Skip to main content

સહજ ધ્યાન યોગ

હું તમને કઈ રીતે સમજાવું કે - પરમ પદનો આનંદ કેવો અદ્ભુત છે.  कहत कठिन समझत कठिन   અર્થાત્ કહેવું કઠિન છે અને સમજાવવું કઠિન છે.

મને સદગુરુ મળ્યા ત્યારે કહ્યું કે - "હું તારી અંદર છું, કર્તા-હર્તા હું છું, તેથી હું મારી મસ્તીમાં જ રહું છું." સદગુરુએ એવી અદ્ભુત સ્થિતિમાં મુક્યો છે કે બધું જ કરતો હોવા છતાં મારી સ્થિતિ એક સરખી જ રહે છે. ગમે તે પરિસ્થિતિમાં લેશમાત્ર પણ ફરક પડ્યો નથી. આંખો બંધ કરવાથી ધ્યાન-સમાધિ લાગે છે પણ જાગૃત થયા બાદ સદા તે સ્થિતિ જળવાઈ રહેતી નથી. સહજ સમાધિનો નશો તો કંઈ અલગ જ છે. જાગૃતિમાં પણ ધ્યાનસ્થ છું. જ્યાં-જ્યાં મન જાય છે ત્યાં સમાધિ છે. यत्र यत्र मनः जाति तत्र तत्र समाद्ययः। તમને અનુકૂળતા-પ્રતિકૂળતામાં અલગ અનુભવ થાય તો સમજવું કે કંઈ ખામી-લીકેજ છે. શાસ્ત્રોમાં સુખ-દુઃખમાં સમાન સ્થિતિ રહે તેને જ યોગ કહ્યો છે.

ઘણા લોકો મને પૂછે છે કે - "બાપુશ્રી, આપની આંખમાં કોઈ તકલીફ ખરી? અર્ધ ખુલ્લી છે તેથી એમ લાગે છે કે દૃષ્ટિ મંદ હશે. અમે તમારી કોઈ દવા કરીએ.." હું જણાવું છું કે - "મને ગિરનારના જંગલમાં એક મહાત્મા મળ્યા. તેમણે મને કંઈક આપી દીધું તેથી મારી દૃષ્ટિ આવી થઈ ગઈ છે પણ મને તેમાં ખૂબ જ આનંદ આવે છે. મારે કોઈ સારવારની ઈચ્છા નથી.” શાસ્ત્રોમાં દર્શાવ્યું છે કે,

अंतर्लक्ष्यं बहिर्दृष्टि निमेषोन्मेष वर्जिते ।
एषा शांभवीमुद्रा सर्वशास्त्रे सुबोधितः ॥

સદગુરુ ભગવાન દત્ત અને સદાશિવ જ શાંભવી મુદ્રામાં રહેતા હોય છે તે અદ્ભુત લાભ સદગુરુ કૃપાથી મને મળ્યો છે. હું સર્વત્ર છું છું અને છું જ. આ વાતને સમજવા માટે નાનકડું દષ્ટાંત આપું છું.

એક લોખંડનો ગોળો હોય તેની અંદર પોલી જગ્યા હોવાથી તે ગોળામાં આકાશ તત્ત્વ (ખાલી જગ્યા) હોય તે સ્વભાવિક છે. તે ગોળાનું ઉત્પાદન ભારત દેશમાં થયું તેથી ભારત વિસ્તારનાં આકાશનો ભાગ તેમાં છે તેમ તમે માનશો. હવે તે ગોળો કોઈ અમેરીકા લઈ જાય છે તેથી તમે કહેશો કે, ગોળામાં રહેલું ભારતનું આકાશ અમેરીકા ગયું. ખરેખર આકાશ ત્યાં જાય છે ??? કોઈ માછીમાર માછલી પકડવા માટે પાણીમાં જાળ નાંખે છે ત્યારે માછલીઓ પકડાતાં તે જાળને પોતાની તરફ ખેંચે છે ત્યારે જાળમાં રહેલ પાણી માછલી કરતાં સૂક્ષ્મ હોવાથી આવતું નથી, માત્ર જાળમાં માછલી જ આવે છે. આકાશ તત્ત્વ તો જળ તત્ત્વ કરતાં પણ સૂક્ષ્મ છે. તેથી તેનું સ્થળાંતર થતું નથી, તે તો સર્વત્ર છે, તેને ભારતથી અમેરીકા જવું પડતું નથી. અરે ! અખિલ બ્રહ્માંડમાં તે છે, તેવી રીતે સદગુરુ તત્ત્વ પણ સર્વત્ર છે. જ્યાં યાદ કરો ત્યાં હાજર, એ પરમ તત્ત્વ પ્રસન્ન થાય પછી આપવામાં કંઈ બાકી રાખે ? સદગુરુ તો પારસમણિથી અનેક ગણા શ્રેષ્ઠ છે કારણ કે - પારસમણિ લોખંડને સોનું બનાવે છે પણ પોતાના સમાન પારસમણિ બનાવતો નથી પણ સદગુરુ તો પોતાના સત્ શિષ્યને પોતાનું સ્વરૂપ જ આપી દે છે.

શાસ્ત્રોમાં કુંડલિની અને ચક્રો વિશે સુંદર વર્ણન છે. ઘણા અનુભવી મહાપુરુષોએ પણ તેનું વર્ણન કર્યું છે. હું મારી અંગત વાત કરું તો મને તે પ્રકારના વર્ણનનો અનુભવ થયેલ નથી. ઘણા પગપાળા મુસાફરી કરતા હોય ત્યારે રસ્તામાં આવતાં ગામ-શહેર, નદી-નાળાં, ખેતર-વાડી વગેરેનું વર્ણન કરે છે, કોઈ ગાડાં કે ટેક્સીમાં મુસાફરી કરતા હોય તો જે તે રસ્તાનું વર્ણન કરે તે સ્વભાવિક છે. કોઈ ટ્રેનમાં મુસાફરી કરે તો તે ટ્રેનના માર્ગમાં આવતાં સ્થળોનું વર્ણન કરે છે. દરેક વ્યક્તિ અને વર્ણન તેના સ્થાને યોગ્ય છે પણ મને તો સદગુરુ સીધા પ્લેનમાં જ લઈ ગયા. ત્રણ-ચાર સેકન્ડ ‘ૐ’ ના ઉચ્ચાર સાથે જ પરમ પદ આપી દીધું. શાસ્ત્રો અને મહાપુરુષો પાસે સત્સંગમાં સાંભળેલું તે જણાવું તો -

કુંડલિનીનું સર્પાકાર રુપે વર્ણન છે. ખરેખર તો શક્તિનો કોઈ આકાર હોતો નથી. નિરાકાર જ હોય છે પણ શરીરમાં નાડીયો સર્પાકાર હોવાથી તે પ્રમાણે ઉલ્લેખ છે. જેવી રીતે ઈલેક્ટ્રીક કરંટ લાંબો -પાતળો હોતો નથી પણ બલ્બ કે ટયુબ વગેરેના વાયરમાં વહેતો હોવાથી વાયરનો આકાર ધારણ કરે છે.

શરીરમાં વિવિધ ચક્રો આપેલ છે. દરેક ચક્ર વિશે ખૂબ વિસ્તૃત વર્ણન મળે છે. મૂલાધાર ચક્રમાં આદ્યશક્તિ કુંડલિની સુષુપ્ત અવસ્થામાં છે. સદગુરુ કૃપાથી શક્તિપાત થવાથી તે જાગ્રત થાય છે. મૂલાધાર ચક્રની શુદ્ધિ માટે શિબિરાર્થી માટે અહીં ઔષધીપાનની વ્યવસ્થા કરેલી છે. અગ્નિ પુરાણ, બટુક તંત્ર વગેરેમાં અમુક પ્રયોગો દર્શાવેલ છે. બલા, અતિબલા, ગળો, ખાખરો, શેમડો વગેરે ઔષધીનો રસ દરેક શિબિરાર્થીને યોગ્ય માત્રામાં આપવામાં આવશે. ઔષધીપાન બાદ ૧૫-૨૦ મિનિટ પછી ચા-કોફી લઈ શકો છો. મૂલાધાર ચક્ર એ મંગળ લોક છે, ત્યાં કુંડલિની હોય તો આનંદ અનુભવાય, જ્ઞાન વિકાસ થાય છે, સૌ પ્રત્યે પ્રેમભાવ જાગે છે. સ્વાધિષ્ઠાન ચક્ર પિત્ત કલરનું અને મણિપુર ચક્ર આકાશી કલરનું હોય છે. આ બધાં વર્ણન સાચાં છે પણ આપણા ઋષિ-મુનિઓ સાધકને આધ્યાત્મિક માર્ગનું વિશેષ આકર્ષણ જળવાઈ રહે તેથી વિશેષ વર્ણન કરે છે. તમે લોકો ગિરનારમાં આવેલ જટાશંકર મંદિરમાં જાવ તે વખતે ત્યાંના ભયસ્થાનો જેવા કે - વિકટ રસ્તો, હિંસક જાનવરો, કાંટા-કાંકરા વગેરેનાં અવરોધનું વર્ણન કરું તો તમે લોકો જલ્દી તૈયાર ન થાવ પણ ત્યાં જતાં-જતાં રમણીય પુષ્પો-વૃક્ષોનું વર્ણન કરું, આહ્લાદક ઠંડી હવાની વાતો કરું તો તમે હોંશે-હોંશે તૈયાર થઈ જાવ, પછી ભલેને ત્યાં થોડી ઘણી તકલીફો પડે પણ તેનો સામનો થઈ શકે છે, તેવી રીતે અંતર્યાત્રાનું વર્ણન સત્ય અને આહ્લાદક હોય છે પણ ભયસ્થાનોનું વર્ણન ઓછું જોવા મળે છે. તમે લોકો તો ખરેખર ભાગ્યશાળી છો. આ મહામંત્રનો જાપ કરે તેની સાથે સદગુરુની અમાપ શક્તિ અને સદગુરુના આદેશ મુજબ સિદ્ધો-સંતો સતત માર્ગદર્શન આપવા તૈયાર જ હોય છે તેથી શાસ્ત્રોના જંગલમાં અટવાયા કરતાં તમને જે સદગુરુ પથ મળી ગયો છે તેના પર નિર્ભય થઈ આગળ વધો.

ધ્યાનમાં અગણિત ફાયદા છે. જેમ જેમ તમને ધ્યાનનો અભ્યાસ થશે તેમ તેમ તમે ઈચ્છો કે ન ઈચ્છો પણ ફાયદા અનુભવશો. ધ્યાનથી મનની શુદ્ધિ, બુદ્ધિનો વિકાસ થાય છે. મનની શક્તિ વધે છે. તમારામાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. અહીં ઘણા ભણેલા ગણેલા બુદ્ધિપ્રધાન લોકો આવે છે. કોર્ટના જજ કહે છે કે - અમને ન્યાયનું કાર્ય કરવાનું હોય છે. ધ્યાનના અભ્યાસથી અમે સાચો નિર્ણય લઈ શકીએ છીએ. ટુંકમાં ધ્યાનમાં કોઈ જ ગેરફાયદો નથી. હવે, અહીંથી ધ્યાનમંત્ર ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત’ ની ધૂન બોલવામાં આવશે. અહીં ધ્યાન કરવાનું નથી પણ થવા દેવાનું છે. અહીં તો સહજ રૂપે સદગુરુ કૃપા પ્રવાહિત થતા શક્તિપાત થશે અને જે જરૂરી ક્રિયા વગેરે હશે તે સહજમાં થશે છતાં તમને હઠયોગના આસન, ભસ્ત્રિકા આવડતા હોય તો ઘેર કરી શકો છો. ભસ્ત્રિકા એટલે થોડો શ્વાસ લેવો અને વધારે શ્વાસ બહાર કાઢવો જેથી મગજમાં રહેલ ઝેરી ગેસ (કાર્બન ડાયોકસાઈડ) બહાર નીકળે છે અને વિશેષ શાંતિ અનુભવાય છે પણ હૃદયરોગવાળા કે એક-બે હાર્ટ એટેક આવ્યા હોય તે લોકો આ પ્રયોગ ન કરે. આ મંત્રથી જરૂરી હોય અને હિતકારક હોય તે જ ક્રિયા વગેરે થાય છે તેથી સહજ યોગમાં જરાય ભય ન રાખવો.

હૃદય રૂપી દ્વાર ખોલીને પ્રેમથી સદગુરુને પોકારજો. મહામંત્ર વિશે તર્ક ન કરો. બીજી ભાષામાં કહું તો તમારી પાસે કોઈ રેડીયો હોય અને તેને સાંભળવા માટે શું કરો છો ? સૌ પ્રથમ તો તેમાં સેલ પુરશો ત્યારબાદ વોલ્યુમનું બટન શરૂ કરશો અને છેવટે જે સ્ટેશન પકડવું હશે ત્યાં કાંટો ગોઠવી દેશો તો તમે તરત જ અવાજ સાંભળી શકશો. તમારા શરીર રૂપી રેડિયોમાં શ્રદ્ધા-વિશ્વાસ રૂપી પાવર પૂરી દો, હૃદય રૂપી બટન ખોલી દો અને મન રૂપી કાંટો સદગુરુ ચરણમાં સ્થિર રાખો. સર્વત્ર ફેલાયેલ સદગુરુ તત્ત્વનો શાંતિદાયી-આનંદદાયક-આહ્લાદક ધ્વનિનો અનુભવ અવશ્ય કરી શકશો.

અહીંથી જે રાગમાં ધૂન બોલાવવામાં આવે તે રાગમાં સમૂહમાં ઝીલવાની છે અને પછી છેલ્લે સમૂહમાં એક સાથે બોલવું, ત્યાર બાદ આંખો બંધ રાખી સદગુરુને પ્રાર્થના કરવાની છે. ધ્યાન દરમ્યાન મંત્રજાપ ન કરવો, માત્ર દૃષ્ટા બની શ્વાસોશ્વાસ પર દૃષ્ટિ રાખવાની છે. અભ્યાસ હોય તો આજ્ઞા ચક્ર, હૃદયમાં ધ્યાન કરી શકો છો. જે રીતે દર્દીને હોસ્પીટલમાં દાખલ કર્યા બાદ તેને ઓપરેશન ટેબલ પર સુવડાવવામાં આવે છે ત્યારે દર્દી કોઈ જ તર્ક કરતો નથી, સર્જન ડોક્ટરમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે તેવી રીતે તમે સદગુરુની હોસ્પીટલમાં દાખલ થયા છો. વિવિધ જાતના ટેસ્ટ બાદ તમારું ક્ષણ માત્રમાં યોગ્ય નિદાન પણ થઈ ગયું છે. હવે અજ્ઞાન રૂપી અવરોધ દૂર કરવા માટે હિતકારી સુંદર ઓપરેશન થવાનું છે. સદગુરુ શ્રેષ્ઠ વૈદ્ય છે અને શાંતિદાયી વાતાવરણ છે.

ધૂન વખતે તાળી પાડવામાં સંકોચ ન રાખશો. અહીં તમે પ્રભુના સંતાન છો. કોઈ હોદ્દો કે પદવી હોય તો ભૂલી જજો. પ્રેમથી તાળી પાડી ધૂન બોલજો. બધા આંખો બંધ કરી ધૂન બોલશે, તેથી તમને સાથીદારો જોઈ રહ્યા છે તેમ ન માનશો. તાળી પાડવાથી હાથમાં રહેલો એકયુપ્રેશરના અમુક પોઈન્ટ દબાય છે તેથી સારી એકાગ્રતા પ્રાપ્ત થાય છે. વળી નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મનો સંયોગ થાય તો પરબ્રહ્મને પ્રગટ થવું પડે છે છતાં તાળી ન પાડો-ધૂન ન બોલો તો પણ અનુભૂતિ તો થશે જ. આંખની પલક (પાંપણ) ન પડે તે રીતે ખુલ્લી આંખે બેસશો તો પણ અનુભૂતિ થશેજ. હજ્જારો લોકોએ મહામંત્રને વિવિધ રીતે ચકાસેલ છે. તમે તે લોકોની વાત સ્વીકારી તર્ક બુદ્ધિ છોડી જે પ્રમાણે સૂચના અપાય છે તેનું પાલન કરજો. શક્ય હોય તો ટટ્ટાર બેસવું. સાધના દરમ્યાન ઈલેક્ટ્રીક પ્રવાહ પ્રવાહિત થતો હોવાથી ઉન, દર્ભ કે લાકડાનાં આસન પર બેસવું. યોગશાસ્ત્ર મુજબ માત્ર જમીન પર ન બેસવું. ગુરુત્વાકર્ષણ બળને લીધે તે પ્રવાહ પૃથ્વીમાં ખેંચાય છે. દરેક વ્યક્તિની આસપાસ વલય (ઓરા) હોય છે. સત્કર્મથી સાત્ત્વિક ઓરા વધે છે. પરસ્પર સ્પર્શ કરવાથી તે ઓરામાં વિક્ષેપ થાય છે તેથી એકબીજાને સ્પર્શ કર્યા વગર અલગ-અલગ બેસવું. કમર ટાઈટ ન રહે તે પણ જરૂરી છે તેથી પેન્ટ જેવા ચુસ્ત કપડાંને બદલે ધોતી, પાયજામો વગેરે ખુલતાં કપડાં પહેરવાં. ટટ્ટાર બેસવાનું ન ફાવે તો ભીંતનો ટેકો લઈને કે ખુરશી પર પણ બેસી શકો છો. હું હંમેશાં સત્ય જ બોલું છું. ગિરનારમાં પથ્થરે-પથ્થરે સિદ્ધોનો વાસ છે. સિદ્ધો, સંતો સતત આ મહામંત્રની ધૂન અહીં કરી રહ્યા છે તેનો ઘણાંને અનુભવ પણ થયો છે. ટુંકમાં, તમે સૌ એક એવાં પ્રદૂષણ રહિત સિદ્ધ સ્થાનમાં આવી ગયા છો કે વાત ન પૂછો. છેલ્લા દિવસની છેલ્લી ક્ષણ વખતે તમે કેવી આનંદદાયક સ્થિતિમાં હશો તેની તમે અત્યારે કલ્પના પણ નહિ કરી શકો.

અંતમાં એટલું જ કહું છું કે – સદગુરુ ચરણમાં શરણાગતિ રાખો. આ ઉત્તમ પ્રકારની ભક્તિ છે. શરણાગત ભક્તના અનેક કર્મો સદગુરુ વિવિધ સ્વરૂપો ધારણ કરી ભોગવીને શિષ્યને મુક્ત કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના છેલ્લા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે પ્રિય શિષ્ય અર્જુનને કહ્યું છે કે -

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः।।

સર્વ કર્મોનો પરિત્યાગ કરીને મારા એકલાને શરણે આવ, શોક કર નહીં, હું તને સર્વ પાપોથી મુકત કરીશ.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)




"સદગુરુ ભગવાન દત્ત અને સદાશિવ જ શાંભવી મુદ્રામાં રહેતા હોય છે તે અદ્ભુત લાભ સદગુરુ કૃપાથી મને મળ્યો છે. હું સર્વત્ર છું છું અને છું જ."

~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ

"તમે લોકો તો ખરેખર ભાગ્યશાળી છો. ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત’ મહામંત્રનો જાપ કરે તેની સાથે સદગુરુની અમાપ શક્તિ અને સદગુરુના આદેશ મુજબ સિદ્ધો-સંતો સતત માર્ગદર્શન આપવા તૈયાર જ હોય છે, તેથી શાસ્ત્રોના જંગલમાં અટવાયા કરતાં તમને જે સદગુરુ પથ મળી ગયો છે તેના પર નિર્ભય થઈ આગળ વધો."

~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Sahaj Dhyan Yog Shibir Hari Om Tatsat Jai Guru Datta Sambhavi Mudra Mahamantra Drashta P.P. Punitachariji Maharaj Dattatreya Maiyashree ShailajaDevi