Skip to main content

પ્રારબ્ધ અને કર્મયોગ


(બાપુશ્રી લિખિત પત્ર યથા રૂપ )

આત્મિય શ્રી,
જય ગુરુ દત્ત
પ્રત્યેક જીવનું જન્મ, મરણ અને ફરી જન્મવું - તેઓના શુભ-અશુભ કર્મનાં આધારે થતું હોય છે. જડભરત ક્યારેક મૃગ બન્યા હતા, જાગૃકઋષિ ના પુત્રો પક્ષી બન્યા હતા ... જેનો ઉલ્લેખ મહાભારત માં આવે છે. હાથીના ઘંટ નીચે બચ્ચાઓ ઢંકાયેલા હતા, જેને એક ઋષિ તેઓને લઈને પોષણ કરે છે... પક્ષીઓ પોતાનાં પક્ષીઓ થવાનું કારણ બતાવે છે... કે તેને પક્ષી થવાનું કારણ પિતાનો શ્રાપ હતો. એજ રીતે શાસ્ત્રોમાં ઘણા ઉદાહરણો છે... માનવી કર્મ અનુસાર પશુ-પક્ષી ની યોનિમાં જઈ શકે છે... રાજા અને રંક બની શકે છે... કર્મની થીયરી ખુબ જ ઉંડી છે, એટલા માટે શાસ્ત્રમાં બોલે છે માનવ શરીર પ્રાપ્ત કરી સત્સંગ, સારું વાંચન અને સંતોનાં સમાગમમાં રહેવું કલ્યાણકારી હોય છે. કોઈનું નસીબ કે પ્રારબ્ધ બદલવું બહુ મુશ્કેલ છે. તે કઠિન છે. તે કઠિન પ્રારબ્ધ જ્ઞાન સભર અવસ્થામાં શાંતિથી ભોગવાય તેમ બની શકે છે. ધંધા-વ્યાપારમાં, નોકરીમાં કે અધ્યયનમાં પાછલા કર્મો અને તે પ્રમાણેની બુદ્ધિ ઘણું ભાગ ભજવે છે. ઘણા બુદ્ધિમાન હોવા છતાં પૈસે ટકે દુઃખી હોય છે. ધંધામાં મેળ ખાતો નથી અને ઘણા અભણ હોવા છતાં પાછળના નસીબનાં આધારે કરોડો પતી થતા હોય છે.. કહેવાનો અર્થ શું છે કે - નસીબ ઘણું ભાગ ભજવે છે છતાં પણ ઉદ્યમ અને શુભ કર્મનું સ્થાન ઓછું નથી... શુભ કર્મ જ ભવિષ્યમાં ભાગ્ય બની ઉદય થાય છે. એટલા માટે હંમેશા શુભ અને સત્કર્મમાં જોડાયેલા રહેવું જોઈએ. ભૌતિક જગત માં બાલક-બાલિકાઓ જન્મે અને માતાપિતા તેઓને મોટા કરે, ભણાવે, પછી લગ્ન માટે કોઈ ને કોઈ નિમિત્ત બને. કોઈ વડીલો આંગળી નિર્દેશ કરે - કોઈ સગા સંબંધી-કુટુંબીઓ પણ પાત્રોની પસંદગી પ્રમાણે રાય-સલાહ સૂચન આપે. જ્યોતિષીઓ કુંડળી જોઈ મેળ-મિલાપની વાતો કરી શાદી માટે રાય-(સુચન) આપતાં હોય છે. પણ પૂર્વજન્મનાં કર્માનુસાર એકબીજાને મેલમિલાપ થતો હોય છે.. કોઈ કોઈની ભાગ્યની ગહરાઈ (ઉંડાણ) જાણી શકતાં નથી . વશિષ્ઠમુનિએ રામ અને સીતાની કુંડળી જોઈ લગ્ન કરાવ્યા હતા.. પણ લગ્ન થતા જ વનવાસ થયો છે. થોડા સમય પછી સીતાજીને જંગલમાં છોડવામાં આવ્યા છે. મહારાણી હોવા છતાં તેઓના બન્ને સંતાનો જંગલમાં જન્મે છે . સીતા માતાએ સંતાનોને રામને સોંપી પૃથ્વીમાં સમાઈ ગયા છે...તો શું કોઈને ખબર હતી કે આવું થવાનું છે ? છતાં થયું છે... એ જ રીતે દ્રૌપદી નો જન્મ અગ્નિમાંથી થયો છે. અને તેઓને પાંચ પતિ થયા છે. પાંચે પતિ સમર્થ હોવા છતાં દ્રૌપદીને ઘણી યાતના સહન કરવી પડી છે. છતાં પતિ-પત્ની આટલી મુસીબતમાં-સંકટમાં પણ એકબીજા ને છોડ્યા નથી અને ઠેઠ સુધી (પુરી રીતે) સહી કરી જીવન પુરા કર્યા છે. આ સર્વે મહાપુરુષો હતા. મર્યાદા પુરુષોત્તમ હતા. ભગવાન હતા. આગળ વિચારીએ તો રાજા હરિશ્ચન્દ્ર ને શેલ્યા ( પત્ની તારામતી ) - કર્મ અને પ્રારબ્ધ અનુસાર જુદા-જુદા વહેંચાઈ ગયા છે . ખુબજ મુસીબતમાં રહીને, સત્ય-સેવા અને ન્યાય નો ત્યાગ કર્યા નથી. એજ રીતે ઘણા ઉદાહરણો છે. દરેકના જીવનમાં ઘટના ઘટે છે - પણ મુસીબતમાં પણ મહાપુરુષો ચલિત થયા નથી. ધૈર્યથી કામ લીધા છે. એક બીજુ ઉદાહરણ આપું તો - પાંડવોના વનવાસ વખતે સમય સંજોગ અને પરિસ્થિતિ નાં આધારે કુંતીમાતાનાં આદેશથી ભીમે હિડિમ્બા રાક્ષસી સાથે લગ્ન કરે છે અને તે રાક્ષસી ને સારી રીતે સંભાળી પોતાનાં ફરજ નિભાવી અને એક સંતાન આપ્યું છે. જેનું નામ ઘટોત્કચ હતું. અગર ઘટોત્કચ જન્મ્યો ના હોત તો કર્ણનાં હાથે અર્જુનનું મૃત્યુ થાત એવો સંકેત મળે છે... કહેવાનો અર્થ એ છે કે - સૃષ્ટિના જીવો ભાગ્ય અને કર્મનાં આધારે વ્યક્તિઓ એકબીજા સાથે જોડાય છે અને પ્રારબ્ધ અનુસાર સુખ અને દુઃખ ભોગવી જીવન પૂર્ણ કરે છે.

ઉપરોક્ત બધી વાતો જોતાં-વિચારતાં મહાપુરુષો કહે છે કે - પ્રારબ્ધભોગમાં, જન્મ અને મરણમાં, લગ્ન અને વિવાહમાં સૌ સૌનું ભાગ્ય અને નસીબ કામ કરતું હોય છે. જીવનની અંદર ઉપસ્થિત દુઃખ-સુખ માં કોઈ કોઈને દોષ આપવા જોઈએ નહીં. કારણકે વ્યક્તિ તો નિમિત્ત માત્ર છે. શાસ્ત્રો કહે છે કે - સારા વ્યક્તિઓ કોઈ પણ સાથે સંબંધ બાંધે તો તે તોડતા નથીં. કષ્ટ અને તકલીફ સહન કરી નિભાવે છે. સતી નારીઓ તો ક્યારે પણ પતિનો સાથ છોડ્યો નથી, આ ભારત ની સંસ્કૃતિ છે. આ ભારતમાં પાશ્ચાત્ય સભ્યતા ઘુસ્યા પછી(અસરથી) અહીં પણ પતિ-પત્ની નો અને પત્ની-પતિનો ત્યાગ કરે છે. એક બીજાને ત્યાગ કરી - ફરી એકબીજા સાથે જોડાઈ તેમાં તેઓ પોતાનું ગૌરવ માને છે... ફોરેન વિદેશમાં એક-એક નારી (સ્ત્રી) આંઠ-આંઠ પતિ બનાવી પોતાને ધન્ય સમજે છે. તે જ રીતે પુરુષો પણ આવું જ સમજે છે... ખરેખર આ પ્રથા અને સંસ્કૃતિ ભારતમાં ન હતી અને હોવી પણ ન જોઈએ. છતાં ભારત વર્ષમાં પણ આ બીમારી લાગુ પડી ગઈ છે. તેનાંથી એકબીજા માં અંતર કલેશ, અશાંતિ અને વૈર-વિરોધ વધી રહ્યો છે. પ્રજા વર્ણશંકર થઇ રહી છે અને સમાજમાં અમર્યાદિત - ઉચ્છંખલ (અશોભનીય અવિવેકી) - શિષ્ટાચાર રહિત - એકબીજાના તરફ માન મર્યાદા રહિત - ફાવે તેમ વર્તી રહે છે... ... આમાં મારુ કહેવું એટલું છે કે - કોઈ પણ પરિસ્થિતિમાં - કોઈનો હાથ ઝાલવો નહીં - અને હાથ ઝાલ્યા છે - પકડ્યો છે તો પછી મુસીબત અને કષ્ટમાં પણ એકબીજાનાં ત્યાગ કરવા નહિ અને આદર્શ જીવન જીવી સમાજ વચ્ચે ઉદાહરણ બને તેમ ચમકતા રહેવું આ મારી વિચારધારા છે ... બાકીતો સૌ સૌનાં નસીબમાં જે કાઈં લખેલું હોય છે - થવાનું હોય છે તે ટાળી શકતાં નથી છતાં પ્રયાસ - ઉદ્યમ અને કર્મયોગ ને પ્રથમ સ્થાન આપી હંમેશા સંકટને ટાળવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.

(બાપુશ્રી લિખિત પત્ર યથા રૂપ )


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"સારા વ્યક્તિઓ કોઈ પણ સાથે સંબંધ બાંધે તો તે તોડતા નથીં. કષ્ટ અને તકલીફ સહન કરી નિભાવે છે." ~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Prarabdh Karma Bhagya sidhha sant MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace