Skip to main content

શ્રી પુનિતવાણી - આત્મજ્ઞાની

રઘુકુળ ભુષણ મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન હંમેશની જેમ એક દિવસ પોતાના રાજ-દરબારમાં બિરાજમાન હતા, વસિષ્ઠ ગુરુજી - મંત્રીગણ તેમજ અન્ય રાજ દરબારના સદસ્યો પોતપોતાના અનુરૂપ સ્થાન પર બેઠા હતા. કંઈક અચાનક જ શ્રી રામચંદ્રજીએ પવનપુત્ર મહાવીર હનુમાનજીને તેમનો યોગ્ય-યર્થાથ પરિચય પુછયો, આવો પ્રશ્ન સાંભળીને બધા જ રાજ-દરબારીઓ સ્તબ્ધ થઈ ગયા કારણ કે બધાને એ જાણ હતી જ કે પવનપુત્ર મહારાજશ્રીના અનન્ય ભકત, દાસ તેમજ ઉપાસક છે, ખુદ મહારાજશ્રીએ પોતે જ પોતાના શ્રી સ્વમુખથી કહ્યું હતું કે તેઓ (ભગવાન શ્રીરામ) પવનપુત્રના કાયમી ઋણી રહેશે. એકક્ષણ માટે તો ખુદ મહાવીર શ્રી હનુમાનજી પણ આ પ્રશ્ન સાંભળી ચોંકી ઉઠયા હતા, પરંતુ આવા પ્રશ્નમાં જરૂર કોઈ રહસ્ય હશે તેથી તેમણે સીધા સરળ સ્વભાવથી પ્રત્યુત્તર આપ્યો કે, હે પ્રભુ ! શરીરભાવથી હું આપશ્રીનો દાસ છુ, જીવભાવથી હું આપશ્રીનો અંશ છુ અને આત્મભાવથી તો આપશ્રી અને હું બંને એક જ છીએ .

આત્મભાવ અથવા આત્મતત્ત્વને જાણવા વાળાને જ આત્મજ્ઞાની કહે છે અને આત્મજ્ઞાની તે છે કે જેણે આત્મ સાક્ષાત્કાર કરી લીધો હોય. આત્મદર્શન, આત્માનુભવ તેમજ આત્માનુભૂતિ તે આત્મ સાક્ષાત્કારના પર્યાયવાચી શબ્દ છે. ખરા અર્થમાં તો આત્મજ્ઞાની તથા બ્રહ્મજ્ઞાની એક જ હોય છે, કારણ કે સર્વવ્યાપી આત્મા તો બ્રહ્મ જ છે, આત્મજ્ઞાનીની સહુ વંદના કરે છે, ગોસ્વામી શ્રી તુલસીદાસજી એ શ્રીરામચરિત માનસમાં કહ્યું છે કે,

सीय राममय सब जग जानी ।
करउँ प्रनाम जोरि जुग पानी ।।

પ્રાચીન ધર્મગ્રંથોના અભ્યાસ-અવલોકનથી જાણવા મળે છે કે - મોટા ભાગના સાધકો અને તપસ્વીઓના જપ-તપ, ઈષ્ટ-દર્શન અને અપેક્ષિત વરદાનની પ્રાપ્તિની બાદ સમાપ્ત થઈ જતા હતા, ફ્કત થોડા જ ઋષિ-મહર્ષિ જ એવા હતા કે આત્મસાક્ષાત્કારની પૂર્ણાવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પોતાની સાધના અને તપ ચાલુ રાખતા હતા. ઉચ્ચ કોટિના સિધ્ધો અને મહાપુરુષોનુ કથન છે - એવુ કહેવાનુ છે કે - દેવદર્શનની તુલનામાં આત્મદર્શનની કક્ષા ખૂબ જ ઊંચી છે. પહેલા તો મંત્ર સિધ્ધિ તેમજ ઈષ્ટદર્શન જ મુશ્કેલ છે પણ યોગાનુયોગ કોઈ સિધ્ધ સમર્થ ગુરુની પ્રાપ્તિ-ઉપલબ્ધી થઈ જાય તો આત્મદર્શનના સંદર્ભમાં વિચારી શકાય છે. સિધ્ધ સમર્થ ગુરુજી મળ્યા બાદ આત્મસાક્ષાત્કારથી થતા-મળતાં આનંદનુ વર્ણન વાણી દ્વારા વ્યકત કરી શકાતુ નથી.

શું આત્મજ્ઞાન પ્રાપ્ત થવુ સરળ છે ? નહિ એ તો નિતાન્ત, ચોકકસપણે દુષ્કર છે. પરંતુ જો પુસ્તકીય જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સરળ છે. તે કોઈ શાસ્ત્ર કે ઉપનિષદથી પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ આ રીતે તેના જાણકાર આત્મજ્ઞાની નથી પરંતુ તે તો માત્ર વિદ્વાન છે. યથાર્થ અને સાચુ આત્મજ્ઞાન તો માત્ર સિધ્ધ સમર્થ તેમજ બ્રહ્મજ્ઞાની ગુરુજીના શ્રીમુખ દ્વારા જ પ્રાપ્ત થાય અને અનુભવ કરી શકાય છે. અનુભવ કર્યા સિવાય માત્ર જાણી લેવાનું કોઈ મૂલ્ય-મહત્ત્વ નથી, બધા જ શિષ્યો બ્રહ્મજ્ઞાન જાણવા અને અનુભવવા માટે કંઈ અધિકારી કે લાયક હોતા નથી. જ્ઞાન પ્રદાન કરતા પહેલા શિષ્યની પરીક્ષાઓ લેવાના ઉલ્લેખ છે, ઉતીર્ણ થયા બાદ જ યોગ્ય ગુરુ તેને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરતા હોય છે.

મહર્ષિ યાગ્યવલ્ક્યજીને સાઈઠ હજાર શિષ્યો હતા, આમાંથી બ્રહ્મજ્ઞાનના અધિકારી કોણ કોણ છે તે જાણવા માટે તેઓએ “ગુરૂભક્તિમાં દ્રઢતા” ને પરીક્ષાનુ માધ્યમ પસંદ કર્યું. સંકલ્પબળથી તેઓએ પોતાના શરીરમાં ખોટો કૃષ્ઠરોગ પેદા કરી લીધો, ગલિત કૃષ્ઠરોગ હોવાથી તેઓએ પોતાના તમામ શિષ્યો ને પોતાને છોડીને ચાલ્યા જવાનુ કહી દીધુ. મોટા ભાગના શિષ્યો તો કૃષ્ઠ રોગના ચિન્હો જોતા જ, ભયભીત થઈને, કોઈને પણ કહ્યા વિના છોડીને જતા રહેલા. ગુરુજી પ્રારબ્ધ ભોગ અને મૃત્યુ માટે કાશીમાં ગંગા કિનારે રહેવા લાગ્યા. પોતાના બાકીના શિષ્યોને પણ તેના નવયૌવન શરીરની રક્ષા કરવા માટે, તેઓને ચાલ્યા જવાનુ સમયે સમયે કહેતા, અંતે અષ્ટાવક્ર સિવાય બાકીના બધા જ શિષ્યો ચાલ્યા ગયા. અષ્ટાવક્રે ગુરુજીને કોઈપણ સંજોગોમાં છોડવાનું માંડી વાળ્યુ. તે દરરોજ ગુરુજીના ઘા સાફ કરી દવાનુ લેપન કર્યા કરતા. ત્યારબાદ (ભિક્ષાટનમાં જઈ) ભિક્ષા માંગી લાવી અને ગુરુદેવને ભોજન કરાવતા, રોગના કારણે ગુરુજીનો સ્વભાવ ખૂબ જ ચિડીયો થઈ ગયો હતો અને કોઈપણ કારણ વિના ક્રોધ કરી બેસતા અને ભિક્ષાન્નને ફેંકી દેતા. આવા પ્રસંગે અષ્ટાવક્રને પણ હંમેશ ભૂખ્યા રહેવુ પડતુ પરંતુ અષ્ટાવક્ર તો એટલાજ પ્રેમથી ગુરુજીની સેવા કર્યા કરતા. અંતે તેમની પરીક્ષાની ઘડી પૂરી થઈ અને એક દિવસ ગુરુજી જેવા ગંગાજીમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યા તો તેમનું શરીર એકદમ સ્વસ્થ અને દેદીપ્યમાન (થઈ ચૂક્યુ) હતુ. ગુરુદેવે તેને બ્રહ્મજ્ઞાનના અધિકારી માનીને ઉપદેશ આપ્યો અને આત્મતત્ત્વની અનુભૂતિ કરાવી.

બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર એવા શિષ્યને છે કે જે ગુરુભક્તિમાં અનન્ય, ધૈર્યવાન, સંયમી, વિવેકી, વૈરાગી અને ષટ્સંપતિથી અર્થાત્ શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાનથી પૂર્ણ તથા મુમુક્ષુ હોય, નહિંતર તેને આ જ્ઞાનનો અનુભવ કરવાનો પૂર્ણ અધિકારી માનવામાં આવતો નથી. આ સંદર્ભમાં કઠોપનિષદમાં આપવામાં આવેલ “નચિકેતા ઉપાખ્યાન” ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નચિકેતાએ આ જ્ઞાન અને અનુભવ ભગવાન યમરાજાના શ્રીમુખથી મેળવ્યુ હતુ. આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અધિકારી છે કે નહિં તે માટે નચિકેતાની કઠિન પરીક્ષા લેવામાં આવી હતી. ભગવાન યમરાજાએ ખૂબ જ લલચામણી ભાષામાં, નચિકેતાને વારંવાર પુત્ર, પૌત્રાદી, હાથી, ઘોડા, ગાયો, ધન, સંપતિ, ભૂમિ, સ્વર્ગના દિવ્ય ભોગ, અપ્રતિમ સુંદરીઓ, સ્વર્ગીય રમણીઓના કાયમી ભોગ-વિલાસના પ્રલોભનો આપ્યા પરંતુ નચિકેતાએ આત્મતત્ત્વનું મહત્ત્વ સમજીને નીર-ક્ષીરના વિવેકથી હંસની માફક આ તમામ પ્રલોભનોની ઉપેક્ષા કરી અને પરમાત્માના મહત્ત્વનુ વિશદ વિવેચન સમજવા માટે પોતાની નિર્મળ નિષ્ઠા અને દૃઢતા જાળવી રાખી. આ રીતે નચિકેતાની બુધ્ધિ, વિવેક, શ્રધ્ધા, વૈરાગ્ય તેમજ મુમુક્ષુત્વની પરીક્ષા ઉત્તીર્ણ કરી લીધા બાદ જ તેને આત્મતત્ત્વનો ઉપદેશ પ્રદાન કરવામાં આવ્યો હતો.

આ આત્મતત્ત્વ સમગ્ર પ્રકૃતિમાં જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ છે તેનાથી પણ સૂક્ષ્મ છે. આ એટલુ બધુ ઊંડુ-ગહન છે કે જ્યાં સુધી તેને યથાર્થ રૂપમાં સમજાવવામાં ના આવે અર્થાત્ તેનો અનુભવ કરાવવામાં ન આવે ત્યાં સુધી કોઈની સમજમાં આવતુ નથી. સાધારણ જ્ઞાનવાળા મનુષ્યો કદાચ તેને સમજાવે કે બતાવે અને તેના મુજબ કોઈ તેના ચિંતનનો અભ્યાસ કરતા હોય તો તેને આત્મજ્ઞાન રૂપી ફળ નથી મળતુ, આત્મ તત્ત્વ, એક તણખલા જેટલુ પણ સમજમાં આવતુ નથી. અન્યને સાંભળ્યા સિવાય, માત્ર તર્ક-વિતર્ક યુકત વિચાર કરવાથી પણ સમજમાં નથી આવતુ. તેનો (આત્મતત્ત્વનો) વાસ્તવિક અનુભવ તો માત્ર તેને સારી રીતે જાણવાવાળા સિધ્ધ સમર્થ ગુરુ અથવા મહાપુરુષ જ કરાવી શકે છે. આત્માના શુધ્ધ સ્વરૂપ, તેની નિત્યતા (અમરપણું) તેમજ પરમાત્માની સાથે તેના નિત્ય સબંધની જાણકારી અને અનુભવ જ આત્મજ્ઞાન અથવા આત્મસાક્ષાત્કારનો મુખ્ય વિષય છે.

કાલાન્તરે ગોસ્વામીશ્રી તુલસીદાસજીએ આત્મસાક્ષાત્કાર વિષયનું નિરૂપણ જ્ઞાન અને ભક્તિ બંને દ્વારા કર્યું છે. શ્રી રામચરિત માનસમાં ગોસ્વામીજીએ કહ્યું છે કે,

આતમ અનુભવ સુખ સુપ્રકાસા ।
તબ ભવ મૂલ ભેદ ભ્રમ નાશા ॥

આત્મજ્ઞાનના અનુભવના સુખરૂપી પ્રકાશથી સંસારના કારણ સ્વરૂપ ભેદ અને ભ્રમ મટી જાય છે અર્થાત્ “જીવ એ જ બ્રહ્મ છે” તેવી અટલ ધારણા બંધાઈ જાય છે, એનાથી જ સુખ મળે છે અને આ અસાર સંસાર સત્યતા વિચાર માત્ર છે એવુ સ્પષ્ટ થઈ જાય છે. આ જ્ઞાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. ગોસ્વામીજીએ રામચરિત માનસના ઉત્તરકાંડમાં કાગ ભુશુંડિજી અને ગરૂડના સંવાદના રૂપમાં બહુજ સરસ રીતે સમજાવ્યુ છે.

શ્રધ્ધા રૂપી ગાયને, જપ, તપ, વ્રત, યમ, નિયમ વિગેરે કલ્યાણકારી કર્મ અને સદાચાર રૂપી લીલુછમ ઘાસ ચરવા માટે આપવામાં આવે, ભાવ રૂપી વાછરડાને પ્રેમ કરતી ગાયના નિવૃત્તિ રૂપી દોરડાથી પાછલા બે પગ બાંધવામાં આવે, વિશ્વાસ રૂપી વાસણમાં નિર્મળ મનથી દૂધ દોહવામાં આવે, આ દૂધને નિષ્કામપણા રૂપી અગ્નિ પર ગરમ કરીને ક્ષમા સંતોષ રૂપી પવનથી ઠંડુ કરવામાં આવે અને ધૃતિ, સમતા રૂપી દહીંનુ મેળવણ નાખી ભમાવવામાં આવે પછી મૂદિતા રૂપી માટમાં દહીં નાખીને વિચાર રૂપી વલોણાથી ઈંદ્રિય દમન રૂપી આધારમાં સત્ય અને ઉત્તમ પ્રિય વાણીથી દહીંને ધીમે ધીમે વલોવી તેમાંથી નિર્મળ સુભગ અને અત્યંત પવિત્ર વૈરાગ્ય રૂપી માખણ કાઢવામાં આવે. યોગ રૂપી અગ્નિ પ્રકટ કરીને, શુભાશુભ કર્મોનું બળતણ, ઈંધણ લગાવી જલાવે, જ્યારે મમતા રૂપી મેલ બળી જાય, જ્ઞાન રૂપી ઘી બાકી રહી જાય ત્યારે બુધ્ધિથી એને ઠંડુ કરે. આ વિજ્ઞાન રૂપી બુધ્ધિ ઘીને, ચિત્તરૂપી કોડીયામાં (દિપકમાં) ભરે અને સમતારૂપી દ્રઢ દિવેટ પર રાખે. કપાસમાંથી ત્રણે અવસ્થા જાગૃત્તિ, સ્વપ્ર અને સુષુપ્તિ તથા ત્રણે ગુણો અર્થાત્ સત્ત્વ, રજ અને તમ કાઢીને તુરિયા અવસ્થારૂપી રૂ ને સારુ કરી સુંદર દીપ-વાટ બનાવે અને આ પ્રકારે તેજપુંજ વિજ્ઞાનમય દીપક જલાવે કે તેની પાસે જતા જ મદ-મત્સર વગેરે પતંગીયા બળી જાય. સોહમ રૂપી ધ્વની અજપાજપ રીતે થતી રહે અને જો સાધક સાવધાની રાખે તો આત્મજ્ઞાન થવાનું શક્ય થતુ હોય છે તથા બ્રહ્મસત્ય-જગતમિથ્યા” (તથા) “જીવો બ્રહમૈવનાપર:” એટલે કે બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે,તથા જીવ અને બ્રહ્મ એક જ છે, જુદા જુદા બે નથી, તેવુ સ્પષ્ટ રૂપે સમજાય છે, જો આ બધુ શકય| ન બને તો ભગવાનની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લેવાથી પણ આત્મજ્ઞાન અર્થાત્ આત્મસાક્ષાત્કાર શક્ય છે, સંભવિત છે. ભગવાનનો શરણાગત ભકત આવુ જાણીને, સમજીને પ્રભુમય થઈ જતા હોય છે.

તેહિ જાનહિં જેહિ દેઉ જનાઈ ।
જાનત તુમ્હહિં, તુમ્હહિં હુએ જાઈ ||

ભગવાનને તે જ જાણી શકે છે જેને ભગવાન સમજાવવા માંગે છે પરંતુ જાણવાવાળો સમજી જતા તે સ્વયં ભગવાનમય બની જાય છે. સાકરનો ટુકડો સાગરને સમજવા, તાગ મેળવવા જાય છે તો સ્વયં સાગરમય બની જાય છે તેનુ પોતાનુ અસ્તિત્વ રહેતુ નથી. બસ આવી જ દશા આત્મજ્ઞાની ભકતની થાય છે. ભકત નરસિંહ મહેતા અને મીરાંબાઈ આના પ્રત્યક્ષ ઉદાહરણ છે.

આ ભયંકર કલિકાળમાં જ્યારે ધૈર્ય, સંયમ, વિવેક, વૈરાગ્ય, શમ, દમ, શ્રધ્ધા વિશ્વાસ, મુમુક્ષુત્વ, શરણાગતિ વિગેરે તમામનો અભાવ જ થઈ ગયો હોય ત્યાં શું આત્મસાક્ષાત્કાર સંભવિત હોય ? હા, જો સિધ્ધ સમર્થ ગુરુ તેમજ ઈષ્ટની કૃપા પ્રાપ્ત થાય. તો સાધક સહજરૂપથી જ આત્મસાક્ષાત્કારની કક્ષા સુધી પહોંચી શકે છે. આત્મસાક્ષાત્કારની પૂર્ણાવસ્થા મેળવવામાં ખૂબ જ મુસીબતો-અડચણો આવે છે. મન, બુધ્ધિ અને ચિત્તની સ્થિતિ ડામાડોળ થતી રહેતી હોય છે. ક્યારેક શાંતિ તો કયારેક અશાંતિ, કયારેક પ્રસન્નતા તો ક્યારેક અપ્રસન્નતા પરંતુ સાધનાની પ્રગતિની સાથે સાથે સ્થૂળ તેમજ સૂક્ષ્મ શરીર દ્વારા, સ્વપ્ન અથવા ધ્યાનમાં સંચિત અને પ્રારબ્ધ કર્મોનો ઘટાડો ક્ષય કે નાશ થતો રહે છે તથા અંતમાં સ્વસ્વરૂપ અવસ્થા અથવા આત્મસાક્ષાત્કારની પૂર્ણાવસ્થા પ્રાપ્ત થઈ જતી હોય છે. ઉપર કહેવામાં આવ્યુ છે તેમ આત્મદર્શન અને ઈષ્ટદર્શનમાં બહુ જ અંતર છે. ઈષ્ટદર્શન તો કેવલ માયિક દર્શન છે. આત્મસાક્ષાત્કારમાં સાધક, ગુરુ, ઈષ્ટ અથવા બ્રહ્મમાં કોઈ અંતર રહેતુ નથી. તમામ એક થઈ જાય છે. દર્શક, દર્શન અને દૃશ્ય અથવા સાધક, સાધના અને સાધ્ય બધા મળીને એક જ થઈ જાય છે અને તે જ છે નિરાકાર, અવ્યકત પરબ્રહ્મનુ એકીકરણ અર્થાત્ આત્મસાક્ષાત્કારની પૂર્ણાવસ્થા. આ પૂર્ણ સામ્યાવસ્થા છે જેને વ્યાપક બ્રહ્માવસ્થા પણ કહી શકાય છે.

મહાપુરુષોનુ કહેવુ છે કે - ગુરુકૃપાથી અવશ્ય સાધકોને સાધના તેમજ જપ-તપ બાદ મંત્ર સિધ્ધિ તેમજ ઈષ્ટદર્શન થાય છે. કોઈ વિરલ નિષ્કામ, નિરાકારી સાધકો પણ એવા હોય છે જેને દેવદર્શન બાદ આત્મદર્શનની સુખદ યાત્રા શરૂ થઈ જાય છે. જો કે એવુ ફરજીયાત કે અનિવાર્ય કે આવશ્યક નથી કે આત્મસાક્ષાત્કાર પહેલા સાકાર સ્વરૂપના દર્શન થાય જ. સાધક સાધના પથથી વિચલીત ન થાય તે માટે સાધકને સંતોષ પ્રદાન કરવા કયારેક કયારેક ધ્યાન કે સ્વપ્નમાં આ પ્રકારની દૃશ્યાત્મક અનુભૂતિ કરાવવામાં આવતી હોય છે. આત્મસાક્ષાત્કારને લક્ષ્ય માની ચાલવાવાળા સાધકોને કેવા પ્રકારની અનુભૂતિઓ થાય છે અથવા તેઓની માનસિક અવસ્થા કેવી રહેતી હોય છે તેનો વિસ્તૃત ઉલ્લેખ તો સંભવિત નથી કારણ કે પ્રથમ તો બધી અનુભૂતિઓ વાણી દ્વારા વર્ણન કરી શકાતી નથી અને પ્રત્યેક સાધકની અનુભૂતિ એક સરખી હોતી નથી. હા, એક વાત જરૂર છે કે સાધક નિષ્કામ ભાવથી શ્રધ્ધા અને વિશ્વાસથી સાધના શરૂ કરે છે તો સિધ્ધ સમર્થ ગુરૂ તેમજ ઈષ્ટમંત્રની કૃપાશક્તિ અદૃશ્ય રૂપથી સાધકની અંદર કાર્યશીલ થવા લાગે છે. શુભ-અશુભ સંચિત ઈચ્છાઓ તેમજ સંકલ્પ-વિકલ્પ, સ્થૂળ અથવા સૂક્ષ્મ શરીર દ્વારા, ધ્યાનાવસ્થા કે જાગૃતિ કે સ્વપ્ન કે સુષુપ્તાવસ્થામાં પૂર્ણ થવા લાગે છે. આ ક્રિયા વખતે સાધકના મન, બુધ્ધિ ચિત્તમાં જે વિભિન્ન પ્રતિક્રિયા થાય, પ્રત્યાઘાત થાય તેમાં કયારેક કયારેક સાધક અસ્વસ્થ પણ થઈ જતા હોય છે, પરંતુ સદગુરુ તેમજ ઈષ્ટમાં શ્રધ્ધા-વિશ્વાસ રાખી સાધના ચાલુ રાખવામાં આવે તો ગુરુની કલ્યાણકારી શક્તિ અદૃશ્યરૂપથી સંચિત અને પ્રારબ્ધ કર્મોનો ઉપરોકત રીતે તેમજ ઉપરોકત અવસ્થામાં ભોગવાવીને, સાધકના મન અને ચિત્ત નિર્મળ બનાવી દેતી હોય છે, કયારેક સાધકના મનની સ્થિતિ એવી અસ્તવ્યસ્ત થઈ જાય છે કે સાધકની શ્રધ્ધા-વિશ્વાસ તુટવા લાગે છે અને તે અસફ્ળતાના સ્વપ્ન જોવા લાગે છે, પરંતુ તેની અંદર કાર્ય કરી રહેલ સદગુરુની શક્તિ સાધકને સ્વરૂપાનુભૂતિની અવસ્થાએ લઈ આવે છે જેનાથી તે ફરીથી સંતુલિત સ્થિતીમાં આવે છે અને ગુરુ તથા ઈષ્ટ પ્રત્યેનો તેનો શરણાગતભાવ વધુ અધિક પ્રગાઢ-મજબૂત થવા લાગે છે અને આ રીતે તેના સંચિત કર્મોનો પૂર્ણ રીતે ક્ષય થઈ જાય છે તેમજ વર્તમાન જીવનના પ્રારબ્ધ કર્મ પણ અસંગ અને અલિપ્ત ભાવથી સહજમાં પૂરા થવા લાગે છે.

આત્મસાક્ષાત્કારની પૂર્ણાવસ્થા પ્રાપ્ત કરી હોય તેવા મહાપુરુષોના દર્શન દુર્લભ છે. તેઓને સમજવા તો ઠીક પણ ઓળખવા પણ કઠિન-મુશ્કેલ હોય છે. એવુ કહેવામાં આવે છે કે આવા મહાપુરુષો પૂર્ણાવસ્થા પ્રાપ્ત થયાના ચોવીસ કે અઠ્ઠાવીસ દિવસમાં તેના સ્થૂળ શરીરનુ વિસર્જન કરી દે છે. જો કે એવુ પણ જોવામાં આવ્યુ છે કે આવા મહાપુરુષ પૂર્ણાવસ્થામાં પહોંચી જવા છતાં, પોતાના સંકલ્પની પૂર્તિ સુધી જીવન મુક્તાવસ્થામાં રહે છે જેમકે શ્રીદત્તાત્રેય, શ્રીરામકૃષ્ણ પરમહંસ, શ્રી રમણ મહર્ષિજી, શ્રી નિત્યાનંદજી, શ્રી કબીરજી, નવનાથ વિગેરે વિગેરે.

આ રીતે આપણે સમજી શકીએ છીએ કે આ ભયંકર કલિકાલમાં માત્ર સદ્ગુરુકૃપા જ આત્મસાક્ષાત્કારની પૂર્ણાવસ્થા સુધી પહોંચાડી શકે છે. આવશ્યકતા કે જરૂર તો એ વાતની છે કે સાધક સદગુરુ ચરણમાં શ્રધ્ધા અને વિશ્વાસ રાખી નિષ્કામ ભાવ તથા દેઢ મનોબળથી પોતાની સાધના ચાલુ રાખે.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"ભગવાનને તે જ જાણી શકે છે જેને ભગવાન સમજાવવા માંગે છે પરંતુ જાણવાવાળો સમજી જતા તે સ્વયં ભગવાનમય બની જાય છે. સાકરનો ટુકડો સાગરને સમજવા, તાગ મેળવવા જાય છે તો સ્વયં સાગરમય બની જાય છે તેનુ પોતાનુ અસ્તિત્વ રહેતુ નથી. બસ આવી જ દશા આત્મજ્ઞાની ભકતની થાય છે. ભકત નરસિંહ મહેતા અને મીરાંબાઈ આના પ્રત્યક્ષ ઉદાહરણ છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Aatm sakshatkar Aatmgyan Shree Raam MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace