Skip to main content

ગૃહસ્થ જન્મમાં નામ સ્મરણ

તમે લોકો સંતને શોધો નહીં પણ સંતને પેદા કરો. ચારેય આશ્રમો (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ) માં ગૃહસ્થાશ્રમ સૌથી શ્રેષ્ઠ છે કારણ કે ત્રણેય આશ્રમો તેને આધારીત છે. અત્રિ-અનસૂયા, વશિષ્ટ-અરૂંધતી, જમદગ્નિ-રેણુકા, મનુ-શતરુપા જેવા મહાન ગૃહસ્થી ન હોય તો ભગવાન અને સિધ્ધો-સંતો કઈ રીતે પધારે ??? બ્રહ્મચારી વગેરેના નિયમો કડક છે જ્યારે ગૃહસ્થીને થોડી છુટછાટ છે, ગૃહસ્થી સવાર-સાંજ માત્ર વીસ-ત્રીસ મિનિટ ભજન કરે તોય ઘણું થઈ ગયું કેમ કે કુટુંબ-સમાજની જવાબદારી તેના પર છે. આ વિશે એક પ્રચલિત કથા છે.

નારદમુનિ ભગવાનના દર્શને ગયેલા. શ્રીપ્રભુ બોલ્યા કે, “મને ભકતો પ્રાણથીય પ્યારા છે. મૃત્યુલોકમાં શાંતિનગરમાં રહેતો ભોળારામ મારો પ્રિય ભકત છે.” આ સાંભળી નારદમુનિને ઈર્ષા-ક્રોધ-અહંકારના મિશ્રિત ભાવ પેદા થયા. જલ્દી-જલ્દી દર્શન કરી શાંતિનગરમાં આવીને વહેલી સવારે જોયું તો ભોળારામ ખેતરે જવાની તૈયારીમાં હતો. ઘર છોડતા પહેલા દેવઘરમાં જઈ પાંચ મિનિટ શ્રી પ્રભુના નામનું સ્મરણ કરી ભોળારામ બળદ જોડી ગાડામાં ખેતરે ગયો અને આગ ઝરતી ગરમીમાં ખેતીનું કામ કર્યું. મોડી સાંજે પાછો ફરી હાથ-પગ ધોઈ દેવઘરમાં શ્રી પ્રભુનું ફરી પાંચ મિનિટ ભજન કર્યું અને વાળું- પાણી કરી સૂઈ ગયો.

નારદમુનિને તો દિવસ કરતા રાત્રે ઘણો પરસેવો વળ્યો અને વિચાર કરવા લાગ્યા કે, “હું ચોવીસ કલાક નારાયણ...નારાયણનું કીર્તન કરું છતાં શ્રીપ્રભુને પ્રિય નહીં અને પેલો ભોળારામ માત્ર દશ મિનિટ સ્મરણ કરે તો પ્રિય ???” શ્રી પ્રભુ તો અંતર્યામી છે. ભક્તોનો અહંકાર જેનો ખોરાક છે તેવા શ્રી પ્રભુએ અજબ-ગજબની યુક્તિ રચી.

એકવાર શ્રી પ્રભુ અને નારદજી વિહાર કરતા હતા. શ્રીપ્રભુ બોલ્યા કે, “નારદ ! પેટમાં દુ:ખે છે." દેવો અને દાનવોને યુક્તિ બતાવનાર નારદમુનિ પુછે કે “પ્રભુ ! કોઈ ઉપાય ?" શ્રીહરિ બોલ્યા કે, “શિવ મારા ઈષ્ટદેવ છે તેથી કોઈ તલના તેલની આકંઠ વાટકી ભરી શિવમંદિરને ત્રણ પ્રદક્ષિણા કરે અને તે તેલ મારા પેટે ચોળે તો દુ:ખાવો જાય પણ શરત એટલી કે આકંઠ ભરેલી પેલી વાટકીમાંનું તલનું તેલ નીચે ઢોળાઈ ન જાય. જો એક ટીપુ નીચે પડશે તો કામ નહીં આવે."

માયાના આવરણમાં ઉચ્ચ કક્ષાના ભક્તો પણ ભૂલી જાય છે કે ભગવાનનું પેટ દુઃખે ખરૂ ??? નારદમુનિ તરત જ તૈયાર થઈ ગયા. તાત્કાલિક વાટકી-તેલની વ્યવસ્થા કરી શિવમંદિરને પ્રદક્ષિણા શરૂ કરી...ત્રણ પ્રદક્ષિણામાં તો ખાસ્સો સમય વીતી ગયો. શ્રીહરિ મનોમન હસે છે. નારદમુનિ ધીમા પગલે આવી રહ્યા છે અને શ્રીહરિની સેવા કરવા તત્પર બન્યા ત્યારે શ્રીહરિ બોલ્યા, “મારા પેટનો દુઃખાવો તો મટી ગયો.” નારદમુનિ પુછે છે કે “પ્રભુ તેલ લગાડ્યા વગર કઈ રીતે મટે ???”

શ્રીહરિ બોલ્યા કે, “ભક્તોને અભિમાન જાગે ત્યારે મારું પેટ દુઃખે, મારાથી બધું જ સહન થાય પણ મારો ભક્ત અહંકાર કરે તે તો સહન ન જ થાય. તમને અહંકાર હતો કે - હું રાત-દિવસ કીર્તન કરું છું અને પેલા ભોળારામ માત્ર દશ મિનિટ સ્મરણ કરે છતાં શા માટે મને પ્રિય ??? નારદમુનિ ! હું તમને પુછું છું કે - શિવમંદિરને ત્રણવાર પ્રદક્ષિણા કરી તે દરમ્યાન તમેં કેટલીવાર મારુ નામ બોલ્યા ???” શ્રી નારદમુનિ બોલ્યા કે, “એક પણ વખત નહીં, જો બોલું અને તેલ ઢોળાઈ જાય તો કામ ન આવે” શ્રીહરિ બોલ્યા કે “તમે આટલા નાનકડા કામમાં પણ મને વિસરી ગયા તો જેના માટે સંસારનો જબરજસ્ત બોજો છે, ખુબ મોટી જવાબદારી છે, તે સવાર-સાંજ મારી પ્રેમથી યાદી કરે તે મને પ્રિય તો હોય ને ???' નારદમુનિ શરમિંદા બન્યા. શ્રીહરિને વંદન કર્યા ત્યારે ભક્તપ્રિય એવા શ્રીહરિએ નારદમુનિને પ્રેમથી આલિંગન આપ્યું.

~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

MahaMantra Dattatrey Punitachariji Dharma Sampraday Spontaneous Meditation