Skip to main content

સાધના ઉપાસનામાં પ્રવેશ

આ માર્ગમાં પ્રવેશેલા સાધકોના પ્રકારનો નિર્ણય લેવો પોતાની બુદ્ધિથી કઠિન દેખાય છે કારણ કે કોઈ-કોઈ ઘરસંસારથી કંટાળીને આ માર્ગમાં પ્રવેશ કરતા હોય છે જેમ કે કુટુંબીઓથી તિરસ્કાર મળ્યો હોય, પ્રેમથી વંચિત રહ્યા હોય અથવા તો તે વ્યક્તિની બુદ્ધિ અને નિર્ણય પ્રમાણે યોગ્ય ઈચ્છાઓની પૂર્તિ ન થઈ હોય, તેઓની સફ્ળતામાર્ગમાં કાંઈને કાંઈ વિઘ્નરૂપે આવતું હોય અથવા તો જીવન જીવવા માટે, વ્યવહાર ટકાવી રાખવા માટે, જીવન જરૂરિયાતની ચીજો ભેગી કરવામાં મુશ્કેલી પડતી હોય અથવા તો ક્યારેક એવું અયોગ્ય કર્મ થઈ ગયું હોય જેનાથી સંસાર વ્યવહારમાં રહેવું મુશ્કેલ થઈ પડતું હોય. પ્રાયઃ આવા લોકો છેવટે સાધુ-સંન્યાસી બની જીવન ગાળવા પ્રેરાતા હોય છે બીજા એવા લોકો પણ હોય છે કે જેઓને એમ લાગતું હોય છે કે આ માર્ગ, આ પંથ ખૂબ જ ઉત્તમ છે. ખાવું, પીવું, ઓઢવું, પહેરવું, હરવું, ફરવું સારી રીતે થઈ શકે છે. માન, પ્રતિષ્ઠા આસાનીથી આવી પડે છે. લોકો નમીને આદરપૂર્વક નમસ્કાર કરતા હોય છે અને ચરણમાં પૈસા પણ મૂકતા હોય છે. ખાવાપીવા માટે નવી નવી વાનગીઓ મળતી હોય છે. ગ્રહસ્થાશ્રમમાં તો ક્યારેક તેલ, ક્યારેક ડાલ્ડા, ક્યારેકે ઘી વગર એમને એમ ચલાવી લેવાનું રહેતું હોય છે ત્યારે આ માર્ગમાં તો ચોખ્ખા ઘીના લાડુ સિવાય બીજી વાત જ દેખાતી નથી. ટૂંકમાં ઘણા લોકો માન-પ્રતિષ્ઠા, મોજ-શોખ ખાઈ-પીને લીલા લ્હેરથી રહી ભ્રમણ માટે આ માર્ગમાં પ્રવેશ કરતા હોય છે.

થોડાક એવા લોકો પણ હોય છે કે જેઓ અર્ધદગ્ધ સ્થિતિમાં આ માર્ગમાં પ્રવેશતા હોય છે આવી વ્યક્તિઓને ક્યારેક ઈશ્વર વ્હાલા લાગતા હોય છે તો ક્યારેક બીજાઓને જોઈ અથવા તો પૂર્વસ્મૃતિનો અનુભવ કરી ક્યારેક માયા, વૈભવ, ભોગ તરફ ખેંચાતા હોય છે, આ વ્યક્તિઓને નિર્ણય લેવો ક્યારેક કઠિન પડી જતો હોય છે કે હું ક્યા માર્ગે જાઉં ? કે જેમાં પૂર્ણ સફ્ળતા નીવડે.

અમુક વ્યક્તિઓ એવી પણ હોય છે કે અયોગ્ય હોવા છતાં કોઈપણ મહાપુરુષોના સંગના આધારે અથવા તો પૂર્વના પૂણ્યના આધારે ઈશ્વરી પ્રેરણાથી આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ કરતા હોય છે, આવી વ્યક્તિઓની પરિસ્થિતિ ખૂબ જ વિકટ હોતી હોય છે અગર સમર્થ ગુરુ માર્ગદર્શક મળી જાય તો પાર થઈ જતા હોય છે નહીંતર વચ્ચે પ્રગતિ અટકી જતી હોય છે અને સાધક દૂર દૂર ફેંકાઈ જતા હોય છે. અનેકો દોષો-ગુણોથી ભરેલી વ્યક્તિને યોગ્ય બનાવી લક્ષ્ય ઉપર લઈ જવામાં સદગુરુને જે ક્રિયાઓ કરવી પડતી હોય છે તેમાં સાધકની પરિસ્થિતિ ડામાડોળ થતી હોય છે એટલે કે ક્યારેક પ્રસન્ન, ક્યારેક ચિંતાયુકત, ક્યારેક વિચારયુક્ત, ક્યારેક વિચારશૂન્ય જાતજાતની મનની સ્થિતિ બદલાતી તેમજ અનુભવાતી હોય છે છતાં સદગુરુ મનની દરેક પરિસ્થિતિઓમાંથી ઉગારતા, સાધકને આગળ લઈ જતા હોય છે. સુષુપ્ત ઈચ્છાઓ, વાસનાઓની સમાપ્તિની પ્રક્રિયાઓ છે તેમાં મનની ક્ષિપ્ત-વિક્ષિપ્ત, મૂઢ, નિરોધ ચારે અવસ્થાઓનો અનુભવ થતો હોય છે. સાધનામાં મનની આ ચારે અવસ્થાનો ઉલ્લેખ આગળ કરવામાં આવશે તેને આધારે વધારે સમજી શકાશે. મનની દરેક અવસ્થાઓમાં સાધકોએ ખુશ રહેવું જોઈએ અથવા તો એટલું જ્ઞાન હોવું જોઈએ કે સાધનાની આ પણ એક સ્થિતિ હોય છે જેનો અનુભવ થાય છે.

ખૂબ જ ઓછા એવા સાધકો હોય છે કે જે સ્વેચ્છાથી સંમતિથી અનુકૂળતામાં સાંસારીક વ્યવહારિક રીતે જીવન સુખી દેખાતા હોવા છતાં આ માર્ગમાં પ્રવેશતા હોય છે.

જે કાંઈ હોય, મૂળમાં એક જ વાત જાણવાની છે કે સાધના-ઉપાસના શું છે અને કઈ રીતે સફળતા પ્રાપ્ત થતી હોય છે. અનુભવી મહાપુરુષો, સંતો બોલતા હોય છે કે આ માર્ગ ખૂબ જ કઠિન અને સહેલો છે. સિદ્ધ સમર્થ ગુરુની પ્રાપ્તિ કરીને પણ ગુરુપ્રદત્ત માર્ગમાં ચાલતા સાધકો ક્યારેક પ્રસન્નતા, ક્યારેક અપ્રસન્નતા, ક્યારેક સફ્ળતા, ક્યારેક અસફ્ળતા, ક્યારેક જ્ઞાની, ક્યારેક અજ્ઞાની, ક્યારેક યોગ્યતા, ક્યારેક અયોગ્યતાનો નિર્ણય પોતાની મેળે લેતા હોય છે કારણ સાધકોને ગુરુકૃપાની સૂક્ષ્માતિ સૂક્ષ્મ ક્રિયાઓ દેખાતી નથી. ભવાટવીમાં ભટકતા જીવાત્માઓને ખાતે જમા થયેલા જે શુભ-અશુભ કર્મો છે તેના ક્ષયની શરૂઆત સમર્થ ગુરુની દીક્ષા પછી થાય છે. દિક્ષાનો ઘણો વિશાળ અર્થ છે, સારાંશ એટલો જ કહું છું કે સદગુરુ પોતાની શક્તિથી જે તત્ત્વ, બોધ, જ્ઞાન, સત્ શિષ્યની અંદર જગાડે છે, આપે છે તે શક્તિને આધારે સમસ્ત શુભ-અશુભ કર્મોં, દોષો, આવરણો ક્ષય પામવા લાગતા હોય છે અને સત્ શિષ્ય પોતાના મૂળ સ્વરૂપમાં પ્રવેશી જતા હોય છે. સંચિત, શુભ-અશુભ કર્મોના આધારે બંધાયેલો, સ્થૂળ શરીરમાં જે પ્રારબ્ધ કર્મ છે તેનો નાશ ભોગવ્યા વિના થતો નથી. સમર્થ ગુરુની કૃપાથી સંચિત અને ક્રિયમાણ કર્મ ખરી પડતાં હોય છે પણ પ્રારબ્ધકર્મનું નિવારણ ભોગવ્યા વિના થતું નથી. પ્રારબ્ધ ભોગની કળા સદગુરુ સિવાય કોઈ જાણી શકતા નથી. જે સત્ શિષ્ય સદગુરુને શરણે આવે છે અને સદગુરુ જેને અપનાવી લે છે તેઓનો પ્રારબ્ધ ભોગ અન્ય જીવાત્માઓ કરતા કંઈક બદલાઈ જતો હોય છે એટલે સદ્ગુરુ સત્ શિષ્ય ને સુખ અને દુ:ખ એટલે કે શુભ અને અશુભ કર્મો એ રીતે ભોગવાવતા હોય છે કે સાધક કંટાળી પણ ન જાય અને પોતાને સુખી અને પૂર્ણ પણ ન સમજી જાય. ક્યારેક શુભ તો ક્યારેક અશુભ, ક્યારે અનુકૂળ અનુભવ તો ક્યારેક પ્રતિકૂળ અનુભવ, ક્યારેક પ્રસન્નતા તો ક્યારે અપ્રસન્નતા, આ રીતે દ્વન્દ્વો થી વચ્ચે રાખી સમતા કેળવતા આગળ લઈ જતા હોય છે. કોઈપણ સાધકને લાંબા સમય સુધી એક જ પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવે તો તે સાધક અથવા પ્રવર્તક પોતાના ધૈર્યને ટકાવી શકતા નથી એટલે સદગુરુ સ્થિતિ ફેરવતા કર્મો કાપતા આગળ લઈ જતા હોય છે. પ્રારબ્ધભોગ ભોગવવાનો પ્રકાર, વિધિ એટલી ગહન તેમજ સૂક્ષ્મ છે કે સમર્થ ગુરુના હાથ નીચે અનુભવ કરેલા સાધકો સિવાય બીજા કોઈ શાસ્ત્ર, વાંચનના આધારે સમજી શકતા નથી, ક્રિયમાણ કર્મો સંચિતના આકાર લે નહી અને પ્રારબ્ધ કર્મો ભોગવાતા હોવા છતાં સંચિતમાં પ્રવેશે નહિ. ટૂંકમાં, ત્રણે કર્મો ક્રમશઃ ક્ષય થતા જાય અને છેવટે સાધક સિદ્ધાવસ્થામાં પ્રવેશી તેનાથી આગળ ગુરુકૃપા દ્વારા "સ્વ" સ્વરૂપ પ્રાપ્ત કરી દરેક જાતના કર્મરૂપી કચરા ખંખેરી ચોપડા તદ્દન ચોખ્ખા કરી ઉભા રહે. આ તો સદગુરુકૃપા સિવાય સંભવ થઈ શકે નહિ.

સિદ્ધ સમર્થ ગુરુ પ્રારબ્ધ કર્મોનો ભોગ ધ્યાનમાં, સ્વપ્નમાં ભોગવાવી સત્ શિષ્યને આગળ લઈ જતા હોય છે. આ પ્રારબ્ધ ભોગની સ્થિતિમાં ભલભલા સાધકો ડગી જતા હોય છે. પોતાના શાસ્ત્ર વાંચનના આધારે ત્રુટક ત્રુટક શબ્દબોધ ઘરાવનાર, અર્ધદગ્ધ જ્ઞાનીઓના સત્સંગ શ્રવણના આધારે યોગ્ય-અયોગ્ય નિર્ણય કરતા પીછેહઠ કરી બેસતા હોય છે, સદગુરુની કર્મ ભોગવાવવાની વિધિ અને પ્રકાર દરેક સાધકો માટે એક સરખી હોતી નથી. આની જાણકારી ન હોવાથી મોટા મોટા સિદ્ધો તેમજ જ્ઞાનીઓ ભ્રમમાં પડી જતા હોય છે. સદગુરુ પોતાના લાખો-કરોડો ચિન્મય સ્વરૂપ બતાવી સાધકો સમક્ષ સતત હાજરી આપી, તત્ત્વો તત્ત્વોમાં, ગુણો ગુણમાં હોમાવી પ્રકૃતિને બદલી સાધકોની સુષુપ્ત ઈચ્છાઓ, વાસનાઓનો આકાર આપી સાધકોની સમક્ષ મૂકી, એટલે કે સાધક પોતે જ પોતાને ભોગવી છૂટા થઈ જાય એવી પરિસ્થિતિમાં મૂકતા હોય છે છતાં સાધકો સમક્ષ સદગુરુ ઉપસ્થિત દેખાતા હોય છે અને લાગતું હોય છે કે સદગુરુ પોતે જ કર્મ ભોગમાં હાથ હટાવી આગળ લઈ જતાં હોય છે પણ આ રહસ્ય ખૂબ જ ગૂઢ છે. સદગુરુના દેખાવાનો અર્થ એ છે કે તું મારું સ્વરૂપ બની જા. જે ચૈતન્ય શક્તિ છે, અણુ-અણુમાં વ્યાપ્ત છે જેને બ્રહ્મ બોલાય છે તે હું જ છું એટલે કે બ્રહ્મ જ બ્રહ્મને ભોગવી રહ્યા છે. બ્રહ્મ જ બ્રહ્માં રમી રહ્યા છે. ટૂંકમાં, જીવાત્માઓની અંદર જે ચૈતન્યશક્તિ છે તે હું જ છું, શુભ-અશુભ કર્મો ક્ષય થતા "સ્વ" સ્વરૂપનો બોધ થાય છે તે જ મારું સ્વરૂપ છે. સ્વપ્નમાં, ધ્યાનમાં જે શુભ-અશુભ કર્મો ભોગવતા હોય છે તે વખતે સદગુરુ ચિન્મય સ્વરૂપમાં હાજર રહી દૃષ્ટા તરીકે જોતાં, સદ્ શિષ્યને મુક્ત કરતા હોય છે અને બોધ આપતા હોય છે કે - તું મારું સ્વરૂપ છે અને છેવટે મારું સ્વરૂપ થઈ જઈશ. પ્રારબ્ધ ભોગના ક્ષયમાં ભલભલા યોગીઓ, સિદ્ધો, સંતો પણ ચલિત થઈ ગયા છે, કંટાળી ગયા છે છતાં સિદ્ધ સમર્થ સદગુરુની જેણે કૃપા પ્રાપ્ત કરી અપનાવેલ હોય છે તેઓનું પતન થતું નથી. ઘણા સાધકો અમુક કક્ષામાં પહોંચેલા અપૂર્ણ માર્ગદર્શકને આધારે સૂક્ષ્મ ભોગો કે જે સૂક્ષ્મશરીરથી ભોગવાતા હોય છે તેને સ્થૂળ શરીરથી પૂરા કરવા પ્રેરાતા હોય છે અને છેવટે બંધનમાં આવી લપસી જતા હોય છે. સાધનાપથમાં કેટલી સાવધાની વર્તવાની રહે છે, કેટલું સહન કરવાનું રહે છે, કેટલું ધૈર્ય ટકાવી રાખવાનું રહે છે તે સમજવું ખૂબ જ કઠિન છે.

સર્વ સાધારણ માર્ગદર્શન માટે સાધકોની સ્થિતિ માપવી કઠિન હોય છે. પંચકોષ, પંચપ્રાણની શુદ્ધિ થઈ છે કે નહિ અને થઈ છે તો ક્યાં સુધી, સાધકો કયા ચક્રો સુધી પહોંચ્યા છે આ સમજવું જાણવું ખૂબ જ કઠિન છે. વાંચન અને શ્રવણના આધારે કોઈની અવસ્થા-સ્થિતિની માપણી બિલકુલ અસંભવ હોય છે. આ તો સિદ્ધ સાધક સમજી શકે છે અને સંપૂર્ણ રીતે તો સદગુરુ જાણી શકે છે. સ્થૂળ મનની શુદ્ધિ પછી સૂક્ષ્મ મનની શુદ્ધિ ચાલે છે, સૂક્ષ્મ મનની શુદ્ધિ પછી અધિમનની શુદ્ધિ ચાલે છે. અધિમન પછી અતિમનમાં સાધક પ્રવેશે છે. અતિમનમાં અતિમનશ્ચેતના વિકસે છે. આ સાધનાની અતિ ઊંચી કક્ષા છે છતાં તેનાથી પણ આગળ જવાનું રહે છે. કોષોમાં અન્નમયકોષ, પ્રાણમયકોષ અને મનોમયકોષની શુદ્ધિ સુધી તો ખૂબ જ સહન કરવું પડે છે અને કઠિન પણ હોય છે. એમાં પણ અન્નમય કોષની શુદ્ધિમાં ઘણો સમય લાગે છે. ઘણા લોકોને બાર વર્ષ લાગે છે. અમુક લોકોને પાંચ વર્ષ લાગે છે અને સમર્થ ગુરુની પ્રાપ્તિ થાય તો ૧-૨ વર્ષ, છ માસમાં પણ અન્નમય કોષની શુદ્ધિ થઈ શકે છે અન્નમય કોષની શુદ્ધિ પછી પ્રાણમય કોષની શુદ્ધિમાં સફ્ળતા મળે છે અને પ્રાણમય કોષ ની શુદ્ધિ પછી મનોમય કોષ, પછી વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ હોય છે. જેનો વિસ્તૃત ઉલ્લેખ અહીં કરવાની જરૂરત દેખાતી નથી. એજ રીતે કોષ, પ્રાણની સાથે સંડોવાયેલા હોય છે એમાં મૂલાધારથી મણિચક્ર સુધીની શુદ્ધિ અને ભેદન ખૂબ જ કઠિન હોય છે. મોટા મોટા સાધકો, સિદ્ધાવસ્થામાં પ્રવેશી રહેલા મહાપુરુષો પણ મણિચક્રના ભેદનમાં કંટાળી જતા હોય છે અને સાવધાની વર્તતા કોઈ-કોઈ પાર ઉતરી જતા હોય છે અને કોઈ-કોઈ પડી પણ જતા હોય છે. મણિચક્ર પછી અનાહતચક્રમાં પણ થોડુંક સહન કરવું પડતું હોય છે પણ વિશુદ્ધિ ચક્રમાં મન શુદ્ધ થઈ જતું હોય છે પણ શુભ વાસનાઓથી યુકત હોય છે. વિશુદ્ધિ ચક્રથી આગળ આજ્ઞાચક હોય છે જેમાં સિદ્ધ લોકોનો પ્રવેશ થાય છે. આ આજ્ઞાચક્ર વૈખરીથી પર ખૂબ જ સારી અવસ્થા છે. મહાપુરુષો કહે છે કે આ ચક્રમાં શુભ-અશુભ વાસનાઓ નીકળી જાય છે છતાં શુભેચ્છાઓ અથવા તો વાસનાઓની મૂળની સમાપ્તિ નથી થતી. આણવમળ અહીં પણ રહે છે તેમ સિદ્ધો-સંતો બોલે છે. સદગુરુની કૃપા અહીં અપેક્ષિત છે જેને આધારે આણવમળની સમાપ્તિ કરી ચંદ્રબિંદુભેદન, ત્રિકૂટીચક્ર વટાવી આત્મસાક્ષાત્કાર કરી શકાય.

આ સ્થિતિ, અવસ્થાનો ખ્યાલ માત્ર વાંચન, શ્રવણથી આવતો નથી. અનુભૂતિ સિવાય આ અંગેનું પૂર્ણ જ્ઞાન થઈ શકે નહિ. ઘણી અનુભુતિઓ, અનુભવો એવા હોય છે કે જે લખી તેમજ બોલી શકાતા નથી. વાણી કુંઠિત થઈ જાય છે. લેખની અટકી જાય છે. લાખા-કરોડો સાધકોમાંથી બે-ચાર એવા સુપાત્ર સાધકો નીકળતા હોય છે કે જે લક્ષ્ય સુધી સદગુરુ ચરણમાં પોતાની શ્રદ્ધા ટકાવી શકતા હોય છે અને એમ માનતા હોય છે કે સદગુરુ જે કાંઈ કરતા-કરાવતા હોય છે તે બધું જ બરાબર હોય છે, હિત ભરેલું હોય છે. આમ માની ચાલનાર ખૂબ જ હોછા હોય છે. નહિતર લગભગ શબ્દબોધ, અક્ષરજ્ઞાન ધરાવતા લોકેષણાયુક્ત ભૌતિક જગતની ડીગ્રીઓ, પદ પ્રાપ્ત કરી સાવધાની વર્તતા હોવા છતાં અહંકારની ખુરશી ઉપર બેસી જતા હોય છે અને પોતાના સિમિત જ્ઞાનના આધારે સદગુરુની રહસ્યમય લીલા જે કે વૈખરીથી પર છે, અનુભૂતિ ગમ્ય છે તેને સમજવાની કસરત કરતા હોય છે અને છેવટે અસફળ બની લક્ષ્યથી ચ્યુત થઈ પશ્ચાતાપ કરતા હોય છે અને સમજણ આવતાં ખૂબ જ મોડું થઈ જતાં ખૂબ જ અશાંતિ અનુભવતા હોય છે. જે લોકો શરણાગતિ સ્વીકારી, મન, ચિત્ત, બુદ્ધિની કસરત છોડી માત્ર સદગુરુના આદેશનું પાલન કરી આગળ વધતા હોય છે તેઓને કોઈ દિવસ કોઈ જાતનો વાંધો આવતો નથી. હું બધાને શરણાગતિ સ્વીકારી ચાલવા સૂચવતો હોઉં છું પણ તે શરણાગતિ ભગવાન દત્તના ચરણોમાં રાખો તેવો આગ્રહ રાખતો હોઉં છું. ભગવાન દત્ત સદગુરુ છે, નિરંજન, નિરાકાર, પરબ્રહ્મ પરમેશ્વર છે પણ બીજી બાજુ સાકાર બ્રહ્મ છે એટલે સદ્ગુરુ ભગવાન દત્તની શરણાગતિમાં ભ્રમ કે ઉલ્ઝન, શંકા-કુશંકા વધારે સમય સુધી ટકી શકતી નથી. સાધકોની પ્રકૃતિ, સંચિત થયેલી શુભ-અશુભ ઈચ્છાઓ, વાસનાઓ, આવરણો, દોષો સદ્ગુરુ ચરણમાં પણ અશ્રદ્ધા-ઉલ્ઝનો પેદા કરાવવાના પ્રયત્નો કરતા હોય છે છતાં સદગુરુ કૃપાથી મોડા-વહેલા તેનું નિવારણ પૂર્ણ થઈ જતું હોય છે પણ અન્ય સ્થૂળ શરીરધારી મહાપુરુષોની અંદર સાધકોની મલિનતાના આધારે જે દોષો ઉલઝનોની ઝાંખી થતી હોય છે તેનું નિવારણ જલ્દીથી થતું નથી અને સાધક શંકાના પૂરમાં તણાતા દૂર દૂર ફેંકાઈ જતા હોય છે. આજકાલ સ્થૂળ શરીરધારી, ઉચ્ચ કોટિના મહાપુરુષો નથી તેમ હું નથી કહેતો અને કોઈપણ કહી શકે નહિ કે નથી પણ તેઓને ઓળખવા કઠિન છે અને અત્યારે ભયંકર કલિકાળમાં તો ઓળખવા અત્યંત કઠિન છે એટલા માટે સદગુરુ ભગવાન દત્તને પકડી ચાલવા હું સૂચવું છું છતાં કોઈ યોગ્ય સુપાત્ર સાધકને કોઈ સ્થૂળ શરીરધારી યોગ્ય માર્ગદર્શક મળી ગયા હોય તો તેઓના ચરણમાં શ્રદ્ધા-વિશ્વાસ ટકાવી ચાલવામાં વાંધો નથી આવતો અથવા તો સ્થૂળથી પર સૂક્ષ્મરૂપથી કોઈને ગુરુ મળ્યા હોય અને માર્ગદર્શન મળતું હોય તો પણ સાધકોને શ્રદ્ધા-વિશ્વાસને આધારે લક્ષ્યપ્રાપ્તિ થઈ શકે છે. સૂક્ષ્મ શરીરથી, ચિન્મય શરીરથી જે માર્ગદર્શન મળતું હોય છે તે બરાબર ન સમજવાને કારણે ઘણા સાધકોને ઉલ્ઝન પેદા થતી હોય છે એટલે એના ખુલાસા માટે કોઈપણ યોગ્ય સ્થૂળ શરીરધારી મહાપુરુષની આવશ્યકતા રહેતી હોય છે અને તે ગુરુકૃપાથી મળી પણ જતા હોય છે.

સાધનામાં એવી એવી પરિસ્થિતિઓ, અનુભૂતિઓ, અનુભવો થતા હોય છે કે અવારનવાર સાધકો ચલિત થઈ જતા હોય છે અને તેની સ્પષ્ટતા, ખુલાસાની અપેક્ષા રાખતા હોય છે. પ્રવર્તકથી સાધક અને સાધકથી સિદ્ધાવસ્થામાં પ્રવેશતા કેટલી તકલીફો કેટલી અનુભૂતિ થતી હોય છે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે છતાં અહીં થોડુંક લખવાનો પ્રયાસ કરી રહ્યો છું.

સાધનામાં પ્રવેશ કરતા પ્રવર્તક અથવા સાધકની મનની સ્થિતિ ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ જતી હોય છે કારણ સદગુરુની કૃપાશક્તિ પ્રથમ જ્યારે મંત્રદીક્ષારૂપમાં સદશિષ્યની અંદર પ્રવેશતી હોય છે ત્યારે તે શક્તિ સદશિષ્યની અંદર જમા થયેલી જન્મજન્માંતરની શુભ-અશુભ ઈચ્છાઓ, વાસનાઓ, આવરણો, દોષોની સફાઈમાં લાગી જતી હોય છે. મૂલાધારથી શરૂઆત થતી હોય છે અને તે પછી સાથેને સાથે કોષાપ્રાણની શુદ્ધિ પણ ચાલતી હોય છે. ભવાટવીમાં જન્મજન્માંતરથી ભટકતા જીવાત્માઓની અંદર જે સંચિત થયેલી વાસનાઓનું આવરણ છે તેને અગર સદગુરુ કાઢીને બહાર મૂકે તો અનેકો હિમાલય જેવો આકાર લઈ શકે છે. પોતાની ઈચ્છાશક્તિથી અંદરને અંદર સળગાવતા બહાર કાઢતા આગળ લઈ જતા હોય છે. સદગુરુ વિશ્વના ડૉકટર છે અને યોગ્ય ખેડૂત પણ છે જે રીતે યોગ્ય સર્જન રોગનું ઓપરેશન કરી દે તો દર્દ મૂળથી નીકળી જાય છે અને ફરીથી થતું નથી. એ જ રીતે ચતુર ખેડૂત સારો પાક લેતા પહેલા પોતાના ખેતરની સારી રીતે સફાઈ કરે છે. પડતર ખેતરમાં ઉગેલા નકામા ઘાસ, ઝાડ, પાન મૂળથી ખોદીને બહાર કાઢી નાખે છે અને તે પછી સારા બી ખેતરમાં નાખી સારો પાક લેતા હોય છે એ જ રીતે સદગુરુ પરમાત્મા સદશિષ્યની અંદર સંચિત થયેલા વિકારો, દોષોને મૂળથી કાઢવા માટે અનેકો ક્રિયાઓ-લીલાઓ ઉપસ્થિત કરતા હોય છે. આ સદગુરુની લીલામાં ક્યારેક ક્યારેક સાધકો કંટાળી જતા હોય છે, ગભરાઈ જતા હોય છે, ઉદાસ થઈ જતા હોય છે, એનાથી આગળ કહું તો સાધના છોડી પૂર્વવત્ ઘરસંસારમાં ગોઠવાઈ જવાની તૈયારી પણ બતાવતાં હોય છે એવી પરિસ્થિતિમાં સદગુરુ ક્યારેક ક્યારેક આંતરિક મળની શુદ્ધિ માટે ચાલી રહેલી પ્રક્રિયામાં ફેરફાર કરી દેતાં હોય છે અને સાધકોને સ્વસ્થ કરવા માટે, ખુશ કરવા માટે, લાડ-પ્યાર-પ્રેમ પંપાળી, ફોસલાવી તેઓને ગમતા નાટકો ઉપસ્થિત કરી સ્વસ્થ કરતા હોય છે. થોડા સમય પછી ફરી સફાઈની ક્રિયા ચાલુ કરી દેતા હોય છે. આ રીતે પ્રક્રિયામાં ફેરફાર કરતાં સદગુરુ સાધકોને આગળ લઈ જતાં હોય છે. આ સાધનામાં મનની ચાર અવસ્થાઓ છે તે ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, નિરોધ બધું અનુભવાતુ હોય છે તે દરમ્યાન સાથે સાથે શુદ્ધ, નિર્મળ, નિષ્કામ અને વાસનારહિત અવસ્થા પણ બનતી જાય છે. સદગુરુના સ્મરણથી સાધકોની અંદર જન્મજન્માંતરથી સંચિત થયેલી સુષુપ્ત ઈચ્છાઓ, વાસનાઓની સમાપ્તિ થાય છે. સમાપ્તિની વિધિ અને પ્રકાર કેટલા પ્રકારના હોય છે તેની સમાપ્તિ સ્થૂળથી કરવામાં આવે છે અને અમુક વાસનાઓની સમાપ્તિ સૂક્ષ્મ શરીરથી સ્વપ્ન તેમજ ધ્યાનની અવસ્થામાં કરાવવામાં આવે છે. સાધના-ઉપાસનાથી નિર્મળ થઈ રહેલું મન પણ ક્યારેક ક્યારેક સદગુરુના સ્વરૂપ લઈ સાધકોને માર્ગદર્શન આપી ઉલ્ઝનમાં મૂકતા હોય છે. પોતાનું મન ક્યારેક પોતાના ગુરુ બની ઉપદેશ આપી જતું હોય છે, અવાજ કરી જતું હોય છે, માર્ગદર્શક બનીને ઉભુ રહેતું હોય છે જે રીતે જમીનમાંથી નીકળેલા સોનાની અંદર અન્ય કચરાઓ પણ ભેગા રહેતા હોય છે. સફાઈ કર્યા પછી માત્ર શુદ્ધ સોનુ રહી જતું હોય છે છતાં પ્રાથમિક અવસ્થામાં સોનાની ખાણમાંથી એકલું સોનુ નીકળ્યું તેમ બોલાતું નથી એટલે કે સોનાની અંદર કચરા છૂપાયેલા હોવા છતાં તે સોનુ જ બોલાય છે. યોગ્ય સોની, ઝવેરી જ સમજી શકતા હોય છે કે ખાણના સોનામાં કેટલો કચરો છે અને કેટલું સોનું છે, એ જ રીતે ઉપદેશ આપી રહેલા મનની અંદર ગુરુતત્ત્વ સમાયેલું જ રહે છે. જે ચૈતન્યશક્તિ છે તેને આધારે આખી સૃષ્ટિ ચૈતન્યમય બની રહી છે. તે ચૈતન્યશક્તિના આધારે મન પણ સ્ફૂરી રહ્યું છે તે મનની અંદર સદગુરુ સ્વરૂપ શક્તિ જ દેખાય છે. મન હોવા છતાં ચૈતન્ય શક્તિ જ દેખાય છે છતાં યોગ્ય ગુરુઓ-સદગુરુ જ આ રહસ્યને સમજી શકે છે. નિર્મળ થઈ રહેલા મનની અંદર કેટલા પ્રમાણમાં મનની સુષુપ્ત ઈચ્છાઓ-વાસનાઓ અને કેટલા પ્રમાણમાં સદગુરુનો સંકેત છે, સૂક્ષ્મ આદેશની અંદર ભલભલા સાધકો ઉલ્ઝનમાં પડી જતાં હોય છે અને તે આદેશને આધારે ચાલતાં ક્યારેક અશાંતિ પણ અનુભવતાં હોય છે. મનની અંદર જે યોગ્ય અને શુદ્ધ આદેશ હોય છે તે સદગુરુ નો સાંકેતિક આદેશ હોય છે છતાં તે સદગુરુ હોતા નથી કારણ કે સદગુરુ તો શાંત બ્રહ્મ છે. તેઓની અંદર શુભ-અશુભ સદ્અસદ્ વાસનાઓ હોતી નથી. સંકલ્પ-વિકલ્પ પણ હોતા નથી પણ જે મનની અંદર સ્ફૂરે છે, સંકલ્પ-વિકલ્પ થાય છે તે પણ સદગુરુની ઈચ્છાથી જ સ્ફૂરે છે કારણ કે સદગુરુ કૃપા કરે ત્યારે જ સુષુપ્ત ઈચ્છાઓ, વાસનાઓ, સંકલ્પ-વિકલ્પના આહારમાં, ઈચ્છાઓ વાસનાઓના સ્વરૂપમાં બહાર નીકળતી હોય છે. દરેક ઈચ્છાઓ-વાસનાઓ નીકળી જાય પછી નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. સંકલ્પ-વિકલ્પ રહિત સંપૂર્ણ શાન્તિ અનુભવાય છે પણ તે પહેલા જ્યાં સુધી મન, ચિત્ત, બુદ્ધિ કામ કરે છે, ભલે તે શુભ સંકલ્પ હોય કે અશુભ સંકલ્પ, શુભ વાસના હોય કે અશુભ વાસના હોય તે બધુ મન, ચિત્ત, બુદ્ધિની રમતમાં જ ગણાય. સદગુરુ તો સંકલ્પ-વિકલ્પ રહિત અંતઃકરણ ચતુષ્ટયથી પણ પર પરબ્રહ્મ છે એટલા માટે સાધના દરમ્યાન સૂક્ષ્મ આદેશોને સમજાવનાર કોઈ અનુભવી, સ્થૂળ શરીરધારી, યોગ્ય ગુરુની આવશ્યકતા રહેલી છે એવા ગુરુઓ ભૂમંડળ ઉપર સદગુરુ રાખે છે છતાં તેઓને બધા ઓળખી શકતા નથી. સાંકેતિક આદેશ, અંતરવાણીની સાંકેતિક ભાષા રહસ્યમય હોય છે તેનો સારાંશ ભાવાર્થ સમજવું પણ સાધકો માટે કઠિન પડે છે એટલે દરેક સાધકને માર્ગદર્શન દરમ્યાન સાવધાની વર્તવાની રહે છે, શાસ્ત્રવિહિત શુભ આદેશ જ આંતરવાણીમાં સંભળાય છે કે ગેબી અવાજમાં આવે છે તેનું પાલન કરી લેવામાં કોઈ વાંધો આવતો નથી પણ સાધકોની પરિસ્થિતિ તે આદેશ પાલનની યોગ્ય ન હોય, અનુકૂળ ન હોય ત્યારે તે માટે ચિંતા ન કરવી જોઈએ. ધ્યાન દરમ્યાન અગર કોઈ સાધકને કોઈ એવો આદેશ મળે કે પચાસ-સો સાધુબ્રાહ્મણો જમાડી દેવા, દક્ષિણા આપવી, વસ્ત્ર વગેરે વિતરણ કરવું આવી પરિસ્થિતિમાં સાધકોને વિચારવાનું રહે છે કે આ સદગુરુનો આદેશ છે કે મનનો આદેશ છે. અગર સદગુરુ નો આદેશ હશે તો આદેશ આપતા પહેલા સમસ્ત પરિસ્થિતિ અનુકૂળ થઈ જતી હોય છે અને જ્યારે મનનો આદેશ આવતો હોય છે ત્યારે પરિસ્થિતિ અનુકૂળ થતી નથી અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં આદેશ પાલન માટે મૂંઝાતા હોય છે ત્યારે સમજી લેવું જોઈએ કે ક્યારેક આ શુભ ઈચ્છા મારા મનમાં જાગી હશે તે વખતે પૂરી ન થતાં દબાઈને બેઠી હતી અને સદગુરુની મન શુદ્ધિની પ્રક્રિયામાં બહાર નીકળી છે તો તેનું નિવારણ માનસિક રીતે કરી લેવું જોઈએ એટલે કે મનથી લેવું, દેવું કરી આ વિધિ પૂરી કરી લેવી જોઈએ. આ રીતે અન્ય ઈચ્છાઓ-વાસનાઓ આંતરવાણી દ્વારા બહાર આવતી હોય છે તેનું સમાધાન યોગ્ય સમજણથી, બુદ્ધિથી કરવુ જોઈએ નહિંતર સાધકોને ઉલ્ઝન આવતી હોય છે. અંદરથી નીકળી રહેલા શુભ-અશુભ સંકેતોને રોકવા પણ નહીં જોઈએ અને સમજણ વગર પાલન પણ ન કરવું જોઈએ. સંચિત, ક્રિયામાણ કર્મને કાપતા પ્રારબ્ધ ભોગ ભોગવતાં અસંગ અને અલિપ્ત ભાવમાં રહીને સાધના માર્ગમાં ચાલવાની જે પ્રક્રિયા છે, સૂક્ષ્મ ગતિ છે, સૂક્ષ્મ છણાવટ છે, સૂક્ષ્મ સમજણ છે તે ખૂબ જ કઠિન છે. આનો ખ્યાલ અનુભૂતિ, અનુભવ સિવાય ભૌતિક જગતમાં વિદ્વતાની ડીગ્રી ધરાવતાં વૈખરીથી શાસ્ત્રાવલોકન કરેલા માન-પ્રતિષ્ઠા ખ્યાતિ ધરાવનારા લોકેષણાયુક્ત વિદ્વાનો સમજી શકતા નથી. આ વિષય વૈખરી બુદ્ધિથી પર છે. આને તો કોઈ સિદ્ધ સમર્થ સદગુરુની કૃપાના આધારે અનુભવી શકાય છે. શરણાગતભાવથી ચાલતા આત્મસમર્પણ કરેલા સાધકો આ સૂક્ષ્મ માર્ગમાં પ્રવેશી શકે છે, જાણી શકે છે. આવા સાધકોમાં ભણેલા, ગણેલા કે અભણ, ધનિક કે ગરીબ, નોકર કે સાહેબનો ભેદ હોતો નથી. જે વ્યક્તિ, છળકપટ રહિત મન-ચિત્ત, બુદ્ધિથી નિર્મળ થવા પ્રયત્નશીલ હોય, ગુરુમંત્ર તથા ગુરુચરણમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવતાં હોય, આધાર વગર શંકાશીલ બની તર્ક-કુતર્કથી રહિત હોય, સદા સદ્ બુદ્ધિ-સદવિચાર જીજ્ઞાસુ બની સત્કર્મમાં જોડાયેલા રહેતા હોય, જેનો સ્વભાવ પરોપકારી હોય, દયાળુ હોય, નિષ્કામ હોય તેવા સાધકને જ ઈશ્વર પંસદ કરે છે, ઈશ્વર તેમજ સદગુરુની કૃપા સિવાય આ માર્ગમાં પ્રવેશ, ગતિ તેમજ સફ્ળતા અસંભવ છે. દલીલ તેમજ તર્ક બુદ્ધિને આધારે અહમ ભાવથી ભરપૂર વ્યક્તિને આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ મળતો નથી અને આત્મજ્ઞાનની સુગંધ પણ આવતી નથી. વેદો, શાસ્ત્રો, પુરાણોની ગૂઢ ભાષા, છણાવટ તેમજ સમજણ સર્વ સાધારણને આવતી નથી એટલા માટે સાધનામાં સમર્થ સદગુરુની આવશ્યકતા રહેલી છે.

ક્યારેક ક્યારેક મન સદ્ગુરુની આ પ્રક્રિયામાં આંતરમનની સફાઈમાં, શુદ્ધિમાં ક્ષિપ્ત-વિક્ષિપ્ત થઈ જતું હોય છે એટલે કે તેઓની મનઃસ્થિતિ ભ્રમાત્મક થઈ જતી હોય છે કે હું જે કાંઈ કરું છું તે યોગ્ય છે કે અયોગ્ય છે, હું ભ્રમમાં છું કે ઠીક છું. સારા માર્ગે છું કે ખરાબ માર્ગે છું. આ વિચિત્ર અનુભવો શા માટે મને થાય છે ? શું એના વગર લક્ષ્ય પ્રાપ્ત ન થઈ શકે ? શું આ ક્રિયાઓ કરવી જરૂરી છે ? જેને જેને ભગવાન મળ્યા છે તે લોકોની જીવનીમાં ઉલ્લેખ કેમ નથી ? આ કઈ જાતની સાધના છે ? ઉપાસના છે ? તે કંઈ મગજમાં સમજાતું નથી છતાં ભેજામારી કરવી નથી. સદગુરુ જે આદેશ આપે તે કરતાં રહેવું છે. જે થવાનું હોય તે થાય હવે તો બીજો કોઈ રસ્તો નથી. છોડીને કોઈ જગ્યાએ જવું નથી. હવે તો સદગુરુ ના ચરણમાં સમાવું છે, ગમે કે ન ગમે બધુ કરતાં ઝટ બધી ઉપાધિઓ દૂર થાય. કચરાઓ દૂર થાય અને લક્ષ્ય પ્રાપ્તિ થાય. આ રીતે વિચાર કરતાં સાધકોને જેમ તેમ કરીને સાધનામાં મૂઢ અવસ્થા આવે છે કે મન યોગ્ય-અયોગ્ય નિર્ણય લેવા માટે અસર્મથ થઈ જતું હોય છે. ક્યારેક ક્યારેક આવા સાધકો કોઈ જગ્યાએ સ્થિર થઈ શાંતિથી બેસી જતા હોય છે. કાંઈ બોલ્યા-ચાલ્યા વગર મનના ઘોડા પર બેસી દૂર દૂર દોડ લગાડતા હોય છે. સદગુરુ જે કાંઈ કરે-કરાવે છે તેમાં આપણે માથાકૂટ કરવી નથી તેમ માની સાધક કંટાળીને પણ બધું કરવા પ્રેરાતા હોય છે. આવી પરિસ્થિતિમાં સાધકોની અવસ્થા મૂઢ જેવી થઈ જતી હોય છે. કોઈપણ કામ કરવા જતા ક્યારેક સરખું થઈ જતું હોય છે તો કોઈકવાર વિપરીત થઈ જતું હોય છે. બોલચાલમાં પણ વિવેક-અવિવેકનો ખ્યાલ રહેતો નથી. ક્યારેક ક્યારેક આવી મનની અવસ્થામાં ન બોલવા જેવું બોલાઈ જતું હોય છે. ન વિચારવા જેવું વિચારાય જાય છે અને ક્યારેક ક્યારેક સ્વસ્થ થતાં પસ્તાવો પણ થતો હોય છે. સાધક કંટાળી, સાધના છોડી અથવા તો સદગુરુની ચાલતી પ્રક્રિયામાં ફેરફાર કરાવવા ઈચ્છતા હોય છે. સદગુરુ સાધકોની આવી ડામાડોળ પરિસ્થિતિ, મનની વિચિત્ર અવસ્થાઓ, સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારોને જોતા સમજતાં, જાણતાં હોવા છતાં અજાણ્યા બની સાધકોનું રક્ષણ કરતા હોય છે, સાધકોની દરેક ભૂલો, અવિવેકો માફ કરતા છતાં યોગ્ય સમયે યોગ્ય શિક્ષા આપતા, યોગ્ય માર્ગે ચાલવા પ્રેરણા આપતા હોય છે. સાધકની આવી પરિસ્થિતિ કયાં સુધી રહે છે તે અંગે નિર્ણય લેવો કઠિન છે છતાં સાધક સદગુરુ ચરણમાં સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ રાખી ચાલતા રહે, ગુરુ જે કંઈ કરે-કરાવે છે તેમાં મારું હિત સમાયેલું છે. અત્યારે ભલે ન ગમે, અયોગ્ય લાગે પણ ભવિષ્યમાં એનું પરિણામ સારું જ આવશે તેમ માની સહન કરતા સાધક ચાલ્યા કરે તો એક દિવસ સુંદર પરિણામ આવે છે અને ચિરશાંતિ પ્રાપ્ત થાય છે. ક્રમે ક્રમે મન નિરોધની અવસ્થા આવતી જાય છે. મનના સંકલ્પ, વિકલ્પ શમતા જાય છે, મન વિષય, વિકાર, વાસનારહિત થતું જાય છે. નિર્મળ થતું જાય છે અને સાધક ધીમે ધીમે શાંતિ અનુભવતા પાછળના બધા દુ:ખો, કષ્ટો ભૂલી ધન્યતા અનુભવતા હોય છે. સાધના ઉપાસનામાં સદગુરુ જે લયયોગ, ક્રિયાયોગ, આંતરયોગ પોતાની ઈચ્છા શક્તિથી કરાવી આગળ લઈ જતાં હોય છે તેમાં ડગલેને પગલે સાધકોની કસોટી થતી હોય છે. સાધકો ચલિત થઈ જતાં હોય છે અને ક્યારેક-ક્યારેક તો ગુરુ અને ગુરુમંત્રમાં પણ અશ્રદ્ધા જાગતી હોય છે, કંટાળો આવતો હોય છે અને સાહસ તૂટી જતું હોય છે. ઘણા સાધકોને તો સદગુરુનું ચિન્મય સ્વરૂપ દેખાતું હોય છે. માર્ગદર્શનની સ્પષ્ટતા થતી હોય છે. સાધક તે પ્રમાણે ચાલવા પ્રેરાતા હોય છે. સદ્ ગુરુની આવી ઉપસ્થિતિનો અનુભવ હોવા છતાં ઉપરોક્ત વર્ણવેલ ઉલ્ઝનો સાધકો સમક્ષ આવતા જ હોય છે પણ જે સાધકને સદગુર દેખાતા નથી, માત્ર ક્યારેક ક્યારેક અંતરવાણીમાં, ગેબી અવાજમાં સદગુરુ માર્ગદર્શન આપે છે તે સાધકોને તો ઘણી ઉલ્ઝનો આવતી હોય છે કારણ કે વિરોધી તત્ત્વો પણ ક્યારેક ક્યારેક ગેબી અવાજમાં સાધકોને ચલિત કરવા પ્રયત્ન કરતાં હોય છે. બોલતા હોય છે કે આ ગુરુમંત્ર છોડી દે. આ માર્ગ બરાબર નથી, તારા ગુરુ તને સારા માર્ગે નથી લઈ જતાં, માર્ગ બદલી દે નહિતર હેરાન થઈશ. એનાથી પણ સાધક ન માને, ગુરુમંત્ર તેમજ ગુરુમંત્રથી ચાલ્યા કરે, જાત જાતના પ્રલોભનો ઉપસ્થિત કરવામાં આવે છે. રિદ્ધિ-સિદ્ધિ, માન-પ્રતિષ્ઠા, ખ્યાતિ વધે તેવી વસ્તુઓ આપી ચલિત કરવા પ્રયત્ન કરતા હોય છે. આમાં પણ સાધક ચલિત ન થાય તો અનેક જાતની માયા, આવરણો ઉપસ્થિત કરી દરેક ઈન્દ્રિયોને ગમે તેવો ખોરાક ઉપસ્થિત કરી આકર્ષવા પ્રયત્ન કરતા હોય છે, આમાં પણ સાધક ચલિત ન થાય અને દરેક પરિસ્થિતિનો સામનો, સહન કરતાં આગળ ચાલ્યા કરે તો છેવટે લક્ષ્યપ્રાપ્તિ કરે છે

થોડાક એવા સાધકો પણ હોય છે કે જેઓને દૃશ્યાત્મક, ક્રિયાત્મક અનુભૂતિઓ થતી નથી, કાંઈ દેખાતુ પણ નથી, કાંઈ સંભળાતું પણ નથી. માત્ર બીજાના અનુભવો જોઇ સાંભળી ધૈર્ય રાખી, શ્રદ્ધા ઉત્પન્ન કરી સાધના ચાલુ રાખતાં હોય છે. સાધના દરમ્યાન અસંતોષ, અશાંતિ ઉપસ્થિત થતાં હોવા છતાં એમ વિચારતા હોય છે કે બીજા બધાને અનુભવ થાય છે તો મને પણ ક્યારેક જરૂર થશે. મારી અંદર વધારે દોષો આવરણો છે તે ભજન સાધના કરતા કપાઈ જશે ત્યારે મને પણ સદગુરુ બધું આપી દેશે. કલ્યાણ કરી દેશે તો ક્યારેક ક્યારેક એમ પણ વિચારતા હોય છે કે સદગુરુની મારી ઉપર કૃપા નથી થઈ. મારામાં ઘણા દોષો આવરણો છે. બીજા બધાને સદગુરુએ અપનાવી લીધા છે. મને કેમ નથી અપનાવતા ? અગર સદગુરુ મારી ભૂલો દોષો બતાવે અને માર્ગદર્શન આપે તે પ્રમાણે હું ચાલુ અને આત્મકલ્યાણ કરું. આમ વિચાર કરતા આવા સાધકો મંત્રજાપ કરતા હોય છે, સાધના કરતા હોય છે અને ધ્યાનમાં બેસવા પ્રયત્ન કરતાં હોય છે છતાં બીજાની માફક તેઓને અનુકૂળ અનુભવ-અનુભૂતિઓ ન થતા શ્રદ્ધા-અશ્રદ્ધામાં ઝૂલતા, ઘણા સાધકોની પરિસ્થિતિ ખૂબ જ કઠિન, શંકામય છતાં સદગુરુની દ્રષ્ટિમાં જ્ઞાનથી સભર આવા સાધકોની સ્થિતિ ખૂબ જ સારી ગણાય છે. આવા સાધકો ધૈર્ય રાખી, જ્ઞાનયુકત થઈ સદગુરુ મંત્રનું સ્મરણ કરતાં ઉપદેશ અમલમાં મૂકતા, હું તત્ત્વો, અહંકારથી પણ રહિત દરેક કર્મો ક્રિયાઓનો દૃષ્ટા આત્મા છું. હું પોતે ઈષ્ટના સ્વરૂપ છું અથવા તો ઈષ્ટનો અંશ છું તેમ માની ચાલે, શ્વાસોશ્વાસમાં ગુરુમંત્ર, ઈષ્ટમંત્ર, સોહમ્ અથવા પ્રણવનો જાપ કર્યા કરે, સતત મૂળ સ્વરૂપની યાદીમાં મસ્ત રહે તો આવા સાધકો કોઈ જાતની દૃશ્યાત્મક અનુભૂતિ કર્યા સિવાય સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.

આવી પરિસ્થિતિમાં પસાર થતાં સાધકોમાં ઘણા ભણેલા-ગણેલા, તર્ક-કૃતર્કથી યુક્ત, શંકાશીલ બુદ્ધિના આધારે ચાલતા સાધકો વધારે ઉલ્ઝનમાં પડી જતાં હોય છે. ગુરુ ચરણમાં શ્રદ્ધા, વિશ્વાસ ગુમાવી પોતાના સિમિત જ્ઞાનના આધારે પોતાની મેળે નવો માર્ગ શોધી લેતા હોય છે અને તેમાં સિમિત જ્ઞાનને આધારે અસફ્ળ બની પસ્તાતા પણ હોય છે

સાધનામાર્ગમાં સદગુરુ ચરણ, શ્રદ્ધા-વિશ્વાસ ખૂબ જ જરૂરી છે. સદગુરુની લીલા સમજવી ખૂબ જ કઠિન છે. સાધારણ માનવી કે જે સિમિત જ્ઞાંન ધરાવતા, શાસ્ત્રોની ગૂઢ સમાધિ ભાષાની જાણકારીથી રહિત છે, તર્ક-કુતર્કના આધારે વૈખરી-વાણી સુધીમાં જે પ્રવેશેલા છે, અનુભૂતીથી દૂર છે, તેવા શંકાશીલ, અર્ધદીગ્ધ, જ્ઞાની, વિદ્વાન સદ્ગુરુની લીલા સમજી શકે નહી.

આધ્યાત્મિક માર્ગમાં વાંચન, શ્રવણ, સત્સંગ જ્ઞાન બોધ જરૂરી હોવા છતાં સદગુરુ ચરણમાં શરણાગતિ, શ્રદ્ધા-વિશ્વાસ પ્રથમ સ્થાન ધરાવે છે. વિશેષ તો સાધકો સાધના કરતા જેમ જેમ આગળ વધશે તેમ તેમ વધારે સમજાયા કરશે.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"સાધનામાર્ગમાં સદગુરુ ચરણ, શ્રદ્ધા-વિશ્વાસ ખૂબ જ જરૂરી છે. સદગુરુની લીલા સમજવી ખૂબ જ કઠિન છે. સાધારણ માનવી કે જે સિમિત જ્ઞાંન ધરાવતા, શાસ્ત્રોની ગૂઢ સમાધિ ભાષાની જાણકારીથી રહિત છે, તર્ક-કુતર્કના આધારે વૈખરી-વાણી સુધીમાં જે પ્રવેશેલા છે, અનુભૂતીથી દૂર છે, તેવા શંકાશીલ, અર્ધદીગ્ધ, જ્ઞાની, વિદ્વાન સદ્ગુરુની લીલા સમજી શકે નહી."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Sadhana Marg Upasna Anubhuti Anubhav MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace