Skip to main content

ગુરુ મહિમા

પ્રત્યેક વ્યક્તિ જાણે છે કે - કોઈ પણ ક્ષેત્રમાં કંઈ પણ શીખવું હોય કે જાણવું હોય તો યોગ્ય માર્ગદર્શકની જરૂરત રહે છે. તમે સ્કૂલ-કોલેજમાં ભણો કે ટેકનીકલ કામ શીખો અથવા કોઈ પણ ક્ષેત્રમાં કંઈ પણ જ્ઞાન મેળવવું હોય તો માર્ગદર્શક વગર ચાલે નહીં. ભૌતિક જગતમાં આ બધા માર્ગદર્શકો એ કર્મ યોગના ગુરુ છે. તેઓ પ્રત્યે સદા આદર અને ભાવ રહેવો જોઈએ, ભલે તમે તેમની પાસે નાની શિક્ષા લીધી હોય કે મોટી.

તમે ભૌતિક જગતમાં યોગ્ય કર્મ યોગ કરતા સફળ થાવ, આર્થિક સધ્ધરતા મેળવીને કરોડપતિ કે અબજોપતિ થાવ, મકાન વાહનથી સંપૂર્ણ સજીધજી રહો તો પણ શારીરિક અને માનસિક સ્વસ્થતા ખૂબ જ જરૂરી છે. ઘણી વખત ભૌતિક સંપૂર્ણ સમૃદ્ધિમાં પણ અશાંતિ અનુભવાતી હોય છે, છોકરા-છોકરીને ભણાવવા-પરણાવવામાં તકલીફ પડતી હોય. વધારામાં સંતાનોને યોગ્ય પાત્ર કે ઘરબાર ન મળે તો પણ અશાંતિ, માતા-પિતા, ભાઈ-બહેન સાથે મનમેળ ન થાય કે બાળકોને ઉછેરી શકે તેવી પ્રેમાળ પત્નિ ન મળે તો પણ અશાંતિ, ધંધા-વ્યાપારમાં ખોટ જાય તો પણ અશાંતિ, ટૂંકમાં શાંતિની શોધ દરેકને હોય છે અને આ શાંતિ ગુરુ કૃપાથી પ્રાપ્ત થયેલ સૂઝ-સમજ અને જ્ઞાનથી મળે છે. પરમ પદ કે મુક્તિ તો આગળની વાત છે પણ માનસિક સ્વસ્થતા ન રહે તો મુક્તિના માર્ગે ક્યાંથી જવાય ?

ધ્યાન રાખજો. જો શાંતિની ખેતી થતી હોય, તેનું ફેકટરીમાં નિર્માણ થતું હોય કે પેટ્રોલની જેમ જમીનમાંથી નીકળતી હોત કે પૈસાથી ખરીદી શકાતી હોય તો યુ.કે., યુ.એસ.એ.ના પૈસાદારને ત્યાં શાંતિનો ભંડાર હોત પણ આ શાંતિ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય તપસ્વી સદગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. ગુરુ કૃપા કરે, મંત્ર આપે તો સાધકે સાત્ત્વિક બુદ્ધિ, પરમ પદ અને મુક્તિની અપેક્ષા રાખવી જોઈએ. મંત્રમાં ખૂબ જ પ્રભાવ હોય છે. મંત્રજાપ-સાધનાથી તમે ધારો તે મેળવી શકો છો. ઈશ્વરને-દેવને-ઈષ્ટને પ્રત્યક્ષ કરી શકો છો અગર દેવો પ્રત્યક્ષ થઈ જાય, દર્શન આપે તો પણ તપસ્વીને, સાધકને માંગતા ન આવડે તો શાંતિ મળતી નથી. પ્રત્યક્ષ દર્શન કરીને પણ મુક્તિ મળતી નથી. રાવણ, કંસ, ત્રિપુરાસુર, ભસ્માસુર, હિરણ્યકશ્યપ વગેરે દૈત્યોએ ઘણી તપશ્ચર્યા કરી દેવોને પ્રત્યક્ષ કર્યા, બ્રહ્મા-વિષ્ણુ-મહેશને પ્રત્યક્ષ જોયા છતાં લોકેષણા-વિત્તેષણાને લીધે તેઓને સોનાની લંકા, વિવિધ ધાતુઓના મહેલો, અખૂટ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ, અસ્ત્રો-શસ્ત્રો મળ્યા, શક્તિ મળી. ભૌતિક તમામ વસ્તુઓ પ્રાપ્ત કરીને પણ શાંતિ ન મળી છેવટે પતન થયું અને ઈશ્વરના શરણમાં આવ્યા પછી મુક્તિ મળી છે એટલા માટે મહાપુરુષો કહે છે કે - સદબુદ્ધિ, સદગતિ, પરમ પદ કે મુક્તિની અપેક્ષા જીવે રાખવી જોઈએ.

ગુરુ મહિમા અદભુત છે. ગુરુની તુલના માટે સમગ્ર સૃષ્ટિમાં કોઈ વસ્તુ જ નથી. દેવો આશીર્વાદ આપીને માંગો તે વસ્તુ તમને આપી શકે છે. સમૃદ્ધ શક્તિશાળી બનાવી શકે છે. પણ પોતાના જેવા બનાવી શકતા નથી. શુક્રાચાર્યજીએ દૈત્યોને ઘણા આશીર્વાદ આપ્યા પણ દૈત્યો સ્વભાવ પ્રમાણે લક્ષ્ય પ્રાપ્તિ કરી શકયા નહીં. ગુરુ વિશે શંકરાચાર્ય રચિત શતશ્લોકીમાં પ્રથમ શ્લોક છે તે મુજબ

दृष्टांतो नैव दृष्टित्रीभुवनजठरे सदेगुरोर्ज्ञानदातुः स्पर्शश्चै तत्र कल्प्यः स नयति यदहो स्वर्णतामश्मसारम् ।
न स्पर्शत्वं तथापि श्चितचरणयुगे सदगुरुः स्वीयशिष्ये स्वीयं साभ्यं विद्यते भवति निरूपमस्तेन वालौकिकोडपि ॥

અર્થાત્ આ ત્રિભુવનમાં જે જ્ઞાનના દાતા સદગુરુ છે તેઓની ક્ષમતા કે તેઓ જેવા દૃષ્ટાંત દેવા માટે કોઈ દૃષ્ટાંત દેખાતો જ નથી, જો તેઓને પારસમણિની ઉપમા આપવામાં આવે તો પણ યોગ્ય નથી કારણ કે પારસમણિ લોખંડને સોનુ બનાવી શકે પણ પોતાની સમાન પારસ ન બનાવી શકે પરંતુ જે સદગુરુના ચરણયુગલના આશરે રહે છે તે શિષ્યને સદગુરુ પોતાના જેવા બનાવી દે છે એટલા માટે સમગ્ર સૃષ્ટિમાં સદગુરુની કોઈ ઉપમા નથી. સદગુરુ જેવા માત્ર સદગુરુ જ છે તેથી સદગુરુનો મહિમા નિરૂપમ અદભુત અને અલૌકિક છે. એજ રીતે રામાયણમાં માઁ પાર્વતી કહે છે કે –

जौं बिरंचि संकर सम होई । गुरु बिन भवनिधि तरइ न कोई
(બ્રહ્માજી કે શંકર સમાન શક્તિશાળી માનવ પણ ગુરુ વગર ભવસાગર તરી શકતા નથી.)

गुरु के बचन प्रतीति न जेहि सपनेहुं सुगम न सुख सिधि तेही
(જેને ગુરુના વચનોમાં વિશ્વાસ નથી તેને સુખ-સિદ્ધિ સ્વપ્નમાં પણ સુલભ નથી)

એજ રીતે સદગુરુ નારદજી, વ્યાસજી, કબીરજી ગુરુની મહિમા ગાવામાં અને લખવામાં થાકયા નથી છતાં ગુરુ મહિમા અધૂરો રહે છે.

सो सद्गुरु मोहे भावे जो सहज समाधि लगावे।

એજ રીતે ગુરુ નાનકજીનો ગુરુગ્રંથ આદરણીય અને પૂજનીય છે. તલસ્પર્શી અભ્યાસ કરશો તો શીખ ધર્મમાં ગુરુ મહિમા ભરપુર છે. ગુરુગ્રંથ ઉપર જ સુવર્ણ મંદિરનું નિર્માણ છે. ગુરુગ્રંથની પૂજા, આરતી અને વંદના હંમેશા કરવામાં આવે છે. સમગ્ર સુવર્ણ મંદિર ગુરુગ્રંથથી ગુંજી રહ્યો છે. ત્યાં મૂર્તિ નથી પણ ગુરુ વાકય - ગુરુ શબ્દની પૂજા છે.

ગુરુ પૂર્ણિમાના રોજ બધા સાધકો અને ભકતો ભેગા થઈ સમૂહમાં સ્થૂળ ગુરુને માનનાર, સ્થૂળ ગુરુની પૂજા કે બંદગી કરે છે, આશીર્વાદ લે છે અને વ્યાપક સદગુરુના પૂજકો ગ્રંથને-પાદુકાને સમૂહમાં પૂજન કરી, આત્મીય મિલન, ધૂન-કીર્તન કે ભજન કરીને ધન્યતા અનુભવતા હોય છે, જેઓને ઈશ્વરમાં રસ નથી, ગુરુ મહિમાનો ખ્યાલ નથી અથવા તો થોડો ઘણો ખ્યાલ હોય તે ઔપચારિક રીતે માત્ર હાજરી આપી, દેખા-દેખીમાં નમસ્કાર-પ્રણામ કરતા હોય છે પણ તે સાચી ભક્તિ નથી. ગુરુનો મહિમા જે જાણતા હોય છે તે લાખો માઈલ દૂરથી પણ જયાં સમૂહમાં પાદુકા પૂજન-ગુરુ પૂજન થતું હોય છે ત્યાં હાજર રહેતા હોય છે. આ સમૂહની હાજરીથી, પારિવારિક મિલનથી, એકબીજામાં ભાવ-ભક્તિની વૃદ્ધિ થતી હોય છે. શ્રદ્ધા વધતી જ હોય છે, વિશ્વાસ આવતો હોય છે પરંતુ આજ કાલ લોકેષણા-વિત્તેષણામાં ફસાયેલા માનવી રાજકારણની મિટીંગમાં હાજરી આપશે, વ્યવહારિક ઉત્સવમાં હાજરી આપવા જશે પણ જયાં આત્મ કલ્યાણ થતું હોય છે, જેની કૃપાથી ડગલે ને પગલે સુરક્ષા મળતી હોય છે, પ્રગતી થતી હોય ત્યાં જવા માટે તેઓ પાસે સમય હોતો નથી. આ અજ્ઞાની અને સ્વાર્થી વ્યક્તિઓને શાંતિ કયાંથી મળે ?

વર્ષમાં એક વખત ગુરુ પૂર્ણિમા આવે છે, ત્યાં સ્થૂળ શરીરધારી ગુરુ અથવા તો સિદ્ધ સમર્થ ગુરુની પાદુકા હોય ત્યાં પૂજન-અર્ચન કરી પોતાના અવગુણોનો ત્યાગ કરવો જોઈએ. વ્રત અને નિયમ લેવા જોઈએ કે - હું આજથી નિયમિત આટલી માળા કરીશ અને અમુક સમય ધ્યાન કરીશ. બંધુઓ, હું દાન-દક્ષિણા લેતો નથી પણ પોતાની કમાણીમાંથી દશમો ભાગ કાઢવો અને તે સદગુરુ ચરણમાં મુકવું આ શાસ્ત્રસંમત છે. દ્રવ્યોપાર્જનમાં ઘણી ભૂલો થતી હોય છે જે દાન-પરમાર્થથી દૂર થઈ જાય છે. આ સિવાય પણ ઊંડાઈથી વિચારીએ તો જે ક્ષણે ક્ષણ તમારુ કલ્યાણ કરતા હોય, રક્ષા કરતા હોય, આંતર શુદ્ધિ કરતા હોય, જ્ઞાન માર્ગમાં લઈ જઈ આત્મ જ્ઞાન કરાવી લક્ષ્ય પ્રાપ્તિ કરાવતા હોય એવા સદગુરુના ચરણમાં તમારી કમાણીનો દશમો ભાગ મૂકો અને તે દ્રવ્ય ભેગા કરી કોઈ અસહાયને ગરીબને, શિક્ષણમાં, દવા ખવડાવવામાં ઉપયોગ કરવામાં આવે તો તે અયોગ્ય નથી પણ લોકોને આજ કાલ એવા ગુરુઓ જોઈએ કે - જે પોતે સિદ્ધિથી સોના-ચાંદી-દ્રવ્ય પેદા કરે, આપણને મફ્તમાં આવાસની વ્યવસ્થા કરે, મફ્તમાં ખવડાવે અને મફ્તમાં આશીર્વાદ આપે. બંધુઓ, થોડું મનન-ચિંતન કરજો કે - જીવનદાતા, સંસ્કાર સિંચન કરનાર, મંગલ માર્ગે દોરનાર, મુક્તિ આપનાર મહાપુરુષો પાસેથી કેટલી અપેક્ષા કયાં સુધી રાખી શકાય ? એક શિષ્ય અને ગુરુની ફરજ શું છે તે જાણીને ચાલવું બહુ જરૂરી છે. અહીંયા તો સદગુરુ દત્તાત્રેય મહારાજ છે, દરેક સાથે હાજર હજૂર છે પણ શાસ્ત્રો અને સંતોની અંદર સદગુરુની જ વાણી છે અને પ્રેરણા છે, સત્કર્મ કરવું અને કરાવવું, પાખંડ રહિત માર્ગે ચાલવું એ સદગુરુની પ્રેરણા છે માટે પ્રત્યેક સાધકોએ અહંકાર મુકત બની, રાગ-દ્વેષ રહિત બની, નિજ સ્વાર્થ છોડી, ખોટી પ્રસંશા, અહંકાર ત્યાગી, સરળ બની દરેક સાથે આત્મીય પ્રેમ રાખી ભક્તિભાવ, ભજન કરતા આત્મીય સાથે ચાલવું જોઈએ.

એક વાત ખૂબ જ મહત્ત્વની છે કે - જે ગુરુ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય, સતત સદગુરુમાં રહી સ્વસ્વરૂપમાં મસ્ત રહેતા હોય, જેના શ્વાસોશ્વાસમાં વ્યાપક ચૈતન્ય તત્ત્વ “સોડહં” ના સ્વરૂપમાં પ્રવાહિત હોય, જેની દૃષ્ટિમાં અખિલ બ્રહ્માંડ ઈશ્વરમય લાગતો હોય, સૃષ્ટિના તમામ માનવમાત્રની અંદર જેઓને એક જ તત્ત્વ દેખાતું હોય, જેઓની દૃષ્ટિમાં "वसुधैव कुटुम्बकम्" ની ભાવના છવાયેલી હોય, જેઓમાં રાગ-દ્વેષ-ઈર્ષાની ઝાંખી પણ ન હોય, જે સૌનું કલ્યાણ ઈચ્છીને સ્થિર મન રાખી, સાક્ષી અને દૃષ્ટાભાવે બધુ જોતા હોય, જેમની દૃષ્ટિ, મન, ચિત્તમાં અખંડ એક જ વ્યાપક ચૈતન્ય તત્ત્વ સ્થિર રહેતું હોય, જેઓ જાતી-વર્ણ-સંપ્રદાય-પંથ વગેરેની ઉપાધી વ્યવહારમાં ક્ષણમાત્ર માટે અને આત્માને તત્ત્વો-ગુણો-પ્રકૃતિ-જાતિ-વર્ણ-સંપ્રદાયની ઉપાધી વ્યવહારમાં ઔપચારીક રીતે ક્ષણમાત્ર માટે સ્વીકારતા હોય અંતે આત્માને તત્ત્વો, ગુણો, પ્રકૃતિ, જાતિ, વર્ણ, સંપ્રદાયની ઉપાધીથી મુકત જોતા હોય, જેઓ અખંડ પરમાત્મા તત્ત્વનો સ્વરૂપમાં અથવા તો અંશમાં પોતાની સમજ પ્રમાણે જોતા–અનુભવ કરતા અખંડ મસ્તીમાં પોતાનું પ્રારબ્ધ કર્મ કર્તાપણાના અભિમાનથી રહિત નિમિત્તમાત્ર બની, કર્તા તરીકે પ્રભુને માની સાક્ષીભાવમાં રહેતા હોય, આવા ગુરુ તો ભાગ્યથી જ મળતા હોય છે. આવા ગુરુઓ સૃષ્ટિમાં છે ખરા પણ ઓછા છે અને શુદ્ધ અને પવિત્ર આત્માઓને સામેથી મળી જતા હોય છે, આવા ગુરુઓ હંમેશા શિષ્યને જ્ઞાન બોધ આપી ભૌતિક જગતમાં અસંગ-અલિપ્તભાવે કર્તાપણાના અભિમાનથી મુકત રખાવતા, કર્મયોગમાં સાક્ષીભાવ રખાવતા, પ્રારબ્ધકર્મ પુરા કરાવતા, હંમેશા સ્વસ્વરૂપના બોધ તરફ દૃઢ સ્થિતિ રખાવતા, લક્ષ્ય તરફ લઈ જતા હોય છે. આવા જીવાત્માઓ જગતમાં રહી પોતાનું પ્રારબ્ધ અસંગ અલિપ્તભાવે પુરા કરતા પ્રભુને પામી જાય છે. સાક્ષાત્કાર કરી લે છે, જન્મ-મરણના ચક્કરથી છુટી જતા હોય છે. આવા આત્માઓને જગતની કંદરાઓ કે ગુફામાં જવાની જરૂરત પડતી નથી. હા, સ્થિતિ દૃઢ કરવા માટે, અભ્યાસ માટે વર્ષમાં એકાદ માસ કયાંક એકાંતવાસ માટે જતા હોય છે.

સિદ્ધ સમર્થ ગુરુ પોતાના શિષ્યને દિક્ષા આપે તો મુક્તિની જવાબદારી ગુરુ ઉપર આવતી હોય છે. જયાં સુધી શિષ્ય મુકત ન થાય ત્યાં સુધી ગુરુ પણ મુકત થતા નથી. ગુરુના સૂક્ષ્મ પણ શિષ્યોની સાથે જન્મજન્માંતર સુધી ફરતા હોય છે. મુક્તિ અપાવીને જ પોતાની ફરજ પુરી કરતા હોય છે. ઉદાહરણ માટે રામાયણ તરફ દૃષ્ટિ કરો. એક શિષ્ય મંદિરમાં બેસી તપશ્ચર્યા કરે છે. પોતાના તપોબલનો તેને અહંકાર આવી જાય છે, ગુરુનું અપમાન કરે છે તેથી ભગવાન શિવ ક્રોધીત થઈ શિષ્યને શ્રાપ આપે છે કે - “તું હજારો યોનિમાં ભટકીશ.” તે વખતે તેના ગુરુ શિષ્યને અપરાધની ક્ષમા મળે તે માટે "नमामीशमीशान निर्वाण रूपं"...સ્તુતિથી ભગવાન શિવને પ્રસન્ન કરે છે અને ભગવાન શિવથી આશીર્વાદ અપાવે છે.

હજારો જન્મથી ભટકતા તે શિષ્યની સાથે ગુરુ પણ સતત રહે છે, છેવટે મૂળ ગુરુ તે સદશિષ્યને લોમસ ઋષિ પાસે પહોંચાડે છે ત્યાં પણ ભક્તિ અને જ્ઞાનની ખેંચતાણમાં લોમસ ઋષિ ફરી શ્રાપિત કરે છે તેથી શિષ્યને કાગ યોનિ પ્રાપ્ત થાય છે અને ફરી લોમસ ઋષિના આશીર્વાદ પ્રાપ્ત કરી અમર પદ મેળવી કાગ યોનિમાં કાગભુશુંડિ વેદ-શાસ્ત્રોમાં પ્રખ્યાત થયા છે. તે કાગભુશુંડિજી એ ગરુડને પૂર્વજન્મની આ કથા સંભળાવી છે, તેઓશ્રીને પાછળના સૂક્ષ્મ ગુરુ વારંવાર દેખાતા હતા. બોલ્યા છે કે -

एक सूल मोहि बिसर न काऊं। गुरु कर कोमल सील सुभाऊं ॥

(મને એક દુ:ખ થયા કરતું કે - ગુરુજીનો કોમળ સુશીલ સ્વભાવ હું કદી ન વીસરતો) તેથી તો લોમસ ઋષિને કહ્યું કે तव ऋषि भयरु क्रोध कर चिन्हा અર્થાત્ કાગભુશંડિ એ લોમસ ઋષિને ગુરુ કહેતા નથી કારણ કે - એમને ગુરુદેવ દેખાતા હતા. કહેવાનો આશયએ છે કે - સદગુરુ શિષ્યની પાછળ પાછળ રહી કોઈ યોગ્ય મહાપુરુષની મુલાકાત કરાવી તેઓને મુક્તિ અપાવવા અથાક પરિશ્રમ કરે છે.

દુર્વાસાજી, યાજ્ઞવલ્કયજી, ભારદ્વાજજી, વિશ્વામિત્રજી, વશિષ્ટને ત્યાં હજારો છાત્રો અને શિષ્યો રહેતા, યોગ-ધ્યાન શીખતા. દરેક પ્રકારની શિક્ષા લઈ ચતુર્થ આશ્રમમાં પ્રવેશ કરતા, આત્મ-કલ્યાણ કરતા અને કરાવતા. હજારો-લાખો શિષ્યો બનાવવા પાછળ તે મહાપુરુષને લોકેષણા-વિત્તેષણાની પૂર્તિ ન હતી પણ જે કંઠી બાંધી શિષ્યોની સંખ્યા વધારી દ્રવ્યોપાર્જન કરતા હોય તેવા અયોગ્ય ગુરુઓ ન તો પોતાનું કલ્યાણ કરી શકે કે ન સમાજને સ્વસ્થ કરી શકે છે. રામચરિત માનસ ઉત્તરકાંડ ૧૪૧/૭ મુજબ

हरइ सिष्य धन सोक न हरई। सो गुर घोर नरक महुँ परई॥

(જે ગુરુ શિષ્યનું ધન હરે છે પણ શોક હરતો નથી તે ઘોર નરકમાં પડે છે.) આવા, ગુરુપદ આસિન વ્યક્તિઓ કે જે માત્ર ધનોપાર્જન અને પ્રતિષ્ઠા માટે પ્રપંચ કરતા હોય તેનાથી કલ્યાણ થતું નથી એટલે પ્રત્યેક વ્યક્તિએ અંતર્મુખી દૃષ્ટિ રાખી વિચાર કરતા રહેવું જોઈએ કે - મારાથી કોઈ અયોગ્ય કર્મ થતું તો નથીને ? હું લોકેષણા-વિત્તેષણામાં ફસાયેલો તો નથીને ? યોગ્યતા રહિત માત્ર પ્રતિષ્ઠાની ભૂખમાં તો નથી તો ને ? જો કોઈથી એવી ભૂલ થતી હોય તો પ્રત્યેક જીવાત્માએ સુધરવું જોઈએ. આત્મ કલ્યાણ અને જીવોત્થાન તરફ દૃષ્ટિ રાખવી જોઈએ. પંથ અને સંપ્રદાય એક શિક્ષા-દિક્ષાનું સ્થળ છે. જુદી જુદી કોલેજ અને યુનિવર્સિટીની જેમ એક વ્યવસ્થા છે. જે રીતે તમામ યુનિવર્સિટી કે કોલેજ તરફ્થી મળતી એમ.એ., બી.એ.ની ડીગ્રીની મહત્તા એક જ હોય છે. પી.એચ.ડી.નું સન્માન એક સરખા જ હોય છે તે જ રીતે કોઈ પણ પંથ કે સંપ્રદાય હોય, દરેકની સાધનાનું લક્ષ્ય એક જ હોય છે, પંથ અને સંપ્રદાયના ભગવાન જુદા જુદા હોતા નથી. પરમાત્મા તત્ત્વ એક જ છે. આ ગુણ દૃષ્ટિ લક્ષ્યમાં રાખી જે સાધક સાધનામાં આરૂઢ રહે છે તેને લક્ષ્ય પ્રાપ્તિ થાય છે. હું મોટો અને પેલો નાનો, મારો સંપ્રદાય મોટો અને બીજાનો નાનો. આ તો હુંસા-તુસી, રાગ-દ્વેષ છે. પરમાત્મા પ્રેમના ભૂખ્યા છે, જે પ્રેમથી ભજે તેઓને તે મળે છે.

નરસિંહ મહેતાજી, તુકારામજી, જલારામજી, મીરાંબાઈ, શબરીબાઈ, કબીરદાસજી, તુલસીદાસજી એ જ રીતે અનેકો મહાપુરુષોને ઈશ્વર મળ્યા છે. તેમાં જાતિ-વર્ણ-સંપ્રદાય હોતા નથી. ઈશ્વર કહે છે કે- હું ભકિત અને પ્રેમનો આદર કરું છું. જે મને પ્રેમથી પુકારે છે ત્યાં હું જાઉં છું. પ્રત્યેક માનવીની ફરજ છે કે - પોતાનું માનવ જીવન રાગ-દ્વેષ, છળ-કપટમાં, હુંસા-તુંસીમાં, સ્વાર્થમાં કે માત્ર શરીર પોષણમાં વિતાવવતું જોઈએ નહીં. આ માનવ શરીર યોગ્ય કર્મ કરતા, અયોગ્ય કર્મથી બચતા, પોતાના શરીરનું રક્ષણ કરતા, રાગ-દ્વેષ રહીત સહુમાં એક જ આત્મ તત્ત્વ નિહાળતા સન્માર્ગે ચાલતા ઈશ્વર પ્રાપ્તિ માટે છે.

જે પોતાને પ્રતિષ્ઠામાં, પોતાના સુખ-સમૃદ્ધિમાં, પોતાને સિમિત છાપરામાં ગોઠવી રાખે છે તે સરાહનીય નથી. કર્મનું ફળ સહુને ભોગવવું પડે છે. રાજા હોય કે રંક, ગરીબ હોય કે ધનવાન, દેવ હોય કે દાનવ, નારી હોય કે પુરુષ પ્રત્યેક વ્યક્તિને માટે એક જ ન્યાય છે. જાણે અજાણ્યે શુભ-અશુભ જે કોઈ કર્મ કરશો તે બંધનીય થશે, ભોગવવા પડશે. છળ-કપટ-પ્રપંચ કરી અબજો-ખર્વો રૂપિયા ભેગા કરી લો તો પણ મરવાના તો છો જ. તમારા ગયા પછી તમારી પેઢી તે દ્રવ્યનો દૂરઉપયોગ કરશે કે સદ્ઉપયોગ કરશે તે નકકી નથી. તમે મરીને કયાં જશો તે પણ ખબર હશે નહી. માનવી સૃષ્ટિમાં આવી કોઈ વ્યવસ્થા કે જાણકારી નથી કે મર્યા પછી કોઈ વ્યક્તિ જયાં જન્મે ત્યાં પાછળની પેઢી તેને ચેક કે ડ્રાફ્ટ મોકલે, ખબર પણ નથી પડતી કે કોણ કયાં જઈ જન્મે છે તો તમારો છોકરો ચેક કે ડી.ડી. કયાં મોકલે ? મારા ભાઈ ! આ જન્મમાં જ દાન-પૂણ્ય કરી લો, દુ:ખી અને ગરીબોને સાચવી લો, એક-બીજાની મદદ કરો. સત્કર્મ કરો અને પ્રભુ ભકિત કરો, એ જ સુખદાયી છે. જે સાચા-ખોટા કરી કમાણી કરે છે તેનાથી કોઈ જગ્યાએ અયોગ્ય થતું હશે તો કર્મબંધનથી તમે મુકત થઈ શકશો નહીં. તેના કરતા સાવચેતી રાખી જીવે યોગ્ય કર્મ કરવું હિતાવહ છે.

સમર્થ ગુરુઓ નિ:સ્વાર્થ, નિષ્પક્ષ, પરમાર્થી હોય છે તેઓને જીવનું કલ્યાણ થાય તે સિવાય પોતાના સ્વાર્થ માટે કોઈ અપેક્ષા હોતી નથી એટલે વારંવાર જીવાત્માઓને સત્સંગ કરી, ઉદબોધન કરી જાગૃત કરતા હોય છે અને સદમાર્ગે ચાલવાની પ્રેરણા કરતા હોય છે.

અંતે, તમને ફરી યાદી આપવામાં આવે છે કે - તમે સ્થૂળ શરીર નથી. સ્થૂળ શરીર તમારા રહેવા માટેનું મકાન છે. શુભ કર્મો કરી મન-ચિત્ત-બુદ્ધિ સ્થિર રાખી સન્માર્ગે ચાલો. તમે શુદ્ધ-બુદ્ધ આત્મા છો. જાતિ-વર્ણ-સંપ્રદાયથી પર છો એટલે ભેદભાવ રહીત સૌ સાથે પ્રેમ કરતા આત્મ કલ્યાણ કરો.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"તમે સ્થૂળ શરીર નથી. સ્થૂળ શરીર તમારા રહેવા માટેનું મકાન છે. શુભ કર્મો કરી મન-ચિત્ત-બુદ્ધિ સ્થિર રાખી સન્માર્ગે ચાલો. તમે શુદ્ધ-બુદ્ધ આત્મા છો. જાતિ-વર્ણ-સંપ્રદાયથી પર છો એટલે ભેદભાવ રહીત સૌ સાથે પ્રેમ કરતા આત્મ કલ્યાણ કરો"
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ

"પ્રત્યેક માનવીની ફરજ છે કે - પોતાનું માનવ જીવન રાગ-દ્વેષ, છળ-કપટમાં, હુંસા-તુંસીમાં, સ્વાર્થમાં કે માત્ર શરીર પોષણમાં વિતાવવતું જોઈએ નહીં. આ માનવ શરીર યોગ્ય કર્મ કરતા, અયોગ્ય કર્મથી બચતા, પોતાના શરીરનું રક્ષણ કરતા, રાગ-દ્વેષ રહીત સહુમાં એક જ આત્મ તત્ત્વ નિહાળતા સન્માર્ગે ચાલતા ઈશ્વર પ્રાપ્તિ માટે છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



guru mahima sidhh samarth guru guru krupa kag bhushundiji daan donation importance of guru in life MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace