Skip to main content

શ્રી પુનિતવાણી - રામજયંતિ

અનેક મહાપુરુષોની જયંતિ ઉજવાતી હોય છે. તેની પાછળ એક જ રહસ્ય છુપાયેલું હોય છે કે - તે મહાપુરુષો દેશ માટે સમાજ માટે જગત માટે આત્મસમર્પણ કરી નિઃસ્વાર્થ ભાવે ખૂબ જ મહત્ત્વના કામ કર્યા હોય છે. જ્યારે સમાજ, દેશ અને સૃષ્ટિ ઉપર આપત્તિ આવી છે, અધર્મ ધર્મ ઉપર વિજય મેળવવા પ્રયાસ કરવા લાગે છે, સમાજની મર્યાદા અમર્યાદિત થવા લાગે છે, ન્યાય અન્યાયમાં બદલાવા લાગે છે, સત્ય પર અસત્યનું પ્રભુત્વ આવવા લાગે છે, દંભ, પાખંડ, પ્રપંચ પૂજાવા લાગે છે ત્યારે કોઈ એવા મહાપુરુષો આ સૃષ્ટિની ગોદમાં આવી પહોંચે છે કે - જેઓ ધાર્મિક સમસ્ત વ્યવસ્થાઓને વ્યવસ્થિત કરી સમાજને સદા યોગ્ય માર્ગે દોરે છે અને અસત્યને સત્યમાં બદલી સતોગુણયુકત સૃષ્ટિ બનાવી સંચાલનમાં મદદરૂપ બને છે. આવા તો ઘણા મહાપુરુષો થઈ ગયા છે. તે મહાપુરુષોની જયંતી ખૂબ ધામધૂમથી ઉજવાય છે. અહીં તો ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ની જયંતિનો પ્રસંગ ઉપસ્થિત થયો છે. આજે ભગવાન રામચંદ્રની જયંતિ છે. જે જે મહાપુરુષોની જયંતિ ઉજવાય છે તેઓની જયંતીની ઉજવણી માત્ર પ્રસાદ વિતરણ કરી આનંદ મનાવી સંતોષ માનવાનો રહેતો નથી. અહીં તો ખૂબ જ ઉંડાણમાં જઈ વિચાર કરવો જોઈએ કે - આ મહાપુરુષોની પાછળ શું રહસ્ય છે કે તેઓના સ્થૂલની અનુપસ્થિતિમાં પણ લોકો હર્ષાશ્રુ વહાવી રહ્યા છે. તેઓની યાદી કરી-કરીને ભાવવિભોર બની રહ્યા. છે. પોતાની ચિંતા-શોક તે ક્ષણે વિસરી આનંદની અનુભૂતિ કરી રહ્યા છે તો તે મહાપુરુષો શું કરી ગયા હશે ? કેમ રહી ગયા હશે ? સમાજ ઉપર તેઓનું શું વર્તન રહ્યું હશે ? વગેરે વગેરે તેઓના જીવન ચરિત્ર પર દૃષ્ટિપાત કરવાથી બરાબર સમજાશે કે - તેઓનું જીવન ત્યાગ, નિ:સ્વાર્થ, સત્ય, પરોપકાર, ધ્યાન પ્રેમથી ભરપૂર રહ્યું હશે. તેઓએ સદા પોતે કષ્ટ ઉઠાવીને પણ લોકોના કલ્યાણ કર્યાં છે. આત્મ સમર્પણ કરીને જગતનું ઉદીત કર્યું છે, તેટલા જ માટે આ મહાપુરુષો મહાન બોલાય છે. તેઓની જયંતિ ઉજવાય છે.

આ મહાનતા પ્રાપ્ત કરવામાં દરેક મહાપુરુષોના શુભ કાર્યો સાથ આપતા જ હોય છે, સાથે સાથે કયાંક એવુ પણ જોવા મળ્યું છે કે તે મહાપુરુષોને જન્મ આપવામાં, મહાન બનાવવામાં કયારેક કયારેક માઁ-બાપ નો પણ મહત્ત્વનો ફળો રહ્યો છે. કોઈ કોઈક મહાપુરુષોએ તો એવા ઘરમાં જન્મ લીધેલ છે કે જે ઘર સંસ્કારહીન હોય છતાં તે પોતાના પૂર્વજન્મના કર્મને આધારે તે સંસ્કારહીન કુટુંબને દિપાવી તપસ્યા કરી મહાન બન્યા છે.

માતા-પિતા સંસ્કારી, સુપાત્ર, મહાન, તેજસ્વી બાળકોને જન્મ આપવામાં જે તસ્દી, જે ભોગ આપે છે તેનો ખ્યાલ પૂર્ણ સર્વે સાધારણને લક્ષમાં રાખવો. કોઈ ધનીક હોય કે ગરીબ હોય, નાના હો કે મોટા હોય, પૂર્ણ સ્વસ્થ હોય કે ન હોય, ઘર સંસારમાં જોડાયા પછી સંતાનની અપેક્ષા બધા જ રાખતી હોય છે પણ તે સંતાન કેવા થશે તે અંગે કોઈને ખ્યાલ હોતો નથી. અગર કોઈ સુપાત્ર સંતાન જન્મે તે અંગેની અપેક્ષા રાખતા હોય તો તેઓથી તેવા શુભકર્મો થતા નથી અને તેને લીધે સુયોગ્ય અને સુપાત્ર સંતાન જન્મતા નથી. શાસ્ત્રોમાં લખે છે કે - પુત્ર વગર સદ્દગતિ નથી તેનું કારણ તે છે કે ખાનદાનમાં જેટલી વ્યક્તિઓએ શરીર છોડેલ છે તે ક્યારે કઈ યોનીમાં ફર્યા છે તે કોઈને ખબર હોતી નથી. તેઓને નામે તેઓના ખાનદાનમાંથી કોઈપણ વ્યક્તિ કે સંતાન શ્રાધ્ધ, તર્પણ વગેરે કરે તો તેઓને તે મળે છે અને કયારેક કયારેક તે રીતે ચાલતા ચાલતા કોઈક એવા સુપાત્ર આત્માઓ જન્મી જાય છે કે જે તપસ્યા કરી "સ્વ" સ્વરૂપ પ્રાપ્ત કરી મુકત થઈ જતા હોય છે અને તેઓની પાછળ તેઓના ખાનદાનનાં પણ બધા જ આત્માઓ મુકત થઈ જતા હોય છે. તેટલા માટે સૌ કોઈ સંતાનની અપેક્ષા તો રાખે જ છે. મુકત આત્માઓના આગમન પછી ખાનદાનની પરંપરા લગભગ સમાપ્ત થઈ જતી હોય છે. એક વાત અહીં સમજવાની રહે છે કે સંતાન પ્રાપ્ત થાય તે માટે માતા-પિતાની કેટલી ઝંખના રહેતી હોય છે. તેઓ કેટલુ સહન કરતા હોય છે અને શું શું કરતા હોય છે. અહીં તો રાજા દશરથ અને કૌશલ્યાનો પ્રસંગ યાદ આવે છે કે જ્યાં ભગવાન રામચંદ્ર પધાર્યા છે. દશરથ તેમજ તેઓની રાણીઓએ કેટલી સાધના, તપશ્ચર્યા, શાસ્ત્રોનું શ્રવણ, પૂજા-પાઠ, વિધિ વગેરે કર્યાં હશે તે શાસ્ત્રો વાંચતા થોડુ ઘણું સમજાય છે. છેવટે પુત્રરત્ન પ્રાપ્ત થયું છે અને માતા-પિતા ખૂબ જ ખુશી મનાવે છે, ધન્યતા અનુભવે છે. અહીં બધાને એકજ વસ્તુ ગંભીરતાપૂર્વક વિચારવી જોઈએ કે - દશરથ, કૌશલ્યા, કૈકયી, સુમિત્રા જેવા માતા-પિતા અને રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન જેવા પુત્રરત્નો બન્નેને લક્ષ્યમાં રાખી માતા-પિતા પ્રત્યે પુત્રનો અને સંતાન પ્રત્યે માતા-પિતાની શું ફરજ જ હોવી જોઈએ. સુપાત્ર સંતાન ઉત્પન્ન કરવામાં માતા-પિતાએ કયા-કયા શુભકર્મો અને એવા સુપાત્ર સંતાનોએ આવીને માતા-પિતા પ્રત્યે શુ વર્તન કર્યું છે ? ભાઈ-બહેન સમાજ સાથે કઈ રીતે વર્તયા છે ? આ તો રામનું ચરિત્ર વાંચતા-જોતા સમજાઈ જાશે. પિતાનો આદેશ છે. માનીને બાલક રામ વનમાં જાય અને બીજી માના પુત્ર ભરતને સ્વેચ્છાથી રાજગાદી આપી છે. મિત્ર માટે આત્મસમપર્ણની તૈયારી બતાવે, સમાજ, દેશ, કાલની પરિસ્થિતી અનુસરી સુખ-શાંતિ માટે પોતાના કુટુંબ પ્રેમ અને પત્નીનો ત્યાગ કરે છે. પોતાની માન-પ્રતિષ્ઠા પણ જતા કરે ત્યારે જગતને સાચો બોધ, સાચુ જ્ઞાન આવે ત્યારે માન-પ્રતિષ્ઠા, પત્ની, કુટુંબ, સમાજ બધુ જ ગામને આપે છે એટલે કે અજ્ઞાન દુર થતા જ્ઞાન સમજાઈ જાય, આ તો રામચરિત્ર પરથી સમજાઈ શકે છે. અહીં અત્યારે જેટલા લોકો ઉપસ્થિત છે તેઓને અત્યારે ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી તરફ દૃષ્ટિ કરે. ગુરુ ચરણમાં માથુ નમાવી પોતાના શિર પર હાથ મૂકી વિચારી લેવુ જોઈએ કે - હું માતા-પિતા છું. મારા પુત્રો કેવા છે અને તેઓ પ્રત્યે મારો શુ ભાવ છે. સાથોસાથ સંતાને પણ સમજી લેવુ જોઈએ કે મારા માતા-પિતાએ મને જન્મ આપવા માટે કેટલા પ્રયાસો કર્યા હશે, કેટલા દુઃખ-સુખ સહન કર્યા હશે, કેટલી સ્તુતિ, પ્રાર્થના કરી હશે ત્યારે મારો જન્મ થયો છે. તો શું હું માતા-પિતા પ્રત્યે રામ જેવુ વર્તન કરું છું ? ભાઈ પ્રત્યે, બહેન પ્રત્યે, મિત્ર પ્રત્યે, સમાજ તેમજ દેશ પ્રત્યે સદભાવ વ્યક્ત કરું છું ? એ રીતે પતિ-પત્ની પણ રામ-જાનકી સામે જોઈ વિચાર કરવો જોઈએ કે અમે કેવા છીએ. રામે કોઈ દિવસ કોઈ પરનારી પર દૃષ્ટિ કરેલ નથી. ખરાબ દૃષ્ટિ ફેંકી નથી. ફ્કત એક જ વખત જાનકીને જોયેલ છે અને તેઓને વરણ કર્યા છે તો હું કેવો છું, મારૂ જીવન કેવું છે તે પરથી પોતાના સંસ્કાર પોતાના ખાનદાનીયત, લાયકાત, પોતાની માન-પ્રતિષ્ઠાનું માપ કાઢી શકાય છે. માત્ર પૈસાદાર થઈ જવાથી ખૂબ ભણીગણી ડીગ્રી લઈ લેવાથી ખાનદાનીયત આદર્શતા, માન, પ્રતિષ્ઠા મળતી નથી.

જેનું જીવન રામ જેવું આદર્શમય હોય, આત્મમય હોય, મર્યાદિત હોય તે જ મહાન છે, પ્રતિષ્ઠિત છે. વંદનિય છે. શ્રેષ્ઠ છે. તે સિવાયના લોકો પૈસાદાર હોય કે ભણેલા તેઓનું નામ મહાનતામાં આવતું નથી. તે જ રીતે નારી સમાજે જાનકી તરફ દૃષ્ટિ ફેરવી પોતાના જીવનની માપણી કરવી જોઈએ કે માઁ જાનકી કેવી રીતે મહાન હતાં. કઈ રીતે અસ્તિત્વ જાળવ્યું છે. ઘરનાં રાજપાઠ સુખ વૈભવનો ત્યાગ કરી આજે પોતાના પતિ સાથે વનવાસમાં નીકળી પડવું કેટલું કઠિન છે. જંગલમાં રહી કંદમૂળ ફળ ખાઈ એક રાણી ઉદાસીન જીવન વ્યતિત કરે તે સહેલું નથી. રાવણ જેવા મહાન જ્ઞાની, તપસ્વી, શક્તિશાળી, ધનવાન, બળવાનના તાબામાં આવીને પણ જેને પોતાનું સતીત્વ જાળવી રાખ્યુ છે, કોઈપણ જાતના પ્રલોભનમાં ફ્લાયાં નથી. પોતાના પતિના ચરણમાં જેનું મન-ચિત્ત-બુધ્ધિ સદા સ્થિર રહ્યાં છે આવાં માઁ જાનકીના ગુણ અમારામાં કેટલા આવ્યા છે તે વિચારવાનું રહે છે ? તે જ રીતે સાવિત્રી સત્યવાન તેમજ અન્ય સતીઓ પણ થઈ ગઈ છે. જે કોઢી, લંગડા પતિને પ્રાપ્ત કરી તે પણ તેઓની સેવા કરી છે. ત્યાગ કરેલ નથી. એટલા માટે તે માતાઓની ગણતરી સતીઓમાં થાય છે અને આવી સતીઓએ પોતાની શક્તિથી સૂર્યની ગતિને પણ રોકી દીધેલ છે અને નગરને પણ પલટાવી દીધેલ છે. આજકાલ તો કલિકાલના કારણે સમાજ એટલો બદલાઈ ગયો છે કે માતા-પિતા શું છે, ભાઈ ભાઈ શું છે, પતિ-પત્ની શું છે, તે કોઈને સમજાતું નથી. આજકાલના માનવી વિષય વિકારના કારણે હડકાયેલા કુતરા જેવા બની દરેકને બચકાં ભરી રહ્યાં છે, પશુની જેમ દોડી રહ્યા છે. સર્વત્ર સ્વાર્થની ઝાંખી થાય છે. શુધ્ધ પ્રેમ, આત્મીયતા, પરોપકારની ભાવના કે આદર્શમય જીવનની ઝલક કોઈમાં દેખાતી જ નથી. અગર દરેક માનવી અંતરમુખ થઈ પોતાના "સ્વ" સ્વરૂપ પર વિચાર કરે, મનુષ્ય જીવન શા માટે છે, અમે શું કરી રહ્યા છીએ, શું કરવું જોઈએ તે વિચારે તો ઘણું સમજાઈ શકે છે. તમારા લોકોને તમારા ખાનદાનમાં એવા મહાપુરુષોને લાવવા માટે શું પ્રયત્નો કરવા જોઈએ ? તમારે ત્યાં શું ન આવી શકે? ભગવાન રામની જયંતિ આજે છે. તે સિવાય તેમની ઘણી જયંતિ ઉજવી હશે તેમાંથી શું શીખ્યા છો?. શું મેળવેલ છે ? વિચાર તો કરો. હું રામાયણ વિશે વિદ્વતાપૂર્ણ પ્રવચન કરવા નથી માંગતો કે રામ ચૈત્ર માસમાં નવમી તિથિના દિવસમાં જ અભિજિત નક્ષત્રમાંજ કેમ પધાર્યા. આ તો તમે જાણો છો વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં, બ્રહ્મ વિશે ખૂબ જ લખેલ છે. જે બ્રહ્મ અણુ-અણુમાં વ્યાપક છે તે દેશ કાળ પરીસ્થિતિને અનુસરી જ્યારે-જ્યારે સમય પડે છે ત્યારે-ત્યારે સાકાર રૂપમાં અવતરે છે. બ્રહ્મ મરતા તેમજ જન્મતા નથી. તેનું તો અવતરણ થાય છે. તે જ રીતે ભગવાન રામચંદ્રજી પરબ્રહ્મ પરમેશ્વર હતા અને નિરાકાર રૂપમાં અત્યારે પણ છે. તેઓ આસુરી તત્ત્વોનું દમન કરવા માટે, અમર્યાદિત બનેલા સમાજને મર્યાદામાં લાવવા માટે, તત્ત્વજ્ઞાનનો પ્રકાશ કરવા માટે, સત અને અસતની પ્રતિતી કરાવવા માટે, સત તેમજ ન્યાયની પ્રતિષ્ઠા માટે, સર્વને સુખ અને શાંતિ આપવા માટે દશરથને ત્યાં અવતર્યા હતા. આત્મા જન્મ મરણ થી પર છે. તે બધાં જાણે છે. મરવું તેમજ જન્મવું આ શબ્દ અજ્ઞાનીઓમાં વપરાય છે. જીવભાવમાં મરવું તેમજ જીવવું ચરિતાર્થ થાય છે. જીવભાવમાંથી જ્યારે આત્મભાવ જન્મે છે ત્યારે સમજાય છે કે આત્મા મરતો નથી. તે તો સ્થૂળ શરીર સાથે જે જે પ્રારબ્ધ કર્મ પૂરા કરવા માટે બંધાઈને આવેલો હોય છે તેટલુ પુરું કરી એક સ્થુળ શરીરને છોડી કરી કર્મ બંધનના આધારે બીજા શરીરમાં જાય છે. આ રીતે ભટકતા જીવાત્માને લઈ જાય છે. સ્વસ્વરૂપનો બોધ થઈ આવે છે ત્યારથી તે આત્મા મુકતાવસ્થા પ્રાપ્ત કરી લે છે. એટલે કે પ્રાપ્ત કરેલ સ્થુળ શરીરમાં જેટલા પ્રારબ્ધ કર્મ મળી જાય છે.

રામચંદ્રજી તો પરબ્રહ્મ પરમેશ્વર હતા. નકકી તેમજ ચોકકસ કામ કરવા માટે આવ્યા હતા. કોઈ કોઈ મહાપુરુષો એમ બોલે છે કે - બ્રહ્મ હતા. તે તો સ્થૂળ શરીરે જન્મ લઈ જગતમાં આવ્યા હતા. વધારે શક્તિ ઐશ્વર્ય ધરાવવાને કારણે આજ તેઓને લોકો ભગવાન બોલે છે તે વખતે તેઓને કોઈ ભગવાન બોલતા નહીં. રાજા હોવાને કારણે તેઓનું પ્રજા સન્માન કરે અને તેઓ લોકપ્રિય બની ગયા તે સ્વાભાવિક છે. આ વાત તે વક્તાઓની દૃષ્ટિમાં બરાબર છે પણ એક વાત તો માનવી પડશે કે જે લોકો છે, તર્ક કરે છે, પોતાની બુધ્ધિથી જે કાંઈ વિચારી જાય છે તે તો સિમીત હોય છે. વ્યાપક હોતી નથી. બ્રહ્મ તત્ત્વ શું છે ? ઈશ્વરી તત્ત્વ શું છે ? ગુરુ તત્ત્વ શું છે ? આ ગૂઢ વિષય માત્ર વાંચવાથી અથવા તો બ્રહ્મ તત્ત્વનો વાસ્તવીક બોધ ન ધરાવતા વક્તાઓના મુખથી સાંભળવાથી સમજાતું નથી. બ્રહ્મ શક્તિ સમજાવવી ખૂબ જ કઠિન છે. બ્રહ્મ કોઈ દિવસ જન્મતા કે મરતા નથી. ગર્ભવાસ કરતા નથી. છતાં સાધારણ માનવીની જેમ મરતા-જન્મતા તેઓ દેખાતા હોય છે. આ રહસ્ય ખૂબ જ ગૂઢ છે. અનુભવ કર્યા સિવાય સમજવું ખૂબ જ કઠીન છે.

મારી સમજથી જ્યારે ઈશ્વરનો અવતાર થવાનો હોય છે ત્યારે ઈશ્વર આવતા પહેલા તે સ્થળે તે વ્યક્તિ કે જેને ત્યાં તેઓ જન્મવાના હોય છે તેની શુધ્ધિ કરાવે છે તે પછી ત્યાં પધારે છે. કઈ રીતે અવતરે છે. તે તો આગળ બોલીશ. ભગવાન રામચંદ્રજી દશરથ તેમજ કૌશલ્યાને ત્યાં અવતર્યા છે તે વાત સૌને વિદિત છે. દશરથ તેમજ કૌશલ્યાનો પૂર્વજન્મ મનુ તેમજ સતરૂપાનો હતો. મનુ તેમજ સતરૂપા સિધ્ધ તેમજ તપસ્વી દંપતિ હતા. વર્ષો સુધી ફ્ળ, ફુલ, કંદમુળ અને છેવટે જલાહાર કરી કઠિન તપશ્ચર્યા કરેલી. તે તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ પ્રગટ થયેલા અને તે દંપતિએ ભગવાન વિષ્ણુ પાસેથી વરદાન માંગેલુ કે - ‘તમારા જેવુ સંતાન મને થાય.' ભગવાન વિષ્ણુએ તેઓની તપશ્ચર્યાથી ખુશ થઈને ત્રેતાયુગમાં પુત્ર રૂપમાં આવવા માટે જણાવેલ તે જ મનુ-સતરૂપા ત્રેતાયુગમાં દશરથ તેમજ કૌશલ્યા બનીને આવ્યા છે. રાજા થઈને પણ ધાર્મિક હતા. સુપાત્ર હતા. જીતેન્દ્રીય હતા. આવા ધર્મિષ્ઠ રાજાને ત્યાં ઘણાં વર્ષો નીકળી ગયાં છતાં એક પણ સંતાન થયું નહીં. એનું કારણ શું તે સમજવા જેવું છે. ભગવાન રામચંદ્રજી પધાર્યા તે પહેલા રાજા-રાણીની દેહ શુધ્ધિ થતી હતી. પંચકોષ-પંચપ્રાણની શુધ્ધિ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી તેમને ત્યાં ઈશ્વરનો અવતાર થાય નહીં. એટલે રાજા દશરથ ઘરડા થઈ ગયા છે અને અંતિમ ઉંમરમાં તેઓને પુત્ર રત્ન પ્રાપ્ત થયેલ છે.

એક વાતનો ખ્યાલ રાખવો પડશે કે કોઈપણ અવતારના મુળમાં-પાયામાં સંતકૃપા, ગુરૂકૃપા દટાયેલી હોય છે. દશરથને ત્યાં ભગવાન રામચંદ્રજી પધાર્યા તે પહેલા દશરથજીએ ગુરૂ વશિષ્ઠજીના આશીર્વાદ લીધા છે. શૃંગી ઋષિને બોલાવીને યજ્ઞ કરાવ્યો છે તે પછી ભગવાન રામચંદ્રજી પધાર્યા છે. હવે રામચંદ્રજી ગર્ભમાં આવ્યા છે કે એમને એમ પ્રગટ થઈ ગયા છે તે વિશે વકતાઓના જુદા જુદા મંતવ્યો છે. સિધ્ધ મહાપુરુષોની સાથે થયેલા સત્સંગને આધારે જે મને સમજાયું છે તે બોલુ છું.

મહાપુરુષો બોલ્યા છે - તે શુધ્ધ થયેલા માતાના ગર્ભ બંધાય છે પણ તેમાં ઇશ્વર બંધાતા નથી. જ્યારે તે ગર્ભ માતાના ઉદરમાંથી બહાર નીકળે છે ત્યારે જ ઈશ્વર તે શિશુના સ્થૂળ શરીરમાં પ્રવેશી જાય છે અને ઈશ્વરી શક્તિથી પોતાના ધાર્યા પ્રમાણે કામ કરવા લાગે છે. અંશાવતારમાં આવેલા વિશે મહાપુરુષો વિશે જ્ઞાનીઓ બોલે છે કે - કોઈપણ જીવાત્મા સાધના કે તપશ્ચર્યા કરતા કરતા જ્યારે પોતાનું શરીર શુદધ કરી લે છે અને છેલ્લા શરીરથી મુક્તિ પ્રાપ્ત કરી લેવાની અણી ઉપર પહોંચે છે ત્યારે ઈશ્વર એવા આત્માઓમાંથી એકાદને પસંદ કરી પોતાની શક્તિ તેમજ બળ આપી તેઓને અવતારી પુરુષ બનાવી પોતાનું કામ કરાવી પોતાનામાં મેળવી દેતા હોય છે. જ્યારે ભૌતિક જગતમાં સત્તાધીશ સરકાર કોઇ પણ સાધારણ વ્યક્તિને પણ સત્તા ઉપર બેસાડી આપતી હોય છે ત્યારે તે શક્તિશાળી બની જતો હોય છે. કલેકટર, ડી.એસ.પી. કે પ્રધાન સામે દૃષ્ટિપાત કરતા દેખાય છે કે - તે વ્યક્તિની કિંમત હોતી નથી પરંતુ તે ખુરશીની કિંમત હોય છે. ગરીબ તેમજ નિમ્ન ખાનદાનમાં જન્મેલી વ્યક્તિ કેમ ન હોય, ભણી-ગણીને જ્યારે તે કલેકટરની ખુરશી ઉપર બેસે છે ત્યારે તેની સત્તા વધી જાય છે, પણ જ્યારે તે ખુરશી પરથી ઉતરી જાય છે ત્યારે તેઓની કિંમત પૂર્વવત હોતી નથી. એજ રીતે સરકાર ધારે તે વ્યક્તિને અમુક સતા આપી છે અને કામ કરાવી શકાય છે, તો ઉપરની મહાસત્તા કોઈને પોતાની શક્તિ આપી અવતારી બનાવી કોઈ-કામ કરાવી લે તો તેમાં શું નવાઈ છે.

રામાયણમાં લખ્યું છે કે - ભગવાન રામચંદ્રજી માતાની સામે પ્રગટ થયા છે. અદ્ભૂત-અદ્ભૂત રૂપો બતાવ્યા છે. તેમાં શંકા કરવા જેવુ નથી, તે બિલકુલ સાચુ છે. સર્વસત્તામાન જેને ચાહે તેને પોતાની ઐશ્વર્યમય શરીર કે રૂપ બતાડી શકે છે. તો માતાને અદ્ભૂત શરીરનું દર્શન કરાવે તેમાં નવાઈ શું ? હવે અહીં પ્રશ્ન ઉઠે છે કે - ભગવાન રામચંદ્રજીએ તે વખતે અવતાર લઈને નિશાચરોના વધ કર્યા. આસુરી તત્ત્વોનું દમન કર્યું એટલે તેઓની જયંતિ આજે ઉજવાય છે તો ફરી પ્રશ્ન ઉઠે છે કે - તે વખત ભગવાન રામચંદ્રજી જે જે મહત્ત્વના કામો કરી ગયા તેનો લાભ તે વખતના લોકોએ લીધો પણ અત્યારે લોકો તે વખતના ગુણગાન ગાવાથી શું મેળવી શકે ? વાત પણ સાચી છે. લોકો ભગવાનને દીનાનાથ દીનબંધુ બોલે છે. પોતાને દીન અને ભગવાનને બંધુ બોલે છે. પોતાને પતિત અને ભગવાનને પાવન સમજે છે. તે આધારે દીનાનાથ-દીનબંધુ પતિત પાવનથી સંબોધન કરે છે. પણ પોતાને કાંઈ સમજાતું નથી કે હું શું છું ? ભગવાનને સમજવાની સાથે-સાથે જો જીવાત્મા કોઈ પણ સિધ્ધ સમર્થ ગુરુની કૃપ પ્રાપ્ત કરી પોતાને સમજવાની કોશીશ કરે કે આ સ્થૂળમાં બોલનાર "હું" નામથી ઓળખાતો કોણ છું ? આત્મા શું છે ? પરમાત્મા શું છે ? જીવ શું છે ? શિવ શું છે ? સુખ-દુઃખ કયા છે ? વાસ્તવિક સુખ વાસ્તવિક શાંતિ કયાં મળશે ? વગેરે વાસ્તવિક બોજ સાથે વિચાર કરવામાં આવે તો ખરેખર જીવની દીનતા નીકળી જાય છે અને તે પોતાને મૂળ સ્વરૂપ સમજી શક્તિશાળી બને અને ધારે તેટલુ મહત્ત્વનું કરી કામ કરી શકે.

એક વાત તદ્દન સાચી છે કે - કોઈપણ પવિત્ર મહાપુરુષની જીવની તથા આચરણ અમલમાં મુકવામાં આવે તો જીવન આદર્શમય, શાંતિમય અને સુખમય બને છે. માત્ર ભગવાનનાં ગુણગાન ગાવાથી તેઓની આરતી પૂજા, સ્તુતિ કરવાથી, સત્સંગ કે કથા સાંભળવાથી મુક્તિ મળતી નથી કે શાંતિ પ્રાપ્ત થતી નથી, જ્યાં સુધી સ્તુતિ કરનારા, પ્રાર્થના કરનારા, સત્સંગ સંભળાવનાર અને સાંભળવા વાળા બોલ તેમજ લેખ પ્રમાણે વર્તે નહીં. મન-ચિત્ત-બુધ્ધિ પવિત્ર રાખે નહીં, અંતર શુધ્ધિ કરવા માટે પ્રયત્ન કરે નહીં. ટૂંકમાં, કોરે કોરા રહેવાથી ઈશ્વર ખુશ થતા નથી. ઈશ્વર દયાળુ છે. તેઓને ભકત હૃદય નિષ્કપટ ભાવ, નિર્મળ મન અને શુધ્ધ પ્રેમ જોઇએ. ઈશ્વર શ્રીમંત કે વિદ્વાન વક્તા કે લેખકને જ મળ્યા હોય તેવુ જોવા મળ્યુ નથી. અત્યાર સુધીમાં મોટી-મોટી ડીગ્રી ધરાવનારા કેટલા વિદ્વાનો થઈ ગયા હશે. કેટલાક તત્ત્વજ્ઞાનીઓ, વેદાંત શાસ્ત્રીઓ થયા હશે. કેટલાક શ્રીમંતો અબજોપતિઓ થયા હશે કે જેઓએ ભગવાન ઉપર મહેરબાની કરી આરસપહાણના મંદિરો બાંધી દીધા હશે. સોના-ચાંદીની મૂર્તિઓ બનાવી દીધી હશે છતા તેઓને આત્મ સાક્ષાત્કાર થયો નથી. વૈભવ સંપત્તિ મેળવ્યા હોય તે વાત જુદા છે. મીરાં, નરસિંહ, જલારામજી, તુકારામજી, કબીર, ગોરા કુંભાર, કરમાબાઈ, ગીધ કે શબરી કેટલા ભણેલા હતાં ? કેટલા શ્રીમંત હતા ? કેટલા યોગ્ય હતાં ? તે ઈશ્વરે વિચાર્યું નથી. તેઓનું શુધ્ધ તેમજ પવિત હૃદય જોઈ મળ્યા છે. ઈશ્વરના કૃપા પાત્ર ભકતો ઉપર આજકાલ ઘણા લોકો પી.એચ.ડી. કરે છે. ટૂંકમાં, કહેવાનો અર્થ એ છે કે - રામચંદ્રજી, કૃષ્ણ કે શિવ, મહાવીર કે બુધ્ધ, નેમીનાથજી કે પાશ્વનાથજી, ઈસુ કે જરથોસ્ત, અલ્લાહ કે ખુદાની રોજ બંદગી કરવામાં આવે, આરતી પૂજા કરવામાં આવે અને પોતાના જીવનમાં ફેરફાર કરવામાં ન આવે, જૂઠ, પ્રપંચ, છલકપટથી જીવન વ્યતિત કરતા કોઈ લઘુસ્વાર્થમાં અસત્યનો સહારો લેતા હોય તે સિવાય અન્ય સમસ્ત પાખંડ-પ્રપંચને આવરી બાહ્ય સ્વરૂપથી સારા દેખાવા તેમજ બતાવાની કોશીશ કરતા હોય તે સાધનાનો શું અર્થ ? એટલા માટે મહાપુરુષો વારંવાર બોલતા હોય છે કે - શાસ્ત્રોનો આધાર લઈ ગુરુ વાકયને અનુસરી ચાલો. લેખ તેમજ બોલ પ્રમાણે પોતે વર્તે તો જ તમે મહાન બની શકશો અને તમારાથી બીજા કોઈક કંઈક શીખી શકશે.

આજે રામજયંતિ છે. જયંતિ તેની ઉજવાય છે જે મહાપુરુષ વિકટ પરિસ્થિતિ કે વિકટ સંજોગો, અસંતુલિત પરિસ્થિતિમાં આવી દેશ-કાળ પરિસ્થિતિ ઉપર અંકુશ મેળવી દેશ સમાજનું કલ્યાણ કર્યુ હોય અને ધર્મ, સત્ય અને ન્યાયની સ્થાપના કરી હોય. આસુરી તત્ત્વો ઉપર વિજય મેળવી અંધકારમાંથી પ્રકાશમાં લાવ્યા હોય. તેઓની જ જયંતિ ઉજવાય છે બાકી તો પોતાનો જન્મદિવસ કોને પ્રિય ન હોય ? પોતાના જન્મદિવસે બધા જ પેંડા મંગાવી ભગવાનને ધરી વહેંચી ખાઈ લેતા હોય છે પણ સાચી જયંતિ તો તે જ છે કે જેમણે લોકો સમાજના કલ્યાણ માટે આત્મસમર્પણ કર્યું હોય, પરહિતની વેદી ઉપર બલિદાન થયા હોય. અહીં તો કોઈક સાધારણ પુરુષની જન્મ જયંતિ નથી. અહીં તો ભગવાનની જયંતિ છે કે જે પરબ્રહ્મ પરમેશ્વર છે. જે ભકતોના હિત માટે આજ માયિક માનવી શરીરમાં આવી નાટકમાં જોડાયા છે અને કલ્યાણ કર્યું છે.

રૂપકમાં વિચાર કરીએ તો જેની ઈન્દ્રિયો કબજામાં હોય તેને દશરથ બોલાય છે. દશ ઈન્દ્રિય રૂપી શરીરને રથ બોલાય છે. મન ઈન્દ્રિયોની લગામ છે. તે લગામને જો રામ અથવા કૃષ્ણ પકડીને હાંકે તો જ વિજય પ્રાપ્ત થઈ શકે છે. દશરથ તેવા જ હતા, એવા સમર્થ પુરુષને ત્યાં ત્રણે શક્તિઓ વરણ કરે છે એટલે દશરથને ત્રણ રાણીઓ હ્રીં, શ્રી અને કલી રૂપમાં હતી. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી સ્વરૂપમાં ત્રણ દેવીઓ સેવા કરતી, જેના પંચપ્રાણ-પંચકોષ શુધ્ધ થઈ ગયા છે, ઈન્દ્રિયો અંતર્મુખ છે એવા દશરથ કૌશલ્યા, કૈકયી, સુમિત્રાને ત્યાં રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન અવતર્યા. રામનું અવતરણ દિવસમાં બાર વાગ્યે થયું છે અને કૃષ્ણનું અવતરણ રાત્રે બાર વાગે થયું છે. ભગવાન દત્તનું અવતરણ સાંજે સંધિકાળમાં થયું છે તેમ મહાપુરુષો બોલે છે. એની પાછળ પણ ઘણું રહસ્ય હશે પણ જેટલી જાણકારી જેને થાય છે તેઓ તે પ્રમાણે બોલે છે, જે અણુઅણુમાં વ્યાપ્ત છે અને અણુઅણુમાં રમી રહ્યા છે તે જ રામ છે. તે હજી અત્યારે પણ અજર-અમર છે. તે રામ ભગવાને દશરથ તેમજ કૌશલ્યને નિમિત્ત બનાવ્યા હતા, જશ આપ્યો હતો. મૂળ સ્વરૂપમાં કે જે રૂપમાં જૂઓ તે રૂપમાં રામ અત્યારે પણ બધામાં હાજર છે પણ વ્યાપક રામનું સ્વરૂપ ત્યારે જ દેખાશે કે જ્યારે તમારું મન, ચિત્ત, બુધ્ધિ, દ્રષ્ટિ પવિત્ર થશે, સર્વને આપણા સમજો. સર્વના સુખ-દુઃખમાં સામેલ થજો. પોતાના સ્વરૂપને ઓળખવાની કોશીષ કરશો.

ઘણા લોકો રામ કૃષ્ણ કે અન્ય મહાપુરુષોની જયંતિ પ્રેમથી ઉજવતા હોય છે. હજારો તેમજ લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે, જાતજાતની વાનગી તેમજ મિષ્ઠાન બનાવતા હોય છે. ખૂબ ધામધૂમથી ખર્ચતા, ખાતા, ખવડાવતા હોય છે. કોઈપણ મહાપુરુષની જયંતિમાં આ કંઈ અયોગ્ય ગણાય નહિ પણ તે મહાપુરુષો શું શું કરી ગયા છે, શું શું બોલી ગયા છે તેનો અમલ ન કરવામાં આવે અને માત્ર તેઓના વખાણ કરી તેઓને નામે ખાઈ ખવડાવી મજા કરવામાં આવે, તેઓના નામનો પ્રસાદ વહેંચી વેપાર કરવામાં આવે તો આ વ્યવહારની પ્રશંસા કોઈપણ મહાપુરુષ કરી શકે નહીં. યોગ્ય સાધકોએ આત્માઓએ તો મહાપુરુષો શું બોલી ગયા છે અને શું કરી ગયા છે તે પકડવું જોઈએ, હું તો બોલું છું કે તમે લોકો ધારો તો તમારે ત્યાં રામ કે કૃષ્ણ પધારી શકે છે તેમજ ઉચ્ચ કક્ષાના મહાપુરુષો જેવા બાળકો જન્મી શકે છે પણ આ મહાપુરુષોને પોતાને ત્યાં લઈ આવવા માટે પ્રથમ તમારે ઘડાવું પડશે. જપ, તપ, સાધના કરતાં કરતાં શરીર શુધ્ધ કરવું પડશે. સંસારીક, વ્યવહારીક જીવન સાથે જોડાયેલા હોવા છતાં નીતિ-નિયમનો ત્યાગ નહિ કરશો અને સંકલ્પના કરશો તો તે પવિત્ર સંકલ્પનાને આધારે તમારે ત્યાં પવિત્ર આત્મા જન્મી શકે છે.

અત્યારે તો રહેણી-કહેણી જીવન વ્યવહાર બિલકુલ બદલાઈ ગઈ છે, તામસી થઈ ગયાં છે. આખું જગત સ્વાર્થમય બન્યું છે. પોતાનો સ્વાર્થ સાધવા માટે ગમે તેટલી અનીતિ, અન્યાય કરવા માટે સાધારણ વ્યક્તિઓથી લઈને શ્રીમંતો તેમજ સત્તાધીશો પીછેહઠ નથી કરતાં. આમ છતાં આ સંસારમાં થોડી ઘણી સુપાત્ર વ્યક્તિઓ છે તો તેની ગણતરી આ બહુમતીમાં થતી નથી એટલે કે અત્યારે ભયંકર કલિકાળમાં બધા એક તરફી ભગવાનનું આહવાહન કરી રહ્યાં છે. તેઓ ક્યારે ક્યાં અવતરિત થશે તે વિષે નક્કી જાણકારી માંગે છે પણ હજી સુધી તેની જાણકારી થયેલ નથી, ભગવાન જયાં આવે છે પહેલા તે ઘરની, તે શરીરની શુધ્ધિ અગાઉથી કરતા હોય છે. તે રામ, કલ્કિ સ્વરૂપમાં અત્યારે આવવાની તૈયારી બતાડી રહ્યા છે તેમ શાસ્ત્રો-સંતો બોલી રહ્યાં છે. મારી સમજથી આ અવતાર વિષે શાસ્ત્રોની સમાધિ ભાષાને આધારે લઘુ વાંચન તેમજ લઘુજ્ઞાનને આધારે કોઈ સમજવા માંગશે તો સમજશે નહિ. આ રહસ્યને કોઈ તપસ્વી, યોગી કે ધ્યાની જાણી શકે છે. પુરાણોમાં ઈશ્વરી રહસ્ય ઈશ્વરી તત્ત્વ જાણવા માટે મહાપુરુષોએ યોગ, ધ્યાન કે સમાધિનો આશ્રય લીધો છે. યોગ, ધ્યાન કે સમાધિ સિવાય ઈશ્વરી તત્ત્વ સમજી શકાતું નથી અને સિધ્ધ સમર્થ ગુરુ સિવાય યોગ, ધ્યાન કે સમાધી થઈ શકતી નથી. યોગ ધ્યાન શિબિર ભારતની મૂળ સંપત્તિ છે. હજી પણ છે પણ અત્યારે સ્વાર્થી આવરણોમાં ઢંકાઈ ગયેલી છે તે હવે શુધ્ધ જ્ઞાન ભક્તિરૂપી સૂરજના કિરણોથી પ્રકાશિત થઈ રહેલી છે. સિધ્ધ સમર્થ ગુરુનો કોઈ દિવસ અભાવ થતો નથી અને થશે પણ નહીં. આવા મહાપુરુષો અત્યારે પણ છે પરંતુ તેઓ દેખાતા તેમજ ઓળખાતા નથી. તેઓના નામે બીજા ઘણા સમાજને ઠગી સ્વાર્થ સિધ્ધ કરી રહ્યા છે. મને લાગે છે કે ઈશ્વરના અવતારમાં આ લોકો મદદ કરી રહ્યા છે.

હું સર્વને બોલું છું કે - જો ધ્યાન, યોગ, સમાધિ પ્રાપ્ત કરવી હોય, ચિર શાંતિ મેળવવી હોય તો ભગવાન દત્તના ચરણ પકડી તેઓને ગુરુ માની "હરિ ૐ તત્સત્ જય ગુરૂદત્ત” મંત્રનો જાપ કરતા ઘ્યાનમાં બેસો.. તમને સહજ રીતે બધુ મળી જશે. બીજું કાંઈ પણ કરવા જેવું રહેશે નહીં. ભગવાન દત્ત જ્યારથી ભૂમંડળ ઉપર પધાર્યા ત્યારથી હજુ એમને એમ છે અને મહા પ્રલય સુધી રહેશે. જગતનું કલ્યાણ કરશે તેમ સિધ્ધો- સંતો-શાસ્ત્રો અને મહાપુરુષો બોલે છે. તેના પ્રમાણભૂત અનેક મહાપુરુષો થઈ ગયા છે કે જેને ભગવાન દત્ત મળ્યા.

વાસ્તવિક સુખ કે શાંતિ આત્મજ્ઞાનમાં છે. "સ્વ" સ્વરૂપના બોધમાં છે અને આની પ્રાપ્તી ધ્યાનથી થાય છે. ધ્યાનની અવસ્થા સમર્થ ગુરુથી મળે છે. લોકો શાસ્ત્રો વાંચે છે, સાંભળે છે તેમજ સંભળાવે છે કે ઈન્દ્રિયોને વશ રાખો, મન પવિત્ર કરો, દૃષ્ટી શુધ્ધ રાખો વગેરે વગેરે... સારા કર્મો કરો તો પછી તમને ભગવાન મળશે પણ મારા અનુભવ પ્રમાણે માત્ર વાંચનથી તેમજ સાંભળવાથી કાંઈ અંતર્મુખ થઈ જતા હોત, મન વશ કરી લેતા હોત તો આજે જગતમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તે હોત નહીં, મનને વશ કરવા, શુધ્ધ કરવા, શાસ્ત્રનું વાંચન, શ્રવણ ઉપદેશ સત્સંગ જેટલા જરૂરી છે તેનાથી વધારે જરૂરી જીવનમાં ઉતારવાનું છે અને ધ્યાનમાં બેસી અંતર્મુખ થવાનું છે.

"હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" મંત્ર બોલવાથી સ્વાભાવિક રીતે ચંચળ મન વશ થાય છે. ઈન્દ્રિયો ષટ વિકારોકારોથી પર થાય છે. બધા દોષો, વિકારો, કુટેવો છુટવા લાગે છે. સંસારમાં રહેવા જીવવા-વ્યવહારિક કામ કરવામાં બળ મળે છે. નીતિ, નિયમ, સત્ય માર્ગે ચાલવા પ્રેરણા આપે છે અને અશાંતિ દૂર થાય છે. આ મંત્રની વિશેષ જાણકારી માટે “સરળ ઘ્યાન પ્રયોગ” ની ચોપડી પ્રકાશિત થઈ છે. તેમજ ગિરનાર સાધના આશ્રમથી પ્રકાશિત થયેલા "દત્ત સહજ ધ્યાન યોગ” બુકલેટ તેમજ અન્ય સાહિત્યો વાંચવા જોઈએ. આ મંત્રમાં કેટલી શક્તિ છે તે તો સાધક ર૦ થી ૨૫ મિનિટમાં અનુભવી લે છે. આ કોઈ સાધારણ પુરુષની વાણી નથી. ભગવાન દત્તની અમોઘ શક્તિ આમાં ભરેલી છે. જેની જયંતિ ઉજવો છો, તેઓની ઝાંખી આજે ધ્યાનમાં જોઈ શકો છો તેમજ અન્ય ઈષ્ટ દેવોની ઝાંખી પણ આ મંત્રના આધારે ધ્યાનમાં જોઈ શકો છો, ભગવાન દત્તને પ્રાર્થના કરીને આજે આપ લોકો પ્રથમ ગુરુ મંત્રની ધૂન બોલાવો પછી રામ મંત્રની ધૂન બોલાવો, ફરી ગુરુ મંત્રની ધૂન બોલાવી ધ્યાનમાં બેસો અને સ્થૂળ દેહમાંથી ઈશ્વર તત્ત્વ સાથે એકતા સાધી ક્ષુદ્ર મનુષ્ય ભાવ ત્યજી જીવન સાર્થક બનાવો.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"વાસ્તવિક સુખ કે શાંતિ આત્મજ્ઞાનમાં છે. "સ્વ" સ્વરૂપના બોધમાં છે અને આની પ્રાપ્તી ધ્યાનથી થાય છે. ધ્યાનની અવસ્થા સમર્થ ગુરુથી મળે છે. લોકો શાસ્ત્રો વાંચે છે, સાંભળે છે તેમજ સંભળાવે છે તેમજ સંભળાવે છે કે ઈન્દ્રિયોને વશ રાખો, મન પવિત્ર કરો, દૃષ્ટી શુધ્ધ રાખો વગેરે વગેરે... સારા કર્મો કરો તો પછી તમને ભગવાન મળશે પણ મારા અનુભવ પ્રમાણે માત્ર વાંચનથી તેમજ સાંભળવાથી કાંઈ અંતર્મુખ થઈ જતા હોત, મન વશ કરી લેતા હોત તો આજે જગતમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તે હોત નહીં, મનને વશ કરવા, શુધ્ધ કરવા, શાસ્ત્રનું વાંચન, શ્રવણ ઉપદેશ સત્સંગ જેટલા જરૂરી છે તેનાથી વધારે જરૂરી જીવનમાં ઉતારવાનું છે અને ધ્યાનમાં બેસી અંતર્મુખ થવાનું છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Raam Jayanti Aatmgyan Dhyan MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace