Skip to main content

ઉત્તમ સાધકોએ હંમેશા સ્વનિરીક્ષણ કરવું

"ગુરુકૃપા,સત્સંગ અને સ્વનિરીક્ષણ એ સફળતાનું મૂળ છે."

~૫. પૂ. મૈયાશ્રી શૈલજાદેવી

મનુષ્ય જીવનની સફ્ળતા, દરેક પરિસ્થિતિમાં સમત્વ બુદ્ધિ કેળવવા, સ્વસ્થ સરળ અને સુંદર જીવન જીવવા માટે સત્સંગ એક પાયાનો આધાર છે. જીવ જન્મથી અશુધ્ધ હોતો નથી તે તો નિત્ય શુધ્ધ-બુધ્ધ આનંદનું સ્વરુપ છે. સંગ દોષથી વ્યક્તિ બને અને બગડે છે. શાસ્ત્રોમાં લખેલ છે કે "संसर्गजादोष गुना भवन्ति". ધર્મરાજ યુધિષ્ઠિર સહિત પાંડવો ભગવાન કૃષ્ણ તેમજ વિદૂરજીના સંસર્ગથી ક્યારેય પણ ધર્મથી ચ્યુત થયા નથી અને દૂર્યોધન ક્યારેય અધર્મથી વિચલિત થયો નથી. દૂર્યોધનના સંસર્ગથી સૂર્યપુત્ર પરમ વીર કર્ણ પણ કુવ્યસની બન્યો છે. સંગનો રંગ જ્યારે વ્યક્તિના મનને લાગે છે ત્યારે જીવ યોગ્યાયોગ્યનું ભાન ભૂલી, અયોગ્યને જ યોગ્ય માની, ક્ષણિક સુખને પરમ સુખ માની, નશ્વરને શાશ્વત માની, અશાંતિને શાંતિ માની, મિથ્યાને સત્ય માની ધર્મથી ચ્યુત થઈ ભવાટવીના ફેરામાં ફરી-ફરીને ભટકયા કરે છે.

શાસ્ત્રો તેમજ સંતો એટલે જ કહે છે કે - હંમેશા સતપુરુષોનો સંગ કરી તેમની સાથે સત્સંગ કરો, સારા પુરુષોની જીવનની પુસ્તિકા વાંચો તથા તેમના ગુણો પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરો. સત્સંગ શું છે ? ભગવત કથા શું છે ? તેનો ખ્યાલ તો કોઈ યોગ્ય માર્ગદર્શક, સંત અથવા મહાપુરુષ સિવાય આવી શકતો નથી એટલા માટે પ્રથમ સંતોની સંગતિ કરવી. સંતો દ્વારા સત્સંગનું ખરું મહત્ત્વ સમજાય છે. ઈશ્વર શું છે ? જીવ શું છે ? બ્રહ્મ શું છે ? જગત શું છે ? નિત્ય શું છે ? અનિત્ય શું છે ? સુખ-દુ:ખ-અસત્ય શું છે ? એનું વિવેક જ્ઞાન સંત કૃપા સિવાય, સત્સંગ સિવાય પ્રાપ્ત થઈ શકતું નથી. જ્યાં સુધી સત્સંગમાં પ્રેમ ઉપજે નહીં, ભાવ ઉપજે નહીં, રહસ્ય સમજાય નહી ત્યાં સુધી ભગવત કથામાં પ્રીતિ બંધાતી નથી. ભગવત કથામાં પ્રીતિ ઉપજે નહી, ભાવ આવે નહી, ઈશ્વર ચરણમાં તલ્લીનતા થાય નહી ત્યાં સુધી શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી. સત્પુરુષોના થોડા સમયના સત્સંગમાંથી જે અમુલ્ય જ્ઞાન બોધ મળે છે તે જ્ઞાન બોધ વર્ષો સુધી તપશ્ચર્યા કરવાથી કે અધ્યયન કરવાથી મળતો નથી. સતપુરુષો, આત્મજ્ઞાની સંતો, નિર્મળ ભાવિક ભક્ત હૃદય બની દરેક શાસ્ત્રો, વેદો, પુરાણોનો અભ્યાસ કરી તેનો નીચોડ લઈ શ્રોતાઓ વચ્ચે મુકતા હોય છે તે નીચોડ, તે સાર કોઈ શોધવા જાય તો વેદો, શાસ્ત્રો, પુરાણોના અનેક વર્ષોના વાંચન પછી ક્વચિત જ પ્રાપ્ત કરી શકે છે. જે રીતે મધમાખી અનેક ફૂલો, વૃક્ષોમાંથી રસ લઈને મધપૂડો બનાવે છે કે જે મધ કોઈ પણ વૈજ્ઞાનિક, બુદ્ધિમાન કે જ્ઞાની વ્યક્તિ બનાવી શકતા નથી. મધની અપેક્ષા રાખનાર વ્યક્તિએ મધપૂડા પાસે જવું જ પડે છે, મધમાખી પાળવી જ પડે છે. તે સિવાય મધ મળી શકતું નથી. બરાબર એ જ રીતે સત્સંગતિમાં, પ્રભુ ચર્ચામાં, સત્સંગમાં જે રસ વરસે છે, જે તત્ત્વ મળે છે, તે શાસ્ત્ર વાંચન, દલીલ કે તર્કથી મળી શકતું નથી.

વાસ્તવમાં તે જ સત્સંગ, પ્રવચન કે ઉપદેશ સંપૂર્ણપણે લાભદાયી નીવડે છે કે જે ઉપદેશકના પોતાના વાસ્તવિક જીવનમાં આચરેલ હોય. જે મહાપુરુષો પોતે ઉપદેશ પ્રમાણે વર્તતા હોય, જીવન ગાળતા હોય તેવા મહાપુરુષોનો ઉપદેશ સરળતાથી શ્રોતાઓને ગળે ઉતરે છે અને શ્રોતાઓ માટે કલ્યાણકારી બની તેને લક્ષ્ય તરફ લઈ જાય છે. પણ આવા વક્તાઓ ક્વચિત્ જ દ્રષ્ટિમાં આવે છે છતાં સામાન્ય વકતાઓ કે જેઓ પોતાનો ઉપદેશ જીવનમાં નથી ઉતારતા તેઓનો ઉપદેશ પણ શ્રોતાઓ માટે વ્યર્થ જતો નથી. ઘણા ભાવિક,શ્રધ્ધાળુ શ્રોતાઓ આવા વક્તાઓના સત્સંગ સાંભળીને પણ ગદ્ગદ્ થઈ મુગ્ધ થઈ જતાં હોય છે, પ્રભુમય બની જતા હોય છે, જ્યારે વક્તાઓ કોરેકોરો ઉપદેશ આપી પોતે પણ કોરા જ રહી જતાં હોય છે અને એટલે જ શ્રધ્ધાથી સાંભળેલ સત્સંગ ક્યારેય પણ વ્યર્થ જતો નથી.

મહર્ષિ વશિષ્ઠજી તેમજ વિશ્વામિત્રજી વચ્ચે એકવાર વિવાદ થયો કે - સત્સંગનું મહત્ત્વ વધારે છે કે ભજન તપસ્યાનું મહત્ત્વ વધારે ? તેના નિર્ણયમાં સત્સંગનું ત્રાજવું ભારે થઈ ગયું, વજનદાર થઈ ગયું, વશિષ્ઠજીના થોડા સત્સંગની સામે વિશ્વામિત્રજીની આજીવન તપશ્ચર્યા પણ ઝાંખી પડી ગઈ, સત્સંગમાં પ્રીતિ રાખવાથી, ભગવત કથામાં પ્રીતિ રાખવાથી, તેને પ્રેમથી સાંભળવાથી આંતરીક દોષો, આવરણો સહેજે દૂર થતા હોય છે, સદવિચારો, સદ્ભાવનાઓ, પવિત્ર ભાવો, અંદર પ્રવેશતા હોય છે. અભણ હોવા છતાં શાસ્ત્ર જ્ઞાનથી વંચિત હોવા છતાં સત્સંગના પ્રભાવે વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્તિ કરી લેતી હોય છે. ભક્ત શબરીબાઈ એક ભીલ બાલિકા હતી, શાસ્ત્ર જ્ઞાનથી વંચિત હતી, અશુદ્ધ રહેણી-કરણી યુક્ત જગ્યાએ જન્મેલી હતી છતાં તે શબરી રામભક્ત બની રામનું પ્રત્યક્ષ દર્શન કરે છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રાઘવેન્દ્ર સરકાર ઋષિ મુનિઓથી ભરપૂર આખા તપોવનમાંથી ભક્ત શબરીને ત્યાં પ્રથમ જાય છે અને તેનો ઉધ્ધાર કરે છે. શ્રીરામ સરકાર શબરીને કહે છે કે, "હે શબરી, ભક્તિના નવ પ્રકાર છે. તેમાંથી એક પણ જેની અંદર હોય તે ભવસાગર તરી શકે છે. તારામાં તો નવે નવ ભક્તિ વિદ્યમાન છે." ભગવાન કહે છે કે, "હે શબરી, તે આખી જીંદગી મારી કથા, મારી જીવની પ્રેમથી સાંભળી છે. સંતોના સંગમાં રહી સત્સંગ કર્યા છે, ભક્તિમય જીવન ગાળ્યું છે, મારી જીવની મારી કથા સાંભળતા આંખોમાંથી આંસુ સાર્યા છે. ગદ્ગદ્ થઈ છે અને અલૌકિક શાંતિ પ્રાપ્ત કરી છે. આ તારી સરળ ભક્તિ જોઈને આજે હું પ્રસન્ન થયો છું." પ્રભુ બોલે છે કે, "હે શબરી, જે પ્રેમથી ભગવત કથાનું શ્રવણ કરે છે, તન્મય થઈ ભાવવિભોર બની ભગવત્ લીલા શ્રવણમાં તદ્રુપ બની ખોવાઈ જાય છે. તેઓને અન્ય કોઈ પણ જાતની તપશ્ચર્યા કરવાની જરૂરી રહેતી નથી. તે શ્રવણ માત્રથી જ લક્ષ્ય પ્રાપ્તિ કરી લેતા હોય છે, તેવા ભક્તનો પ્રત્યેક શ્વાસ પ્રભુમય હોય છે."

વેદો, શાસ્ત્રો, પુરાણોમાં પણ સત્સંગની મહત્તા અનેક જગ્યાએ દર્શાવેલ છે, જ્યારે જ્યારે જેને જે મોહ, ભ્રમ, અજ્ઞાન રૂપી વાદળોએ ઘેર્યો છે, ત્યારે ત્યારે તેનું નિવારણ સત્સંગથી જ થયું છે. સત્સંગથી જટાયું, ગિદ્ધ જેવા માંસાહારી પક્ષીઓ પણ સંત બન્યા છે અને સદગતિ પામ્યા છે. કાગપક્ષી કે જેને શાસ્ત્રમાં ચાંડાલ પક્ષી બોલવામાં આવે છે, તે પણ સંત સમાગમથી, મધુરભાષી, ત્રિકાળદ્રષ્ટા, ત્રિકાળ જ્ઞાની, અબાધ ગતિથી વિચરનાર મહાન ભક્ત અને પરમ જ્ઞાનીનું સ્વરૂપ લઈ શક્યા છે. રામાયણમાં લખેલ છે કે "मधुरं वचन तब बोलहि कागा”. મહર્ષિ લોમશ ઋષિએ પણ સત્સંગ દરમ્યાન કાગભુશંડીજીને આર્શિવાદ આપેલ છે કે –

राम भगति अबिरल उर तोरें। बसिहि सदा प्रसाद अब मोरें।।

दो0–सदा राम प्रिय होहु तुम्ह सुभ गुन भवन अमान।
कामरूप इच्धामरन ग्यान बिराग निधान ।। 113(क) ।।

जेंहिं आश्रम तुम्ह बसब पुनि सुमिरत श्रीभगवंत ।
ब्यापिहि तहँ न अबिद्या जोजन एक प्रजंत ।। 113(ख) ।।

काल कर्म गुन दोष सुभाऊ । कछु दुख तुम्हहि न ब्यापिहि काऊ ।।
राम रहस्य ललित बिधि नाना । गुप्त प्रगट इतिहास पुराना ।।
बिनु श्रम तुम्ह जानब सब सोऊ । नित नव नेह राम पद होऊ ।।
जो इच्छा करिहहु मन माहीं । हरि प्रसाद कछु दुर्लभ नाहीं ।।

ટૂંકમાં, અનેકો જન્મો સુધી જે મળવું કઠિન હતું તે ગુરુકૃપાથી અને સત્સંગથી કાગભુશંડીજીને સહજે પ્રાપ્ત થયું છે. રામાયણના ઉત્તરકાંડમાં ઉપર દર્શાવેલ દોહા-ચોપાઈ ઉદાહરણ સ્વરૂપ છે તે જ રીતે વાલ્મીકીજી, ધ્રુવ, પ્રહલાદ વગેરે ભક્તોના જીવન ઉપરથી સત્સંગ અને ગુરુકૃપાનું મહત્ત્વ સમજાય આવે છે.

ટૂંકમાં, સત્સંગની ટૂંકી વ્યાખ્યા કરીએ તો, “સત્સંગ એક એવો સૂપડો છે કે જે અશુદ્ધિઓને બહાર કરી સાર તત્વને અંદર રાખે છે.”

“સત્સંગ સહજ રીતે કર્ણ માર્ગથી પ્રવેશતો એક એવો અમિ રસ છે કે જેનાથી અંતર નિર્મળ અને શુદ્ધ બને છે. ષડ્વિકાર આદિ બિમારીઓ મૂર્છિત બને છે અને દરેક પ્રકારની નિર્બળતાઓ દૂર થાય છે.

“સ્થુળ શરીરની રાજ્ય વ્યવસ્થાને દ્વારે સત્સંગ એક એવો દ્વારપાળ છે કે જેને લીધે કુવિચાર, કુસંગ વગેરે દુષ્ટ ચોરોથી રક્ષણ મળે છે.”

“સત્સંગ એક એવી સુરક્ષિત, તીવ્રગામી, સુખદાયી જલપોત છે કે જે પોતાની અંદર બેઠેલા યાત્રાળુઓને સુરક્ષિત ગંતવ્ય સ્થાન પર પહોંચાડી દે છે.”

“સત્સંગ એક એવી મહૌષધિ છે કે જેને સ્પર્શતા જ જન્મોના કામ, ક્રોધ, લોભ, અસત્ય, વ્યભિચારિકતા જેવી અસાધ્ય બિમારીઓ દૂર થતી હોય છે.”

“જેઓની અંદર સત્સંગ રૂપી દ્વારપાળ સદા ચોકી કરતા રહે છે. તેઓની અંદર અવગુણો અને બુરાઈઓ રૂપી ચોરો ઉદ્ભવતા જ દબાઈ જતાં હોય છે.”

સારાંશ એ જ છે કે - વ્યવહારિક જગતની બધી જીમ્મેદારીઓ વહન કરતા-કરતા પણ નિત્ય સત્સંગ સાંભળવો જોઈએ. સંતોનો સંગ કરવો જોઈએ અથવા તો સંત પુરુષોના લખેલા ઉદબોધનો વાંચવા જોઈએ અને તેની સાથે સાથે તે સદબોધોને જીવનમાં યથાશક્તિ ઉતારવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવો જોઈએ.

નિષ્ઠાવાન સાધકો માટે સત્સંગની સાથે સાથે મનન, ચિંત્વન અને નિદિધ્યાસન પણ ખુબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઉત્તમ સાધકોએ હંમેશા સ્વનિરીક્ષણ કરવું જોઈએ. આસન પર બેસીને મનન, ચિંત્વન કરવું જોઈએ. સાધકે સ્વનિરીક્ષણ દરમ્યાન મનન કરવું જોઇએ કે તેનું બાહ્યરૂપ અને અંતરરૂપ શું એક છે ? શું તેનું બાહ્ય વ્યક્તિત્વ આંતરીક “વાસ્તવિક વ્યક્તિત્વથી ભિન્ન છે કે અભિન્ન છે ?’ સાધકે મનન કરવું જોઈએ કે - તેનું સ્થૂળ મન, દ્રષ્ટા મન, સુક્ષ્મ મનમાં રહેલા અવગુણોને-દોષોને ઢાંકી તો નથી રહ્યું ને ? જેમકે સ્થૂળ મનમાં દેખાતી અનુભવાતી પારમાર્થિક ભાવના પાછળ સુક્ષ્મ મનની સ્વાર્થ ભાવના કે અહંસંતોષની ભાવના તો નથી ને ? સ્થૂળ મનમાં દેખાતી સદ્ભાવનાઓ પાછળ પારમાર્થિક ભાવનાઓ પાછળ પોતાનો નિજી સ્વાર્થ કે લોકેષણા તો નથી છિપાઈ રહીને ? આ બધા પ્રશ્નોના જવાબ સાધક પોતે જ પોતાને આપી શકે છે, વ્યક્તિ જેટલી પોતાને જાણી શકે છે. સમજી શકે છે તેટલી કોઈ તેને સમજી શકતું નથી. ઘણા સાધકો પ્રશ્ન કરતા હોય છે કે, "પ્રભુ ! મને ધ્યાન કેમ નથી લાગતું ? ભક્તિમાં મન રંગાયેલું કેમ નથી રહેતું ? સદવિચારો કેમ આવતા નથી ?" તો તેનો ઉત્તર કોઈ પણ બાપુ, મહાત્મા, સંત કરતા તમે પોતે જ પોતાને વધુ સારી રીતે આપી શકશો. માત્ર મંદિરે જવાથી કે માત્ર ધૂન, ધ્યાન, ભજન કરવાથી સંપૂર્ણ આંતર પરિવર્તન થતું નથી. તેના માટે સાધકે સતત સ્વનિરિક્ષણ અને નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરવાનો રહે છે અને તે સ્વનિરિક્ષણ દરમ્યાન નિજ અંતરમાં મળેલા ઉત્તરો અનુસાર પરિવર્તન કરવાનું રહે છે અને ત્યારે જ સાચા સાધક કે સાચા વ્યક્તિનું વાસ્તવિક પરિવર્તન થાય છે.

લક્ષ્ય પ્રાપ્તિના ઈચ્છુક સાધકોએ સ્વનિરીક્ષણ દરમ્યાન મળેલા ઉત્તરોથી (જો તે નિરાશાજનક હોય) નિરાશ થઈ માર્ગેચ્યુત થઈ સાધન છોડવું નહીં કારણ કે વાસ્તવમાં તો આત્મા શુધ્ધ, બુધ્ધ બ્રહ્મનું સ્વરૂપ છે. મન, ચિત્ત, બુદ્ધિ, પ્રકૃતિ, અંતઃકરણ ચતુષ્ટયથી પર એક શુદ્ધ-બુદ્ધ તત્ત્વ છે કે જે નિત્ય શુદ્ધ, નિત્ય શાશ્વત અને નિત્ય પવિત્ર છે. તે આ બધાથી પર પરમ ચૈતન્ય સ્વરૂપ છે અને તેથી જ સાધકે આસન પર બેસી સ્વનિરીક્ષણ પછી મનન, ચિંત્વન કરવું જોઈએ કે જે જાતિ, જે વર્ણ, જે સંપ્રદાય, જે નામ-રૂપ-રંગથી હું ઓળખાઉં છું, તે હું નથી. જે મન-ચિત્ત-બુદ્ધિ અંતઃકરણ ચતુષ્ટયથી હું સુખ-દુ:ખ અનુભવું છું, તે પણ હું નથી. હું તે પરમ ચૈતન્ય છું, જે અણું-અણુંમાં વ્યાપ્ત છે, જે નિત્ય શુદ્ધ, નિત્ય શાશ્વત છે. ભૌતિક જગતના પડદા ઉપર એક પાત્ર સ્વરૂપે અસંગ-અલિપ્ત ભાવે બધું કરૂં છું, કર્તા અને કર્મ પણ મને સ્પર્શતો નથી, જે કંઈ મારી પાસે છે અને મારુ છે, તેવી ભાવના છે, તે પણ ભ્રમ છે. વૈભવ અને સંપત્તિ માત્ર સ્થૂળ સાથે સંકળાયેલી માયા છે અને સ્થૂળ વિસર્જન પછી એ કંઈ સાથે આવતી નથી અને બધું અહીં છોડીને જવાનું છે સાથે તો માત્ર સત્કર્મો, સદવિચારો અને કરેલા પુણ્ય કર્મો જ આવવાના છે. આ રીતે નિત્ય મનન કરવાથી આંતરીક જ્ઞાન દીપક હંમેશા સજીવન રહે છે. મમતા, મોહ, આસક્તિ વગેરે અંદર આવતા જ નથી. સાધક સાચા માર્ગે ચાલતા લક્ષ્ય પ્રાપ્તિ કરી લેતા હોય છે.

દંભ, પાખંડ, પ્રપંચથી દૂર રહી ઈશ્વર અને ગુરુને સમક્ષ રાખી, અયોગ્ય અને અધર્મથી બીતા જે ચાલે છે, તેને જ શાશ્વત સુખ અને શાંતિનો અનુભવ થઈ શકે છે. અંદર કંઈ અને બહાર કંઈ, બોલવું કંઈ અને કરવું કંઈ, તેવા આચારવાળી વ્યક્તિઓને શાંતિ મળતી નથી. જેને જે સ્થાન, જે ખુરશી, જે પદ, જે અધિકાર મળ્યા હોય તેઓએ તે ફરજનું વફાદારી પૂર્વક પાલન કરવું જોઈએ. નીજી લોભમાં અને સ્વાર્થમાં પડી જ્યારે સત્ય અને ન્યાયનો તિરસ્કાર કરવામાં આવે છે ત્યારે વ્યક્તિએ ભયંકર અશાંતિનો અનુભવ કરવાનો રહે છે. પોતાના અધિકારનું, પોતાના પદનું, પોતાની શક્તિનું વ્યક્તિને અહં ન આવે અને કર્તવ્ય પાલનમાં રત રહે ત્યારે જ તેને અધિકાર, શક્તિ કે પદ શોભે છે. ટૂંકમાં, જ્યાં સુધી વ્યક્તિ પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન ન કરે, પોતાના અવગુણો, પોતાના દોષો, કૂટેવો દૂર કરવાની કોશિષ ન કરે ત્યાં સુધી સ્વયંનુ, પરિવારનું કે સમાજનું ભલુ કરી શકે નહિ. બાકી તો સદગુરુ પરમાત્મા પરમ કૃપાળુ છે પરમ દયાળુ છે. વ્યક્તિએ પોતાની નબળાઈઓ પોતાની બુરાઈઓ, સમજાતી હોય ત્યાં સુધી યથાશક્તિ દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ બાકી શેષ બુરાઈઓ, અવગુણો અનેકો સ્વરૂપે, અનેકો પ્રકારે સદગુરુ પરમાત્મા સ્વયં દૂર કરતા હોય છે અને તેથી જ દરેક વ્યક્તિએ પોતાના ઈષ્ટને તેમજ પોતાના શ્રીગુરુને સમક્ષ રાખી નિત્ય પ્રાર્થના કરવી જોઈએ કે,

“હે પ્રભુ ! મને નિર્મળ, નિખાલસ, ત્યાગી, સેવાભાવી બનાવો. હે પ્રભુ ! મારી અંદરના દોષોને દૂર કરી મને ક્ષણિક ભૌતિક સુખોમાંથી પર કરી પરમ તેજ, પરમ તત્વ પરમ લક્ષ્ય તરફ પ્રયાણ કરાવો.” આ પ્રકારે વિનમ્રતા પૂર્વક શ્રી ગુરુચરણોમાં પ્રાર્થના કરવાથી સદશિષ્યનું શેષ કાર્ય સદગુરુ સ્વયં સંભાળી લેતા હોય છે. સાધકના મનની અશુદ્ધિઓને અનેક સુક્ષ્મ સ્વરૂપો ધારણ કરી, અનેકો પ્રકારે અનુભૂતિઓ કરાવી બને તેટલી સરળતાથી લક્ષ્ય તરફ લઈ જતા હોય છે. આ બધુ હોવા છતાં લક્ષ્ય પ્રાપ્તિનો પ્રયાસ તો સાધકે પોતે જ કરવાનો રહે છે. એક એવી માન્યતા છે કે “સદગુરુની પ્રાપ્તિ થઈ ગઈ; હવે તો આપણે કંઈ કરવાનું રહેતું નથી. આપણો તો બેડો પાર થઈ ગયો.” પણ વાસ્તવમાં જ્યારથી સિદ્ધ સમર્થ બ્રહ્મનિષ્ઠ સદગુરુની પ્રાપ્તિ થાય છે ત્યારથીજ યાત્રાનો વાસ્તવિક પ્રારંભ થાય છે અને તે દિવસથી જ પરિવર્તનની, સાચી દિશાની શરુઆત થાય છે એટલે - જે શકિતઓ અનેકો ઈત્તર યોગ્ય-અયોગ્ય જગ્યાએ ગોઠવાયેલી હોય છે, તેને એકત્રિત કરી પુરી નિષ્ઠા સાથે શાશ્વત લક્ષ્ય તરફ લગાડવાની રહે છે અને પછી જ સદગુરુની પરમ કલ્યાણકારી શક્તિ, સદગુરુની દિવ્ય ચેતના, સાધકની અંદર પ્રવાહીત થઈ તેને લક્ષ્ય તરફ લઈ જવામાં સંપૂર્ણ પણે મદદરૂપ બની શકે છે.“ સદગુરુ મળી ગયા, પરમ કલ્યાણ થઈ ગયું, હવે કંઈ કરવાનું રહેતું નથી” આ ખ્યાલ મિથ્યા છે કારણ કે આ સૃષ્ટિ કર્મની માળામાં ગુંથાઈને ચાલી રહી છે. સંચિત, ક્રિયમાણ, પ્રારબ્ધ કર્મથી લિપાયમાન જીવ પોતાના જ કરેલા શુભ-અશુભ કર્મોથી, સુખ અને દુ:ખના આસ્વાદનમાં ગમી અને અણગમીનો અનુભવ કરી પોતાના પૂર્વોપાર્જિત કર્મોના દુઃખનું કારણ અન્યને માની, રાગ-દ્વેષથી લિપ્ત બની, ભવાટવીના ચક્કરમાં ભટક્યા કરતા હોય છે. ક્યારેક-ક્યારેક તો પોતાના કરેલા કર્મોથી ઉપસ્થિત દુ:ખને ભગવાન કે ગુરુ પર ઓઢાડી શ્રદ્ધાચ્યુત થઈ માર્ગચ્યુત થઇ સાધન છોડી દેતા હોય છે. “ભગવાન મારું કંઈ સાંભળતો નથી, ગુરુ કંઈ કરતા નથી, ભક્તિમાં કંઈ આવી પરીક્ષા હોય ? મારું કોઈ સાંભળતું નથી. રસ્તો કોઈ કાઢતું નથી”, આ પ્રકારના અનેકો દોષો ભગવાન કે સદગુરુ પર ઓઢાડી પોતે પોતાને અતિ સ્વચ્છ અને નિર્મળ માની બેસતા હોય છે. જ્યારે વાસ્તવમાં પોતાના જ કરેલા કર્મો સાધકની સમક્ષ સુખ-દુ:ખ, લાભ-હાની સ્વરૂપે ઉપસ્થિત થતાં હોય છે. ચાહે તે આ જન્મના હોય કે પૂર્વ જન્મોના, કમાણી તો તેઓની પોતાની જ હોય છે. તે છ્તાં પરમ કૃપાળુ પરમેશ્વર, પરમ કલ્યાણકારી સંતો સાધકના બાલભાવને, બાલક્રોધને, પ્રેમ માની તેને પ્રેમથી વધાવી તેના અજ્ઞાનનું નિવારણ કરી શુદ્ધ બોધનું ઉદબોધન કરી સાધકને લક્ષ્ય તરફ લઈ જતા હોય છે.

ગુરુકૃપા, સ્વપ્રયાસ, સંતસંગતિ અને આત્મનિરીક્ષણ રુપી ચાવી દ્વારા મન-ચિત્ત-બુદ્ધિ અને અંતઃકરણ ચતુષ્ટય પર જન્મ જન્માંતરથી લાગેલા અજ્ઞાનરૂપી તાળાઓ ખૂલવા લાગે છે, ગ્રંથીઓ છુટવા લાગે છે. વ્યક્તિ પરમ તેજ, પરમ સુખ તથા પરમ શાંતિનો અનુભવ કરી પોતાનું, પરીવારનું, તેમજ સમાજનું કલ્યાણ કરી મનુષ્ય જીવનને સાર્થક કરવામાં સફ્ળ બને છે.

(તા. 13-12-1979 ના ૫.પૂ. પુનિતબાપુશ્રીની પાવનકારી ઉપસ્થિતિમાં સ્થાપાયેલ “શ્રી સદગુરુ સાધના કેન્દ્ર-ભાવનગર" ની દશાબ્દિ વર્ષ પ્રસંગે પ્રકાશિત સ્મરણિકામાંથી સાભાર)


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥



દરેક વ્યક્તિએ પોતાના ઈષ્ટને તેમજ પોતાના શ્રીગુરુને સમક્ષ રાખી નિત્ય પ્રાર્થના કરવી જોઈએ કે, “હે પ્રભુ ! મને નિર્મળ, નિખાલસ, ત્યાગી, સેવાભાવી બનાવો. હે પ્રભુ ! મારી અંદરના દોષોને દૂર કરી મને ક્ષણિક ભૌતિક સુખોમાંથી પર કરી પરમ તેજ, પરમ તત્વ પરમ લક્ષ્ય તરફ પ્રયાણ કરાવો.” આ પ્રકારે વિનમ્રતા પૂર્વક શ્રી ગુરુચરણોમાં પ્રાર્થના કરવાથી સદશિષ્યનું શેષ કાર્ય સદગુરુ સ્વયં સંભાળી લેતા હોય છે.

~(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ)



Satsang Mahima