Skip to main content

મહામંત્ર પ્રચારનું કાર્ય ખૂબજ અગત્યનું અને જરૂરી છે

ध्यानमूलं गुरोर्मूतिः पूजामूलं गुरोः पदम् ।
मंत्रमूलं गुरोर्वाक्य मोक्षमूलं गुरोः कृपा ॥

ગુરુદેવનું ધ્યાન કરવું જોઈએ. ગુરુચરણની પૂજા કરવી જોઈએ. ગુરુવાક્યને ગુરુમંત્ર જ સમજો. ગુરુકૃપાથી જ મોક્ષ પ્રાપ્તિ થાય છે.

આજે શિબિરનો પ્રથમ દિવસ છે. સવારે જ સદગુરુને પ્રાર્થના કરી કે, “હે સદગુરુ ! દૂર દૂરથી મહામંત્રનો પ્રચાર કરનાર કેન્દ્ર સંચાલકો સાધના માટે આવ્યા છે. તેમને માર્ગદર્શન માટે કંઈક પ્રેરણા કરો.” તે વખતે મેં જોયું કે - આપ સૌ અકલ્પનિય સ્થિતિમાંથી પસાર થઈને અહીં આવ્યા છે. ઘણાને ઘણી જાતની પ્રતિકૂળતા હતી. કોઈને રજાની તકલીફ તો કોઈને અચાનક સાંસારિક જવાબદારીનું ભારણ. કોઈને શારિરીક નાદુરસ્તી તો કોઈને આર્થિક ભયંકર ભીંસ છતાં આપ સૌ અહીં આવી ગયા છો તેથી તમે સૌ માનો કે ન માનો પણ સદગુરુના ચુંટેલા પુષ્પો છો.

તમે સૌ સદગુરુને અહંશૂન્ય થઈ પ્રાર્થના કરો. સદગુરુ કૃપાથી એક વખત ચિતિશક્તિ જાગી ગઈ તો પછી તમારો બેડો પાર છે. તમે સદગુરુને સામાન્ય ન સમજો. તે તો આપણા જીવનની ધૂરી સમાન છે. જ્યારે મનુષ્યનું શરીર છુટે છે ત્યારે તેનો આત્મા સૌ પ્રથમ તેના ગુરુદેવ પાસે જ જાય છે તેથી કહું છું કે - સદગુરુ ચરણમાં અનન્ય પ્રેમ અને શ્રદ્ધા રાખો. શરીરના ધારક માતા-પિતા છે જ્યારે આત્માના ધારક સદગુરુ છે. તમે સંસારમાં રહો છો, ન જાણે કેટલાય અણગમતા સગા-સંબંધી આપની પાસે પ્રસંગોપાત આવતા હોય છે. તમે તે લોકોની વાણી વર્તણૂંક અનુભવી છે છતાં પણ ન ગમે તોય સંબંધ રાખો છો ખરુને ? સદગુરુ તો આત્માનો ધારક છે તેથી તમે સૌ ખાસ મનોમંથન કરો. ગુરુની ગરિમાનો કોઈ પારજ નથી.

हरि व्यापक सर्वत्र समाना ।
प्रेम में प्रगट होहिं मैं जाना ।।

હરિ સર્વત્ર છે. પ્રેમથી પોકારો અવશ્ય પ્રગટ થશે.

આ સૃષ્ટિમાં સૌથી બંધનકારી તત્ત્વ હોય તો તે પ્રેમ છે. તમે લોકો શિબીર પછી તમારા ઘર-ધંધામાં ગોઠવાશો કારણ કે ત્યાં પ્રેમથી જોડાયેલા છો. સદગુરુને તમે અનન્ય પ્રેમ કરો. જીવનમાં સરળતા-સહજતા-નિખાલસતાની ખુબજ જરૂર છે. તે ગુણને લીધે તમે સદગુરુ પામી શકશો. આપણે નશીબદાર છીએ કે પૂજયશ્રીનું સાનિધ્ય પ્રાપ્ત થયેલ છે. ગમે ત્યારે માર્ગદર્શન આપે છે. આપણા માટે વરદાની મહામંત્ર ‘હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત’ નું અવતરણ કરાવી આધ્યાત્મિક માર્ગને ટુંકો બનાવી દીધો છે. પુજયશ્રી ઘણીવાર પોતાને “છોટા બાપુ” અને સદગુરુ દત્ત ભગવાનને “મોટા બાપુ” કહે છે પણ મે તો બન્નેને એકજ માન્યા છે. સ્થૂળ ગુરુ એ સાક્ષાત્ બ્રહ્મનું સ્વરૂપ છે તે બાબતમાં શંકા ન રાખશો. એક સાધકનો દાખલો આપું તો તે સદગુરુને વંદન કરે ત્યારે તેને પાદુકા પાસે પોતાનાજ ચંપલ દેખાય છે એનો અર્થ એ છે કે સદગુરુ તેને જણાવે છે કે, “તું મારું જ સ્વરૂપ છો.” મૂર્તિમાં તમારુ જ સ્વરૂપ દેખાય. ટુંકમાં, તમે સૌ બ્રહ્મના સ્વરુપ છો. દ્વૈતભાવમાં ગુરુદેવ પાસે નત મસ્તકે વિન્રમતાથી રહેવું જોઈએ. પૂજયશ્રી તો છુટા હાથે લ્હાણી કરવા બેઠા છે. ખરેખર ભરપુર લાભ લેવો જોઈએ. સદગુરુને ખુબજ પ્રેમ કરો. ફુરસદે સતત મહામંત્રનો જાપ કરો તે સિવાય એક-બે અગત્યની વાત જણાવું છું તે ખાસ ધ્યાનમાં રાખશો.

સાધનામાં અહમ્ ત્યાગ કરવો અને કપટ રહિત થવું તે ખુબજ અગત્યની બાબત છે. કાલિય નાગને નાથવા કરતા અહંને નાથવો કઠિન છે. ગુરુકૃપા અને સાધકના નિષ્ઠાભર્યા પ્રયત્નથી તે શકય બને છે. એક દાખલો આપવાનું મન થાય છે. ઋષિકેશમાં દિવ્યજીવન સંઘની પ્રવૃતિના વિકાસ માટે ગંગાકિનારે આશ્રમ છે તેના સ્થાપક ર્ડા. શિવાનંદ મહારાજ છે. તેઓશ્રી મૂળ દક્ષિણ ભારતના બ્રાહ્મણ. પરમ પદની પ્રાપ્તિ માટે વૈદકીય વ્યવસાય છોડી, હિમાલયની ગોદમાં માં ગંગા કિનારે સાધના કરતા. ખુબજ મનન, ચિંતન, નિધ્યાસન કરતા. પોતે ભણેલા, સંસ્કારી, સાઘનાપ્રિય, ભજનાનંદી છતાં શા માટે ઈશ્વર પ્રાપ્તિ નથી થતી ? તે જમનામાં બ્રાહ્મણનું વર્ચસ્વ સમાજ પર વધારે અને તેઓ પાછા દક્ષિણના બ્રાહ્મણ તેથી શરીરનું અહં તો હોય જ. તેમની કુટીરમાં કોઈ ભાઈ સફાઈ માટે આવતા. દરરોજ આવે અને પોતાનું સફાઈનું કામ કરી ચાલ્યો જાય. એક વખત સ્વામીજીને એમ થયું કે - મારે સાધનામાં બાધક રૂપ અહમ્ ઓગાળવા શું કરવું ? તે વખતે તે સાફ સફાઈ કરતા ભાઈને જોયો. સતત ૧૦૦ દિવસ સુધી તેને દરરોજ દંડવત્ પ્રણામ કર્યા. મારી વારંવાર આપ સૌને ટકોર છે કે - અહં ન કરો. અહં શૂન્ય બનો. ભક્તિમાં અને સંત કે સદગુરુ પાસે અહં ઓગાળીને જશો તો જ કંઈક પ્રાપ્ત કરી શકશો.

જીવનમાં છળ-કપટનો ત્યાગ કરો. તમે સૌ આ નાનકડા કુટુંબ અને શરીર માટે શા માટે પ્રપંચ કરો છો ? યાદ રાખો - છળ કે કપટથી મેળવેલ સંપત્તિ વધુ ટકતી નથી. ક્ષણિક લાભ દેખાશે પણ કાયમ નહીં રહે તેથી જાગૃત થાવ.

પરમાત્માની કે ગુરુની શક્તિ પારદર્શક હોય છે. ઘણા વર્ષોથી પૂજયશ્રી સાથે સંકળાયેલ વ્યક્તિ સંપૂર્ણ પવિત્ર ન હોવાથી તેને સંપૂર્ણ શક્તિનો લાભ મળી શકતો નથી. કોઈ વસ્તુ પર પાતળું ઈન્સ્યુલેશન હોય છે તે રીતે જરા પણ કપટમય જીવન હશે તો પ્રગતી થશે નહી. પૂજયશ્રી પાસે મીઠું-મીઠું બોલી કે કાલા-વ્હાલા કરી પોતાના દુ:ખ-દર્દ જણાવે. સંત હદય હોવાથી પૂજયશ્રી આર્શીવાદ આપે પણ પૃથ્વી તે આશીર્વાદ લઈ લે છે. ટુંકમાં, તમે ખાલી થાવ તો જ કંઈક સમાય એટલે કે નિર્મળ બનો તો જ આશીર્વાદ ટકી રહેશે. સદગુરુકૃપા વરસે ત્યારે बरसे तो ऐसा बरसे, की सब भींज गए । આધ્યાત્મિક શક્તિ તો મરેલાને પણ જીવતો કરી દે છે તે બાબતમાં શંકા ન રાખશો.

તમે લોકો સંસારી છો તેથી જીવનમાં સુખ-દુઃખ આવે. ઘણી વાર કોઈ શુભ પ્રસંગ માટે ઉછીની રકમ લેવી પણ પડે પણ જાગૃત રહેવું. તમે ભૌતિક સમૃધ્ધિ વધારવાના મોહમાં તમારા કુટુંબ માટે કોઈ પાસે ઉછીના લો છો પણ ભરપાઈ નહીં કરો તો ઋણાનુબંધ અને કર્મના સિધ્ધાંત મુજબ આપવા માટે ફરી જન્મ લેવો પડશે તેથી મારી અંગત સલાહ છે કે - ભરપાઈ ન કરી શકો તેવી સ્થિતિ હોય તો કોઈ પાસે કુટુંબના સ્વાર્થ સાધવા ઉછીના ન લેતા. જે લે તેની જ જવાબદારી છે. તમારા પર બોજો વધશે, જવાબદારી વધશે તેથી કરજ ન કરો.

સંકલ્પમાં અદ્ભુત શક્તિ છે. નિયમિત પૂજા-પાઠ-ધૂન-ધ્યાન બાદ સંકલ્પ કરવો જ જોઈએ. મારી ૨૮ વર્ષની સાધના બાદ જે મળ્યું તે તમને એક ક્ષણમાં આપું છું.

“હે પ્રભુ ! મે જે કંઈ કાર્ય કર્યું હોય તેમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો આપ મારા માટે સંકલ્પ કરી દેજો,” આવો સંકલ્પ કરવાની સલાહ છે.

સાધનામાં પ્રગતિ માટે એક અતિ અગત્યનું સૂત્ર છે કે - "પર માંથી સ્વ માં જાવ." તમે તમારી પોતાની ત્રુટીઓ, ભૂલો, અવગુણો પ્રત્યે ધ્યાન આપો. અન્ય શું કરે છે તે વિચારીને તમારો કિંમતી સમય ન બગાડશો. મહામંત્ર પ્રચારનું કાર્ય ખૂબ જ અગત્યનું અને જરૂરી છે. અનેક જીવને સાચો રસ્તો મળે છે. અનેકનું કલ્યાણ થાય છે. તે લોકોને શાંતિ મળે તેમાં માર્ગદર્શક રૂપ તમે હો તો સદગુરુ અવશ્ય આપના તે સત્કર્મથી પ્રસન્ન થાય છે. તમે લોકો ખૂબજ પ્રચારની ભાવના ધરાવો છો પણ સમય-સંજોગો જોઈ દિવસ દરમ્યાન કોઈ અશાંત-દુ:ખી વ્યક્તિ તમારા સંપર્કમાં આવે તો તેને મહામંત્રની જાણકારી આપો. તે જીવનું સદગુરુના સુંદર કાર્ય સાથે જોડાણ નિમિત્ત હશે તો અવશ્ય સ્વીકારશે. તમે માત્ર નિમિત્તનો આનંદ માણો . જીવનમાં ઘણું મળે છે પણ સંત દર્શન ભાગ્યશાળીને મળે છે. પૂજયશ્રીનું સાનિધ્ય, સમીપતા, સત્સંગનો ભરપૂર લાભ ઉઠાવો, તેમના દર્શન કરી શક્તિ પ્રાપ્ત કરો. ગિરનાર જેવી સિધ્ધ ભૂમી બહુજ ઓછી છે. તમે ગુરુને બ્રહ્માંડ સમજો. વિશ્વ વ્યાપક સમજો, ચૈતન્ય તત્ત્વ જ સમજો. વધારે શું કહું ? મારી દષ્ટિએ તો સૌથી વધુ જ્ઞાની તો શ્રોતાજ છે. નત મસ્તકે સદગુરુમાં શરણાગતિ રાખો.


~પ.પૂ. મૈયાશ્રી શૈલજાદેવી,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥


"સાધનામાં પ્રગતિ માટે એક અતિ અગત્યનું સૂત્ર છે કે - "પર માંથી સ્વ માં જાવ." તમે તમારી પોતાની ત્રુટીઓ, ભૂલો, અવગુણો પ્રત્યે ધ્યાન આપો. અન્ય શું કરે છે તે વિચારીને તમારો કિંમતી સમય ન બગાડશો. મહામંત્ર પ્રચારનું કાર્ય ખૂબ જ અગત્યનું અને જરૂરી છે. અનેક જીવને સાચો રસ્તો મળે છે. અનેકનું કલ્યાણ થાય છે. તે લોકોને શાંતિ મળે તેમાં માર્ગદર્શક રૂપ તમે હો તો સદગુરુ અવશ્ય આપના તે સત્કર્મથી પ્રસન્ન થાય છે. તમે લોકો ખૂબજ પ્રચારની ભાવના ધરાવો છો પણ સમય-સંજોગો જોઈ દિવસ દરમ્યાન કોઈ અશાંત-દુ:ખી વ્યક્તિ તમારા સંપર્કમાં આવે તો તેને મહામંત્રની જાણકારી આપો. તે જીવનું સદગુરુના સુંદર કાર્ય સાથે જોડાણ નિમિત્ત હશે તો અવશ્ય સ્વીકારશે. તમે માત્ર નિમિત્તનો આનંદ માણો."

~પ.પૂ. મૈયાશ્રી શૈલજાદેવી



nimitt mantra prachar ego shibir maiyashree shailajadevi