Skip to main content

ગુરુ મહિમા

नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो आचार्य सिद्धेश्वर पादुकाभ्यो

ગુરુદેવને અને ગુરુપાદુકાને વંદન હો ! પરસ્વરૂપોની પાદુકાને વંદન હો ! આચાર્યો અને સિદ્ધપુરુષોની પાદુકાઓને વંદન હો ! લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની પાદુકાને વંદન હો !

બચપણથી જ ઈશ્વર પ્રાપ્તિની તીવ્ર ઝંખના હતી. પ્રભુ કણ-કણમાં બિરાજમાન છે તો તેમનાં દર્શન કેમ થતાં નથી ? દિન-પ્રતિદિન ઈશ્વર તરફ્નો ઝુકાવ વધતો જ ગયો. દરરોજની ૧૫-૧૭ કલાકની કઠિન સાધના વિના વિઘ્ને પૂર્ણ થતી તેનો આનંદ તો સામે પક્ષે ખાસ કોઈ અનુભૂતિ ન થાય તેનું ભારોભાર દર્દ પણ ખરું. તમે લોકો ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો. ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' મહામંત્ર મને ઘણી ઉગ્ર સાધનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે તે આપ સૌને પ્રેમથી આપી હું મારી ફરજ પૂર્ણ કરું છું. આ વિશ્વ કલ્યાણકારી વરદાની સિદ્ધમંત્ર એ સદગુરુ દત્તાત્રેય ભગવાનની અને સિદ્ધો-સંતોની ગેબી વાણી છે, સદગુરુ અને મહામંત્રનો ગાઢ સંબંધ છે. આખી સૃષ્ટિ મંત્રને આધીન છે. ગુરુદેવને આચાર્યને આધીન મંત્ર છે. આ ધ્યાનમંત્રની ધૂનથી સહજ ધ્યાનની અનુભૂતિ થાય છે. તમે લોકો આ બાબતે તર્ક ન કરો. તમે કોઈ અધિકારી હો તો તમારા ઓર્ડરની પણ અસર પડે છે જ્યારે આ તો પરબ્રહ્મ પરમાત્માની દિવ્ય વાણી છે તેથી વિશ્વમાં ગમે ત્યાં આ બિનસાંપ્રદાયિક-સર્વસાંપ્રદાયિક મહામંત્રની ધૂનથી દુર્લભ એવા સહજ ધ્યાનની અનુભૂતિ આબાલ-વૃદ્ધ સૌને થાય છે જે આ કલિના બુદ્ધિજીવી લોકો સમજી શકતા નથી. મહામંત્ર અવતરણ પ્રસંગે સિદ્ધો-સંતોએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે - વિશ્વ કલ્યાણાર્થે આપે માંગ્યું તેથી ગુપ્ત મહામંત્ર આપી દીધો છે પણ લોકો જલ્દી સ્વીકારશે નહીં. જીંદગીના ૨૫-૩૦ વર્ષની સાધના પછી પણ ઘણાને ધ્યાનનો અનુભવ થતો નથી જ્યારે અહીં તો માત્ર ૫-૧૦ મિનિટ ધૂન બોલવાથી કે સાંભળવાથી દિવ્ય અનુભૂતિ થાય છે તેથી લોકો વિવિધ જાતના તર્ક કરશે. આને લોકો હિપ્નોટીઝમ-મેસ્મેરીઝમ-ત્રાટક સાથે સરખાવે છે. ટીકા કરે છે અને ગેરમાર્ગે દોરે છે. ટીકા કરનારને ખબર નથી કે હિપ્નોટીઝમ વગેરે તો વ્યક્તિની હાજરીમાં જ થાય છે અને તેની અસરમાંથી છૂટયા બાદ શરીરમાં બેચેની-માનસિક તાણ વગેરે અનુભવાય છે. આ સિદ્ધ મહામંત્રનો જાપ વિશ્વના કોઈ પણ છેડે જઈને કરો તો ત્યાં તમારા ઈષ્ટદેવ-ગુરુદેવની ઝાંખી થશે અને તેમના તરફ્થી સૂક્ષ્મ રૂપે પ્રમાણ પણ મળશે. દેશ-વિદેશમાં અસંખ્ય શિબિરો યોજાઈ છે. અહીં આશ્રમમાં પણ સતત ૨૮ કલાક ધ્યાન લાગેલું તેવા દાખલા છે અને ધ્યાનમાંથી જાગ્રત થયા બાદ વ્યક્તિ સ્વસ્થ અને સ્ફૂર્તિમય હતી. વિદેશીઓને ત્યાં મહામંત્રની સાધનાથી સદગુરુ, ગિરનાર, આશ્રમ વિગેરેનાં દર્શન થયાં છે. સુંદર અનુભૂતિ પણ થઈ છે. ટુંકમાં, વરદાન કે શ્રાપ સામે તર્કબુદ્ધિ ચાલતી નથી, સ્વીકારવું જ પડે છે.

સાધનામાં સિદ્ધ મંત્ર લેવો જોઈએ. શાસ્ત્રોમાં મંત્ર શુદ્ધિ વિશે ઘણું લખાણ છે. મંત્રજાપ પહેલાં ન્યાસ વગેરે વિધિ કરવી તેવો નિર્દેશ છે. ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' એ પરબ્રહ્મ પરમાત્માનો મંત્ર છે. સિદ્ધો-સંતો સતત તેની ધૂન કરે છે તેથી તેની કોઈ વિધિ કરવાની જરૂરત નથી. કોઈ સ્થૂળ ગુરુ પાસે જ મંત્ર લેવો તેવો આગ્રહ ન રાખવો, અન્ય મંત્રો પુસ્તકોમાંથી સીધા લઈ તેનો જાપ કરવાથી ફાયદો જણાતો નથી. ત્યારે આ મંત્ર ગમે તે સ્થળે, ગમે તે સમયે, ગમે તે વ્યક્તિ જપી શકે છે. સદગુરુની અહૈતુકી કૃપાનો ભરપૂર લાભ લેવો જોઈએ અને અન્યને આપવો પણ જોઈએ તેવું મારું નમ્ર સૂચન છે. જાપકને તેના ધર્મ-સંપ્રદાય અને પૂર્વાપરની સાધના પ્રમાણે જ અનુભવ થશે. આપના ઈષ્ટમંત્ર-ગુરુમંત્રની આગળ પાછળ આ મહામંત્રની સંપૂટ રુપે નિશ્ચિત માળા કરશો તો ટૂંક સમયમાં આપની વિશેષ પ્રગતિ થશે. આ મંત્રની સાધનાથી યમ-નિયમ વગેરે અષ્ટાંગ યોગ તથા મૂલ બંધ, ઉડ્ડિયાન બંધ, જાલંધર બંધ વગેરે સહજમાં થશે. ટુંકમાં, અલખના આરાધકો માટે આ મહામંત્રએ અદ્ભૂત ચાવી છે. આપની સાધનાના ગુપ્ત દ્વાર સહેલાઈથી ખુલી જશે પરિણામ સ્વરૂપ આપનામાં વિશ્વ પ્રેમની ભાવના વિકસવા માંડશે. નવું જીવન અનુભવી શકશો.

સદગુરુશ્રી દત્ત ભગવાન તો ગુરુઓના ગુરુ છે. જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી સદેહે વિધમાન છે અને મહાપ્રલય સુધી રહેશે. સાધકોને જ્ઞાન રૂપમાં બોધ આપે છે. શ્રીદત્ત પ્રભુ સદગુરુની ગાદી પર બિરાજમાન છે તેથી તે ગાદીને હું પણ વંદન કરું છું. તે ગાદી ખાલી થાય તો બીજા ગુરુ આવે પણ પ્રાણ પ્યારા ગુરુદેવ કાયમ ત્યાં રહેવાના છે તેથી હું કોઈનો ગુરુ બનતો નથી. મારા ગુરુદેવને આપ સદગુરુ માનો. મારી પાસે ઘણા વર્ષોની સાધનાનો અનુભવ છે તેથી હું આપનો માર્ગદર્શક બનવા તૈયાર છું. આપે કોઈને ગુરુ માન્યા હોય તો તેમાં શ્રી દત્ત દર્શન કરજો. જો ન માન્યા હોય તો સોમવારે કે ગુરુવારે શ્રી દત્તાત્રેય ભગવાનને માનસિક રીતે ગુરુપદે સ્થાપના કરી તેમના અક્ષર સ્વરૂપ ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' મંત્રની સાધના કરજો. કોઈ મુશ્કેલી હોય તો પૂછજો, અવશ્ય માર્ગદર્શન આપીશ.

દરેક શાસ્ત્રોમાં ‘ગુરુ મહિમા’ દર્શાવેલ છે. પર બ્રહ્મ પરમાત્મા મનુષ્ય અવતાર ધારણ કરે છે ત્યારે તેઓએ પણ ગુરુમહિમા વધારવા માટે મહાપુરુષની ગુરુપદે સ્થાપના કરી છે જેમ કે ભગવાન રામે વશિષ્ઠને, ભગવાન કૃષ્ણે દુર્વાસાજીને ગુરુ માન્યા છે, અરે ! આદિગુરુ સદાશિવ પણ સદગુરુ શ્રી દત્ત ભગવાન સમક્ષ હાથ જોડી ઉભા રહ્યા છે. ગિરનારના નવનાથ, ચોર્યાસી સિદ્ધ તેમજ અનેક ગુપ્ત-પ્રગટ સિદ્ધોના ઈષ્ટદેવ ગુરુદેવ દત્ત છે. ધર્મપ્રવર્તક જગદગુરુ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, રામાનંદજી વગેરેએ મુકત મને ગુરુમહિમા ગાયો છે. "શ્રી રામચરિત માનસ" માં ગોસ્વામીજી મુકત કંઠે ગુરુગાન કરતાં બોલ્યા છે કે -

गुर बिनु भवनिधि तरइ न कोई। जों बिरंचि संकर सम होई।।

બિરંચી એટલે સૃષ્ટિના રચયિતા અર્થાત્ - બ્રહ્માજી. જે બ્રહ્મા અને શંકર જેવા સમર્થ હોય તેઓ પણ ગુરુકૃપા વગર ભવસાગર તરી શકતા નથી.

ટુંકમાં, જીવનમાં દરેક ક્ષેત્રે ગુરુની જરૂરત પડે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં તો ગુરુ અને ગુરુકૃપાની ડગલેને પગલે જરૂરત છે તેથી તેનું વિશિષ્ટ મહત્ત્વ છે. ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે પ્રકાશ. અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં ગુરુદેવ જ લઈ જાય છે. સાંસારિક ગુરુમાં માઁ, શિક્ષક વગેરે આવે છે જ્યારે પારમાર્થિક ગુરુના મુખ્યત્વે ચાર પ્રકાર છે. ૧) વિશ્વ ગુરુ (ર) ભવ ગુરુ (૩) બ્રહ્મ ગુરુ અને (૪) સદગુરુ. સદગુરુની કૃપા સિવાય પરમ પદની પ્રાપ્તિ થતી નથી તેથી વિશ્વ ગુરુ, ભવ ગુરુ, બ્રહ્મ ગુરુ પણ સદગુરુની સાધના કરે છે. ગુરુ એ બ્રહ્મની પરંપરા છે અને તે સદગુરુમાંથી પ્રવાહિત થઈ છે. મનુષ્યના સાત શરીરનું વર્ણન છે. સદગુરુ તો સાત શરીરથી પણ પર છે. સદગુરુનો મહિમા અવર્ણનીય છે. કોઈ વ્યક્તિને ફાંસીની સજા થઈ હોય તો તે ભયંકર સજામાંથી એક અને માત્ર એક રાષ્ટ્રપતિ જ છોડાવી શકે છે. અન્ય કોઈ પાસે સત્તા નથી. સંસારરૂપી ફાંસીની સજામાંથી મુક્તિ સદગુરુ જ આપી શકે છે તેથી તો આજ્ઞાચક્ર સુધી પહોંચેલા પણ પરમપદની પ્રાપ્તિ માટે સદગુરુની ઉપાસના કરે છે. સદગુરુ કૃપા સિવાય કોઈ ભવપાર પામી શકતું નથી. સદગુરુ એ જ્ઞાનનું સ્વરૂપ છે. જ્ઞાન વગર મુક્તિ મળતી નથી.

ईश्वर अंश जीव अबिनासी, चेतन अमल सहज सुखरासी। (मानस ७/११७/१)

પ્યારા શિબિરાર્થી ! તમે ‘સહજ ધ્યાનયોગ શિબિર’માં આવ્યા છો. તમે સૌ ઈશ્વરના અંશ છો, તેથી અવિનાશી અને ચેતન સ્વરૂપ છો. તમે સહજ રૂપે જ સુખના ભંડાર છો. આકાશમાંથી વરસાદ પડે છે ત્યારે તેનું જળ સહેજે નિર્મળ હોય છે, તે જળ જમીનને સ્પર્શ થતાં તેમાં અશુદ્ધિ ભળવા માંડે છે અને તે દિન-પ્રતિદિન વધારે અસહજ-ગંદુ થતું જાય છે. સૂર્યની ગરમીથી તે વરાળરૂપે આકાશગમન કરે છે ત્યારે તો મૂળ સ્વરૂપમાં અર્થાત્ તદ્દન પવિત્ર જ બની જાય છે તેવી રીતે પરમાત્માના અંશ રૂપ આપ સૌ શુદ્ધ હતા જ પણ માયાની લપેટમાં આવીને પોતાને કંગાળ અને અશુદ્ધ સમજો છો. તમે આનંદના સહજ સ્વરૂપ છો. ખુદ દત્ત સ્વરૂપ છો. તમે બધા જ મને દત્ત સ્વરૂપમાં દેખાઓ છો. તમે પોતાને ઓળખો. તમારા સહજ સ્વરૂપને ભૂલી ન જાવ. શ્રીદત્તપ્રભુ એ સહજ સ્વરૂપ છે.

સહજનો અર્થ કુદરતી, વિના પ્રયત્ન એવો પણ થાય છે. અત્યારે સહજ રૂપે પવન વાય છે. પવનદેવ-જળદેવ વહે તે માટે ખાસ કોઈ પ્રાર્થના કરવી પડતી નથી. પવન-જળનો સહજ સ્વભાવ છે. આપણે ખોરાક ખાઈએ છીએ તેનું સહજ રૂપે પાચન થાય છે. સહજ રૂપે તમારી ઉંમર વધતી જ જાય છે. તમે વિચારી પણ નહીં શકો કે દર સેકન્ડે શરીર કેટલું વધે છે અને કેવા કેવા ફેરફાર થાય છે. શરીરનો ‘સહજ’ સ્વભાવ છે. થોડા સમય પહેલાં તમે નાના બાળક હતા અને આજે કેટલા મોટા થઈ ગયા. અમુક વર્ષ બાદ કેવા થઈ જશો. ટુંકમાં, સહજ શબ્દ એ પ્રકૃતિ-કુદરત સાથે સંકળાયેલ છે. સહજ યોગ પણ આદિ-અનાદિ છે. સહજ યોગ એ શ્રીદત્ત પરંપરામાં છે. સદગુરુ શ્રી દત્ત પ્રભુએ આદ્યગુરુ છે. અષ્ટાંગ યોગ વગેરેના રચયિતા ઋષિ-મુનિઓ તેમના પછી થયા છે તેથી પતંજલી યોગદર્શન વગેરેમાં સહજ યોગ વિશે સંકેત છે. શરીર એ પરમાત્મા પ્રાપ્તિનું સાધન છે. શરીરને સ્વસ્થ રાખવા અને પ્રગતિ માટે હઠયોગમાં ઘણા પ્રયોગો છે, તેવી રીતે રાજ યોગ, ક્રિયા યોગ, આંતર યોગ, લય યોગ વગેરે ઘણા યોગો પ્રચલિત છે. તે બધા જ યોગોનો સહજ યોગમાં સમાવેશ થઈ જાય છે. સહજ યોગ એ કૃપા સાધ્ય છે. ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' મહામંત્રએ સદગુરુનો કૃપા પ્રસાદ છે.

ॠते ज्ञानान्न मुक्तिः। જ્ઞાન વગર મુક્તિ પ્રાપ્તિ થતી નથી. ઘણા મહાપુરુષોનો સત્સંગ સાંભળી તમારામાં જ્ઞાનોદય થાય છે.સદગુરુ એ જ્ઞાનનું સ્વરૂપ છે. ज्ञान स्वरूपं निज बोध रूपम् । ઘણા સાધકોને મહામંત્રની ધૂન બાદ ધ્યાનમાં બેસવાથી મુંઝવતા પ્રશ્નોનો ઉત્તર અંતઃ પ્રેરણારૂપે મળી જતો હોય છે છતાં પણ આપના પ્રશ્નો હોય તો છેલ્લા (ત્રીજા) દિવસે પૂછી શકો છો .


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥


"બચપણથી જ ઈશ્વર પ્રાપ્તિની તીવ્ર ઝંખના હતી. પ્રભુ કણ-કણમાં બિરાજમાન છે તો તેમનાં દર્શન કેમ થતાં નથી ? દિન-પ્રતિદિન ઈશ્વર તરફ્નો ઝુકાવ વધતો જ ગયો. દરરોજની ૧૫-૧૭ કલાકની કઠિન સાધના વિના વિઘ્ને પૂર્ણ થતી તેનો આનંદ તો સામે પક્ષે ખાસ કોઈ અનુભૂતિ ન થાય તેનું ભારોભાર દર્દ પણ ખરું. તમે લોકો ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો. ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત' મહામંત્ર મને ઘણી ઉગ્ર સાધનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે તે આપ સૌને પ્રેમથી આપી હું મારી ફરજ પૂર્ણ કરું છું."

~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Guru Mahima Hari Om Tatsat Jai Guru Datta MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Who received Mahamantra "Hari Om Tatsat Jay Guru Datta" ? shibir Dattatrey means president rule