Skip to main content

દિપોત્સવી પર્વનું આધ્યાત્મિક ગૂઢ રહસ્ય

(પ.પૂ. પુનિતબાપુશ્રીએ ‘દિપોત્સવી પર્વ’નું આધ્યાત્મિક રહસ્ય સત્સંગમાં જણાવેલ. જ્યારે વાંચીએ ત્યારે એમ જ અનુભવાય કે ‘જાણે આજે જ દિવાળી છે' કારણ કે સંતોના સત્સંગમાં ‘દિનં દિનં નવું નવું' હોય છે.)

મહાબલી રાવણનો વધ કરીને મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર શ્રીરામ સરકાર દિવાળીના દિવસે અયોધ્યા પધારે છે ત્યારે અંધકાર કેમ ચાલે ? માટે લોકોએ તે પર્વે દિપ માલિકાથી દિપમાળ પ્રગટાવી ઘેર-ઘેર અને સમગ્ર અયોધ્યાનગરીમાં પ્રભુનું સ્વાગત કર્યું છે. અન્ય નગરો-દેશમાં જાણ થતા બધે જ ભગવાન શ્રીરામના આ પાવન પવિત્ર પુનરાગમનની વધામણી રૂપે, દિપ પ્રગટાવી પ્રભુ સ્વાગત-આનંદની ઉજવણી કરી છે. આ વાત તો દિવાળીના તહેવારની બાહ્ય ઉજવણીની છે. દિપાવલીના તહેવારનો બાહ્ય સાંસ્કૃતિક અર્થ-અભિગમ છે. સાધના ઉપાસના તેમજ આધ્યાત્મિક અભિગમથી જોતા મહાપુરુષો-વિદ્વાનો સમજાવે છે કે - જ્યારે અહમ્ રૂપી રાવણનો નાશ થાય ત્યારે જ સીતારૂપી શાંતિની પ્રાપ્તિ થાય. અહમ્ રૂપી રાવણ જ્યારે સીતારૂપી શાંતિનું અપહરણ કરી લે છે ત્યારે આતમરામ શાંતિની પુનઃ પ્રાપ્તિ માટે વન-વન, ઠેર-ઠેર ભટકે છે. અશાંત બનીને શાંતિની શોધમાં ફરે છે, આવા અશાંત વાતાવરણમાં કોઈ જાંબવંત પથદર્શક મળી જાય, વાયુપુત્ર હનુમાન મળી જાય તો સીતારૂપી શાંતિ પુનઃ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક અભિગમથી જોઈએ તો વાયુપુત્રના સહારે જો ચક્રભેદન થાય તો હનુમાનજી સહસ્ત્રાર રૂપી અશોક વાટીકામાં સરળતાથી પહોંચી શકે છે કે જ્યાં સીતારૂપી શાંતિનો વાસ છે. “અશોક વાટિકા” અર્થાત્ જ્યાં કોઈપણ પ્રકારનો શોક નથી તેવી જગ્યા કે સ્થિતી. હનુમાનજીની મદદ લઈ રાવણને મારીને સીતા માતાને પુનઃ અયોધ્યામાં લાવી શકાય છે. આપણી આંતરિક દુનિયામાં પણ જો શાંતિ પ્રાપ્ત કરવી હોય તો ધ્યાન ભક્તિ, મંત્રજાપ, સાધના વગેરે હનુમાનજીની સહાયથી-ગુરુકૃપાથી બધા આંતરિક વિઘ્નો દૂર કરવા જોઈએ.

ઘનતેરશ તો લક્ષ્મીજીનો તહેવાર છે. પુરાણોમાં એવી કથા આવે છે કે લક્ષ્મીજી સંતાન રહીત છે. લક્ષ્મી-નારાયણ બંને એ શિવ-ઉપાસના કરી, શિવ પ્રસન્નતા મેળવી છે, શિવજી એ પ્રસન્નતાથી ગણપતિને સોંપ્યા છે પરંતુ માતા પાર્વતીજી (સ્ત્રી સહજ મજાકના ભાગરૂપે) લક્ષ્મીજીને કહે છે કે, “લક્ષ્મીજી, તમારે સંતાન ન હોવાથી તમે સ્થિર નથી. તમારી મરજી થાય ત્યારે કોઈકના ઘેર વાસ કરો છો અને વળી મરજી થાય ત્યારે તમો ત્યાંથી ચાલી નીકળો છો. આ તમારો ચંચળ સ્વભાવ જોતા મારા પુત્ર ગણપતિની શું હાલત થાય ? પાછળ પાછળ કેટલું દોડવું પડે ? એક તો તેનું ભારે શરીર અને તમે તો સતત ફરતા જ રહો છો, સ્થળ બદલતા રહો છો. તમે મારા પુત્ર ગણપતિનો અને તમારા દત્તક પુત્ર ગણપતિનો કાંઈ વિચાર કરી આયોજન વિચાર્યું છે ખરું ? કાંઈ નિશ્ચિત કર્યું છે ખરું ?” માઁ પાર્વતીનો પુત્ર પ્રેમ અને તેમની વાતની ગંભીરતાનો મર્મ, કટાક્ષ પામી જતા પોતાની વ્યવસ્થા-આયોજન પાર્વતી માતાને સમજાવતા બોલે છે કે, “માતાજી, હું વચનબદ્ધ થાઉં છું કે તમારા પુત્ર ગણપતિને હું રિદ્ધિ-સિદ્ધિ આપુ છું. ગણપતિ જ્યાં જશે, જ્યાં હશે, જ્યાં વાસ કરશે ત્યાં તેમની સાથે રિદ્ધિ-સિદ્ધિ અચુક હશે, રહેશે જ. આ ઉપરાંત હું જ્યાં જઈશ ત્યાં ગણપતિને સાથે રાખીશ. રિદ્ધિ-સિદ્ધિને પણ સાથે રાખીશ. આવી ખાત્રી લક્ષ્મીજીએ પાર્વતીજીને આપી છે ત્યારબાદ પાર્વતીજીએ ગણપતિને પુત્ર રૂપે લક્ષ્મીજીને સોંપ્યા છે. આજે પણ આ વચનબદ્ધતાનું પાલન થાય છે માટે ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન, ગણપતિપૂજન થાય છે. શુભ પ્રસંગોએ પણ લક્ષ્મીપૂજન-ગણપતિ પૂજન કરવામાં આવે છે. ધનતેરસના દિવસે લોકો સોનુ-ચાંદી ખરીદે છે. પૂજન કરે છે અને લક્ષ્મીજી પોતાને ઘેર પધારે, સ્થિરતાથી વાસ કરે તેવી સહુ ભાવના રાખે છે.

આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો, આતમરામ શુદ્ધ ન બને ત્યાં સુધી નારાયણ પ્રભુ આતમરામમાં પ્રવેશતા નથી ત્યાં સુધી લક્ષ્મીજી પધારતા નથી કે લક્ષ્મીજી સ્થિર થતા નથી. આપણું અંતઃકરણ શુધ્ધ-પવિત્ર રાખીએ તો જ જ્ઞાન, ભક્તિ, સત્યરૂપી સેવા-પરોપકાર જેવા સદગુરુ રૂપી લક્ષ્મી નારાયણ આપણા હૃદયમાં વાસ કરે, સ્થિર રહી આપણું કલ્યાણ કરે સંસારીઓની લક્ષ્મી ધન-વૈભવ છે. વિદ્યાર્થીઓની લક્ષ્મી વિદ્યા છે અને ત્યાગીઓની લક્ષ્મી જ્ઞાનભક્તિ છે અને તપસ્વીઓની લક્ષ્મી તપસ્યા છે. આમ લક્ષ્મીજીની વિવિધ વ્યાખ્યા કરી શકાય છે.

કાળરાત્રી, મહારાત્રી, મોહરાત્રી અને દારુણરાત્રી એ ચાર રાત્રી આપણા પુરાણોમાં પ્રતિષ્ઠિત છે. મહામાસની શિવરાત્રીને "મહારાત્રી" કહેવાય છે (જે પારધીના હૃદય પરિવર્તનના પ્રસંગથી પ્રચલિત છે). દારુણ રાત્રી ફાગણ માસની હોળીને કહેવાય છે (જે અસૂર દહન માટે જાણીતી છે). મોહરાત્રી એ શ્રાવણ માસની જન્માષ્ટમીને કહેવાય છે (જે કૃષ્ણ જન્મથી જાણીતી છે), કાળી ચૌદશને કાળરાત્રી કહેવાય છે (જે આંતરિત-બાહ્ય વાતાવરણની શુદ્ધિ માટે જાણીતી છે). કાળી ચૌદશની રાત્રે મહાશક્તિનું પૂજન થાય છે. મહાશક્તિનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે કામ-ક્રોધ-મોહ-મદ વગેરે વિકારો રૂપે રહેલા આપણા આંતરિકા શત્રુઓને માતાજી જ્ઞાન (ભક્તિ) રૂપી અગ્નિમાં દહન કરી, અસંગ અલિપ્ત ભાવના અસ્ત્ર વડે છેદન કરી અસૂરો કે આસૂરી વૃત્તિઓનો સંહાર કરે છે. ધર્મનું રક્ષણ કરે છે. જગતનું રક્ષણ કરે, જગતનું રક્ષણ થાય તેટલા માટે કાળી ચૌદશના મહાકાલીનું પૂજન કરવામાં આવે છે. પહેલાના જમાનામાં ઘણા અજ્ઞાનીઓ માતાજીને મદ-માંસની બલિ ચડાવતા તેનું રહસ્ય એ છે કે મોહ-મદ-ક્રોધ-કામ આદિ દુર્ગુણો માંસ-મદ રૂપે છે જે આપને ચરણે ધરી હવે નિર્વ્યસની, બિનમાંસાહારી, વિશેષ પરિપકવ બનીએ છીએ. ઘણા કાળી ચૌદશના મંત્ર-તંત્ર સિદ્ધિ કરતા પુરુષાર્થ પ્રયોગો કરે છે પણ આ બધું પોતપોતાની સમજ પ્રમાણે છેવટે તો આંતરિક શુદ્ધિ અને આંતરિક વિકાસના શુભ હેતુથી થાય છે.

કાળી ચૌદશના દિવસને હનુમાનજીનો દિવસ ગણાય છે. આ દિવસે હનુમાનજીનું પૂજન - હનુમાન દર્શનનો વિશેષ મહિમા છે. શાસ્ત્રો-પુરાણોમાં કોઈ જગ્યાએ ક્યાંક ઉલ્લેખ છે કે રામ-રાવણના યુદ્ધ દરમ્યાન ભગવાન રામ જ્યારે રાવણના મસ્તકનું છેદન કરતા હતા કે તુર્ત જ મસ્તક સજીવન થઈ મૂળસ્થાને ચોંટી જતુ હતું ત્યારે રામ શોકમગ્ન થતા હનુમાનજી ક્રોધીત થઈ વિરાટ સ્વરૂપ ધારણ કરી દુશ્મનોનું ભક્ષણ કરવા વિચારે છે. હનુમાનજીના અગાધ અતુલિત બળ-શક્તિ વિશે દૃઢ સંકલ્પ વિશે કોઈ શંકા જ ન હતી. આ વિચાર આવતા મહાકાળી માતા હનુમાનજીને મળે છે અને પૂછે છે કે, “આવડું મોટું વિરાટ સ્વરૂપ ધરીને ક્યાં જાવ છો ?” હનુમાનજી કહે છે કે, “હું રાવણનું ભક્ષણ કરવા જાઉં છું.” માતાજી કહે છે કે, રાવણ અદૃશ્ય થઈ જશે તો ?” હનુમાનજી કહે છે કે, “પૂરી લંકાનું ભક્ષણ કરીશ.” માતાજી ફરી પૂછે છે કે, “છતાં રાવણ અદૃશ્ય થઈ જશે તો ?” હનુમાનજી આવેશમાં કહે છે કે, સમગ્ર સૃષ્ટિનું ભક્ષણ કરીશ.” મા કહે છે કે, “સમગ્ર સૃષ્ટિમાં તો તમારા ભગવાન રામ પણ આવી જાય તે કયાં જશે ?” હનુમાનજી પ્રાયશ્ચિત કરી મૌન બની માર્ગદર્શન માંગે છે. મહાશક્તિ જણાવે છે કે શ્રીરામજી ને કહો કે શક્તિ ઉપાસના કરે. રામને વિશેષ, વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થશે કે તુરંત જ રાવણ શક્તિની ગોદમાંથી ઉતરી જશે કે ઉતારવામાં આવશે. કારણ કે શક્તિ ન પચાવી શકવાના કારણે જ, શક્તિના દુરોપયોગના કારણે જ અહમ્ જન્મે - છે. રાવણ અહમ્ નું જ સ્વરૂપ છે. તેથી ભગવાન રામે આસો નવરાત્રીમાં દુર્ગા ઉપાસના કરી છે. દશમી કે દશેરાના દિવસે રાવણનો વધ થાય છે, વિજય થાય છે તેથી ‘વિજયાદશમી’ કહેવાય છે. ભગવાન શ્રીરામને અને હનુમાનજીને મહાકાલી-મહાશક્તિની કૃપા પ્રાપ્ત થાય છે. સીતારૂપી શાંતિ પુનઃ પ્રાપ્ત થાય છે. લંકાનું રાજ વિભિષણને સોંપી રામ સર્વની સાથે વિદાય લે છે અને અયોધ્યા આવે છે ત્યારે દિપાવલીનો દિવસ હોય છે. હનુમાનજી પણ સાથે રહે છે. હનુમાનજી તો રુદ્રના અગિયારમા અવતાર છે. આમ, દિપાવલી પર્વના આ ત્રણ દિવસો પણ શક્તિ ઉપાસનાના છે અને આસુરી વૃત્તિ નિવારણના છે.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"આતમરામ શુદ્ધ ન બને ત્યાં સુધી નારાયણ પ્રભુ આતમરામમાં પ્રવેશતા નથી ત્યાં સુધી લક્ષ્મીજી પધારતા નથી કે લક્ષ્મીજી સ્થિર થતા નથી. આપણું અંતઃકરણ શુધ્ધ-પવિત્ર રાખીએ તો જ જ્ઞાન, ભક્તિ, સત્યરૂપી સેવા-પરોપકાર જેવા સદગુરુ રૂપી લક્ષ્મી નારાયણ આપણા હૃદયમાં વાસ કરે, સ્થિર રહી આપણું કલ્યાણ કરે. સંસારીઓની લક્ષ્મી ધન-વૈભવ છે. વિદ્યાર્થીઓની લક્ષ્મી વિદ્યા છે અને ત્યાગીઓની લક્ષ્મી જ્ઞાનભક્તિ છે અને તપસ્વીઓની લક્ષ્મી તપસ્યા છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Diwali Deepavali Shree Raam Lakshiji Kali Chaudas Dhanteras Hanumanji MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace