Skip to main content

પ.પૂ. બાપુશ્રી ને થયેલા દત્તાત્રેય ભગવાનના સાક્ષાત્કાર અને મહામંત્ર પ્રાપ્તિની ઘટના નું વર્ણન

"હરિ ૐ તત્સત્ જયગુરુ દત્ત" ના પ્રચારાર્થે સ્થાનિક આશ્રમ ઉપરાંત દેશ-વિદેશમાં યોજાતી શિબિરમાં જીજ્ઞાસુ સાધકો પુછતા હોય છે કે, “સાક્ષાત્કારનું વર્ણન કરો.” બધુ વર્ણન શક્ય નથી. આનંદ અને દુઃખ શબ્દોમાં વ્યક્ત ન થાય. કોઈ વ્યક્તિને વેદના કે દુઃખ હોય અને તેને પૂછો કે તેનું વર્ણન કર અથવા બતાવ. તે રીતે સવારના ચાર વાગ્યાથી સાક્ષાત્કાર સુધીના આનંદનું વર્ણન અશક્ય છે. દર્શન અને સાક્ષાત્કાર વચ્ચે ઘણું અંતર છે. ભાગવત-મહાભારત વગેરેમાં ભગવાનના દર્શન-સાનિધ્યનો લાભ ઘણાએ લીધો. શ્રીકૃષ્ણ ભગવાને માતા યશોદા, પ્રિય શિષ્ય અર્જુનને દિવ્ય ચક્ષુ આપી વિશ્વરૂપ દર્શન કરાવેલ. પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ ન થાય તે સંધિ પ્રસ્તાવ લઈને શ્રીકૃષ્ણ દુર્યોધનની સભામાં જાય છે. કપટી દુર્યોધન માત્ર પાંચ ગામને બદલે એક સોય જેટલી જમીન આપવા પણ સહમત થતો નથી અને શ્રીકૃષ્ણની ઘરપકડની આજ્ઞા કરે છે તે વખતે પ્રભુ પોતાનું વિરાટ સ્વરૂપ બતાવે છે છતાં કૌરવો જક્કી થઈને યુદ્ધ કરે છે. અરે ! રામાયણમાં પણ ભગવાન શ્રીરામ સામે પણ ઘણા રાક્ષસોએ યુદ્ધ કર્યું છે. ટુંકમાં, કોઈપણ પ્રકારના દર્શન બાદ મનની સ્થિતિ બ્રહ્મમય થતી નથી. દર્શન પછી પણ વિકાર-વાસના, ભય-અહંકાર વગેરે ઉપસ્થિત થઈ શકે પણ ‘સાક્ષાત્કાર' પછી તો અદ્ભુત મસ્તી હોય છે.

એવું સાંભળેલું કે શ્રી દત્ત ભગવાન ગાણગાપુર, માતાપુર, કોલ્હાપુર, ગિરનાર વગેરે સ્થળે વિવિધ ક્રિયા-કલાપ કરે છે પણ જ્યારે સાક્ષાત્કાર થયો ત્યારે કંઈક અદ્ભુત પ્રતિત થયું. “મધ્યરાત્રિએ શ્રીદત્ત શિલા પર આવવું.” તેવો આદેશ થયો. (સાક્ષાત્કાર સ્થળ લાલ ઢોરી પરની શિલા "શ્રીદત્ત શિલા" તરીકે પ્રખ્યાત છે.) ફુલ, શ્રીફ્ળ વગેરે લઈને ગયો ત્યારે ત્યાં કશું જ ન દેખાયું. થોડીવારમાં ઉપરથી તથા બે દિશામાંથી શિતળ, આહ્લાદક , મનોરમ્ય, આનંદ દાયક એવા પ્રકાશ પુંજના ત્રણ ગોળા દેખાયા. અંદાજે વીશ ફુટ રાઉન્ડમાં બધા જ દેવી-દેવતા વચ્ચે હું પોતાને જોઈ રહ્યો છું. તે વખતની મારી હાલત પણ અકલ્પિત હતી. આંખમાથી સતત અશ્રુપાત થઈ રહ્યો છે- સદગુરુ મિલનનું રૂદન જાણે કે પાગલપણું (પાગલ એટલે પામીને ઓગળી જવું), સદગુરુની આસપાસ અનેક સિદ્ધો-સંતો દેખાયા. અમુકના નામ સાંભળેલા અને અમુક અપરિચિત. સૌ "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" મંત્રની ધૂન ગાઈ મસ્તીમાં ઝૂમી રહ્યા હતા. એમ કહેવાય કે - વિશ્વના તમામ ધર્મ-સંપ્રદાયના મહાપુરુષો તે દિવ્ય પ્રકાશમય વર્તુળમાં દેખાયા. સદગુરુ ત્રણ મસ્તક અને છ ભુજામાં હતા ત્યારબાદ એક મુખમાં દર્શન આપે છે ત્યારે દુબળુ પાતળું શરીર અને લાંબી દાઢી હોય છે. વિશ્વ કલ્યાણાર્થે "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" મંત્ર પ્રાપ્ત થાય છે. સિદ્ધો-સંતો અહર્નિશ આ મંત્ર રહ્યા છે. સદગુરુ પણ પૃષ્ટિ આપે છે. માત્ર ૩-૪ સેકન્ડ ‘ૐ’ ના ઉચ્ચાર સાથે મારી તો સ્થિતિ બદલાઈ જાય છે.

સદગુરુ ચિન્મય સ્વરૂપ ધારણ કરી શકે છે. પ્રિય ભક્તોની શ્રદ્ધા જળવાઈ રહે તેથી ત્રિ મસ્તક સ્વરૂપે શરૂમાં દર્શન આપે છે. છેવટે પવન-પાણી-અગ્નિ-પૃથ્વી વગેરે તત્ત્વનો ત્યાગ કરતા નિરાકાર સ્વરૂપે હોય છે. સદગુરુ આ રીતે સત્સંગ કરતા કરતા પોતાના સ્થૂળ શરીરના તત્ત્વોને તત્ત્વમાં સમાવતા ગયા. મને તો વાયુના આધારે સદગુરુની દિવ્ય વાણી સંભળાય. આમ, નિરાકાર હતા અને ફરી પાછા નિરાકાર બની ગયા. એકાદ માસ હું પણ મૌન થઈ ગયો. બે-ત્રણ માસ સહજ ધ્યાન અને સૃષ્ટિ રહસ્યનો દિવ્ય સત્સંગ સાંભળ્યો.

હવે તો બ્રહ્માનંદની અનુભૂતિ કરી રહ્યો છું. સદગુરુતો તત્ત્વથી પર, પંચકોશમાંના છેલ્લા આનંદમય કોશથી પર છે. વિરાટ સ્વરૂપે છે. ટૂંકમાં, અણું અણુંમાં અખંડ ચૈતન્ય તત્ત્વ દેખાય તે આત્મ સાક્ષાત્કાર (આત્મજ્ઞાન).

(માર્ચ-એપ્રિલ ૨૦૦૩ શિબિરની ઓડિયો કેસેટ સત્સંગ માંથી સંકલિત)


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"વિશ્વ કલ્યાણાર્થે "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" મંત્ર પ્રાપ્ત થાય છે. સિદ્ધો-સંતો અહર્નિશ આ મંત્ર રહ્યા છે. સદગુરુ પણ પૃષ્ટિ આપે છે. માત્ર ૩-૪ સેકન્ડ ‘ૐ’ ના ઉચ્ચાર સાથે મારી તો સ્થિતિ બદલાઈ જાય છે." ~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Sakshatkar 15-11-1975 Mantra Avtaran sidhha sant MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace