Skip to main content

સિધ્ધો, સંતો, મહાપુરુષો પ્રેમથી જગતને જીતે છે

આ ભૂમંડળ ઉપર જગતના કલ્યાણ માટે જેમ ઇશ્વરનો અવતાર થતો હોય છે તે જ રીતે ઇશ્વરની આગળ-પાછળ સિધ્ધો, સંતો, સદગુરુ અનેક ઘાટોમાં આવી કલ્યાણ કરવામાં મહત્વનો ફાળો આપતા હોય છે. એક મહત્વની વાત યાદ રાખવી પડશે કે - અવતરેલા ભગવાનને લોકો ઝટ ઓળખી લેતા હોય છે પણ ઉચ્ચ કક્ષાના સિધ્ધો, સંતો ઓળખાતા નથી. તેઓ જેના ઉપર કૃપા કરે તે જ તેઓને ઓળખી શકતા હોય છે. તેઓનું સ્થૂળ શરીરનું વિસર્જન કર્યા પછી બધાને ખબર પડતી હોય છે ત્યારે મોડું થઇ ગયું હોય છે. આ જે કાંઇ થાય છે તેની પાછળ ઇશ્વરી સંકેત હોય છે.

ગુરુ એટલે કે - જે અંધકારમાંથી પ્રકાશમાં લઇ જાય, સદશિષ્યને બોધ આપે - જ્ઞાન આપે. સદગુરુ તત્ત્વ અનેક ઘાટોની અંદર જુદા-જુદા નામ, રુપ, રંગમાં ગુણ સ્વરુપે ઓળખાતા હોય છે. જેટલો અરીસો વધારે સાફ હોય તેમાં તેટલો જ વધારે ચોખ્ખો ચહેરો દેખાતો હોય છે, એ જ અવસ્થા ગુરુની અંદર હોય છે. મનની નિર્મળતા, નિશ્ચલતા, નિષ્કપટતા, નિખાલસપણું જેની અંદર જેટલું વધારે હોય છે તેઓની અંદર સદગુરુ તત્ત્વ તેટલું જ વધારે પ્રકાશિત થતું હોય છે.

અહીં મહત્વની વાત એ છે કે - મહાપુરુષો, સિધ્ધો, સંતોની સ્થૂળ શરીરની હાજરીમાં અથવા તો સ્થુળ શરીરના વિસર્જન પછી બન્ને પરિસ્થિતિમાં ભાવિક ભક્તો તેઓને આવકાર આપતા હોય છે, પૂજતા હોય છે, સ્તુતિ-પ્રશંસા કરતા હોય છે. સમાધિ અથવા પ્રતિમા બનાવી તેઓની ઉપસ્થિતિની અનુભૂતિ કરતા હોય છે. આ બધું હોવા છતાં, ખૂબજ થોડી વ્યક્તિઓ એવી નિકળતી હોય છે કે જેઓએ મહાપુરુષોનો ઉપદેશ, રહેણીકરણી, જીવનચર્યા પોતાના જીવનમાં ઉતારી હોય. મહાપુરુષોનું નિખાલસપણું, ઉદારતા, પરોપકારી ભાવ, નિશ્ચલતા, નિર્મળતા, ત્યાગ અને ઇશ્વર તથા સદગુરુ પ્રત્યેની પ્રગાઢ શ્રધ્ધા, વિશ્વાસ, ભક્તિ, શુભ ગુણો વગેરે જ્યાં સુધી પોતાના જીવનમાં ઉતારવામાં ન આવે ત્યાં સુધી સિધ્ધો-સંતો, મહાપુરુષોની સ્મૃતિ, પ્રશંસા, પૂજન, અર્ચન, ગુણગાન બહુ મહત્વ ધરાવતા નથી, એટલા માટે મહાપુરુષો બોલે છે કે - શાસ્ત્રોનું વાંચન અને સદ્ઉપદેશોનું શ્રવણ પોતાના જીવનમાં ઉતારવું. આસુરી પરિબળોની સામે સિધ્ધો-સંતોના શુભ, પરોપકારી સોડહં હંમેશા અથડાતા હોય છે છતાં તે મહાપુરુષ વિરોધ કરનારનું અહિત નથી ઇચ્છતા, તેઓના વિરોધી તત્ત્વો ઉપર અહિંસક ભાવથી, વિશુધ્ધ પ્રેમથી, આત્મીય ભાવથી વિજય મેળવતા હોય છે. અશુભ પરમાણુઓને, અશુભ તત્ત્વોને પોતાના પવિત્ર સોડહંથી શુધ્ધ કરતા હોય છે પરિણામે મહાપુરુષોની ઉપસ્થિતિમાં અથવા તો સ્થુળ શરીરના વિસર્જન પછી અશુધ્ધ પરમાણુઓ ઉપર વિજયનો ઝંડો લહેરાતો હોય છે. ઉદાહરણમાં જોઇ લો ઈશુને. તે મહાપુરુષને ખીલા મારીને મારી નાખવામાં આવ્યા હતા. વિશુધ્ધ સોડહં ખીલામાં આવ્યો ન હતો. મર્યા પણ ન હતા. આજે વિરોધી તત્ત્વો ઉપર વિજય મેળવતા પવિત્ર સોડહંનું જ પરિણામ છે કે ઈશુને ભગવાન બોલાય છે. એ જ વિરોધી તત્ત્વો કબીર, મીરા, નરસિંહ, જલારામજી, નાનકજી, શિરડી સાંઇબાબા વગેરેની સામે પણ ઉપસ્થિત થયાં હતા અને આજે ઉપર્યુક્ત બધા પુરુષોને મહાન માની પૂજવામાં આવે છે અને તેઓના ઉપદેશોને શાસ્ત્રીય ઉપદેશ માની ગ્રહણ કરવામાં આવે છે. સિધ્ધો, સંતો, મહાપુરુષો પ્રેમથી જગતને જીતતા હોય છે. સાચો વિજય પ્રેમમાં જ સમાયેલો હોય છે. દમનથી શરીર ઉપર વિજય મેળવી શકાય છે. હૃદય ઉપર, આત્મા ઉપર વિજય મેળવી શકાતો નથી એટલે લોકોને જીતવા હોય, વિશ્વને મિત્ર બનાવું હોય તો વિશુધ્ધ, નિઃસ્વાર્થ, સાત્ત્વિક પ્રેમ કરતા શીખો.

(સહજ ધ્યાન યોગમાંથી)


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"લોકોને જીતવા હોય, વિશ્વને મિત્ર બનાવું હોય તો વિશુધ્ધ, નિઃસ્વાર્થ, સાત્ત્વિક પ્રેમ કરતા શીખો."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



sidhha sant sthul visarjan avatar MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace