Skip to main content

રક્ષાબંધન

રક્ષાબંધન માત્ર ઔપચારિક તહેવાર નથી, એના સ્તરમાં ગૂઢ રહસ્ય સમાયેલ છે. બહેન ભાઈને રાખડી બાંધે એની શરૂઆત ક્યાંથી ? કેમ ? કઈ રીતે થઈ ? તે કથા આપ લોકોને જરૂર ખબર હશે છતાં શાસ્ત્રો અને મહાપુરૂષોના સત્સંગના આધારે સમજાય તે પ્રમાણે લખવા પ્રયાસ કરૂં છું.

શુરપતિ ઈન્દ્ર જ્યારે દૈત્યો-દાનવોથી પરાસ્ત થઈ હિમાલયની ગુફાઓ-કંદરાઓમાં ગ્લાની સાથે વિચરે છે, પશ્ચાતાપ કરે છે અને મનોમન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્મરણ કરે છે. બ્રહ્મ ચિંતવન કરે છે. પરમાત્મા તથા પરમાત્માની શક્તિને યાદ કરે છે ત્યારે તેજોમય એક દિવ્ય શક્તિ નારી સ્વરૂપે પ્રગટ થાય છે. કરૂણા અને દયાથી ભરપુર દૃષ્ટીથી, સ્મિત મુખે ઈન્દ્રને જુએ છે. ઈન્દ્ર બંને હાથ જોડીને તેઓને પુછે છે કે, “હે મા ! તું કોણ છે?" ત્યારે જ તે આધશક્તિ બોલે છે કે "હે ઈન્દ્ર ! હું કોણ છું તે તને સંક્ષેપમાં જણાવું છું, હું બ્રહ્મા-વિષ્ણુ-મહેશ તેમજ પ્રાણીમાત્રમાં-ચરાચરમાં વ્યાપ્ત થઈને રહેનારી, નામ-રૂપ-રંગ રહિત, સર્વત્ર વ્યાપ્ત ચૈતન્ય શક્તિ છું. જ્યારે દૈત્યો, દાનવો, નિશાચરો, રાક્ષસો આદિ અનીતિ, અત્યાચાર, અધર્મ, હિંસા, અસત્ય, બળાત્કાર આદિ કુવિચારોથી સત્યને, ન્યાયને, ધર્મને કુચલવા માંગે છે સાથોસાથ તપસ્વીઓ, ઋષિઓ, બ્રાહ્મણો, ગાયો, નિર્દોષ અને નિખાલસ વ્યક્તિઓ ઉપર અત્યાચાર થવા લાગે છે, ધર્મ ઉપર અધર્મ વિજય પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે ત્યારે જ નિરંજન, નિરાકાર પરમાત્મા બ્રહ્મા-વિષ્ણુ-મહેશના માધ્યમથી શક્તિમાન થઈ અનેકો સ્વરૂપોમાં અવતરીત થાય છે અને જગતનું કલ્યાણ કરે છે. ક્યારેક દેવ તો ક્યારેક દૈવી જગતનો ઉધ્ધાર કરે છે.

હે દેવરાજ ઈન્દ્ર ! તમને બરાબર ખ્યાલ છે કે - શુભકર્મથી, સત્કર્મથી, સત્યથી અને ન્યાયથી, અહિંસાથી અને કરૂણાથી, હોમથી અને યજ્ઞથી વ્યક્તિ દેવ કોટીથી આગળ પરમ શાંતિ - પરમ પદ સુધી પહોંચી પરમાનંદ પ્રાપ્ત કરે છે અને અસત્ય, અન્યાય, અનીતિ, અનાચાર, હિંસા આદિ પાપાચારોથી અધમ યોનીમાં જઈ અસહ્ય કષ્ટ ભોગવે છે. હે ઈન્દ્ર ! તમે જાણો છો કે વ્યક્તિ કર્મ કરવામાં સ્વતંત્ર છે પણ કર્મભોગમાં સ્વતંત્ર નથી.

હે ઈન્દ્ર ! તપસ્યા સૌ કરે છે - દેવ, દાનવ, માનવ, દૈત્ય, રાક્ષસ બધાજ, તપોબળથી બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-આદ્યશક્તિ તેમજ અન્ય દેવોને પ્રસન્ન કરી, પ્રત્યક્ષ દર્શન કરી વરદાન મેળવે છે પછી વરદાન અને શક્તિનો કોઈ દુરૂપયોગ કરે છે તો કોઈ સદ્ઉપયોગ કરે છે. ટૂંકમાં, બ્રહ્મા-વિષ્ણુ-મહેશના પ્રત્યક્ષ દર્શન પણ ત્યાં સુધી જીવાત્મ લાભદાયી નથી નીવડતા જ્યાં સુધી તેઓની મનોવૃત્તિ અને સંકલ્પ શક્તિ પવિત્ર અને મંગલમય ન હોય . દૈત્યો અને રાક્ષસોએ દેવતાઓને પ્રસન્ન કરી કેવા-કેવા વરદાનો માંગ્યા છે જેમ કે હિરણ્યકશ્યપુએ વરદાનમાં માંગ્યું કે - હું ઉપર કે નીચે, ઘરમાં કે બાહર, દિવસે કે રાત્રે, અસ્ત્રથી કે શસ્ત્રથી, માણસ કે જાનવરથી ન મરૂં. એજ રીતે રાવણ તેમજ દૈત્ય-રાક્ષસો વગેરેએ વરદાન પ્રાપ્ત કરી દેવો અને સત્કર્મીઓના સંહારમાં શક્તિ વાપરેલ છે. આથી વિપરીત ઋષિઓ, મહર્ષિઓ, તપસ્વીઓએ શુદ્ધ-સાત્વિક ભાવથી તપસ્યા કરી જગતનું આત્મજ્ઞાન, પરમ પદ અને મુક્તિ મેળવેલ છે તથા પોતે આનંદમાં રહી પોતાના કુટુંબ-પરિવાર સમાજને સન્માર્ગે દોરેલ છે. સારાંશ એ છે કે - કોઈ પણ દેવનું પ્રત્યક્ષ દર્શન બહુ મહત્ત્વ ધરાવતું નથી. મહત્ત્વ તો તપસ્વીના સંકલ્પનું છે કે ક્યા હેતુથી તમે તપસ્યા કરો છો ? આ હેતુ પ્રમાણે સંકલ્પ પ્રમાણે તપોશક્તિ લાભ આપે છે.

હે ઈન્દ્ર ! હવે હું મુળ વાત પર આવું છું. તું જીવાત્મામાંથી થોડા બોધ પ્રાપ્ત કરી, તપસ્યા કરી ઇન્દ્ર પદ મેળવેલ છે જ્યારે તું તપસ્યાથી વિમુખ થઈ સુરામાં-સુંદરીમાં, ભોગમાં ડુબે છે ત્યારે તારું પતન થાય છે.

સત્ય, ન્યાય, કરૂણા, દયા, અહિંસા, સેવા, ક્ષમા, સતકર્મ વગેરે સદગુણો જીવાત્માની અંદર, દેવોની અંદર મહાન બનીને ઉન્નતિના પંથે લઈ જાય છે. ઉપરોક્ત ગુણોમાં જે શક્તિ છે તે હું છું. તું સત્કર્મોથી વિમુખ થયેલ છે એટલે દેવમાંથી સાધારણ જીવ બની ને ગ્લાની અનુભવે છે અને ફરીથી મનોમન બ્રહ્મ અને બ્રહ્મશક્તિનું ચિતવન કરે છે ત્યારે હું શક્તિ સ્વરૂપે પ્રગટ થઈ છું અને તારું કલ્યાણ ઈચ્છુ છું.

સમસ્ત ગુણોથી સંપન્ન સત્કર્મોમાં જોડાયેલા જીવાત્મા ભાઈ છે અને તે સત્કર્મોની અંદર જે શકિત વ્યાપ્ત થાય છે તે શક્તિ બહેન સ્વરૂપ હું છું. ટુંકમાં, સત્કર્મોના ત્યાગ પછી જીવાત્મા, દેવાત્મા શક્તિહીન બને છે તેઓની ગ્લાની અને પ્રાર્થનાથી હું પ્રગટ થઇ સાવધાન કરી સન્નમાર્ગે દોરૂ છું અને રક્ષા તથા કવચ બનીને તેઓની રક્ષા કરૂ છું એટલે હે ઈન્દ્ર ! તારા હાથમાં સત્ય, ન્યાય, સત્કર્મ, તપસ્યા આદિ સ્વરૂપે બંધાઈ રક્ષા કરવા વચનબધ્ધ થાઉં છું એટલે તુ સજાગ થઈ સત્કર્મમાં જોડાય, તે પ્રેરણા આપવા પ્રગટ થઈ છું." ઈન્દ્રના જમણા હાથમાં આધ શક્તિ રાખી (રક્ષા) બાંધી અદૃશ્ય થાય છે અને ઈન્દ્ર ફરી તપોમાર્ગ-સત્માર્ગ અપનાવી મૂળસ્વરૂપ તરફ ચાલવા પ્રેરાય છે.

આ સત્સંગનો સારાંશ એ છે કે - બહેન એટલે સમસ્ત સત્કર્મોની અંદર સમાયેલી સત્ય અને શક્તિ. પોતાની બહેનમાં બહેનની દૃષ્ટિ રાખી માત્ર રક્ષા બંધાવાથી કાંઈ મળતું નથી સાથોસાથ સાધના પણ કરવી જોઈએ, માત્ર વ્યવહારિક-લૌકિક ઔપચારિકતા સચવાય છે પરંતુ જે ભાઈ પોતાના આત્મ સ્વરૂપમાં આવી એટલે કે હું નામ, રૂપ રંગરહીત જાતિ, વર્ણ, સમ્પ્રદાયથી પર સાક્ષી ભાવમાં કર્મ કરનારો એક આત્મા છું. મારા બધા કર્મો નિષ્કામભાવે પરમાર્થ હેતુથી અહંકારરહિત થાય અને સદા શુભ જ થાય અને હું પોતાની ફરજથી ભુલો ન પડું, ભટકું નહિ એ માટે અણું અણુંમાં અખંડ વ્યાપ્ત આધશક્તિ બહેનના સ્વરૂપમાં, દેવીના સ્વરૂપમાં રક્ષા સૂત્ર બાંધી મને સતત સન્માર્ગે ચાલવા પ્રેરણા આપે, અયોગ્ય કર્મોથી બચાવે તેવી નારીમાત્રને હું વંદન કરૂં છું.

આ પવિત્ર ભાવ સાથે પોતાની બહેન અથવા તો કોઈને પણ સાત્ત્વિક સ્વરૂપમાં બહેન બનાવી રક્ષા કવચ બંધાવી શકાય છે. બાકી તો આ રક્ષાબંધનમાં બીજો કોઈ લૌકિક સંબંધ આવતો નથી. અહિયા તો માત્ર શક્તિ અને બ્રહ્મનો સંબંધ છે. સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય, સૌનું મંગલ થાય, બધા ભેદભાવરહિત એક વિશ્વબંધુત્વના સૂત્રમાં બંધાય, એક કુટુંબ - એક પરિવારના સ્વરૂપમાં રહે તેવી સંતો, ઋષિઓ, મહર્ષિઓ અને મહાપુરૂષો શુભેચ્છા વ્યક્ત કરે છે.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



"બહેન એટલે સમસ્ત સત્કર્મોની અંદર સમાયેલી સત્ય અને શક્તિ. પોતાની બહેનમાં બહેનની દૃષ્ટિ રાખી માત્ર રક્ષા બંધાવાથી કાંઈ મળતું નથી સાથોસાથ સાધના પણ કરવી જોઈએ, માત્ર વ્યવહારિક-લૌકિક ઔપચારિકતા સચવાય છે પરંતુ જે ભાઈ પોતાના આત્મ સ્વરૂપમાં આવી એટલે કે હું નામ, રૂપ રંગરહીત જાતિ, વર્ણ, સમ્પ્રદાયથી પર સાક્ષી ભાવમાં કર્મ કરનારો એક આત્મા છું. મારા બધા કર્મો નિષ્કામભાવે પરમાર્થ હેતુથી અહંકારરહિત થાય અને સદા શુભ જ થાય અને હું પોતાની ફરજથી ભુલો ન પડું, ભટકું નહિ એ માટે અણું અણુંમાં અખંડ વ્યાપ્ત આધશક્તિ બહેનના સ્વરૂપમાં, દેવીના સ્વરૂપમાં રક્ષા સૂત્ર બાંધી મને સતત સન્માર્ગે ચાલવા પ્રેરણા આપે, અયોગ્ય કર્મોથી બચાવે તેવી નારીમાત્રને હું વંદન કરૂં છું.આ પવિત્ર ભાવ સાથે પોતાની બહેન અથવા તો કોઈને પણ સાત્ત્વિક સ્વરૂપમાં બહેન બનાવી રક્ષા કવચ બંધાવી શકાય છે. બાકી તો આ રક્ષાબંધનમાં બીજો કોઈ લૌકિક સંબંધ આવતો નથી. અહિયા તો માત્ર શક્તિ અને બ્રહ્મનો સંબંધ છે. સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય, સૌનું મંગલ થાય, બધા ભેદભાવરહિત એક વિશ્વબંધુત્વના સૂત્રમાં બંધાય, એક કુટુંબ - એક પરિવારના સ્વરૂપમાં રહે તેવી સંતો, ઋષિઓ, મહર્ષિઓ અને મહાપુરૂષો શુભેચ્છા વ્યક્ત કરે છે"

~(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ)




Rakshabandhan 2002 Indra Shakti Devi rakhi