Skip to main content

જીવન મુકત અને સહજ અવસ્થા

પ્રભુ પ્રાપ્તિ માટે, સંપૂર્ણ સુખ શાંતિ માટે, સ્વરૂપાનુભુતિ માટે પ્રત્યેક માનવી પોત પોતાની રીતે પ્રયાસ કરે છે. કોઈ સુંદરમાં સુંદર મૂર્તિ કરાવી, શ્રુંગાર કરી સજાવી, ઘરમાં રાખી, શક્તિ પ્રમાણે પૂજાપાઠ કરી આનંદ માણે છે અને તેઓ સમજે છે કે - હું જેમ ભજન-પુજન કરૂ છું તે બરાબર છે અને ઈશ્વર જરૂરથી ખુશ છે, એ જ રીતે કોઈ પગે ચાલી યાત્રા કરતા પ્રભુ ભક્તિ કરી પગપાળા યાત્રાને તપસ્યા સમજી ઈશ્વરને ખુશ કરવા પ્રયાસ કરે છે. કોઈ ગીતા, રામાયણ, ભાગવત્ કે અન્ય ધાર્મિક ગ્રંથનું વાંચન કરે છે. કોઈ જપ અને યજ્ઞ બંને કરે છે. કોઈ ધ્યાન યોગથી પ્રભુને મેળવવા પ્રયાસ કરે છે. ટૂંકમાં, સમસ્ત માનવ પોત પોતાની રીતે ભજન, સાધના, સેવા, હોમ, જપ, યોગ કરી આત્મ સંતોષ સાથે પ્રભુ પાસે પહોંચવા પ્રયાસ કરે છે પણ ઉપરોક્ત દરેક પ્રકારનાં સાધકોમાંથી જે ઉચ્ચ કક્ષામાં પહોંચે છે તે બધાનું કહેવું એ છે કે - मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः। એટલે કે - "મન એ જ મુક્તિ અને બંધનનું કારણ છે." દરેક પ્રકારની સાધનામાં બહાર ભટકતા મનને ઈશ્વરમાં કે સ્વમાં સ્થિર કરવાનું રહે છે અને જ્યારે જે ઘડીએ મન બધી ભાગદોડ મુકી સ્વ કેન્દ્રીત બને છે ત્યારે માનવને સંતોષ બંધાય છે કે - આજે ઠીક રહ્યું, એટલા માટે મહાન પુરૂષો બોલે છે કે - હંમેશા સોऽહં તરફ દૃષ્ટિ રાખો. જ્યારે જ્યારે તમે પોતાના કર્મયોગમાંથી ફ્રી થાવ ત્યારે પોતાના તરફ નજર રાખી સોऽહંમયી મસ્તીમાં ડૂબ્યા રહો અને સતત ખ્યાલ રાખો કે - તમે નામ, રૂપ, રંગ, જાતી, વર્ણ, સંપ્રદાય એનાથી આગળ મન-ચિત્ત-બુદ્ધિથી પર શુદ્ધ-બુદ્ધ આત્મા છો. આ ભુમંડલ પર પ્રારબ્ધ અનુસાર કર્મ યોગમાં જોડાયેલા છો. સાવધાન રહી શુભ અને યોગ્ય કર્મ કરવું. કર્મ કરતી વખતે અથવા તો પાછળથી એમ જ માનજો કે - કર્તા હર્તા પરમાત્મા છે. હું માત્ર સાક્ષી ભાવે નિમિત્ત માત્ર છું. આ રીતે ધ્યાન રાખી જે કર્મ કરવામાં આવે છે તેમાં કર્મ બંધન થતા નથી. એનાથી સંચિત અને પ્રારબ્ધ બંને ભૂંસાઈ જાય છે એટલે કે - નવા પ્રારબ્ધ બનતા નથી, એ જ જીવન મુકત અને સહજ અવસ્થા છે. કૃપા સાધ્ય ખરૂ પણ સાથો સાથ પોતાની નિષ્ઠા પૂર્વક તૈયારી પણ જરૂરી છે. આ રીતે જે સાધક સહજમાં રહે છે તે મહાન છે. આ સ્થિતિ અને આવા સુંદર વિચાર સદગુરુ કૃપા સિવાય થતાં નથી એટલા માટે સદગુરુ દત્ત તરફ અંગુલી નિર્દેશ રહે છે. તેઓને સાથે રાખીને ચાલશો તો સદા કલ્યાણ થશે. આ સદ્દબોધ સંતોના આશીર્વાદથી મળેલ છે તે તમને સંભળાવીને આનંદ અનુભવુ છું.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"જે સાધક સહજમાં રહે છે તે મહાન છે. આ સ્થિતિ અને આવા સુંદર વિચાર સદગુરુ કૃપા સિવાય થતાં નથી એટલા માટે સદગુરુ દત્ત તરફ અંગુલી નિર્દેશ રહે છે. તેઓને સાથે રાખીને ચાલશો તો સદા કલ્યાણ થશે." ~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Sahaj Avastha Mukti puja path jap yagy seva hom yog MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace