Skip to main content

શ્રીદત્ત જયંતિ રહસ્ય

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥ 8 ॥

પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ॥ ૮ ॥

શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાને અભય વચન આપતા જણાવેલ છે કે - હે ભારત ! જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ-હાની થશે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે-ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે-યુગે પ્રગટુ છું. (અધ્યાય ૪/૭-૮)

પરમ કૃપાળુ પરમાત્મા ધારે તો વૈકુંઠમાં બેસીને ક્ષણમાત્રમાં ધર્મને નુકશાન કરનાર અસૂરો વગેરેનો નાશ કરી શકે પણ તે કાર્ય પ્રભુ માટે બીજા નંબરે છે. ‘પરિત્રાણાય સાધુનાં’ અર્થાત્ સાધુ પુરુષ-સંતોનું રક્ષણ કરવું એ કાર્ય મુખ્ય છે. પોતાના પ્યારા ભક્તો-ઉપાસકો સાથે રહેવું છે - રમવું છે. અરે ! સ્થૂળ રૂપે સાનિધ્ય આપવું છે અને પછી અખંડ સૃષ્ટિમાં નિરાકાર સ્વરૂપે બિરાજમાન છું તેવી અનુભૂતિ પણ વિશેષરૂપે કરાવવી છે તેથી પ્રભુ યોગ્ય દિવસે, યોગ્ય સમયે પ્રગટ થાય છે. પ્રભુની લીલા દિવ્ય હોય છે.

સદગુરુ દત્તાત્રેય પ્રાગટ્ય દિન એ ‘શ્રીદત્ત જ્યંતિ’ તરીકે પ્રચલિત છે. દત્તાત્રેય ભગવાનની ઓળખ શાસ્ત્રોમાં ‘ઈચ્છન્તિ યત્કૃપાં સર્વે' (સહુ કોઈ તેમની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છે છે) એ રીતે છે. ભક્તોમાં ઓળખ ‘સ્મરણમાત્ર સંતુષ્ટાય’ અને ‘સ્મરણમાત્રાગતમ્’ અર્થાત્ સ્મરણ માત્રથી પ્રગટ થઈ સંતોષ આપે તેવા પરમ કૃપાળુ દેવ તરીકેની છે.

લીલા રહસ્યમય પ્રભુના પ્રત્યેક ક્રિયા-કલાપ અદ્ભૂત હોય છે. ભગવાન રામ-કૃષ્ણના પ્રાગટ્ય અને અંત રહસ્યમય છે પણ દત્ત ભગવાનના પ્રાગટ્યનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે પણ પ્રભુના સ્વધામગમનનો ઉલ્લેખ કયાંય જોવા મળતો નથી કારણ કે શ્રીદત્ત અવતાર એ ગુરુ અવતાર છે. લોકોના અજ્ઞાનનો નાશ કરી, જ્ઞાન પ્રાપ્ત કરાવી એમને સંસારના સંકટમાંથી પાર કરાવવા માટે જ સદગુરુ પ્રગટ્યા છે. તેઓશ્રી ગુપ્ત કે પ્રગટ રૂપે એક યા બીજી રીતે પૃથ્વી પર સતત કાર્યરત રહે છે અને મહાપ્રલય સુધી રહેવાના છે.

પૃથ્વીના રજકણની કદાચ ગણતરી થઈ શકે પણ વિવિધ નામ અને એમના કલ્યાણકારી કામની ગણતરી શક્ય નથી. સત્સંગના અમૃત સાગરમાંથી થોડું આચમન શ્રીદત્ત જયંતિ ના પ્રસંગે માણીએ...

શ્રીદત્ત પ્રભુનું પ્રાગટ્ય માગશર માસની પૂર્ણિમાએ પ્રદોષ સમયે-સંધ્યા સમયે થયેલ છે. અજન્મા ભગવાનના અવતરણનો આ પવિત્ર દિન ‘શ્રીદત્ત જયંતિ’ તરીકે ઉજવાય છે. શ્રીદત્ત પ્રાગટ્યની કથા અને તેમાં રહેલ ગૂઢાર્થ માણતા પહેલા ‘જયંતિ’ શબ્દ વિશે થોડુંક જાણીએ...

"જયંતિ'' શબ્દના અર્થની ગહેરાઈમાં જતાં, આપણે ખરેખર મોટા ભ્રમમાંથી બહાર નીકળી વાસ્તવિકતાની ધરતી ઉપર પગ મૂકતા હોઈએ તેવું સ્પષ્ટ અનુભવાય છે. જય+અંતિ મતલબ કે અંતિમ અવસ્થા સુધી તથા અંતિમ અવસ્થા ઉપર જેમણે જય પ્રાપ્ત કરી, સર્વ ઈચ્છાઓ પર વિજય પ્રાપ્ત કરી લઈને, પોતાની આત્મસત્તાને પ્રસ્થાપિત કરી છે તેવા દિવ્ય પુરુષો, સંતોના જન્મદિવસને "જયંતિ’'નું નામ આપી શકાય. અનર્થો, અત્યાચારો, દંભ, પાખંડ, અનીતિ વગેરે દોષો ઉપર વિજય મેળવવા માટે, ધર્મની સ્થાપના માટે, સત્યના રક્ષણ માટે, ધર્મ પ્રતિપાદન માટે જ્યારે-જ્યારે જે-જે ઈશ્વરીય અવતારો થયા છે અથવા તો મહાપુરુષો અવતર્યા છે તેઓનો જન્મ દિવસ ‘જયંતિ'ના નામે સંબોધાય છે. અર્થાત્ પ્રાગટ્યથી અંત સુધી સૌને પ્રેમથી જીતી લીધા હોય, જેની એક-એક ક્ષણ અને એક-એક કણ જગતના કલ્યાણ માટે હોય તે મહાપુરુષ છે. ખરેખર, તેમની જ જયંતિ ઉજવાય. આમ ‘જયંતિ’ શબ્દ સાકાર બ્રહ્મના પ્રાગટ્યનું સૂચક ગણી શકાય.

'જયંતિ’ શબ્દ એટલો બધો સસ્તો નથી કે ગલીએ-ગલીએ હાટે-હાટે વહેંચાય. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે, ‘અસંખ્ય લોકોમાં કોઈ એકાદ વિરલો જ મને તત્વતઃ જાણે છે.' આવું જાણનારા અને તે મુજબ જીવનારા અને તે સ્થિતિમાં સ્થૂળ શરીર છોડનારા મહાપુરુષો ‘જયંતિ’ શબ્દને ધારણ કરવા યોગ્ય છે. કદાચ આપણે એ શબ્દનો પ્રયોગ કરી પણ લઈએ તો એ મિથ્યાચેષ્ટા જ ગણાય એમાં શંકા કરવાને કોઈ કારણ જ નથી.

દત્ત પ્રભુના અવતરણ બાબતે ભાગવતપુરાણ, માર્કંડેય પુરાણ વગેરેમાં બે-ત્રણ કથા પ્રચલિત છે. સમાજમાં પ્રચલિત એક કથા અનુસાર નારદ મુનિ વિહાર કરતા બ્રહ્મલોકમાં બ્રહ્માણીને, વિષ્ણુલોકમાં લક્ષ્મીજીને અને કૈલાશમાં પાર્વતીને મહાસતી અનસૂયાના સતીત્વના વખાણ કરે છે. જેની કોઈ દલીલ રદ ન થાય તેવા નારદજીની વાત સાંભળી ત્રણે દેવીઓ પોતપોતાના સ્વામીને અનસૂયાજીની કસોટી કરવા મોકલે છે, બ્રહ્મા-વિષ્ણુ-શિવ એ ત્રણે દેવો ભિક્ષુરૂપે આશ્રમે આવે છે. અત્રિ ઋષિ ગેરહાજર હતા તેથી સ્વયં અનસૂયા માઁ ભિક્ષુરૂપે આવેલા અતિથિઓ નું સ્વાગત કરે છે અને ફળ-ફૂલ વગેરે અર્પણ કરે છે. અત્રિ અર્ધાંગિની અનસૂયા બ્રહ્મવાદિની છે કે નહી તેની ખાત્રી માટે ત્રિદેવ દિગંબર સ્વરૂપે ભિક્ષા આપો તેવી માંગણી કરે છે.

સતી મૂંઝાય છે. આશ્રમ ધર્મ પ્રમાણે કોઈ અતિથિને નારાજ ન કરાય અને પરપુરુષ સમક્ષ સ્ત્રીધર્મની મર્યાદા પણ જાળવવી જોઈએ. અનસૂયાજી પોતાના પતિનું મનોમન સ્મરણ કરી જળની અંજલિ પેલા ત્રણ ભિક્ષુક પર છાંટે છે તેથી ત્રણેય ભિક્ષુક નાના બાળક બની ગયા અને અનસૂયા માઁ તેમને પયપાન કરાવી તૃપ્ત કરી બંને ધર્મ સાચવી લે છે. આ છે આપણા ભારત દેશના નારી રત્નો...

થોડા સમય બાદ મહર્ષિ અત્રિ પધારે છે. અત્રિ-અનસૂયા જ્ઞાનદષ્ટિથી જાણી લે છે કે પારણામાં ઝુલી રહેલા ત્રણેય દેવો તે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ છે. જગતને ઝુલાવનાર ખુદ પરમાત્મા ઝુલી રહ્યા છે. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.

મહર્ષિ નારદ ફરી વીણા વગાડતા વગાડતા બ્રહ્મલોક, વિષ્ણુલોક અને કૈલાશમાં જાય છે અને પતિના વિરહમાં તડપતી ત્રણેય દેવીઓને “પ્રભુ તો ઘણા દિવસોથી શિશુ બની અનસૂયા આશ્રમમાં ખેલ-કૂદ કરી રહ્યા છે” તેવું જણાવે છે. ત્રણેય દેવીઓને પારાવાર પસ્તાવો થાય છે અને પોતાના પતિદેવને લેવા અનસૂયા આશ્રમે આવે છે. અનસૂયા માતા ત્રણેય દેવીઓનું સ્વાગત કરે છે અને આવવાનું પ્રયોજન પૂછે છે. ત્રણેય દેવીઓ માફી માંગતા બોલી કે, “હે માઁ ! અમે તમારા સતીત્વના વખાણ સાંભળી આપની કસોટી કરવા અમારા પતિ દેવને મોકલ્યા પણ હવે અમારી કસોટી થઈ રહી છે. તમે તો ત્રણેય દેવને એકસરખા બનાવી દીધા છે તેથી ઓળખી શકાતા નથી. તેમને મૂળસ્વરૂપમાં લાવો અને અમને આપો.” અનસૂયા માતા પતિદેવનું સ્મરણ કરી જળની અંજલી છાંટે છે પરિણામે ત્રણેય દેવ શિશુરૂપ ત્યજીને મૂળ સ્વરૂપે દર્શન આપે છે.

ત્રણેય દેવને માઁની ગોદ છોડી જવાનું ગમતું નથી અને માઁને પણ ખોળાનો ખુંદનાર જાય તે કેમ ગમે ? પ્રસન્ન થયેલા ત્રણેય દેવો વરદાન માંગવાનું કહે છે ત્યારે જગત જનની માઁ કહે છે કે, “હે અંતર્યામી ! આપ પુત્રરૂપે પ્રગટ થાવ પરિણામ સ્વરૂપે બ્રહ્માજીના અંશમાંથી ચંદ્રદેવ, વિષ્ણુજીના અંશમાંથી યોગવેત્તા દત્તાત્રેય અને શવજીના અંશમાંથી મહર્ષિ દુર્વાસાજી પ્રગટ થાય છે.

આજ હૈ જયંતિ અવધૂતકી, તીન દેવ રુપ કી, અનસૂયા સૂત કી..

શાસ્ત્રોમાં સમાધિ ભાષા હોય છે. કોઈપણ કથામાં અને પ્રત્યેક પાત્રના નામ અને તેના કાર્યમાં પણ ગૂઢાતિગૂઢ રહસ્યો હોય છે. ‘શ્રીદત્ત પ્રાગટ્ય' કથા પણ કંઈક આવી જ છે. સ્થળ સંકોચને લીધે એક એક બાબત પર વિસ્તૃત વર્ણન શક્ય નથી પણ સંપૂર્ણ કથા પર એક આછેરી નજર કરીએ.

ભગવાન શ્રીરામ-શ્રીકૃષ્ણ-ભગવાન દત્ત-પરશુરામ-કપિલ વગેરે અનેક અવતારો ગૃહસ્થને ત્યાંજ થયા છે. નારીનો પૂર્ણતયા લય પુરુષમાં અને પુરુષનો લય નારીમાં થાય ત્યારે જે સંવાદીતતા, શાંતિ અને સ્નેહના સાતત્યનું પ્રાગટ્ય થાય તે ગૃહસ્થાશ્રમ. ખરેખર ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. ગૃહસ્થાશ્રમના આધારે જ બાકીના ત્રણ આશ્રમો ટકી રહ્યા છે. આજે પ્રભુ પધારવા તૈયાર છે પણ તેમને દશરથ-કૌશલ્યા, વસુદેવ-દેવકી, અત્રિ-અનસૂયા, જમદગ્નિ-રેણુકા જેવા ઉચ્ચ કોટીના ગૃહસ્થોની શોધ છે, જે રીતે પિત્તળના મેલા વાસણમાં કોઈ દૂધ-દહીં-છાશ રાખે નહીં, તેના માટે સ્વચ્છ અને સારા પાત્રની અપેક્ષા રહે છે. ગંદી જગ્યાએ કોઈ પવિત્ર વ્યક્તિ બેસતી નથી, ગંદા કપડા-ગંદુ આસન કોઈને પસંદ આવતું નથી તે જ રીતે ભગવાનનું અવતરણ કોઈ સુપાત્ર, પવિત્ર કુટુંબ સિવાય થતું નથી. ભગવાનને પધારવું હોય તે પહેલા સાંકેતિક કુટુંબને જપ-તપ-સાધના કરાવી શુદ્ધ બનાવે છે. સમસ્ત વિકારો-દોષો-વિક્ષેપોની સફાઈ કરાવે છે, જપ-તપ-સાધના દ્વારા અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય વગેરે પંચકોષો તથા પંચપ્રાણોની શુદ્ધિ કરાવી પ્રખર પવિત્ર બનાવે છે. દશરથ-કૌશલ્યાએ પૂર્વજન્મના મનુ-શતરૂપા રૂપે સાધના કરી પ્રભુને પ્રસન્ન કરી પુત્રરૂપે પધારવા માટે વચનબદ્ધ કરેલ. ટૂંકમાં, પવિત્ર ગૃહસ્થ બની ઉત્તમ દામ્પત્ય જીવન ગાળો, વાનપ્રસ્થ જીવન ગાળી બ્રહ્મચારી-સંન્યાસી જીવન ગાળો. ખૂબ તપશ્ચર્યા કરો, સંકલ્પ બળ વધારો જેથી તમારે ત્યાં પણ પ્રભુનું અવતરણ થશે પણ આજે કોઈને દશરથ-કૌશલ્યા, નંદ-યશોદા, વસુદેવ-દેવકી, અત્રિ-અનસૂયા, જમદગ્નિ-રેણુકા બનવું નથી.

એક વાત ખ્યાલ રાખવી જોઈએ કે જ્યારે જ્યારે અવતારો થયા છે તેના મૂળમાં સદગુરુ જ રહ્યા છે. જુઓ રામાવતારમાં ગુરુ સ્વરૂપ શ્રૃંગી ઋષિ, વશિષ્ટ ઋષિ વગેરે નિમિત્ત બન્યા છે. દશરથ રાજાને વૃદ્ધાવસ્થા આવે છે છતાં પુત્રરત્નની પ્રાપ્તિ થતી નથી. નિરંજન નિરાકાર પરબ્રહ્મ પરમેશ્વર જેને સદગુરુ બોલો કે બ્રહ્મ બોલો એક જ વાત છે. તે સ્થૂળ સ્વરૂપે શ્રૃંગી ઋષિ બનીને દશરથ રાજાને ત્યાં યજ્ઞ કરાવે છે અને અગ્નિદેવને ખુશ કરી પુત્ર પ્રાપ્તિ માટે ચરુ આપે છે અને ચરુ ખાવાથી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નનો અવતાર થાય છે. તે જ બ્રહ્મ વશિષ્ટ ઋષિ રૂપે ચારેય ભાઈઓને બોધ આપે છે. કૃષ્ણાવતારમાં નાદરજી રૂપે પરમાત્મા મહાઅસૂર કંસની મતિ ફેરવે છે અને માત્ર આઠમા સંતાનના વધને બદલે દરેક સંતાનનો વધ કરાવે છે અને છેવટે પ્રભુએ કંસના પાપનો ઘડો બાળહત્યાને લીધે જલ્દી ભરાતા કંસવધ કરેલ છે. છેલ્લે સુધી કંસની પકડદાવમાં પ્રભુ આવતા નથી. શ્રીદત્ત પ્રભુના પ્રાગટ્યમાં એ જ નારદમુનિ ફરી નિમિત્ત બને છે.

પુરાણોમાં મહર્ષિ અત્રિની ઓળખ સપ્તર્ષિમાં છે જ્યારે અનસૂયા માતાની ઓળખ સતી નારીમાં કેન્દ્ર સ્થાને છે તેથી મહાસતી તરીકે ઓળખાય છે. પ્રાચીન ભારત વર્ષની નારીઓના સંસ્કારોની શ્રેષ્ઠતા ગાતાં શાસ્ત્રો પણ થાકતાં નથી. અસંખ્ય રૂપકો દ્વારા આપણને, સૌ કોઈને જીવવાની પ્રેરણા, બળ, ઉત્સાહ પુરા પાડે છે. સતી અનસૂયાના જીવનને નિરખતાં ખ્યાલ આવે છે કે નારી એ શક્તિ છે અને એવું એ જાણતી હોય તો તે ‘મહાશક્તિ' છે અને એ તત્ત્વતઃ શું છે નો ખ્યાલ હોય તો પરાશક્તિ-જગદમ્બા-આદ્યશક્તિ-મહામાયા છે. પુરુષની અભિન્ન છાયારૂપ શક્તિ છે. જો નારી વિચાર, ચિંતન, આચરણ અને સ્વરૂપ તરફ ક્રમશઃ ઉન્નતિ કરે ત્યારે સતીત્વની ઝાંખી થાય છે. સતીત્વમાં સત+ઇ+ત્વ અહીં ઇકાર શક્તિવાચક છે એટલે અર્થ થાય છે કે - સતરૂપ શક્તિત્વ. સતીત્વની ઝાંખી થાય છે.

'ઋષિનામ સંસારસ્ય પાર દર્શયતિ ઈતિ ઋષિ' અર્થાત્ સંસારથી પરે જોનારા તે ઋષિ. જેણે સંસારના મૂળ જોવાની દૃષ્ટિ કેળવી હોય તે ઋષિ. મહર્ષિ અત્રિ એ બ્રહ્માજીના માનસ પુત્ર છે અને શાસ્ત્રોમાં બ્રહ્માજીના આંખના રત્ન તરીકે ઉલ્લેખ છે. સૃષ્ટિમાં ‘ગ્રહણ'ની સૌપ્રથમ જાણકારી મહર્ષિ અત્રિએ આપેલ. આવા ઉત્તમ જ્ઞાનસભર ઋષિદંપતિને ત્યાં જ સદગુરુ પ્રાગટ્ય થાય છે.

નારદમુનિ પૃથ્વી પર ફરતા ફરતા અત્રિ-અનસૂયા આશ્રમે આવ્યા ત્યારે તેમને હૃદયમાં સ્ફૂરણ થયું કે, “નારદ, આ સદાચારી-અસંગ-અલિપ્ત-તપોનિષ્ઠ અને સતત જ્ઞાનાવસ્થામાં સ્થિત એવા અપેક્ષારહિત જો મારા માતા-પિતા બને તો કેવું સારું ?” આ પરમ તત્ત્વ અને પરમ સ્વામીના આદેશને જાણે સમજી ગયા હોય તેમ, એમના જ અંગભૂત ત્રિદેવની ત્રિશક્તિ મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળી પાસે જવા રવાના થયા કારણ કે ત્રિમૂર્તિને પ્રગટ કરવા જરૂરી હતા. જે સર્વ ઈચ્છા વિજયી છે તે જ યથાર્થમાં વિજયી છે. અહીં તો અત્રિ-અનસૂયાને પરમાત્મા સંતાન બને એ પણ ઈચ્છા નથી. એવી પરમ વિશુદ્ધ ઈચ્છાથી પણ પર થયેલાની વિશુદ્ધતા કેટલી હશે ? એ કલ્પના પણ અસંભવિત છે.

નારદમુનિ આવ્યા ત્રણે દેવીઓ પાસે. પૃથ્વીલોકની સામાન્ય નારી કેવી સહનશીલ, તપોનિષ્ઠ, પતિવ્રતા, સદાચારી, સંયમી અને શિલવાન છે તેના વખાણ કરવા લાગ્યા અને એવી નારીઓમાં આ અનસૂયા શ્રેષ્ઠતમ છે એવું કહેવા લાગ્યા ત્યારે કેટલાકનું કહેવું છે કે ઈર્ષા જાગી ! પરંતુ આ તો ત્રિગુણી માયા-સ્વરૂપ સમર્થ શક્તિઓ એમાં ઈર્ષા કઈ રીતે જાગે ? પરંતુ એ નારીની પરીક્ષા કરીને એની યથાર્થતાને સંસારમાં પ્રસ્થાપિત કરવા અને સર્વજ્ઞ હોવાથી, લીલા કરવાના એક ભાગરૂપે, ત્રણે સહમત થઈ પોતપોતાના પતિ દેવોને અનસૂયાના ‘સતીત્વ’ સતશક્તિત્વની પરીક્ષા કરવા આગ્રહપૂર્વક વિનંતી કરી. અંતે ત્રણે દેવો અત્રિઋષિના આશ્રમે એકઠાં થયા.

જે અસૂયા રહિત છે તે અનસૂયા અને જે પ્રકૃતિના ત્રણ ગુણોથી પર છે તે અત્રિ. અત્રિ-અનસૂયા વિશે માત્ર એક લીટીમાં લખીએ તો...જેણે સત્વ, રજસ્, તમસ્ રૂપ પ્રકૃતિ જીતી લીધી હોય અને તેનાથી પર થયા હોય એટલે અક્ષય-અવ્યક્ત વ્યાપક સ્વરૂપ કે બ્રહ્મ સ્વરૂપનું પ્રતિક. આવા દિવ્ય ઋષિદંપતિ જ્યાં બિરાજમાન હોય તે આશ્રમની શોભા અવર્ણનીય જ હોય. ઉપવનના સૌંદર્યમાં ઉછળતા-કૂદતા હરણાં, સસલા તેમજ નાના પ્રકારના પશુઓ અને પક્ષીઓના મધુર કલરવમાં, હૃદયને મંત્રમુગ્ધ કરી દે તેવા વાતાવરણમાં પ્રવેશતા શેતાન પણ સાધુ બની જાય છે. અર્થાત્ સ્વભાવમાં પરિવર્તન આવી જાય છે. અનસૂયા કે જે અખંડ એકરસાનંદમાં મગ્ન અને ઈચ્છારહિત ભાવાતિત સ્થિતિમાં જે રમમાણ હોય તે શું ખંડિત થાય ? કે તેમની પરીક્ષા થાય ?

ત્રણે દેવોએ-બ્રહ્મા, વિષ્ણુ, મહેશે પહેલેથી જ નક્કી કરી લીધેલ હોય છે કે અનસૂયા બ્રહ્મવાદિની છે, મહામાયા છે, આપણી માઁ છે. યોગશાસ્ત્રમાં આજ્ઞાચક્રથી ઉપર ચંદ્રબિંદુ, ત્રિકુટી પછી હિરણ્યગર્ભ આવે છે. હિરણ્યગર્ભમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે જ્યારે તે ત્રિદેવો એક થઈ પોતાના વ્યાપક મૂળ સ્વરૂપમાં પ્રવેશવા ઈચ્છે છે ત્યારે તેઓને પણ મહામાયાનો સહારો લેવો પડે છે. અચાનક આશ્રમે આવી ગયેલા સાધુ રૂપમાં અતિથિ જોઈ ગૃહસ્થધર્મનો મહિમા વધારતા અનસૂયા માઁ બોલ્યા, “આપ ભિક્ષામાં શું લેશો ?” ત્યારે સાધુરૂપ દેવોના મુખમાંથી શબ્દો સરી પડયા કે “માઁ ! અમને અમારા સ્વ-ભાવ મુજબ ‘દિગંબર' બની સ્તનપાન દ્વારા દૂધ પિવડાવો.” અહીં એક નોંધનીય બાબત છે કે શાસ્ત્રમાં કયાંય ‘નગ્ન’ શબ્દનો પ્રયોગ થયો નથી. ‘નગ્નતા' એ સ્થૂળના સંદર્ભે છે જ્યારે ‘દિગંબરત્વ' એ સૂક્ષ્માતિસૂક્ષ્મ સંદર્ભે છે. આ રૂપક આધ્યાત્મિક સંદર્ભમાં હોવાથી ઉચિત અર્થ થવો ઘટે છે, અન્યથા દોષરૂપ કુતર્ક ગણાય જે શાસ્ત્ર સંમત નથી.

જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈપણ પવિત્ર આત્માને માઁ માની લે, માઁ બોલે ત્યારે તે ગમે તેટલા મહાન હોય કે મોટા હોય તેઓનું સૂક્ષ્મ બાળક રૂપ થઈ જાય છે. અનસૂયા માતા જ્યારે ભિક્ષા માટે આવેલા અતિથિના મુખે શબ્દો સાંભળ્યા ત્યારે તેઓના સૂક્ષ્મરૂપોને ઓળખી લીધા. આ સૂક્ષ્મત્વની ઓળખ માટે સૂક્ષ્માતિસૂક્ષ્મમાં પ્રવેશ કરવો પડે. જે ‘દિગંબર'ના અર્થને અનુકૂળ અને તર્કસંગત છે. આ સ્થિતિમાં જે સૂક્ષ્માતિસૂક્ષ્મ છે એના માટે દિશાઓ વસ્ત્રરૂપ છે. સૂક્ષ્મ માટે સ્થૂળ શરીર વસ્ત્રરૂપ છે અને સ્થૂળ શરીર માટે કાપડનો ટૂકડો વસ્ત્ર છે. આમ અહીં દિગંબરનો અર્થ સૂક્ષ્માતિસૂક્ષ્મ બનીને, સ્તનની નીચે હ્દયની અંદર રહેલા સહજ સ્વરૂપ દૂધનું પાન કરવા માંગીએ છીએ એવો અર્થ થાય છે.

ત્રણેય દેવોએ ‘દિગંબર' શબ્દ ખૂબ જ ગણત્રીપૂર્વક કસોટી માટે બોલ્યા. જો અનસૂયા બ્રહ્મવાદીની હશે તો જરૂરથી તત્ત્વ-ગુણોથી પર ચિન્મય સ્વરૂપ ધારણ કરી લેશે. ચિન્મય સ્વરૂપ એટલું સૂક્ષ્મ છે કે સર્વથી સૂક્ષ્મ જે આકાશ છે તે ચિન્મય સ્વરૂપ સામે વસ્ત્રના સ્વરૂપમાં શોભે છે. ટૂંકમાં, ચિન્મય સ્વરૂપધારી માટે આકાશ વસ્ત્ર છે. ચિન્મય સ્વરૂપધારી સામે સર્વ સૃષ્ટિ-બ્રહ્માંડ-સર્વ દેવો નાના બાળક સમાન લાગે છે. અનસૂયા માઁ ત્રણેય દેવો પર જળની અંજલી છાંટે છે તેથી ત્રણેય દેવો બાળક બને છે તે પ્રસંગનો અર્થ એ છે કે માઁ અનસૂયાએ સંકલ્પ કરી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને ત્રણેય દેવો વિરાટ શક્તિની ગોદમાં બાળક બની રમવા લાગ્યા. વ્યાપક બ્રહ્મશક્તિની પરીક્ષા માટે આવા ગુણો અને તત્ત્વો જાય તો તે બાળક બન્યા સિવાય રહે જ નહી. માઁ તો બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાળક બનાવી સમતા-નિર્દોષતાના ઝુલા પર ઝુલાવી રહ્યા છે. બ્રહ્માદિ દેવોના ત્રણે ગુણો બાળક જેવા બની જાય-એકરસ થાય, ત્રિવેણી સંગમ થાય ત્યારે જ બ્રહ્મનું પ્રાગટ્ય થાય છે અને તે જ સદગુરુ બને છે.

એ નારી ખરેખર ધન્ય છે અને વંદનિય છે કે જે જગતના કલ્યાણમાં રત હોય એવા મહાન આત્માઓને, પોતાના ગર્ભમાં ધારણ કરી, ગર્ભમાં જ ઉત્તમ સંસ્કારોનું સિંચન કરતાં-કરતાં અને બાળક તરીકે એ જન્મતાં જ એને પવિત્ર અને સાત્ત્વિક સ્તનપાન દ્વારા, એ બાળકરૂપ જગતનાં તારણહારને ગોદમાં ઉઠાવીને, બહારના પ્રદૂષિત વાતાવરણથી કુસંસ્કારોના આક્રમણથી અને કુભાવનાના સંક્રમણથી બચાવી-રક્ષી ઉદાત ભાવના અને સતચરિત્રનું સિંચન કરી, એની દિવ્યતાને વધુ પોષે જેથી કૌશલ્યા, દેવકી, યશોદા, અનસૂયાની જેમ અમર પાત્ર બની રહે કે જેનું ઋણ આ જગત ક્યારેય, કોઈપણ સંજોગોમાં, કોઈ જ રીતે ન ચૂકવી શકે.

વારંવાર માઁ ની સ્તુતિ કરીએ એ કે, હે મા ! આ કળયુગ, તારા એક ઉત્તરાદાયિત્વ અંગેની નાની લાગતી પણ ગંભીર બાબતનું જ પરિણામ છે. એ તું જ્યારે સમજી ચુકી છે ત્યારે યુગ પરિવર્તન તારા જ હાથમાં છે. હે ૐ શુધ્ધ શક્તિ ! તારા પરમ પવિત્ર અને દિવ્ય સૌંદર્યને પ્રગટ કરવાનો આ સમય હવે તુ ચૂકે એ કેમ પાલવે ?

આજે અનસૂયા માતા સમાન પ્રખર વ્યક્તિત્વ ધરાવતી મહાન નારીશક્તિની સમાજને જરૂરત છે. માઁ-ના સંસ્પર્શ અને ભાવ-સભર સંકલ્પ-શક્તિપાત થયા અને ત્રણેય દેવો પોતપોતાની ક્રિયાત્મક ભેદરૂપ ભૂમિકા વિસરીને, હું વિષ્ણુ છું, બ્રહ્મા છું, શિવ છું ના ભાનરહિત સહજ-આનંદમાં મસ્ત બની સ્વરૂપમાં સ્થિત થઈ ગયા. અવધૂત બની ઉન્મનિમાં પ્રવેશી ગયા. સાર એ છે અનસૂયા માતાનું સ્થાન ત્રણ દેવ અને ત્રણ દેવીઓ કરતા ઊંચું છે. માઁ તો માયારૂપ ત્રણ ગુણોથી પર મહામાયા સ્વરૂપ છે.

આમ સૃષ્ટિના ક્રમમાં વિક્ષેપ થતાં દેવીઓ ચિંતાતુર થઈ ગયાં ત્યારે નારદમુનિની સલાહથી ત્રણે દેવીઓ અનસૂયા માઁ પાસે આવ્યા અને પોત પોતાના પુરુષોની માંગણી કરી ત્યારે બ્રહ્માકાર વૃત્તિના “એકોડહં બહુસ્યામિ એકોડહં દ્વિતીયોનાસ્તિ” ઝુલાના આવાગમનરૂપ વચ્ચે સહજરૂપમાં સ્થિર એકરસ સમરસ એવા પ્રકૃતિના ભેદ-રહિત ત્રણેય બાળકોના, એક જ સ્વરૂપને જોતાં મૂંઝાવા લાગ્યાં કે આમાંથી મારો પતિ કોણ ? હવે કોઈ જાણ્યા વિના સ્પર્શી ન શકે ! પતિવ્રતા ધર્મ આડો આવે આવી વિકટ પરિસ્થિતિમાં ઘણો સમય પસાર થયા પછી પ્રકૃતિ સ્વરૂપો, પ્રકૃતિથી પર એવા તત્ત્વને નહીં ઓળખી શકવાથી પ્રાર્થના દ્વારા પ્રસન્ન કરી માઁ અનસૂયા પાસેથી પોતાના પતિ પાછા મેળવવા માંગે છે કારણ કે તેમને ખ્યાલ આવી ગયો કે અવધૂત સ્થિતિએ પહોંચેલા ઉત્પત્તિ-સ્થિતિ અને લય ત્રણેય પ્રકારનાં કર્મો કરવા અશક્ત છે અને દેવીઓ કર્તા સ્વરૂપને મૂળ સ્વરૂપમાં લાવવા અસમર્થ છે. અંતે માઁ અનસૂયાને પ્રાર્થના કરી, પોતાના પતિદેવોને પ્રાપ્ત કરે છે ત્યારે માઁ કહે છે કે જેને મેં મારા ગુપ્ત રહસ્યરૂપ બ્રહ્મવૃત્તિનાં ભાનરૂપ સ્તનપાન કરાવ્યું એ મારાં સ્વરૂપો મને છોડી જ કેમ શકે ? ત્યારે ત્રણેય દેવોમાંથી સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વરૂપો આવીને એકત્રિત થતા સદગુરુનું પ્રાગટ્ય થયું ત્યારે માઁ એ આશીર્વાદ આપ્યા કે સદ્રુપ હોવાથી વિશ્વના કલ્યાણ માટે સદગુરુ રૂપે વિચરો અને તમને જે જ્યાં સ્મરે ત્યાં તત્ક્ષણ પોતાની સહજ સંકલ્પ શક્તિથી ઉપસ્થિત રહો !

આ પ્રસંગે અંતરિક્ષમાંથી દેવોએ પુષ્પોની વૃષ્ટિ કરી, ગંધર્વો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. સિદ્ધો “જય ગુરુદત્ત જય ગુરુદત્ત” ના જયઘોષથી વાતાવરણને ભરી રહ્યા હતા ત્યારે આકાશવાણી થઈ કે, “હે ત્રિમૂર્તિ સ્વરૂપ ! તમે એક જ છો પરંતુ તમારી ત્રણેય પ્રકારની કાર્યશક્તિને એકમાં સમાવિષ્ટ કરીને વિશ્વ કલ્યાણ માટે પ્રવૃત્ત થાઓ છો ત્યારે તમને હું “ગુરુદત્ત” કહીને સમગ્ર ગુરુઓના ગુરુપદે સ્થાપું છું.”

તર્કના સાગરમાં ડૂબેલા ‘શ્રીદત્ત પ્રાગટ્ય કથા' વાંચી તરત જ તર્કથી જણાવે છે કે જ્યારે ત્રણેય દેવો ત્રણે દેવીઓ સાથે સ્વધામમાં જતા રહ્યા ત્યારે ભગવાન દત્ત આવ્યા ક્યાંથી ? જવાબ એ છે કે અગાધ જળરાશિમાં વિદ્યુતશક્તિનું કેટલું પ્રમાણ છે, દરિયામાં અગ્નિનું કેટલું પ્રમાણ છે તેનું માપ કાઢવું કોઈપણ વૈજ્ઞાનિક માટે કઠિન છે છતાં જે વૈજ્ઞાનિકને જેટલી એ વિદ્યુત શક્તિની આવશ્યકતા રહે છે, તે પોતાની યુક્તિથી કાઢી શકે છે. જળમાંથી વિદ્યુત શક્તિ લેવાથી, સંપૂર્ણ વિદ્યુત શક્તિનો સમાવેશ લીધેલા વિદ્યુતશક્તિમાં થઈ જતો નથી તે તો અધર્મમાંથી ધર્મમાં પ્રવેશવા માટે અર્થાત્ ડામાડોળ સૃષ્ટિને સુરક્ષિત કરવા માટે જ છે.

એક વાત યાદ રાખવી જોઈએ કે ઈશ્વરનું પ્રાગટ્ય દંપત્તિના સ્થૂળ શરીરથી થતું નથી. શરીર તો નિમિત્તમાત્ર હોય છે. આધારભૂત હોય છે. તે પ્રાગટ્ય તો ચિન્મય સ્વરૂપના સંબંધથી થાય છે છતાં વ્યવહારમાં સ્થૂળ શરીર આધારભૂત રહે છે. બ્રહ્મનો ઉદય ઈચ્છાશક્તિના સંકલ્પથી થતો હોય છે. બ્રહ્મયોનિથી થતો હોય છે. આ વિષય ખૂબ જ ગૂઢ તેમજ રહસ્યાત્મક છે. જેને ખૂબ જ ઊંડું તલસ્પર્શી અધ્યયન હશે તે જ આ ગૂઢ રહસ્યને સમજી શકે છે.

સિદ્ધો-સંતો બોલે છે કે ભગવાન દત્ત તાત્ત્વિક દૃષ્ટિએ તત્ત્વરૂપે અણુ-અણુમાં વ્યાપ્ત છે. જે નિરંજન-નિરાકાર પરબ્રહ્મ છે એટલું જ નહીં તેઓ સાકાર સ્વરૂપે ચિન્મય સ્વરૂપમાં આ વિશ્વમાં વિચરી રહ્યા છે. જેની અનુભૂતિ-દર્શન સિદ્ધો-સંતો તથા ઉચ્ચ કક્ષાના સાધકોને થયેલ છે અને આજે પણ થઈ રહી છે.

એક જ અખંડ વ્યાપક બ્રહ્મ જુદા જુદા સ્વરૂપમાં પોતાની માયિક સૃષ્ટિનું સંચાલન કરે છે તેમાં શંકા નથી. જે રીતે એક જ વિદ્યુતપ્રવાહ બલ્બમાં, હીટરમાં, પંખામાં, મીલોમાં, મશીનરીઓમાં, રેડીયો-ટી.વી. વિગેરેમાં વિવિધતા રૂપે પોત પોતાના રૂપ તેમજ કાર્ય વ્યક્ત કરે છે. જુદા જુદા સ્વરૂપમાં પ્રકાશતા, ગરમી આપતા, ચાલતા, ગાતાં દેખાય છે છતાં વિદ્યુત શક્તિના પ્રવાહનું સ્વરૂપ દેખાતું નથી. ફ્કત તે તાંબાના વાયરને આધારે ગતિ કરે છે. મૂળમાં તે શક્તિનો કોઈ આકાર નથી. એક હોવા છતાં અનેક સ્વરૂપો લઈ અનેક જગ્યાએ જુદા જુદા કાર્યો કરે છે, તે રીતે બધામાં એક જ તત્ત્વ છે, બધા એક જ છે આ રીતની જ્ઞાનીઓની દૃષ્ટિ હોય છે. જીવભાવમાં ભટકતા અબુધ-અજ્ઞાનીઓની દૃષ્ટિમાં ભગવાન જુદા જુદા છે પરસ્પર દ્વેષ-વેરભાવ છે.

સાંસારીક દુ:ખ, આધિ, વ્યાધિ, વિકાર, દોષ, દ્વંદ્રનો નાશ ન થાય ત્યાં સુધી લક્ષ પ્રાપ્તિ થતી નથી અને આ વ્યાધિઓનું શમન-દમન જ્ઞાન સિવાય થતું નથી અને આ જ્ઞાન સદગુરુ સિવાય મળતું નથી. ઈશ્વર પ્રાપ્તિ કે ઈશ્વર દર્શન કે સ્વરૂપનો બોધ એ ગુરુ પરંપરામાં ગુંથાયેલ છે. ગુરુ એ બ્રહ્મની પરંપરા છે અને તે સદગુરુ માંથી પ્રવાહિત થઈ છે. ગુરુ અનેક હોઈ શકે જ્યારે સદગુરુ એક અને માત્ર એક જ હોય છે. વર્તમાન કલ્પમાં સદગુરુની ગાદી પર દત્ત ભગવાન બિરાજમાન છે. ‘જ્ઞાન સ્વરુપં નિજ બોધ રુપમ્' અર્થાત્ અંતઃપ્રેરણા રૂપે જ્ઞાન પ્રદાન કરે છે. તેથી માનવલોક, દેવલોક તેમજ અન્ય સમસ્ત સૃષ્ટિના ગુરુ તરીકેનું બિરુદ દત્ત ભગવાનને મળ્યું છે. ‘

શ્રીદત્ત જયંતિ’ની ઉજવણીનો મતલબ એવો રખેને નહીં કરતાંકે, ‘ચાલો, શ્રીદત્ત મંદિરે કે ગુરુસ્થાને જઈએ, ભેગા મળી કિર્તન કરીએ, સાથે જમીએ અને તે દિવસ મોજશોખથી ગુજારીએ' યથાર્થ ઉજવણી તો જીવનનો ઉલ્લાસમય ઉત્સવ બની જવો જોઈએ અને એ ત્યારે જ શક્ય છે કે જેની જયંતિ ઉજવતાં હોઈએ, જેને સતત ભજતાં હોઈએ, તેનાં સદગુણોને આપણામાં જગ્યા કરી આપીએ અને જે કોઈ દુષણો, વ્યસનો, દુર્ગુણો છે તેનો ત્યાગ કરી સદગુરુની પવિત્રતામાં તદ્ રૂપ બની આનંદથી સ્નાન કરીએ.

મહામંત્ર ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' ના દ્રષ્ટા પ્રાતઃસ્મરણીય ૫.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજના આ દિવ્ય સત્સંગ સાથે તેમના આશીર્વચનના વિશેષ સત્સંગ તેમના જ શબ્દોમાં માણીએ...

આજે સદગુરુ દત્તાત્રેયની જયંતિ છે તે નિમિત્તે આપ સૌ સદગુરુચરણના પૂજન કરશો, આશીર્વાદ લેશો કે જે વડે આત્મકલ્યાણ અને બીજાઓનું પણ કલ્યાણ થઈ શકે, ભગવાન દત્તાત્રેયના ત્રણ માથા, છ ભુજા અને આયુધો વિષે ઉંડાઇથી મનન કરતા સમજાય છે કે અખંડ બ્રહ્માંડ તેમના સ્વરૂપ છે. નિરંજન, નિરાકાર વ્યાપક તત્ત્વ ક્યારેક ક્યારેક આપત્તિકાળમાં અનેક સુપાત્ર વ્યક્તિઓને નિમિત્ત બનાવી વિશ્વ કલ્યાણ કરાવે છે. આજે સદગુરુ ની જયંતિ છે, પ્રાગટય દિવસ છે તો આજે શું કરવાનું છે તે અંગે વિચાર કરીએ,

મન જ્યારે ત્રણ ગુણોથી પર થઈ નિર્મળ બને છે અને બુદ્ધિ જ્યારે રાગ-દ્વેષ-ઇર્ષાદિથી, દોષો-વિકારોથી ઉંચી ઉઠી સાત્વિકી બને છે ત્યારે જ આ શરીરરૂપી બ્રહ્માંડપિંડમાં જ્ઞાનરૂપી પુત્રની ઉત્પત્તિ થાય છે કે જે દરેકને બોધ આપી અજ્ઞાન દૂર કરી વ્યાપક તત્ત્વને સમજાવી ભેદભાવરહિત કરી પોતાના સ્વરૂપનું ભાન કરાવતાં બધાને લક્ષ તરફ લઈ જાય છે. આપણું શરીર મંદિર બને એટલે કે પવિત્ર બને, મન-ચિત્ત-બુદ્ધિ શુદ્ધ બને ત્યારે જ આત્મતત્ત્વ ખીલે અને અંદર જ્ઞાન સ્વરૂપ દત્તનું પ્રાગટ્ય થાય કે જે તત્ત્વ આપણને પોતાના સ્વરૂપમાં બદલી બ્રહ્મસ્વરૂપ બનાવી દે છે. આવા તત્ત્વને આપણી અંદર પ્રગટાવવાનું છે તે માટે આપણે સજાગ થવું પડશે. સાવધાનીથી, તીક્ષ્ણ દૃષ્ટિથી પ્રથમ પોતાની ભૂલો, પોતાના દોષો, અવગુણો, કુટેવો, કુસંસ્કારોને ત્યાગવા પડશે-છોડવા પડશે ત્યારે જ આપણી અંદર દત્તનું પ્રાગટ્ય થશે. જો કે દત્ત તત્ત્વ દરેકમાં બિરાજમાન છે જ માત્ર ભ્રમ અને અજ્ઞાન તેમજ ઉપર વર્ણવેલ દોષોને હટાડવાની જરૂરત છે અને તે સમસ્ત વિઘ્નો મંત્ર રૂપી અસ્ત્રથી જ હટી શકશે કારણ કે મંત્ર એ ગુરુકૃપા અને ગુરુશક્તિથી ભરપૂર હોય છે. ભલે તે મંત્ર કોઈપણ દેવના કેમ ન હોય ? આપ લોકોના જે ઈષ્ટદેવ હોય, જે ગુરુદેવ હોય તે ગુરુ અને ઈષ્ટમંત્ર શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરતા રહેશો તો લક્ષ દૂર રહેશે નહિ. હું માત્ર ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' મંત્ર ઉપર જ ભાર મૂકતો નથી. એટલું જરૂર બોલું છું કે - કોઈપણ મંત્રની આગળ-પાછળ આ મંત્રનો જાપ કરવાથી અગર વિશેષ અનુભૂતિ થતી હોય, આનંદ આવતો હોય અને ધ્યાનમાં બેસતા ધ્યાન લાગતું હોય તો જરૂરથી કરવો જોઈએ. ગુરુતત્ત્વ એટલું સૂક્ષ્મ છે કે સાધકોની અંદર સતત ક્રિયાશીલ હોવા છતાં ગંભીરતાથી, શાંતિથી બેસી વિચાર કરતા થોડાક અનુભવાય છે અને કોઈને સદગુરુ તત્ત્વ વિષે વધારે અનુભૂતિ પણ થાય છે. કેમ ? તેનો ઉત્તર તમે જાણો છો અને ધારો તો જાણી શકો છો એટલે લખવાની જરૂરત નથી.

હવે આપ લોકો સદગુરુ ચરણનું ધ્યાન કરી ચરણ કમળને ભાવનાથી પ્રેમથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી હૃદયકમળ અથવા સહસ્ત્રારમાં પધરાવી વિવિધ ઉપસ્કરણોથી માનસિક પૂજા કરો એનાથી બધા દોષો દૂર થશે, અંતઃકરણ પવિત્ર બનશે અને એક દિવસ એવો પણ આવશે કે તમે મૂળ સ્વરૂપમાં પોતાને જોઈ શકશો. સદગુરુ વિશ્વનું કલ્યાણ કરે, બધાને સદ્બુદ્ધિ આપે, સહનશીલતા આપે, ધૈર્ય આપે અને પોતાના તરફ ખેંચતા રહે અને અબુધ, અજ્ઞાની બાળકોની ભૂલો ક્ષમા કરે તે પ્રાર્થના સાથે વિરમું છું.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"એક જ અખંડ વ્યાપક બ્રહ્મ જુદા જુદા સ્વરૂપમાં પોતાની માયિક સૃષ્ટિનું સંચાલન કરે છે તેમાં શંકા નથી. મૂળમાં તે શક્તિનો કોઈ આકાર નથી. એક હોવા છતાં અનેક સ્વરૂપો લઈ અનેક જગ્યાએ જુદા જુદા કાર્યો કરે છે, તે રીતે બધામાં એક જ તત્ત્વ છે, બધા એક જ છે આ રીતની જ્ઞાનીઓની દૃષ્ટિ હોય છે. જીવભાવમાં ભટકતા અબુધ-અજ્ઞાનીઓની દૃષ્ટિમાં ભગવાન જુદા જુદા છે, પરસ્પર દ્વેષ-વેરભાવ છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Dattatreya Datta Jayanti Janmotsav Krishna Raam MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace