Skip to main content

શ્રી કૃષ્ણ જન્મોત્સવ

દેશ-કાળ-પરિસ્થિતિને અનુસરી સમય-સમય ઉપર જગતનાં કલ્યાણ માટે ઈશ્વરનો અવતાર થાય છે. આ વિષે વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં સપ્રમાણ ઉલ્લેખ છે. તે શાસ્ત્રોનાં જુદા જુદા પ્રમાણ અહીં આપવાની જરૂરત નથી. આનાથી બધા પરિચિત છે. ગીતાના ચોથા અધ્યાયમાં સાતમા તેમજ આઠમાં શ્લોકમાં ભગવાન સ્વમુખે બોલ્યા છે તે શ્લોકો નીચે પ્રમાણે છે.

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત,
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ।
પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ્,
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ||

ભગવાન અર્જુનને કહે છે કે, "હે અર્જુન ! જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મનું સામ્રાજ્ય આ ભૂમંડળ ઉપર છવાય છે, ત્યારે ત્યારે આ ભૂમંડળ ઉપર હું અવતરિત થાઉં છું. અવતરિત થઈને સાધુ, સંતો, શરણાગત ભકતોનું રક્ષણ કરી, દુષ્કર્મોનો નાશ કરી, ધર્મની સ્થાપના કરી છું." આ શ્લોકના આધારે ભગવાન સમય સમય ઉપર ભૂમંડળ ઉપર અવતરિત થાય છે, તેમાં લેશ માત્ર પણ શંકા નથી. રામાવતાર, કૃષ્ણાવતાર, નૃસિંહાવતાર, વામનાવતાર, કચ્છપાવતાર, મત્સ્યાવતાર, વરાહાવતાર વગેરે અનેક સ્વરૂપોમાં, સમય, સંજોગોને અનુસરીને ભગવાન પધારેલ છે અને જગતનું કલ્યાણ કરેલ છે.

અવતાર વિષે બધા સુપરિચિત છે, છતાં અહીં તેનો થોડો ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે કે - અવતારના અનેક સ્વરૂપો હોય છે. જેમ કે, અંશાવતાર, કલાવતાર, ઉપદેશાવતાર, જલચરાવતાર, સ્થળાવતાર, પૂર્ણાવતાર, શબ્દબ્રહ્માવતાર, મંત્રબ્રહ્માવતાર વગેરે. જ્યારે જ્યારે આ ભૂમંડળ ઉપર અસત્ય, પાપ, દંભ, પાખંડ, અત્યાચાર, અનીતિ પરાકાષ્ટા ઉપર પહોંચે છે, આસુરી પરિબળો દૈવી પરિબળો ઉપર કબજો મેળવી લેવાની તૈયારી બતાડે છે ત્યારે ત્યારે સત્ય, ન્યાય, નીતિ, ધર્મના આધારે જીવનારા પવિત્ર આત્માઓએ કરૂણ સ્વરથી પ્રાર્થના કરી, ત્રાહીમામ થયેલા દેવોએ જ્યારે ભગવાનને પુકાર્યા છે, ત્યારે શરણાગત ભકતોના ઉધ્ધાર માટે, પૃથ્વીનો બોજ હળવો કરવા માટે ધર્મની થાપના માટે ભગવાનનો અવતાર થાય છે. ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર એ જ રીતે થયો છે.

ઈશ્વરનો અવતાર કયાં, કઈ રીતે થયો છે તે પણ રહસ્યાત્મક છે. ઈશ્વરનું અવતરણ થાય છે તે માટે માનવશક્તિ ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. જે દંપતિ પવિત્ર જીવન ગાળતાં, ધર્મનું આચરણ કરતાં, સાધના ઉપાસના કર્યા છે, જેનો અન્નમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ પવિત્ર બન્યા છે, પ્રાણોની શુધ્ધિ થઈ છે, ચક્રોના બંધન તુટયા છે, ત્યાંજ પરમાત્માનું અવતરણ થયું છે. આ પવિત્ર શરીર એક જન્મમાં બનતું નથી. અનેકો જન્મોની સાધના ઉપાસનાથી આવું શરીર બને છે. મનુ-શતરૂપા જ્યારે ખૂબ જ તપસ્યા કર્યા છે ત્યારે તે બીજા જન્મમાં દશરથ-કૌશલ્યા રૂપે ભગવાન શ્રીરામના માતા-પિતા બનવા સમર્થ બન્યા છે, તે જ રીતે પૂર્વજન્મોની કઠિન તપશ્ચર્યાને પરિણામે વાસુદેવ-દેવકીને કૃષ્ણના માતા-પિતા થવાનું સૌભાગ્ય મળ્યું છે. નિરંજન નિરાકાર પરબ્રહ્મ પરમેશ્વર, નિરાકાર હોવા છતાં સાકાર પણ છે, ભક્તોની વચ્ચે સ્થૂળ શરીરે દેખાતા હોવા છતાં ચિન્મય સ્વરૂપમાં હોય છે. પોતાની લીલા, પોતાનું નાટક પુરૂ કરી જ્યારે તે પોતાના મૂળ સ્વરૂપમાં પ્રવેશી જાય છે, ત્યારે જ બધા તે ભગવાન છે તેમ સમજી શક્યા છે.

ભગવાન શ્રીકૃષ્ણચંદ્ર સિધ્ધાંત અનુસાર શ્રાવણ વદ આઠમના મધ્ય રાત્રે રોહિણી નક્ષત્રમાં અવતર્યા છે અને સૂર્ય સિધ્ધાંત અનુસાર ભાદરવા વદ આઠમને મધ્ય રાત્રિએ રોહિણી નક્ષત્રમાં અવતર્યા છે. ભગવાનનો અવતાર જે મહિનામાં, જે પક્ષમાં, જે તિથિમાં, જે સમયે થાય છે, તેમાં કઈંક રહસ્ય ભરેલું હોય છે. ઈશ્વરની લીલા અને ઈશ્વરનું રહસ્ય જે જેટલું સમજાવા ઈચ્છે તેટલું જ મનુષ્ય સમજી શકે છે. શ્રીમદ્ ભાગવત કે ગીતા સમાધિ ભાષામાં છે, તેનો ગૂઢાર્થ જલ્દી સમજી શકાતો નથી. ભગવાન શ્રીકૃષ્ણ પરબ્રહ્મ પરમેશ્વર છે, જે અણુ અણુમાં વ્યાપ્ત છે, સર્વત્ર એક સમાન સ્થિર છે, તેમાં તેનું આવવું-જવું સંભવે જ નહીં, તો તે આપણી વચ્ચે આવીને ગયા છે તેમ મનાય નહીં. તે હજુ પણ આપણી વચ્ચે છે, તેની ઝાંખી-દર્શન થાય છે, તે માટે પ્રયાસ કરવો જોઈએ. 'યથા પિંડે તથા બ્રહ્માંડે' ના આધારે શરીર પણ એક બ્રહ્માંડ છે. મૂલાધારથી સહસ્ત્રાધાર સુધીના ચક્રોમાં લોક લોકાંતરનો વાસ છે. બધા દેવો બિરાજી રહ્યા છે પણ આ જાણવા તેમજ જોવા માટે સૂક્ષ્મ દૃષ્ટિ, સૂક્ષ્મ જ્ઞાન જોઈએ. તે કોઈ સિધ્ધ સમર્થ ગુરુ સિવાય સંભવે જ નહીં. ભગવાન શ્રીવિષ્ણુ ત્રેતાયુગમાં સૂર્યવંશમાં અવતર્યા હતા. સૂર્યને લાભ આપ્યો હતો, દિવસને લાભ આપ્યો હતો, તેઓના નિમિત્તે સૂર્યના અન્ય પક્ષો, નક્ષત્રો, દિવસો પણ સાર્થક બને. આ વખતે તેઓ ચંદ્ર પક્ષને સ્વીકાર્યા છે, ચંદ્રવંશને સ્વીકાર્યા છે. રામાવતારમાં દિવસે બાર વાગે પધાર્યા છે અને કૃષ્ણાવતારમાં રાત્રે બાર વાગે પધાર્યા છે. પોતાના ચિન્મય શરીરમાં રોહિણીના ઉદરથી નથી અવતર્યા, પણ કે રોહિણી નક્ષત્રને ગ્રહણ કરી માતાને સંતોષ આપવા માટે અવતરિત થયા છે. વાસુદેવ અને દેવકી એટલે પ્રકૃતિ અને પુરુષ, કે જે નાટક માટે તત્ત્વો ગુણોથી નિર્મિત અંતઃકરણ ચતુષ્ઠયના આધારે જે સ્થૂળ શરીર લઈ ઉપસ્થિત છે, તેઓની અંદર શુધ્ધ બુધ્ધ પવિત્ર આત્મા તપોબળના આધારે મુકત થવાની કોટિ ઉપર પહોંચેલા છે. તેઓને નાટકના સ્ટેજ ઉપર જીવભાવમાં મુકી ઉપદેશ આપે કે જ્યારે જીવાત્મા અહંકાર, દંભ, પાખંડની બેડીઓમાં જકડાઈ જાય છે, ખૂબ ત્રાસિત થાય છે ને મને પુકારે છે, ત્યારે અજ્ઞાનરૂપી અંધકારની વચ્ચે બંધનમાં પડેલા જીવાત્માને ત્યાં હું પ્રગટ થાઉં છું. મધ્યરાત્રીનો આશય જ્ઞાનીઓ-ભકતો હૃદયથી લે છે. શરીરનો મધ્યભાગ હૃદય છે. જ્યારે હૃદયમાં અજ્ઞાન, અંધકાર છવાઈ જાય છે અને જીવાત્મા જ્યારે ઈશ્વરને પ્રેમથી પુકારે છે, ત્યારે તેના હૃદ્યયમાં ઈશ્વરનું પ્રાગટ્ય થાય છે. ઈશ્વર પ્રગટ થાય ત્યારે સત્ત્વ, રજ, તમમાં બંધાયેલા મમતા, મોહ, આસક્તિમાં જકડાયેલા "સ્વ" સ્વરૂપને ભૂલી જીવભાવમાં ભટકતા, નિત્ય મુકત હોવા છતાં પોતાને બંધનમાં માની બેઠેલા જીવાત્માને અજ્ઞાનરૂપી બંધન ઈશ્વરના પ્રાગટયથી તૂટી જાય છે. આ તો જ્ઞાનની ચર્ચા થઈ. સીધી રીતે સમજવા જઈએ તો જેઓને ત્યાં ભગવાન પધારવાના છે તે દંપતિને બંધન ક્યાંથી ? છતાં આ બંધન બોધ આપે છે કે - હું કયારે કઈ રીતે જગતના વચ્ચે આવું તેનું રહસ્ય કોઈ સમજા શકે નહીં. વસુદેવ-દેવકીને ત્યાં ભગવાનનું અવતરણ, રાતો-રાત ગોકુળમાં ગમન, આ બધું રહસ્યાત્મક છે. ભગવાન જેલમાં કેમ જન્મે ? સાધારણ શક્તિશાળી કંસથી ડરીને ગોકુળ કેમ જતા રહે ? આ ભાગવતની સમાધિ ભાષા સમજવા માટે ઘણો સમય જોઈએ અને સાથોસાથ પોતાની તૈયારી પણ જોઈએ. શ્રીકૃષ્ણનું રહસ્ય લીલામય છે. સિમિત બુધ્ધથી, તર્ક કુતર્કથી કોઈ સમજવા માગે તો ઉલઝનમાં પડી શકે છે, બુધ્ધિ ભ્રમિત થઈ શકે છે. ભગવાને ગોપ-ગોપીઓ સાથે રાસલીલા કર્યા છે. તે ગોપ-ગોપીઓ કોણ હતાં તે અંગે ભાગવત પુરાણો સ્પષ્ટતા કરે છે કે - અનેક જન્મોથી સાધના કરતા, ઉપાસના કરતાં ઋષિઓ, ગોપ-ગોપી બનીને ભગવાન શ્રીકૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત કરેલ છે. ઉગ્રતપા, સત્યતપા, હરિધામા, જાબાલિ વગેરે ઋષિઓ સુનંદા, સુભદ્રા, રંગવેણી, ચિત્રગંધા નામની ગોપીઓ બની ઉપસ્થિત થયાં હતાં.

ખૂબ સાધના ઉપાસના કરશો, પવિત્રતાથી રહેશો, સત્ય, ન્યાય નીતિથી જીવશો ત્યારે તમને પણ ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થશે, તમારા હૃદયમાં પણ ઈશ્વરનું પ્રાગટય થશે, તમો ભગવાનને જોઈ શકશો, અનુભવી શકશો અને આનંદ પ્રાપ્ત કરી શકશો, જ્યારે પવિત્ર બનશો, યોગ્ય બનશો, સંપૂર્ણ શરણાગતિ સ્વીકારશો, ત્યારે કોઈ સિધ્ધ સમર્થ ગુરુની પ્રાપ્તિ થશે અને ગુરુકૃપાના આધારે મૈત્રશક્તિ, શબ્દબ્રહ્મને સહારે તમારું ત્રીજું નેત્ર ઉઘડી જશે અને ત્યારે તમો ઈશ્વરને જોઈ શકશો, અને અનુભવી શકશો. આ ચર્મચક્ષુથી ઈશ્વરનું દર્શન થતું નથી. ચર્મચક્ષુ તો માયા જોવા માટે છે, બ્રહ્મ નહીં. ભગવાન કૃષ્ણ જ્યારે બધાયની વચ્ચે હાજરાહજુર હતા, ત્યારે તેઓને કોઈ ઓળખી શકયા ન હતા. "આ ભગવાન છે" તેમ કોઈએ સંપૂર્ણરીતે માન્યા નથી. તે વખતે લોકોએ વિરોધ કર્યો છે. તેઓની સામે લડ્યા છે અને જ્યારે પોતાની લીલા પૂરી કરી પોતાના લોકમાં પધારી ગયા છે, એટલે કે મૂળ સ્વરૂપમાં ગયા છે ત્યારે આજે લોકોએ ભગવાન શ્રીકૃષ્ણને ભગવાન માન્યા છે. સ્થૂળ શરીરમાં દેખાતાં શ્રીકૃષ્ણ સમક્ષ લોકોએ નિંદા કરી છે, ઝગડ્યા છે અને વિરોધ કર્યો છે પણ આજે લોકો તેઓના ફોટા ઘેર-ઘેર રાખી પૂજે છે અને ભગવાન માને છે. આ જ ભગવાનની લીલા છે. અર્જુનની સાથે ભગવાન ચોવીસ કલાક હાજર હતા છતાં ભગવાન બોલે છે કે, “હે અર્જુન ! આ ચર્મચક્ષુથી આ મારા શરીરને તું જુએ છે તે હું નથી. મારુ સ્વરૂપ જોવા માટે ત્રીજુ નેત્ર જોઈએ. દિવ્યચક્ષુ જોઈએ તે સિવાય તું જોઈ શકીશ નહીં.” જ્યારે અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને ગુરુ માન્યા છે, ત્યારે ભગવાને અર્જુનને દિવ્યચક્ષુ આપ્યા છે જેના વડે અર્જુન ભગવાનના વ્યાપક વિરાટ સ્વરૂપને જોઈ શક્યા છે. ભગવાન કૃષ્ણના અવતારનું ફળ શું છે, તે ઉપર વિશેષ ખ્યાલ આપવો જોઈએ. ભગવાન કૃષ્ણ જ્યારે પ્રગટ થયા છે, ત્યારથી જ આસુરી પરિબળોનો સંહાર ચાલુ કર્યો છે. જેમ કે, પૂતના, તૃણાવૃત, બકાસુર, ધેનુકાસુર વગેરે. કૃષ્ણ અવતરણનું ફળ એ છે કે - આપણી અંદર ઘુસીને બેઠેલી અપવિત્ર માયાવી દુ:ખદાયિની પૂતના રૂપી નિશાચરીનો નાશ થાય. દુઃખ, સુખ, લાભ, હાનિ, મૃગતૃષ્ણા જેવા, ઝાંઝવાતના જળ જેવા સુખરૂપમાં ભાસિત હોવા છતાં દુઃખરૂપ છે. તે વંટોળીયા દૈત્યનો સંહાર તે જ તૃણાવૃત છે. દરેક ઈન્દ્રિયોમાં ફ્સાઈને દરેક આવરણમાં વીંટાઈને જે આત્મા દુઃખી થઈ રહ્યા છે, તે દ્વંદ્રોનો નાશ તૃણાવૃત છે. એ જ અહંકારરૂપી આસુરી તત્ત્વોનો નાશ કૃષ્ણાવતારમાં થાય છે. આજે તમે લોકો ભગવાન કૃષ્ણના ફોટા રાખી કે મૂર્તિ રાખી શૃંગાર કરી સજાવી પ્રસાદ વિતરણ કરી ભગવાન કૃષ્ણની વાહ વાહ સાંભળી અને સંભળાવી જતા રહો, પ્રસાદ ખાઈને હાથ ખંખેરી ઘેર જઈને સૂઈ જાઓ તે કૃષ્ણ જન્માષ્ટમી નથી. કૃષ્ણ એટલે પ્રવૃત્તિ-નિવૃત્તિથી પર જે પરમેશ્વર છે. સમય ઉપર સાકાર રૂપમાં પધારે છે છતાં ત્યારે પણ નિરાકાર રૂપમાં અણુ-અણુમાં વ્યાપ્ત છે તે પરમેશ્વરની ઝાંખી તમારા હૃદયમાં થાય, તમારી અંદરના કામ, ક્રોધ, મદ, લોભાદિ વિકારો આસુરી તત્ત્વનો નાશ થાય, તમારી અંદર સત્ય, ન્યાય, નીતિ, વિશ્વપ્રેમ, ઉદારતા સરલતાનો વિકાસ થાય, ત્યારે કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્ત્વ કહી શકાય. કોઈના વખાણ કરવાથી કોઈના નામે પ્રસાદ વેંચી ખાઈ ખવડાવી લેવાથી તમને કંઈ લાભ મળશે નહીં. જેના નામે તમે ભેગા થયા છો, ઉત્સવ મનાવો છો તેઓ જગતની વચ્ચે આવીને શું સહન કર્યું છે, શું બોધ આપ્યો છે, શું કર્યું છે, કેટલું સહન કરીને પણ જગતનું કેટલું કલ્યાણ કર્યું છે આ વાત ન સમજાય, તમારા જીવનમાં તેઓના ગુણ, તેઓનો પ્યાર, તેઓની ઉદારતા, તેઓનો પ્રેમ ન ઉતરે ત્યાં સુધી જયંતિનો કોઈ અર્થ સરે નહીં, ભગવાન શ્રીકૃષ્ણે માખણ-મીસરી ખાધાં છે. ગોપીઓના મટકા ફોડ્યા છે. તેનું રહસ્ય સમજવાનું રહે છે. મટકી ફોડી, ભગવાન શ્રીકૃષ્ણે બોધ આપ્યો છે કે કેટલા જન્મોથી સાધના-ઉપાસના કરતા તમો લોકો આજે માતા-પિતા, ભાઈ-બહેન, બંધુ, ગોપી, ગોવાળના રૂપમાં ઉપસ્થિત થયા છો. અત્યારે તમારી આસક્તિ જડમાં ન હોવી જોઈએ, જે નશ્વર છે, તેમાં તમારુ મમત્ત્વ, આસક્તિ ન બંધાય તે માટે તમારી મટકી ફોડી નાખું છું. તેની અંદર જે માખણ છે. સાર વસ્તુ છે તે હું ખાઈ લઉં છું. ફ્કત કાર્ય સિધ્ધી માટે જ જડનો આશ્રય લેવાનો હોય છે, કામ પુરું થયા પછી તે જડને મૂકી દેવાના હોય છે. મટકીનો અર્થ શરીર સાથે છે. પાંચ તત્ત્વો, ત્રણે ગુણોથી બંધાયેલા, શરીર, નામ-રંગ-રૂપથી ઓળખાતા જડ શરીર તમે નથી. તમે આત્મા છો. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિરૂપી માખણનો સ્વાદ લેતા, પોતાના સ્વરૂપને ઓળખો. આ બોધ ભગવાન શ્રીકૃષ્ણે સૌને આપ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલા હ્દયાત્મક હોય છે. તેઓ જે કંઈ કરે છે તેનું રહસ્ય સમજવું જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણે ગૌચારણ કર્યા છે, ગોવાળીયા સાથે ફર્યા છે, ગોપીઓ સાથે રમત ગમત કર્યા છે, માખણ-મીસરી ખાધાં છે અને છેવટે ગોપી ગોવાળને મૂકી પોતાના વિરાટ સ્વરૂપમાં પ્રવેશ્યા છે. "ગૌ" એટલે ઈન્દ્રિયો, તેનું જ રક્ષણ કરે, પાલન કરે, પોતાના આત્મ સ્વરૂપને ઓળખે, તે ગોપ અને જે ઈન્દ્રિય રસને અંતરમુખ કરી લે, પી જાય, તે જ ગોપી. એવા આત્માઓની સાથ રહેનાર "ગોપાલ" એટલે કે "કૃષ્ણ".

સાત્વિકી શ્રદ્ધા એ જ "ગાય" છે. પૂજન, જપ, તપ, નિયમ, આચાર એ જ લીલું ઘાસ છે. ભાવ તે જ ગાયના વાછરડા છે. નિવૃત્તિ તે જ નોંજણું છે. વિશ્વાસ તે જ દૂધ દોહવાનું પાત્ર છે. પોતાનું નિર્મળ મન તે જ ગોવાળીયા છે. પવિત્રતા તે જ પવિત્ર દૂધ છે. નિષ્કામતા જ અગ્નિ છે જે દૂધને ગરમ કરે છે. સંતોષ તે જ ઠંડો પવન છે, જે ગરમ દૂધને શીતળ બનાવે છે. ક્ષમા તે પવનને ઝીલે છે. ધૈર્ય તે જ જામણ છે. પ્રસન્નતા મથનારી ગોપી છે. સુવિચારરૂપી ઝરણી છે. દમ એ ઝરણીનો આધાર છે. સત્ય અને મીઠી વાણી ઝરણી ફેરવવાની રસી છે. આ સાવધાનીથી મથ્યા પછી જે નીકળે તે વૈરાગ્યરૂપી માખણ છે. આટલી મહેનતથી જીવાત્માને નિત્ય-અનિત્ય, સુખ-દુ:ખ, યોગ્ય-અયોગ્ય સમજાતા અનિત્ય સંસાર તરફ્થી વૈરાગ્ય જાગે છે.

આ વૈરાગ્યરૂપી માખણમાં છાશનો ભાગ હોય છે. છાશ હોય ત્યાં સુધી દીવો બળે નહીં. આ રૂપક સવિસ્તૃતપણે જાણવું હોય તો રામાયણનાં ઉત્તરકાંડમાં કાગભુશંડીનો પ્રસંગ જોવો જોઈએ. એટલે ભગવાન શ્રીકૃષ્ણ તે માખણને ખાઈ જતાં એટલે વૈરાગ્યમાં જે કચાશ હોય તેનું ભક્ષણ કરતાં. વૈરાગ્ય દૃઢ બને, પવિત્ર બને, શુધ્ધ ઘી બને એના માટે યોગરૂપી અગ્નિની જરૂરત રહે છે. યોગ, ધ્યાન કર્યા સિવાય, વૈરાગ્યમાં દ્રઢતા આવતી નથી. સાચુ લક્ષ્ય દેખાતું નથી. વૈરાગ્યમાં જન્મજનમાંતરથી સંચિત થયેલા શુભ અને અશુભ કર્મરૂપી છાશનો ભાગ સમાયેલ હોય છે, જ્યારે ગુરુની કૃપા થાય છે, તેઓની કૃપાને આધારે હઠયોગ, રાજ્યોગ, લયયોગ, ક્રિયાયોગ અને આંતરયોગ થવા લાગે છે. ત્યારે શુભ-અશુભ કર્મોરૂપી છાશ સળગે છે, જ્ઞાનનો વિકાસ થાય છે. બુધ્ધિ નિર્મળ બને છે, ચિત શુધ્ધ અને સ્થિર બને છે, અને ક્રમે-ક્રમે ત્રણેય ગુણો, ત્રણ અવસ્થાથી જીવાત્મા ઉંચા ઉઠે છે. તુર્યા તેમજ તુર્યાતીત અવસ્થામાં પહોંચે છે અને એ અવસ્થામાં પહોંચ્યા પછી તપેલા વૈરાગ્યરૂપી માખણમાંથી નીકળેલા જ્ઞાનરૂપી ઘી ચિત્ત રૂપી કોડિયામાં બળે છે, ત્યારે જીવને ‘અહં બ્રહ્મોસ્મિ' નો બોધ થાય છે. સોહમ નો બોધ થાય છે અને સોહમનો જાપ ચાલવા લાગે છે. જ્યાં સુધી સોહમનો અજપાજપ અખંડ તૈલધારાવત્ ન બને ત્યાં સુધી સાધકને ભય રહેલો હોય છે. સાવધાની વર્તવાની રહે છે. સિધ્ધ સમર્થ ગુરુનું સાનિધ્ય સતત સાધવાનું રહે છે, અગર સોહમના અજપાજપમાં પ્રવેશ કરેલા સાધકની પાછળ ગુરુકૃપા ન હોય તો તે સાધક અનેક વિઘ્નો-અનેકો આવરણોનો શિકાર બને છે એ સાધનામા ચ્યુત થઈ ફરી જીવભાવમાં આવી જન્મ-મરણના ચક્કરમાં આવી પડે છે.

વાસ્તવમાં ભગવાનનું માખણ એ જ છે કે જેનું ઉપર વર્ણન કરવામાં આવેલ છે. ભગવાન કૃષ્ણે પણ ગીતામાં યોગ ધ્યાન વિશે યત્ર-તત્ર ઉલ્લેખ કરેલ છે. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં દશમાં શ્લોકથી ચોવીશમાં શ્લોક સુધી યોગ, ધ્યાન વિશે લખ્યું છે તે સિવાય અન્ય અધ્યાયમાં ઉલ્લેખ કર્યો છે.

તમારું હ્દય ગોકુળ છે, ઈન્દ્રિયોનો સમુદાય વૃંદાવન છે એટલે કે આનંદવન છે. તમારું મન તમારી બુધ્ધિને નંદ-યશોદા, વાસુદેવ-દેવકી જેવા પવિત્ર બનાવો, ઈન્દ્રિયોને અંતરમુખ કરો, વિષય-વિકારને પી જાઓ, જેથી કરીને ભગવાન કૃષ્ણનું પ્રાગટય તમારા હૃદયમાં થાય.

ઈન્દ્રિયો ઉપર વિજય, મન-ચિત્ત, બુધ્ધિની શુધ્ધિ કોઈ સમર્થ ગુરુ સિવાય થતી નથી. એટલે હું બોલું છું કે - “હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત” મંત્ર સિધ્ધો, સંતો કે પરમેશ્વરે, દેશ-કાળપરિસ્થિતિને અનુલક્ષીને આપ્યા છે. આ મંત્રથી સહજરૂપે યમ, નિયમ, આસન, પ્રાણાયામ થાય છે. મન, ચિત્ત, બુધ્ધિ પવિત્ર બને છે. કોષો-પ્રાણોની શુધ્ધિ થાય છે. એમ કરતા-કરતા તમારું હૃદય પવિત્ર બનાવી. તમારા ઈષ્ટની ઝાંખી, તમારા હૃદયમાં કરાવે છે. હવે “ગોવિંદ જય જય, ગોપાલ જય જય” ધુનની આગળ-પાછળ “હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત” ની ધુન બોલાવો પછી સદગુરુ પરમાત્માનાં ચરણનું ધ્યાન કરી ધ્યાનમાં બેસો, જુઓ ઘણાને ભગવાન કૃષ્ણની ઝાંખી થાય છે કે નહીં. જેઓને દર્શન ન થાય, ધ્યાન ન લાગે તેઓ ધ્યાન લાગેલા - દર્શન થયેલા વ્યક્તિઓ ઉપર ઈર્ષા ન કરે, તર્ક-કુતર્ક ન કરે, દલીલ ન કરે, કારણ કે ધ્યાન ન લાગતાં, દર્શન ન થતાં હોય તેવા આત્માઓ પણ કોઈ ઉંચી કક્ષાના હોય છે. તેઓની સાધના જન્મજન્માંતરથી નિરાકાર પરબ્રહ્મની હોય છે એટલે તેઓને જલ્દી ધ્યાન કે દર્શન થતાં નથી. આ મંત્ર કરતાં ટૂંક સમયમાં અનુભવ થાય છે. તો ઘણાય એવા હોય છે કે જેઓએ કોઈ દિવસ ભજન, સાધના, ઉપાસના કર્યા નથી તેઓને શુભ કર્મોનું બેલેન્સ નથી તો તેને ધ્યાન કયાંથી લાગે ? મંત્ર વિષે, ધ્યાન વિષે ફરી કયારેક ચર્ચા થશે. આજે તો ભગવાન શ્રીકૃષ્ણના નામ લેતાં તેઓની કૃપા પ્રાપ્ત થાય તે અપેક્ષા સાથે સદગુરુને પ્રાર્થના કરી ધ્યાનમાં બેસો.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"શ્રીમદ્ ભાગવત કે ગીતા સમાધિ ભાષામાં છે, તેનો ગૂઢાર્થ જલ્દી સમજી શકાતો નથી. ભગવાન શ્રીકૃષ્ણ પરબ્રહ્મ પરમેશ્વર છે, જે અણુ અણુમાં વ્યાપ્ત છે, સર્વત્ર એક સમાન સ્થિર છે, તેમાં તેનું આવવું-જવું સંભવે જ નહીં, તો તે આપણી વચ્ચે આવીને ગયા છે તેમ મનાય નહીં. તે હજુ પણ આપણી વચ્ચે છે, તેની ઝાંખી-દર્શન થાય છે, તે માટે પ્રયાસ કરવો જોઈએ."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Shree Krishna Janm Jayanti Janmashtami MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace