Skip to main content

સંદેશ ગુરૂ પૂર્ણિમાનો

ગુરુ તત્ત્વ એક એવું સૂક્ષ્મ, વ્યાપક, ચૈતન્ય અને ગુપ્ત તત્ત્વ છે કે જે સહજ રૂપે સૃષ્ટિના સર્જન, પાલન અને આસુરી તત્ત્વોના સંહારમાં નિમિત્ત બની રહે છે. આપણે શિક્ષકને, કલા, સંગીત, નૃત્ય વગેરે શીખવનારને અથવા તો કોઈપણ ક્ષેત્રમાં માર્ગદર્શન આપનારને "ગુરુ" કહીએ છીએ. કોઈ પાસે શીખ્યા વિના નથી ગાતા આવડતું, નથી વગાડતા આવડતું, નથી નાચતા આવડતું કે નથી વાહન ચલાવતા આવડતું એટલે કે શીખ્યા વગર કશું જ આવતું નથી. આપણે જેની પાસેથી ગુણ ગ્રહણ કરીએ છીએ, તેનું આપણે આદર-સન્માન કરીએ છીએ અને તેને પૂજ્ય અને ગુરુ માનીએ છીએ.

આ ભૌતિક સંસારથી ઉચ્ચ સ્તરે પહોંચી જ્યારે આપણે ભક્તિ અને જ્ઞાન માર્ગમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે ગીતા, રામાયણ, વેદ, શાસ્ત્ર, પુરાણાદિ આમાં આપણી મદદ કરે છે. અર્થાત્ આપણા ઋષિ-મુનીઓ અને ગુરુઓની વાણી શાસ્ત્રો દ્વારા આપણામાં કાર્યરત બને છે અને આપણા જીવનની દિશા બદલી એને ઊંચાઈ તરફ દોરી જાય છે. બધા સમજવા લાગે છે કે - શું શાશ્વત છે અને શું ક્ષણભંગુર છે, શું સત્ય છે અને શું અસત્ય છે, શું સુખ છે અને શું દુ:ખ છે. ત્યાં સુધી કે આ પાંચ તત્ત્વો, ગુણો, પ્રકૃતિ, નામ, રૂપ, રંગથી બનેલું આ શરીર જેને આપણે આપણું માનીએ છીએ તે વાસ્તવમાં આપણે નથી એ પણ સમજાઈ જાય છે. અંતરમાં સમાયેલ કોઈ અન્ય છે એમ પણ સમજણ આવે છે. આપણા હૈયામાં આ જ્ઞાન બોધ જે ઉત્પન્ન કરાવે છે, તે જ ગુરુ તત્વ છે એ બધાથી પર શુધ્ધ બુધ્ધ આત્મા છે.

આ તો વૈખરી વાણી છે, અક્ષર જ્ઞાન છે, શબ્દનું જ્ઞાન છે. આનાથી આગળ વધીને કોઈ આપણને પ્રેરણા આપીને મનન, ચિંતન, નિદિધ્યાસન તરફ દોરી જાય છે અને પછી આપણા આચાર-વિચાર, ખાન-પાન, વાણી-વ્યવહાર સ્વાભાવિક રીતે બદલવા લાગે છે. બધા પ્રત્યે કુદરતી રીતે પ્રેમ થવા લાગે છે; સંચિત, ક્રિયમાણ, પ્રારબ્ધમ કર્મની વ્યાખ્યા સમજાય છે. ધીરે ધીરે જીવ આ ભૌતિક વિશ્વથી ઉપરની કક્ષાએ પહોંચવા લાગે છે અને સ્થિતિમાં પ્રવેશ કરે છે.

આ બધી પ્રેરણા સૂક્ષ્મ સદગુરુ તત્ત્વની છે, ત્યાંથી પણ એક ડગલું આગળ વધીએ તો બધા કર્મ યોગમાં જ્યાં આપણે પોતાને ‘કર્તા’ માનતા હતા ત્યાં હવે પોતાને ‘કારણ' માનતા થઈ ગયા છીએ. બધું કરવા છતાં આપણે કંઈ કરતા નથી. અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સંચિત અને પ્રારબ્ધનું દર્શન કરી આપણે સ્થિર અને પ્રસન્ન રહીએ છીએ. સ્વાભાવિક રીતે જ પ્રારંભ કરેલું પૂર્ણ કરતાં, સંચિતને પૂર્ણ કરતાં અને ચાલુ કર્મયોગ ફરી ‘સંચિત’ ન બની જાય એ ચાલતાં આપણે દૃષ્ટા અને સાક્ષીભાવમાં જીવવા લાગીએ છીએ. આ બધું પ્રેમ અને જ્ઞાનના ભંડાર સમું વ્યાપક સદગુરુ તત્ત્વ જ આપે છે.

રૂપાનુભૂતિ, જીવનમુક્તિ કે આત્મ સાક્ષાત્કાર, જન્મોજન્મ સાધના-ઉપાસના કરતાં સદગુરુની કૃપાથી મળે છે. આ કયારે, કોને, ક્યાં અને કેવી રીતે મળશે એ કહેવું કપરું છે. સદગુરુના ચરણમાં પોતાની ગાઢ નિષ્ઠા, શ્રદ્ધા, વિશ્વાસ અને અનન્ય શરણાગતિ અનેક જન્મોની યાત્રાને ટૂંકાવી દે છે. જ્યારે તર્ક, સંકલ્પ-વિકલ્પ, શંકા-કુશંકા વગેરે ક્યારેક ધ્યેય પ્રાપ્તિ ઢીલ કરાવે છે, તેથી જો કોઈ સિદ્ધ-સમર્થ મહાપુરુષ મળી ગયા હોય તો તેમના વિશે તર્ક અથવા શંકા-કુશંકા વગેરે ન કરવા જોઈએ, પરંતુ કોઈને જાણ્યા-પારખ્યા વિના માત્ર સાંભળીને સદગુરુ માની લેવું એ પણ ઉતાવળિયાપણું જ ગણાશે કારણ કે આજકાલ લોકો યશ કે પ્રતિષ્ઠા તરફ વધારે આકર્ષાય છે. પોતાના માન-સન્માન, વખાણ કોને ન ગમે ? પરંતુ યોગ્યતા વિના આ બધું સ્વીકારવું એ પીડાદાયક બની રહે છે.

ઘણા સાધકો કોઈ સમર્થ મહાપુરુષની ગુરુ કૃપાથી અને કંઈક પોતાની સાધનાના પ્રભાવથી કોઈ એવા પ્રકારની અનુભૂતિઓ કરવા લાગે છે કે - પોતાને જેમાં તેઓ ખુદ ગૂંચવાઈ જાય છે એટલે કે ધ્યાનમાં કે સ્વપ્નમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બુધ્ધ ભગવાન કે મહાવીર સ્વામી, હનુમાનજી કે કાલી માતા વગેરે દેવ-દેવીઓના દર્શન કરીને તેઓ એમ માને છે કે - મને આ બધાનો સાક્ષાત્કાર થઈ ગયો છે, મને આત્મજ્ઞાન થઈ ગયું છે. તેમને એટલી પણ ખબર નથી કે સમર્થ ગુરુની કૃપા બાદ આપણા માનસપટ પર કોઈ પણ દેવ-દેવીના જે સ્વરૂપની છાપ અંદર પડી છે તે હવે બહાર આવે છે. ગુરુ પોતાની કૃપા દ્વારા, સૂક્ષ્મ દૃષ્ટિ દ્વારા આકાશને પેલે પાર તે દૃશ્ય બતાવી મને શુદ્ધ અને પવિત્ર બનાવી રહ્યા છે. કોઈ પણ દેવ-દેવીનું સ્વરૂપ માત્ર જે સ્વરૂપે આપણે તેમને જોઈએ છીએ તે જ સ્વરૂપે નથી. તેઓ તો સમયાનુસાર પોતાનું સ્વરૂપ બદલ્યા કરે છે. જેમ કે વિષ્ણુ ભગવાન રામ પણ બન્યા, કૃષ્ણ પણ બન્યા, વામન પણ બન્યા, નરસિંહ પણ બન્યા, વારાહ અને કચ્છપ પણ બન્યા અને પાછા વિષ્ણુના વિષ્ણુ છે. તમારે સમજવું જોઈએ કે જે રીતે તમે સ્થૂળ શરીર નથી, સ્થૂળ શરીર તમારું નિવાસસ્થાન છે, તમે એક શુદ્ધ-બુદ્ધ આત્મા છો, તે જ રીતે દેવ-દેવીઓ પણ સમય અને સંજોગો પ્રમાણે તત્ત્વો, ગુણો, પ્રકૃતિની મદદથી આકાર ધારણ કરે છે અને પછી તે આકારનું વિસર્જન કરી પોતાના વ્યાપક તત્ત્વમાં ભળી જાય છે. કહેવાનો આશય એ છે કે - જ્યારે શુભ અને અશુભ બધી વૃત્તિઓનું શમન થઈ જાય છે ત્યારે મન નિર્વિચાર, સ્થિર, શાંત અને પરમાનંદની અનુભૂતિ કરે છે, સાક્ષાત્કાર શબ્દનો અર્થ ‘મૂળ સ્વરૂપની અનુભૂતિ' છે, ‘કોઈ આકારનું દર્શન' કરવાનો નથી.

મનમાં જન્મ-જન્માંતરથી બેઠેલું જે અજ્ઞાન છે, ભ્રમ છે, અભિમાન છે અને વિચારોની મલિનતા છે, તે ઝડપથી શુદ્ધ થતાં નથી. તમે કદાચ સારું બોલવા, લખવા કે કહેવામાં સમર્થ હોઈ શકો પરંતુ ‘કહેણી એવી કરણી’ મુજબ અખંડ સ્થિતિમાં રહેવું મહા મુશ્કેલ છે. દબાયેલી વૃત્તિઓ તુરંત બહાર આવી જાય છે અને તેઓ સારા છે – ખરાબ છે, આવા છે - તેવા છે, હું આમ છું – તેમ છું વગેરે કહેવા લાગી જાય છે. જો સંપૂર્ણ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય તો સામ્ય અવસ્થા આવે છે, સહજ અવસ્થા આવે છે. વાણી અને વર્તનમાં એકતા આવે છે, સુખ-દુ:ખ, અનુકૂળતા-પ્રતિકૂળતા, બધું એક રસ બની જાય છે. પરમ શાંતિ, પરમ આનંદ થઈ જાય છે, તો પણ જીવનમુક્ત, સહજ અવસ્થામાં રહેલ વ્યક્તિને વાણી-વર્તન, ક્રિયા-કલાપ, કાર્ય-વ્યવહારથી ઓળખવાનું અઘરું છે. રાજા જનક પણ જીવનમુક્ત રહ્યા છે, જડ ભરત પણ રહ્યા છે, અન્ય સિદ્ધ-સંત પણ રહ્યા છે તેમ છતાં બધાનાં રહેવા-જીવવાની, બોલવા-ચાલવાની રીત-ભાત જુદી જુદી રહી છે. તેથી બીજી સ્થિતિ માપવાનું અને જાણવાનું છોડીને સદગુરુના ચરણમાં શ્રદ્ધા, વિશ્વાસ રાખીને અનન્ય શરણાગતિથી ‘સ્થિતિ’ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો ઉત્તમ છે.

આ જે કંઈ વૈખરીમાં વ્યક્ત કરવામાં આવ્યું છે, આ બધું અણું-અણુંમાં વ્યાપ્ત ચૈતન્ય સ્વરૂપ જે સદગુરુ તત્વ છે, તે જ કરે છે. અહીં હું સદગુરુ દત્તાત્રેયની વાત કરી રહ્યો છું જે રૂપ-અરૂપમાં, અણુ-અણુમાં અખંડ વ્યાપેલા છે. ક્ષમા, દયા અને કરુણાના સાગર છે, હંમેશાં ભક્તોને ધ્યેય તરફ અભિમુખ થવા પ્રેરણા આપે છે, કલ્યાણ કરે છે અને મુક્તિ અપાવે છે. જ્યારે દત્તાત્રેય જેવા સમર્થ ગુરુ મળ્યા હોય ત્યારે સ્થૂળમાં ક્યાંય કોઈને શોધવાની શી જરૂર છે ? તેમ છતાં ભાગ્ય યોગે કોઈને સ્થૂળ ગુરુ પ્રાપ્ત થયા હોય તો તેમનામાં સદગુરુની ભાવનાનું આરોપણ કરી તેમની સાધના કરવી જોઈએ. સ્થૂળમાં ક્યારેક-ક્યારેક ભ્રાંતિ થવી સંભવ છે તેથી સદગુરુ દત્તને ગુરુ માનીને ચાલવું એવી મારી પ્રેરણા રહી છે.

આપ લોકો એક બાબતમાં મને ક્ષમા કરજો. હું કોઈને કંઠી બાંધતો નથી, ચેલો બનાવતો નથી, હું મારી આરતી-પૂજા કરાવતો નથી, જ્યારે ગુરુ જ ન હોય, ગુરુ-દક્ષિણાનો તો સવાલ જ નથી ઉઠતો છતાં હું એક સારો માર્ગદર્શક છું. તમને ભણાવીને, સારા શિક્ષક બનવામાં કારણભૂત જરૂર બની શકું તેમ છું. સદગુરુ તત્ત્વનો કોઈ એવો મહિમા છે કે હું લોકોમાં પ્રસિદ્ધિથી પર રહું છું પરંતુ તમારી ભાષામાં કહું તો - સદગુરુ મહારાજ મહાપ્રલય સુધી રહેવાના છે, જ્યાં આ આસન ખાલી જ નથી ત્યાં બીજાના ગુરુ બનવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

ગુરુ પૂર્ણિમા એક એવું પર્વ છે કે જેમાં સદગુરુ દ્વારા સાચા સંસ્કાર, સત્ય, ન્યાય, સેવા, ત્યાગ, પ્રેમ, આત્મીયતા, નીતિ-નિયમ, શુદ્ધ આચાર-વિચારનો વિકાસ થાય છે, જેના દ્વારા વ્યક્તિ, કુટુંબ, પરિવાર, સમાજ અને દેશ સ્વસ્થ રહે છે. ગુરુ કૃપાથી મન, ચિત્ત, બુદ્ધિ શુદ્ધ બને છે,નિજ સ્વરૂપનું જ્ઞાન થાય છે. જીવ રાગ, દ્વેષ, ઈર્ષ્યા બધાથી દૂર જઈ પ્રેમની નદી વહેવડાવવા લાગે છે. બધામાં પોતાપણું દેખાવા લાગે છે, સ્વાર્થ વૃત્તિ દૂર થઈ જશે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે - સદગુરુ એવી જીવન જીવવાની જડીબુટ્ટી આપે છે કે જેનાથી જીવ સુખ, શાંતિ, આનંદ પ્રાપ્ત કરી, જન્મ-મરણના ફેરામાંથી મુક્ત બની પરમ શાંતિ પ્રાપ્ત કરી લે છે.

હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત મહામંત્ર દ્વારા સદગુરુ તમારી પાસે હાજર રહે છે. લગભગ બધાને સદગુરુના સાનિધ્યની અનુભૂતિ થાય તો આજે આપ લોકો ગુરુપૂર્ણિમાના સુંદર પ્રસંગે અખંડ વ્યાપ્ત સદગુરુ દત્તાત્રેય ભગવાનની પાદુકાનું પૂજન કરીને તમારી પાસે જ સદગુરુની ઉપસ્થિત અનુભવો તેમ છતાં કોઈના સ્થૂળ ગુરુ હોય તો આપ એમને યાદ કરો અને ગુરુમાં જ સદગુરુના દર્શન કરો અને જેમને સ્થૂળ ગુરુ ન હોય તે લોકો સદગુરુને ગુરુ માની આજે ધૂન બોલીને ધ્યાનમાં બેસે, અલૌકિક આનંદ થશે. શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ જેટલો ગાઢ હશે તેટલી વધારે સુંદર અનુભૂતિ થશે. પોતાના દોષો, દુર્ગુણોને સદગુરુના ચરણોમાં દક્ષિણા રૂપે અર્પણ કરી દો અને પોતાનું કલ્યાણ કરો. ગુરુ પૂર્ણિમા જીવન જીવવા માટે અપાર બળ, બુદ્ધિ અને શક્તિ આપે છે.

આપણે બધા ગુરુ દત્તાત્રેયના ચરણાનુરાગી બનીએ, તેમને ગુરુ માનીને ધ્યેય સિદ્ધ કરીએ. આપણે બધા જ ભાઈ-બહેનો એક જ સદગુરુની છત્રછાયામાં રહીએ, જો પરસ્પર આચાર સંહિતાનું પાલન કરવું હોય તો નાના-મોટાની કદર કરતાં - સન્માન કરતાં ધ્યેય સિદ્ધ કરવાનું સર્વોત્તમ રહેશે. આપનું ભલું થાઓ, આપનું કલ્યાણ થાઓ .


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



"આપ લોકો એક બાબતમાં મને ક્ષમા કરજો. હું કોઈને કંઠી બાંધતો નથી, ચેલો બનાવતો નથી, હું મારી આરતી-પૂજા કરાવતો નથી, જ્યારે ગુરુ જ ન હોય, ગુરુ-દક્ષિણાનો તો સવાલ જ નથી ઉઠતો છતાં હું એક સારો માર્ગદર્શક છું. તમને ભણાવીને, સારા શિક્ષક બનવામાં કારણભૂત જરૂર બની શકું તેમ છું. સદગુરુ તત્ત્વનો કોઈ એવો મહિમા છે કે હું લોકોમાં પ્રસિદ્ધિથી પર રહું છું પરંતુ તમારી ભાષામાં કહું તો સદગુરુ મહારાજ મહાપ્રલય સુધી રહેવાના છે, જ્યાં આ આસન ખાલી જ નથી ત્યાં બીજાના ગુરુ બનવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી."

~(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ)




Guru Purnima 2002 Guru Tatv Kanthi Chela swarup aatmsakshatkar