Skip to main content

શ્રી પુનિત વાણી

  • બહારથી હવા લેવામાં આવે તેને પ્રાણ કહેવાય છે અને ગુદા વાટે બહાર નીકળી જાય તેને અપાન કહેવામાં આવે છે. પ્રાણ ખેંચી પેટમાં ભેગો કરો અને અપાન ગુદા મારફ્તે બહાર નીકળી ન જાય તે માટે ગુદા દબાવી બેસો તેને કુંભક કહેવાય છે. આમ કરવાથી પ્રાણ અપાનમાં હોમાય છે, તેનાથી પેટમાં ભારે ગડગડાટ વગેરે થાય છે. સાધકના અનેક સંચિત સંસ્કારો જાગે છે, આ તો મેં તમને યોગિક ક્રિયાની વાત કરી પણ ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' મંત્ર કરવાથી તમારે કાંઈ કરવાનું નથી. ઓટોમેટીક બધું થવા લાગશે. તમારા ખરાબ વિચારો શાંત થશે. સદગુરુ પ્રાણ અને અપાનની ક્રિયા કરાવી દેશે. બંને નસકોરા એકી સાથે ચાલે તેનું નામ સુષુમ્ણા. જેને ધ્યાન લાગે તેના બંને નસકોરા ચાલતા હોય છે. આગળ વધતા શ્વાસોશ્વાસની ક્રિયા ધીમી બને છે અને છેવટે તેમાંથી ‘સોડહં’ ની કક્ષા શરૂ થાય છે. ઈંડા અને પિંગલા સુષુમણામાં ભેગી થઈ જાય ત્યારે ‘સોડહં’ ની કક્ષા આવે છે.

  • સાધના દરમ્યાન ગમે તેટલી આપત્તિ કે તુફાન આવે તો પણ ધારેલા લક્ષ્યમાં ચલિત ન થવાય તો સંસારમાં રહીએ છતાં અલિપ્ત રહી સાધના શરૂ રાખવામાં આવે તો લાંબા ગાળે લક્ષ્ય પાસે પહોંચી જવાય છે. આ કક્ષાએ પહોંચતા સુધીમાં તકલીફ઼ે ઘણી પડશે પણ તે મજા આવે તેવી તકલીફ (Sweet Pain) હશે. જન્મ જન્માંતરોથી પડેલી વાસનાઓ સળગે નહિં ત્યાં સુધી આગળ વધાતું નથી, પણ તમારી તીવ્ર ઈચ્છા હશે તો ભગવાન દત્ત તુરંત આવી યૌગિક ક્રિયાઓ કરાવી આપે છે. આ કાંઈ મારી શોધ નથી. મને તો સિદ્ધો-સંતોએ જે કહ્યું અને મેં જે અનુભવ્યું છે તે તમોને કહી રહ્યો છું.

  • જ્ઞાન અને વૈરાગ્ય પરિપકવ ન થાય ત્યાં સુધી કંઈ છોડશો નહિં નહિંતર અર્ધદગ્ધ દશામાં હેરાન થઈ જશો.

  • અન્નમયકોષની શુદ્ધિ પછી પ્રાણમયકોષની શુદ્ધિમાં એક થી પાંચ વર્ષ લાગે છે. ભસ્ત્રિકા પ્રાણાયામ થવા લાગે ત્યારે શ્વાસ ઓછો લેવાય છે અને વધારે બહાર નીકળે છે ત્યારે ‘સોડહં'ની ક્રિયા શરૂ થાય છે.

  • મૂલાધારચક્રથી મણીપુર ચક્ર સુધી પહોંચતા સુધીમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે, પણ મણીપુર ચક્ર વટાવી ગયા પછી વિક્ષેપો ઓછા થાય છે. મનને શાંતિ મળે છે.

  • ચંદ્ર નાડી ચાલતી હોય ત્યારે ડાબા નસકોરામાં શ્વાસોશ્વાસ ચાલે છે તેને ઈડા કહેવાય છે અને સૂર્ય નાડી ચાલતી હોય ત્યારે જમણા નસકોરામાં શ્વાસોશ્વાસ ચાલે છે તેને પિંગળા કહેવાય છે. ચંદ્ર નાડી ઠંડી છે જ્યારે સૂર્ય નાડી ગરમ છે. આ બન્ને ભેગી થાય ત્યારે સુષુમણા ચાલે છે. તે નહીં ઠંડી કે નહીં ગરમ તેવી હોય છે.

  • પ્રાણમય કોષ પછી મનોમન કોષ આવે છે તેની શુદ્ધિ કોઈ પણ સાધક પોતાની શક્તિથી જાતે કરી શકતો નથી.

  • સાધના દરમ્યાન ખોરાક ઓછો અને સાત્ત્વિક લેવો જોઈએ.

  • જ્યારે સોડહં શરૂ થાય ત્યારે માથુ ભારે થાય, ગળું પકડાય, જીભ ખુલ્લે નહિ, હૃદય ઉપર ભાર લાગે, વિચારો શાંત થાય અને મનની ચંચળતા કંટ્રોલ થાય છે.

  • સાધનામાં એકાંત જરૂરી છે, ‘એકાંત એટલે સર્વસ્વનો એકમાં અંત'. શહેરમાં રહીને પણ એકાંત મેળવી શકાય છે અને જંગલમાં ગયા પછી પણ શહેરની દુનિયાના વિચારો ચાલ્યા કરે તો જંગલનું એકાંત પણ શું કામનું ? વિચારો શાંત ન થાય ત્યાં સુધી એકાંત મળવાનું નથી.

  • ચિત્ત અને મન મૂર્છિત થઈ જાય તેનું નામ સમાધી.

  • સાધનાનો માર્ગ ઘણો કઠીન છે પણ અનન્ય શરણાગતિ હોય તો સરળ પણ બની શકે છે. સંતો કહે છે કે - લક્ષ્ય પ્રાપ્તિ માટે સકામ ઉપાસના બાધક છે. કદાચ સિદ્ધિ મળે તો પણ પાછળથી મુશ્કેલી ઉભી કરે છે. કોઈ કાર્યની સિદ્ધિ માટે ઉપાસના કરવાથી જો કાર્ય સિદ્ધિ ન થાય તો કુભાવ અને અશ્રદ્ધા જાગે છે તેથી નિષ્કામ ઉપાસના કરવાનું કહેવામાં આવે છે.

  • કેટલાક લોકો સાધના છોડી દે છે કારણ કે તેના સંચિત-પ્રારબ્ધ કર્મો તેમાં અવરોધો નાખે છે.

  • ભજન અને ભક્તિનું પરિણામ તુરત મળતું નથી પણ લાંબા સમયે તેનો ફાયદો થાય છે. પહેલા પ્રોવિડન્ડ ફંડમાં જમા કરાવો પછી એક સામટી રકમ મળશે.

  • કશી યાચના સાથે કરાતી ભક્તિ કરતા અનન્ય શરણાગતિથી કરાતી ભક્તિથી બધું મળે છે. શરણાગતભાવ જેનામાં આવી જાય તેની પાછળ પાછળ ભગવાન છે. મીરાં, પ્રહલાદ અને નરસૈયાની પાછળ ભગવાન ફરતા હતા. ભગવાન તમારી શ્રદ્ધાની કસોટી કરે છે. તમે ભક્તિ છોડી દેશો કે કેમ તે ચકાસે છે.

  • પ્રભુને ષડ્વિકાર, દંભ અને અહંકાર ગમતા નથી, તે ન્યાયી છે તે કદી પક્ષપાત કરતા નથી. સાધનામાં જે વિઘ્નો આવે છે તે પ્રભુ કૃપાથી આવે છે. તેનાથી આપણા દોષોનો નાશ થાય છે. ઘણી ઘણી શંકાઓના સમાધાન માટે ભગવાન અનેક નાટકો કરે છે.

  • હનુમાનજી જેવા કોઈ દેવદાસ નથી. તે મહાન રામ ભકત છે, પણ જ્યારે તેમને અહં આવ્યો ત્યારે ભગવાને તેના અહંનું ખંડન કર્યું હતું.

  • સાધના દરમ્યાન ગુરુ દર્શન આપે નહિ કે ગેબી અવાજ સંભળાય નહિ કે આશીર્વાદ આપતો ગુરુનો હાથ દેખાય નહિ ત્યાં સુધી માનતા નહિ કે ગુરુએ તમને અપનાવી લીધા છે. ભગવાન દત્ત તમોને જેનામાં શ્રદ્ધા હશે તે સ્વરૂપે દર્શન આપશે.

  • ભગવાન દત્ત જો દર્શન આપે તો પ્રથમ એક મસ્તકવાળા દેખાશે. દત્તનો કોઈ આકાર નથી. તે નિરાકાર છે. તે આકાશ તત્ત્વથી પણ સૂક્ષ્મ છે. તે અણુ અણુમાં વ્યાપેલા છે.

  • હું નથી કહેતો કે રામ, કૃષ્ણ, શિવની ઉપાસના છોડી દો પણ તેની પાસે લઈ જવા માટે કાંઈક તો જોઈશે ને તેથી ગુરુદત્તને ગુરુ બનાવો.

  • જ્યારે સાધક ભાવાવસ્થામાં આવી જાય છે ત્યારે તે ભગવાનને કહે છે કે, “હે ભગવાન ! ઘણાં સમયથી તમારાથી છુટો પડ્યો છું. હવે સંસારમાં ગમતું નથી. મને તમારા ચરણમાં લઈ લો.” આવી ભાવાવસ્થા વખતે પેલા ષડ્વિકારો કંઈ તોફાન કરી શકતા નથી પણ ભાવાવસ્થા સમાપ્ત થાય ત્યારે પાછું સંસારી મોહ સાધકને ખેંચે છે. આવું સાધના દરમ્યાન ચાલે છે.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"હું નથી કહેતો કે રામ, કૃષ્ણ, શિવની ઉપાસના છોડી દો પણ તેની પાસે લઈ જવા માટે કાંઈક તો જોઈશે ને તેથી ગુરુદત્તને ગુરુ બનાવો."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



guru mahima Sadhana vairagy gyan sadhana success importance of guru in life MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace