Skip to main content

શ્રી પુનિતવાણી

મુક્તિના માર્ગે ચાલતા અહંકાર તેમજ અજ્ઞાનની ચાદરમાં વિંટાયેલા સાધકો માટે કલ્યાણાર્થે ઉદબોધન

જગતને બોધ આપવા માટે ‘યોગ વશિષ્ઠ'માં વશિષ્ઠજી તથા રામનો સંવાદ છે. આ મહારામાયણની અંદર - “નશ્વર જગતમાં રહેવાથી શું ફાયદો ? રાજપાટ, ધનવૈભવ, કુટુંબ પરિવારમાં પણ દુઃખ જ છે. આત્મજ્ઞાન, પરમપદ, મુક્તિ જ સર્વસ્વ છે એટલે જ મારે બધુ જ છોડીને વૈરાગ્યના માર્ગે જવું છે” આ પ્રશ્નમાં વશિષ્ઠજી શ્રીરામચંદ્રજીને બોધ આપતા બોલ્યા છે કે - “હે શ્રીરામ ! આ જગતને છોડીને કયાં જશો ? પ્રારબ્ધભોગ સ્થુળ શરીર સાથે જોડાયેલા છે. હું અને તું, મારો અને તારો, હું જ્ઞાની છું, હું તપસ્વી છું, હું ધનવાન છું, હું બલવાન છું, હું મુકત છું વગેરે શબ્દપ્રયોગથી કશું વળતું નથી. જ્યાં સુધી સદગુરુની કૃપા ન ઉતરે અને એ સ્થિતિ પ્રાપ્ત ન થાય. આ જીવ અહંકાર અને અજ્ઞાનવશ પોતાની વાકજાળમાં, શાસ્ત્રોની વાકજાળમાં ફ્સાઈને જન્મ મરણના ચક્કરમાંથી જેટલા જલદી છુટવા પ્રયાસ કરે છે તેટલો જ વધારે ફ્સાય છે કારણ કે, અહંકારને લીધે તેનો સાચો માર્ગ સુઝતો નથી.

હે રામ ! જ્યારે સદગુરુની કૃપા ઉતરે, જીવનની અંદર કૃપાવૃષ્ટિ થાય અને હૃદયમા જ્ઞાનના સાચા અંકુર ઉદ્ભવે ત્યારે કર્તા-ધર્તા હું નથી, હું નિમિત્તમાત્ર છું, કર્તા અને કરાવનાર પરમાત્મા છે. હું માત્ર સાક્ષી અને દૃષ્ટા છું. આ ભાવ જ્યારે અંતરમાં દૃઢ થાય ત્યારથી પાછળના ક્રિયમાણ કર્મના આધારે જે સંચિતકર્મ થયા છે તે સંચિતમાંથી પ્રારબ્ધાનુસાર જે સ્થૂળ પિંડ બંધાણો છે તે સ્થૂળ પિંડમાં જીવ રહી પ્રારબ્ધ પૂરા કરે છે અને પૂરા કરતા-કરતા અગર કર્મમાં કર્તાપણાનો અંહકાર ન આવે અને સાક્ષીભાવ દૃઢ રહે તો પૂર્વના સંચિતના આધારે જે પ્રારબ્ધના પહાડ ઉભા છે તે બળી જાય છે અને ધ્વંસ થઈ જાય છે અને વર્તમાનના ક્રિયમાણ સંચિત થતા નથી, ત્યારે જ જીવ મુક્તાવસ્થા અનુભવે છે, પરમપદ અને પરમશાંતિમાં રહે છે. હે પ્રભુ ! મૂળમાં અહંકાર જ દુઃખ-સુખ, હાનિ-લાભ અને જન્મ મરણનું કારણ બને છે એટલા માટે શાસ્ત્રો અને સંતો બોલે છે કે - વિનમ્ર બની શરણાગત ભાવથી સદગુરુ ચરણમાં સમર્પિત થઈ રહેવું જોઈએ જેથી અજ્ઞાન અને અહંકાર ન પ્રવેશે.

એક વખત શ્રીરામ રાજ્યાભિષેકમાં, બધા રજવાડાઓ ભેગા થયા છે તેમાં મહાન જ્ઞાની મહાન ધર્માત્મા પોતાને ભકત માનનાર કાશી નરેશને પણ તે પ્રસંગમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવેલ છે. સદગુરુ નારદજી કાશી નરેશને મળીને બોધ આપે છે કે, “હે રાજન ! હું જેમ બોલીશ તેમ તું કરીશ ?” ત્યારે રાજા બોલે છે કે, “આપ સદગુરુ છો. આપનો આદેશ શિરોધાર્ય છે. આદેશ આપો.” ત્યારે નારદજી બોલે છે કે, “શ્રીરામની બાજુમાં તારું આસન રહેશે. જતાં જ રામને નમસ્કાર કરી તું બેસી જજે. બાજુમાં એક વૃદ્ધ મહાત્મા બેઠા હશે તેની સામે જોતો જ નહીં.” રાજાએ તેમજ કર્યું. સભા પૂરી થતાં વૃદ્ધ સંત શ્રીરામજી સમક્ષ કોપીત થઈને બોલે છે કે, “હે રામ, તમને ખબર છે કે હું કોણ છું ? મારુ અપમાન થાય, તિરસ્કાર થાય તે તમને ગમે ?” રામજી બોલ્યા કે, “નહીં. જે આપનો તિરસ્કાર કરે તે વધ ને યોગ્ય છે.” વૃધ્ધ સંત બોલ્યા, “હે રામ ! આ સભામાં એક વ્યક્તિએ મારો તિરસ્કાર કરેલ છે તે માટે યોગ્ય કરો.” રામજી પ્રતિજ્ઞા કરે છે કે, “આપ નામ આપો. સાંજ સુધીમાં તેનું ધડ હું અલગ કરીશ. ગુરુનું અપમાન મારા માટે અસહ્ય છે.” સંતે કહ્યું કે, “આ કાશીનરેશ છે. જેમણે મારું અપમાન કર્યું છે.” રામજીએ પ્રતિજ્ઞા કરી છે અને તે પ્રમાણે કરવા પ્રતિબધ્ધ થયા છે.

તે જ વેળા નારદજી જતાં જતાં કાશીનરેશને મળે છે. કાશીનરેશ તો મહારાજને થોભાવીને પ્રાર્થના કરે છે કે, “મહારાજ ! આપના આદેશનું પરિણામ તો મોટું આવે છે.” મહર્ષિ કહે છે, “ગભરાતો નહીં. અંજના માઁ ને શરણે જા. જ્યારે માઁ રક્ષણ માટે સંપૂર્ણ રીતે વચનબધ્ધ થાય ત્યારે જ બધી વાત કરજે.” માઁના ચરણમાં રાજાએ નમસ્કાર કરી બોલ્યો, “કોઈ મને મારવા માટે વચનબદ્ધ થયા છે. માઁ , મારી રક્ષા કરો.” માઁ એ અભયનું વરદાન આપતા કહ્યું કે, “તને કોઈ નહીં મારી શકે.” પછી રાજા જણાવે છે કે, “વધ કરનાર શ્રીરામ છે.” અંજના માઁ ગભરાઈ ગયા પણ વચન આપ્યા પછી શું કરે ? થોડીવારમાં હનુમાનજી આવે છે અને માઁ ને ઉદાસ જોઈ પ્રશ્ન કરે છે. માઁ કહે છે કે, “એક શરણાગત ભક્તને જીવરક્ષણ માટે મેં વચન આપ્યું છે તું પાલન કરીશ ?” હનુમાનજી પણ વિચારમગ્ન થઈ જાય છે. તરત જ કાશીનરેશ પાસે ઉપસ્થિત થાય છે અને કહે છે કે, “ગંગા કિનારે જઈને ‘શ્રીરામ શ્રીરામ, શ્રીરામ' ના જાપ ચાલુ કરી દો.” કાશીનરેશ તેમ કરે છે.

શ્રીરામજી વચનબદ્ધ છે કે - ભક્તનો વધ ન કરાય. શ્રીરામજી બાણ છોડે છે પણ રામબાણ નામ સ્મરણ કરતાં રાજા પાસેથી પરત આવે છે. રામજી બીજા મહાન અસ્ત્રો છોડે છે ત્યારે હનુમાનજી રાજાને કહે છે કે ‘સીતારામ સીતારામ' જાપ શરૂ કરી દેજો. રાજા તે પ્રમાણે ‘સીતારામ સીતારામ' શક્તિયુક્ત મંત્ર જાપ શરૂ કર્યા ત્યારે બીજા અસ્ત્રો પણ પરત જાય છે ત્યારબાદ શ્રી રામજી બીજા અમોઘ અસ્ત્રો છોડે છે ત્યારે હનુમાનજી રાજાને બોલે છે કે હવે ‘જય સીયારામ જય જય હનુમાન' મારુ નામ પણ જોડીને બોલ. રાજાએ તે પ્રમાણે કરતાં બધા અમોઘ અસ્ત્રો પણ પરત જાય છે.

શ્રી રામજીનું વચન છે કે મારુ નામ, શક્તિયુક્ત નામ પછી હનુમાનજીના નામનો જ્યાં જપ થાય છે ત્યાં કોઈપણ શક્તિ કંઈ કરી નહીં શકે.

અહીંયાં પ્રશ્ન એ છે કે શ્રીરામજીની પ્રતિજ્ઞાનું શું ? ત્યારે શ્રીરામજી તપાસ કરી કે આની અંદર હનુમાન પણ વચ્ચે પડયા છે. મારો ભકત થઈને મારી સામે ઉભા રહે તે બિલકુલ શાસ્ત્ર વિરુધ્ધ છે. બીજી બાજુ અંજના માઁ અને હનુમાનજીની પ્રતિજ્ઞા અડગ છે સામે પ્રાણથી પણ પ્યારા ઈષ્ટદેવ છે. આમ હનુમાનજી અને રામજી યુદ્ધે ચડી ગયા છે. કોઈનું અસ્ત્ર કોઈ સામે કશું કામ કરતું નથી. ત્યારે નારદજી તે વૃદ્ધ સંત કે જેનું અપમાન કાશીનરેશે કરેલું તે વિશ્વામિત્ર હતા તેની પાસે જઈને વિનંતી કરે છે કે, “શ્રીરામજી અને હનુમાનજી વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે તેની અંદર મૂળ પાયામાં આપ છો. આપ જ તેનું સમાધાન કરી શકો છો અને આપની વાત શ્રીરામજી અને હનુમાનજી બંને માનશે કારણ કે આપ ગુરુસ્થાને છો.” ત્યારે વિશ્વામિત્રજી ત્યાં જઈને રામને યુદ્ધ કરવાની ના પાડે છે અને બોલે છે કે, “હું કાશીનરેશને ક્ષમા કરું છું. તું તારી પ્રતિજ્ઞા પરત લઈ લે.” ત્યારે રામજી રઘુવંશી છે વચનબદ્ધ રહે છે છતાં ગુરુનો આદેશ માની પ્રતિજ્ઞા પરત લે છે. હનુમાનજી અને શ્રીરામજ નું મિલન થાય છે અને કાશીનરેશ અવધ્ય બને છે.

આ વાર્તાનું રહસ્ય એક જ છે કે બધા જ દેવી-દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ ગુરુ આજ્ઞા સમક્ષ નતમસ્તકે રહે છે. ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે. બધા આ સદગુરુ તત્ત્વને આદર આપે છે. અહીં તો સદગુરુ દત્ત વિશેની ચર્ચા છે.

એ જ રીતે મહાભારતમાં જ્યારે અર્જુન અને અશ્વથ્થામા બંને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે ત્યારે અમોઘ બ્રહ્માસ્ત્ર ત્યાં નિસ્તબ્ધ બની જાય છે, વચ્ચે ઉભા રહીને બંને બાજુ હાથ ઉંચા કરીને વ્યાસજી બ્રહ્માસ્ત્રને થોભાવે છે. સદગુરુ વ્યાસ સમક્ષ અસ્ત્ર કશું જ કામ કરતું નથી અને પોત પોતાની જગ્યાએ જતા રહે છે એટલે કે બ્રહ્માજી પાસે પહોંચી જાય છે. અમુક સાધકો કે જે ન તો ધનવાન છે, ન તો વિદ્વાન છે, ન તો લેખક છે, ન તો વક્તા છે. તેઓ મધ્યમ વર્ગના અભણ છતાં સત્સંગ શ્રવણમાં જીજ્ઞાસુ પૂર્વજન્મના સંસ્કારના લીધે ભક્તિમાર્ગના પ્રવાસી સાથોસાથ અહંકારના ચાદરમાં વિંટાયેલા છે. કોઈ સમર્થ ગુરુને પ્રાપ્ત કરી આગળ વધવા પ્રયાસ કરતા સાધકોની અંદર એટલો અહંકાર ભરેલો છે કે, “હું ચક્રભેદન કરી ચુકયો છું, મારી કુંડલિની જાગૃત થઈ ગઈ છે, હું નામજપ-મંત્રજાપથી પર થઈ ગયો છું, હવે હું સોહમ્મય છું.” આ રીતે પોતપોતાને માની, વાક્જાળમાં વિંટાઈ, ગુરુ આદેશનું ઉલ્લંઘન કરતાં, પોતાની રીતે જીવવા રહેવા પ્રયાસ કરી રહ્યા છે. કૌટુંબિક-પારિવારીક આસક્તિઓ અંતરથી છુટી નથી, ઈન્દ્રિયો ઉપર કંટ્રોલ નથી. જે કાંઈ ઉપલબ્ધ થાય તે ખાઈ, તેમાં રહી ચોવીસ કલાક પ્રભુ અને સદગુરુ સ્મરણ કરતાં નામ જપ તેઓને સ્વીકાર નથી અથવા તો કરતા નથી. પોતે પોતાને બ્રહ્મજ્ઞાની માની મહાસાગરમાં ગોતા ખાઈ રહ્યા છે અને બોલે છે કે - "હું મુકત છું, હું ખૂબ જ આગળ વધી ગયેલો છું. મારા ગુરુએ મને બાંધી દીધા છે. આગળ વધવા દેતા નથી એટલે અટકું છું." અત્યારે તેઓને આત્મિયભાવથી બે શબ્દો બોધ આપતા લખી રહ્યો છું કે, - હે જીજ્ઞાસુઓ ! અગર તમારા કોઈ સિદ્ધ સમર્થ ગુરુ હોય તો તેઓમાં અથવા તો સદગુરુ દત્તાત્રેયમાં શ્રદ્ધા-વિશ્વાસ રાખી ધૈર્યપૂર્વક સદગુરુના બતાવેલ માર્ગમાં ચાલો અને પોતાની અંદર ઉતરીને પોતાને જુઓ કે તમે અનેકો જન્મોના બંધનને લીધે અજ્ઞાનવશ કેટલી અશાંતિ ભોગવી રહ્યા છો. સિદ્ધ સમર્થ ગુરુને પ્રાપ્ત કરીને પણ તમે તેઓના આદેશ મુજબ ચાલતા નથી. તેઓમાં દોષ જુઓ છો, ખામીઓ કાઢો છો અને પોતાને ખૂબ જ સમર્થ માનો છો. આ તમારી અજ્ઞાનતા તમને બંધનરૂપ બની રહી છે. મુક્ત થવાને બદલે મહાન યાતનામાં જવા પ્રયાસ કરી રહ્યા છો. ઉત્તમ તો એ છે કે તર્ક અને અહંકારની ચાદર બાજુમાં મુકી સદગુરુ ને શરણે જ તેઓના કહેવા પ્રમાણે ચાલો. તમારી અજ્ઞાનતા અને મૂર્ખતા પર તમે જ વિચાર કરશો કે તમને કોઈ ગુરુ બાંધી શું મેળવશે ?

તમે અબજોપતિ નથી કે ગુરુ તમારી પાસેથી દ્રવ્ય મેળવવા માગતા હોય. તમે કોઈ મહાન વિદ્વાન નથી કે તમારી પાસેથી કોઈ ચોપડી લખાવી ગુરુ પ્રતિષ્ઠા ઈચ્છતા હોય. તમારી પાસે કોઈ વકતૃત્વ શક્તિ નથી કે ગુરુ તમારી પાસેથી પ્રસંશા ઈચ્છતા હોય. તમારી પાસે કોઈ બળ નથી કે ગુરુ સુરક્ષા ઈચ્છતા હોય. અરે જીજ્ઞાસુ ! તું ગુરુમાં દોષ જોઈ, ખામી કાઢી બંધનમાં સંપૂર્ણ રીતે જકડાઈ મહાન અશાંતિ સ્વીકારી રહ્યો છે. તમને જોઈને મને દયા આવે છે અને કહેવાનું મન થાય છે કે હજુ પણ તમે જાગો. સમર્થ સદગુરુ દત્તાત્રેયને શરણે થાવ. તેઓ કૃપાસિંધુ છે, દયાસિંધુ છે, ક્ષમાસિંધુ છે. તેઓ ધારે તો હજુ પણ તમારી સંપૂર્ણ ભૂલો ક્ષમા કરી કલ્યાણ કરી શકે છે.

ભગવાન શિવ તથા અન્ય કોઈપણ દેવો ગુરુની અવહેલના સહન કરી શક્યા નથી. તમને ખબર છે કે ગુરુ અપમાનને લીધે જ ભગવાન શિવે કાગભુશુંડીજીને હજાર યોનીમાં ભટકવા માટે શ્રાપ આપ્યો છે. આ શ્રાપમાંથી મુક્તિ સદગુરુ એ જ અપાવી છે અને કલ્યાણ કરેલ છે જેને લીધે આજે કાગભુશુંડીજી અમરપદ પ્રાપ્ત કરી પરમાનંદમાં છે.

ઉદાહરણો અને કથાઓ તો અનેક છે, સમજાઈ જાય તો એક જ ઉદાહરણ બસ છે. સ્વાર્થપણામાં આવી માત્ર પોતાના શરીર અને પોતાના ખાવા, ઓઢવા, પહેરવામાં રચ્યા-પચ્યા રહી તમે જગતનો શો ઉદ્ધાર કરી રહ્યા છો ? અને ગુરુ કે ગુરુસ્થળની કેટલી સેવા કરી રહ્યા છો ? તમે ગુરુની સેવા કરી રહ્યા છો ? કે ગુરુ તમારી સેવા કરી રહ્યા છે ? વિચારજો.

અગર બિમારી ભયંકર હોય તો ઉપચાર પણ લાંબો હોય છે. દવા પણ કડવી હોય છે અને દર્દીને સાવધાનીથી ખાવું પડે છે. આશા છે બધા આ પ્રકારના દર્દીઓ જીવો આ ઔષધીરૂપ ઉપદેશ સ્વીકારશે. ઔષધીપાન કરશે અને સ્વસ્થ બનશે.

અંતે મુમુક્ષુજનોને એટલું જ કહેવું છે કે - પ્રત્યેક જીવાત્મા સહજ સુખની રાશી છે. સ્વેચ્છાથી બંધન સ્વીકારેલા છે. એ જ રીતે સ્વેચ્છાથી બંધન છોડી પણ શકે છે. બાકી તો જીવમાત્ર પરમાત્માનું સ્વરૂપ છે અથવા તો અંશ છે. સંસારમાં આવીને અજ્ઞાનવશ બંધન કે સુખ-દુ:ખ ભોગવે છે. અગર બધા પોતામાં ઊંડા ઉતરી જુવે તો તત્ત્વો-ગુણો-પ્રકૃતિથી પર આત્મા પરમાત્માનું સ્વરૂપ છે. આ સ્થિતિની અનુભૂતિ પછી કોઈ ઉપદેશ નથી-કોઈ બંધન નથી-કોઈ દ્વૈત કે દ્વંદ્ર નથી.

પહેલાના શિષ્યો-ભર્તૃહરી, ગોપીચંદ, ગોરખનાથજી ભિક્ષાવૃત્તિ કરી ગુરુજીની સેવા કરતાં અને પોતાનું કલ્યાણ કરતાં. આ પ્રકારની તલમાત્ર પણ સેવા તમારી છે ? કૌટુંબિક, પરિવારીક લાગણીઓ ત્યજી, અહંકારને છોડી ‘વસુધૈવ કુટુમ્બકમ્' ની ભાવના સાથે જે જીવે છે, રહે છે અને સતત આત્મભાવનો ખ્યાલ રાખે છે તે જ ઉત્તમ સાધક છે.

ગુરુજનો ભિક્ષા માંગી ખાવા ખવરાવવાનો આગ્રહ એટલે રાખે છે કે ભિક્ષાથી અહંકાર દૂર થાય અને પોતાના ભાગ્ય અને પ્રારબ્ધનો ખ્યાલ આવે.

ઉપરોક્ત શબ્દબોધ જ્યાં સુધી સ્થિતિમાં ન મૂકાય, સાધક તે સ્થિતિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી સાધના ગતિશીલ રાખવી જોઈએ. સ્થિતિ ગુરુકૃપા ઉપર આધારીત છે. સ્થિતિ કૃપાસાધ્ય છે. જ્યાં સુધી ગુરુચરણમાં દૃષ્ટિ નિર્મલ ન બને, દોષદૃષ્ટિ ન મટે, શરણાગતી ન આવે ત્યાં સુધી પ્રાપ્ત થતી નથી.

આશા છે કે બધા સાધકો વાંચી, વિચારી યોગ્ય કરશે.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"પ્રત્યેક જીવાત્મા સહજ સુખની રાશી છે. સ્વેચ્છાથી બંધન સ્વીકારેલા છે. એ જ રીતે સ્વેચ્છાથી બંધન છોડી પણ શકે છે. બાકી તો જીવમાત્ર પરમાત્માનું સ્વરૂપ છે અથવા તો અંશ છે. સંસારમાં આવીને અજ્ઞાનવશ બંધન કે સુખ-દુ:ખ ભોગવે છે. અગર બધા પોતામાં ઊંડા ઉતરી જુવે તો તત્ત્વો-ગુણો-પ્રકૃતિથી પર આત્મા પરમાત્માનું સ્વરૂપ છે. આ સ્થિતિની અનુભૂતિ પછી કોઈ ઉપદેશ નથી-કોઈ બંધન નથી-કોઈ દ્વૈત કે દ્વંદ્ર નથી."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Mukti Mumukshu Sadhak Narad Kashi Naresh Shree Raam Hanumanji MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace