજન્માંતરથી સંચિત થયેલ મળ એકાએક સાફ કરી દેતા નથી, સદગુરુ-પરમાત્મા તો ખુબ જ દયાળુ છે. ધારે તો પળ માત્રમાં સમગ્ર મળ સાફ કરી શકે છે પણ એટલો ખ્યાલ રાખવો પડશે કે જીવાત્મા તે મળની સફાઈનું કષ્ટ સહન કરી શકે નહિં. જે રીતે આંખના કાચા મોતીયાનું ઓપરેશન મોતીયો પાકયા સિવાય ડૉકટર કરતા નથી તેમજ ગુમડાનું ઓપરેશન ગુમડું પાક્યા સિવાય ડૉકટર કરતા નથી અગર વધારે લાગવગ લગાડી અપરિપકવ અવસ્થામાં ઓપરેશન કરાવે તો આંખ પણ બગડી શકે છે, અંગ પણ કપાઈ જાય છે અને વધારે પીડા સહન કરવી પડે છે પણ કંઈ લાભ થતો નથી. એટલા માટે સદગુરુ-પરમાત્મા પણ જ્યાં સુધી જીવાત્માનો મળ પરિપકવ ન થાય ત્યાં સુધીના સમયમાં ભજન, સાધના કરાવે છે અને મળ પરિપકવ થતાં વગર બોલ્યે સાફ કરી નાખે છે. ભજન, સાધના કરતા કરતા મન ચંચળ બને, તોફાને ચડે તો ચિંતા કરશો નહિં અને પોતાની નિશ્ચિત કરેલી, મંત્ર જાપની સંખ્યા ઓછી કરશો નહિં. સદગુરુ પરમાત્મા કયારેક રમત ગમત કરીને પરિક્ષા પણ કરતા હોય છે અને તે પરિક્ષામાં બોધ જ આપતા હોય છે.

બાળકોને ભણાવવા માટે તેના માતા-પિતા ટ્યૂશન રાખે છે. બાળકોનું લેશન પુરું ન થયું હોય તો શિક્ષક સજા કરે છે અને લેશન પુરું કરાવવા માટે સમય આપે છે. કંટાળી ગયેલા છોકરાઓને જોઈ શિક્ષક કયારેક લેશન પુરું કરાવ્યા સિવાય રજા આપી દેતા હોય છે ત્યારે બાળકો ખુબ જ રાજી રાજી થઈ જતા હોય છે પણ બુધ્ધિપૂર્વક વિચાર કરતાં શિક્ષકની માફીનું પરિણામ છોકરાઓ માટે સારું નીવડતું નથી કેમ કે લેશન બાકી રહી જાય છે અને તેની અસર બાળકોને છેક સુધી અનુભવાય છે એટલા માટે યોગ્ય સાધકો, યોગ્ય વિધાર્થીઓ પોતાની સાધના પોતાના વિષયો રોજરોજ તૈયાર કરી લેતા હોય છે. યોગ્ય સાધક તેમજ વિદ્યાર્થી કોઈ પણ સમય કાઢી પોતાના વિષયો તૈયાર કરી લેતા હોય છે.

સમર્થ ગુરુની પ્રાપ્તિ પછી ક્રમે ક્રમે મન-ચિત્તની શુદ્ધિ થતી હોય છે. મનની ચાર અવસ્થાઓ છે. (૧) સ્થૂળ મન (ર) સૂક્ષ્મ મન (૩) અધિ મન (૪) અતિ મન. સ્થૂળ મન તેમજ સૂક્ષ્મ મનની શુદ્ધિ સુધી સાધકોએ ખૂબ જ સહન કરવું પડે છે. પોતાની સાધના ઉપાસનાથી સ્થૂળ મનની શુદ્ધિ થઈ જાય છે પણ સૂક્ષ્મ મનની શુદ્ધિ સદગુરુની કૃપા સિવાય થતી નથી કારણ કે જન્મ જન્માંતરથી સંચિત થયેલા જે શુભ-અશુભ આણવ મળ છે તે સદગુરુની કૃપા સિવાય કોઈ જોઈ શકતું નથી. સૂક્ષ્મ મન પછી અધિ મન અને અતિ મનમાં પ્રવેશ થાય છે. આ ચારેય મનની શુદ્ધિની વ્યાખ્યા કયારેક બીજા પત્રમાં લખીશ કેમ કે આ વિષય ખૂબ જ ગહન છે. થોડું થોડું લખતાં વધુ થઈ જશે.

જાપક, સાધક, ઉપાસકે પોતાના નિશ્ચિત કરેલા કર્મો પુરા કરી ધ્યાનમાં બેસવાનો અભ્યાસ કરવો જોઈએ. મંત્ર જાપથી સંચિત કર્મોનો નાશ થાય છે, વાસ્તવિક શાંતિ, આનંદ તેમજ સ્વસ્વરૂપનો બોધ થાય છે. ધ્યાનમાં બેસતી વખતે મારી સમજણ પ્રમાણે થોડુંક માર્ગદર્શન આપું છું. મારે લખવાનું બાકી રહી જાય તે તમે લોકો સુધારી લેશો.

ઘણા સાધકો જ્યારે ધ્યાનમાં બેસે છે ત્યારે જે ઈષ્ટની ઉપાસના કરતા હોય છે "તે જ હું છું" તેવો ભાવ રાખી, ચંચળ મન જે જ્યાં ત્યાં સંસારમાં ભટકતું હોય છે તે મનને પોતાના ઈષ્ટના સ્વરૂપમાં બદલવા માટે લગાડી દેતા હોય છે. જે રીતે ડ્રામાના સ્ટેજ ઉપર ભગવાન શંકરનું પાત્ર ભજવવા માટે, પાત્રને જટા, ગંગા, ત્રિશૂલ, ડમરૂ વિગેરે આવશ્યકતા પડતી હોય છે તે જ રીતે સાધક પોતાના મનને પોતાના શૃંગારમાં જોડી ઈષ્ટનું સ્વરૂપ બનાવતા હોય છે. ઈષ્ટનું સ્વરૂપ ચીતરતા ચંચલ મનને ઘણો જ સમય લાગી જાય છે, તે મન તેટલો સમય ચંચલતા ભુલી શુભ કામમાં જોડાયેલ રહેતું હોય છે. ઈષ્ટના સ્વરૂપમાં પોતાને જોઈ સાધક અલૌકિક આનંદ અનુભવતા હોય છે.

ધણા સાધકો ધ્યાનસ્થ અવસ્થામાં પોતાના ઈષ્ટની ઝાંખી પ્રણવની અંદર હૃદય ગુફામાં કરતા હોય છે. મારા ઈષ્ટ પ્રણવની અંદર બેઠા છે, તેઓનું હસતું મુખ મંડળ મારા હૃદયમાં દેખાઈ રહ્યું છે તે મનોહર પ્રકાશિત ઝાંખી જોઈ મસ્ત રહેતા હોય છે.

ઘણા સાધકો પોતાને સહસ્ત્રદલ કમલમાં સદગુરુ પરમાત્માની સાથે જોતા આનંદ અનુભવતા હોય છે. એ રીતે ધ્યાનના ઘણા પ્રકારો છે. આ રીતે ધ્યાન કરતાં કરતાં જીજ્ઞાસુ આત્માઓ પોતાના સ્વરૂપને ઓળખી જતા હોય છે અને ઈષ્ટમય બની જતા હોય છે.

હવે તમે લોકો સમજી શકો છો કે - સાધના-ઉપાસનામાં મન ચંચળ બને, વિઘ્નો આવે તેમાં કંટાળવું જોઈએ નહિં અને ધીરજ રાખી શુભ માર્ગે જોડાયેલા રહેવું જોઈએ. સંચિત થયેલા બધા જ અશુભ વિચારો મટી જશે. તે પછી વાસ્તવિક શાંતિ અને આનંદની અનુભૂતિ થશે. એક વાતનો ખ્યાલ રાખવો પડશે કે - સકામ ઉપાસના લક્ષ્યમાં બાધક નિવડે છે. ઉચ્ચ કક્ષામાં પહોંચેલા સિધ્ધો-સંતો પણ શુભ-અશુભ વાસનાઓને કારણે સંસારમાં આવી પડ્યા હોય છે. કામવાસના, કર્મવાસના, અપરાધ વાસનાઓનાં અણુ-પરમાણુઓ સિધ્ધો-સંતોના શરીરમાં પણ રહેતા હોય છે. ઓગણીસ તત્ત્વ તેમજ સત્તર તત્ત્વોથી સિદ્ધો તેમજ સિધ્ધ સાધકો કે જે મહાકારણ શરીરમાં વિચરતા હોય છે તે લોકો પણ આણવમલ શુધ્ધિ માટે સદગુરુની ઉપાસના કરતા હોય છે. સદગુરુની કૃપા સિવાય સ્વસ્વરૂપનો બોધ, પરમ પદની પ્રાપ્તિ થતી નથી. તે સદગુરુ પરમાત્મા અત્યારે ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' મંત્રમાં પ્રત્યક્ષ બિરાજી રહ્યા છે. મંત્રના સહારે સાધક ઈચ્છે તેવી અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. તમે લોકો આ મંત્ર કરો અને કરાવો, પોતાનું કલ્યાણ કરતા બીજાઓનું પણ કલ્યાણ કરો તે અપેક્ષા સાથે વિરમું છું.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"સાધના ઉપાસનામાં મન ચંચળ બને, વિઘ્નો આવે તેમાં કંટાળવું જોઈએ નહિં અને ધીરજ રાખી શુભ માર્ગે જોડાયેલા રહેવું જોઈએ."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



sadhana mind thought upasna shubh ashubh vichar MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace