Skip to main content

સાધના, સમર્પણ અને શરણાગતિ

જે જિતેંદ્રીય છે, નિરાભિમાની છે, સંતોષી છે, ત્યાગી છે અને ધર્મમાં આરૂઢ છે તેવા પુરુષોનું દર્શન ખૂબ જ દુર્લભ છે. એવા પુરુષોને સંત કહેવાય કે જે સમાજના, દેશના કલ્યાણમાં વિવિધ સ્વરૂપે જોડાયેલા રહે છે. સમાજની સેવા કરી સારા સંસ્કારોથી સિંચન કરી યેનકેન પ્રકારેણ કંઈક આપીને પણ જેને અહંકાર ન આવે, હુંપણું ન આવે તે ધન્ય છે. અરે ભાઈ ! અહંકાર તો ખૂબ જ ભયંકર અને માયાવી રાક્ષસ છે થોડા પણ જો કોઈ ગફલતમાં રહે તો કબજો જમાવી બેસે છે. આપણે ઉદાહરણમાં રાવણને લઈએ તો રાવણ બ્રાહ્મણ કુળમાં, ઋષિ કૂળમાં જન્મેલા મહાન સમર્થ વિદ્વાન શક્તિશાળી આત્મા હતા પણ જ્ઞાન ઉપર અહંકારનો પડદો પડી જવાથી બધા જ ગુણો અને શક્તિઓ નકામી થઈ ગઈ અને એટલો સમર્થ રાવણ માયા અને વાસના પાછળ પાગલ થઈ ગયો. ખરેખર જીવનમાં શક્તિ, બળ, ધન, વૈભવ અને પ્રતિષ્ઠા જ પર્યાપ્ત નથી જ્યાં સુધી સદ્ બુદ્ધિ, સદ્ વિચાર અને નિરાભિમાનીપણુ ન આવે ત્યાં સુધી બધુ બેકાર લાગે છે. મહાન શક્તિશાળી લંકેશ સુવર્ણની લંકામાં કે જેને સંપત્તિ અને માયા બંને બોલી શકાય. પ્રથમ તેમાં આસકત થયો અને એ પછી સીતા હરણ કરી માયામાં વાસનામાં આસકત બન્યો. જ્યારે જીવ અહંકાર રૂપી દારૂ પીને વાસના પાછળ દોડે છે ત્યારે તે તેજહીન અને શક્તિહીન બની જાય છે એટલે ક્યારેય પણ જીવનમાં પૈસા અને પ્રતિષ્ઠાને વધારે મહત્ત્વ આપવુ નહિ. મહાન શક્તિશાળી સીતાહરણ કરે અને તેને માટે પોતાના મામા મારિચ કે જે માયા અને કપટ બંનેને સ્વીકારી રાવણને મદદ કરે છે તેનું પણ મૃત્યુ થાય છે અને છેવટે રાવણનું મમતા, માયા અને વાસના સર્વનાશ કરી નાખે છે. જો કે મમતા, માયા અને વાસના દરેકમાં હોય છે પણ જ્યાં સુધી તે મર્યાદિત હોય અને ત્યાં ને ત્યાં જ સમજદારી પૂર્વક તેને સમજાવી સંતોષ આપવામાં આવે ત્યારે તે સર્વનાશનું સ્વરૂપ લેતા નથી. એક લંકા પાછળ અને સોના પાછળ ગાંડાતૂર બનેલો રાવણ ગયો પણ જ્યારે આજકાલ લોકો અનેકો નારીહરણ, દ્વવ્યહરણ, શીલહરણ, ચારિત્ર્યહરણમાં જોડાયેલા છે તેની શું હાલત થશે. ખરેખર પ્રશ્ન વિચારણીય છે અને અહીં હનુમાનજીના પાત્રથી બોધ લેવાની જરૂર લાગે છે.

હનુમાનજી મહાન શક્તિશાળી છે, જ્ઞાની છે અને વિવિધ દૈવિક શક્તિથી યુકત છે છતાં નિરાભિમાની છે. મહા દાસભાવથી ભક્તિ કરે છે. બધુ કરીને પણ હું નથી કરતો તેમ માને છે. કર્તાધર્તા પ્રભુ છે, રામ છે તેમ હનુમાનજીનું કહેવું છે. પ્રભુએ કેવા દૂત ગોત્યા જે જિતેંદ્રીય છે. સર્વગુણ સંપન્ન છે, માયા, મમતા અને મોહ જેને સ્પર્શે નહીં તેવું પાત્ર હનુમાનજી છે. સાચી વાત છે ને ! જુઓને હનુમાનજી વિવિધ ઐશ્વર્યોથી ભરપૂર-માયાનગરી લંકામાં પ્રવેશે છે. સોનુ, હીરા, મોતીની નગરી હનુમાનજીને લોભાવતી નથી. અનેકો માઈક સ્વરૂપો તેઓને આકર્ષતા નથી. આજકાલના કોઈ દૂતની સમક્ષ એટલી અઢળક સંપત્તિ અને વૈભવ સામે આવે તો કદાચ માલિકને કે રાજાને જવાબ આપવા પણ પાછો ન આવે ત્યાંને ત્યાંજ માયા અને વૈભવમાં રચી-પચી ચિઠ્ઠી લખી દે કે મને અહીંયા ફાવી ગયુ છે આવતો નથી. પણ આવુ કરવું તે વિશ્વાસઘાત કર્યો ગણાય પણ જુઓ હનુમાનજી શું કરે છે. સોનાની આકર્ષિત લંકા સળગાવીને ભસ્મ કરી નાખે છે અને નિશાચરોનું દમન કરે છે. ધન્ય છે હનુમાન જેઓના હદયમાં રામ બિરાજતા હોય, નારાયણ બિરાજતા હોય જે માલિકના કામમાં દ્રઢ નિષ્ઠાથી તત્પર હોય તેઓને કોઈ પ્રપંચ બાધીત કરી શકે નહિ. એટલા માટે મહાપુરુષો બોલે છે કે જગત એ માયા, મોહ અને પ્રપંચથી ભરપુર છે એની લપેટમાં જેને ન આવવું હોય તેણે જાગ્રત રહેવુ પડે, સતત પ્રભુનું ધ્યાન હૃદયમાં કરવું પડે. જાતે આત્મલક્ષી દ્રષ્ટિ રાખીને ચાલવું પડે, ભગવાન રામે લીલા કરીને જગતને બોધ આપ્યો છે કે જુઓ અસાવધાની વર્તવાથી મારી પણ સીતારૂપી શાંતિ અહંકારરૂપી રાવણ હરી લઈ ગયો અને મારે પણ એને મારીને આત્મ શાંતિ અને વિશ્વ શાંતિ માટે બધુ કરવું પડ્યું. સંસાર પરિવર્તનશીલ છે, કલયુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર ક્રમથી એક જ ધરી ઉપર ફર્યા કરે છે, ગરીબ ધનવાન બને અને ધનવાન નિર્ધન બને, ભાગ્યનું ચક્ર ફરતુ જ રહે છે. જન્મ-મરણના ચક્રમાં આખી સૃષ્ટિ ગુંથાયેલી છે પણ શાંતિ અને મુક્તિ તો કોઈક ને જ મળે, ખ્યાલ રાખજો બહુ પૈસા ભેગા કરી લેવાથી કે આંટીઘૂંટી અને પ્રપંચથી પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ધરાર-માનપાનની અપેક્ષા રાખવાથી ખોટી પ્રતિષ્ઠા તો મળી જાય અને માયા પણ મળે પણ અંતરમાં શાંતિ ન મળે કારણ અંદરનું શુધ્ધ અને ચૈતન્ય મન કાયમ અંદરને અંદર બોધ આપ્યા કરે. સમજાવ્યા કરે કે તુ જે કંઈ કરે છે તે ધર્મ સંગત, ન્યાય સંગત નથી. જ્યારે પોતાનું અંતર શુધ્ધ અને સાત્વિક બને ત્યારે હૃદયગુફામાં બિરાજમાન ચૈતન્ય બ્રહ્મની અનુભૂતિ થવા લાગે છે અને અખિલ બ્રહ્માંડ ચૈતન્ય સ્વરૂપ અને બ્રહ્મ સ્વરૂપ ભાસિત થવા લાગે છે. આત્મચિંતન કરનાર આત્મજ્ઞાનીને જીવભાવ રહિત શુધ્ધ આત્માનું દર્શન દરેક જગ્યાએ થાય છે અને તેમાં તે આનંદ માને છે. કોઈનું ખરાબ કરતાં નથી, રાગદ્વેષમાં પડ્યો નથી અને તે પોતાના પરિશ્રમથી ઉપાર્જિત વૈભવમાં, ધનમાં સંતોષ માને છે. લૂટીને-જૂટીને કે કોઈથી દબાઈને લઈને સુખી થવા પ્રયત્ન કરતો નથી. લૂંટેલી અને અનીતિથી આવેલી સંપત્તિ કોઈને પણ સુખશાંતિ આપતી નથી. જુઓ છો ને ? રાવણે લંકા લીધી અને કૌરવોએ પાંડ્વોનું રાજ્ય કબજે કરી છેવટે કલહ, અશાંતિ અને મૃત્યુ આવ્યું. એટલે સંતોષમાં, ન્યાયમાં, સચ્ચાઈમાં, નીતિ-નિયમમાં જ સુખશાંતિ સમાયેલી છે. એટલે જેઓને પરમશાંતિ, પરમસુખ જોઈતુ હોય તેઓને પ્રથમ પ્રાણીમાત્રમાં આત્મભાવ, સેવાભાવ અને પ્રેમભાવ સ્થાપવો પડશે. નિરાકાર પરમાત્મા સર્વત્ર છે. સાકાર પરમાત્મા માનવીય સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પોતાની લીલા-વિલાસ મગ્ન છે જ્યારે ગુણાતિત-તત્ત્વાતિત-ઇન્દ્રાયાતિત દૃષ્ટિ બને ત્યારે તેનું દર્શન સફળ ગણાય છે નહી તો આવરણ યુકત દૃષ્ટિમાં પ્રભુનું દર્શન પણ ફ્ળદાયી નીવડતું નથી. ઉદાહરણમાં લઈએ તો રામાવતાર અને કૃષ્ણાવતારમાં વિશાળ મેદની ભગવાન રામ અને કૃષ્ણનું દર્શન કરેલ પરંતુ કોઈને પ્રભુની પ્રભુતા સમજાણી નહી

એક વાત તો માનવી જ પડશે કે પવન, પાણી, અગ્નિ વગેરેના નિર્માતા-સૃષ્ટિના નિર્માતા સૂર્ય, ચંદ્ર, તારાના નિર્માતા છે ખરા. સાકાર અથવા નિરાકાર કોઈ સ્વરૂપે તે પરમ તત્ત્વને સ્વીકારી શ્રધ્ધા, વિશ્વાસ સાથે ચાલવાથી ભક્તોની ભાષામાં બોલીએ તો પ્રભુનું દર્શન થાય છે. ઈશ્વર મળી જાય છે અને જ્ઞાનીઓની ભાષામાં બોલીએ તો અખંડ વ્યાપક ચૈતન્યના સંશોધક પોતે તે જાણી અને સમજી પોતે તે મય બની જાય છે. ટૂંકમાં, તે પોતે તે બની જાય છે.

સાધના, સમર્પણ અને શરણાગતિ ખૂબ જ કઠણ છે. પોતાના નિહીત સ્વાર્થની અનુકૂળતામાં જ્યારે વિપરીત પરિણામની જાળી ઉત્પન્ન થાય છે ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસની આધારશીલાના પગ ખસી જાય છે, અયોગ્ય સાધકોએ તેને પકડી રાખવી જોઈએ અને એક વાત દ્રઢપણે માનવી જોઇએ કે સંસારમાં રચ્યા-પચ્યા માનવી વિવિધ અપેક્ષા સહ જે કંઈ ભક્તિ, સાધના ઉપાસના કરે છે તેમાં સાનુકૂળ પરિણામ ઉપસ્થિત કરવામાં તેઓની સિમિત અને મર્યાદિત સાધના પ્રવાહિત થયા કરે છે એટલે ઈશ્વર દર્શન કે આત્મજ્ઞાન રૂપી નક્કર પરિણામ આવતું નથી. ટૂંકમાં, પ્રભુ ભજન કે ચિંતવન વ્યર્થ જતુ નથી.

કામ, ક્રોધ, મદ, લોભ આદિ જે સંસારની વિવિધ વ્યાધિઓ છે તે માટે ગુરુ, મંત્ર અને સાધકોની ઉપાસના ઔષધિરૂપ છે. શ્રધ્ધા અને વિશ્વાસ તેના સ્તંભ છે એટલા માટે વારંવાર સત્સંગ કરીને આ ઉપયોગી પાસાઓને પોતાની સમક્ષ ઉપસ્થિત રાખતા રહેવું જોઈએ અને હંમેશા પ્રભુની યાદી હૃદયમાં ગુંજન કરતી રહે તેવી સાવધાનીથી વર્તવું જોઈએ. લોકોમાં સમર્પણ અને શરણાગતિ ખૂબ જ ઓછી હોય છે. પરમાત્માની બનાવેલી સૃષ્ટિમાં માનવી અગર તેઓની કૃપાથી બળ, બુદ્ધિ, ધન, વૈભવ પ્રાપ્ત કરી લે તો ઘણે ભાગે પરમાત્માને પડખે મૂકી દેતા હોય છે. ધર્મશાળામાં રૂમ બંધાવે, કોઈ જગ્યાએ દાન કે કોઈ સંસ્થામાં મોટી મદદ કરે તો મનમાં એમ ભાવ નથી જાગતો કે આ આખી સૃષ્ટિ પરમાત્માની છે, હું તો આ સંપત્તિ મેળવવામાં નિમિત્ત માત્ર બન્યો છું એટલે આપણી જગ્યાએ હરિ, માધવ, કેશવ કે પરમાત્માનું નામ લગાવી દઈએ. તેમ કોઈનામાં સાત્ત્વિક સંસ્કાર જાગતો નથી ત્યારે તો દાતા મોટા હેડીંગમાં પોતાનું નામ લખાવે છે અને જ્યારે કોઈ સંજોગવસાત્ ધંધામાં કે સ્વાસ્થયમાં કોઈ તકલીફ ઉભી થાય ત્યારે ફરી પરમાત્માનું બારણું ખટખટાવે છે. દીવા-બત્તી અને શ્રીફ્ળ ફોડવા લાગે છે, ગ્રહ-બાધાની શાંતિ કરાવવા લાગે છે અને કદાચ પરમાત્મા દયા કરીને એકવખત ફરી સાંભળી લે અને ચાન્સ આપી દે તો પણ થોડા દિવસ પછી પરમાત્માને ભૂલી જાય અને નામ પોતાનું જ રાખે છે. એવી તો કોઈ ઓછી વ્યક્તિ છે કે જે દાન પુણ્ય પણ પરમાત્માના નામે કરે, નામ પ્રભુનું નોંધાવે અને પોતે માત્ર નિમિત્ત બનીને રહે. ખરેખર નિઃસ્વાર્થ એ પ્રકાશ છે અને સ્વાર્થ એ અંધકાર છે. સ્વાર્થ વ્યક્તિને આંધળો બનાવી દે છે. પ્રત્યેક વ્યક્તિએ સુતી વખતે અથવા એકાંતમાં હોય તે સમયે એકવાત ઊંડેથી વિચારવી જોઈએ કે આ જગતમાં કોઈપણ વ્યક્તિ અમર છે ખરી ? અને જે કંઈ સંગ્રહ કરે છે તે મરતી વખતે લઈ જાય છે ખરું ? અગર નહિ, તો શા માટે અનીતિ અને અયોગ્ય કર્મથી પોતાનો પોટલો વજનવાળો બનાવવો. જાગૃત થઈને શુભ-અશુભ કર્મ તરફ દ્રષ્ટિ રાખીને સદા સત્કર્મ કરવુ જોઈએ. માત્ર વ્યવહાર નિભાવવા ખાતર કે માત્ર કરવા માટે ગીત કે રામાયણ બેચાર લીટી વાંચી લેવાથી કોઈપણ કામ સફ્ળ થતું નથી. અથવા તો પોપટની જેમ ગીતા રામાયણ ગોખી લેવાથી કાંઈ પ્રાપ્ત થતુ નથી કે જ્યાં સુધી ગીતા અને રામાયણનું રહસ્ય જીવનમાં ન ઉતરે અને જીવન તે મય ન બને ત્યાં સુધી આ બધુ કરેલું કરાવેલું ફ્કત માનસિક ક્ષણિક સંતોષ આપે છે. એટલા માટે નિર્મળ, નિખાલસ અને શુધ્ધ બની પરમાત્માને પુકારવા જોઈએ અને દરેકમાં તેની ઝાંખી કરવી જોઈએ.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"પવન, પાણી, અગ્નિ વગેરેના નિર્માતા-સૃષ્ટિના નિર્માતા સૂર્ય, ચંદ્ર, તારાના નિર્માતા છે ખરા. સાકાર અથવા નિરાકાર કોઈ સ્વરૂપે તે પરમ તત્ત્વને સ્વીકારી શ્રધ્ધા, વિશ્વાસ સાથે ચાલવાથી ભક્તોની ભાષામાં બોલીએ તો પ્રભુનું દર્શન થાય છે. ઈશ્વર મળી જાય છે અને જ્ઞાનીઓની ભાષામાં બોલીએ તો અખંડ વ્યાપક ચૈતન્યના સંશોધક પોતે તે જાણી અને સમજી પોતે તે મય બની જાય છે. ટૂંકમાં, તે પોતે તે બની જાય છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Samarpan sadhana Sharanagati Shradhha Hanumanji Shree Raam MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace