Skip to main content

ધ્યાન

ધ્યાન એક એવી આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે જેનાથી સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીર સ્વસ્થ રહે છે. કદાચ ભૌતિક સંપૂર્ણ સુખ હોય અને અંતરમાં ચિંતા, ટેન્શન, અશાંતિ વિક્ષિપ્ત કરતી હોય ત્યારે ભૌતિક સંપૂર્ણ સુખો વ્યર્થ લાગતા હોય છે. અગર મન, ચિત્ત, બુધ્ધિ એ શુધ્ધ, સ્થિર અને પવિત્ર હોય, આંતરિક જ્ઞાન હોય તો ભૌતિક સુખો ન હોવા છતાં વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે, કહેવાનો મતલબ એ છે કે ભૌતિક સુખો કરતા આંતરિક સમૃધ્ધિની મહત્તા વધારે છે.

એક બિમાર-રોગથી પીડાતી વ્યક્તિને ડૉકટર દવા આપે તો દર્દ મટી જાય છે. સ્થૂળ શરીર સ્વસ્થ બને છે પણ જો અંતરમાં ચિંતા, અશાંતિ, વ્યાધિ હોય તો ત્યાં કોઈ દવા કામ કરતી નથી. ત્યાં તો વિચારમુકત શુધ્ધ અને પવિત્ર મન-ચિત્ત-બુધ્ધિની જરૂરત હોય છે કે જે ધ્યાનથી પ્રાપ્ત થઈ શકે છે. કોઈ ચિંતિત, અશાંત, માનસિક વ્યાધિથી પીડાતા વ્યક્તિને કોઈ ડૉકટર દવા આપે તો તે માત્ર એટલું જ કરી શકે છે કે માનસિક અને બૌધ્ધિક વિચાર શક્તિઓ મૂર્છિત થાય, નબળી પડે અને સુસ્ત થઈ વિશ્રામ કરે. ધ્યાન મન-ચિત્ત-બુધ્ધિને સ્વસ્થ, તાજા અને સંપૂર્ણ રીતે કાર્યરત કરીને સ્વસ્થ રાખી શકે છે.

ધ્યાન ભૂલેલાને માર્ગ બતાડે છે, સૂતેલાને જગાડે છે, અસ્વસ્થ અને વિવિધ વ્યાધિઓથી પીડાતી વ્યક્તિઓને સુખ-શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.

ધ્યાન પંચકોષ, પંચ પ્રાણને સહજ શુધ્ધ કરી, આવરણો, અવરોધો, ગ્રંથીઓ અને ચક્રોનું ભેદન કરતા કરાવતા જીવને મૂળ સ્વરૂપમાં મૂકે છે.

ધ્યાન પંચ તત્ત્વને, વિવિધ સ્થૂળ પિંડ તથા એની અંદર ત્રિવિગ્રહ સ્વરૂપી પ્રકૃતિ અને મન, ચિત્ત, બુધ્ધિ, અહંકાર કે જેને અંતઃકરણ ચતુષ્ટય કહેવાય છે, સાથોસાથ સ્થૂળ પિંડમાં જે ઈન્દ્રિયો છે તે બધાના સાક્ષી અને દ્રષ્ટા આત્મતત્ત્વ છે તેને દર્શાવે છે.

ધ્યાન આંતરિક અને બાહ્ય અશુધ્ધિઓને દૂર કરી સ્થૂળ પિંડ અને મન, ચિત્ત, બુધ્ધિ ઉપર જાણે-અજાણે ખરાબ-અકલ્યાણમય પ્રભાવ પાડનારી પ્રવૃત્તિઓ ખાન-પાન તેમજ અયોગ્ય સંગને દૂર કરે છે.

ધ્યાન આત્મ જાગૃતિ કરાવી માનવને માનવધર્મ સમજાવી માનવતા તરફ ચાલવા પ્રેરણા આપે છે. સર્વ પ્રત્યે સમભાવ, સદભાવ, દયા, કરુણા, સેવાની ભાવના ઉપજાવી નિઃસ્વાર્થપણે સંપૂર્ણ પ્રવૃત્તિ કરાવતા સત્ય, ન્યાય અને ધર્મને પકડી રાખવા શક્તિ આપે છે.

ધ્યાન સહજ રીતે માનસિક બોજને હળવા કરી સંપૂર્ણ સમસ્યાનું સમાધાન કરાવી, સહજ રીતે ષડ્વિકારોને દૂર કરતા રાગદ્વેષ રહિત, સંપૂર્ણ પ્રવૃત્તિઓમાં જોડતા વ્યક્તિને સરળ, નિખાલસ, ઉદાર અને પવિત્ર બનાવે છે.

ધ્યાનના અભ્યાસથી માત્ર આધ્યાત્મિક ક્ષેત્રમાં જ પ્રગતિ થાય છે તેવું નથી. ધ્યાનની ભૌતિક શરીર ઉપર પણ અસર થાય છે. ધ્યાનમાં પ્રાણવાયુ (ઓકસીજન) ના વપરાશમાં વીસ ટકા ઘટાડો થાય છે તેથી એટલી ઓછી શક્તિ વપરાય છે. ધ્યાનમાં હૃદયના ધબકારા દર મિનિટે પાંચ ઓછા થતા હૃદયને વધુ આરામ મળે છે અને ઘસારો ઓછો થાય છે. ધ્યાનાવસ્થામાં લોહીમાં રહેલા લેકટેકના અણુઓમાં તેત્રીસ ટકા ઘટાડો થાય છે જેથી લેકટેકના વધારાથી ઉદ્ભવતી માનસિક તાણ અને ચિંતામાં ઘણી રાહત મળે છે. મગજમાં ઉત્પન્ન થતા આલ્ફા તરંગો ધ્યાન દરમ્યાન વધે છે જે માનસિક શાંતિ દર્શાવે છે. ટૂંકમાં ધ્યાનના અભ્યાસથી શારિરીક તેમજ માનસિક આરોગ્ય સુધરે છે.

ધ્યાનના અભ્યાસથી દરરોજના કાર્યોમાં વ્યવહારિક કૌશલ અને યોગ્ય નિર્ણયશક્તિ પ્રાપ્ત થાય છે. દૈનિક જીવનમાં સાત્ત્વિકતા આવવાથી આત્મબળ વધે છે. માનસિક શાંતિ, આનંદ અને ઉલ્લાસ અનુભવાય છે. વૈચારિક શક્તિમાં વધારો થતાં વિચારો તાર્કિક સ્પષ્ટ અને શક્તિશાળી બને છે. વિકારો ઓછા થાય છે, સ્મરણ શક્તિ વધે છે જેથી વિદ્યાભ્યાસ અને વેદાધ્યયન ક્ષેત્રે પ્રગતિ થાય છે.

ધ્યાન એ જીવાત્માનો પરમાત્મા સાથે તાદાત્મય અનુભવવાનો એક પ્રયાસ છે અને તે તરફનું પ્રયાણ પણ છે, ધ્યાન એટલે આત્માનું અનુસંધાન.

ટૂંકમાં કહેવાય કે ધ્યાનથી હાઈ બી.પી. જેવી શારિરીક અને માનસિક વ્યાધિ સરળતાથી મટી શકે છે. અહીં સુધી કહી શકાય કે અગર ભારતના આબાલ-વૃધ્ધ, ભણેલા કે અભણ, પટ્ટાવાળાથી લઈને રાષ્ટ્રપતિ સુધી દરેક વ્યક્તિઓ દૈનિક પંદરથી વીસ મિનીટ ધ્યાન કરે તો કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા કે રાજ્ય વ્યવસ્થામાં કંઈપણ તકલીફ ન પડે. વ્યક્તિની અંદર છૂપાઈને બેઠેલા છળ-કપટ, સ્વાર્થ, લોભ, ઈર્ષા, રાગ-દ્વેષ નાબૂદ થાય છે અને સંપૂર્ણ સુખશાંતિ આનંદ છવાઈ જતા રામરાજ્યની ઝાંખી થઈ શકે છે.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"અગર ભારતના આબાલ-વૃધ્ધ, ભણેલા કે અભણ, પટ્ટાવાળાથી લઈને રાષ્ટ્રપતિ સુધી દરેક વ્યક્તિઓ દૈનિક પંદરથી વીસ મિનીટ ધ્યાન કરે તો કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા કે રાજ્ય વ્યવસ્થામાં કંઈપણ તકલીફ ન પડે. વ્યક્તિની અંદર છૂપાઈને બેઠેલા છળ-કપટ, સ્વાર્થ, લોભ, ઈર્ષા, રાગ-દ્વેષ નાબૂદ થાય છે અને સંપૂર્ણ સુખશાંતિ આનંદ છવાઈ જતા રામરાજ્યની ઝાંખી થઈ શકે છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Dhyan Meditation MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace