Skip to main content

દત્ત તત્ત્વતઃ શું છે ?

વ્યાપક પરમ ચૈતન્ય તત્ત્વ જ્યારે પણ વિશ્વના કલ્યાણ માટે સ્થૂળ શરીર ધારણ કરીને પર મનુષ્ય દેહે આવે છે ત્યારે એ પરમ ચૈતન્યનાં સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણનાં અંશો સ્વશક્તિઓ સાથે સંલગ્ન રહીને, માનવ સહજ સ્વભાવ અને વ્યવહાર પ્રગટ કરતાં કરતાં સામાન્ય બનીને, આપણી વચ્ચે સ્થૂળ શરીરથી રહેતાં હોઈને, એમને સમજવા કઠિન છે એટલે જ આ જગતની અંદર નિખાલસ, સરળ અને સ્પષ્ટ રહેનારાં મહાપુરુષો એમનાં છેલ્લાં શ્વાસ સુધી ઓળખાયાં નથી અને ત્યારબાદ એમનું મંદિર બનાવી, સમાધિ કે ચરણપાદુકા મુકીને લોકો પૂજતાં રહે છે. એમાં જો પોતાની જાત સાથે કપટ ન થતું હોય તો એ સુંદર છે.

પરંતુ, પ્રત્યેક વ્યક્તિમાં એ અલૌકિક તત્ત્વ ગુપ્તરૂપે રહેલું જ છે એની જ સત્તથી અભિવ્યકિત દ્વારા વ્યકત થતું અવ્યકત તત્ત્વ વ્યક્તિ બને છે પરંતુ પોતાની અભિવ્યક્તિઓ પ્રત્યે સભાન હોય તે સિદ્ધ કહેવાય. અહીં સભાન એટલે "સ્વ"ના ભાન સાથે જાગૃત બનીને, જીવનાર - સ્વાત્માનુસંધાન પ્રાપ્ત કરેલ વ્યક્તિ.

આવા મહાપુરુષ જન્મથી જ સત્ત્વગુણોનાં વિકાસમાં અને તેને પ્રગટ કરવામાં રત હોવાથી રજોગુણી બ્રહ્મારૂપ છે અને સત્ત્વગુણનું પાલન કરતાં કરતાં સત્ત્વગુણી વિષ્ણુરૂપ છે અને એ વિકાસની પરંપરા કલ્યાણરૂપ બનતાં શિવ બને છે. અહીં કાર્ય ગુણ અને નામનાં સંયોજનનો હેતુ સમગ્ર પ્રક્રિયાને સમજાવવા પૂરતો જ છે, કારણ કે વ્યાપક ચૈતન્ય તત્વ નામ-રુપ-વર્ણ-જાતિ-પાતી-સંપ્રદાય-વાડાથી પર છે.

આપણી તમામ માન્યતાઓ-પક્ષપાતો-વલણો-ખ્યાલો-રૂઢિઓ-સંસ્કારોથી પર એવું પોતાનામાં જ પોતે પર્યાપ્ત કોઈપણ આધાર વિનાના છતાં, સર્વાધાર એવા પરમ તત્ત્વની પૂર્ણતા માટે એટલું જ કહી શકાય કે - તે સ્વયંમાં સ્વયં પૂર્ણ-પર્યાપ્ત અને સ્વતઃ સિદ્ધ છે. બાકી જેટલા પ્રમાણો છે એ તો એની ઝાંખી કરવાના પ્રયાસ માત્ર છે.

પ. પૂ. પુનિતાચારીજી મહારાજ (બાપુશ્રી) ને મળતાં ઘણાં ભ્રમ તો આપો-આપ દૂર થઈ જતાં અનુભવ્યાં છે. તેઓનાં સત્સંગમાંથી બધાંજ મોતીઓ કેમ વીણી શકાય ? પરંતુ, યથાશક્તિ એ આનંદપ્રદ, દિવ્યસુધામૃતમાં સંકલન રૂપે કેટલાંક વિણેલાં મોતીઓ પ્રસ્તુત છે.

સતત બહાર તરફ દોડ્તા મનને કારણે નામ-રૂપ-આકારની પ્રત્યે સાહજિકતાથી આકર્ષાતા નથી, મનની સહજ લાક્ષણિકતાને કારણે સુપર સાયકોલોજિસ્ટ પરામનોવૈજ્ઞાનિક એવા આપણાં આર્ષદ્રષ્ટા ઋષિઓને અલગ-અલગ વૃત્તિ અને સ્વભાવ ધરાવનાર માનસ માટે અલગ-અલગ સ્વરૂપો બતાવીને, આકાર આપીને, આપણી સમક્ષ રાખ્યા છે. જેનો આત્યંતિક અર્થ તો એક જ છે કે - ભિન્ન-ભિન્ન ભાસમાન સ્વરૂપોમાં એ એક પરમ ચૈતન્ય વિલસી રહ્યું છે ભેદ છે જ નહિ. જે કંઈ હઠ, આગ્રહ, પકકડ, ગ્રંથી છે એ તો આપણી અજ્ઞાનાવસ્થાને કારણે અને સ્વરૂપજ્ઞાન ન થવાને કારણે તથા આત્મજ્ઞાનનાં અભાવને કારણે તેમજ કેવળ પોપટીયાં જ્ઞાનનાં કારણે જ છે અને એ જ પરસ્પર ઝઘડાનું મૂળ કારણ છે,

હું જ સાચો છું એવું માનનારને તો એટલું જ કહી શકાય કે - સાચો તું નહિ, કે જે મર્યાદિત છે. સત્ય કયારેય મર્યાદિત એકદેશીય અને સાપેક્ષ ન હોઈ શકે ! સત્ય, સાર્વત્રિક, સર્વદેશીય અને નિરપેક્ષ હોય છે એટલે તું નહીં પરંતુ તારી અંદર સંતાઈ રહેલું એ પરમ સ્વતંત્ર ચૈતન્ય કે જે એક અંતિમ અને વ્યાપકરૂપે વિદ્યામાન છે એ જ સાચું છે.

જો ઉપર મુજબનું સ્પષ્ટ ભાન થાય તો તમામ મતાગ્રહો આપોઆપ ખરી પડે ! સર્વવ્યાપકતાનો વાડો શી રીતે હોય ? એક જ સંપ્રદાય પૂરતું મર્યાદિત શી રીતે બની શકે એ વ્યાપક ચૈતન્ય ? બેહોશીની અસરમાંથી મુકત થઇ, ચિંતન-મનનમાં સ્વતંત્ર-મુક્ત અને નિર્ભય બની તટસ્થતાથી જીવતાં આવડે તો જ આ સમજી શકાય. જ્યાં હોશનું હોવું અનિવાર્ય રીતે સહજ જરૂરી છે.

બીજાનાં વિચારો સ્વીકારવાનાં સમયે એટલું અવશ્ય વિચારવું જોઈએ કે વિચારોનું આ સહજ આગમન છે કે ઠોકી બેસાડવા માટેનું આક્રમણ છે ? જો આ દ્રષ્ટિએ વિચારી શકવા જેટલી સ્વતંત્ર પ્રતિભા અને તટસ્થ નિર્ણયશક્તિ હોય તો જ ખ્યાલ આવે કે આપણે બીજાનાં વિચારોને જાણ્યે-અજાણ્યે સ્વીકારી લઈ દઢ કરી એ જ સાચા છે એવા મતાગ્રહી બનીને એ વાડાબંધી ઉભી કરી દઈએ છીએ. પછી એને પાર્ટીનું નામ આપો કે સંપ્રદાયનું ! બંને એક જ છે.

મહમ્મદ પયગમ્બર, મહાવીર સ્વામી, તથાગત બુદ્ધ, પ્રભુપુત્ર ઈસુ, નાનકસાહેબ, કબીરદાસ, જલારામબાપા, અરવિંદ મહર્ષિ, રમણ મહર્ષિ કે રામકૃષ્ણ પરમહંસ હોય, આ બધાં જ એ વ્યાપક ચૈતન્યએ મોકલેલાં કહો કે એમનાં અંશરૂપ કહો. શું કહો છો એ મહત્ત્વનું નથી. તેઓ જે વ્યાપક દૃષ્ટિથી જીવી ગયા અને જે તે સ્થાને, જે તે સમયે પ્રગટીને, જે તે લોકોને યોગ્ય માર્ગદર્શક આપી ગયાં છે એનું અર્થઘટન જો ઉપર જણાવ્યા પ્રમાણે સ્વયંમાં બીજાનાં વિચારોનાં સ્વીકાર અંગેની સભાનતા-તટસ્થતાથી કરવામાં આવે તો ખ્યાલ આવશે કે એ બધાં જ અલગ-અલગ શબ્દોથી એક જ વાત કહે છે કે - પરમપિતા, ઈશ્વર, અલ્લાહ, ખુદા, પ્રભુ, બ્રહ્મ એક જ છે. આ મહાપુરુષોની સમાન વિચારધારા પ્રતિ જો ધ્યાન જાય તો જ ખ્યાલ આવે કે જે લોકો એ સમયે આવું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને, મુક્તતાનો અનુભવ કરવા માંગતા હતાં અને શાશ્વત સુખ તથા શાંતિના માર્ગને અનુસરવા માંગતાં હતાં એવાં હજુ હમણાં જ હોશમાં આવેલા અર્ધ જાગૃત લોકોને કેટલાક સ્વાર્થ સિદ્ધ કરનારાં તકવાદી લોકોએ અષ્ટમ્ પષ્ટમ્ સમજાવીને, જેમ ઘેટાને વાડામાં પૂરે એવી રીતે પૂરી દીધાં અને તેનું પરિણામ અશાંતિ, ભય, કલેશ અને ઝઘડાનાં હુંસા-તૂંસીના અખાડા લડવામાં આજે આપણે સૌ અનુભવી શકીએ છીએ.

આજ સુધીના વિશ્વના તમામ મહાપુરુષો કે જે એક એવા વ્યાપક પરમ ચૈતન્ય તત્ત્વના બોધ માટે, એને સ્વાભાનુસંધાન દ્વારા આત્મસાત્ કરી મારાં સહિત સર્વત્ર એ એક પરમ ચૈતન્ય જ અખંડ વ્યાપ્ત છે એવાં સ્વરૂપ બોધની પ્રાપ્તિનાં શ્રેયસ્કર હેતુથી સ્થૂલ શરીર દ્વારા સમાજમાં રહી, સાચી દિશારૂપ દિક્ષા આપીને, પંથ-સંપ્રદાય-વાડારહિત અમર્યાદિત વ્યાપક ધર્મત્વનો પરિચય કરાવતાં-કરાવતાં અજાણતાં ફસાઈ પડેલાં અને મોહમાયાના શબ્દ જાળમાં માછલીની જેમ કેદ થયેલા - તડપતા - નિઃસહાય એવા તથા જેની સાધના અવરુદ્ધ થઈ ગઈ છે અથવા તો સાધના કરવા આતુર છે પરંતુ શેમાં અને કઈ રીતે ફસાઈને, શું કામ મુંજાય છે ? નો ખ્યાલ નથી એવાં નિર્દોષ, નિખાલસ બાળકોનાં હિત માટે આવા યોગ્ય મહાપુરુષો સમાજને સાચી દિશામાં દોરવાનો પ્રયાસ કરે છે. આમ, આવા કલ્યાણમય હેતુથી વિદ્યમાન હોય એવા વિશુદ્ધ હૃદયી-પવિત્ર અને લોકાચારની મર્યાદાનો ખ્યાલ રાખી, યોગ, તપશ્ચર્યા, ધ્યાન, ધારણારૂપ અલંકારોથી શોભિત તત્ત્વનો બોધ આપનાર મહાપુરુષ જ "દત્ત" સ્વરૂપ છે. કારણ કે "દત"નો અર્થ જ એ ददाति तत्वं बोधं ज्ञानं सः दत्तः । મતલબ કે - જે તત્ત્વ બોધ જ્ઞાનને આપનાર છે તે જ દત્ત. આમ, સાર્વત્રિક કલ્યાણની કામના સાથે વિશ્વકલ્યાણમાં રત હોય અને એક અખંડ વ્યાપક ચૈતન્યનો બોધ કરાવી, "સ્વ"માં સ્થિતિ કરાવે અને જ્ઞાન સભર અવસ્થામાં સાક્ષીદ્રષ્ટા બનીને જીવનનાં સુખદુ:ખથી, અસંગ, અલિપ્ત રહી, હું કર્તા-ભોકતા નથી એવી યથાર્થ જ્ઞાનસભર સ્થિતિમાં મસ્ત બનાવી સહજાવસ્થા પ્રાપ્ત કરાવે તે "દત્ત".

વ્યાપક ચૈતન્યની દૃષ્ટિએ તો સર્વત્ર એ એક જ તત્ત્વ વિલસે છે પરંતુ ગુણભેદને કારણે સ્પષ્ટ પ્રતિત નથી થતું. સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણમયી સૃષ્ટિમાંથી દ્રષ્ટિ હટે અને અંતર્મુખ થાય તો ખ્યાલ આવે કે આ ગુણમયી પ્રકૃતિને કારણે જ નિર્ગુણ એવાં વ્યાપક ચૈતન્યનું સ્પષ્ટ દર્શન કરે એવું બોધરૂપ જ્ઞાન થતું નથી. પ્રત્યેકમાં આ ત્રિમૂર્તિ ત્રિગુણમયી સત્તા કામ કરે છે, પણ સત્તાધીશ છૂપાઈને રહ્યો છે એને શોધવો એ જ સ્થિતિ માટેની સાધના. એ જ "સ્વ"ની ઓળખની સાધના.

ટ્રિનિટી (Trinity) તરીકે જેને પશ્ચિમની સંસ્કૃતિ સ્વીકારે છે એ ત્રિમૂર્તિ આ દત્ત જ છે પરંતુ એમના માટે એ નિરાકાર છે જે પૂર્વમાં સાકાર છે. પૂર્વની સંસ્કૃતિ આગળ જણાવ્યા પ્રમાણે मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः I મનુષ્યનું મન જ બંધન અને મોક્ષનું કારણ છે. એવો સૂક્ષ્મ નિર્ણય કરી, માનસશાસ્ત્રની ગહેરાઈમાં જઈને, મનને આકર્ષવા, સ્થિર કરવા અને નિરાકાર તરફ જવાની જિજ્ઞાસાના પ્રેરક બળ તરીકે ઉપયોગમાં લાવવા, ત્રણ મસ્તક, છ હાથ, બે પગ, એક શરીર, એક ગાય અને ચાર કુતરાના રૂપે તથા શંખ-ચક્ર-ગદા-ત્રિશૂલ-માલા-કમંડળ ધારી બતાવીને એ દ્વારા ચોકકસ પ્રકારનો બોધ કરાવવા સદ્ગુરુ દત્તનાં ત્રિમૂર્તિ સ્વરૂપને પ્રગટ કર્યું છે. આ પણ માનવને સામાન્ય સ્તરથી ઉચ્ચત્તમ સ્તર તરફ લઈ જવાની શાસ્ત્રીય પધ્ધતિ હોવાના કારણે ઉચિત જ છે છતાં અત્રે એ બાબતને ધ્યાનમાં લેવી ઘટે કે અંતતોગત્વા મૂળ સ્વરૂપે તો એ એક, અદ્વિતિય, નિરંજન, નિરાકાર, સચ્ચિદાનંદધન સ્વરૂપ પરમ ચૈતન્ય જ અખંડ વ્યાપ્ત થઈને રહેલું છે.

સર્વ સામાન્ય સમજને ધ્યાનમાં લેતાં એ સ્વરૂપને સમજવા પ્રયાસ કરીએ તે પહેલાં મૂળ તત્ત્વની ત્રિગુણમયી માયાનાં સ્વરુપને પશ્ચિમની દૃષ્ટિ સાથે સમજી લઈએ. પશ્ચિમમાં જેને Trinity (Generator, Operator, Dystroyer) કહે છે તે શબ્દનાં પ્રત્યેક અક્ષરને ક્રમશઃ ધ્યાનમાં લેતાં ખ્યાલ આવે છે કે ઉત્પત્તિ, સ્થિતિ, લય આમ આ ત્રણેયનું સંયોજન પામેલું રૂપ એટલે ત્રિમૂર્તિ દત્ત.

આમ, ત્રિમૂર્તિ (Trinity) એ પરમ ચૈતન્યરૂપનું માયિક આવરણ માત્ર છે. મુખ્ય સ્વરૂપે અખંડ વ્યાપ્ત થઈને સમરસ રહેલું છે. ભેદ છે જ નહિ. માત્ર અભેદ તરફ દૃષ્ટિ ગઈ નથી એટલે જ કહે છે કે, દૃષ્ટિ બદલો, સૃષ્ટિ (નો અર્થ) બદલાશે.

આમ, પ્રજ્ઞાસ્થિર થતાં સ્પષ્ટ ખ્યાલ આવશે કે - પરમાત્મ સ્વરૂપ આત્મતત્ત્વ - નથી હિન્દુ, નથી મુસલમાન, નથી ખ્રિસ્તી, નથી જૈન, નથી બૌદ્ધ કે નથી કોઈ અન્ય સાંપ્રદાયિક તત્ત્. એ તો સર્વ વ્યાપક છે અને અંતે તો સર્વ કંઈ એક જ છે. એટલે અહીં ‘દત્ત’ શબ્દ સાંભળી ભૂલથી પણ કોઈ એવો અર્થ ન કરે કે, આ કોઈ સંપ્રદાય છે, મત છે, માર્ગ છે. આ વિશ્વમાં જે અલક્ષ્ય છે તે અખંડ વ્યાપ્ત હોય ત્યારે તેનો માર્ગ કયો હોય ? मंतव्य विहीनश्व अलक्षमरुप: निजबोघरुपम निजनानस्वरुपम ! હોય ત્યાં ગતિ કયાં ? "સ્વ"માં "સ્વ"ને મહેસુસ કરવાનો કયો રસ્તો ? એનો રસ્તો જ નથી. જ્યાં રસ્તો નથી ત્યાં ગતિ નથી અને જ્યાં ગતિ નથી ત્યાં લક્ષ્ય નથી. આમ, અલક્ષરૂપ "સ્વ"ને મહેસૂસ કરવા બધાં જ પ્રકારની અસહજ સમજ અને અસહજ પ્રવૃત્તિ છોડતાં જે સહજતા બચે છે તે જ્ઞાનદૃષ્ટિ ખોલવાની ચાવી છે કે જ્યાં આપોઆપ સહજ સમજથી પ્રકૃતિનું તાળું ખુલી જાય છે અને પ્રકૃતિનાં પરમ રહસ્ય અસ્તિત્વનું ઉદ્ઘાટન થઈ જાય છે.

પ.પૂ. બાપુશ્રી એક વખત ઉદાહરણ આપતા હતા એ અત્રે ઉપયોગી છે તેથી અત્રે રજૂ કરી રહ્યો છું, એક ખૂબ જ વિદ્વાન પુરુષે હજારો પોપટને એકસૂત્ર બોલતાં શિખવાડ્યું કે, “ब्रह्म सत्यं जगन्मिथ्या હે પોપટ ! બ્રહ્મ જ સત્ય છે, આ જગત મિથ્યા છે. તું ખોરાકની-રસની લાલચે, ભૂંગળી પર બેસે છે ત્યારે એ ભૂંગળીને પકડતાજ તું ઉલટા માથે લટકી પડે છે. ખરેખર તો તું સ્વતંત્ર છે, મુકત છે, નિર્ભય છે, તું તારી રીતે ઉડી શકે છે. ફ્કત પાંખો વિંઝવાની અને પકડેલી ભૂંગળીને છોડવાની જ જરૂર છે. તો તુ કયારેય, કયાંય નહીં ફસાય. આ ઉપદેશ દરેક પોપટને કંઠસ્થ હતો. અક્ષરશઃ યાદ હતો. જ્યારે દરેક પોપટ ખોરાકની લાલચે ભૂંગળી પકડી - ઉલટા લટકતાં, ફસાયાં ત્યારે એક અવાજે ઉપરોકત સૂત્ર અને ઉપદેશનું રટણ કરવા લાગ્યા કે - હે પોપટ, તું ખોરાકની-રસની લાલચે, ભૂંગળી પર બેસે છે ત્યારે એ ભૂંગળીને પકડતાં જ તું ઉલટા માથે લટકી પડે છે. ખરેખર તો તું સ્વતંત્ર છે, મુકત છે, નિર્ભય છે, તું તારી રીતે ઉડી શકે છે. ફ્કત પાંખો વિંઝવાની અને પકડેલી ભૂંગળીને છોડવાની જ જરૂર છે. તો તું કયારેય, કયાંય નહીં ફ્સાય.. વગેરે વગેરે ' પરંતુ પોપટે તો ઉપદેશ ગોખેલો હતો. એમને અપાયેલાં ઉપદેશનું અનુભૂતિપૂર્ણ ક્રિયાત્મક જ્ઞાન ન હોવાથી લટકતાં-ચિલ્લાતા બુમો પાડતા રહ્યાં. આવા પોપટીયાં જ્ઞાનીઓ- પોથી પંડિતો - વાતો તો મોટી મોટી કરી શકે છે પણ જેને સ્થિતિ કહે છે તે પ્રાપ્ત કરવા તો તપશ્ચર્યા, ભજન, સાધના અનિવાર્ય રૂપે જરૂરી છે. જેનો અભાવ પોપટોની જેમ પોકળ ઉપદેશ કરવા જતાં "સ્વ"ની સ્થિતિથી દૂર રાખે છે. મોટી મોટી વાતો કરવાથી બૌદ્ધિક સંતોષ જરૂર થશે. પરંતુ પોતાનાં જ શબ્દોની ગહેરાઈમાં ઉતરતાં ખ્યાલ આવશે કે, હું તો ખાલી ખોખાંની જેમ ખખડું છું કશું જ નથી મારામાં, જે હું બોલું છું તે અનુભૂતિથી તો હું દૂર જ છું. આજે મોટા ભાગનાં લોકોની આવી સ્થિતિ છે કારણ કે કોઈને કોઈ રીતે દરેક મત-વાડા-સંપ્રદાય કે ધર્મ-જાતિ વર્ણની પોપટની જેમ મજબુત પકકડ રાખીને ઉપદેશ કરે છે મુક્તતાનો પરંતુ ખુદ બંધાયેલો અન્યને શું મુક્ત કરે ?

કોઈએ એકવાર બાપુશ્રીને પૂછ્યું કે, “બાપુ તમને દત્ત ભગવાનને આ જ મંત્ર કેમ આપ્યો ? બીજો કોઈ મંત્ર કેમ ન આપ્યો ?” ત્યારે બાપુશ્રી હસતાં-હસતાં સહજતાથી કહે કે, “બેટા, દરેક મંત્રો નિષ્કામભાવ કે વિશ્વ કલ્યાણની ભાવનાથી કરવામાં આવે તો શુભ જ ફ્ળ આપે છે. કામના પરત્વે જ ભેદ છે. આ મંત્ર વરદાન પ્રાપ્ત હોવાને કારણે તું સતત જુએ છે કે આ મંત્ર બધાંને માનસિક અશાંતિ, ડિપ્રેશન, હતાશા, તનાવ વગેરેમાંથી કેટલી સાહજિકતાથી મુકત કરે છે ! "સ્વ"નાં અનુસંધાનમાં શાંતિની એટલે વિચારોની શાંતિ એવો અર્થ ન કરતો, વિચાર વિચારની જગ્યાએ અને તું તારી જગ્યાએ આવી જા એટલે ચારે બાજુ ફટફટી ની દુકાન હોય અને તું વચ્ચે ખાટલી નાંખીને બેસે તો પણ તું એકાંતનો અનુભવ કરી શકે એવી અસંગ-અલિપ્તભાવે, દૃષ્ટા-સાક્ષી બનીને જીવી લે ત્યારે જે નિર્લેપતા અનુભવાય એ નિર્લેપતાની અંદર જ શાંતિની અનુભૂતિ થાય. તમને જગત સાથે કંઈ લાગતું વળગતું જ નથી. રહી વાત એ કે, આજ મંત્ર કેમ આપ્યો ? તો બેટા, સદ્ગુરુનાં મુખેથી નીકળેલો પ્રત્યેક અક્ષર મંત્ર જ છે. રોગાંવવાળા ગજાનન મહારાજ વિશે તો તું જાણે જ છે ને ? તેમનો એક જ મંત્ર હતો ! ત્રણ ત્રણ ગણાંતને બોતે ! આનો તું શું અર્થ કરી શકે છે ? સદગુરુ ની કૃપા કે વરદાનને જ્યારે વહેવું જ હોય ત્યારે એ અર્થ, પ્રક્રિયા કે વિધિ સાથે સબંધ કઈ રીતે રાખે ? કારણ કે એ તો એમની મૌજ-મસ્તીની વાત છે. સમજાય છે ને ? વરદાન અને શ્રાપ કયારેય અફર ન જાય. જો કે સદગુરુ કયારેય શ્રાપ આપતા જ નથી. મનુષ્યનાં ખુદનાં કેટલાંક કર્મો જ એવાં હોય છે કે જેનું પરિણામ જે દુ:ખરૂપ ફ્ળના સ્વરૂપે એ ભોગવતો હોય છે ત્યાં શ્રાપ દ્વારા દુ:ખ આપવાની જરૂર જ કયાં રહી ? એનાં કર્મો જ એને દુઃખ આપે છે. છતાં એ દોષનો ટોપલો સદગુરુ પર ઢોળી દે છે. પરંતુ કૃપાળુ સદગુરુ તો એને ચાહે જ છે એટલે જ એ સદગુરુ છે.”

આ ચર્ચા પરથી એટલો તો ખ્યાલ આવે જ છે કે - ભૂલોની પરંપરામાં ચોકસાઈને, અસત્યની હારમાળામાં સત્યને અને દંભ-પાખંડની વચ્ચે નિષ્ઠાને તથા લોભ-લાલચમાં શ્રદ્ધા-વિશ્વાસને શોધીએ તો ક્યાંથી જડે ? આપણે જ આપણી ફૂટપટ્ટી બનીએ તો કંઈક હેતુ સરે તે સમજી શકાય તેવી બાબત છે.

દત્તનાં સ્વરૂપ અંગે વિચારતાં કંઈક આવો અર્થ નીકળે છે કે - સત્ય અને સદાચારરૂપ બે ચરણો પર ઉભેલું દત્ત તત્ત્વ, ષડ્ ઐશ્વર્યરૂપ સંપત્તિથી છ હાથો દ્વારા ચોતરફ ફેલાયેલું છે જે સત્ત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણના સ્વામી છે એટલે કે તેનાથી પર એવું એક અખંડ તત્ત્વ છે. ગાય એ સર્વદેવમયી હોવાનું પ્રગટ કરે છે અને દત્તતત્ત્વ એમની મોખરે છે. એ દેવતાનાં દરેક સ્વરૂપો આ દત્ત તત્ત્વનાં આશ્રિત છે. છાયારૂપ છે. ચાર કૂતરા રૂપ ચતુવિધ પુરુષાર્થને પાળી-પોષીને, પોતાનાં કરી, સિદ્ધ કરી લીધાં છે. શંખ એ ગુપ્ત એવી પરમસત્તાનાં જયઘોષનું પ્રતિક છે. ચક્ર એ ક્રિયાશીલતાનાં સાતત્યનું પ્રતિક છે. ગદા એ મદના સ્વામિત્વનું, ત્રિશુલ એ ત્રિવિધ તાપ પરનાં આધિપત્યનું પ્રતિક છે. માલા એ કામ પર મંત્રરૂપ નામનાં વિજયી પ્રભાવનું અને કમંડલ પોતાની સ્વતઃ સિદ્ધતાની ગહેરાઈનું પ્રતિક છે. એમની વેશભૂષા નિશ્ચિંતતાનું પ્રતિક છે. દિગંબરત્વ એમની વ્યાપકતાનું પ્રતિનિધિત્વ કરે છે. આમ, દત્તના સ્વરૂપને અનુભૂત કરતાં સહેજે ખ્યાલ આવે કે આ અને આવા ગુણોયુક્ત શરીરધારી દિવ્યાત્માઓ દત્તનું જ પ્રતિરૂપ છે.

‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' મંત્રનો અર્થ સંક્ષેપમાં જોઈએ તો હરિ એટલે हन्यताम् अरि स: हरि:! એજ પ્રમાણે જૈનમાં અરિહંત એટલે શત્રુને હણનાર. આમ, દરેક મતોનાં સારરૂપ એવા ષડરિપુનાં સંહારક પરમતત્ત્વની ઉપાસના સર્વમાન્ય છે. એવા હરિ કે જે વ્યાપક છે, ષડરિપુનાં સંહારક છે તે ઓમ્ થી અનુભૂત કરી શકાય તેવાં છે અને તે જ સત્ય છે એટલે આ જગતમાં તેનો જય-જયકાર છે કારણ કે એ જ સર્વવિજયી અને સર્વવ્યાપી છે કે જે ગુરુરૂપે મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરાવી શિષ્યને એ પરમ ચેતનામાં ઓગાળી દે છે એટલે એ જ જય જયકારને યોગ્ય અને સર્વસંમત છે. ટૂંકમાં, વ્યાપક તત્ત્વ કે જે સર્વાંશે કલ્યાણમય છે તેની કલ્યાણમયતાનો જય હો. આ અર્થ છે એટલે આ મંત્ર કોઈ સાંપ્રદાયિક મંત્ર નથી એ સહેજે સ્પષ્ટ થાય છે.

આમ તો પરમાત્માને પકડવા એ અઘરું કામ નથી, પરંતુ જે મત, આગ્રહ, હઠ અને ધારણાઓને પકડીને બેઠાં છીએ એ જ છોડવું મુશ્કેલ છે. સાધના તો આ પકકડને છોડવા માટે જ છે. એટલે જ સાધના કરવા બહુ ઓછી વ્યક્તિઓ તૈયાર થાય છે કારણ કે જે પકડ્યું છે એ દુઃખદાયી અનુભવાતું હોવા છ્તાંયે પકકડ તો એટલી બધી મજબૂત છે કે વેદાંતની મોટી-મોટી વાતો કરી આખુંય આસમાન ગુંજવશું પણ અમે અમારી આ નાનકડી ગંદીનાળીના કીડા બનીને જીવીશું. આ હાસ્યાસ્પદ અને ઉપાલંભ કરતી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એ તો કોઈ સમર્થ સદગુરુ નું શરણ પ્રાપ્ત થાય તો જ શક્ય બને.

આ બધી દૃષ્ટિએ સદગુરુ દત્ત મહારાજે આ મંત્ર બાપુશ્રીને સ્વમુખે આપ્યો અને સર્વસંપ્રદાયનાં સંસ્થાપકોની સંમતિ પણ મળી ગઈ હોય તે રીતે અલગ-અલગ જાતિ, સમાજ, વર્ણ, સંપ્રદાયના લોકો આ મંત્ર કરી નિર્ભયતાથી, પકકડ છોડી પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવામાં લાગી ગયા છે. ગિરનાર સાધના આશ્રમ ટ્રસ્ટ, ભવનાથ તળેટી-જૂનાગઢમાં દસ સાધના કુટિરો બનાવેલ છે. જેમાં દરેક જાતિ-નામ-મતોના-પંથોના બ્રહ્મચારીઓ, સાધુઓ, ફકીરો, સૂરીઓ પણ સ્વેચ્છાએ જ્યાં સુધી સંયોગ પ્રાપ્ત થાય ત્યાં સુધી આવી રોકાઈને ભજન કરી પ.પૂ. બાપુશ્રીને આ પ્રકારની ધર્મનિરપેક્ષતા માટે ખરેખર અંતઃકરણપૂર્વકનાં અભિનંદન અને આશિષ આપીને જતાં મેં સ્વયં જોયાં-અનુભવ્યાં છે.

પ.પૂ. બાપુશ્રી પુનીતાચારીજી મહારાજ ખરેખર સ્વનામધન્ય છે. જેવું નામ છે તેવું જ પુનીત આચરણ છે. તેઓ નાની વયમાં ભગવત્ તત્ત્વની તીવ્ર લાલચને કારણે કાશીમાં સંસ્કૃતનું અધ્યયન કર્યું. અનેકવિધ શાખાઓ જેવી કે વેદાંત-ન્યાય-તર્ક-જયોતિષ-તંત્ર-મંત્ર વિગેરેનું ગહન અધ્યયન કરી અંતે ભજન જ સાર છે એવી એક દૃઢ ધારણા કરીને રામાયણની એ ચોપાઈને આત્મસાત્ કરી લીધી કે, रामचरन बारिज जब देखो, तब नीज जनम सफल सरित लेखो ।

આમ, પોતાનું લક્ષ્ય સિદ્ધ કરી જે પ્રાપ્ત કર્યું છે તે લૂંટાવવા બેઠા હોય તેવું તેમની નિઃસ્પૃહતાથી લાગે છે. ૫.પૂ. બાપુશ્રી તો કહે છે કે - મારી પાસે મારું કહી શકાય તેવું કાંઈ નથી, સિવાય કે સદગુરુ. બાકી જે છે એ તો એમનું જ છે તે એમની જ ઈચ્છાથી હું નિમિત્ત બની એમના આદેશનું પાલન કરું છું.

પ.પૂ. બાપુશ્રી ઋષિ પરંપરાયુકત આદર્શ ગૃહસ્થાશ્રમ ધર્મનું નિષ્ઠાપૂર્વક સજાગતાથી પાલન કરી રહ્યા છે અને ૫.પૂ. મૈયાશ્રી શૈલજાદેવી, જે નાની ઉંમરથી જ તીવ્ર સાધના અને અડગ આત્મવિશ્વાસ અને પૂર્ણ પુરુષાર્થથી સદગુરુના વિશેષ કૃપાપાત્ર બની ખેચરી મુદ્રા સિદ્ધ કરી ચૂકેલ છે. એમનું દર્શન પણ પરમ સાત્ત્વિક અને સાદગીભર્યું છે. દરેકનાં સુખ-દુઃખમાં એ રીતે ભાગ લે છે કે જાણે ‘માઁ’ કલ્યાણી સ્વયં સંભાળ ન લેતી હોય ! આ દિવ્ય ઋષિ દંપતિઓના જીવનની એક શ્રેષ્ઠ સ્થિતિ એ છે કે મિતાહારી, ફ્ળાહારી અને દૂધાહારી છે. અન્ન અને નમકનો ઉપયોગ તેઓ વર્ષોથી કરતાં નથી છતાં જે ક્રાંતિ, સ્ફૂર્તિ, સહજ ઉત્સાહ અને જે ત્વરિતતા અને પ્રસન્નતા જોવા મળે છે એ આ પવિત્ર ઋષિ દંપતીનાં પુનીત દર્શન સર્વ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"આમ તો પરમાત્માને પકડવા એ અઘરું કામ નથી, પરંતુ જે મત, આગ્રહ, હઠ અને ધારણાઓને પકડીને બેઠાં છીએ એ જ છોડવું મુશ્કેલ છે. સાધના તો આ પકકડને છોડવા માટે જ છે. એટલે જ સાધના કરવા બહુ ઓછી વ્યક્તિઓ તૈયાર થાય છે કારણ કે જે પકડ્યું છે એ દુઃખદાયી અનુભવાતું હોવા છ્તાંયે પકકડ તો એટલી બધી મજબૂત છે કે વેદાંતની મોટી-મોટી વાતો કરી આખુંય આસમાન ગુંજવશું પણ અમે અમારી આ નાનકડી ગંદીનાળીના કીડા બનીને જીવીશું. આ હાસ્યાસ્પદ અને ઉપાલંભ કરતી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એ તો કોઈ સમર્થ સદગુરુ નું શરણ પ્રાપ્ત થાય તો જ શક્ય બને."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Dattatreya Datta tatv MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace