Skip to main content

વિશ્વ કલ્યાણકારી મહામંત્ર ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત'

વિશ્વમાં વસી રહેલા પવિત્ર આત્માઓની સંસ્થામાં આપ લોકોની ગણત્રી થાય તે સ્વાભાવિક છે. માયિક સિમીત કુટુંબની પરિધિ વટાવી જે અખિલ વિશ્વને પોતાના કુટુંબ, પોતાના આત્મીય સમજે છે તેમજ કલ્યાણ માટે નિઃસ્વાર્થભાવે જે પોતાના તન, મન, ધન ખર્ચે છે તે જ પવિત્ર આત્મા છે - તે જ મહાન છે. વર્ષોંની સાધના પછી વિશ્વ કલ્યાણાર્થે સિદ્ધો, સંતો તરફ્થી ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' વિશ્વ કલ્યાણકારી મહામંત્રનો પ્રચાર આપ લોકો કરી રહ્યા છો તે જોઈ મને ખૂબ જ આનંદ આવે છે. આનંદ વિભોર બની નાચી ઉઠું છું. અશાંત માનવીને આ મહામંત્ર તરત જ શાંતિ આપે છે. બળ, બુદ્ધિ, ધન, સ્વાસ્થ્ય પણ મળે છે. સમસ્ત શુભેચ્છાઓની પૂર્તિ થાય છે. આ અંગે વધારે બોલવા કે લખવાની જરૂરીયાત નથી.

આજકાલના સમય સંજોગોમાં અનેક સંપ્રદાયો, અનેક માર્ગદર્શકોના સમૂહમાં આ મંત્ર વિશેષ મહત્ત્વ ધરાવે, અન્ય મંત્રો કરતાં આ મંત્રની મહત્તા વધારે બોલવામાં આવે ત્યારે દરેક સારી વ્યક્તિને ઉલઝન પેદા થાય અને મંત્ર વિશે સ્પષ્ટતા પૂછવામાં આવે તે સ્વાભાવિક છે. આ પ્રશ્નોતરી વિષે મારે તેમજ આપ લોકોને સહન કરવું પડે છે અને કરવું પડશે. યોગ્ય જવાબ આપી બધાયને સંતોષ આપવો આ મહત્ત્વનું કામ કરવાનું રહેશે. સરળતાથી દરેક પવિત્ર આત્માને ધ્યાન લાગે, શાંતિ મળે તે માટે વરદાન રૂપમાં આ મંત્ર મળ્યો છે એની સાથે સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે - યોગ, ધ્યાન, સમાધિ જે કઠણ વિષય છે તે સરળ બનાવી, સસ્તા કરી જે રીતે આપ જગતમાં મૂકો છો તે રીતે લોકો જલ્દી સ્વીકારશે નહિ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ આદિ ક્રિયાઓ કરવાથી જે ધ્યાન-સમાધિ લાગવી જોઈએ. તે ફ્ક્ત દશ મિનિટની ધુનથી પ્રાપ્ત થાય તો તે અંગે ઉલઝનપૂર્ણ પ્રશ્નોની ઉપસ્થિતિ સ્વાભાવિક છે છતાં પણ પવિત્ર આત્માઓ તર્ક-કુતર્ક કરીને અપનાવશે. ઘણા મોડા મોડા મંત્રનો પ્રભાવ જોઈ-સમજીને અપનાવશે પણ લોકેષણામાં સપડાયેલા, અહંકારના કિચડમાં ફસાયેલા વ્યક્તિઓ મનોમન મુંઝાશે. ન તો આ વસ્તુને સ્વીકારશે કે દિલથી સંપૂર્ણ રીતે ત્યાગી શકશે. બીજાઓને પણ પ્રતિષ્ઠાના આધારે ઉલઝનમાં નાખશે પરિણામે પસ્તાશે. આ મંત્ર કરવાથી શાંતિ મળે, ધ્યાન લાગે, શુભેચ્છા-શુભકામનાની પૂર્તિ થાય તો તર્ક-કુતર્ક કર્યા સિવાય શા માટે ન કરવો ? આ મંત્ર કયાંથી આવ્યો ? કયા શાસ્ત્રમાં છે ? આની મહત્તા કેમ વધારે છે ? આ તર્ક-આ પ્રશ્ન એવો છે કે - એક ભૂખ્યા માણસને દયા કરીને મીઠી કેરી ખાવા માટે આપવામાં આવે ત્યારે તે કેરી ખાવાને બદલે કેરી આપનારને પ્રશ્ન કરે કે આ કેરીના ઝાડ કયાં છે ? કોણે ઉગાડયા ? કોણે પાણી આપ્યું ? કોણે ખાતર નાખ્યા ? કોણે તોડયા ? અને કોણે પકાવ્યા વગેરે ? આ વ્યર્થ પ્રશ્નો કરવા કરતા પાકી કેરી ખાવી, ગોટલીને ફગાવીને હાલતા થવું જોઈએ પણ આપણી ટેવ છે કે ન પૂછવા જેવા પ્રશ્નો પૂછવા, વર્ષો પહેલા પ્રવાસ માટેના કોઈ સાધનો ન હતા ત્યારે લોકો ચાલીને યાત્રા કરતા, બળદ ગાડી, ઘોડા કે ઊંટ ઉપર જતા. ધીમે ધીમે સાયકલનો આવિષ્કાર થયો. મોટર સાયકલ બની, મોટર ગાડીઓ બની. આ વાહનમાં બેસતા પહેલા લોકો મહિના મહિના સુધી આશ્ચર્યથી આ વાહન સામે જોયા કરતા હતા, પૂછપૂરછ કરી હતી, ટ્રેન સામે શ્રીફળ વધૈર્યા હતા, પગે લાગ્યા હતા ત્યાર પછી બેસતા થયા. તે વખતે ટ્રેનમાં કે વાહનમાં ખૂબજ સસ્તા ભાવે બેસાડવામાં આવતા ત્યારે લોકો માંડ માંડ બેસતા. તે વખત કરતા અત્યારે ટિકિટમાં અનંત ગણો વધારો થઈ ગયો છે, કેટલા દિવસ પહેલા રીર્ઝવેશન કરાવવું પડે છે અને માંડ માંડ જગ્યા મળે છે તો પણ લોકો બેસે છે, અગર માનવી ઈશ્વર શક્તિથી, ઈશ્વરી દેનના આધારે નવા નવા આવિષ્કાર કરે, દેશ-કાળ પરિસ્થિતિને અનુલક્ષી પોતાને, સમાજને, દેશને યોગ્ય માર્ગે વાળે, નવી-નવી વસ્તુ આપે ત્યારે ઈશ્વર સંજોગો જોઈ નવી વસ્તુ જગતની વચ્ચે મુકે અને જગતનું કલ્યાણ કરે તો આમાં શું આશ્ચર્ય છે ? સૃષ્ટિની ઉત્પત્તિ, સંરક્ષણ અને સંહાર જે પરમાત્મા કરે છે તે દરેકમાં સદગુરૂ ને નિમિત્ત બનાવે છે.

ગુરુ બ્રહ્મની પરંપરા છે. ગુરુકૃપા સિવાય કોઈ પણ દેવ કે સિધ્ધિ મેળવી શકાતી નથી. જયારથી ભગવાન દત્ત ભૂમંડળ ઉપર પધાર્યા છે ત્યારથી બધા દેવો, સિધ્ધો-સંતોએ જગતના ઉધ્ધારક તરીકે તેઓને સ્વીકાર્યા છે. તેઓના નામસ્મરણ માત્રથી બધા દેવો ખુશ થશે.બધી આપત્તિઓ દૂર થશે, લક્ષ્ય પ્રાપ્ત થશે. તે ભગવાન દત્તની જીવની વેદો શાસ્ત્રો પુરાણોમાં વાંચવી જોઈએ. અન્ય મંત્રો કરતા આ મંત્ર મહાન છે તેમ હું નથી બોલતો પણ આ મંત્ર કરવાથી અન્ય સમસ્ત મંત્રો જલ્દી ચેતન થાય છે, મંત્ર શક્તિ ખીલી ઉઠે છે તેમાં સંદેહ નથી. કોઈ પણ મંત્ર સિધ્ધ સમર્થ ગુરુના મુખે સાંભળી લેવાથી ખીલી ઉઠે છે તે બધા જાણે છે. જે ગુરુ જેટલા મહાન, જેટલી ઉચ્ચ કક્ષામાં હોય છે તે પ્રમાણે તેઓની શક્તિ કામ કરે છે. "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" મંત્રનો જપ ચોપડીમાં વાંચીને પણ જે જપ્યા કરશે તેઓને પણ આનંદ આવશે. શાંતિ મળશે. તેઓની યોગ્યતા, કક્ષા પ્રમાણે બધુય મળશે. આ વાત સિધ્ધો-સંતોના મુખેથી વરદાન રૂપે નીકળેલ છે એટલે પરચા મળી રહ્યા છે. સૃષ્ટિમાં ભગવાન દત્ત કરતા અત્યારે કોઈ મહાન નથી અને કોઈ દેખાતા હશે તો તેઓના કૃપાપાત્ર હશે અથવા તો તેઓના સ્વરૂપ હશે. જે દૂરદૃષ્ટા છે, સિદ્ધમંડળમાં પ્રવેશ કરેલ છે તે આ મંત્ર વિશે શંકા-કુશંકા કરશે નહીં પણ એટલું જરૂર બોલશે કે ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' મંત્ર કરવાથી દરેક મંત્રોની શક્તિ જાગૃત થઈ જાય છે. ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' મંત્ર વિશ્વ કલ્યાણકારી છે, મુક્તિદાયક છે મહાન છે અને કરવો જોઈએ. અમો બધાય ખુશ છીએ. આ જ આ મંત્ર વિષે પ્રમાણ છે. ઘણા સાધકોએ અનુભવ પણ કર્યા છે. બાકીના સાધકો જેઓને ધ્યાન લાગતું હોય તે ઘ્યાનમાં પૂછી શકે છે, આનાથી વિશેષ સ્પષ્ટ ખુલાસો મારી પાસે નથી, બાકી તો લોકેષણાને કારણે કોઈ આ અમૂલ્ય વસ્તુ ન ગ્રહણ કરે અને ત્યાગી દે તે અંગે તે પોતે વિચારી શકે છે. પ્રથમ આ મંત્ર કરી ધ્યાનમાં બેસવાથી આશીર્વાદ તથા વરદાનના આધારે તુરત જ અનુભૂતિ થાય છે અને પછી સાધકના ઈષ્ટમંત્ર કે જે તેઓ ઘણા સમયથી કરતા આવ્યા છે તે સ્વાભાવિક રીતે ચાલુ થઈ જાય છે અને ઘણાને સમય પાકતા, તેઓના ઈષ્ટના મંત્ર પણ મળે છે. શરીર ટકાવવા માટે અન્ન-વસ્ત્ર, સફાઈ કરવા માટે સાબુ-સોડાની જેટલી જરૂરીયાત છે તેના કરતાં વધારે મન-ચિત્ત-બુદ્ધિ નિર્મળ બને, મન શાંત રહે, સુખ-શાંતિ અનુભવાય તે માટે ધ્યાન જરૂરી છે, ધ્યાનથી-સમાધિથી મુક્તિ મળે છે. ભગવાન મળે છે, માત્ર આ માન્યતામાં વળગી રહેવું પુરી સમજદારી નથી. ધ્યાનથી ભણતરમાં, ધંધામાં, નોકરીમાં કોઈ પણ કામમાં સૂઝ મળે છે. સ્વસ્થ ચિત્તે બુદ્ધિ કામ કરે છે. શરીરમાં આરોગ્યતા આવે છે. ધ્યાન, ધારણા, સમાધિમાં, પ્રણવ મંત્ર, અન્ય મંત્રો મૂકી ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' મંત્ર શા માટે કરવો એના માટે બહુ લાંબો ઉત્તર આપવાની જરૂરિયાત નથી. અન્ય બધા મંત્રો કરવાથી તરત જ ધ્યાન, ધારણા કે સમાધિ કે શાંતિ નથી મળતી અથવા તો લાંબા સમયે માપમાં મળે છે જ્યારે આ મંત્રથી ટૂંક સમયમાં વધારે મળે છે અને આજીવન રહે છે, માટે આ મંત્ર કરવો જોઈએ, આ મંત્રથી જલ્દી ધ્યાન કેમ લાગે છે. શાંતિ કેમ મળે છે, શુભેચ્છાઓ કેમ પૂરી થાય છે તે અંગે વિદ્વાનોએ શોધ કરવાની રહે છે. અકારણ યોગ્ય સાધકોએ સમય બગાડવાનો રહેતો નથી. મિનિસ્ટરને અથવા મહારાજાને મળવું હોય તો ક્રમથી અંદર જવાનું રહે છે. એકાએક મિનિસ્ટર કે રાજા મળી શકતા નથી. સત્તા કે શક્તિ બધામાં એક હોવા છતાં સૃષ્ટિના સંચાલનમાં જુદા જુદા રૂપે ક્રમથી ગોઠવાયેલી રહે છે. અગર કોઈને ભગવાન શિવ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ કે માતાજી, મહાવીર સ્વામી કે બુદ્ધ ભગવાન, મહાન સંતોમાં કબીરદાસજી, નાનકજી, જલારામજી, તુકારામજી, મીરાંબાઈ, સૂરદાસજી, તુલસીદાસજી, રંગ અવધૂતજી, નરસિંહ સરસ્વતી, અકકલ કોટના સ્વામીજી, શીરડીના સાંઈબાબા, ભગવાનશ્રી સહજાનંદજી, મહાપ્રભુજી, મહમદ સાહેબ, પીર સાહેબ, પેગંબર સાહેબ, જીસસ ક્રાઈસ્ટ, નેમીનાથજી, પારસનાથજી, જરથોસ્ટ વગેરે ભૂમંડળ ઉપર અવતરેલા મહાપુરુષોને, સિદ્ધો-સંતોને પૂછવામાં આવે તો દરેક એમ જ બોલશે કે શક્તિ મળે છે, અપલક્ષણો દૂર થાય છે, કામ-ક્રોધ-મદ-લોભ મૂર્છિત થાય છે. યોગ્ય માર્ગે ચાલવા પ્રેરણા મળે છે, વિશ્વ પ્રેમની ભાવના જાગે છે. જેઓ જે સ્થિતિમાં તે કામમાં સૂઝ અને બળ મળે છે. અગર બધાય સવારે-સાંજે પોતાનો થોડોક સમય ધૂન-ધ્યાન-ભજનમાં કાંઢે તો જગતમાંથી અનીતિ - અન્યાય - અત્યાચાર - દંભ - પાખંડ - અપલક્ષણો દૂર થઈ જાય પણ ભજન-ધૂન-ધ્યાનના પીઠ પાછળ અગર કોઈ ધંધો-વ્યાપાર કરે, દ્વવ્ય સંચય, માન-પ્રતિષ્ઠા, લોકેષણા વગેરેની અપેક્ષા રાખે તો વિશ્વનું કલ્યાણ થઈ શકતું નથી. માત્ર તેઓના સિમીત સર્કલમાં અમુક પ્રમાણમાં ક્ષણિક સુખ-શાંતિ મળી શકે છે.

આ મંત્ર વિશે ખુલાસા મારાથી અથવા તો બીજા સાધકોથી પૂછવા કરતા યોગ્ય સાધકો અને વિદ્વાનોએ અનુભવ કરી પોતે શાસ્ત્રોમાં શોધવા જોઈએ. કોઈ પણ મહાપુરુષોના આશીર્વાદ-વરદાન સામે તર્ક-કુતર્ક ચાલ્યા નથી. પ્રેમથી સ્વીકારવાનો રહે છે. પરીક્ષિતને ઋષિકુમારે શ્રાપ આપ્યો કે, “સાતમા દિવસે નાગદંશ થશે અને તારું મૃત્યુ થશે.” તે વખતે સપ્તર્ષિ મંડળ, વેદવ્યાસ, શુકદેવજી વગેરે ધુરંધર સિધ્ધો-સંતો-મહાપુરુષો હતા ત્યારે કોઈએ દલીલ નથી કરી કે - નાગ કેમ કરશે? કઈ રીતે કરશે વગેરે.. ત્યારે તો દરેક એક સ્વરથી બોલી ઉઠ્યા હતા કે ઋષિકુમારની વાણી વૃથા થાય નહી, કોઈપણ મહાપુરુષના શ્રાપ કે આશીર્વાદ મિથ્યા કરી શકાતા નથી. તેનો ઉપાય બતાવી શકે છે. તે વખતે બધાયે ભેગા મળીને પરીક્ષિતનું મૃત્યુ સુધારેલું છે. બચાવી શકયા નથી. તે રીતે ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' મંત્રની શ્રધ્ધા, પ્રેમ, વિશ્વાસથી ધૂન કરશે તેને ધ્યાન લાગશે તે આશીર્વાદ કોણ મટાડી શકશે ? અષ્ટાંગ યોગની જેટલી ક્રિયાઓ છે - યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરે બધી ક્રિયાઓ આ મંત્રની ધૂન કરી ધ્યાનમાં બેસવાથી સ્વાભાવિક રીતે થશે. પોતાની રીતે યોગ કરવાથી કંઈ ભૂલ થઈ જાય તો સહન કરવું પડે છે. આ મંત્ર કરી ધ્યાનમાં બેસવાથી સ્વાભાવિક રીતે જેટલી યોગની ક્રિયાઓ થાય છે તેમાં કોઈ પણ જાતનો ભય રહેતો નથી અને તકલીફ પણ પડતી નથી. ધ્યાન શિબિરમાં આવેલા સેંકડો ભાઈઓમાંથી પચાસ-સાઠને ધ્યાન લાગી જાય, કાંઈક અનુભૂતિ થાય અને બાકીના લોકોને ધ્યાન ન લાગે, અનુભૂતિ ન થાય તો તેનો દોષ કે ખામી સંચાલક કે મંત્રમાં શોધવાની રહેતી નથી. શિક્ષક સ્કૂલમાં છોકરાઓને એક સરખું ભાણાવતા હોય છે. તેમાં ક્રમથી પહેલો, બીજો, ત્રીજા વર્ગમાં પાસ થાય છે અને ઘણા નાપાસ પણ થાય છે. નાપાસ થનારા છોકરાઓ નાપાસ થવાને કારણે શિક્ષકની ભૂલો જુએ, શિક્ષકને અયોગ્ય માને તે બુધ્ધિમતા નથી. બીજી વાત પૈસા લેવા માટે બેંકની લાઈનમાં બધાયને ઉભા રહેતા જોઈ કોઈ એવી વ્યક્તિ ધૂસી જાય કે જેઓનું બેંકમાં ખાતુ નથી તો બેંકવાળા તેને પૈસા આપતા નથી. બેંકમાં પૈસા જમા કરાવેલ હોય, ખાતું હોય તેઓને જ પૈસા મળે છે. જેઓએ કોઈ દિવસ ભજન-સાધના-ઉપાસના કરેલ નથી. તેઓને તરત જ ધ્યાન કયાંથી લાગે ? અનુભૂતિ કયાંથી થાય ?

ચાર-છ મહિના, બે-ચાર વર્ષ કોઈ ખૂબજ પ્રેમથી, શ્રધ્ધાથી, નિષ્ઠાથી મંત્ર જાપ કરે, ધ્યાનનો અભ્યાસ કરે અને પછી ફરિયાદ કરે તો સાંભળી શકાય છે. અનેક જન્મો સાધના-ઉપાસના કર્યા પછી પણ જે નથી મળતું તે માટે બે-ચાર વર્ષ વધારે નથી. ઘણા સાધકો એવા પણ હોય છે કે જેઓને કંઈ દેખાતું નથી. બીજાઓની જેમ અનુભૂતિઓ થતી નથી તો તેઓની કક્ષા નીચી છે તેમ માનવું જોઈએ નહીં. ઘણાની અંદર સ્વભાવિક રીતે ગુરુકૃપાથી જ્ઞાનનો વિકાસ થાય છે, અંતર શુધ્ધિ થાય છે, તેઓની અંદર નીતિ, નિયમ, સચ્ચાઈનો વિકાસ થાય છે, બધાય પ્રત્યે આત્મીય ભાવ જાગે છે, દોષો-વિકારો-આવરણો દૂર થવા લાગે છે. દરેક પરિસ્થિતિમાં દ્વંદ્વમાં તેઓ સહનશીલ રહે છે. આ ધ્યાન નથી-અનુભૂતિ નથી તો શું છે ? ભજન-ધ્યાન કરવાથી કોને કઈ રીતે આગળ લઈ જવું તે કળા સદગુરૂના હાથમાં હોય છે. જે બધું સહન કરતા સ્થિર શાંતિ તરફ વળે છે. લક્ષ તરફ જવા માટે ચીર શાંતિ પ્રાપ્ત કરવા માટે ક્ષણિક અસ્થિર નાશવંત વસ્તુઓને જે કામ પૂરતા સ્વીકારે છે. અસંગ અલિપ્તભાવે દરેક કામો કરતા સ્વરૂપની યાદી રાખતા જે લક્ષ તરફ જાય છે તે જ મહાન છે. તમે લોકો વિશ્વ કલ્યાણકારી પ્રવૃત્તિ ચાલુ રાખશો. દરેક સાધકોની ઉલઝન દૂર કરતા બધાયને સુખ શાંતિ મળે તેમાં નિમિત્ત બનશો તે અપેક્ષા સાથે વિરમું છું.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"કોઈપણ મહાપુરુષોના આશીર્વાદ-વરદાન સામે તર્ક-કુતર્ક ચાલ્યા નથી. પ્રેમથી સ્વીકારવાનાનો રહે છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



guru mahima sadhana success importance of guru in life MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace