અનસૂયામાતા પાસે ‘દિગંબર’ સ્વરૂપે ભિક્ષાની માંગણીનું રહસ્ય
સકલ સૃષ્ટિના સર્વ ધર્મગુરુઓમાં પૂજનીય પદવી સદગુરુની છે. વર્તમાન કલ્પ (૧ કલ્પ=૪ અબજ ૩૨ કરોડ વર્ષ) માં આ પદવી પર સદગુરુ દત્તાત્રેય શોભાયમાન છે. ભગવાન દત્તાત્રેયની જીવનલીલાઓ બહુ જ વિલક્ષણ હોય છે, માનવ બુદ્ધિ માટે તો અગમ્ય હોય છે, કેવળ શરણાગત ભાવથી જ થોડું સમજી શકાય છે અથવા તેઓશ્રી જેટલું બતાવવા માંગે તેટલું જાણી શકાય છે.
सोई जानै जेहि देहु जनाइ, जानत तुम्हहि तुम्हहि होई जाई ॥
(રામચરિત માનસ-અયોધ્યાકાંડ)
શ્રી દત્ત અવતારનું રહસ્ય ગૂઢ છે. આશ્રમમાં આવેલ એક વિદેશીએ પ્રશ્ન પૂછ્યો કે - અનસૂયામાતા પાસે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ભિક્ષુ રૂપે આવી દિગંબર બનીને ભિક્ષા આપો તેવી માંગણી કેમ કરી ? કોઈ પરપુરુષ પણ પરસ્ત્રી પાસે આવી માંગણી ન કરે જ્યારે અહીં તો સૃષ્ટિ કર્તા - પાલન કર્તા - સંહાર કર્તા ખુદ પરમાત્મા જ આવી વિચિત્ર માંગણી કરે તેનું રહસ્ય શું ?
શાસ્ત્રોમાં સમાધિ ભાષા હોય છે. ત્રણેય દેવો ‘દિગંબર’ સ્વરૂપે ભિક્ષાની માંગણી કરે છે. ઘણાં ‘દિગંબર' નો અર્થ ‘ નગ્ન’ કરે છે તે અયોગ્ય છે. "દિગંબર" એટલે દિશાઓ જેનું વસ્ત્ર છે તે. અર્થાત્ , વ્યાપક સ્વરૂપ. ત્રણેય દેવો અનસૂયા માઁની પરીક્ષા લેવા આવેલા. ત્રણેય દેવો જાણતા હતા કે - અનસૂયા માઁ બ્રહ્મવાદિની છે, તેથી જગતને બોધ આપવા માટે આ રીતની માંગણી કરે છે. અનસૂયા માઁ પોતાનું સ્વરૂપ એટલું વિરાટ બનાવી દે છે કે ત્રણેય દેવો તેમની સમક્ષ નાના બાળક સમાન લાગે છે.
યોગ શાસ્ત્ર મુજબ સાધક સાધના પથ પર યાત્રા કરતો હોય છે ત્યારે કુંડલિની શક્તિ વિવિધ ચક્રોમાંથી પસાર થઈ આજ્ઞા ચક્ર થઈને છેવટે સહસ્ત્રાધારમાં સમાઈ જતી હોય છે. આજ્ઞા ચક્રને ઘણા કાશી-વારાણસી કે ગુરુ પાદુકા સ્થાન, અવધ કહે છે. ગુરુકૃપાથી કુંડલિની શક્તિ આજ્ઞા ચક્ર સુધી પહોંચે તેને સાક્ષાત્કાર તો થઈ જાય છે પણ સાક્ષાત્કાર કરાવનાર કોણ ? તેનો જવાબ છે કે - સહસ્ત્રાધારમાં રહેતા સદગુરુ. સદગુરુની કૃપાથી સાક્ષાત્કાર થાય છે પણ હજી તેની યાત્રા બાકી છે. હિરણ્યગર્ભ, મહામાયા ચક્ર વગેરે ચક્રોમાંથી પસાર થયા બાદ સહસ્ત્રાધાર આવે છે. બીજી રીતે એમ કહેવાય કે - નિરંજન નિરાકાર પરબ્રહ્મ પરમાત્માને સાકાર રૂપ લઈ પૃથ્વી પર પધારવું પડે ત્યારે મહામાયા વગેરેનો આશરો લેવો પડતો હોય છે. ટુંકમાં, નિરાકાર સાકાર રૂપ ધારણ કરે છે તે દર્શાવવા માટે જ આ કથા રૂપક રીતે રજુ થયેલ છે.
"શાસ્ત્રોમાં સમાધિ ભાષા હોય છે. ત્રણેય દેવો ‘દિગંબર’ સ્વરૂપે ભિક્ષાની માંગણી કરે છે. ઘણાં ‘દિગંબર' નો અર્થ ‘નગ્ન’ કરે છે તે અયોગ્ય છે. "દિગંબર" એટલે દિશાઓ જેનું વસ્ત્ર છે તે. અર્થાત્ , વ્યાપક સ્વરૂપ. નિરંજન નિરાકાર પરબ્રહ્મ પરમાત્માને સાકાર રૂપ લઈ પૃથ્વી પર પધારવું પડે ત્યારે મહામાયા વગેરેનો આશરો લેવો પડતો હોય છે. ટુંકમાં, નિરાકાર સાકાર રૂપ ધારણ કરે છે તે દર્શાવવા માટે જ આ કથા રૂપક રીતે રજુ થયેલ છે." ~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ
Mata Ansuya Digambar Diksha Rahasya Sarkar Nirakar MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace