Skip to main content

શ્રાદ્ધ

શાસ્ત્રો, સંતો તેમજ વિદ્વાનો આ વાતને સ્વીકારે છે કે - જન્મ-મરણનું કારણ શુભ-અશુભ ઈચ્છાઓ-વાસનાઓ છે. સકામ કર્મ જન્મ-મરણને પ્રોત્સાહન આપે છે અને નિષ્કામ કર્મ જન્મ-મરણના ચક્કરમાંથી છોડાવે છે. ઘણાને લાગતું હશે કે - હું નિષ્કામકર્મી છું છતાં તે નિષ્કામકર્મી હોતા નથી. કોઈ પણ સમયે ભગવાન પાસે - સદગુરુ પાસે, ધન, પુત્ર, વૈભવ, સ્વાસ્થ્ય વગેરે માયિક વસ્તુઓની અપેક્ષા સાથે પ્રાર્થના કરવામાં આવે કે પૂજા કરવામાં આવે તો તે સકામમાં ગણાય છે. શુભ સંકલ્પ, શુભેચ્છાઓ એટલે કે - મંદિર બાંધવું, હોસ્પિટલ બાંધવી, અનાથાલય બાંધવા કે અન્ય જાહેર પ્રવૃત્તિઓ કરવા માટેના જે શુભ સંકલ્પો હોય છે તે પણ જન્મ-મરણનું કારણ બને છે અને સમજણપૂર્વક આ શુભ કર્મો કરવામાં આવે તો જન્મ-મરણનું ચકકર છૂટે છે પણ તેનો ખુલાસો છે કે - મહત્વાકાંક્ષાઓ સાથે અસંગ અને અલિપ્ત રહી બિનસ્વાર્થી બની સારા કર્મો કરવામાં જે જોડાય તેઓને કર્મ બંધનીય હોતુ નથી કારણ કે પરહિત માટે તેઓ બધુ કરે છે. પોતાને નિમિત્ત માની કરે છે. કર્તા ધર્તા પરમેશ્વરને માને છે. જે કાંઈ ઉપલબ્ધ થઈ જાય તેનો સદ્ઉપયોગ કરે છે. પ્રાપ્તિમાં કે અપ્રાપ્તિમાં, લાભમાં કે હાનિમાં સમત્વ કેળવતા બધુ કરતા હોય છે એવી વ્યક્તિઓને કર્મ બંધનીય હોતુ નથી પણ જ્યારે કર્તા ધર્તા "હું છું" આ કામ પુરૂ જ કરવું છે તેને માટે સતત ચિંતા કરવી, સતત વ્યસ્ત રહેવું. આ બંધનકર્તા છે. આવા આત્માઓનું કયારેક ઓચિંતુ શરીર જાય છે ત્યારે બાકીના કામ કરવાની જે શુભ વાસનાઓ અંદર રહી ગયેલી હોય છે તેને આધારે તેઓને જન્મ લેવો પડે છે અને એ રીતે ફરી ફરીને એક શુભેચ્છા પૂરી કર્યા પછી બીજી શુભેચ્છાઓ જાગ્યા કરે છે અને તે જન્મ-મરણનું કારણ બન્યા કરે છે. આવા આત્માઓ આ જગતમાં ન હોય તો જગતનું કલ્યાણ પણ ન થઈ શકે. થોડી ઘણી શારીરિક, માનસિક તકલીફો ઉઠાવીને પણ આવા આત્માઓ જગતનું કલ્યાણ કરતા હોય છે. ઈશ્વરની પ્રેરણાથી જ આવતા-જતા હોય છે પરિણામે સમય પાકતા મુકત થઈ જતાં હોય છે. મુકત થઈને પણ ઉચ્ચ કક્ષામાં પહોંચીને પણ અમુક ઉચ્ચ કોટીના મહાપુરૂષોના આત્માઓ, શુભ કામનાઓમાં સાથે જોડાયેલા પવિત્ર આત્માઓને શુભેચ્છા - આશીર્વાદ આપતા હોય છે અને તેઓ મારફ્ત વિશ્વ કલ્યાણકારી કામ કરાવતા હોય છે. બીજી બાજુ, પોતાના સિમિત કુટુંબમાં રહી શુભ-અશુભ કર્મો કરનારા પણ જન્મ-મરણના આવરણમાં રહે છે. જેઓએ સારા કર્મો કરેલા હોય છે તેઓ સારા ઘરે જન્મે છે, સ્વસ્થ રહે છે, ઉપકારી હોય છે, ધાર્મિક હોય છે, દયાળુ હોય છે. બીજી બાજુ, જેઓના શુભ કર્મથી વધારે અશુભ કર્મ થઈ ગયું હોય છે તેઓ શુભ કર્મીઓની સરખામણી કરતા સાધારણ કુટુંબમાં આવે છે; સિમિત સુખોમાં સંતોષ પામતાં સુખ-શાંતિની અપેક્ષા રાખતા હોવા છતાં આનાથી દૂર રહે છે. સ્વાસ્થય માટે, ધન માટે, પારિવારિક સુખ માટે, પ્રયત્નશીલ હોવા છતાં અસફ્ળ રહે છે. ઘણા એવા આત્માઓ પણ હોય છે કે જે ધન, વૈભવ, માયિક સુખનો હોવા છતાં સ્વસ્થ રહે છે. ધર્મ પરાયણ હોય છે. નીતિમાન હોય છે, ન્યાયી હોય છે. સદા શુભ કર્મ કરતાં છેવટે લક્ષ પ્રાપ્ત કરી લે છે. ટૂંકમાં, જન્મ-મરણનું ચકકર બધાની પાછળ જોવા મળે છે. હવે અહિં પ્રશ્ન આ આવીને ઉભો રહે છે કે - પોતાના કર્મના આધારે બધા જન્મતાં મરણ પામતાં હોય તો શ્રાધ્ધ કરવાનો અર્થ શું અને તે કઈ રીતે પ્રાપ્ત થતા હશે.

પ્રાયઃ અવગતિ પામેલા આત્માઓ માટે શ્રાધ્ધની-નારાયણબલિની જરૂરત હોય છે જેમ કે - કોઈ બળીને, કોઈ ઉપરથી પડીને, કોઈ ઝેર ખાઈને, કોઈ ડૂબીને, કોઈ કોઈને હાથે મરીને શરીર છોડ્યું હોય, ટૂંકમાં, અકારણ મૃત્યુ પ્રાપ્ત થયેલા આત્માઓ અવગતિમાં ગણાય છે. ભૂત-પ્રેતની યોનિમાં ભટકે છે. અશાંત અને દુ:ખી રહે છે. તેઓને કોઈ સમાજમાં જવા કે બેસવા મળતું નથી. શુદ્ધ જળ તેઓ પી શકતા નથી અને કાંઈ ખાઈ શકતા નથી કારણ તેઓનુ મુખ સોયના મુખ જેવુ નાનુ અને પાતળુ હોય છે અને પેટ માટલા જેવું મોટુ અને પહોળુ હોય છે. કદાચ તેઓને સંજોગવશાત્ જળ પીવાનું મળી જાય તો મુખ એટલું સાંકડું હોય છે કે તે તૃપ્ત થઈ શકતા નથી. શાસ્ત્રોમાં આવા આત્માઓનું આયુષ્ય હજાર વર્ષનું વર્ણવેલ છે. આ આત્માઓ લાંબી દુ:ખભરી આયુષ્યમાંથી મુકત થાય, માનવ શરીર પ્રાપ્ત કરી, શુભ કર્મોમાં જોડાઈ લક્ષ્ય પ્રાપ્ત કરે તે માટે તેઓના કુટુંબીજનો શ્રાધ્ધ વિધિ કરે છે. આ કરવાથી તેઓને શાંતિ મળે છે અને પ્રેત યોનિમાંથી છૂટે છે, આ અંગેની વિશેષ સ્પષ્ટતા માટે વેદો-પુરાણો વાંચવા જોઈએ. શિવપુરાણમાં ગયા તીર્થ મહિમા, શ્રાધ્ધ પધ્ધતિ તેમજ અન્ય પુરાણોમાં પણ શ્રાધ્ધ વિષે, અવગતિ વિષે, મુક્તિ વિષે માર્ગદર્શન આપેલું છે. મારી પાસે ઘણી એવી વ્યક્તિઓ આવી છે કે જેઓ મારફ્ત પ્રેત યોની, ભૂત યોનિ, બ્રહ્મરાક્ષસ યોનિ વિષે પ્રત્યક્ષ અનુભવ થયેલ છે. આ અંગે વધારે ઉદાહરણ આપવા માટે સમય નથી. એક વખત એક ભાઈ મારી પાસે આવેલા. તેઓનો છોકરો અસ્તવ્યસ્ત હતો, બેચેન હતો. મંત્ર બોલી, પાણી છાંટવાથી તે બોલી ઉઠયો કે - ઝાડ ઉપરથી પડીને મરી ગયો . મારું નામ અમુક છે. હું એક પીપળાના ઝાડ ઉપર રહું છું. આ છોકરો મારા નીકળવાના સમયે ઝાડ નીચે લેટ્રીન કરતો હતો એટલે મેં તેને પડકી લીધો. તે એમ પણ બોલ્યો હતો કે - મારી પાછળ કોઈએ પિંડદાન કે શ્રાધ્ધ કરેલ નથી એટલે અશાંત છું, અતૃપ્ત છું અને ભટકું છું. એજ રીતે અનેકો આત્માઓના ખુલાસા મળ્યા છે. તેઓની પાછળ યોગ્ય કર્મો કરાવી શાંતિ આપવા પ્રયાસ પણ કરવામાં આવ્યા છે અને તેઓને શાંતિ પણ મળી છે.

શાસ્ત્રોમાં ભૂત-પ્રેત યોનિના લોક ઉપરાંત યક્ષ લોક, ગંધર્વ લોક, કિન્નર લોક, દેવ લોક, પિતર લોક, સિદ્ધ લોક વગેરે લોકોના ઉલ્લેખ જોવા મળે છે. ઘણા પવિત્ર આત્માઓ પોતાના શુભ કર્મોને આધારે પિતૃ લોકમાં નિવાસ કરતા હોય છે. તે લોકો પોતાના કુટુંબીજનોને આશીર્વાદ આપે છે અને તેઓના કુટુંબીજનો તેઓના માટે શ્રાદ્ધ વગેરે અનેકો શુભ કર્મો કરતા હોય છે. જેનાથી તેઓને ખોરાક મળતો રહે છે. પુષ્ટિ મળતી હોયછે અને શાંતિ મળતી હોય છે. ખોરાક લઈને આપનારને વધારે પ્રમાણમાં પાછા આપતા હોય છે. અમુક આત્માઓ જે કે કર્મની થીયરી પ્રમાણે જ્યાં ત્યાં જન્મી પોતાનું પ્રારબ્ધ કર્મ ભોગવતા હોય છે અને તેઓની પાછળ તેઓના પૂર્વજો કાંઈક શ્રાદ્ધ વિધિ કરે કે શુભ કર્મ કરે તો તેનું ફળ પણ જન્મેલી વ્યક્તિઓને મળતું હોય છે, કર્મની થીયરી ખૂબ જ ગહન અને સૂક્ષ્મ છે, જે રૂપિયા મનીઓર્ડરમાં મોકલવામાં આવે તે જ રૂપિયા પ્રાપ્ત કરતાને મળતા નથી. ફોર્મ ઉપર લખેલી રકમ જોઈ કર્મચારીઓ તેટલી જ રકમ ત્યાં ચૂકવી દેતા હોય છે. અગ્નિમાં હોમેલા અન્ન કે દ્રવ્ય વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ બળતા નથી, તે અન્ન અનેકો અણુ-પરમાણુમાં વિભકત થઈ તત્ત્વોમાં ભળી જતાં હોય છે અને તે જળના આધારે વરસાદમાં ભળી જમીન ઉપર આવી જતાં હોય છે. જે થીયરી ખેડૂતોની છે કે એક કણ ખેતરમાં નાખી હજારો કણ પેદા કરી લેવા તે જ થીયરી ઋષિઓ, મહર્ષિઓની છે કે હવન-હોમ દ્વારા અન્નની ઉપજ વધારો. ખેડૂતોની થીયરી તુરત જ દેખાય છે અને ઋષિઓની થીયરી અદ્રશ્ય રૂપે ફળ આપતી હોવા છતાં તે દેખાતી નથી એટલે આ માન્ય નથી. જે દિવસે પૂર્વજો જે આત્માઓ પાછળ શ્રાદ્ધ વગેરે શુભ કર્મો કરે છે તે દિવસે અચાનક અમુક વ્યક્તિઓને ધંધામાં, વેપારમાં કે કોઈ પણ રીતે એવો લાભ થઈ જતો હોય છે કે તેની કલ્પના તે કરી શકતા નથી ત્યારે તે પોતાના ભાગ્યના વખાણ કરે છે. આ લાભની અંદર ક્યારેક તેઓના શુભ કર્મો પણ છુપાયેલા હોય છે અને ક્યારેક પૂર્વજોની મોકલેલી વસ્તુઓ અનેક ગણી થઈ ભાગ્ય બની ઉપસ્થિત થતી હોય છે એટલા માટે ગૃહસ્થાશ્રમમાં વંશ પરંપરા ચાલતા રહે તે માટે લોકો પ્રયત્નશીલ રહે છે. ઘણા લોકો પુત્ર ન હોવાથી દત્તક પુત્ર લે છે. ઘણા લોકો જીવિત શ્રાધ્ધ કરી પિતૃઓથી, દેવોથી મુકત થવા વિધિ કરતા હોય છે અને ઘણા ઉચ્ચ કક્ષાના આત્માઓ પોતાના પ્રારબ્ધ કર્મો અસંગ અને અલિપ્ત રહી ભોગવી પુત્રના અભાવમાં પણ જન્મ-મરણના ચકકરથી છૂટવા પ્રયત્નશીલ રહેતા હોય છે અને ઘણા એવા ઉચ્ચ કોટીના આત્માઓની કથા સાંભળવા મળી છે કે - ભગવાનને પુત્ર માની તે લાભ મેળવી મુકત થયા છે. ટૂંકમાં, શ્રાધ્ધ વિધિ સર્વમાન્ય છે. પોતાની શક્તિ પ્રમાણે કરવું જોઈએ. ભગવાન રામે પણ પોતાના પિતાનું શ્રાધ્ધ કરેલ છે આનું પ્રમાણ શાસ્ત્રોમાં જોવા મળે છે. પોતાના માતા-પિતા પોતાના કુટુંબીજનો કે અન્ય દરેક વ્યક્તિઓ પ્રત્યે સદભાવ રાખવો જોઈએ, સેવા કરવી જોઈએ. તેઓને શાંતિ આપવા પ્રયાસ કરવો જોઈએ. આજકાલ તો લોકો હયાત માતા-પિતા-કુટુંબીજનોનો તિરસ્કાર કરે છે, ત્રાસ આપે છે, ધૃણા કરે છે અને જ્યારે તેઓ ગુજરી જાય ત્યારે વર્ષમાં એક વખત તેઓના નામે પીપળામાં જળ રેડે છે. આ ખરેખર શાંતિ આપવાની-તૃપ્ત કરવાની વિધિ નથી. જીવતાં સેવા કરો. જીવતાં શાંતિ આપો ત્યારે જ તે આત્માઓને શાંતિ મળે છે. આખા વર્ષમાં તે મૃતાત્માઓ પાછળ કાંઈ શુભ કરો નહિ, પ્રભુ નામ લો નહિ, એક દિવસ પાણી રેડવાથી તેઓને શું તૃપ્તિ થતી હશે ? મારી સમજથી દરેક આત્માઓને જીવતાં જ પોતાના કલ્યાણ માટે બને તેટલું શુભ કર્મ કરી લેવું જોઈએ. આત્મબળ મજબૂત કરી ઈશ્વર પારાયણ બની શરીર છોડવું જોઈએ કે કોઈને પાણી રેડવાની અપેક્ષા ના રહે, કારણ ? કોને ખબર કે રેડશે કે નહિ, રેડશે તો રેડવામાં ભાવ હશે કે નહિ.

ઘણા લોકો અવગતિ પામેલા અથવા તો યોગ્ય રીતે શરીર છોડેલા આત્માઓ પાછળ ભાગવત સપ્તાહ બેસાડે છે. ભાગવત સપ્તાહ સાંભળવાથી મુક્તિ મળે છે. અતૃપ્ત આત્માઓ સદગતિ પ્રાપ્ત કરે છે તેમ ભાગવતમાં ઉલ્લેખ છે . ધુંધુકારી પ્રેત યોનિમાં પડેલા હતા. ગોકર્ણે ભાગવત સપ્તાહ કરાવી મુક્તિ આપેલ તેમ ભાગવતમાં લખેલ છે.સાત ગાંઠવાળા વાંસ રાખેલ હતા. એક-એક દિવસમાં એક-એક ગાંઠ તુટતી ગઈ, છેવટે સાત ગાંઠવાળા વાંસની ગાંઠ તુટી ગઈ છે અને ધુંધુકારી મુકત થયા છે. ઘણા લોકો સપ્તાહમાં લીલા સાત ગાંઠવાળા વાંસ રાખે છે તેની અંદર આત્માઓનું આવાહન કરે છે અને સાતમે દિવસે તેઓને મુક્તિ મળી ગઈ હશે તેમ માની લે છે. શંકા તો રહી જાય છે કે - વાંસની ગાંઠ તુટી નહિ પણ કદાચ આ ધુંધુકારી વિષે જ હશે. આપણે માટે ન તુટે તો પણ મુક્તિ માની લેવાની.

ખરેખર, આ સાત ગાંઠવાળા વાંસ નથી. આ શરીરના સાત ચક્રો છે. મુલાધાર થી સહસ્ત્રાર સુધીના સાત ચક્રોમાં જીવાત્મા ફસાયેલા છે. કોઈ સિદ્ધ સમર્થ ગુરુ મળે ત્યારે કોષો-પ્રાણોની શુદ્ધિ થઈ શકે અને તે વડે મુલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિ ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને છેવટે સહસ્ત્રારમાં પ્રવેશ થાય છે ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થાય છે. પરિક્ષિતને શુકદેવ જેવા સિદ્ધ સમર્થ ગુરુ મળેલા તેઓને ભાગવત સંભળાવી સદગતિ આપેલી. શુકદેવ જેવા વકતા અને પરીક્ષિત જેવા શ્રોતા જ્યારે મળી રહે ત્યારે મુક્તિ કેમ ન મળે ? મુમુક્ષુ એવા આત્માઓ કે જેઓને ભૌતિક જગતના સુખો નથી જોઈતા, આનાથી ઉપરામ થઈ ગયા છે, ઈન્દ્રિયો અંતરમુખ થઇ રહી છે, ચિર સુખ શાંતિ માટે તલસી રહી છે, પ્રભુ પ્રાપ્તિની ઝંખના સ્વસ્વરૂપના બોધ માટે સતત પ્રયત્નશીલ છે એવા આત્માઓને જરૂરથી સિદ્ધ સમર્થ ગુરુ મળી રહે છે અને પ્રભુ કથા, ચરિત્ર સંભળાવી સંચિત, પ્રારબ્ધ, ક્રિયમાણ કર્મો કાપતા ભોગવાવતા સમસ્ત શુભ-અશુભ ઈચ્છાઓ વાસનાઓની સમાપ્તિ સ્વપ્નમાં, ધ્યાનમાં, જાગૃતમાં કરાવતા આગળ લઈ જતા હોય છે અને ક્રમશ: એક-એક ચક્રને વટાવતા મુકત કરી દેતા હોય છે. જ્યાં સુધી દોષો-વિકારોની સમાપ્તિ ન થાય, ઈન્દ્રિયો અંતરમુખ ન થાય, પોતાની અંદર સુધારો ન થાય ત્યાં સુધી પ્રભુ દર્શન, ભક્તિ કે સત્સંગ શ્રવણનું ફળ મળતું નથી તેમ માનજો. ઘણા લોકો એકાદ ભાગવત સાંભળીને એકાદ સત્સંગ સાંભળીને સુધરી જાય છે, પ્રભુના માર્ગે વળી જાય છે, પોતાની કુટેવો, પોતાના દોષો ત્યાગી દે છે અને લક્ષ તરફ દોટ મુકે છે અને ઘણા લોકો તો એવા જોવા મળે છે કે ઘરસંસારમાં નિવૃત્ત થઈ શરીર કામ ન કરતા હોય ત્યારે સત્સંગમાં કે સપ્તાહમાં સમય પસાર કરે છે. તેઓ સત્સંગમાં જઈને બેસે છે પણ સત્સંગ તેઓમાં બેસતો નથી. જ્યાં સુધી સત્સંગ અંદર ન ઉતરે તે પ્રમાણે જીવન ન જીવાય તો ભજન, પૂજન, વાંચન, શ્રવણનો કાંઈ અર્થ સરતો નથી. વેદો, શાસ્ત્રો, પુરાણો, યજ્ઞ વિષે, શ્રાદ્ધ વિષે, સત્સંગ વિષે, ભજન પૂજન વિષે, જે સાક્ષી ભરે છે, પુષ્ટિ આપે છે તે તદ્દન સાચું છે. જરા પણ શંકાને સ્થાન નથી છતાં આજકાલના તાર્કિક વ્યક્તિઓ તર્કથી ખંડન મંડન કરવા માગે, પ્રમાણ શોધે તે તો તેઓની યોગ્યતા અને કક્ષા ઉપર આધારિત છે. આ અંગે વિશેષ ચર્ચા કોઈ વિદ્વાન સાથે કરવાથી કાંઈ જાણવા મળશે. હું તો મારો અભિપ્રાય ટુંકમાં વ્યકત કરું છું.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"શ્રાધ્ધ વિધિ સર્વમાન્ય છે. પોતાની શક્તિ પ્રમાણે કરવું જોઈએ. ભગવાન રામે પણ પોતાના પિતાનું શ્રાધ્ધ કરેલ છે આનું પ્રમાણ શાસ્ત્રોમાં જોવા મળે છે. પોતાના માતા-પિતા પોતાના કુટુંબીજનો કે અન્ય દરેક વ્યક્તિઓ પ્રત્યે સદભાવ રાખવો જોઈએ, સેવા કરવી જોઈએ. તેઓને શાંતિ આપવા પ્રયાસ કરવો જોઈએ."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Shradhh Mukti shastr raam dashrath MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace