Skip to main content

ચિંતન અમૃત

કર્મફળના હિસાબના પ્રસંગે ભગવાન અને ગુરુદેવ કયાં કેવી રીતે સહાય કરે ?

કર્મબંધનનુ ઉંડાણ અને મજબૂતાઈ એવી નિશ્ચિત છે કે કર્મ ફળ ભોગવ્યે જ છુટકો. કુદરત તેમાં ક્યાંય મુક્તિ આપે નહી. કર્મફળને પણ પાકવાનો સમય કુદરત નિશ્ચિત કરતી હોય છે. કર્મની ગંભીરતા કર્મફળ પ્રમાણે જ થાય છે. કોઈપણ ઘટના પ્રસંગેને કાર્યકારણનો સબંધ હોય છે. કર્મ બંધન-કર્મ ફળ અંગે જેટલું વહેલુ સમજાય તેટલુ સારું છે અને તેટલુ હિતમાં પણ છે. પ્રારબ્ધ તો ભોગવવા જ પડે. તેમાંથી ખુદ ભગવાનને પણ મુકિત મળી શકતી નથી. શ્રીરામને વનમાં રહેવું પડ્યું છે. કૃષ્ણનો જન્મ તો જેલ નામના ઘરમાં જ થયો. જન્મતાની સાથે બીજી જ ક્ષણે માતાને મૂકીને જવુ પડયું. જનેતાનું દુગ્ધાનુપાન કરવા પણ રોકાઈ શકયા નહિ. આ બધા કાર્ય-કારણના સબંધો છે. કર્મફળના બંધન છે. શ્રીકૃષ્ણએ પોતાના સગા સાળાને મારવા જ પડયા.

ભગવાન શ્રીકૃષ્ણ જનેતાનુ દુગ્ધાનુપાન કરવા પણ ન રોકાયા, પરંતુ માસી પૂતનાનું દુગ્ધાનુપાન કરી પ્રાણ હરી લઈ મોક્ષ આપ્યો. માસી પૂતના પુર્વજન્મમાં બલિરાજાની કન્યા હતી. ભગવાન, વામન અવતારથી વામન સ્વરૂપે બલિરાજા પાસે ભિક્ષા ગ્રહણ કરવા આવે છે ત્યારે બલિરાજાની આ પુત્રી નામે રત્નમાલા ત્યાં હાજર હતી. ભગવાન શ્રી વામનનુ દિવ્ય તેજસ્વી પ્રભાવી બાલસ્વરૂપ જોઈને પોતાને આવુ બાળક હોય તેવી ઈચ્છા કરે છે અને સાથે સાથે પોતાના પિતાને મારી નાખવા આવેલા તેથી આ બાળકને મારી નાખવાની ઈચ્છા કરે છે પણ બેમાંથી એક પણ ઈચ્છા પુરી થઈ શકતી નથી. બલિરાજાની આ કન્યા રત્નમાલાને તેના પણ પૂર્વજન્મમાં ઋષિએ શ્રાપ આપેલો કે તું અસૂર કોટીમાં રાક્ષસી થઈ જન્મશે. આ શ્રાપથી ભયભીત બનેલ કન્યાએ ખૂબ માફી-ક્ષમા યાચતાં, ઋષિએ મુક્તિ આપતા જણાવેલ કે ભગવાન શ્રીકૃષ્ણના હાથે તારો મોક્ષ થશે. ત્યાં સુધી તો તારે રાક્ષસ કોટીમાં રાક્ષસી તરીકે જ જીવવાનું રહેશે. આ બધા કર્મબંધનના તાણાવાળા, આ બધા કર્મફળના સબંધોની સાંકળોએ તેને કંઈ જન્મો બાદ બાલકૃષ્ણ દ્વારા મૃત્યુથી મોક્ષ અપાવ્યો. આ કર્મફળ બંધનનુ ઉદાહરણ છે. અંદરથી-મનથી ઈચ્છા કરીએ તે પણ બંધનકર્તા બને છે.

ભગવાન અને સદગુરુ ભક્તને જરૂર મદદ કરે છે જ. બહુ જ આકરી કસોટી કરીને મદદ કરે છે એવુ ઘણાને લાગે છે પરંતુ એવુ નથી. જેને આપણે આકરી કસોટી કહીએ છીએ તે આપણા જ સંચિત-પ્રારબ્ધ કે ક્રિયમાણ એવા કર્મોનો પરિપાક હોય છે. ભગવાન કે સદગુરુ કર્મફળ નાશ કરતા નથી, પણ કર્મફળ ભોગવાવી દેવા આકરી કસોટીમાંથી પસાર કરાવતા હોય છે. આપણને બહુ જ દુઃખ થતુ હોય ત્યારે એ આપણને લાગતી કહેવાતી આકરી કસોટીમાં પણ આપણી સાથે જ હોય છે. સૂક્ષ્મ સ્વરૂપે સાથે હોય છે. આપણને એ દેખાતા ન હોય પણ તેઓને તો આપણે દેખાતા હોઈએ છીએ અને દ્રૌપદી જેવી પુકાર હોય તો તે કૃષ્ણની આંગળીએ બાંધેલ નાના ચીરના પાટાને બદલે કૌરવોની ભરી સભામાં રાજપુરુષો, અધિકારીઓ, વડીલો, પંડીતો, ઋષિમુનીઓ, આચાર્યોની ખેદજનક, શરમજનક ઉપસ્થિતીમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીની વહારે જરૂર-જરૂર પધારે છે જ પરંતુ સ્થૂળ દેહે નહી, સ્થુળ પ્રત્યક્ષ સ્વરૂપે નહીં પરંતુ કૃપા સ્વરૂપે, ધર્મ સ્વરૂપે, સાડી કે વસ્ત્ર પરિધાન સ્વરૂપે, અવશ્ય પધારે છે અને પોતાની ઉપસ્થિતીની ગંભીર નોંધ લેવી જ પડે તેવી ભરપુર તાકાતથી અદ્રશ્ય રીતે દ્રૌપદીની રક્ષા કરે છે. અત્યંત બળવાન અસૂર દુશાસન પણ ચીરહરણ, વસ્ત્રહરણ કરતાં થાકી જાય અને પોતે ભાંગી પડી વસ્ત્રહરણ પડતુ મૂકીને હતાશ થઈ બેસી જાય છે. વળી કૌરવોની જાહેર સભા અચંબામાં પડી જાય અને દ્રૌપદી તેમજ તેના કારણે પાંડવ પક્ષ ઈશ્વર છે જ તેવુ મનોમન સ્વીકારી દુર્યોધનના અંધ પિતા આ બધુ બંધ કરાવી પાંડવોને તેના વસ્ત્ર અલંકાર અને જુગારમાં હારેલી તમામ સંપત્તિ પરત આપી માનભેર વિદાય આપવાનું કહે તેટલી હદ સુધી ભગવાન કે સદગુરુ પરોક્ષ ઉપસ્થિત રહી ભકતોને મદદ કરતા હોય છે.

ભગવાન કે સદગુરુ તો મદદ કરતા જ હોય છે. આપણે કર્મ કરતી વખતે ધ્યાન રાખીએ છીએ ખરા ? આપણે આપણા દૈનિક જીવનમાં કોઈ ચોકકસ નિયમિત, વ્યવસ્થિત નિત્યક્રમ જાળવીએ છીએ ખરા ? કર્મફળના બંધન ભોગવવા જ પડે છે માટે ખોટા, બંધનકર્તા થાય તેવા કર્મો ના જ કરવા જોઈએ. દ્રૌપદી પુકાર પાડીને ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે તમારી સગી બહેન હો તો તમે કેવા દોડતા આવ્યા હોત ? ભગવાન કે સદગુરુને આટલા આત્મ વિશ્વાસથી, અંગત, અંતરંગ ગણી કહી શકાય તેવી આપણી અટલ શ્રધ્ધા, પ્રેમ-વિશ્વાસ, ભરોસો, હક્ક, અધિકાર, દાવો કરીને કહી શકાય તેવી ભક્તિ, હૃદયની નિખાલસતા, ચોખ્ખાઈ, વ્યવહાર-શુધ્ધિ પામી સાધનાએ પહોંચવું જરૂરી તો છે જ. આવા લક્ષ્ય તરફ પહોંચવાની આપણી ભક્તિ સાધના હોવી જરૂરી છે.

કર્મફળના આ અફર અટલ અવિચલ નિયમ સિધ્ધાન્તમાં ભગવાન સદગુરુ ક્યાં કેવી રીતે સહાય કરે ?

(૧) દુ:ખ સહજતાથી સમજણપૂર્વક ભોગવાવી દેવામાં સમજ અને સહન શક્તિ વધારી ને મદદ કરે.

(ર) કર્મફળના સિધ્ધાંતની પ્રત્યક્ષ પરોક્ષ સમજ આપી ભવિષ્યમાં અયોગ્ય કર્મ નહિ કરવાની સંકલ્પ શક્તિ વધારીને મદદ કરે.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"ભગવાન કે સદગુરુ તો મદદ કરતા જ હોય છે. આપણે કર્મ કરતી વખતે ધ્યાન રાખીએ છીએ ખરા ? આપણે આપણા દૈનિક જીવનમાં કોઈ ચોકકસ નિયમિત, વ્યવસ્થિત નિત્યક્રમ જાળવીએ છીએ ખરા ? કર્મફળના બંધન ભોગવવા જ પડે છે માટે ખોટા, બંધનકર્તા થાય તેવા કર્મો ના જ કરવા જોઈએ."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Karma Bandhan Draupadi Shree Krishna Karma Fal MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace