Skip to main content

રહસ્ય કોઈ કોઈ જાને

આત્મીય જીજ્ઞાસુ સાધક આત્માઓ,

“જય ગુરુદત્ત”,

આજે કૃષ્ણ જન્માષ્ટમી છે. ભગવાન કૃષ્ણના ચરિત્ર સાથે આમ જનતા સુપરિચિત છે, હિન્દુ તો શું વિશ્વમાં વસી રહેલાં દરેક સંપ્રદાયોના માનવમાત્ર લીલા પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણને ઓળખે છે. ભગવાન વેદ વ્યાસ અને પુરાણોમાં શ્રીકૃષ્ણલીલાનો ઉલ્લેખ કરેલ છે, તેમાંથી ભાગવત પ્રધાન ગ્રંથ છે. પુરાણો લખ્યા પછી તેઓને પણ શાન્તિ મલી ન હતી તેથી નારદજીના ઉપદેશથી છેલ્લે ભાગવત મહાપુરાણની રચના કરી. આ બધી વાતો તમે લોકો જાણો છો તેમજ અન્ય કાંઈ લખાવી રહ્યો છું તે પણ તમે લોકો જાણો છો છતાં આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી છે એટલે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરતાં હું પોતાના સંતોષ માટે હૃદયમાંથી બે શબ્દો લખાવી રહ્યો છું. ભગવાનનું સ્મરણ કરતાં તેઓની લીલાનું વર્ણન કરતાં કોને આનંદ ન આવે ? આ તો જેટલી ફેરા સ્મરણ થાય છે તેટલો વધારે આનંદ આવે છે, આપ લોકો પ્રેમથી વાંચશો તેમાં કેટલો આનંદ આવશે તે તો તમે જાણો. હું તો ખૂબ મસ્ત થઈ લખાવી રહ્યો છું, ચાલો, હવે મૂળ વિષય ઉપર ચર્ચા કરીએ...

શ્રીકૃષ્ણા અવતારને ભોળા ભકતો શ્રીકૃષ્ણ જન્મના નામે સમજે છે, બોલે છે, ખરેખર ભગવાનનો જન્મ થતો જ નથી. કારણ જેનું મૃત્યુ થાય તેનો જન્મ થાય. જે અજર અમર અવિનાશી છે, તેનો જન્મ કયાંથી થાય ? એનો તો અવતાર થાય છે, “કૃ” એટલે પ્રવૃત્તિ, “ણ” ઍટલે નિવૃત્તિ. જે પ્રવૃત્તિ-નિવૃતિથી પર છે, અક્ષર છે, અણુ અણુમાં વ્યાપ્ત છે, એ જ કૃષ્ણ, કૃષ્ણ શબ્દનો અનેક અર્થ વિદ્વાનો કરે છે. બધાનું બોલવું એક જ થાય છે કે - ભગવાન શ્રીકૃષ્ણ પરબ્રહ્મ છે. અથવા તો સદગુરુ તેમજ સદગુરુ કોટીમાં પહોંચેલા સિધ્ધો-સંતોનો જન્મ થતો નથી, તેઓનું અવતરણ થાય છે. આમ તો આત્મા જન્મ-મરણનાં ચક્કરથી પર છે. આત્મા જન્મતા નથી, મરતા નથી પણ જ્યાં સુધી સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીરની સાથે જીવાત્માઓનો સંપર્ક રહે છે, ત્યાં સુધી ભ્રાંતિરૂપ સંસારમાં જન્મ-મરણ શબ્દ ચરિતાર્થ થાય છે. કારણ શરીર પછી મહાકારણ શરીર સિધ્ધ લોકોના છે, તે મુકત અવસ્થામાં હોય છે, આમાં સિધ્ધ અને સિધ્ધ સાધક એમ બે હોય છે. સિધ્ધલોકોનું શરીર ઓગણીસ તત્ત્વોનું હોય છે અને સિધ્ધ સાધકોનું શરીર સત્તર તત્વોનું હોય છે, આ શરીરમાં પણ શુભેચ્છાઓનો આણવમળ રહે છે એટલે સિધ્ધ સાધકો પણ સદગુરુ પરમાત્માની સાધના કરી તેઓના સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. ઘણા મહાપુરૂષો બોલે છે કે મહાકારણ સુધીની અવસ્થા એટલે કે સિધ્ધ અને સિધ્ધ સાધકની અવસ્થા મુકત ગણાય છે, છતાં તે પરમપદ નથી. મહાકારણ શરીરથી પર પણ પરમકારણ શરીર હોય છે કે જે સદગુરુ અથવા તો પરમેશ્વર અથવા બ્રહ્મનું ચિન્મય સ્વરૂપ છે. ચિન્મય સ્વરૂપ પરમકારણ શરીર-વિદેહી-જીવનમુકત બધું એકનું એકજ છે.

ભગવાનનો અવતાર પણ ચિન્મય સ્વરૂપમાં હોય છે. જે રીતે માનવીનું સ્થૂળ શરીર તેનું માંયિક સ્વરૂપ છે, તે જ રીતે સદગુરુ અથવા તો ભગવાનનું ચિન્મય સ્વરૂપ તેઓનું માયિક સ્વરૂપ છે. બ્રહ્મનો કોઈ આકાર હોતો નથી છતાં જગતને બોધ આપવા માટે ઈચ્છા શક્તિનો ધનીભૂત આકાર એટલે ચિન્મય શરીર. જેને આકારબ્રહ્મ બોલાય છે તે રૂપમાં અવતરીત થાય છે. તે ચિન્મય શરીરમાં તત્ત્વો, ગુણો કે અંતઃકરણ ચતુષ્ટય હોતા નથી, છતાં ધ્યાનમાં અથવા સ્વપ્નમાં બંધ આંખે અથવા તો ખુલ્લી આંખે અથવા તો પરમેશ્વર નાદબ્રહ્મમાં અથવા તો સદગુરુ સાકાર સ્વરૂપમાં માર્ગદર્શન આપે છે, ત્યારે સામાન્ય માનવી જેવા લાગે છે, અહીં શંકા થાય છે કે - અગર બ્રહ્મનો કોઈ આકાર નથી, અને ચિન્મય શરીરમાં ગુણો તત્ત્વો હોતા નથી તો ભગવાનનું સ્થૂળ શરીર કઈ રીતે દેખાય ? આનો ઉત્તર સ્પષ્ટ કરવાથી ઉલ્ઝન પેદા થશે છતાં એટલું બોલું કે - કોઈપણ ઉચ્ચ કોટિના આત્મા કે જેનો છેલ્લો જન્મ થવા સંભવ છે, મુકત કોટિના આત્મા છે તે આત્મા કોઈ પવિત્ર ઘરે જન્મ લે છે, તે અધિકારી આત્માને ભગવાન સ્વીકારી લે છે, અને તે શરીરધારી આત્મા કે જે શુભ પ્રારબ્ધ ભોગવવા માટે જન્મ લેવાનો છે તેઓમાં પોતાની શક્તિનું અવતરણ કરી દે છે. એટલે કે તેઓની બધી જવાબદારીઓ પોતામાં સમાવી લે છે અને તેઓને પોતાનું સ્વરૂપ બનાવી દે છે. તેઓનું સ્થૂળ શરીર માત્ર સંસારમાં એક સ્ટેજ ઉપર નાટક રૂપમાં દેખાતું હોય છે, શુભ કર્મો સાથે બંધાયેલા જેને લોકો પ્રારબ્ધ ભોગ બોલે છે અથવા તો સંસારી રક્ષકની આવશ્યક જવાબદારીઓ ઉપાડીને ફરતા ભગવાન અથવા તો સદગુરુ સ્થૂળ શરીરમાં દેખાતા હોય છે, તેઓ સ્થૂળ શરીરમાં હોવા છતાં એક જગ્યાએ બેઠા હોવા છતાં સૂતા, ખાતાપીતા, બોલતા-ચાલતા, નજરે આવતા હોવા છતાં જે જ્યાં સ્મરણ કરે ત્યાં તે હાજર પણ રહેતા હોય છે, એટલે તેને બ્રહ્મ બોલાય છે. ઉપનિષદોમાં, શાસ્ત્રોમાં આ વિષયનો ખૂબ ઉલ્લેખ છે, હું વિદ્વતા પ્રગટ કરવા માટે શ્લોકો વગેરે લખાવતો નથી, ટૂંકમાં, ઈશ્વર સ્થૂળ શરીરમાં દેખાતા હોવા છતાં સ્થૂળ શરીરથી પર હોય છે, સંસારમાં દરેક વર્તનો કરતા હોવા છતાં તે અસંગ અને અલિપ્ત હોય છે એટલે તો એને યોગેશ્વર અથવા તો યોગિશ્વર બોલાય છે. ભગવાન કોઈ દહાડે કોઈના ગર્ભમાં આવતા નથી. શુભ કર્મો સાથે બંધાયેલા પ્રારબ્ધ શરીરધારી કોઈ પણ પવિત્ર શરીર કે જે ગર્ભથી બહાર આવે છે તે શરીરને સ્વીકારી લે છે. આમ તો ગર્ભમાં આવે તે પહેલાં તે શરીરને સ્વીકારેલા હોય છે, એટલા માટે તે શરીર ગર્ભમાં આવે અને બહાર આવે ત્યારે તે માનવ શરીર કરતાં કાંઈક વિલક્ષણ દેખાતું હોય છે તે જ ઈશ્વરનું સ્થૂળ શરીર રિધ્ધિઓ, સિધ્ધિઓ, ચમત્કારોથી ભરપૂર હોય છે પણ ઈશ્વર પોતાની શક્તિથી પોતાની માયાથી પોતાના મૂળ સ્વરૂપને ઢાંકી રાખતા હોય છે. અગર એવું ન હોય તો ભગવાન શ્રીકૃષ્ણને બધા ઓળખી ગયા હોત, પણ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર થયો છે તે પહેલાં યોગમાયા આવી ગઈ હતી કારણ કે સૃષ્ટિનું સંચાલન ભગવાનની માયા, ભગવાનની શક્તિ કરતી હોય છે, તેને પ્રકૃતિ બોલાય છે. ભગવાન શ્રીકૃષ્ણનું મૂળ સ્વરૂપ મા દેવકીજીને દેખાયું અને તરત જ નાના બાળકનું સ્વરૂપ લઈ ભગવાન શ્રીકૃષ્ણ ગોકુલ આવી ગયા, અહીં એક મોટી વાત જાણવાની એ છે કે - ભગવાન શ્રીકૃષ્ણ તો દ્વાપરમાં અવતાર લીધો છે, પણ ભકતો આજે પણ તેમનો જન્મોત્સવ મનાવે છે, ભગવાનનો અવતાર કરાવે છે. તેનું રહસ્ય શું ? તેનું રહસ્ય ખૂબ જ ઉંડું છે. ફ્કત રાત્રે જાગરણ કરવાથી, બે કલાક ભાગવત સાંભળવાથી, સંગીતની રાગ-રાગિણી આલાપવાથી કે ભાત ભાતના પ્રસાદો મંદિરમાં ધરાવી-વહેંચીને ખાઈ જવાથી જન્મતિથિ ઉજવાતી નથી. મહાપુરુષોનો જન્મ દિવસ ઉજવાય છે તેનું રહસ્ય એ છે કે - તમે લોકો પણ તેવા બનો, તમારે ઘરે મહાપુરુષો જન્મે તો તેનુ રહસ્ય એ છે કે - ભગવાન જેવા - મહાપુરુષો જેવા શુધ્ધ અને નિર્મળ બનો. ખ્યાલ રાખજો કે, ભગવાન શણગારેલા મંદિરમાં, જંગલમાં, કંદરામાં, વૈકુંઠમાં કે યોગીઓના હૃદયમાં માત્ર રહેતા નથી, તે તો અણુ અણુમાં વ્યાપ્ત છે, જે જ્યાં પ્રેમથી પુકારે છે તે ત્યાં હાજર થઈ જાય છે. કોઈ લાખોપતિ, અબજોપતિ માણસ ભાવ વગર અહમભાવથી પોતાની સંપત્તિઓના આધારે ખૂબ દેખાવો કરી, ભગવાનની જન્મોત્સવની ઉજવણી કરે ત્યાં તે નથી આવતા, પણ જેની પાસે માયિક સંપત્તિ નથી, શ્રધ્ધાળુ છે, પ્રેમાળ છે, ભાવિક છે, ઉદાર છે, જેનું દિલ હંમેશાં ભગવાનના મિલન માટે તલસ્યા કરે છે, તેઓના ઘરમાં કાંઈ પણ ન હોય તો પણ અનાયાસે પધારી આવે છે અને ઘરમાં જે કાંઈ હોય તે સ્વીકારીને સંતુષ્ટ થઈ જાય છે, વિદુરની ભાજી, શબરીના બોર વિગેરે ઉદાહરણો તમારી સામે છે, એનાથી સમજી શકશો. એવી કોશિશ કરવી જોઈએ કે મારે આંગણે, મારે મંદિરે, મારા હૃદયે, ભગવાન પધારે, જ્યાં-જયાં ભગવાનનો અવતાર થયો છે, તેનું પૂર્વજીવન જુઓ. તેઓની સાધના જુઓ તો ખ્યાલ આવશે કે ભગવાન પધારે તે પહેલાં ભકતોને કેટલું સહન કરવું પડે છે. કંદમૂળ ખાય, પવનનું ભક્ષણ કરી અયાચક વૃત્તિમાં રહી ઈન્દ્રિયોને અંતર્મુખ કરી ભૌતિક, માયિક સમસ્ત સુખોથી મનને વાળતા જે ભગવાનના ભજનમાં તલ્લીન રહે છે, જેઓ નિરાભિમાની હોય છે, વિનમ્ર હોય છે, સરળ હોય છે, એવા સાધકો સાધના કરતાં અનેક જન્મો પછી ઈશ્વરને પ્રાપ્ત કરે છે, ભગવાન શ્રીકૃષ્ણનો જ્યારે અવતાર થયો, ભગવાન શ્રીકૃષ્ણ સાથે ગોપી, ગોવાળો તેમજ અન્ય ઈષ્ટ મિત્રો જે કોઈ હતા અથવા તો ગોકુલ વૃંદાવનના ઝાડો, પશુ-પંખીઓ, જે ત્યાં દેખાતા હતા તે બધા સાધારણ જીવો ન હતા, અનેક જન્મોની સાધના કર્યા પછી તે પવિત્ર જીવાત્માઓ કૃષ્ણાવતારમાં ભગવાન શ્રીકૃષ્ણનું સાનિધ્ય સાધી શક્યા. આ વિષેનો અહીં વિસ્તારમાં ઉલ્લેખ કરતો નથી. ટૂંકમાં, ભગવાન જેને મળે છે, તેને મળતા પહેલાં ભક્તોની અંદર સંચિત થયેલા જન્મજન્માંતરના દોષો, ઈચ્છાઓ, વાસનાઓની સમાપ્તિ કરે છે, માયાનું હરણ કરે છે, જ્ઞાન આપે છે, લોકેષણા, વિત્તેષણા, પુત્રેષણાઓનો પણ નાશ કરે છે. સકામ ભક્તિ કરશો ત્યારે તમને વૈભવ, માયા, સંપત્તિ બહુ મળી રહેશે. પણ નિષ્કામ ભક્તિ કરશો, ઈશ્વરની પ્રાપ્તિની આકાંક્ષા રાખશો ત્યારે તમારે ઘણું સહન કરવું પડશે. માયા, સંપત્તિ ઈશ્વર લઈ પણ લે છે, અને રહેવા પણ દે છે. ભકતોની ટીકા થાય છે, નિંદા થાય છે, તેઓનું અપમાન કરવામાં આવે છે, લોકો અનેક ખોટા આક્ષેપો મૂકી અપમાન કરતા હોય છે, દરેક તકલીફો, દ્વંદ્રો ની ઉપસ્થિતિમાં તમે સ્થિર રહેશો, ચલિત નહીં થાવ ત્યારે તમને ભગવાનનું મૂળ સ્વરૂપ દેખાશે. જુઓ ધ્રુવ, પ્રહલાદ, મીરાં, કબીર, નરસિંહ મહેતા, તુકારામ, જલારામ, ચૈતન્ય મહાપ્રભુ, નાનક, શિરડીના સાંઈબાબા, વાસુદેવાનંદજી, નરસિંહ સરસ્વતી, રમણ મહર્ષિ, નિત્યાનંદજી, જેટલા-જેટલા મહાપુરુષો થઈ ગયા છે તેઓને તેઓની ઉપસ્થિતિમાં કોઈએ ઓળખ્યા નથી, લોકોએ ખૂબ જ કસોટી કરેલ છે, અપમાન કરેલ છે, છતાં તે મહાપુરુષો જગતનું કલ્યાણ ઈચ્છતા, "સ્વ" સ્વરૂપમાં જોડાયેલા રહેતા. નિંદા, ટીકા સિવાય સંચિત કર્મો કપાતા નથી, જેટલા વધારે લોકો તમારી ટીકા ટીપ્પણી કરશે તેટલા તમારા અશુભ કર્મો કપાઈ જશે. જુઓ વસુદેવ-દેવકીને ત્યાં ભગવાને અવતાર લીધો છે તે પહેલાં તેઓને કેટલી તકલીફ પડી છે, જેલમાં પુરાઈ ગયા છે, ખૂબજ અપમાનીત થયા છે, તેઓના સંતાનોનો વધ કરવામાં આવ્યો છે છતાં ભગવાન ઉપર તેઓને અશ્રદ્ધા આવેલ નથી. એકધારી શ્રદ્ધા રાખી બેઠા છે કે - ભગવાન મારે ત્યાં ચોકકસ પધારશે. આજકાલ લોકોને થોડી તકલીફ પડે કોઈ આવરણ આવી જાય, કોઈ થોડી ઘણી નિંદા-ટીકા કરે તો તરત મનમાં લાગી આવે છે. પોતાના પદની, પ્રતિષ્ઠાની, માનની, યાદી આવતા લોકો સાધનામાંથી ચલિત થઈ જાય છે અને ભગવાન તથા ગુરુ ઉપર દોષારોપણ કરે છે. અજ્ઞાનવશ બોલતા હોય છે કે - ભજનમાં, સાધનામાં, આપણું અપમાન થતું હોય અને તકલીફ પડતી હોય તો ભગવાન-ભજન કરવાનો અર્થ શું ?

ભગવાનનો અવતાર જે મહિનામાં થાય છે, જે નક્ષત્રમાં થાય છે, જે દિવસે થાય છે, જે સમયમાં થાય છે તે બધું રહસ્યાત્મક છે, આ અંગે બહુ ઉંડાઈમાં માત્ર તર્કથી સમજવાની કોશિષ કરવાથી વિશેષ લાભ નથી, પણ શ્રાવણ માસ ભગવાને શા માટે પસંદ કર્યો હશે તે તો તે જાણે પણ શ્રાવણ એટલે પવિત્ર-શુધ્ધ અને આઠમ એટલે પક્ષનો મધ્ય ભાગ. કૃષ્ણપક્ષ અથવા શુક્લપક્ષ પ્રાય પંદર દિવસ હોય છે તેનો મધ્ય ભાગ આઠમ છે. ટૂંકમાં, અજ્ઞાનમાં જ્ઞાનનો ઉદય તે જ કૃષ્ણજન્મ, અંધકારમાં પ્રકાશ, અશાન્તિમાં શાન્તિ, દુ:ખમાં સુખ, આ બધું કૃષ્ણજન્મ દ્યોતક છે. વિદ્વાનો બોલે છે કે - મથુરારૂપી શરીરમાં ગોકુલરૂપી જે હૃદય છે તેમાં મન અને બુધ્ધિ, પ્રકૃતિ પુરુષ ઈન્દ્રિયોને અંતર્મુખ કરી સમસ્ત વાસનાઓને જીતી, મનની ચંચળતા મારી જે ભગવાન પ્રાપ્તિની ઝંખના કરે છે તે શરીરના મુખ્ય ભાગ એટલે હૃદયમાં સાકાર સામયિક બ્રહ્મનો ઉદય થાય છે, હ્દયને-દહરાકાશ-હૃદયાકાશ બોલાય છે. કોઈ કોઈ એને અનાહત ચક્ર બોલે છે. ત્યાં અશુભ વાસનાઓ મૂર્છિત થવા લાગે છે, અને શુભ વાસનાઓ ધીમે ધીમે સમર્પિત તરફ પ્રયાણ કરવા લાગે છે, ત્યારે સાકાર બ્રહ્મના ઉદયની શરૂઆત થાય છે, કોઈ કોઈ સિધ્ધ, સમર્થ મહાપુરુષો પોતાના શ્રધ્ધાળુ ભકતોના હૃદયમાં અથવા તો ધ્યાનમાં પોતાની શક્તિથી દર્શન કરાવી, શ્રધ્ધા ઉત્પન્ન કરાવી, આધ્યાત્મિક માર્ગે વાળતા હોય છે. ધ્યાન દરમિયાન હૃદયાકાષમાં ઈશ્વરની જે ઝાંખી થાય છે તે માયિક સ્વરૂપ હોય છે. મૂળ સ્વરૂપ હોતું નથી, પણ આ માયિક સ્વરૂપને આધારે ચાલતા ગુરુ ચરણમાં શ્રધ્ધા રાખી સતત સાધના કરતાં મૂળ સ્વરૂપ પણ મળી આવે છે. ઈશ્વરના મૂળ સ્વરૂપના દર્શન પછી અનુભૂતિ પછી, જીવભાવ રહેતો નથી. ઈશ્વરનું સ્વરૂપ થઈ જવાય છે, ઈશ્વર મૂળ સ્વરૂપ બતાવે તે પહેલાં પોતાની કૃપા શક્તિથી સાધકોની અંદર "સ્વ" સ્વરૂપ બોધની ક્રિયા પધ્ધતિ ચાલુ રાખે છે. વિશુધ્ધિ ચક્ર એ પાંચમું ચક્ર છે. કોઈ કોઈ મહાપુરુષોની રાયમાં દશમદ્વારપદે પરમપદ મળે છે. કોઈ-કોઈની રાયમાં બારપદે તથા ષણાની રાયમાં તેરમા પદે પરમપદ મળે છે, વિશુધ્ધિ ચક્ર પછી આજ્ઞાચક્ર, ત્રિકુટી, હિરણ્યગર્ભ મહામાયા, પછી સહસ્ત્રાર આવે છે. એટલે વસુદેવ-દેવકી ને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર છે, મધ્યરાત્રિમાં થયો છે, રોહિણી નક્ષત્રમાં થયો છે, રામાવતારમાં ભગવાન શ્રીરામનો જન્મ, મધ્ય દિવસમાં, અભિજીત નક્ષત્રમાં થયો છે તે અનુસંધાનમાં ભગવાન શ્રીકૃષ્ણે રાત્રિને લાભ આપ્યો છે. રોહિણી નક્ષત્રને લાભ આપ્યો છે, વગેરે આ અંગે ઘણી વાર્તાઓ છે. મૂળ વાત એટલી છે કે - જેનું હૃદય નિર્મળ હોય, જે નિષ્કપટી હોય, નિશ્ચલ હોય, નિરાભિમાની હોય અને જે "ગો" એટલે “ઈન્દ્રિય”. “પી” એટલે પી જવું. જે ઈન્દ્રિયોને પી ગયા હોય, ઈન્દ્રિયોને અંતર્મુખ કરી દીધી હોય, જેની બુધ્ધિ સારી હોય, પવિત્ર હોય, સુખમાં-દુ:ખમાં, લાભમાં-હાનીમાં , પ્રાપ્તિમાં-અપ્રાપ્તિમાં, માનમાં-અપમાનમાં વગેરે દરેક દ્વંદ્રોમાં સમત્વ કેળવતા હોય , જે ક્ષમાશીલ હોય, સરલ હોય, સહનશીલ હોય, તેઓના જ હૃદયમાં ભગવાનનો આવિર્ભાવ થાય છે, અને છેવટે તે ઈશ્વરનું સ્વરૂપ બની જાય છે, માત્ર શાસ્ત્ર વાંચવાર્થી કે ઉપદેશ આપવાથી કે લખવાથી ઈશ્વર મળતા નથી, આત્મજ્ઞાન થતું નથી કે જ્યાં સુધી ઉપરોક્ત ગુણો હૃદયમાં વસે નહીં, સાધના-ઉપાસનામાં અહમનો ત્યાગ પ્રથમ ગણાય છે. પદ, પ્રતિષ્ઠા, બળ, બુધ્ધિ, ધન, વિદ્યા, તપસ્યા વગેરેમાં-લક્ષ પ્રાપ્તિમાં અહમ્ બાધારૂપ છે. નામ, રૂપ, રંગ, જાતિ, વર્ણ, સંપ્રદાય, તત્ત્વો, ગુણોથી પર હું પવિત્ર આત્મા છું. આ સ્થૂળ શરીર માત્ર પ્રારબ્ધ ભોગ ભોગવવા પુરતો છે, હું આ શરીર નથી, તે રીતે દેહાધ્યાસ છોડી, જે "સ્વ" સ્વરૂપમાં રહેવાની કોશિશ કરે છે અથવા તો પ્રેમલક્ષણા ભક્તિને આધારે પોતાનામાં અને દરેક પ્રાણીમાત્રમાં ઈષ્ટનું દર્શન કરે છે, ઈષ્ટમાં સમસ્ત સૃષ્ટિને જુએ છે, તેઓને જ ભગવાન મળે છે અને તે તેઓનું સ્વરૂપ બની જાય છે. આજકાલ દ્વાપરયુગ નથી, કલિયુગ છે. અજ્ઞાન, ષડ્વિકારો, દોષો વિકારોરૂપી અંધકાર સર્વત્ર છવાઈ ગયો છે, આમાં ભક્તિ જ્ઞાનરૂપી પરમેશ્વર પ્રગટ થાય, "સ્વ" સ્વરૂપનો બોધ કરાવે, અનીતિ, અત્યાચાર, ધર્મ વિરુધ્ધના કાર્ય જે દુ:ખરૂપમાં ઉપસ્થિત છે તે દૂર થાય. માનવી પોતાના સ્વરૂપને ઓળખે ,પોતાની ફરજને જાણે, જીવનનું લક્ષ શું છે તેના પર વિચાર કરે, યોગ્ય માર્ગે ,ચાલે. ટૂંકમાં, પ્રમાણિક જીવનમાં પોતાને ઢાળી દે, સમસ્ત દોષો, વિકારોથી પર થઈ જાય, સાત્વિક અને પવિત્ર જીવન જીવે ત્યારે જ કૃષ્ણજન્મ તમારે ત્યાં થયો કહેવાય. સાચી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાણી કહી શકાય. બાકી તો પ્રસાદ ખાવા-ખવડાવવામાં ક્ષણિક આનંદમાં સમય વિતાવ્યો તેમ બોલી શકાય. હું તો જંગલમાં રહું છું, ભગવાન માટે ન તો કંઈ સારો ભોગ ધરાવવાનો રહે છે, ન તો ફૂલ, ન તો શૃંગાર, ભૌતિક કોઈ સારી વસ્તુઓ ભાગ્યેજ મારી પાસે હોય છે, સાકર કે મિસરી કે સુરણ કોઈપણ જન્મોત્સવ પર દરેક ભગવાનને ધરાવી દઉં છું. અંતર કાલવીને શ્રધ્ધા અને પ્રેમથી પુકારું છું, ત્યારે મને અનુભવ થાય છે કે - ભગવાન મારી પાસે જ છે, ભગવાનની સૃષ્ટિમાં પ્યારામાં પ્યારી વસ્તુ પ્રેમ છે, શુધ્ધ પ્રેમ ભગવાનને અર્પણ કરો તો એનાથી વધારે એને કાંઈ જોઈતું નથી. આ તો મારો અંગત અભિપ્રાય છે, આ ઉપદેશ તમને લોકોને ગમે કે ન ગમે, તે તો તમે જાણો. મને તો જે સમજાયું તે બોલી દીધું. બોલો બધા બાલ ગોપાલ કી જય, કૃષ્ણ ગોપાલ કી જય, રાધા માધવ કી જય. બંસીધર માખણચોરકી જય. બસ એજ.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"શ્રીકૃષ્ણા અવતારને ભોળા ભકતો શ્રીકૃષ્ણ જન્મના નામે સમજે છે, બોલે છે, ખરેખર ભગવાનનો જન્મ થતો જ નથી. કારણ જેનું મૃત્યુ થાય તેનો જન્મ થાય. જે અજર અમર અવિનાશી છે, તેનો જન્મ કયાંથી થાય ? એનો તો અવતાર થાય છે, “કૃ” એટલે પ્રવૃત્તિ, “ણ” ઍટલે નિવૃત્તિ. જે પ્રવૃત્તિ-નિવૃતિથી પર છે, અક્ષર છે, અણુ અણુમાં વ્યાપ્ત છે, એ જ કૃષ્ણ"
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Shree Krishna Janm Jayanti Janmashtami MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace