Skip to main content

સહજાવસ્થા અને ‘શાંભવી મુદ્રા’

अन्तर्लक्ष्य विलीन चित्तपवनो योगी यदा वर्तते
दृष्टया निश्चलतारया बहिरघः पश्यन्नपश्यन्नपि ।
मुद्रेयं खलु शाम्भवी भवति सा लब्धा प्रसादाद गुरोः
शून्याशून्यविलक्षणं स्फुरति तत्वपरं शाम्भवम् ॥
(હઠયોગ પ્રદીપિકા અધ્યાય ૪/૩૭)

બાહ્ય જગતને ખુલ્લી આંખે જોવા છતાંય જેઓ જોતા નથી તે અંતઃકરણમાં પરમાત્માને લક્ષ્ય બનાવીને યોગીઓની મનોવૃત્તિઓ હંમેશા જ્યાં સ્થિર રહે છે તે શૂન્ય-અશૂન્યથી (બ્રહ્મ-પરબ્રહ્મ) થી પર વિલક્ષણ સ્થિતિ છે. તેવી પરમ તત્ત્વની પ્રાપ્તિની મુદ્રાને જ 'શાંભવી વિદ્યા' કહે છે, જે ગુરુની પરમ પ્રસન્નતાથી જ પ્રસાદી રુપે પ્રાપ્ત થાય છે.

‘શાંભવી મુદ્રા’ કે ‘શાંભવી વિદ્યા’ પ્રાપ્ત મહાપુરુષ ‘સિધ્ધ’ જ ગણાય. આ સ્થિતિ સદગુરુની પરમ કૃપાથી જ પ્રાપ્ત થાય છે. આ દુર્લભ અવસ્થા છે. શાસ્ત્રોના વાંચન-શ્રવણથી આ ઉત્તમોત્તમ અવસ્થા પ્રાપ્ત થતી નથી કારણ કે - કૃપા સાધ્ય છે.

સહજાવસ્થા પ્રાપ્ત મહાપુરુષને ઓળખવા કઠિન છે. શાંભવી મુદ્રા પ્રાપ્ત મહાપુરુષની દ્રષ્ટિ બે-ત્રણ ફુટ સુધીની જણાતી હોય છે અર્થાત્ આંખો અર્ધી ખુલેલી અને અર્ધી બંધ હોય છે. આ સ્થિતિમાં મહાપુરુષની ઓળખ થઇ શકે કે કોઇ ઉચ્ચ કોટિના મહાપુરુષ છે પણ સદગુરુ કૃપા કરી સહજાવસ્થામાં મુકી દેતા હોય છે, તેથી તે મહાપુરુષની જલ્દી ઓળખાણ થતી નથી કારણ કે તેમનું વાણી-વર્તન સામાન્ય વ્યક્તિ સમાન હોય છે જેમ કે ભગવાન રામ,ભગવાન કૃષ્ણ શાંભવી મુદ્રામાં સતત ન રહેતા, ખુલ્લી આંખે સૌ સાથે રહેતા અને અવતાર કાર્ય પૂર્ણ કરતા સાથોસાથ તે સમયે (અને આજે પણ) ભક્તો પ્રેમથી પુકાર કરતા ત્યારે પોતાની ઉપસ્થિતિનો અનુભવ પણ કરાવતા. ટુંકમાં, સહજાવસ્થા અતિ દુર્લભ છે. અને તે પ્રાપ્ત મહાપુરુષોને ઓળખવા અતિ કઠિન છે કારણ કે તેમના ક્રિયા-કલાપ વિચિત્ર હોય છે.

ક્ષણ માત્રમાં રુપ બદલી શકનારા ગોરક્ષનાથજી પણ સદગુરુ દત્તને ઓળખી શકતા નથી કારણ કે શ્રી દત્ત સહજાવસ્થામાં વિહાર કરતા હોય છે. એક વખત ગોરક્ષનાથજી સમર્થ ગુરુની શોધમાં યાત્રા કરતા હોય છે. અચાનક સદગુરુ દત્તાત્રેયનું મિલન થાય છે. પરમ અવધુત સદગુરુ પરમ મસ્તીમાં હોય છે તેથી ગોરક્ષનાથજી અનુમાન કરે છે કે - ભલેને હાલ શાંભવી મુદ્રામાં નથી પણ કોઇ ઉચ્ચ કોટીના મહાપુરુષ છે. ખાત્રી માટે પરિક્ષા કરે છે. ગોરક્ષનાથજી દેડકો બની સદગુરુના કમંડલમાં પ્રવેશી જાય છે. સદગુરુ તરત ઓળખી કાઢે છે. ફરી માછલી બનીને ગુમ થયા તો સદગુરુ પકડી પાડે છે. છેવટે ગોરક્ષનાથજી તે મહાપુરુષને ગુમ થવાનુ આહ્વાન આપે છે. પણ આ શું ? ગોરક્ષનાથજી યોગ બળે આકાશ-પાતાળ,જળ-સ્થળ સર્વત્ર ફરી વળે છે. અરે ! ત્રણ લોક, ચૌદ બ્રહ્માંડમાં ક્યાંય પણ સદગુરુ ન મળ્યા, ખુબ પસ્તાવો કરે છે. સદગુરુ વિયોગમાં અશ્રુપાત થાય છે ત્યાં સદગુરુ પ્રગટે છે. ગોરક્ષનાથજી પોતાના વ્યર્થ પરિશ્રમની વાત કરે છે અને આપ ક્યાં અને ક્યા સ્વરુપે છુપાયા હતા તેનો પ્રશ્ન કરે છે ત્યારે સદગુરુ જણાવે છે કે - જળમાં જળ બનીને, વાયુમાં વાયુ બનીને, આકાશમાં આકાશ બનીને, અગ્નિમાં અગ્નિ બનીને રહ્યો હતો. અત્ર-તત્ર-સર્વત્ર વ્યાપ્ત એટલે "દત્ત". સહજ એટલે "દત્ત". સદગુરુ કૃપાથી પ્રાપ્ત સહજાવસ્થાધારી મહાપુરુષની વિશેષતા એ છે કે - બહારના-માયાના કોઇ દોષ-આવરણ પ્રલોભનો ક્યારેય પ્રવેશી શકતા નથી જેમ કે - ‘બુલેટપ્રુફ’ બખ્તર પહેરનારને ગોળી વાગતી નથી તેવી રીતે વિકાર-વાસના તે મહાપુરુષમાં પ્રવેશી શકતા નથી.

તે મહાપુરુષ શાંભવી મુદ્રામાં અચાનક આવી પણ જાય છે જેથી સિધ્ધો-સંતોની સત્સંગ સભામાં ઉપસ્થિત સૌને ખ્યાલ આવે. ટુંકમાં, સદગુરુ એવી અદ્ભુત અવર્ણનીય સ્થિતિમાં રાખી દે છે કે જે વૈખરીમાં સમજાવી શકાતુ નથી.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરુપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"અત્ર-તત્ર-સર્વત્ર વ્યાપ્ત એટલે "દત્ત". સહજ એટલે "દત્ત". સદગુરુ કૃપાથી પ્રાપ્ત સહજાવસ્થાધારી મહાપુરુષની વિશેષતા એ છે કે - બહારના-માયાના કોઇ દોષ-આવરણ પ્રલોભનો ક્યારેય પ્રવેશી શકતા નથી જેમ કે - ‘બુલેટપ્રુફ’ બખ્તર પહેરનારને ગોળી વાગતી નથી તેવી રીતે વિકાર-વાસના તે મહાપુરુષમાં પ્રવેશી શકતા નથી."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Shambhavi avastha Dattatreya Sahajavastha Sahaj Yog MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace