Skip to main content

શક્તિપાતના પ્રકાર

શક્તિપાત વિશે શાસ્ત્રોમાં સુંદર વર્ણન છે. કુલાર્ણવ તંત્ર, રાધા તંત્ર, કિંકણી તંત્ર વગેરેમાં તેના વિવિધ પ્રકારો દર્શાવેલ છે. શંકર ભગવાને પાર્વતીમાને કહ્યું છે, ભૈરવે-ભૈરવીને જણાવ્યું છે, શ્રી દત્તપ્રભુ પણ બોલ્યા છે.

કોઈ વ્યક્તિ ચુંટણીમાં ઉમેદવાર તરીકે ઉભો રહે અને મતદારો તેને મત આપે તો તે ચુંટાયેલા ઉમેદવારમાં જનમતની શક્તિ દાખલ થઈ જાય છે. કોઈ અધિકારીને બઢતી મળવાથી તે ઉચ્ચ સ્થાને બેસે છે ત્યારે તેના અધિકાર અને હુકમની શક્તિ વધી જાય છે. આ બંને વ્યક્તિમાં સૂક્ષ્મ શક્તિ દાખલ થવાથી કંઈ તેમનું વજન વધી જતુ નથી પણ તેમની સત્તા વધી જાય છે. આ ભૌતિક જગતના સમજવા માટે દાખલા આપેલ છે.

આધ્યાત્મિક જગત તો સૂક્ષ્માતિસૂક્ષ્મ છે તે દિવ્ય દ્રષ્ટિથી જ જાણી શકાય છે. સદગુરુ કૃપાથી જ શક્તિપાત શક્ય બને છે. માતા પાર્વતી સમક્ષ વ્યાખ્યા કરતાં ભગવાન શિવે શક્તિપાતના સ્પર્શ, દ્રષ્ટિ અને સંકલ્પ એમ ત્રણ પ્રકાર દર્શાવેલ છે. શક્તિપાતને ઘણા "દીક્ષા" પણ કહે છે.

(૧) સ્પર્શ દીક્ષા :

यथा पक्षी स्वपक्षाभ्यां शिशुन संवर्धयेच्छनैः ।
स्पर्शदीक्षोपदेशवस्तु ताद्दशः कथितः प्रिये ।।

જે પ્રમાણે પક્ષીઓ જયાં સુધી ઈંડામાંથી પ્રાણીનો જન્મ ન થાય ત્યાં સુધી પોતાનાં ઈંડાંને સતત સેવતા રહે છે અને પોતાનાં શરીરની ઉષ્મા મમત્વ ભાવથી આપતા રહે છે તે જ પ્રમાણે સદગુરુ જે સાધક-શિશુ સદિચ્છાથી સદગુરુને શરણે આવે છે તેના પર પૂર્ણ સંકલ્પ, સ્નેહ અને મમતામય સ્પર્શથી કલ્યાણકારી હાર્દિક શુભ ભાવના દ્વારા શક્તિ તેમજ આશીર્વાદનું તેમનામાં આરોપણ કરી દે છે. સદગુરુની આ કૃપાથી શિષ્યમાં જે રૂપાંતરણ થાય છે તેમાંથી શિષ્ય પોતાનામાં ગુરુની મહાનતા અનુભવે છે તથા તેને સ્વયં ગુરુ જ પોતાનામાં પ્રતિબિંબિત થતા દેખાય છે.

મરઘી વગેરે પક્ષી અમુક દિવસો સુધી પોતાની પાંખ નીચે ઈંડાંને રાખી તેને સેવે છે. કોઈ તર્ક કરી તેટલી જ ગરમી ધરાવતું કપડું ઈંડા પર નિશ્ચિત સમય સુધી રાખે તો તેમાંથી બચ્ચું બહાર આવતું નથી. ટુંકમાં, માતૃત્વભાવથી જ ઈંડું સેવાય છે અને તેમાંથી બચ્ચુ જન્મે છે. જેવી રીતે ઈંડાંને માનો સ્પર્શ જરૂરી છે તેવી રીતે સમર્થ મહાપુરુષ પોતાના સત્ શિષ્યના કલ્યાણ માટે શિર, આજ્ઞાચક્ર વગેરે ભાગમાં સ્પર્શ કરી તેની સુષુપ્ત કુંડલિની શક્તિ જાગૃત કરે છે.

(૨) દ્દગ દીક્ષા :

स्वापत्यानि यथाकूर्मी वीक्षणेनैव पोषयेत् ।
द्दग दीक्षाखयोपदेशस्तु ताद्दशः कथितः प्रिये ॥

દ્દગ એટલે નેત્ર, જેમાં અવલોકનની યા દૃશ્ય શક્તિ સમાયેલી છે તે. સમર્થ ગુરુ પોતાના સત્ શિષ્યને પ્યારભરી નજરે નિહારે છે અને તેની સુષુપ્ત કુંડલિની શક્તિ જાગૃત કરે છે. કાચબી અન્ય પ્રાણીઓની જેમ પોતાનાં બચ્ચાંને સ્પર્શ કરતી નથી કે પોતાના મોંથી ખવડાવતી નથી પણ અડધો-પોણો ફુટ દુર રાખીને સ્નેહસભર દૃષ્ટિથી જોતી રહે છે એને પરિણામે એ બચ્ચામાં માતૃત્વથી છલકાતું વાત્સલ્ય સમાતું રહે છે. આમ, કાચબીનાં બચ્ચાંનો વિકાસ થાય છે.

ઘણા અજ્ઞાની લોકો આને હિપ્નોટીઝમ, મેસ્મેરીઝમ કે ત્રાટક સાથે સરખાવે છે. ત્રાટક કરનાર સામે ઉભેલા વ્યક્તિને પોતાના પ્રભાવમાં લઈ લે છે અને તેના પર ત્રાટક કરનાર ધારે તે જ વિચારે છે અને કહે તેમજ કરે છે. જ્યારે દ્દગ શક્તિપાતમાં તો સાધક સ્વતંત્ર અને સભાન રહે છે. પરાધીન બનતો નથી. વળી શક્તિ સંપન્ન થઈને આનંદવિભોર થઈ જાય છે. અલભ્ય અનુભૂતિ પ્રાપ્ત કરવા માંડે છે.

(૩) ધ્યાન દીક્ષા :-

આ ઉત્તમોત્તમ દીક્ષાને વેઘ દીક્ષા કે સંકલ્પ દીક્ષા પણ કહેવાય છે. ભગવાન શિવ, માતા પાર્વતી પાસે વર્ણન કરતા કહે છે કે,

यथा मत्सी स्वतनयान् ध्यानमात्रेण पोषयेत् ।
वेधदीक्षोपदेशस्तु ताद्दशः कथितः प्रिये ॥

હે દેવી પાર્વતી ! સદગુરુ માછલીની પેઠે પોતાના અસંખ્ય સત્ શિષ્યો અને સાધકો વચ્ચે માઈલોનું અંતર હોવા છતાં પણ નિરંતર કેવળ સંકલ્પ દ્વારા તેમનામાં શક્તિપાત કરીને તેમનું કલ્યાણ કરી દે છે. જળચર માછલીનું કામ પાણીમાં ઈંડાં મુકવાનું છે, તે હર હંમેશ ઈંડાની પાસે રહી શકતી નથી. જળમાંના ઈંડાં તો પવનને લીધે દૂર-દૂર વહી જાય છે. માછલી પણ પાણીમાં ગમે ત્યાં વિચરતી હોય છે પણ તેનું ધ્યાન તો ઈંડાં પર જ કેન્દ્રિત રહે છે અને તે સંકલ્પ શક્તિ દ્વારા તેનાં ઈંડાંનું પોષણ કરતી રહે છે. પાણીનો એ ગુણ છે કે તેમાં અગ્નિ તત્ત્વ સમાયેલું રહે છે અને તે દ્વારા તેમાં વિદ્યુત પેદા થાય છે. જે વડે તેના સંકલ્પ તત્ત્વનું એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર થતું રહે છે. સદગુરુ માછલીની જેમ પોતાના અસંખ્ય સત્ શિષ્યો અને સાધકો માઈલો દૂર હોવા છતાં પણ નિરંતર કેવળ સંકલ્પ દ્વારા તેમનામાં શક્તિપાત કરીને તેમનું કલ્યાણ કરી શકે છે. સંકલ્પ શક્તિ સદગુરુ દત્ત ભગવાન કે તેમના કૃપાપાત્ર પાસે જ હોય છે, બધા પાસે હોતી નથી.

સ્પર્શ દીક્ષા અને દ્દગ દીક્ષાની મર્યાદા એ છે કે તેમાં ગુરુ પધ્ધતિસર શક્તિપાત કરે તો અમુક શિષ્યોને શક્તિપાતનો લાભ મળી જાય છે. સદગુરુ શ્રીદત્ત પ્રદત્ત મહામંત્ર ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" થી અબજો લોકોને સંકલ્પ શક્તિથી શક્તિપાત થઈ શકે છે અને સાધકના શ્રદ્ધા-વિશ્વાસ અને પૂર્વાપરની સાધના મુજબ વિશ્વમાં ગમે ત્યાં અનુભૂતિ થઈ શકે છે.

શક્તિપાત વિશે સૂતસંહિતાના બ્રહ્મગીતાના ચોથા અધ્યાયમાં અને શ્રીમદ્ શંકરાચાર્ય રચિત શતશ્લોકોમાં પણ વિસ્તૃત વ્યાખ્યા મળે છે. મંદ, તીવ્ર અને તીવ્રાતિતીવ્ર એમ ત્રણ પ્રકારનો શક્તિપાત શિષ્યની કક્ષા પ્રમાણે ગુરુદેવ કરતા હોય છે પણ તેનું વર્ણન અત્રે અસ્થાને છે. તમારી જીજ્ઞાસા સંતોષાય તે માટે એક શ્લોકમાં દર્શાવું છું કે -

देह पातस्तथा कम्पः परमानन्द हर्षणे ।
स्वेदो सेमाम्य ईत्येतच्छाक्तिपातस्य लक्षणम् ॥

જ્યારે સદગુરુ શક્તિપાતની પ્રક્રિયા કરે છે ત્યારે સાધકને ગાઢ તંદ્રા, મૂર્છા, શરીરમાં કંપન તથા હર્ષાનંદની અનુભૂતિ થવા લાગે છે.

જેમણે શક્તિપાતનો લાભ લીધો છે તેને તે શક્તિ ફાયદાકારક રહે છે. તે શક્તિ લાભાર્થીનું ક્યારેય પણ અહિત કરતી નથી. વ્યક્તિ સાધના ન કરે અને તે શક્તિ અન્યત્ર વેડફે તો શક્તિ સ્થગિત થઈ જાય છે. જેવી રીતે ડુંગર પરથી ગબડતો પથ્થર નીચે પુરજોશમાં આવી રહ્યો છે પણ વચ્ચે તેને કોઈ મોટા ઝાડ કે મોટા પથ્થરનો અવરોધ આવે તો ત્યાં અટકી જાય છે. તે અવરોધ દૂર થતાં ફરી ગતિ પ્રાપ્ત થાય છે. ષડ્વિકાર, પ્રમાદ વગેરે માયાવી અવરોધથી બચો. સાધના માર્ગ તો ખાંડાની ધાર સમાન કઠિન છે.

"રામચરિત માનસ" માં કહ્યું છે કે,

नर सहस्त्र महँ सुनहु पुरारी ।
कोउ एक होइ धर्म ब्रतधारी ।।

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે,

यततामति सिद्धाणाम् कश्चित् मामवेत्ति तत्त्वतः ।

પરમ પદ કે મુક્તિ પામવાની ઈચ્છા સાથે અસંખ્ય સાંસારિકો પ્રયાણ કરતા હોય છે પરંતુ કર્મની જંજાળમાં એવા ફસાઈ જાય છે કે લક્ષ્ય પ્રાપ્તિ તો કોઈ વિરલ વ્યક્તિ જ કરી શકે છે. લાખો-કરોડોમાંથી કોઈ એક બે વ્યક્તિ જ પરમ પદ પ્રાપ્ત કરી શકે છે તેથી નિષ્કામ કર્મ કરો. સદગુરુને સૌથી વિશેષ પ્રેમ કરો.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥


"સ્પર્શ દીક્ષા અને દ્દગ દીક્ષાની મર્યાદા એ છે કે તેમાં ગુરુ પધ્ધતિસર શક્તિપાત કરે તો અમુક શિષ્યોને શક્તિપાતનો લાભ મળી જાય છે. સદગુરુ શ્રીદત્ત પ્રદત્ત મહામંત્ર ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" થી અબજો લોકોને સંકલ્પ શક્તિથી શક્તિપાત થઈ શકે છે અને સાધકના શ્રદ્ધા-વિશ્વાસ અને પૂર્વાપરની સાધના મુજબ વિશ્વમાં ગમે ત્યાં અનુભૂતિ થઈ શકે છે."

~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Type Of Shaktipat Sankalp Diksha Drig Diksha Sparsh Diksha P.P. Punitachariji Maharaj Shiv-Parvati Bhairav-Bhairavi Sadguru Dattatreya