Skip to main content

બોધ કથા

(૧)

એક બ્રહ્મચારીને આખા શરીરમાં કોઢ ફૂટી નીકળ્યો. ગુરુદેવ પાસે જઈને વાત કરી ગુરુદેવે સલાહ આપતા કહ્યું કે, “કોઈ અજાણ્યા ગામમાં તમારી સગી બહેનને સેવા માટે સાથે લઈ જવી. ત્યાંના લોકો પાસે ભાઈ-બહેનના સંબંધનો કયારેય ઉલ્લેખ ન કરો" ગુરુદેવની આજ્ઞા અનુસાર સાધકે કર્યું. થોડા દિવસમાં વાયુવેગે ગંદી વાતો ફેલાઈ ગઈ કે, “પેલો ભેખધારી વ્યભિચારી છે, લંપટ છે...” પ્રથમ તો સાધક ગભરાયો પણ ગુરુદેવની આજ્ઞા હોતાં તે મૌન રહ્યો. થોડા સમયમાં તેના શરીરના કોઢના ડાઘ ભુંસાઈ ગયા. માત્ર કપાળ પર એક નાનકડું નિશાન રહ્યું. ગુરુદેવ પાસે જઈ ભાવવિભોર થઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી, નાનકડા નિશાનની વાત કરી. અંતર્યામી ગુરુદેવે જણાવ્યું કે, “તે ગામમાં એક કુંભાર ભક્ત રહે છે. નિખાલસતાના પ્રતીક સમા એ ભકતે તારી ક્યારેય નિંદા ન કરી. તેથી તે નાનો ડાઘ રહી ગયો. ગ્રામ્યવાસીઓએ નિંદાનો વરસાદ વરસાવ્યો તેથી તારો કોઢ અદૃશ્ય થઈ ગયો.”

(૨)

સદગુરુ સાધકનું કલ્યાણ જ ઈચ્છતા હોય છે. સાધકને જલ્દી લક્ષ્યપ્રાપ્તિ થાય તે માટે નિંદકો ઉભા કરાવી સાધકના કર્મો કપાવતા હોય છે. કબીરજીના જીવનમાં બનેલી ઘટના ખુબ જ રહસ્યમય છે. કાશીના મુગટસમા કબીરજીની કીર્તિ ચારે તરફ ફેલાઈ રહી છે. કાશીનરેશ જાહેરમાં કબીરજીનું સન્માન કરવા તત્પર બન્યા. આથી વિરોધીઓના પેટમાં તેલ રેડાયું. કબીરજી કાશીના રાજાની નજીક પહોંચી જશે અને આપણે દાળિયા-મમરાની જેમ ઉડી જઈશું. વિરોધીઓએ કાવત્રું ઘડયું. પતિત પાવની ગંગાના કિનારે હકડેઠઠ લોકો કબીરજીનું સન્માન જોવા એકત્ર થયા છે. રાજા તો અતિ આનંદિત થઈ ગંગાના પટમાં કબીરજી તરફ ઝડપભેર આવી રહ્યા છે. સદગુરુનું સ્મરણ કરતા કબીરજી ધીમા પગલે ચાલી રહ્યા છે. માંડ ૧૨-૧૫ ફુટનું અંતર હશે ત્યાં કાશીની પ્રખ્યાત વેશ્યા કબીરજીનો હાથ પકડી બોલી કે, “મેં તમને શું નથી આપ્યું ??? રાત્રે દારૂ પી મારે ત્યાં માંસાહાર કરતા ત્યારે સાથે રાખતા અને સન્માન વખતે ભૂલી ગયા ?” કાશીના રાજાને પણ જબરજસ્ત આંચકો લાગ્યો. પુષ્પવૃષ્ટિ કરવા એકત્ર થયેલા લોકો ગાળોનો વરસાદ વરસાવવા લાગ્યા પણ કબીરજી તો શાંત જ છે. વેશ્યાનો હાથ છોડાવવાનો પણ પ્રયત્ન ન કર્યો તેથી લોકોએ વાત સાચી માની. વેશ્યાને ઘેર લઈ ગયા. રાજાએ પણ કબીરજીના ઘરની આસપાસ જાસૂસ ગોઠવ્યા. કબીરજી અચાનક વિચિત્ર સ્થિતિમાં આવી ગયા. વેશ્યા ત્રણ દિવસ કબીરજીના ઘેર રહી. કબીરજી ગુરુમંત્રનો સતત જાપ કરે છે. મનોમન ગુરુદેવ સાથે વાત કરે છે. એક તરફ ગુરુદેવનું મૌન બીજી તરફ વૈશ્યાનું મૌન. ત્રણ દિવસ બાદ વેશ્યા પોકે પોકે રડતાં માફી માગે છે કે, “પ્રભુ, મને માફ કરો. તમારા વિરોધીઓએ ધનના ઢગલા કરી મને નીચ કર્મ કરવા પ્રેરી. આપ તદન નિર્દોષ છો. હું પાપી, નીચ, અધમ છું. મને માફ કરો, મને માફ કરો.” કબીરજી વેશ્યાને કહે છે કે, “માઁ, તારો અહેસાન કેમ ભૂલું તારે લીધે પ્રશંસા-પ્રતિષ્ઠા-કીર્તિનાં અભિમાનમાંથી બચ્યો છું. તારો ખૂબ જ આભાર.” રાજાના જાસૂસો ગુપ્તવાત રાજાને જણાવે છે. ત્યારે રાજાના પસ્તાવાનો પાર રહેતો નથી. આ તરફ સદગુરુ કબીરને જણાવે છે કે, “તમારા માત્ર થોડાંક કર્મો કપાવા બાકી હતાં. મારા પ્રિય શિષ્યને આ જન્મમાં અત્યારે જ મુક્તિ આપવા માટે આ પ્રક્રિયા જરૂરી હતી. લોકોએ ઠેર ઠેર ખૂબ જ નિંદા કરી કર્મો ધોઈ નાખ્યાં છે. હવે તમે તદન નિર્મળ થઈ ગયા છો. ભજન સાધનાની સાથોસાથ થોડી નિંદા-ટીકા થાય તો જલ્દી લક્ષ્ય પ્રાપ્તિ થાય છે. “કબીરજી મનોમન સદ્ગુરુને વંદન કરે છે અને સહજ સમાધિની મસ્તી લૂંટતા ગાવા લાગ્યા કે -

સાધો સહજ સમાધિ ભલી ।
સો સદગુરુ મોહે ભાવે જો સહજ સમાધિ લગાવે ॥

બોધકથા સાર:

યદ્ ઈચ્છસિ વશિકર્તું જગદ્ એકેન કર્મણા ।
પરાપવાદ સસ્ચેભ્યો ગાં ચરન્તીં નિવારય ॥

જો તમે તમારા એક જ કામથી આખા જગતને વશ કરવા માંગતા હો, તો પારકાની નિંદા રૂપી મોલમાં ચરતી ગાયને (વાણીને) વારો. (‘ગો’ ના બે અર્થ થાય છે. ગાય અને વાણી)

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"સદગુરુ સાધકનું કલ્યાણ જ ઈચ્છતા હોય છે. સાધકને જલ્દી લક્ષ્યપ્રાપ્તિ થાય તે માટે નિંદકો ઉભા કરાવી સાધકના કર્મો કપાવતા હોય છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Nindak Kabirji Kashi Naresh Kodh Kumbhar MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace