Skip to main content

ગુરુપૂર્ણિમા તા. ૨૧-૭-૦૫ ના પૂજયશ્રીએ મોકલાવેલ સત્સંગ સંદેશ

‘ગુરુ પૂર્ણિમા' પર્વ એવું આધ્યાત્મિક પર્વ છે જેમાં જીવન જીવવાની, સ્વસ્થ રહેવાની અને કર્મ માર્ગ પર ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે. ગુરુ એ કોઈ સ્થૂળ તત્ત્વ નથી, ગુરુ કોઈ સાધારણ માનવ શરીરધારી નથી પરંતુ જેવી રીતે વ્યાપક ઈશ્વરીય તત્ત્વ ધર્મરક્ષણને માટે કોઈ સ્થૂળનો આધાર લઈને અવતાર લે છે તેવી જ રીતે ઈશ્વરીય તત્ત્વ જનસૃષ્ટિને માર્ગદર્શન આપવા માટે યોગ્ય માર્ગ પર ચાલવા માટે પુરુષ કે સ્ત્રી સ્વરૂપે પ્રગટ થાય છે.

ક્યારેય પણ એવું વિચારવું નહીં કે - મારા ગુરુ છે કે મરી ગયા છે ? નહીં. ક્યારેય ગુરુ તત્ત્વ મરણ પામતું નથી પરંતુ માત્ર માર્ગદર્શન દેવાવાળું જે શરીર છે તે બદલાય છે. આપ બધાને અત્યારથી જ અભ્યાસ કરાવું છું કે - વ્યાપક સદગુરુ તત્ત્વને માનો, જાણો અને ધારણ કરો.

પૂજા કે માન કોઈ પણ વ્યક્તિ માટે હોતા નથી. પૂજા અને આદર તેની યોગ્યતા અને શક્તિના થતાં હોય છે. જે દિવસે આપ નિવૃત્ત થઈ જશો તે જ દિવસે આપની સત્તા ચાલી જશે, આપનું એ માન હવે નહીં હોય કે જ્યારે સત્તા પર હતા. ઠીક છે, તપસ્વી તથા વિદ્વાન હંમેશા પૂજાય છે કારણ કે - તેમની શક્તિ કાયમ તેમની પાસે રહે છે. દેવતાઓએ જ્યારે જાણ્યું કે શુંભ, નિશુંભ, મહિષાસુર, રક્તબીજ વગેરે રાક્ષસોને કોઈ દેવથી જીતી શકાય તેમ નથી ત્યારે બધાએ પોતપોતાની શક્તિ આપીને સર્વ શક્તિ સ્વરૂપા માઁ દુર્ગાને પ્રગટ કર્યા, તેમાંથી નવદુર્ગા બની. એ દેવીઓએ અસૂરોનો સંહાર કરેલ છે, આ દેવીઓ શિવ, બ્રહ્મા, વિષ્ણુ તેમજ અન્ય દેવોની પાસે અલગ અલગ સ્વરૂપમાં છે. જે દિવસે આ શક્તિઓ ઉપર અન્યાય, અત્યાચાર, તિરસ્કાર, બળાત્કાર થવા લાગે છે તે દિવસથી જ દેશનું અને સમાજનું પતન થવા લાગે છે, તેથી સાવધાની જરૂરી છે.

ઈશ્વરે આપને બળ, બુદ્ધિ, શક્તિ અને સત્તા આપેલ છે. જે આપે આપના પરિશ્રમ અને કર્મ યોગથી પ્રાપ્ત કરેલ છે. તેને સાચી રીતે ખર્ચ કરતાં શીખો. આ શક્તિઓનો દુરુપયોગ ન કરો, તેનો ઉપયોગ તમારા ઉત્થાન, સમાજની સેવા માટે કરો, એ જ ઈશ્વર અને સદગુરુનો સંકેત છે.

તમો જે કોઈ ક્ષેત્રમાં આગળ વધવા માગતા હો તો સૌથી પહેલા પ્રાતઃકાળમાં જાગીને માતા-પિતા તેમજ વ્યાપક ચૈતન્ય સ્વરૂપ ગુરુ તેમજ ઈશ્વરની પ્રાર્થના કરી આશીર્વાદ મેળવો, પછી આગળ વધો. પ્રાર્થના નમસ્કાર આપની સાથે રહે છે, આપની સુરક્ષા અને પ્રગતિ કરાવે છે. જો આપને નિષ્ફળતા મળતી હોય અને આપના કાર્યમાં વિઘ્ન આવતા હોય તો પણ આપ પ્રાર્થના છોડો નહી કારણ કે - આપની સામે આવેલા વિધ્નો કોઈ પણ જન્મની આપની જ ભેગી કરેલી સંપત્તિ છે. આ પ્રાર્થના કવચથી તે થઈ દૂર જશે. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, પાંડવો તેમજ અન્ય મહાન અવતારી પુરુષોની સામે પણ સમસ્યાઓ આવેલી અને ધીરે ધીરે દૂર થયેલી તેથી ગભરાવ નહીં. હિંમતથી આગળ વધો. જો કે એ ખ્યાલ રાખજો કે ‘એક તો બિમારી અને તેમાં કુપથ્ય પદાર્થનું સેવન કરશો નહીં' અર્થાત્ ખરાબ પરિસ્થિતિમાં ભૂલથી પણ ઈશ્વર, ગુરુ અને માતા-પિતાનું અપમાન કરી બેસતાં નહીં, નહીં તો વધુ પતન થવા લાગશે અને પરેશાની વધી જશે.

અવધૂત ગીતા બીજા અધ્યાયના ૨૩ માં શ્લોકમાં દત્ત મહારાજે કહ્યું છે કે -

गुरुप्रज्ञाप्रसादेन मूर्खो वा यदि पण्डितः।
यस्तु सम्बुध्यते तत्त्वं विरक्तो भवसागरात्॥

અર્થાત્ - મૂર્ખ હોય કે પંડિત, ગુરુ કૃપાથી જે આત્મજ્ઞાનને અને આત્મતત્ત્વને સાચી રીતે જાણી લે છે તે જલ્દી સંસાર રૂપી સમુદ્રથી વિરકત અર્થાત્ ઉપરામયુકત બનીને જન્મ-મરણથી છુટી જાય છે પછી સંસારચક્રમાં પડતો નથી. આ જ રીતે શ્લોક નંબર ૨૪ માં કહેલ છે કે -

रागद्वेषविनिर्मुक्तः सर्वभूतहिते रतः ।
द्रढबोधश्च धीरश्च स गच्छेत्परमं पदम् ॥

એ વિદ્વાન અર્થાત્ - જ્ઞાનવાન પરમ પદને પ્રાપ્ત કરે છે જે રાગ-દ્વેષાદિકથી રહિત બનીને અને સર્વભૂતોના હિતની ઈચ્છા રાખતો હોય, કોઈ પણનાં અહિતની ઈચ્છા કરતો ન હોય અને જેના આત્માને દૃઢબોધ હોય અર્થાત્ યર્થાથ જ્ઞાન હોય તે જ પરમ પદને પ્રાપ્ત કરી શકે છે, બીજો નહીં.

આ બધાનો સારાંશ એ છે કે - જ્યારે સદગુરુની કૃપા વરસે છે તે સમયે સાધક ભણેલ છે કે અભણ, ગરીબ છે કે ધનવાન, ઉચ્ચ જ્ઞાતિનો છે કે નીચેના વર્ગનો એ જોયા વગર ગુરુ શક્તિ તેનું કલ્યાણ કરી નાખે છે. ઉદાહરણ તરીકે જગદગુરુ શંકરાચાર્યજી, રામાનુજજી, રામાનંદજી, નરસિંહ મહેતા, તુકારામજી, જલારામજી, કબીરદાસજી, તુલસીદાસજી, શબરી, અજામીલ, જટાયું વગેરે બધાએ ઈશ્વર કૃપા પ્રાપ્ત કરીને સમાજને, સંસારને કંઈને કંઈ આપેલ છે.

કૃપા ત્યાં થાય છે જ્યાં શરણગતિ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, તર્કનો અધ્યાય પુરો થયા પછી આસ્થા વધે છે. જ્યારે વ્યક્તિ અહંકારરહીત બને છે, પોતાની બુદ્ધિ તેમજ સમજનું અભિમાન દૂર કરે છે, ઈશ્વરના મંગલમય વિધાનોને સ્વીકારવા લાગે છે, ઈશ્વર-ગુરુ અને સંતના આચરણ પરની શંકા છોડી દે છે ત્યારે તેને કંઈક પ્રાપ્ત થાય છે.

શાંતનું અને ગંગાની વચ્ચે આંતરીક સમજૂતી અને શરત હતી જેને રાજગૃહના પ્રજાજનો જાણતા ન હતા. છ સંતાનોને ગંગામાં વહેવળાવી દીધા પછી આગ્રહને કારણે એકને રાખેલ પરંતુ શરત ભંગને કારણે ગંગા અદૃશ્ય બની ગઈ. એજ ગંગાપુત્ર ભિષ્મ પિતામહ થયા. એ જ પ્રમાણે કૃષ્ણ જન્મ સમયે કંસની કડક વ્યવસ્થા હોવા છતાં કૃષ્ણ ગોકુલ પહોંચી ગયા. પાંડવોની સાથે ભગવાન હોવા છતાં પણ વનવાસ વગરે કષ્ટ ભોગવવા પડ્યા. કહેવાનો હેતુ એ છે કે - એક બાજુએ ગુરુ-ઈશ્વરના વરદાન અને આશીર્વાદ તો બીજી બાજુએ સમાજ. કેવી રીતે કોને સંભાળવું ! અહીં ઈશ્વર અને ગુરુનું સ્થાન પ્રથમ છે.

એક વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે - જે વ્યક્તિ ખોટા માર્ગે પગ રાખે છે, અયોગ્ય કાર્ય કરે છે, તેનું પતન થાય છે, તેની પાસે આધ્યાત્મિક શક્તિ નથી રહેતી, પરંતુ જ્યાં ઉત્તરોત્તર ઉન્નતિ થતી હોય, જેની આધ્યાત્મિક શક્તિ વધતી હોય ત્યાં સમજવાનું કે વ્યક્તિ સાચી છે, તેનો વિરોધ કરવો જોઈએ નહીં કારણ તેનાથી નુકશાન થાય છે.

આપ લોકો સ્વસ્થ બનો, આપના આત્મભાવને સમજો. સ્થૂળ શરીર, ઈન્દ્રોયજન્ય વ્યવહારથી ઊંચા ઉઠો, દરેક સ્થળે પરમાત્માને નિહારો, દોષદૃષ્ટિ છોડીને ગુણગ્રાહી બનો. પોતાનું ખાવા-પીવાનું સુધારો. થોડો સમય યોગ-ધ્યાન દ્વારા આત્મચિંતન કરો એ જ આંતરિક બોધ છે.

(ગુરુપૂર્ણિમા તા. ૨૧-૭-૦૫ ના પૂજયશ્રીએ મોકલાવેલ સત્સંગ સંદેશ)


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"ક્યારેય પણ એવું વિચારવું નહીં કે - મારા ગુરુ છે કે મરી ગયા છે ? નહીં. ક્યારેય ગુરુ તત્ત્વ મરણ પામતું નથી પરંતુ માત્ર માર્ગદર્શન દેવાવાળું જે શરીર છે તે બદલાય છે. આપ બધાને અત્યારથી જ અભ્યાસ કરાવું છું કે - વ્યાપક સદગુરુ તત્ત્વને માનો, જાણો અને ધારણ કરો."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ

"કૃપા ત્યાં થાય છે જ્યાં શરણગતિ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, તર્કનો અધ્યાય પુરો થયા પછી આસ્થા વધે છે. જ્યારે વ્યક્તિ અહંકારરહીત બને છે, પોતાની બુદ્ધિ તેમજ સમજનું અભિમાન દૂર કરે છે, ઈશ્વરના મંગલમય વિધાનોને સ્વીકારવા લાગે છે, ઈશ્વર-ગુરુ અને સંતના આચરણ પરની શંકા છોડી દે છે ત્યારે તેને કંઈક પ્રાપ્ત થાય છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



guru purnima 2005 sant sthul visarjan guru krupa MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace