Skip to main content

श्री कृष्णः (दत्तः) शरणं ममः । (1)

भीष्मद्रोणतटा जयद्रथजला गांधारनीलोपला,
शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला
अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी,
सोत्तीर्णा खलु पाण्डवै रणनदी कैवर्तकः केशवः ॥ ६ ॥

ભીષ્મ અને દ્રોણ રુપી કિનારોઓવાળી, જયદ્રથ રુપી જળવાળી. શકુનિ રુપી કાળા પથ્થરવાળી, શલ્ય રુપી ઝૂડવાળી, કૃપાચાર્ય રુપી પ્રવાહવાળી, કર્ણ રુપી મોજાંવાળી, અશ્વત્થામા અને વિકર્ણ રુપી ભયાનક મગરમચ્છવાળી અને દુર્યોધન રુપી ભમરીવાળી તે યુધ્ધ રુપી નદીને પાંડવો તરી ગયા તેનું કારણ શ્રીકૃષ્ણ સુકાની હતા. (શ્રીકૃષ્ણ પરમાત્માનું ધ્યાન અને વંદન-૬)

મહાભારતનાં યુધ્ધમાં અધર્મીઓનો મહાવિનાશ થયો. માત્ર અઢાર દિવસના ટુંકા ગાળામાં એક સ્થાને અનેકોનો વિનાશ તે "न भूतो न भविष्यति" જેવી ઘટના ગણાય કારણ કે આજકાલ યુધ્ધ થાય છે પણ યુધ્ધના નિયમોનું (રાત્રે યુધ્ધ ન કરવું, નિર્દોષ-નિરાધાર-શસ્ત્રવિહિન પર પ્રહાર ન કરવો વગેરે) સંપૂર્ણતઃ પાલન થતું નથી.

પાંડવ પક્ષે સાત અક્ષૌહિણી સેના જયારે કૌરવ પક્ષે અગ્યાર અક્ષૌહિણી સેના. કુલ અઢાર અક્ષૌહિણી સેનાનો માત્ર અઢાર દિવસમાં સફાયો, માત્ર સાત વિભૂતિ બચી - શ્રીકૃષ્ણ, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકૂળ, સહદેવ અને સાત્યકિ. -

એક અક્ષૌહિણી સેના એટલે ૨૧,૮૭૦ હાથીઓ, ૨૧,૮૭૦ રથો, ૬૫,૬૧૦ ઘોડા, ૧૦,૯૩૫૦ પદાતિઓ. શ્રીકૃષ્ણની કૃપાથી અને અકળ કળાથી બચનારની થોડી શાસ્ત્રોક્ત ઘટના....

(૧)

મહાભારતના યુધ્ધ પહેલા દુર્યોધનની ઘણી વખત હાર થઈ છે તેની ખુદ દુર્યોધનને પણ ખબર નથી. શ્રીકૃષ્ણનું બુધ્ધિચાતુર્ય માત્ર તેઓશ્રી જાણે અથવા નજીકના ભક્તવર્તુળ...

પાંડવોએ યજ્ઞ કર્યો. દુર દુરથી લોકો આવે - અતિ પ્રસન્ન થાય - વખાણ કરે. દુર્યોધનથી આ બનનારી ઘટના સ્વપ્ને પણ સહન ન થાય. પાંડવો તો પ્રભુને પૂછી-પૂછી પગલું ભરે અને પ્રભુ જે કંઈ કરે-કરાવે તે બધું જ માન્ય. જરાય વિરોધ ન કરે.

યજ્ઞની પૂર્વ તૈયારી થઈ રહી છે. શ્રીકૃષ્ણે દુર્યોધનને કહેણ મોકલ્યું કે, “પાંડવના યજ્ઞમાં હાજરી આપવાની અને દાન-દક્ષિણા વિભાગ તમારા હસ્તે થશે. પાંડવોની તિજોરી તમારા ખાતે.” દુર્યોધન તો આ ઘડીની રાહ જ જોતો હતો. દુર્યોધને વિચાર્યું કે - કયારે યજ્ઞ આવે. પાંડવોની તિજોરીમાં તો અઢળક સંપત્તિ છે. છૂટા હાથે દાન કરીશ. થોડા સમયમાં તિજોરી ખાલી કરી નાખીશ. પાંડવોની ફજેતી અને ઠેર ઠેર દાનવીર તરીકે મારા વખાણ થશે. દુર્યોધને ખાનગી રીતે અસંખ્ય બાહ્મણો-યાચકો આ ભવ્ય યજ્ઞ પ્રસંગે આવે તે માટે પ્રચાર કર્યો. ધારણા કરતા અસંખ્ય લોકો આવ્યા. પાંડવો તો ખુશ. દુર્યોધન તેનાથી વધારે ખુશ અને પ્રભુ તો સદાય સૌથી વધારે ખુશ. એક તરફ યજ્ઞ શરુ છે. બીજી તરફ તિજોરી પાસે દુર્યોધન બેઠો છે. બ્રાહ્મણો-યાચકોની લાંબી કતાર છે. પ્રભુ કયારેક અહીં તો કયારેક ત્યાં. ખુદ પાંડવોની નજર દુર્યોધન પર પડી ત્યારે તેમને “ઝટકો” લાગ્યો. પ્રભુએ છેલ્લે સુધી ગુપ્ત રાખેલ. પાંચે પાંડવોની દસ આંખ શ્રીકૃષ્ણને શોધી રહી છે. શ્રીકૃષ્ણની હજારો આંખો પોતાની લીલાના દર્શન કરી રહી છે.

આ તરફ દાનની સરવાણી શરુ, પેલી તરફ પાંડવોના મનમાં “તિજોરી ખાલી થશે અને ફજેતી ભરાશે” તેવો ભય સતત... પણ આ શું ? દુર્યોધન મુઠ્ઠીએ નહીં પણ ખોબે ખોબે સુવર્ણદાન કરે છે, પણ તિજોરી ખાલી થતી જ નથી. મંત્રો-શ્લોકોના ધ્વનિ સાથે ઠેર ઠેર “જય હો...જય હો” ના નાદ સંભળાય છે. પાંડવોની મનોસ્થિતિ જોઈ શ્રીકૃષ્ણ પાંડવો પાસે આવે છે. પાંડવો પોતાની મુંઝવણ જણાવે છે કે, “પ્રભુ, દુર્યોધન અમારો મોટો દુશ્મન... અમારી ફજેતી થાય તે માટે બારેય મહિના ચોવીસ કલાક નિત નવી કુટનીતિ રમે છે. તે જે રીતે દાન આપે છે તે રીતે તો કલાકોમાં નહીં પણ થોડી મિનિટોમાં તિજોરી ખાલી થઈ જશે. તમને તો ખબર છે કે - અર્જુન પાસે અનેકવિધ અસ્ત્ર-શસ્ત્ર છે જે તેણે ઘણી સાધના અને ઘણા વિજય પછી પ્રાપ્ત કર્યા છે. અર્જુને ઘણા રાજા-મહારાજાને પરાજય આપી અપાર શાસન વધાર્યુ છે અને અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી છે. જાનના જોખમે મેળવેલી આ સંપત્તિ તો દુર્યોધન પાણીની જેમ ઉડાડી રહ્યો છે. પ્રભુ, છતાં તિજોરી ખાલી થતી નથી તેનું રહસ્ય શું ? આપ સદા અમારું હિત જ કરો છો પણ આ હિતકારી કાર્ય અમારી બુધ્ધિમાં ઉતરતું નથી, કૃપા કરી સ્પસ્ટીકરણ કરો.”

પ્રભુ તો પ્યારા અર્જુનના ખભે હાથ રાખી પાંડવોને કહે છે કે, “મને બધી જ ખબર છે. દુર્યોધનને તો જરાય ખબર નથી. દુર્યોધનના હાથમાં એવી રેખા છે કે તે જે આપે તેનાથી બમણું તિજોરીમાં જમા થાય, પણ તે કયારેય દાન કરતો નથી. તમારા પ્રત્યે પૂર્ણ દ્વેષભાવ છે તેથી આ તરફ છુટ્ટા હાથે તમારી સંપત્તિ વેરી રહ્યો છે. પેલી તરફ બમણી સંપત્તિ તિજોરીમાં જમા થઈ રહી છે ! જેમ વધારે આપશે તેમ વધારે જમા થશે. તેણે ચાલાકીથી અસંખ્ય લોકોને કતારમાં ઉભા રાખ્યા છે જે તમારા ફાયદામાં જ છે. હું અને તમે કોઈ તેને હવે ના ન પાડતા, તે થાકીને જયારે બંધ કરે ત્યાં સુધી રાહ જુઓ. ફાયદો જ ફાયદો છે.”


॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥

~ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



Krishna Janmashtmi Pandav Kaurav Donation Daan Duryodhan Dattatrey Punitachariji Maiyashree ShailajaDevi Spontaneous Meditation