Skip to main content

સાધના એટલે શું ?

વેદો, શાસ્ત્રો, પુરાણો, સંતો, મહાપુરુષો વારંવાર આત્મ કલ્યાણાર્થે સાધના-ઉપાસના ઉપર ભાર મુકતા હોય છે, મહાપુરુષોના સત્સંગમાંથી જે કંઈ યાદ રહ્યું છે તેનો સાર અહીં આપી રહ્યો છું.

(૧) સાધના એટલે પોતાને સદા તત્ત્વો, ગુણો, પ્રકૃતિ તેમજ અંતઃકરણથી જુદા આત્મ સ્વરૂપમાં મુકી દેહાધ્યાસ ભૂલવાનો પ્રયાસ અને સતત એક જ ચૈતન્ય બ્રહ્મની ઝાંખીનો પ્રયાસ.

(૨) સાધના એટલે વિવિધ વિષય વિકારોમાં ઉલઝી ગયેલી ઈન્દ્રિયોને, મનને, પ્રેમથી, સત્સંગથી, જ્ઞાનથી સમજાવતા ક્ષણિક સુખો તેમજ નશ્વર વસ્તુઓમાં આસક્તિનો ત્યાગ કરાવતાં સાવધાનીથી સાત્ત્વિક શુદ્ધ બુધ્ધિના સહારે ધૈર્ય અને સંતોષ સાથે લક્ષ્ય તરફ વળતા રહેવું.

(૩) સાધના એટલે ભવસાગરની અંદર સંકલ્પ-વિકલ્પરૂપી વિવિધ તરંગોની વચ્ચે કુશળ તરવૈયાની જેમ મનને સમજાવી સુરક્ષાપૂર્વક તરતા કિનારે આવવાનો પ્રયાસ.

(૪) સાધના એટલે મનમોહક, આકર્ષક ભૌતિક વિવિધ ક્ષણિક સુખોમાં આસક્તિનો ત્યાગ અને સાંસારિક વ્યવહારિક બધી જવાબદારીઓમાં અસંગ અને અલિપ્ત ભાવે પોતાની ફરજ અદા કરતાં સ્વસ્થ રહેવું.

(૫) સાધના એટલે નીતિ, નિયમ, સચ્ચાઈ, ઈમાનદારીથી જીવનપથ પર ચાલતા વચ્ચે-વચ્ચે ઉપસ્થિત સુખ-દુઃખને પોતાના કરેલા કર્મોનું ફ્ળ સમજી કોઈના પર દોષારોપણ કર્યા સિવાય તે પ્રારબ્ધ ભોગને માટે ઈશ્વર પાસેથી-સદગુરુ પાસેથી સહન કરવાની શક્તિ માંગવી અને સદા શરણાગત ભાવથી ગુરુ મંત્રમાં અને ગુરુ ચરણમાં શ્રધ્ધા-વિશ્વાસ રાખી ચાલતા રહેવું.

(૬) સાધના એટલે સમસ્ત અયોગ્ય કર્મોથી પોતાને બચાવતા નામ, રૂપ, રંગવાળી માયાથી સાવધાનીથી વર્તીને માયાની અંદર ચૈતન્ય બ્રહ્મની ઝાંખી જોતા અસ્વસ્થ ઈન્દ્રિયોને જ્ઞાન બોધ રૂપી લાકડીના સહારે લક્ષ્ય પદ તરફ લઈ જવી.

(૭) સાધના એટલે ગુરુ અને ઈષ્ટ પાસેથી સતત સદ્બુધ્ધિની અપેક્ષા, નિષ્કામ સેવા, સતત એક જ બ્રહ્મની ઝાંખી, અભેદ દૃષ્ટી, બધા પ્રત્યે નિર્મળ પ્રેમ, જીવનમાં શુધ્ધ પ્રેમ અને સત્યનો વિકાસ.

(૮) સાધના એટલે નિષ્કામભાવે દરેક સત્કર્મ કરતાં અનાસક્તિ. ઉપસ્થિત રિદ્ધિઓ-સિદ્ધિઓ, ચમત્કારો, પ્રતિષ્ઠા, ખ્યાતિ તેમજ સાધનાનો ત્યાગ અથવા સદુપયોગ.

