Skip to main content

ગુરુ પૂર્ણિમા ૨૦૦૩

આવો, આજે ગુરુપૂર્ણિમાના આ પાવન શુભ પ્રસંગે એકત્રિત થયેલ આપણે સૌ સદગુરુનાં ચરણ કમલનું અથવા ચરણ કમલનાં પ્રતિક સ્વરૂપ ચરણ પાદુકાઓનું ઔપચારિક રૂપે પંચોપચાર અથવા ષોડશોપચાર પૂજન કરીને આપણી પોતાની જાતને ઉપકૃત કરી સદભાગી બનીએ તેમજ ચરણ પાદુકાઓનાં પ્રક્ષાલન રૂપી ગંગામાં ડૂબકી મારીને આપણા અંતર્મનને શુદ્ધ કરીને મનનાં મેલને ધોઈ નાખીએ ત્યારબાદ ધ્યાનમાં બેસીને ધ્યાનાવસ્થિત થઈને સંપૂર્ણ ભક્તિભાવ સાથે આપણા હૃદય રૂપી પાત્રમાં અથવા સહસ્ત્રારમાં સદગુરુની ચરણ પાદુકાઓને સ્થાપિત કરીને માનસી પૂજન કરીને અનુભુતિ મેળવીએ.

ગુરુ પૂર્ણિમાનાં અવસરે જન્મ જન્માન્તરથી ભટકતો જીવાત્મા, કોઈ જન્મનાં પુણ્યનાં ભાગ્યોદયનાં કારણે, મંત્ર જાપ અથવા ઈશ્વરીય કૃપાનાં કારણે આકુળ વ્યાકુળ થઈને, ભાવ વિભોર થઈને, ઈન્દ્રોયોને અંતર્મુખ કરીને જયારે સદગુરુ તરફ દોડે છે, તે સમયની વાત જ કંઈક અલગ હોય છે ! સદગુરુનાં મિલન વખતે શું ભાવ હોય કે શું સ્વરૂપ હોય, તે તો પોત પોતાની કક્ષા પ્રમાણે જ્ઞાન તથા ભક્તિ મુજબ જાણી શકાય છે.

આ માયિક પ્રપંચમય સંસારમાં આપે કદાચ જોયું હશે કે - એક પ્રેમી અને પ્રેમિકા એકબીજાને મળવા કેવાં આકુળ વ્યાકુળ હોય છે ! એક માઁ પોતાનાં વિખુટા પડેલા પુત્રને મળવા કેવી તડપતી હોય છે ! એક લક્ષ્મી પ્રેમી માનવી પૈસાની પ્રાપ્તિ કરવા માટે પ્રત્યેક ક્ષણે કેવો પ્રયાસ કરતો રહેતો હોય છે ! ચાતક કેવી રીતે સ્વાતિ નક્ષત્રમાં વરસતી વર્ષાનાં બુંદ માટે પી પી કરીને તડપતો હોય છે ! ઘનઘોર વાદળ જોઈને મોર કેવો ભાવ વિભોર થઈને નાચે છે ! પ્રગાઢ પ્રેમનાં કારણે પતિ-પત્નિ એક બીજા તરફ કેવા આકર્ષિત રહે છે ! આ બધાથી પણ અધિક આકર્ષણ, મિલનની તપ, આત્મીયતા, અગાધ પ્રેમ, અધ્યાત્મ જગતમાં સદગુરુનાં મિલન માટે હોય છે. સદગુરુને મળવા માટે હૃદયમાં જયારે આતુરતા હોય, વ્યથા અને વ્યાકુળતા હોય ત્યારે સદગુરુ પોતાની મીઠી નજર તથા પ્રેમની છાંટથી શિષ્યની તરસ શાંત કરી દે છે. સદગુરુનાં મિલન માટે, આપ ઈચ્છો કે ન ઈચ્છો અને કોઈ પણ અપેક્ષા સાથે આપ મળવા આવો અને બાલ્યભાવમાં કાંઈપણ માંગવાની અપેક્ષા રાખો, પણ ", સદગુરુનો સહજ મિલનનો સ્વભાવ છે કે તમને લક્ષ્ય તરફ જ લઈ જાય છે. સદગુરુનાં આ મિલન નો ખરો આનંદ ત્યારે જ મળે જયારે ગાઢ અનુભૂતિ થાય, નહીં તો નહીં જ....

અહીં અમે સદગુરુ દત્તાત્રેયની વાત કરીએ છીએ, જે હંમેશા ચિન્મય સ્વરૂપમાં વિચરણ કરે છે અને સદગુરુ તત્ત્વનાં રૂપમાં અખિલ સૃષ્ટિમાં વ્યાપ્ત છે. તેઓ સાકાર અને નિરાકાર રૂપમાં અણું અણુંમાં અખંડ વ્યાપ્ત છે. તેઓ ક્ષમા, દયા અને કરુણાનાં સાગર છે. હંમેશા ભક્તોને ધ્યેય તરફ ચાલવાની પ્રેરણા આપે છે, કલ્યાણ કરે છે અને મુક્તિ આપે છે. જયારે સદગુરુ દત્તાત્રેય જેવા સમર્થ ગુરુ મળતા હોય તો સ્થૂળ શરીરધારી ગુરુને શોધવાની શું જરૂર છે ! છતાં પણ ભાગ્ય સંયોગથી કોઈ સ્થૂળ શરીરધારી ગુરુ મળી ગયા હોય તો, તેમની અંદર સદગુરુની' ભાવના રાખી સાધના કરવી જોઈએ.

કેટલીક વાર એવું જોવા મળે છે કે સ્થૂળ શરીરધારી ગુરુમાં શિષ્યને કયારકે ભ્રાન્તિ થઈ જાય છે. મનની અંદર જન્મ જન્માન્તરથી રહેલા અજ્ઞાનતા, અહમ્, ભ્રાન્તિ, વિચારોની અશુધ્ધિ વગેરે જલદીથી શુધ્ધ થતા નથી, જેનાં કારણે સુખ-દુઃખ, અનુકૂળતા-પ્રતિકૂળતામાં કયારેક શિષ્યનાં વાણી-વર્તનમાં કાંઈ ભેદભાવ આવી જવાની સંભાવના રહે છે અને શ્રધ્ધા-વિશ્વાસમાં કયારેક ઓટ પણ આવી શકે છે, જેથી લક્ષ્ય પ્રાપ્તિમાં વિલંબ થઈ શકે છે.

એટલે જ, અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રગતિ માટે, સાધના ક્ષેત્રમાં આગળ વધવા માટે, લક્ષ્ય પ્રાપ્તિની દિશામાં ગતિશીલ રહેવા માટે સૌથી વધુ યોગ્ય એ છે કે - સદગુરુ દત્તાત્રેય કે જેઓ ચિન્મય શરીરધારી છે, તેમને ગુરુ માનીને સાધનામાં પ્રવૃત્ત રહેવું જોઈએ. અમે કોઈનાં ગુરુ થતાં નથી પણ અમે સારા માર્ગદર્શક છીએ અને સદગુરુ દત્તાત્રેય સુધી પહોંચવાનો રસ્તો બતાવી શકીએ છીએ. કઠોર તથા લાંબી તપશ્ચર્યા અને સાધના કર્યા પછી સદગુરુ દત્તાત્રેય અમને મળ્યા છે.

“સૃષ્ટિનાં સમસ્ત માનવોનું કલ્યાણ થાય, તેઓને શાશ્વત સુખ શાંતિ સરળતાથી પ્રાપ્ત થાય” એ હેતુથી ભગવાન દત્તાત્રેય પાસેથી અમને કલ્યાણકારી મહામંત્ર “હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત” વરદાનનાં સ્વરૂપમાં મળેલ છે. સદગુરુનો આદેશ છે કે - વિશ્વમાં કોઈ પણ માનવી આ મંત્રનો જાપ કરીને અથવા સતત ઝડપી ધૂન કરીને, આંખો બંધ કરીને ચુપચાપ બેસશે તો તે ધ્યાનાવસ્થામાં પહોંચી જઈ અસીમ શાંતિ મેળવશે. સતત અભ્યાસ કરતા રહેવાથી તેનું જીવન સુખ શાંતિમય બની જશે. આ મંત્રનો જાપક કોઈ પણ ધર્મ-સંપ્રદાયને માનવાવાળો હોય, કોઈ પણ જાતિ-વર્ણનો હોય, કોઈ પણ દેશનો નિવાસી હોય, સ્ત્રી કે પુરુષ હોય.... કશો જ ફરક પડતો નથી. સર્વે માનવ ધ્યાનનો આનંદ લઈ શકે છે, એટલું ખરૂ કે ધ્યાનમાં થતી અનુભૂતિઓ પોત પોતાની કક્ષા પ્રમાણે થતી હોય છે.

જેમકે સાધકને પોતાની પૂર્વાપર સાધના ઉપાસનાને અનુરૂપ અનુભૂતિ થાય છે. બધાને એક જેવી અનુભૂતિ થતી નથી. ધ્યાનમાં શરીરનું પોતાની મેળે હલવું-ડોલવું, ધ્રુજવું, પોતાના ગુરુ મહારાજ અને દેવી દેવતાઓનાં દર્શન થવા, સર્પ તથા અન્ય પશુ પક્ષીઓનાં દર્શન થવા, હસવું, રડવું, મુલ બંધ, ઉડ્યાન બંધ, જલંધર બંધ થવા, વગેરે પ્રક્રિયાઓ થાય તો ગભરાયા વગર સાધના ગતિશીલ રાખવી અને માર્ગદર્શનનાં હેતુ માટે આશ્રમ દ્વારા પ્રકાશિત પુસ્તકોનો અભ્યાસ કરવો.

હવે, અમે આપને બતાવીએ કે સદગુરુનાં મિલનનો સ્વાદ કેવી રીતે પ્રાપ્ત થાય ? ગાઢ અનુભૂતિ કેવી રીતે થાય ? સાધકે પૂજન કરતી વખતે સદગુરુનાં ચરણમાં સતત શરણાગતિ સ્વીકાર કરીને પોતાના મન, ચિત્ત, બુધ્ધિને પૂર્ણ રીતે સમર્પિત કરવા જોઈએ. તન અને મન બધુ સદગુરુનાં ચરણમાં રાખી, બિન્દુ સ્વરૂપ સ્વયંને સાગર સ્વરૂપ સદગુરુમાં મળી જવાની ભાવના કરે, એટલે સુધી કે પોતાના પ્રાણને પણ સદગુરુનાં ચરણમાં સમર્પિત કરવાની ભાવના રાખે. એનો અર્થ એમ નથી કે તેમના ચરણમાં પ્રાણ ત્યાગે કે મસ્તક ચડાવે. કહેવાનું એ જ કે સ્વયંનુ અસ્તિત્વ વિરાટ સદગુરુ તત્ત્વમાં વિલીન કરે.

અહીં, અમે આપને એક વાત કહીશું કે ભક્ત અને જ્ઞાની બન્ને પ્રકારનાં સાધકોની સ્થિતિ અલગ અલગ હોવાથી તેમની અનુભૂતિઓ પણ અલગ અલગ હોય છે.

ભક્તનું હૃદય પ્રેમ રસમાં ઓતપ્રોત થઈને મિલનની તલપ અનુભવે છે. વરસાદ તો તેની ઋતુ પ્રમાણે જ થાય પણ ભક્તનાં નયનની અશ્રુધારા કાયમ વરસતી હોય છે. પ્રત્યેક ભક્તની જીવન કથામાં આવું જ વર્ણન આવે છે પણ તેમાં આસ્વાદ માટે અનુભૂતિ આવશ્યક લાગે છે.

જ્ઞાનીની અનુભૂતિમાં તેને એમ લાગે છે કે તેનાં રોમ રોમમાંથી પ્રણવ અને સોહંનો ધ્વનિ નીકળે છે. પ્રણવનાદ ગુંજી રહ્યો છે, પોતાને પ્રકાશ પુંજમાં બેઠેલા જુએ છે અને કયારેક કયારેક તો આ બધા તત્ત્વોને વિખેરીને સ્વયંને પરમાનંદ અને પરમ શાંતિમાં નિહાળે છે. વધુમાં શું કહેવું ? તે પોતે વિશાળ આકાશની ચાદર જ બની જાય છે કારણ કે જ્યારે બિન્દુ સિન્ધુમાં મળે છે ત્યારે તે સિન્ધુની માફ્ક વ્યાપક બને છે અને સિન્ધુનાં ઐશ્વર્ય તથા ગુણ તેમાં સમાય જાય છે.

જયારે ઈશ્વર કોઈને મળે છે ત્યારે વરદાન અને આશીર્વાદ આપીને સન્માર્ગે ચાલવાની, ભક્તિ કરવાની અને સહનશક્તિ રાખવાની પ્રેરણા આપે છે. જ્યારે સદગુરુ મળે છે તો તે ઉપદેશ તો આપે છે જ, સન્માર્ગે ચાલવાની પ્રેરણા પણ આપે છે, આકસ્મિક અનુકૂળ – પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે પણ સાધકને સહજમાં મૌન-મૌનમાં જ ઘડે છે અને તેના મનને ચિત્તને, બુધ્ધિને અંદર જ મૌનસ્થિત ઉપદેશ આપીને શું સત્ય છે, શું અસત્ય છે, શું નિત્ય છે, શું અનિત્ય છે, આ માયિક જગતનાં આકર્ષક સંબંધો અંતમાં દુઃખદાયી હોય છે, આવી બધી પ્રેરણાઓ અંતરમાં આપતાં આપતાં સાધકની દીશા બદલે છે. લક્ષ્ય તરફ ચાલવાની પ્રેરણા આપે છે. સહજમાં જ દ્વંદ્વ, માયા, પ્રપંચમય, કષ્ટ અને દુ:ખોથી પીડાતા દર્દીનું ઓપરેશન કરીને તેને સ્વસ્થ કરે છે. તેઓ પ્રત્યક્ષ દેખાતા નથી પરંતુ અંતરમાં બધું કહી દે છે.

તમને કયારેક લાગશે કે સદગુરુ મારી સાથે છે, કયારેક લાગશે કે - મારાથી દૂર છે, કયારેક લાગશે કે મને સાંભળે છે અને કયારેક લાગશે કે નથી સાંભળતા, કયારેક આદરભાવથી તમે તેમનું સન્માન કરી લેતા હશો તો કયારેક સ્વાર્થવશ અનિચ્છા અને અનાદર પણ દર્શાવતા હશો. પરંતુ સદગુરુ તમારી બાલ્યાવસ્થા, તમારી ભાવનાવસ્થા પ્રત્યે ધ્યાન આપ્યા વગર તમારૂ કલ્યાણ જ કરતા રહેશે. આવા મંગલમય, કરુણામય, દિવ્ય જ્ઞાનમૂર્તિનાં ચરણમાં સમર્પણ જ કલ્યાણકારી છે.

આ ચરણોનો મહિમા સમજાઈ જાય તો આત્મ કલ્યાણ થઈ જાય. સદગુરુ ચરણમાં દૃઢ શ્રધ્ધા-વિશ્વાસ અને દૃઢ ભક્તિ હોય તો માનવી સરળતાથી પ્રારબ્ધ પૂર્ણ કરતાં કરતાં લક્ષ્ય સુધી પહોંચી શકે છે. સદગુરુની કૃપા પ્રાપ્તિ માટે અને તેમને લગતી જાણકારી માટે વેદો, શાસ્ત્રો, પુરાણોનું જ્ઞાન હોવું તથા ઉચ્ચ કક્ષાની ડીગ્રી હોવી જરૂરી નથી પરંતુ એ બધું હોય તો જ્ઞાન વૃધ્ધિ માટે તે સારૂ છે પરંતુ તેના માટે તો સત્સંગની જરૂરત છે, મનની નિર્મળતા, ચિત્તની શૃધ્ધિ, બુધ્ધિની સાત્વિકતા, હૃદયની નિષ્કપટતા અને દોષ દ્રષ્ટિથી પર હોવું જ પુરતુ છે.

આપ સૌ આજે અહીં ઉપસ્થિત છો, દૃઢ શ્રધ્ધા-વિશ્વાસ સાથે “હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત” નો મંત્રોચ્ચાર કરીને ધ્યાનમાં બેસશો તો આજે જ આપને ઘણો ખરો ખ્યાલ આવી જશે કે - આ મંત્રમાં કેટલી શક્તિ છે. આ મંત્ર આ યુગનાં બધા માનવી માટે વરદાન સ્વરૂપ છે, મંગલદાયી, કલ્યાણમયી ભેટ છે, શાંતિ સ્વરૂપ છે. આજનો માનવી આ વિજ્ઞાનનાં યુગમાં જેટલી ભૌતિક પ્રગતિ કરી રહ્યો છે તેટલો જ આધ્યાત્મિક માર્ગમાં પાછળ છે. શાંતિની શોધમાં ભટકતો માનવી અનેક દરવાજા ખટખટાવે છે. પુસ્તકોનું અધ્યયન કરે છે. શાંતિની શોધમાં જયાં સાંભળે છે ત્યાં પહોંચે છે પરંતુ તે શાંતિ બહાર નથી, કોઈ દુકાનમાં નથી મળતી, કોઈ ફેક્ટરીમાં નથી બનતી, એ તો હૃદય-ગુહામાં છુપાયેલી છે. પુસ્તક, આધ્યાત્મિક ગ્રંથ અને સત્સંગ આ માટે ખુબ જ ઉપયોગી થશે, માર્ગદર્શન આપશે પરંતુ આપનાં હૃદયમાં છુપાયેલી શાંતિને આપે જ શોધવી પડશે. આ અંતરપથની યાત્રામાં ભલભલા માર્ગ ભૂલી જાય છે. તે શાંતિને ઓળખવા તથા બતાવવા માટે સમર્થ ગુરુ જોઈશે જ. અમે અહીં આ સ્થાને સદગુરુ દત્તની તરફ ધ્યાન દોરી રહ્યા છીએ. તેઓ મહા પ્રલય સુધી રહેવાનાં છે, સ્મૃતગામી છે, બ્રહ્મ સ્વરૂપ છે. સૃષ્ટિનાં પ્રત્યેક સંપ્રદાયે તેમને સ્વીકાર્યા છે. તેમને ગુરુ બનાવીને દરરોજ ૧૦-૧૫ મિનીટ આ મંત્રની ધુન ઝડપથી બોલીને આપ ધ્યાનમાં બેસશો તો આપને આપની પ્રગતિ દેખાશે. જો કોઈ ગુરુ હોય તો તેમની અંદર સદગુરુનું ધ્યાન કરીને હંમેશા ધ્યાનમાં બેસો. બની શકે કે તમારા શરીરમાં તમારી અવસ્થા પ્રમાણે અનુભૂતિ થાય. જે કાંઈ પણ થાય, શ્રધ્ધા રાખી સાધનામાં ગતિશીલ રહો. સમજાય નહીં તો આશ્રમ દ્વારા પ્રકાશિત પુસ્તકોનો અભ્યાસ કરો, અમને અથવા તો જુદા જુદા કેન્દ્રનાં સંચાલકોનો સંપર્ક કરો અને સાધના કરો.

આ મંત્ર દ્વારા ધ્યાનમાં અષ્ટાંગયોગની બધી ક્રિયાઓ આપોઆપ સિધ્ધ થાય છે. કોઈ સાધકો પાસેથી એવું પણ જાણવા મળેલ છે કે - સંકલ્પ સાથે જાપ કરવાથી ભૌતિક સમસ્યાઓ પણ ઉકેલી શકાય છે. મંત્ર સંખ્યા તો આપની ઉપર છે, ૫૨ માળા, ૨૬ માળા, ૧૧ માળા કરો, તમારી પાસે જેટલો સમય હોય તે પ્રમાણે કરો પણ નિશ્ચિત માળા નિયમિત કરો. અમે તો કહીએ છીએ કે આપને આધ્યાત્મિક પ્રગતિ જોઈએ કે ભૌતિક સમાધાન જોઈએ, ઘેર બેઠા બેઠા સાધના કરો, કયાંય આવવા જવાની જરૂર નથી. વધારે તો શું કહીએ, અમારી પાસે આવવાની પણ જરૂરત નથી છતાં પણ મનના સંતોષ ખાતર તમારે જયાં જવું હોય ત્યાં જઈ શકો છો. જયાં સુધી તમને અનુભૂતિ નહીં થાય, ત્યાં સુધી અભ્યાસથી અથવા શ્રવણથી સમાધાન નહીં થાય. અનુભૂતિ બાદ પ્રશ્ન રહેશે નહીં, અંદર પ્રસન્નતા રહેશે, ખુશ ખુશાલ રહેશો, પ્રત્યેક કામમાં મન લાગશે, સહન શક્તિ વધશે, ક્રોધાવેશ મટશે, તમે સ્વસ્થ અને પોતાને મજબૂત અનુભવશો. તમે અમારી વાત માનો. તમે નામ, રૂપ, રંગધારી, અનેક લેબલને લગાવીને ફરી રહ્યા છો એ બધું હટાવીને મૂળ સ્વરૂપને સ્મૃતિમાં રાખો. શરણાગતિની સાથે ધ્યાન-ભજન કરો. બધુ સરળ બની જશે. અહીંથી ગયા પછી તમે નિયમ લો કે અમે દરરોજ ૩ માળા, ૫ માળા, ૧૧ માળા અથવા તો તેનાથી વધુ જાપ કરીશું. રોજ ૧૫-૨૦ મીનીટ ધ્યાનમાં બેસીશું. તેમાંથી ખુબ લાભ થશે અને કલ્યાણ થશે. અહીં કોઈને કાંઈ લેવા દેવાનું નથી, માત્ર પોતાના કલ્યાણ માટે ૧૫-૨૦ મીનીટનો સમય ખર્ચવાનો છે. હવે જાગો, નહીં તો સમય જઈ રહ્યો છે, કયાંક એમ ન કહેવું પડે કે,

अब पछताये क्या होत है, जब चिडियाँ चुग गई खेत

તમારી પાસે જે ઘન છે, સંપત્તિ છે, ગાડી-મોટર છે, સુંદર સુખ સુવિધા છે તે તમારા પ્રયાસ, તમારા ભાગ્ય અને યોગ્ય-અયોગ્ય મહેનતનું ફળ છે. તે કેટલો સમય તમારી પાસે ટકશે, તમને કેટલી સુખ શાંતિ આપશે તે તો સમય જ બતાવશે પરંતુ આ સદગુરુ મંત્ર અને સદગુરુ કૃપાથી જ ચિર સુખ શાંતિ મળશે તેમાં કોઈ શંકા નથી. જો તમારો પ્રયાસ નિષ્કામ હોય, તેમજ લક્ષ્ય પ્રાપ્તિની તરફ્નો હોય તો આવાગમનના ચક્કરમાંથી છોડાવીને સહજ સ્વરૂપમાં લઈ જશે.

અમારી હાર્દિક શુભેચ્છા તથા માર્ગદર્શન છે કે કશી કિંમત ચુકવ્યા વગર સૃષ્ટિની અમૂલ્ય સમૃધ્ધિ - “હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત” મંત્ર દ્વારા પ્રાપ્ત કરો.

અહીં અમે એમ કહેવા માગીએ છે કે - આ મંત્રના જપથી, ધૂનથી લાગતા ધ્યાનમાં જે અનુભૂતિઓ થાય છે, તેનો અર્થ સમજણમાં ન આવવાથી સાધક મુંઝવણમાં પડે છે ત્યારે ખાસ જરૂરી છે કે તે મૂંઝવણનું સમાધાન કોઈ સમર્થ યોગી દ્વારા અથવા તો આશ્રમ દ્વારા પ્રકાશિત પુસ્તકોના અધ્યયન દ્વારા મેળવવું જોઈએ, નહીં તો મુંઝવણ ક્યારેક ખુબ વધી જાય છે. આવી મૂંઝવણ માટેનાં અનેક પત્રો આશ્રમમાં આવે છે, જેનો સારાંશ આ પ્રમાણે છે.

કોઈ કોઈ લખે છે કે - તે વિશુધ્ધિ ચક્ર સુધી પહોંચી ગયા છે અને આગળની પ્રક્રિયા જાણવા માંગે છે. તેવી રીતે કોઈ આજ્ઞાચક્ર સુધી પહોંચ્યા પછીની પ્રક્રિયા જાણવા આતુર છે, કોઈ તો સહસ્ત્રારમાં પહોંચી જવાનો દાવો કરે છે. આવા પ્રશ્નોને વાંચીને અમે ખુબજ પ્રસન્ન થયા છીએ કેમ કે તમે સૌ આતુર થઈને આ ચક્રોમાં પહોંચવાની જિજ્ઞાસા બતાવી રહ્યા છે. કોઈ સાધકે લખેલ છે કે - તેની જીભ ઉપર ચડી જાય છે અને અંદરથી જે રસ ઝરે છે તે ખુબ મીઠો છે તેથી તે પી જાય છે. તેમણે આગળ લખેલ છે કે પુસ્તકમાં લખ્યા પ્રમાણે જીભની નીચે જે ત્રણ ગ્રંથિઓ છે, તેને બ્લેડથી ધીરે ધીરે કાપીને ત્રિકુટિથી ચાલન, દોહન કરવામાં આવે તો જીભ ઝડપથી લાંબી થઈ જાય છે અને ખેચરી મુદ્રા સિધ્ધ થઈ શકે છે. તેમણે પૂછેલ છે કે - આ ગ્રંથિને પોતાના હાથે ન કાપી શકાય તો એવી કોઈ વ્યક્તિ છે કે આ ગ્રંથી નું છેદન કરી આપે અથવા તો કોઈ ડોકટર દ્વારા આ છેદન કાર્ય કરાવી શકાય ? તમારા આ બાલિશ પ્રશ્ન ઉપર હસવું પણ આવે છે અને અંદરથી પ્રસન્નતા પણ થાય છે કે આ પ્રબળ જિજ્ઞાસામાં પ્રશ્ન ઘણો ઉત્તમ છે અને ઝડપથી લક્ષ્ય પ્રાપ્તિની કેવી આતુરતા છે ?

વહાલા બંધુઓ, તમે કયાં સુધી પહોંચ્યા તે વિશે જો રૂબરૂ ચર્ચા થાય તો સારૂ રહે. આશ્રમ દ્વારા પ્રકાશિત “સહજ ધ્યાન યોગ” તથા “પથપ્રદીપીકા” માં એ માટે થોડો સંકેત કરેલ છે. જે તમે વાંચશો. ખેચરી મુદ્રાના વિષયમાં માતાજી શૈલજાદેવીએ છેદન, દોહન અને ચાલનની ક્રિયાઓ કરેલ છે. તેમને આ માટે ખુબજ અનુભવ છે. તમે તેમનો સંપર્ક કરશો. જે સાધકોની જીભ સહજ રીતે ઉપર જતી હોય અને કપાલગૃહામાં રહેતી હોય અને રસનું આસ્વાદન થતું હોય તો તેને છેદન, દોહન ક્રિયાઓ કરવાની જરૂર રહેતી નથી. સદગુરુ કૃપાની આ ક્રિયા સહજમાં જ થાય છે. તેને સહજમાં જ થવા દો અને તે સહજમાં જ આપને લક્ષ્ય પ્રાપ્તિ તરફ લઈ જશે. છેદન, ચાલન, દોહનની ક્રિયાઓમાં જો કાંઈ ભૂલ થઈ જાય તો સાધક મુંગો થઈ શકે છે, આથી સમર્થ યોગીનાં માર્ગદર્શન વગર પોતાની મેળે પ્રયત્ન ન કરવો.

અહીં કહેવું જરૂરી છે કે - અમે સદગુરુ તત્ત્વનું વર્ણન કર્યું છે, કોઈ વ્યક્તિનું અથવા સ્થૂળ શરીરધારી વ્યક્તિની વ્યાખ્યા નથી કરી.

આજનાં શુભ દિને આપણે સદગુરુને પ્રાર્થના કરીએ છીએ કે - અમને એવી શક્તિ આપો કે અમે જીવમાત્રમાં સદગુરુને જ નિહાળીએ અને ક્યારેય પણ કોઈનું અહિત ન કરીએ પરંતુ અમે આપ સૌને સાવધાન કરી દઈએ કે સદગુરુ પાસેથી એવી શક્તિ મેળવવા માટે તમારે પણ કાંઈક કરવું તો પડશે. સર્વ પ્રથમ આવશ્યકતા તે વાતની છે કે આપણી અંદર દૃઢ સંકલ્પની મનોભાવના કેળવવી જોઈએ. તમારામાં કોઈ દોષ હોય, દુર્વ્યસન હોય તો તેને દુર કરવા માટે દૃઢ સંકલ્પ લેવો જોઈએ. કોઈ પણ ધ્યેયની પૂર્તિ માટે સંકલ્પ જેટલો દૃઢ હોય છે તેટલી વધુ માનસિક શક્તિ અંદરથી પ્રાપ્ત થાય છે અને ધ્યેય પ્રાપ્તિમાં સફ્ળતા મળે છે. સંકલ્પની દૃઢતાનાં કારણે પ્રમાદ સહજમાં જ દૂર થાય છે તેના કારણે કાર્ય કૂશળતામાં વૃદ્ધિ થાય છે. પોતાની ભાવનાઓ તથા ચિંતન શુદ્ધ અને શુભ બનાવવાનું જોઈએ. તમે જાણો છો કે માનવી જેવું ચિંતન કરે છે તેવો જ તેનો સ્વભાવ બની જાય છે. ચિંતનથી જ વ્યક્તિત્વ જાણી શકાય છે કેમકે સંગતિ ચિંતનના પ્રકાર ઉપર જ આધારિત છે. કુસંગતિથી પગલે પગલે સંકટ આવે છે.

બીજાની નિંદા કરવાથી તો ખુબ જ સાવધાન રહેવાની જરૂરત છે, તે એક ભયાનક વાચિક પાપ છે, જે સામાન્ય વ્યવહારમાં પણ થઈ જાય છે અને ખબર પણ પડતી નથી, કહ્યું તો એટલે સુધી છે કે નિંદા કરવી તે તો પાપ છે જ પણ નિંદા સાંભળવી, તે પણ પાપ છે. નિંદા કરવાથી નિંદકનાં બધા સુકૃત-કર્મ નાશ પામે છે.નિંદાની સાથે સાથે અસત્ય ભાષણ, ચાડી ચુગલી, કઠોર, કડવા વચન અને વ્યર્થ વિવાદથી બચવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, એટલા માટે જ સાધકે પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ. શબ્દનો ઉચ્ચાર કરતાં પહેલાં તેના ઉપર વિચાર કરી લેવો. આ બધાથી બચવા માટે સદા સર્વદા સત્સંગ કરવો જરૂર છે. એક આવશ્યકતા તે પણ છે કે બીજા પ્રત્યે તમારો વ્યવહાર અતિ મધુર અને સ્નેહમય હોવો જોઈએ. વ્યવહાર અને સ્વભાવમાં વિનમ્રતા, વિનયી અને મૃદુભાષી હોવું, ઉત્તમ સાધકની નિશાની છે.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ અને પ.પૂ. મૈયાશ્રી શૈલજાદેવી,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"અમારી હાર્દિક શુભેચ્છા તથા માર્ગદર્શન છે કે કશી કિમંત ચુકવ્યા વગર સૃષ્ટિની અમૂલ્ય સમૃધ્ધિ - “હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત” મંત્ર દ્વારા પ્રાપ્ત કરો." ~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ અને પ.પૂ. મૈયાશ્રી શૈલજાદેવી

"“સૃષ્ટિનાં સમસ્ત માનવોનું કલ્યાણ થાય, તેઓને શાશ્વત સુખ શાંતિ સરળતાથી પ્રાપ્ત થાય” એ હેતુથી ભગવાન દત્તાત્રેય પાસેથી અમને કલ્યાણકારી મહામંત્ર “હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત” વરદાનનાં સ્વરૂપમાં મળેલ છે. સદગુરુનો આદેશ છે કે - વિશ્વમાં કોઈ પણ માનવી આ મંત્રનો જાપ કરીને અથવા સતત ઝડપી ધૂન કરીને, આંખો બંધ કરીને ચુપચાપ બેસશે તો તે ધ્યાનાવસ્થામાં પહોંચી જઈ અસીમ શાંતિ મેળવશે. સતત અભ્યાસ કરતા રહેવાથી તેનું જીવન સુખ શાંતિમય બની જશે. આ મંત્રનો જાપક કોઈ પણ ધર્મ-સંપ્રદાયને માનવાવાળો હોય, કોઈ પણ જાતિ-વર્ણનો હોય, કોઈ પણ દેશનો નિવાસી હોય, સ્ત્રી કે પુરુષ હોય.... કશો જ ફરક પડતો નથી."

~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ અને પ.પૂ. મૈયાશ્રી શૈલજાદેવી



Guru Purnima 2003 Sadguru Dattatreya Benifits of Chanting Hari Om Tatsat Jai Guru Datta MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace Sidhh yogini Maiyashree ShailajaDevi