Skip to main content

'અંતરિક્ષનો અવાજ' અપ્રાપ્ય પુસ્તકમાંથી બાપુશ્રીનું પ્રવચન (06-05-1978)

આ પૃથ્વી ઉપરનો એક ભૂભાગ જેને દરેક "ભારત" અથવા "ઈન્ડીયા" નામે ઓળખે છે. અખંડ સૃષ્ટિમાં એક જ મહાસત્તા છે જે દેખાતી નથી, માનવીઓ તે સત્તાને પોતાની બુદ્ધિગમ્ય બનાવી નામ, રૂપ, રંગમાં કલ્પી ઓળખતા હોય છે. આ ભારત દેશમાં પહેલા રાજા-રજવાડાઓ ની સત્તા હતી પછી મુસ્લિમ સત્તા આવી તે પછી બ્રિટિશ સત્તા આવી અને પછી કોંગ્રેસ સત્તા આવી અને અત્યારે જનતા સરકાર ચાલુ છે. માનવીઓ એના એ જ છે. પૃથ્વી એની એ જ છે છતાં સરકાર બદલાયા કરે છે. કોઈ બુદ્ધિમાન વ્યક્તિ કોઈ પણ કોઈ સત્તાધીશને બોલે કે – આ "જનતા સરકાર"ને પ્રત્યક્ષ સ્ટેજ ઉપર બતાડી શકો છો ? તો એક જ જવાબ આપશે કે - સરકારને કોઈ આકાર હોતો નથી. અમે અને તમે "જનતા સરકાર" છીએ. ટુંકમાં, અદૃશ્ય રૂપે જે શક્તિ અણું અણુંમાં વ્યાપી રહી છે તેના કોઈ નામ, રૂપ, રંગ હોતા નથી. તે શક્તિને થોડા વર્ષ પહેલા લોકો બ્રીટીશ સરકારને નામે ઓળખતા, કોંગ્રેસ સરકારને નામે ઓળખતા અને હવે જનતા સરકાર છે. ટુંકમાં, અદૃશ્ય રૂપે જે શક્તિ પ્રાણીમાત્રમાં વ્યાપી રહી છે તેનો કોઈ આકાર નથી.

એ જ રીતે નિરંજન નિરાકાર પરબ્રહ્મ પરમેશ્વરનો કોઈ આકાર હોતો નથી છતાં જ્યારે સમય પાકે છે ત્યારે તે જ પરબ્રહ્મ પરમેશ્વર જગતના કલ્યાણ માટે કોઈ પણ શરીરનો આધાર લઈ અવતરી નામ-રૂપ-રંગથી ઓળખાતા હોય છે. જેમ કે - રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, પીર-પયંગબર વગેરેના નામે બધા ઓળખે છે. ભગવાન રામ અથવા કૃષ્ણ જગતના કલ્યાણ માટે અવતર્યા હતા. તે સ્થૂળ શરીરે દેખાતા હોવા છતાં જીવનમુક્ત વિદેહ શરીરમાં હતા એટલે ચિન્મય સ્વરૂપમાં વિચરતા હતા એટલા માટે અત્યારે પણ તે છે તેમ અનુભવાય છે. એક જ અખંડ મહાસત્તા છે પણ જે રૂપમાં જોવા માગે છે તે તેની સામે તે જ રૂપમાં ઉપસ્થિત થઈ જાય છે.

કોઈ પણ માનવી કે જે સ્થૂળ શરીરમાં બંધાઈ નામ, રૂપ, રંગથી ઓળખાય છે. વિચાર કરતા સમજાય છે કે - આત્માનો કોઈ આકાર નથી છતાં પ્રારબ્ધ કર્મને લીધે તત્ત્વોમાં-ગુણોમાં બંધાઈ માઈક સ્વરૂપ લે છે અને કર્મ ભોગવતા હોય છે.

તમે માતાજીના સ્વરૂપમાં આવી માતૃ સ્વરૂપ સદગુરુની સેવા કરો છો તેનું રહસ્ય ટુંકમાં એટલું છે કે - પરબ્રહ્મ-પરમેશ્વર જ્યારે સૃષ્ટિમાં ઈચ્છા કરે છે ત્યારે અહમ્ માંથી પ્રકૃતિ અને પુરુષ બે સ્વરૂપ લે છે એટલે સૃષ્ટિમાં એક જ પુરુષ છે, બીજા બધા પ્રકૃતિ છે. સાધક જ્યારે સાધનાના સારા અને ઉંચા પગથીયા સર કરે છે ત્યારે તેને ગોપીભાવ પ્રાપ્ત થાય છે. ગોપીભાવ પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ છે. જ્ઞાન અને ભકિત બંનેથી યુક્ત આનંદનું સ્વરૂપ છે. તમે ભાગવતમાં વાંચ્યું હશે કે - રામાવતારમાં અથવા તો તે પછી ઘણા સિદ્ધો, સંતો, મહાપુરુષોએ પ્રભુની ઉપાસના કરી હતી. તેઓ બધાને ઈશ્વરે વચન આપેલ કે - કૃષ્ણ અવતારમાં લોકો સાથે રાસ રમી સંતુષ્ટ કરીશ. તમે બધા કૃષ્ણ અવતારમાં ગોપી અને ગોપાલ સ્વરૂપમાં જન્મ લ્યો. કહેવાનો અર્થ એ છે કે - પ્રભુની જ્યારે અત્યંત સંનિકટતા અનુભવાય છે ત્યારે તે સાધકને ગોપીભાવ પ્રાપ્ત થાય છે.

સદગુરુ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત અવસ્થામાં જન્મ જન્માંતરના કર્મો ભોગવાવે છે. અનેક જન્મોના બંધનો સુપાત્ર સત્ શિષ્ય સમજી એક જ જન્મમાં કાપી દે છે. હાથમાં ભિક્ષાપાત્ર લઈ ભિક્ષા ગ્રહણ કરવાનું સંકેત જે તમને થાય છે તેનું રહસ્ય રૂબરૂ મળ્યા પછી સમજાવીશ. ટુંકમાં, પતિ-પત્નિના સંબંધ એ પ્રકૃતિ-પુરુષ જેવો છે. અમુક ટાઈમ પછી પત્નિ માનું સ્વરુપ ગ્રહણ કરી લે છે અને તેનાથી ભિક્ષા માંગવાની રહે છે. પ્રકૃતિના બંધનથી મુક્ત થવું ખુબ જ કઠીન છે.

(સાધકને પ્રત્યુત્તર - તા. 06-05-1978 ‘અંતરિક્ષનો અવાજ’ અપ્રાપ્ય પુસ્તકમાંથી)


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"કોઈ પણ માનવી કે જે સ્થૂળ શરીરમાં બંધાઈ નામ, રૂપ, રંગથી ઓળખાય છે. વિચાર કરતા સમજાય છે કે - આત્માનો કોઈ આકાર નથી છતાં પ્રારબ્ધ કર્મને લીધે તત્ત્વોમાં-ગુણોમાં બંધાઈ માઈક સ્વરૂપ લે છે અને કર્મ ભોગવતા હોય છે. સદગુરુ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત અવસ્થામાં જન્મ જન્માંતરના કર્મો ભોગવાવે છે. અનેક જન્મોના બંધનો સુપાત્ર સત્ શિષ્ય સમજી એક જ જન્મમાં કાપી દે છે." ~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Bharat India Sarkar Government BJP Congress MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace Sidhh yogini Maiyashree ShailajaDevi