(૯) સાધના એટલે ગુરુ અને ગુરુ મંત્રમાં ઈષ્ટ અને ઈષ્ટ મંત્રમાં કોઈ પણ સંજોગોમાં અશ્રધ્ધા, અવિશ્વાસનો અભાવ અને દૃઢ મનોબળ સાથે સ્વમાર્ગે ચાલતા રહેવાનો સંકલ્પ.

(૧૦) સાધના એટલે પોતાની જાતને હંમેશાં જાતિ, વર્ણ, સંપ્રદાયની ઉપાધિમાંથી મુકત રાખી સતત સ્વસ્વરૂપનું ચિંતન અને રાગ-દ્વેષ-ઈર્ષાથી પર રહી, બીજાઓનું ઉત્થાન, બીજાઓનો ઉત્કર્ષ, બીજાઓની પ્રશંસા સાંભળી આનંદ માનવો અને બધાને ઈશ્વર ક્ષણિક સુખોથી મુકત કરી શાશ્વત સુખ તરફ વાળે તેવી શુભ ઈચ્છા રાખવી.

(૧૧) સાધના એટલે સમસ્ત બાહ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી ઈન્દ્રિયોને અંતરમુખ કરીને શાંત ગુફામાં પ્રવેશી જે આનંદનો અનુભવ થાય છે તેની જાગૃત અવસ્થામાં સતત યાદી અને તે સ્થિતિમાં જ સતત રહેવાનો પ્રયાસ.

(૧૨) સાધના એટલે મન, ચિત્ત, ઈન્દ્રિયોને નિર્મળ જ્ઞાન ગંગામાં નવડાવી, ધોવરાવી શુદ્ધ કરી ઈશ્વરને ચરણે ધરવા અથવા ઈશ્વરમય બનાવવા માટેનો પ્રયાસ.

(૧૩) સાધના એટલે ભૌતિક કે આધ્યાત્મિક સમસ્ત પ્રાપ્ત સુખો અને આનંદમાં ત્યાં સુધી અસંતોષ રાખવો કે જ્યાં સુધી સ્વસ્વરૂપની પ્રાપ્તિ ન થાય.

(૧૪) સાધના એટલે પોતાને અનુરૂપ કાર્યસિધ્ધિના અભાવમાં ડગમગતી શ્રદ્ધાને જ્ઞાન વડે દ્રઢ બનાવી શરણાગત ભાવથી મંત્ર અને ગુરુનું સ્મરણ કરતાં પોતાના શુભ અને નિત્યકર્મને પકડી રાખવા.

(૧૫) સાધના એટલે સદગુરુ કે જે સ્થૂળ અવયવોથી પર છે, બ્રહ્મ સ્વરૂપ છે, અખંડ વ્યાપ્ત છે. તેઓ સદા મારી સાથે જ છે તે ભાવ સાથે મંત્ર જાપ, મનન, ચિંતન વગેરે કરવું અને નિત્ય પોતાની અંદર જ સદગુરુ કે ઈષ્ટદેવનું ધ્યાન ધરવું અને પરમ શાંતિ તેમજ પરમાનંદનું સંશોધન કરવું.

મંત્ર અને ઈષ્ટદેવ મંત્ર અને ગુરુમાં દૃઢ શ્રદ્ધા, વિશ્વાસ ન હોવાથી ગમે ત્યારે સાધના રૂપી ગાડી અટકી જાય છે એટલે આ અંગે સાધકોએ સતત વિચાર કરતા રહેવું એટલા માટે અત્યારના સમયમાં દત્ત અને દત્તમંત્ર અને એની સાથે પોતાના ઈષ્ટદેવને પકડીને ચાલવા માટે આગ્રહ રાખુ છું.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"મંત્ર અને ઈષ્ટદેવ મંત્ર અને ગુરુમાં દૃઢ શ્રદ્ધા, વિશ્વાસ ન હોવાથી ગમે ત્યારે સાધના રૂપી ગાડી અટકી જાય છે એટલે આ અંગે સાધકોએ સતત વિચાર કરતા રહેવું એટલા માટે અત્યારના સમયમાં દત્ત અને દત્તમંત્ર અને એની સાથે પોતાના ઈષ્ટદેવને પકડીને ચાલવા માટે આગ્રહ રાખુ છું."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Sadhana Mantra MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace