Skip to main content

સત્સંગ મહિમા

‘વિવેક ચુડામણી’ સુંદર ગ્રંથ છે તેમાં શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યે કહ્યું છે કે -

दुर्लभं त्रयमेवैतत् लोकानुग्रहहेतुकम् ।
मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुष संश्रयाः॥ અર્થાત્

આ સંસારમાં ત્રણ વસ્તુ દુર્લભ છે. (૧) મનુષ્ય જન્મ (ર) મુક્તિની ઈચ્છા અને (૩) મહાપુરુષોનો સમાગમ

અનેક જન્મોની લાંબી યાત્રા બાદ મનુષ્ય જન્મ મળે છે. સ્વર્ગમાં રહેતા દેવો પણ મનુષ્ય જન્મ માટે તલસતા હોય છે કારણ કે - મૃત્યુ લોક એ કર્મ ભૂમિ છે જ્યારે દેવ લોક એ પૂણ્ય ભૂમિ છે. અહીં જે કંઈ પૂણ્ય કર્યાં હોય તેના ફળ સ્વરૂપે જ સ્વર્ગ મળે છે. પુણ્ય ભંડારનો ક્ષય થયા બાદ એક સેકન્ડ પણ સ્વર્ગમાં રહેવાનો અધિકાર નથી. સ્વર્ગ પ્રાપ્તિ બાદ ભોગ-વૈભવ મેળવ્યા છતાં પરમ શાંતિ મળતી નથી તેથી મોક્ષ માટે જ નિષ્કામ કર્મ કરવાનો મનોમન નિર્ણય કરી, દેવો મનુષ્ય જન્મ ઈચ્છે છે. પશુ-પક્ષી આદિની તિર્યક યોનિમાં ભયંકર દુઃખ જોવા મળે છે. ચોમાસામાં સાધના દરમ્યાન નાનકડી ખાટલી પર છત્રી જેવા કૂટજ વનસ્પતિના મોટા પાન માથે ઢાંકી જાપ કરતો ત્યારે ઘણા સર્પ પાણીમાં તણાઈને ખાટલીના પાયા સાથે વીંટાતા તો ક્યારેક શરીર પર પણ વીંટાતા. વરસાદના એક ટીપાં સાથે નાનકડા મચ્છરનું મૃત્યું થતું. ભયંકર જંગલની રાત્રિમાં વાનર-વાનરી ઠંડીથી બચવા એકબીજાને ભેટીને બેઠેલા જોયા છે. ભૂખ્યો દીપડો ભયંકર અવાજ કરી વાંદરાને રાત્રે ડરાવતો. ભૂખ્યા વાંદરા ડરના માર્યા બીજા ઝાડ પર કૂદકો મારે અને વરસાદને લીધે ચીકણી ડાળીમાંથી સરકી નીચે પડતા. દીપડાને ભોજન મળી જતું. ત્રણ ચાર દિવસની ભૂખને લીધે મને ભયંકર ચકકર આવતાં, અશક્તિ અનુભવતો પણ સદ્ગુરુકૃપાથી સહજ રુપે મારું રક્ષણ થતું. કહેવાનો મતલબ એ છે કે અન્ય યોનિ કરતા મનુષ્યને ઘણી ઓછી તકલીફો છે.

મનુષ્ય જન્મ મળ્યા બાદ માયાના પ્રલોભનોથી બચવું તે પણ સાધના છે. બધી જ દિશાઓ તરફ્થી પ્રલોભનો આવી પોતાના તરફ ખેંચ્યા કરે છે અને ભ્રમમાં નાખ્યા કરે છે. સિધ્ધો-સંતો જણાવે છે કે - અનેક જન્મોના પુણ્યનો સંચય હોય ત્યારે જીવને મોક્ષ-મુક્તિની ઈચ્છા ઉદ્ભવે છે. ધન-પુત્ર-પરિવાર-પદ-પ્રતિષ્ઠાની ઈચ્છા તો બધાને હોય છે પણ મુમુક્ષુપણું તો કોઈ વિરલમાં જ જોવા મળે છે.

મનુષ્ય દેહધારીને મોક્ષની ઈચ્છા જાગે, તેમાં પણ તેને સમર્થ મહાપુરુષોનો સંગ મળી જાય તો તેનો બેડો પાર થઈ જાય છે. સાચા મહાપુરુષનો સંગ અર્થાત્ સત્સંગ સોનામાં સુગંધ સમાન છે. સત્સંગ તો અતિ દુર્લભ છે. “સત્સંગ” મળ્યો તેને સહજ રૂપે જ મનુષ્ય જન્મ અને મુમુક્ષુપણું મળે ખરૂં..તે વિશે પ્રચલિત કથા છે.

એકવાર ત્રિલોકવિહારી મહર્ષિ નારદ મુનિ વિચારમાં પડી ગયા. તેમણે જોયું કે - આજ કાલ પ્રભુ પૃથ્વી પરના સત્સંગીઓનું ખૂબ જ ધ્યાન રાખે છે. “સત્સંગ કઈ રીતે લાભપ્રદ ?” એ પ્રશ્ન લઈ તેઓ નારાયણ-નારાયણ કરતા પ્રભુ પાસે પહોંચ્યા અને સત્સંગ બાબતે પોતાની સંશયવૃત્તિ છતી કરી. અંતર્યામી પ્રભુ તો મરક-મરક હસતા જણાવે છે કે “આ પ્રશ્ન તમે એક જંતુ (મચ્છર) ને પૂછો તે જવાબ આપશે.”

આ વાત સાંભળી મુંઝાયેલા નારદ મુનિ વધારે મુંઝાયા. પ્રભુની આજ્ઞા શિરોમાન્ય રાખવી જ પડે. પૃથ્વીલોકમાં આવી પેલા મચ્છર પાસે સત્સંગથી થતા ફયદાનો પ્રશ્ન કર્યો. સવાલ સાંભળતાં જ મચ્છર મરી ગયું. મહર્ષિ તરત જ ભગવાન પાસે પહોંચ્યા અને વીતક કથા કહી. ફરી પ્રભુએ હસીને કહ્યું કે - એ “હમણાં પૃથ્વી પર એક પ્રાણી (કુતરું) જન્મ્યું છે તેને પૂછો.” શંકાનું સમાધાન કરવું જ છે તેવા દૃઢ નિર્ણય સાથે નારદ મુનિ પેલા કુતરા પાસે પહોંચ્યા એ જ સવાલ કર્યો અને તે પણ તરત જ મૃત્યુ પામ્યું. આશ્ચર્ય અને કુતૂહલ સાથે ફરી નારાયણ પાસે પહોંચ્યા. નારદ મુનિને આવતા જોઈ પ્રભુ સામેથી બોલ્યા કે, “હાલમાં પૃથ્વી પર એક વાછરડાંએ જન્મ લીધો છે તેને પૂછો.” નારદ મુનિ વિચારે છે કે, “પાત્ર બદલાય છે. પ્રશ્ન એક જ હતો તેમાંથી હવે પ્રશ્નની વણઝાર શરૂ થઈ.” વાછરડા પાસે જઈ ‘સત્સંગ મહિમા’નો પ્રશ્ન પૂછ્યો અને વાછરડાનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. પ્રશ્નનો જવાબ ન મળ્યો અને ગૌહત્યાનું પાપ લાગ્યું. નારાયણે તો મને ધર્મસંકટમાં મૂકી દીધો. પ્રભુ શા માટે આવી અટપટી લીલા કરતા હશે તે વિચાર વંટોળમાં લીલા પુરુષોત્તમ પાસે જઈ વ્યથિત થઈને બધી વાત કરી. ફરી નારાયણ બોલ્યા કે, “પૃથ્વીલોકમાં એક રાજાને ત્યાં અત્યારે રાજકુંવરનો જન્મ થયો છે તે અવશ્ય તમારા પ્રશ્નનો જવાબ આપશે. તમારે પ્રશ્નના ઉકેલ માટે અન્ય કોઈ પાસે હવે પૃથ્વી લોકમાં ઘકકો નહીં પડે તેની ખાત્રી આપું છું.” નારદ મુનિ બોલ્યા, “હવે મારે જવાબ જોઇતો નથી. ગૌહત્યાનું તો પાપ લાગ્યું હવે માનવ હત્યાનું પાપ મારે નથી લેવું. તમારે જવાબ આપવો હોય તો આપો.” પ્રભુ કહે છે કે, “તમારા પ્રશ્ન સાથે રાજકુંવર મૃત્યુ નહિ પામે તેની ખાત્રી આપું છું. તમે નિરાંતે જાવ,” પ્રભુ પાસે આશ્વાસન મેળવી મહર્ષિ નારદ સીધા રાજમહેલમાં ગયા. રાજાએ ષોડપોચાર પૂજન વગેરે કરી આવવાનું પ્રયોજન પૂછ્યું. નારદ મુનિ કહે, “મારે રાજકુંવરને પ્રશ્ન પૂછવો છે”. રાજા કહે કે, “હાલમાં જ જન્મેલો પેલો કુંવર આપને શું જવાબ આપવાનો ? આપશ્રી પધાર્યા છો તો તેને આશીર્વાદ આપો.” રાજા મહર્ષિને રાજકુંવર પાસે લઈ ગયા. પ્રભુના પ્યારા ભક્ત નારદ મુનિએ પેલો પ્રશ્ન પૂછ્યો અને બધાના આશ્ચર્ય વચ્ચે રાજકુંવર બોલ્યો, “હે મહર્ષિ ! આપ હવે સત્સંગ સંભળાવો જેથી અમારું કલ્યાણ થાય. આપની કૃપાથી મારી પ્રગતિ થઈ છે. આપનો માત્ર એક વખત સંગ કર્યો તો તેમાં જ મારું કલ્યાણ થઈ ગયું. આપના મચ્છર યોનિમાં પ્રથમ વખત દર્શન કર્યાં અને તેમાંથી છૂટયો. ત્યાર બાદ હું કૂતરો અને વાછરડો બન્યો. આપના ક્ષણિક સંગથી મને પ્રાણીઓના ભવમાંથી મુક્તિ મળી. છેવટે રાજવૈભવ ભોગવવા મને અહીં જન્મ મળ્યો છે. મને ખાત્રી છે કે - આપના સત્સંગથી મને મનુષ્ય જન્મમાં અવશ્ય મુમુક્ષુપણું જાગશે અને આપની કૃપાથી પરમ પદની પ્રાપ્તિ થશે. આપનો વારંવાર જય જયકાર હોય, મારા હૃદયપૂર્વક કોટિ કોટિ વંદન સ્વીકારશો.” નારદ મુનિએ પણ સત્ સ્વરૂપ પ્રભુનો જય જયકાર કરતા વંદન સાથે નારાયણ-નારાયણની ધુન ગાતા વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥



"જીવનમાં સુવાસ રાખો અને પ્રભુમાં વિશ્વાસ રાખો."

~(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ)



Satsang Mahima Maharshi Narad Mukti Vivek Chudamani shankarachary