Skip to main content

श्री कृष्णः (दत्तः) शरणं ममः । (7)

વીર અભિમન્યુ

પ્રભુ કોઈના દુશ્મન નહી. પ્રભુ સૌને પ્રેમ કરે, મારીને પણ મુક્તિ આપે, પણ પ્રભુના દુશ્મન ઘણા કારણ કે - અધર્મી માટે તો પ્રભુ કાળ બનીને આવ્યા હોય છે. શ્રીકૃષ્ણને કંસ, જરાસંધ, શિશુપાલ વગેરે દુશ્મન માનતા. ઘણા રાક્ષસો પ્રભુને હંફાવવા તનતોડ પ્રયત્ન કરતા પણ બધા પ્રયત્નો નિષ્ફળ.

એક મહાબળવાન અહિલોચન નામના રાક્ષસે જાહેરાત કરી કે - શ્રીકૃષ્ણ સાથે યુધ્ધ કરી, લાકડાની લાંબી પેટીમાં કેદ કરી, પછી આપ સૌ રાક્ષસ મિત્રો પાસે આવીશ. આમ બોલી તે મહાઘમંડી રાક્ષસ શ્રીકૃષ્ણને કેદ કરવા ઉપડ્યો. પ્રભુ તો અંતર્યામી છે. રસ્તામાં બ્રાહ્મણ વેશે પેલા રાક્ષસને મળે છે અને લાંબી પેટી લઈ જવાનું પ્રયોજન પૂછે છે. રાક્ષસ તો માંડીને વાત કરે છે. શ્રીકૃષ્ણ મનોમન હસે છે. રાક્ષસને કહે છે કે “હું શ્રીકૃષ્ણના પરિચયમાં ખરો. મને લાગે છે કે આ પેટી થોડી નાની પડે ખરી. શ્રીકૃષ્ણ અને તારી ઉંચાઈ લગભગ એક સરખી. તું લાકડાની પેટીમાં સૂઈને પેટીનું માપ કાઢી જો. જો પેટી નાની પડે તો તારી બધીજ મહેનત ફોગટ જશે.” રાક્ષસના ભેજામાં વાત ઉતરી ગઈ. તરતજ પેટી ખોલી તેમાં આડો સૂતો અને બ્રાહ્મણ રૂપે આવેલ શ્રીકૃષ્ણે તે પેટીને બહારથી બંધ કરી દીધી અને પહોંચ્યા વ્હાલી બેન સુભદ્રાને ઘેર. પ્રિય અર્જુન હાજર ન હતો. પ્રભુની લીલા વધવા લાગી. બેનને કહે છે કે, “તારા માટે એક સરસ વસ્તુ આ પેટીમાં છે, તે હું ન કહું ત્યાં સુધી ખોલીશ નહીં અને તારા પતિ અર્જુન કે અન્ય કોઈને વાત પણ ન કરીશ.” માનવ સહજ સ્વભાવ છે કે ‘ના’ અને ‘ગુપ્ત’ બાબતમાં કંઈક વિશેષ ઈંતજારી હોય છે. બે-ચાર દિવસ માંડ-માંડ મન રોકયું પણ સતત પેટી અને સરસ વસ્તુના વિચાર આવે તેથી એક દિવસ કોઈ ન જુએ તે રીતે પેટી ખોલી તો તેમાંથી એક ભમરો નીકળ્યો અને મોં વાટે સુભદ્રાના ઉદરમાં દાખલ થઈ ગયો. પ્રભુ તો અંર્તયામી અને લીલા પુરુષોત્તમ છે. સુભદ્રા પાસેથી પેટી પાછી માંગે છે ત્યારે રડતા-રડતા શ્રીકૃષ્ણને બધીજ વાત કરે છે, શ્રીકૃષ્ણ કહે છે કે, “હવે પુત્ર રૂપે અવતરશે. એ મારો ભાણેજ, ભવિષ્યમાં ધણું મહત્વનું કાર્ય પાંડવ પક્ષે કરશે.”

જગજાહેર ઘટના છે કે - ગર્ભકાળ દરમ્યાન ચક્રવ્યુહના છ કોઠા શીખનાર અભિમન્યુ એ અર્જુન-સુભદ્રાનું સંતાન બને છે. વીર અભિમન્યુના પરાક્રમ અને હોંશિયારી બાબતે શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ.

અર્જુનની ગેરહાજરીમાં કૌરવો સાત કોઠાનો ચક્રવ્યુહનો ખેલ રચે છે. કાકા ભીમની સહાયથી અને પોતાની જોરદાર શસ્ત્ર વિધાથી અભિમન્યુ કૌરવ સેનાનો સફાયો કરે છે. મુંછનો દોરો ફુટયો નથી એવા અભિમન્યુની જોરદાર ટક્કરથી કૌરવ પક્ષે સન્નાટો છવાઈ જાય છે. કુંતીમાતાની પ્રેમથી બાંધેલી આશીર્વાદની રાખડી તેનું સતત રક્ષણ કરે છે. શ્રીકૃષ્ણ ઉંદર બની ધાયલ અભિમન્યુના કાંડે બંધાયેલી રાખડી તોડે છે અને અભિમન્યુ મૃત્યુ પામે છે. અર્જુન પુત્રવિયોગમાં તડપે છે. પુત્રની આસક્તિમાં અર્જુન પ્રભુને અભિમન્યુની મૃત્યુ બાદની ગતિ વિશે પૂછે છે ત્યારે પ્રભુ અર્જુનને અભિમન્યુના જીવ પાસે લઈ જાય છે ત્યારે અર્જુન મોહમાં, “પુત્ર, પુત્ર, ઓ પુત્ર” નો પોકાર કરે છે ત્યારે પોપટ રૂપે રહેલો અભિમન્યુ કહે છે કે, “કોણ પુત્ર અને કોણ પિતા ? ઋણાનુબંધથી ભેગા થયા, હવે છુટા પડ્યા....” અર્જુનનો મોહભંગ થાય છે. શ્રીકૃષ્ણને વંદન કરે છે.

પ્રશ્ન એ જાગે છે કે સોળે કળાએ અવતરેલા શ્રી કૃષ્ણને કોની સાથે સરખાવવા ? સમગ્ર બ્રહ્માંડમાં શ્રીકૃષ્ણની તોલે કોઈ ન આવે. શ્રીકૃષ્ણ એ શ્રીકૃષ્ણ જેવા. વાંચકોને બીજો પ્રશ્ન એ થાય કે - મહામંત્ર "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" ના સાત પદ તેથી સાત કથા ખરી પણ બધીજ કથાનું કેન્દ્રબિદું અન્ય પાંડવ કરતા માત્ર અર્જુન શા માટે ? જવાબ તો છે તે પહેલા એટલું પૂર્ણાહુતીમાં લખાય કે.

આજ પણ શ્રીકૃષ્ણ અર્જુન જેવા શિષ્યને શોધે છે.

કારણ ??? શ્રીકૃષ્ણ અને અર્જુન મનથી તો સદા સાથે, શરીરથી કયારેક અલગ તો કયારેક સાથે, શ્રીકૃષ્ણ અર્જુનના ઉતારે જાય છે. અર્જુન પોઢયા હતા. શ્રીકૃષ્ણ તેના ખુલ્લા વાળને પોતાના કાને લગાડી કંઈક સાંભળે છે. અષ્ટ પટરાણી-પાંડવ પત્નિ-ચાર પાંડવો-અનુચરો વગેરે વગેરે બધા જ આ જોઈ અચંબામાં પડી ગયા. પ્રભુ સૌને આ પ્રમાણે કરવાનું કહે છે. ઉપસ્થિત અર્જુનના વાળ કાને લગાડે છે તો તેમાંથી શ્રીકૃષ્ણ... શ્રીકૃષ્ણ... શ્રીકૃષ્ણનું રટણ થઇ રહ્યું છે ... જે સદગુરુ માટે જીવે અને સદગુરુ માટે મરે તે સત્ શિષ્ય.


॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥

~ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



Krishna Abhimanyu Subhadra Arjun Guru Shishya Alauchan Demon Mahabharat Pandav Shishy