Skip to main content

પ્રભુ પ્રાપ્ત વ્યક્તિઓને કંઈ કરવાનું રહે છે ખરૂ ?

દેવ હોય, દાનવ હોય કે માનવ હોય દરેકની અપેક્ષાઓ જુદી જુદી હોય છે. દેવોને સંચિત પ્રારબ્ધ ભોગની અપેક્ષા વધારે હોય છે. ઈન્દ્રીયજન્ય પ્રારબ્ધભોગમાં તેઓ આનંદ માની ચાલતા હોય છે. તેમાં વિક્ષેપ પડવાથી તેઓ ચિંતીત અને વ્યગ્ર બને છે.

દાનવો તો દૈવી સૃષ્ટિ અને માનવી સૃષ્ટિ પર વિજય પ્રાપ્ત કરવા માટે જપ-તપ-હોમાદી કરતા હોય છે. યેનકેન પ્રકારેણ સૃષ્ટિ ઉપર પ્રભુત્વ જમાવવા પ્રયાસ કરતાં જ હોય છે. રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકારથી ભરપૂર દાનવી સૃષ્ટિ બ્રહ્મા-વિષ્ણુ-મહેશને પ્રસન્ન કરી પોતાની અપેક્ષા સિદ્ધ કરતા હોય છે.

માનવી સૃષ્ટિમાં માનવ પણ ચક્રવર્તી સમ્રાટ હોય, રાજા હોય તે પણ યજ્ઞ, દાન, સાધના આદિ કરી સમગ્ર પૃથ્વી ઉપર શાશન કરવા પ્રયત્ન તો કરતા હોય છે અને સફળતા પ્રાપ્ત કરી લે છે પણ તેને યોગ્ય માર્ગદર્શક ન મળ્યા હોય તો અહંકારથી ઘેરાઈ પતનના માર્ગે પણ જતા જોવા મળ્યા છે અને ઘણા સમ્રાટો સદગતિ પણ પામ્યા છે જેમકે માંધાતા, યુધિષ્ઠિર, રાજા વેણુ, રાજા મૃગ, રાજા જનક, રાજા દશરથ વગેરે.

ઈશ્વરને પામી એટલે કે દર્શન કરી વરદાન માગી આ જન્મની અથવા પૂર્વજન્મની સદ્-અસદ્ ઈચછાઓની પૂર્તિ થતી હોય છે. દાનવો અને ઘણી વખત માનવી સૃષ્ટિમાં પણ રજવાડાઓ બ્રહ્મા વિષ્ણુ-મહેશના દર્શન કરી મુક્ત નથી થયા ઉલટાના વધારેને વધારે શક્તિ પ્રાપ્ત કરી અહંકારથી ભરપૂર થઈ યુદ્ધ કર્યા છે. એકબીજા પર વિજય મેળવવા પ્રયત્નશીલ થયા છે અને અંતે ફરી જન્મ-મરણના ચક્કરમાં ગુંથાયા છે, ભગવાનને જોઈ લેવાથી મુક્તિ જ મળી જાય, સદગતિ થઈ જ જાય એવું નથી. પ્રભુ પાસે તમે શું માંગો છો - શું ઈચ્છો છો તેના પર આધારીત છે. હિરણ્યકશીપુ, લવણાસૂર, ભસ્માસુર વગેરે રાક્ષસોને અને રામ-કૃષ્ણના આગમન સમયના રજવાડાઓને શું મળ્યું ? બધાને તુર્ત જ એટલે કે તેના તે જ જન્મે સદ્ ગતિ નથી મળી. પ્રભુ દર્શનનું ફળ વ્યર્થ તો નથી જતું પરંતુ સદ્-અસદ્ ઈચ્છાઓને આધારે ભટકવું પડતું હોય છે.

કોઈ ઋષિ-મહર્ષિ તપસ્વી કે સારા સાધકને ઈશ્વર મળતા હોય ત્યારે આ મહાન આત્માઓ -

सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु । मा कश्चित् दुःख भाग्भवेत्॥

અર્થાત્ સર્વે સુખી થાઓ, સર્વે તંદુરસ્ત રહો, સર્વેનું કલ્યાણ થાય, કોઈને કંઈ પણ દુઃખ ન થાય એટલે વિશ્વ કલ્યાણની ભાવના સાથે પોતાનું સંચિત પ્રારબ્ધ કે જે સ્થૂળ બંધાયેલા છે તે પૂરા કરતા આવાગમનના ચક્કરમાંથી છૂટવા માંગતા હોય છે. આ પ્રારબ્ધ ભોગમાં-કર્મયોગમાં જોડાઈ સદકર્મ કરતા કર્તાપણાના અહંકારથી દૂર રહી સાક્ષી અને દૃષ્ટાભાવ સાથે જીવતા, રહેતા, વર્તન કરતા, ખાતા-પીતા, સૂતા-જાગતા સતત પ્રભુમય રહી અનન્ય શરણાગતિ સેવતા સહજમાં સ્થૂળનું વિસર્જન કરતા હોય છે. ઈશ્વર મળે, દર્શન આપે ત્યારે તે પરમપદ મુક્તિની જ અપેક્ષા સાધક દર્શાવે તો આ પ્રકારના સાધક ઉપર કૃપા વરસતી હોય છે. અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં તે સ્વસ્થ રહેતા હોય છે અને પ્રભુમય રહી બધુ કરતા હોય છે. ઘણા એવા મહાન આત્માઓ થયા છે કે જે પૂર્વજન્મના સંસ્કારને લીધે પોતાને સદગુરુકૃપાથી કર્મ કરતા અંતે પ્રભુને પામ્યા છે અને થોડા સમય પછી અથવા તો તેને તે જ સમયે સદ્ ગતી પ્રાપ્ત કરેલ છે.

અહીં ઊંડાઈથી વિચાર કરતા એમ જ જણાય છે કે ઈશ્વર દર્શનમાં અને આત્મ સાક્ષાત્કારમાં તફાવત છે. દર્શન કરીને ઘણા સમય સુધી જીવ પોતાને ઈશ્વરથી અલગ અનુભવે છે છેવટે સાધના કરતાં કરતાં ઈશ્વર પ્રાપ્તિ કરી લે છે પણ સાક્ષાત્કાર તો તેને કહેવાય કે જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું હોય. જ્યારે સદગુરુની અને ઈશ્વરની કૃપા ગાઢ બને છે ત્યારે આવા પવિત્ર આત્માઓ કે જે સાક્ષાત્કારના પ્યાસા છે તેઓની અંદર કૃપા વરસાવી તેઓના મન-ચિત્ત-બુદ્ધિ કેન્દ્રિત કરી તેઓની સ્મૃતિમાં અખંડ આવી યાદી રખાવતા હોય છે કે - હું તત્ત્વો-ગુણો-પ્રકૃતિથી પર અંતઃકરણ ચતૃષ્ટયના સાક્ષી અને દ્રષ્ટા શુદ્ધ-બુદ્ધ આત્મા છું, આ સ્થૂળ શરીરથી જે કાંઈ કર્મ થઈ રહ્યું છે તે સ્થૂળ પિંડમાં બંધાઈને આવેલા પ્રારબ્ધ પૂરુ થઈ રહ્યું છે. કર્મ કરનાર અને કરાવનાર ઈશ્વર છે. વ્યાપક ચૈતન્ય તત્ત્વ છે. હું કર્તા પણ નથી, ભોક્તા પણ નથી. હું સમસ્ત કર્મના સાક્ષી અને દૃષ્ટા છું. આ પ્રકારના અખંડ આત્મજ્ઞાન સાથે મસ્તીમાં રહેવાનો જે આશીર્વાદ છે જે કૃપા છે તે જ આત્મસાક્ષાત્કાર છે. આવા મહાપુરુષો સ્થૂળ શરીર રાખીને પણ જીવન મુકત સ્થિતિમાં રહેતા હોય છે. વિદેહી બનીને રહેતા હોય છે. પ્રારબ્ધ પૂરા થતા સ્થૂળ શરીરના વિસર્જન પછી વિદેહ મુક્ત બની પરમાનંદમાં લીન થઈ જતા હોય છે.

આ બધી ચર્ચાનો સારાંશ એ જ છે કે - કોઈપણ સ્થૂળ શરીરધારી માનવી કર્મથી જુદા રહી શકે નહી એટલે પ્રત્યેક કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મની ભાવના સાથે જે પોતાના આત્મજ્ઞાન સાથે રહેતા હોય છે તેમજ જ્યાં સુધી આ સ્થિતિ ન આવે ત્યાં સુધી અજ્ઞાનરૂપી અહંકારથી ભરપૂર વજનમાં દબાઈ પોતાને મહાન જ્ઞાની માની પોતાના જીવનથી સંબંધિત સમસ્ત કર્મો સ્વસ્થતાથી સભાન બની કરતા હોય છે પણ જપ-તપ-હોમ આદિ પરમાર્થકારી સત્કર્મો છોડી પરમહંસને બદલે પરમભેંશની સ્થિતીમાં પોતાને મૂકવા જોઈએ નહીં. અધૂરા જ્ઞાન-અધૂરી સમજ હાનીકારક હોય છે. પોતાના સદગુરુ કે જે ચૈતન્ય સ્વરૂપ છે. સ્થૂળ શરીરના માધ્યમથી જે અખંડ જ્ઞાન-બોધ આપી રહ્યા છે તેઓને શરણે રહી, શુભકર્મમાં જોડાયેલા રહેવું જોઈએ. સંક્ષેપમાં કહેવાનું એટલું જ રહે છે કે પ્રભુ દર્શન કલ્યાણકારી હોય છે. સમય પાકતા ભક્તોને લાભ આપે છે.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"દાનવો અને ઘણી વખત માનવી સૃષ્ટિમાં પણ રજવાડાઓ બ્રહ્મા-વિષ્ણુ-મહેશના દર્શન કરી મુક્ત નથી થયા, ઉલટાના વધારેને વધારે શક્તિ પ્રાપ્ત કરી અહંકારથી ભરપૂર થઈ યુદ્ધ કર્યા છે. એકબીજા પર વિજય મેળવવા પ્રયત્નશીલ થયા છે અને અંતે ફરી જન્મ-મરણના ચક્કરમાં ગુંથાયા છે, ભગવાનને જોઈ લેવાથી મુક્તિ જ મળી જાય, સદગતિ થઈ જ જાય એવું નથી. પ્રભુ પાસે તમે શું માંગો છો - શું ઈચ્છો છો તેના પર આધારીત છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Darshan Dev Danav Aatm Sakshatkar MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace