Skip to main content

રહસ્ય કોઈ કોઈ જાને

(1)

મુમુક્ષુ જીજ્ઞાસુ સાધકો કે જેઓને માત્ર ચિર શાંતિની અપેક્ષા છે, "સ્વ" સ્વરૂપની પ્રાપ્તિની ઝંખના છે. ઈશ્વરમય બનીને રહેવાની ઈચ્છા છે, એવા સાધકોને કોઈ સિધ્ધ-સમર્થ ગુરુ મળી ગયા હોય, માર્ગદર્શન આપતાં હોય, તેઓને અનુલક્ષી યોગીઓ, સિધ્ધો બોલતા હોય છે કે આ માર્ગમાં લક્ષ્ય ઉપર પહોંચ્યા પછી જે ચિર શાંતિ, શાશ્વત સુખ મળે છે, સ્વસ્વરૂપની પ્રાપ્તિ થાય છે તે પહેલાં લક્ષ્ય ઉપર જતાં, માર્ગમાં સાધકોને ખૂબ જ સહન કરવું પડતું હોય છે. પ્રથમ તો સદગુરૂ પ્રેરણાથી ચાલતાં સાધકોને સાધના માર્ગમાં ભૌતિક જગતની વ્યક્તિઓ વચ્ચે આવતી હોય છે. કોઈ નિંદા-ટીકા કરતા હોય છે, કોઈ પ્રશંસા કરતા હોય છે. સદગુરુ પરમાત્મા દરેક સાધકોની પ્રકૃતિ જુદી-જુદી જોઈ, દરેકના પ્રારબ્ધ કર્મોમાં વિષમતા જોઈ, તેને કાપવા માટે જુદી જુદી રીતે ચાલવા, સાધના કરવા પ્રેરણા કરતા હોય છે. કોના પ્રારબ્ધ કર્મો કઈ રીતે કાપવા તે સાધકના હાથમાં હોતું નથી. તે તો સદગુરુના હાથમાં હોય છે જ્યારે સદગુરુ સાધકોના કર્મ છેદન માટે સાધનાનો માર્ગ ચીંધતા હોય છે ત્યારે એક સાધક બીજા સાધકને જોઈને પણ ઉલ્ઝનમાં પડતાં હોય છે. સંસારી, અજ્ઞાની માનવી તો લગભગ સદગુરુની લીલા તો સમજી શકતા નથી. તેઓનો તો જ્યારે સ્વાર્થ સિધ્ધ થાય ત્યારે પ્રસંશા કરે છે અને પોતાના સ્વાર્થમાં ખામી આવે ત્યારે નિંદા કરે છે. અમુક વ્યક્તિઓ તો પોતાના સ્વભાવથી જ એ રીતે ટેવાયેલી હોય છે કે કોઈની નિંદા-ટીકા કે પ્રસંશા કર્યા તેમજ સાંભળ્યા સિવાય ઝંપે જ નહીં એટલે સાધકોને, યોગીઓ સાવધાન કરતાં બોલે છે કે - જગતના દ્વંદ્વાત્મક ઝેરને અમૃત સમજીને પીશો અને હસતાં હસતાં ચાલશો. કોઈના દોષ, ગુણ સામે જોશો નહિં, તો જ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો.

સાધકોના જન્મ-જન્માંતરના કર્મો કાપવા માટે સદગુરુ પરમાત્મા જગતના માનવીને સાધકો સમક્ષ મૂકી નિંદા-ટીકા કરાવતા હોય છે. જ્યારે સાધક માનવ વિક્ષેપથી ચલિત ન થાય ત્યારે દેવો તેમજ દેવોના રાજા ઈન્દ્રને ઈર્ષા આવે છે કારણ તેમને ભય લાગતો હોય છે કે કદાચ આ સાધક મારા સિંહાસન માટે સાધના કરતા હોય તો આવી પરિસ્થિતિમાં દેવોના રાજા ઈન્દ્ર, દેવતાઓને, રિધ્ધિ-સિધ્ધિઓને, કામદેવ, રતિને મોકલી નારી તેમજ પુરુષ સાધકને ચલિત કરવા પ્રયત્ન કરતા હોય છે. ઘણી વખત ઘણા સાધકોને એવો અનુભવ થતો હોય છે કે કોઈ અદૃશ્ય રૂપે અવાજ કરતા હોય છે કે આ ચમત્કાર અને આ સિધ્ધિ લઈ લો તમારા ઉપર હું ખૂબ જ ખુશ છું જ્યારે સાધક તેનો ત્યાગ કરી સાધનામાં જોડાયેલા રહે ત્યારે ફરી ગેબી અવાજ સંભળાય છે કે આ મંત્ર, સાધના ખોટી છે, માટે મૂકી દો. આવા ગેબી અવાજ સાંભળવામાં આવે અને કોઈ દેખાય નહીં ત્યારે સાધક ખૂબ જ ઉલ્ઝનમાં પડતા હોય છે કે આ આદેશ સદગુરુનો છે કે કોઈ અન્ય તત્વનો ? આ સંજોગોમાં સાધકોએ ગેબી અવાજનો અમલ પણ કરવો જોઈએ નહીં. જ્યારે સદગુરુ સ્પષ્ટ રીતે દેખાય અને તેઓ સ્વમુખેથી કાંઈ આદેશ આપતા હોય તો જ તે અવાજને અમલમાં મુકવો, તે સિવાય નહીં. સાધકોએ આ વાતનો ખૂબ જ ખ્યાલ રાખવાનો હોય છે. ઘણી વખત જ્યારે વિરોધી તત્ત્વો અવાજ કરતાં હોય છે, ખોટું માર્ગદર્શન આપતા હોય છે ત્યારે સાધકો સમક્ષ તરત જ સદ્ગુરુનું સ્વરૂપ ઉપસ્થિત થતું દેખાતું હોય છે. ઘણાં સાધકો ગેબી અવાજ અને તે અવાજની સાથે સાથે સદગુરુની ઉપસ્થિતિ જોઈ એમ માની લેતા હોય છે કે આ આદેશ સદ્ગુરુનો જ હશે પણ ખરેખર તો આદેશ સદગુરુનો હોતો નથી. સદગુરુ તો એટલા માટે ઉપસ્થિત થતાં હોય છે કે કોઈપણ વિરોધી તત્ત્વો મારા બાળકને સ્પર્શે નહીં અને હેરાન કરે નહીં.

કોઈપણ સંજોગોમાં રિધ્ધિ-સિધ્ધિઓ, ચમત્કારો પાછળ દોડવું નહીં . વૈભવમાં માયામાં ફસાવું નહી અને ગુરુ મંત્રને છોડવો નહીં. સદગુરુ તરફ્થી આદેશ જે રૂપમાં મળતો હોય તેનો તરત જ અમલ કરવો. પોતાની સિમિત બુધ્ધિથી યોગ્ય-અયોગ્ય નિર્ણય લેવો નહીં. જે મુક્તિના દાતા છે, જગત નિયંતા છે, તેઓના શરણમાં સમર્પણ થયા પછી આપણે કોઈ જાતની ચિંતા કરવાની રહેતી નથી. સાધનામાં અગર સાધકો, દેવો, રિધ્ધિઓ તેમજ સિધ્ધિઓના પ્રલોભનમાં ન પડે ત્યારે ષટ્ વિકારો, ક્ષણિક સુખોથી ભરપૂર રાજા કલિ સાધકો સમક્ષ ચલિત કરવા માટે અનેક દૃષ્યો ઉપસ્થિત કરતાં હોય છે. ઘણાં સાધકોને તે દૃશ્યો, તે સ્વરૂપોની ઝાંખી થતી હોય છે અને ઘણાઓને કંઈ દેખાતું પણ નથી પણ તે સાધક એટલું તો સમજી શકતો હોય છે કે હું ષટ્ વિકારો તરફ ખેંચાઈ રહ્યો છું કોઈ અદૃશ્ય, પ્રબળ શક્તિ અયોગ્ય માર્ગે ચાલવા ધરાર પ્રેરણા કરી રહી છે. આમાં સદગુરુ પરમાત્મા કોઈને સ્વરૂપથી, તો કોઈને જ્ઞાનબોધ આપી બચાવતા હોય છે, અને રક્ષણ કરતાં હોય છે. સ્થૂળ શરીરધારી ગુરુ ઉપસ્થિત હોય છે, ત્યાં સુધી તો સાધકની ઉલ્ઝનો સાંભળી યોગ્ય માર્ગદર્શન આપી આગળ લઈ જતાં હોય છે પણ જ્યારે તેઓના સ્થૂળ શરીરની હાજરી નથી હોતી અને સાધક ગુરુ મંત્રના આધારે સાધનામાં જોડાયેલા રહેતા હોય છે, જ્યારે વિઘ્નોની ઉપસ્થિતિમાં સાધકો મૂંઝાઈ જતાં હોય છે, ત્યારે સ્થૂળ શરીરધારી ગુરુ જો ઉચ્ચ કક્ષામાં હોય, તેઓનું સ્થૂળ શરીર ગમે ત્યાં હોય, તો પણ પોતાનું ચિન્મય શરીર અથવા તો કારણ શરીર ઉપસ્થિત કરી. શિષ્યને બોધ આપતાં હોય છે અને વિઘ્નોથી બચાવતાં પણ હોય છે. સ્થૂળ શરીર રાખીને પણ સૂક્ષ્મ શરીર, કારણ શરીર તેમજ ચિન્મય શરીરમાં વિચરવું સંભવિત છે. આ કક્ષાના સંતો આ જગતમાં અત્યારે પણ છે પરંતુ તેઓ ઓળખાતા નથી, સામે આવતા નથી અને કદાચ તેઓ સામે આવતા હોય તો આપણે અજ્ઞાનતાને લીધે ઓળખી નથી શકતા. આવી ગડમથલમાં કોઈ સમય ન બગાડે કે કોણ કઈ કક્ષામાં છે. આ બધી વાતો પડતી મૂકો. ભગવાન દત્તના ચરણ પકડી તેઓને ગુરુ માની અને સાધના પંથે ચાલો તો સાધના સરળ બને છે, નિર્વિઘ્ન બને છે અને છેવટે લક્ષ્ય પ્રાપ્તિ થાય છે. કલિ ત્યાં સુધી સાધકોના પતન માટે પ્રયાસ કરતાં હોય છે કે જ્યાં સુધી સાધક લક્ષ્ય સુધી પહોંચી ન જાય. હવે આના ઉપરથી સમજી શકાય છે કે સાધના કેટલી કઠિન છે. કેટલી સાવધાનીપૂર્વક વર્તવાનું રહે છે. રાજા કલિ તો સાધક, સિધ્ધો, સંતો, મહાપુરુષોથી ખૂબ જ ભયભીત રહે છે તે વિચારે છે કે અગર બધા એવા જ થઈ જશે તો મારી સત્તા ઉથલી જશે. દોષો, વિકારો, અસત્, દંભ, પાખંડ ઉપર તો કલિની સત્તા છે એટલે કલિ બરાબર સાધકોથી ભયભીત રહે છે. અહીં વિચારવા જેવો પ્રશ્ન છે કે એકબાજુ સદગુરુ પ્રેરિત સીધો માર્ગ છે કે જેના ઉપર ચાલવાનું રહે છે તો બીજી બાજુ કેડીની બંને બાજુ દુ:ખો, દ્વંદ્રો, ષટ્ વિકારો, રિધ્ધિઓ, સિધ્ધિઓ, ચમત્કારો, પ્રલોભનોની ગીચ કાંટાથી ભરપૂર ઝાડી છે. સહેજ હાલતાં-ચાલતાં મનરૂપી વસ્ત્રમાં આ ઝાડીઓ ફસાય છે, કાંટા ભરાય છે અને મનરૂપી વસ્ત્રને ફાડી નાંખે છે એટલે કે સાધનામાંથી ચલિત કરી દે છે અથવા તો ચાલવામાં રોકી દે છે. કેડીની બંને બાજુ દોષો, વિકારોથી ભરપૂર જે જંગલ છે, ઝાડી-ઝાંખરા છે તેમાં કામ, ક્રોધ, મદ, લોભાદિ પશુઓ પથિક ઉપર તીખી અને ક્રૂર નજરથી હુમલો કરવા માટે તૈયાર રહેતા હોય છે. થોડીક અસાવધાનીપૂર્વક વર્તવામાં આવે તો સાધના પંથે ચાલતા પથિકને કબ્જે કરી લેતા હોય છે છતાં સાધક જ્ઞાન, ભક્તિરૂપી અસ્ત્ર-શસ્ત્ર હાથમાં લઈ સાવધાનીથી આગળ વધતાં હોય છે. જગ્યા-જગ્યાએ અતૃપ્ત મન-ચિત્ત એ મમતા, મોહનાં પાન માટે અટકતું હોય છે છતાં સદગુરુ પોતાની શક્તિથી તે તૃષ્ણાઓને અસાર બતાવતાં, જ્ઞાનના પ્યાલા પીવડાવતા, ભક્તિનો રસ ચખાડતા, ચંચળ મનને સમજાવતાં, પંપાળતાં, લાડ-પ્યાર કરતાં તો કયારેક ધમકાવતાં, લાલ આંખો બતાડતાં આગળ લઈ જતાં હોય છે.

સદગુરુ પરમાત્મા નારી અથવા પુરુષ કોઈપણ સુપાત્ર સાધકોને, કોઈને રાજમાર્ગથી તો કોઈને હઠમાર્ગથી આગળ લઈ જતાં હોય છે અને કોઈને રાજમાર્ગ-હઠમાર્ગ મિશ્રિત ચાલવા પ્રેરણા આપતા હોય છે. ભૂતકાળના સંચિત કર્મો તેમજ ભવિષ્યના આગંતુક કર્મો કાપવા માટે સદગુરુને ખૂબ જ સહન કરવું પડતું હોય છે. જીવાત્મા પોતાના શુભ-અશુભ કર્મોને લીધે જે કંઈ સુખ-દુ:ખ ભોગવવા માટે તૈયાર હોય છે તે બધા શુભ-અશુભ કર્મો ધ્યાનમાં, સ્વપ્નમાં તેમજ કયારેક સભાન અવસ્થામાં કાપતાં હોય છે. ઘણા ભયંકર અસહ્ય પ્રારબ્ધ કર્મો સદગુરુ પરમાત્મા સભાન અવસ્થામાં અને કયારેક અભાન-સભાન વચ્ચેની અવસ્થામાં પોતાની શક્તિથી કાપતાં હોય છે. તેમાં સાધકોને લયયોગ, આંતરયોગ, ક્રિયાયોગ, હઠયોગ, રાજયોગથી કપાતાં કર્મોમાં ખૂબ જ સહન કરવું પડતું હોય છે પણ જાણ્યા પછી સભાન અવસ્થામાં કોઈ જાતનું કષ્ટ કે દુ:ખ રહેતા નથી છતાં જે ભોગવાય ગયેલું હોય છે તેની સ્મૃતિ રહે છે ત્યારે સાધક વિચાર કરતાં હોય છે કે જો જાગૃતમાં આ કર્મો ભોગવવાના હોત તો કદાચ સહન ન થાત. ઘણી વખત હું બોલેલ અથવા લખેલ છું કે સ્વપ્નમાં, ધ્યાનમાં સદગુરુ પરમાત્મા સાધકોને જે કાંઈ અનુભવ કરાવે તેમાં ચલિત થવુ નહિ. સદગુરુ પરમાત્મા સૂક્ષ્મ શરીરથી સંચિત ક્રિયમાણ કર્મો અનેક રૂપથી કાપતા હોય છે. પોતાની બુધ્ધિથી વિચાર કરતાં, યોગ્ય-અયોગ્ય નિર્ણય લેતાં કોઈપણ સાધક ઉલ્ઝનમાં પડે તે સ્વાભાવિક છે. તે જ સાધક લક્ષ્ય સુધી સ્વસ્થ રહી, પહોંચી શકે છે કે જે સદગુરુ ચરણમાં શ્રધ્ધા, વિશ્વાસ રાખી દરેક કર્મ ભોગોમાં દૃષ્ટા બની જોયા કરે અને હું તત્ત્વો, ગુણોથી અંતઃકરણ ચતુષ્ટયથી પર પવિત્ર આત્મા છું. શરીર નથી. સૂક્ષ્મ ભોગો કે સૂક્ષ્મ ક્રિયાઓને કોઈ દિવસ સ્થૂળ આકાર આપવો નહીં. સૂક્ષ્મ શરીરથી, સૂક્ષ્મ ભોગોથી કર્મો કપાય છે, નિવૃત્ત થાય છે, મુક્તિનો માર્ગ દેખાય છે. દેહાધ્યાસ રાખી સ્થૂળ શરીરથી સ્થૂળ ભોગોમાં કર્મો બંધાય છે, સંચિત થાય છે અને જન્મ જન્માંતરના ચક્કરમાં ફરવા માટે બાધ્ય બને છે એટલે દરેક સાધકોને સાવધાન કરતાં યોગીઓ, મહાપુરુષો બોલે છે કે કોઈપણ વિરોધી તત્ત્વો, અતૃપ્ત આત્માથી ડરવું નહીં. તેઓનો જુઠ્ઠો આદેશ અમલમાં મુકવો નહીં અને ગુરુ મંત્રને છોડવો નહીં. આ માર્ગમાં ચાલતા મુમુક્ષુ કયારેક-કયારેક ખૂબ જ થાકી જતાં હોય છે. ખૂબ જ કંટાળી જતાં હોય છે અને બેસી જતાં હોય છે તો ક્યારેક શાંતિ અનુભવતા, આનંદમગ્ન બની, સાહસ સાથે ચાલતાં હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં, દ્વંદ્વમાં ચલિત થયા સિવાય ચાલતા રહે તેઓને જ લક્ષ્ય પ્રાપ્તિ થાય છે. લાખો, કરોડોમાંથી કોઈ જ લક્ષ્ય સુધી પહોંચતા હોય છે. શાશ્વત સુખ, "સ્વ" સ્વરૂપની પ્રાપ્તિ સામે દરેક સુખો જે વ્યર્થ સમજે છે તે જ મહાન છે, તે જ જ્ઞાની છે, હવે સદગુરુ ચરણમાં શ્રધ્ધા રાખી આ માર્ગમાં ચાલતા રહેશો તો બાકીના અનુભવો બાકીની સાધનાઓ અંગે તમને ખ્યાલ આવતો જશે. અહીં અત્યારે હું કંઈ વિશેષ લખતો નથી.

(2)

આપ લોકોનો આગ્રહ વારંવાર રહે છે કે બધાને બોધ માટે, જ્ઞાન માટે કંઈક સત્સંગ આપ તરફ્થી મળતો રહે. આ વાતની યાદી હું બરાબર રાખું છું કયારેક કંઈક લખાવવા માટે જ્યારે વિચાર કરું છું ત્યારે એમ જ લાગે છે કે તમે બધાંએ ઘણું વાંચેલું છે, સાંભળેલું છે એનાથી વધારે હું શું લખાવું ? પાછળના વાંચેલા તેમજ સાંભળેલા સત્સંગોની યાદી સતત રહે તો નવીન કાંઈ જ સાંભળવાની જરુરત રહે નહીં અને જો કાંઈ જાણવાની જરુરત પડે તો તે પાછળના સત્સંગોમાંથી મળી રહે, છતાં આજે પાછળના સત્સંગોનું પુનરાવર્તન કરી રહ્યો છું. જે આનંદથી, પ્રેમથી, ભાવથી, શુભેચ્છાથી આ લખાવી રહ્યો છું તે જ રીતે તમે બધાં સાંભળશો અને જીવનમાં ઉતારશો તો તમને પણ ખૂબ જ આનંદ આવશે અને મને પણ આનંદ થશે.

કેળના થાંભલાની જેમ, ડુંગળીની જેમ, કોબીની જેમ આ સ્થૂળ પિંડ અનેકો જન્મોનાં શુભાશુભ પડોથી નિર્માણ થયેલો છે. એક પડ છૂટે ત્યારે અનેકો પડોનું નિર્માણ થયા કરે છે. આશા, તૃષ્ણા, મમતા એટલી પ્રબળ છે કે જીવને મુકત થવા દેતાં નથી. કામનાઓ શુભ હોય કે અશુભ હોય - બંને "સ્વ" સ્વરૂપની પ્રાપ્તિમાં કે મુક્તિમાં બાધક છે એનો અર્થ એ નથી કે શુભ ઈચ્છાઓ કરવી જ નહીં. શુભ ઈચ્છાઓ રાખવી જોઈએ. પણ આ શુભ ઈચ્છાઓમાં “હુંપણું” ન આવે, નિમિત્તમાત્ર બની કરવામાં આવે, તો તે બાધક બનતી નથી પણ અશુભ કામનાઓ તો કયારેય પણ કરવી નહીં.

કામ અને ક્રોધ, ષડ્વિકારોમાંથી પ્રધાન વિકારો-દોષો છે. કોઈપણ કામનામાં, વાસનામાં જ્યારે મન આસકત બને છે ત્યારે તેની પ્રાપ્તિ માટે તે મરણિયો પ્રયાસ કરે છે અગર કામનાની સિધ્ધિમાં કોઈ આડા પડતા હોય, અદૃશ્ય રૂપે પણ બ્રેક લાગતી હોય ત્યારે જીવાત્મા ક્રોધે ભરાય છે, અશાન્ત બને છે. રાગ-દ્વેષ, ઈર્ષા આવવા લાગે છે. કામનાની અસિધ્ધિ પાછળ અશાંતિનો ભંડાર ભેગો થઈ જાય છે. બધા વિકારો ભેગાં થઈને ક્રોધ રૂપી દૈત્યનું વિકરાળ સ્વરૂપ ઉપસ્થિત કરી દે છે તે ક્રોધ પોતાના આપ્તજનોને, બીજાઓને તેમજ પોતાને ખૂબ હેરાન કરે છે, અશાંત બનાવે છે, શરીરને અસ્વસ્થ કરી નાખે છે, બુધ્ધિ પણ મંદ બનાવી દે છે છેવટે સાધક અશાંત બની અત્ર તત્ર ભટકે છે અને શાંતિની શોધ કરે છે એટલા માટે શાસ્ત્રો અને સંતો કહે છે કે - કામના શુભ હોય તો તેની પાછળ પ્રયાસ કરવો પણ આસકત થવું નહીં. શરણાગત ભાવથી કોઈપણ કાર્ય સિધ્ધિ માટેની શરૂઆત સાધકને બાધક રૂપ થતી નથી. પ્રયાસ કરવા છતાં કાર્ય સિધ્ધ ન થાય તો ઈશ્વરની ઈચ્છા માની અગર સાધક સંતુષ્ટ રહે, બધુ ઈશ્વર ઉપર છોડી દે અને પોતાને નિમિત માની સદા પ્રસન્ન રહી ખુશી અને ઉત્સાહ સાથે રાબેતા મુજબ પોતાનો પ્રયાસ ચાલુ રાખે તે જ ઉત્તમ સાધકનું લક્ષણ છે. સાધક કયારેક પોતાની બુધ્ધિ અને વિચારથી પોતાના અનુરૂપ કાર્ય સિધ્ધ માટે પ્રયાસ કરતો હોય છે. પ્રબળ પ્રારબ્ધ કર્માનુસાર કાર્યસિધ્ધિમાં વિપરીત પરિણામ દેખાતું હોય છે ત્યારે સાધકને પોતાના કાર્યમાં, સદગુરુની કૃપામાં, ઈશ્વરની દયામાં ખામી દેખાવા લાગે છે, પણ અદૃશ્ય રૂપે તે ઉપસ્થિત પ્રબળ પ્રારબ્ધ કર્મમાં સદગુરુ કે ઈશ્વર જે મદદ કરતાં હોય છે અને ભયંકર કષ્ટ કે દુ:ખને હળવું બનાવી તલવારનો ઘા સોયથી પતાવતા હોય છે તે વાતનો ખ્યાલ સાધકને હોતો નથી. સાધકની દૃષ્ટિએ તે વિપરીત લાગતું હોય છે, પણ સદગુરુ કે ઈશ્વરની કૃપા દૃષ્ટિ તો સતત સાધક ઉપર વરસતી હોય છે. વૈદ્ય કે ડૉકટર દર્દીનાં હિત માટે જે યોગ્ય ઉપચાર હોય તે જ કરતાં હોય છે, કયારેય પણ દર્દીની અયોગ્ય માંગણી સ્વીકારી તેને અનુરુપ ઉપચાર કરતા નથી. અગર દર્દીની અયોગ્ય માંગણી લાગણીવશ કોઈ વૈદ્ય કે ડૉકટર સ્વીકારી લે તો તે જ ક્ષણે દર્દીને સુખ-શાંતિની ભ્રાંતિ થશે પણ મૂળમાં તેનું પરિણામ ભયંકર અને વિપરીત આવશે. એટલા માટે શાસ્ત્રો અને સંતો કહે છે કે - પોતાની તર્કબુધ્ધિ સદગુરુના શરણે મૂકી દરેક કાર્યની સિધ્ધિ માટે પ્રયત્નશીલ રહેવું, પણ પોતાની બુધ્ધિથી અનુકૂળતા-પ્રતિકૂળતામાં સુખી કે દુ:ખી થવું નહીં, સદા આનંદ માનવો, ખુશ રહેવું કારણ કે સદગુરુ કે ઈશ્વરનું વિધાન મંગળમય જ હોય છે. ક્યારે પણ કોઈનું અહિત કરતા નથી, કલ્યાણ જ કરતા હોય છે. શરણાગતિ એટલી મોટી ભક્તિ છે કે દુઃખ અને કષ્ટથી ભરપૂર ભયંકર પ્રારબ્ધની ઉપસ્થિતિમાં પણ સદગુરુ શરણાગત ભકતો પર બહુ કષ્ટ આવવા દેતા નથી અને અનેકો ચિન્મય શરીર બનાવી પોતાનાં ભકતોનાં કષ્ટો પોતાના સ્થૂળ પર લઈ, ભોગવી તે પ્રારબ્ધ પૂરાં કરી દેતા હોય છે. પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. સ્થૂળ શરીરમાં તે પ્રારબ્ધ પૂરું થવું જ જોઈએ. તે સિધ્ધાંતને માન આપી સદગુરુ ઉપરનાં નિયમ અપનાવતા હોય છે આ વાતમાં શંકા કે તર્કને સ્થાન નથી. આ જોયેલી, અનુભવેલી વાત છે. અગર શરણાગતિથી સાધના ચાલતી હોય તો ક્રોધનો આવેશ થતો નથી કારણ કે પોતાની અનુકૂળતાની અપેક્ષા હોતી નથી. દરેક પરિસ્થિતિમાં આનંદ રહે છે એટલે ક્રોધ માટે સ્થાન રહેતું નથી. કોઈપણ વ્યક્તિની ઈચ્છા વિરુધ્ધ જ્યારે કાર્યફળ ઉત્પન્ન થાય છે ત્યારે જ ક્રોધનો જન્મ થતો હોય છે એટલે, ઉત્તમ સાધકોએ અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં ઇશ્વરની કૃપા માની મસ્ત રેહવું યોગ્ય છે.

જે સાધકો પોતાનું જીવન, ભક્તિમય, જ્ઞાનમય, સત્યમય બનાવી ચાલતા હોય છે, દરેક દોષ કે વિકારથી પ્રયત્નપૂર્વક દૂર રહેતા હોય છે, તેમનું જ જીવન સાર્થહ થતું હોય છે. તેઓને શાંતિ અનુભવાતી હોય છે અને એવા સાધકો બીજાઓને પણ આ પવિત્ર માર્ગે વાળતા હોય છે, યોગ્ય માર્ગે ચાલવા બોધ આપતા હોય છે. બોધ, જ્ઞાન કે સદુપદેશો અગર પોતાના આચરણમાં ન મુકતા હોય તો તે માત્ર વૈખરીમાં ઉપર ઉપરથી માત્ર ઉપદંશ બની વિખરાઇ જતાં હોય છે.

અગર જે વ્યક્તિ પોતે દારુ પીતી હોય, જુગાર રમી હોય, સિનેમા જોતી હોય,અસત્ય બોલતી હોય અને એવી વ્યક્તિ બીજાઓને જ્ઞાન અને ભક્તિના માર્ગે ચાલવા ઉપદેશ આપે તો કદાચ તેઓ સમક્ષ શ્રોતાઓ બોલે કે ન બોલે, પણ પરિણામ સારું આવતું નથી. કારણ કે શ્રોતાઓની દૃષ્ટિ પણ ખૂબ જ તીક્ષ્ણ હોય છે, તે કોઇ પણ ઉપદેશને જલદી સ્વીકારવા તૈયાર થતા નથી કે જ્યાં સુધી ઉપદેશક પોતાનું જીવન તે મય ન બનાવી લે . કહેવાનો અર્થ એ છે કે આ પવિત્ર માર્ગે એકાએક બધા વળતા નથી પણ માર્ગદર્શક યોગ્ય હોય, દરેક નિયમનું પોતે પાલન કરતા હોય તો વહેલા-મોડા ઘણા શ્રોતાઓ આ માર્ગે વળે છે, આત્મકલ્યાણ કરે છે અને પોતાનું જીવન સુધારે છે. હવે શ્રોતાઓ અને વક્તાઓને સમજણપૂર્વક વિવેકથી ચાલવાનું રહે છે, જ્યાં જ્યાં એક બીજાના બોલમાં, સમજમાં ઉલઝન પેદા થાય તેને કહીને, સાંભળીને દૂર કરવાની રહે છે અને સંભાળી સંભાળીને ચાલવાનું રહે છે, બાકી તો સદગુરુ સૌની સાથે છે, સંભાળ રાખતા, બોધ આપતા લઇ જઈ રહ્યા છે. શાસ્ત્રો બોલે છે કે ભગવાન રામ કરે તેમ કરવું જોઈએ પણ કૃષ્ણ એ કર્યું તેમ કરાય નહીં, પણ કૃષ્ણ બોલે તેમ કરવું જોઈએ, એ જ રીતે ભગવાન દત્ત વિશે સમજી લેવું જોઈએ. ભગવાન દત્ત રામ-કૃષ્ણ યુકત લીલા પુરુષોત્તમ તેમજ મર્યાદા પુરુષોત્તમ છે. તેઓનો ઉપદેશ સાંભળી જેમ કહે તેમ કરવું જોઈએ, તેઓ જેમ કરે તેમ કરાય નહીં. ગુરુ લીલામૃત વાંચતા ખ્યાલ આવે છે કે ભગવાન દત્તની એક એક લીલા રહસ્યમય છે. તેઓનું કાર્ય ગૂઢ રહસ્યથી ભરપૂર છે એટલે દત્તને કોઈ સમજી શકયા નથી. આપણે ગુરુ લીલા વાંચવાની અને સમજવાની રહે છે, કરવાની રહેતી નથી, જે તત્ત્વો અને ગુણોથી પર છે, દ્વંદ્વાતીત છે તેની લીલા રહસ્યમયી હોય છે, બધાના હિતમાં હોય છે એટલે પોતાની લઘુબુધ્ધિથી મર્યાદિત વિચારોથી માપણી કરતાં ભગવાન રામ, કૃષ્ણ, ભગવાન દત્ત કે અન્ય સિધ્ધો સંતો-મહાપુરુષોનાં આચરણ કે વર્તનમાં કોઈ નિર્ણય લેવા પ્રયાસ કરવો જોઈએ નહીં,

હવે, દરેક સાધકને, પોત પોતાના ગુણો અને અવગુણો ઉપર દૃષ્ટિ રાખતા સાવધાનીથી ચાલવાનું રહે છે. પોતાના દુર્ગુણો બને તેટલા જલદી છૂટે તે માટે પ્રયાસ કરતાં રહેવું જોઈએ.

इति शुभम् अस्तु


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"કોઈપણ સંજોગોમાં રિધ્ધિ-સિધ્ધિઓ, ચમત્કારો પાછળ દોડવું નહીં . વૈભવમાં માયામાં ફસાવું નહી અને ગુરુ મંત્રને છોડવો નહીં. સદગુરુ તરફ્થી આદેશ જે રૂપમાં મળતો હોય તેનો તરત જ અમલ કરવો. પોતાની સિમિત બુધ્ધિથી યોગ્ય-અયોગ્ય નિર્ણય લેવો નહીં. જે મુક્તિના દાતા છે, જગત નિયંતા છે, તેઓના શરણમાં સમર્પણ થયા પછી આપણે કોઈ જાતની ચિંતા કરવાની રહેતી નથી."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



swa swaroop sadhana Shree Raam MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace