Skip to main content

"ધર્મ"ની વ્યાખ્યા

લૌકીક ભાષામાં હિન્દુ ધર્મ, મુસ્લીમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, જૈન ધર્મ, બૌધ્ધ ધર્મ, પારસી ધર્મ વગેરેને ધર્મની પરિભાષા કરીએ છીએ પણ વાસ્તવમાં ધર્મ એ નાત, જાત, વર્ણ, સંપ્રદાય કે જુદા જુદા દેશ-કાળમાં વિભાજીત નથી. આ તો પોત પોતાની રીતે કાયદા ઘડી પોતાના ભક્તોને અમુક નિયમોમાં બાંધી પોતાના સંધ-સંપ્રદાયને સુદૃઢ બનાવવા, સંગઠીત કરવા, સન્માર્ગે પ્રેરવાના મર્યાદિત નિયમો છે. એ સાંપ્રદાયિક બંધારણ છે. ધર્મ તો વૈશ્વીક છે. સમસ્ત સૃષ્ટિમાં આકાશવત્ વ્યાપક તત્ત્વ છે કે જે સમસ્ત સૃષ્ટિને સંતુલિત રાખી, ભેદભાવ રહિત સૌને એક જ પ્રેમ સુત્રમાં પરોવી આંતરિક સુખ-શાંતિ આપતા, આનંદની અનુભૂતિ કરાવતા, કરૂણા, દયા, સત્ય, ન્યાય, અહિંસા, સેવા, ત્યાગ અને નિઃસ્વાર્થ કર્મયોગમાં ગુંથી ભેદભાવ રહિત યોગ્ય પથમાં ચાલવા પ્રેરણા આપે છે.

ધર્મ એ એક એવો વ્યાપક અદશ્ય ચૈતન્ય તત્ત્વ છે કે ઈન્દ્રિયોને મર્યાદિત રહેવા તત્ત્વો, ગુણો, પ્રકૃતિને સંતુલિત રાખી અનિતી, અન્યાય, હિંસા, સ્વાર્થ, રાગ-દ્વેષ, ઈર્ષા, વૈમનસ્ય આદિ દુઃખદાયી દ્વંદ્રોથી દૂર રાખતા જીવને અજ્ઞાન રૂપી અંધકારથી બચાવતા યોગ્ય માર્ગે ચાલવા પ્રેરણા આપે છે.

જે રીતે બિલોરી કાચ સહજ રીતે અગ્નિને આકર્ષણ કરે છે, લોહચુંબક સ્વભાવિક રીતે લોહને ખેંચે છે. હિટર કે એર કન્ડીશનર સહજ રીતે ઠંડી-ગરમીને ખેંચે છે એ જ રીતે ધર્મ સહજ રીતે સૃષ્ટિમાં વ્યાપ્ત દૈવી શક્તિઓ -બળો, કલ્યાણકારી ગુણો, આનંદ અને સુખ-શાંતિને પોતાની તરફ ખેંચે છે અને દરેક ક્ષેત્રમાં સુરક્ષા આપતા વિજય અપાવે છે.

ધર્મને કોઈ પણ જાતિ-સંપ્રદાયમાં વિભાજીત ન કરી શકાય. ધર્મ એ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ નથી, અલ્લા-ખુદા-પીર-પયગંબર નથી, ભગવાન મહાવીર-નેમીનાથ નથી, જરથોસ્ત કે ઈશુ નથી. ધર્મ તો વ્યાપક એવું તત્ત્વ છે કે જેની અંદર બ્રહ્માંડના બધા દેવો, સિધ્ધો-સંતો અને મંગલકારી અમોઘ શક્તિઓ સમાયેલી છે એટલે જયાં ધર્મ હોય ત્યાં સુખ-શાંતિ-આનંદ હોય છે ત્યાં જ વિજય હોય છે. ટૂંકમાં, જે અખિલ બ્રહ્માંડને સત્ય, ન્યાય, કરુણા, દયા, પ્રેમ, અહિંસા, સેવા અને નિઃસ્વાર્થ પરહિત સેવામાં બાંધી, અખિલ સૃષ્ટિને ઘારણ કરી રાખે તે જ ધર્મ છે. બીજાને સુખ-શાંતિ, હિત અને કલ્યાણ ત્યાં જ ધર્મ છે અને જયાં હિંસા, સ્વાર્થ, હુંસાતુંસી, રાગ-દ્વેષ તથા જેના આધારે બીજાનું અહિત થાય, બીજાને પીડા મળે તે અધર્મ છે.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"ધર્મને કોઈ પણ જાતિ-સંપ્રદાયમાં વિભાજીત ન કરી શકાય. ધર્મ એ એક એવો વ્યાપક અદશ્ય ચૈતન્ય તત્ત્વ છે કે ઈન્દ્રિયોને મર્યાદિત રહેવા તત્ત્વો, ગુણો, પ્રકૃતિને સંતુલિત રાખી અનિતી, અન્યાય, હિંસા, સ્વાર્થ, રાગ-દ્વેષ, ઈર્ષા, વૈમનસ્ય આદિ દુઃખદાયી દ્વંદ્રોથી દૂર રાખતા જીવને અજ્ઞાન રૂપી અંધકારથી બચાવતા યોગ્ય માર્ગે ચાલવા પ્રેરણા આપે છે."

~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Dharma Definition What is Dharma? MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta