Skip to main content

પ્રભુનો અવતાર

પ્રભુનો અવતાર ક્યાં અને ક્યારે થશે તે શાસ્ત્રોની ગૂઢવાણીમાં દર્શાવેલ હોવાથી કોઈ જલ્દી સમજી અને સ્વીકારી ન શકે પણ એક વાત તો નિશ્ચિત છે કે - પ્રભુ જ્યારે સૃષ્ટિ સંહારનું કાર્ય શરૂ કરશે ત્યારે સૌ પ્રથમ તો સદગુરુના આશીર્વાદ લેશે. આજે સર્વત્ર ધન-સત્તા-અનીતિ-અસત્યની બોલબાલા છે એટલે કે માનવતાનાં ઉચ્ચ મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે ત્યારે ભક્તોની રક્ષા કરવા પરમાત્માને આવવાની ઉતાવળ હશે. રામાયણમાં ઉલ્લેખ છે કે - રાવણ પોતાની પત્ની મંદોદરીનું સ્થાન આપવા સીતાજીનું હરણ કરે છે અને અશોક વનમાં કેદ કરે છે. સીતાજી સહમત થતાં નથી. રાવણ બળજબરીથી પોતાની ઈચ્છા પૂરી કરતો નથી. અરે ! સીતાજીને સ્પર્શ સુધ્ધાં કરતો નથી. જ્યારે આજનો માનવી તો રાવણથી પણ નિમ્ન વિચાર ધરાવે છે. રાવણ પાસે સોનાની લંકા તથા પ્રચંડ સત્તા અને શક્તિ હતી છતાં મર્યાદામાં જીવતો હતો જ્યારે આજનો માનવી તો પૈસાને જ પરમેશ્વર સમજે છે. હોંશે હોંશે ગાય છે કે -

टका धर्मः टका कर्मः टकैव परमं सुखम् ।
यस्य पाश्वे टका नास्ति हाटके टकटकायते ।।

અર્થાત "ધન જ ધર્મ છે, ધન જ કર્મ છે. ધનમાં જ પરમ સુખ છે જેની પાસે ધન નથી તે હાય ધન ! હાય ધન ! એવો ટકટકારો કરતો રહે છે." જે લોકો ધનને જ મહત્વ આપે છે તે મહા નાદાન છે. દયા, નીતિ, નિયમ અને માનવતાને ક્યારેય પણ ગુમાવવા જોઈએ નહિ. કંસ અને રાવણ વિવિધ રૂપો ધારણ કરી શકતા. આકાશગમન પણ કરતા છતાં પણ સત્તા-સંપત્તિના પ્રભાવથી એક સેકન્ડ માટે પણ યમરાજને રોકી શક્યા નહીં જ્યારે તન-મન-ધનમાં બધી જ રીતે પછડાયેલ આજનો માનવી “અમરત્વ”નાં સપનાં સેવે છે. ઉપલી સરકારે વસ્તી નિયંત્રણ માટે બેલેન્સનું કામ તો શરૂ કરી દીધું છે પણ હવે પૂરજોશમાં કરશે. નવસર્જન પહેલાંની જરૂરી પ્રક્રિયા અવશ્ય થશે. હાલ કલિયુગ અને સતયુગનો સંધિ સમય ચાલી રહ્યો છે. સતયુગમાં આકાશમાંથી કોઇ નવા માનવી ટપકી પડવાના નથી. હાલમાં જે સાચા-સારા માનવો છે તે કોઈ પણ જાતની આફ્તમાં પણ બચી જશે. જે સુધરવા માટે પ્રયત્નશીલ છે તે સમર્થ મહાપુરુષ, સિધ્ધ મહામંત્ર વગેરેના સતત સંપર્કથી માણસમાંથી “માનવ” બનતા રહેશે અને તે નૂતન યુગનો લ્હાવો લુંટશે. વિશ્વ કલ્યાણકારી વરદાની સિધ્ધ મહામંત્ર “હરિ ૐ તત્સત્ ગુરુદત્ત” થી સહજ ધ્યાનનો અનુભવ થાય છે, એનો અર્થ એ છે કે - ધ્યાનના માર્ગથી જ સતયુગ આવશે. ધ્યાનથી જ અંદરના દોષો-અવગુણોની સફાઈ થાય છે. કલિયુગ કીર્તન પ્રધાન છે જ્યારે સતયુગ ધ્યાનપ્રધાન છે. આ ગેબી મહામંત્રની ધૂન કરી બેસવાથી સહજ ધ્યાનમાં પ્રવેશ થાય છે. સહજ ધ્યાન અતિ દુર્લભ છે પણ સદગુરુની અહૈતુકી કૃપાને લીધે મહામંત્રથી સુલભ બન્યો છે, બીજા અર્થમાં એમ કહી શકાય કે શબ્દ રૂપે પરમાત્માનું અવતરણ તો થઈ ગયું છે. અક્ષર સ્વરૂપે પધારેલ પરબ્રહ્મ પરમાત્માની જે ઉપાસના કરશે તેને સાકાર સ્વરૂપે પરમાત્માનાં દર્શન થઈ શકશે. એક વાત નોંધનીય છે કે - પરમાત્મા કે ઉચ્ચ કક્ષાના સિધ્ધો-સંતો સામાન્યતઃ ગૃહસ્થીને ત્યાં જ પ્રગટયા છે. ચારેય આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે કારણ કે અન્ય ત્રણ આશ્રમો તેને આધારે જ ટકી રહ્યા છે.

પ્રભુના ફરિસ્તા અત્યારે પણ ઉચ્ચકક્ષાના ગૃહસ્થીને ત્યાં જ આવતા તત્પર છે પણ આજે વિશેષત: સૌ સંસારી છે. અત્રિ-અનસૂયા, વશિષ્ટ-અરૂંધતી, જમદગ્નિ-રેણુકા જેવો પવિત્ર ગૃહસ્થાશ્રમ ભાગ્યે જ જોવા મળે છે. તમે તમારો ગૃહસ્થાશ્રમ ઉજ્જડને બદલે ઉજ્જવળ બનાવો. નિયમ-સંયમથી રહો. ક્ષણે ક્ષણ શક્તિનો અવતાર થઈ રહ્યો છે. શક્તિનું અવતરણ એ જ અવતાર છે. શક્તિ જગતમાં ભરપૂર છે પણ સાધક પોતાની સાધના, ઉપાસના, ભક્તિ અને શ્રધ્ધા પ્રમાણે ગ્રહણ કરે છે અને જેટલી તૈયારી અને અપેક્ષા હોય તેટલી શક્તિ તે વ્યક્તિમાં અવતરે છે. આ જગતમાં માનવીના સ્વરૂપમાં બધા છે છતાં કોક મહાન લાગે છે એજ રીતે પરમાત્મા કોઈ પણ સ્થૂળ શરીરધારી મુક્તિની અણી પર પહોંચેલા આત્માને સ્વીકારી તેઓમાં પોતાની શક્તિનું અવતરણ કરાવી વિવિધ સ્વરૂપોમાં બતાવી પોતાનું કામ કરી લે છે. અણું અણુંમાં વ્યાપ્ત ચૈતન્ય બ્રહ્મ ક્યારેય પણ સ્થૂળ પિંડ લઈ કોઈકના ઉદરમાં આવતા નથી. બાકી તો આકાશ તત્ત્વ અખંડ વ્યાપ્ત છે પણ સૃષ્ટિની વ્યવસ્થામાં કાંઈ કરવું હોય ત્યારે અનેકો જન્મથી સાધના કરતા જે આત્મા છેલ્લો જન્મ લઈ મુક્તિને કાંઠે પહોંચેલા હોય છે, તેઓને પોતાનું સ્વરૂપ આપી પોતાનું કામ કરાવી ઈશ્વર તે આત્માને આ જગત વચ્ચે "અવતારી" ને નામે ઓળખાવી દે છે.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



"આજનો માનવી દાનવો સાથે પણ સરખાવી શકાય તેવો રહ્યો નથી. આ પૃથ્વી માનવીને કારણે નહિ પણ સિધ્ધો, સંતો, ભક્તોને કારણે ટકી રહી છે. ચેતી જાવ... નહિંતર મહાતાંડવ આવી રહ્યું છે. ભગવાનને ભજી લ્યો, સમય ઘણો ઓછો છે."

~(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ)



Satyug Kaliyug Sadguru MahaMantra Dattatrey Punitachariji Maiyashree ShailajaDevi Spontaneous Meditation