Skip to main content

જન્માષ્ટમી ૨૦૦૨

આજે રાધારમણ ભગવાન શ્રીકૃષ્ણચંદ્રનો પ્રાગટ્ય દિન છે. શાસ્ત્રોમાં સંધિ સમયનું વિશેષ મહત્ત્વ છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ બપોરે બાર વાગ્યે અને લીલા પુરુષોત્તમ શ્રીકૃષ્ણ રાત્રે બાર વાગ્યે પ્રગટ થયા છે. અવધૂત શિરોમણિ સદગુરુ શ્રીદત્ત ભગવાન સંધ્યા સમયે પ્રગટયા છે. આધ્યાત્મિક પુસ્તકો, ધાર્મિક સિરિયલો, કથાઓને લીધે લોકોમાં ગોપી વલ્લભ કનૈયા વિશે ઘણી માહિતી પ્રચલિત છે. બે-ત્રણ રહસ્યમય કથા સંત સમુદાય અને શાસ્ત્રોમાં દર્શાવેલ છે.

ભગવાનના અવતાર પાછળ ઘણા કારણો હોય છે. ભક્તોની રક્ષા, પાપીઓનો નાશ, અગાઉના અવતારમાં અપાયેલ વચન પાલન વગેરે ગૂઢાતિગૂઢ રહસ્યો જોડાયેલાં હોય છે. જગ પ્રચલિત કથા છે કે - ભગવાન શ્રીરામ રાવણનો સંહાર કરી અયોધ્યા પરત ફરે છે ત્યારે સૌ પ્રથમ માતા કૈકેયીને વંદન કરે છે અને જણાવે છે કે, “મા, તારે લીધે તો મને સંતોનો સંગ તથા જગતમાં પ્રસિદ્ધિ મળી. હું તારો ઋણી છું. તારી ઈચ્છા હોય તે માંગ.” માં કૈકેયી તો ચોધાર આંસુએ રડે છે. રામના વનવાસનું દુ:ખ સતત તેને કોરી ખાય છે તેમાં વળી પ્રભુનું આવું પ્રેમાળ વર્તન જોઈને રામજીને ભેટી પડે છે. કશુંય બોલી શકતી નથી. પ્રભુ વારંવાર આગ્રહ કરે છે ત્યારે કહે છે કે, “હવે જ્યારે અવતાર ધારણ કરો ત્યારે મને માં બનવાનું સૌભાગ્ય આપજો. આ જન્મમાં આ તક મને મળી નથી તેનું દુઃખ છે.” પ્રભુ કહે છે કે, “એટલા માટે તો તને “માં” કહીને બોલાવી છે, તારે પણ મારી એક શરત સ્વીકારવી પડશે. તારે ત્યાં પ્રગટીશ પણ તારું ધાવણ નહીં લઉં, કબુલ છે ?” માયાના આવરણમાં કૈકેયી વિચારે છે કે - "મારા ધાવણ વગર મોટો કઈ રીતે થશે ?" શરત સ્વીકારી. બ્રહ્મને બ્રહ્મ સિવાય કોણ ઓળખી શકે ??? આઠમા અવતારમાં ભગવાન દેવકીને ત્યાં જેલમાં પધાર્યા અને વસુદેવજી તરતજ મથુરા મૂકી આવ્યા. કહેવાની જરૂરત નથી કે દેવકી એ પૂર્વજન્મમાં કૈકયી હતી. એક ક્ષણ વિચાર તો કરો. એ વખતે વસુદેવ-દેવકી પર શું વીત્યું હશે ??? માં-બાપને પોતાના સંતાન પ્રત્યે કેટકેટલાય અરમાનો હોય છે જ્યારે અહીં તો પ્રગટીને લીલા શરૂ કરી..

हरि आये हरि ले गये, आधि व्याधि अज्ञान ।
भाव विना समझाय ना, भक्त और भगवान ॥

ગોકુલ-મથુરામાં નટખટ કનૈયાએ લીલા કરી, ગુરુ મહિમા વધારવા સાંદીપનીના આશ્રમમાં અભ્યાસ સાથે ગુરુ સેવા પણ કરી. મહાભારતના યુધ્ધમાં પાંડવોને કેન્દ્ર સ્થાને રાખીને અઢાર અક્ષૌહિણી સેના (આશરે ૪૫ લાખ) નો સફાયો કર્યો તે પહેલાં ગુરુકૃપાની અદ્ભુત ઘટના બનેલી. મહર્ષિ દુર્વાસા ગામે-ગામ, નગરે-નગરે ફરી રહ્યા છે અને પોકારે છે કે, “મારે ચાતુર્માસ માટે રોકાવું છે." પણ કોઈ તૈયાર થતું નથી કારણ કે મહા ક્રોધી દુર્વાસા તો ભૂલ થાય તો ગમે ત્યારે ગમે તેને શાપ આપી દે. ઘરમાં વિકરાળ સર્પ કે સિહં રાખવા કરતાં પણ અનેક ગણું અઘરૂં કાર્ય હતું. દુર્વાસાજી શ્રીકૃષ્ણની દ્વારકા નગરીમાં આવી રોકાણની જાહેરાત કરે છે. પ્રભુના દ્વારમાં કોને મનાઈ હોય ? પ્રભુ તો સહર્ષ આવકારે છે. દુર્વાસાની સેવામાં અષ્ટ પટરાણી અને પોતે ખડે પગે ઉભા રહ્યા, પણ આ તો સદગુરુ દત્ત પ્રભુના ભાઈ. કસોટી કરવામાં તો જરાય પાછા ન પડે. દુર્વાસાજી વિચિત્ર વર્તન કરે છે. ગમે ત્યારે સ્નાન માટે ગરમ પાણી માંગે અને સતત સ્નાન કરે તો ક્યારેક માત્ર બેઠા જ રહે. ભોજનમાં નિત-નવી વાનગી તરત જ માંગે અને ખાય પણ નહીં. ગમે ત્યારે મહેલ છોડી એકલા જંગલમાં ચાલ્યા જાય અને મોડી રાત્રે ગમે ત્યારે આવે, તે વખતે સેવામાં સૌની હાજરી જરૂરી. પ્રભુ તો તેમની લીલા પર હસે છે પણ અષ્ટ પટરાણી તો સતત ગભરાયેલી અને મુંઝાયેલી રહે છે. એક વખત તો હદ થઈ ગઈ. ભર બપોરે દુર્વાસાજી હુકમ કરે છે કે-મારે અત્યારે રથમાં ફરવા જાવું છે. રથ ચલાવે કનૈયો અને રુક્મણિ, બન્ને સાથે. શરત એ કે ખુલ્લા પગે રથ ખેંચવો !!! આ સાંભળતાં જ કંપારી છૂટે જ્યારે કે અહીં તો રાજા-રાણી ગુરુ આજ્ઞા પાલન માટે તત્પર છે. ભર બજારે હઠડેઠઠ માનવ મેદની વચ્ચે દુર્વાસાજી હાથમાં સોટી લઈ રથ પર બેઠા છે અને કોમળ પગ ધરાવતા રાજા-રાણી હોંશે હોંશે સેવા કરે છે. કાંકરા-કાંટા વાગવાથી પગમાંથી લોહી ફૂટે છે અને દુર્વાસાજી પીઠ પર સોટી પણ મારે છે તેથી ત્યાંથી પણ લોહીની ટશરો ફુટે છે. (વાંચકો...આવી કસોટી સહન થાય ???) રથ નગર બહાર પહોંચે છે ત્યારે દુર્વાસાજી કૂદકો મારી જંગલમાં ચાલ્યા જાય છે.

રાત્રે મહેલમાં આવી રાજા-રાણી પાસે ખીરની માંગણી કરે છે. થોડી ખાય છે ને વધે છે તે પ્રિય શિષ્ય શ્રીકૃષ્ણને આપતા કહે છે કે, “આખા શરીરે લગાડી દે” પ્રભુ કોઈ જ તર્ક કરતા નથી, આજ્ઞા સ્વીકારે છે. રુક્ષ્મણીને તો ભર પેટ આશીર્વાદ આપતાં કહે છે કે, “તને રોગ, વૃધ્ધાવસ્થા, નિઃસ્તેજપણું નહીં આવે અને અખંડ સૌભાગ્યવતી થઈશ." અંતર્યામી દુર્વાસાજી દ્વારકાપતિને જણાવે છે કે, “થોડા સમયમાં મહાભારતનું ભયંકર યુધ્ધ થવાનું છે તેમાં તમારી અતિ મહત્ત્વની ભૂમિકા છે. તમે આખા શરીરે ખીર લગાડી તેથી તમારું શરીર વજ્રનું બની ગયું. કોઈ અસ્ત્ર-શસ્ત્ર તમને સ્પર્શી પણ નહીં શકે. તમારો સર્વત્ર જય જયકાર થશે પણ પગના તળિયામાં ખીર લગાડી નથી તેથી તે ભાગની સંભાળ રાખજો, તમારું કલ્યાણ કરવાની ઈચ્છાથી જ આકરી ક્સોટી કરેલી. તમે ઉત્તીર્ણ થયા છો."

દરેક શિષ્ય પોતાના ગુરુના ગુણગાન ગાય તે સહજ છે. કનૈયો ગોપીઓ પાસે ગુરુ દુર્વાસાનો મહિમા વર્ણવે છે તેથી ગોપીઓને દુર્વાસાજીનાં દર્શનની ઈચ્છા તીવ્ર બની. કનૈયો કહે છે કે, “ગુરુ મહારાજ પાસે ખાલી હાથે ન જવાય. પુષ્પ-પ્રસાદી વગેરે લઈને જજો, કદાચ યમુના નદીમાં પૂર આવ્યું હોય તો પ્રાર્થના કરવી કે - દુર્વાસાજી નિરાહારી હોય તો નદી અમને જગ્યા આપે.” એવું જ થયું. ગોપીઓ તો કનૈયા માટે મેવા-મીઠાઈ તૈયાર રાખે તો તેમના ગુરુજી માટે હોંશભેર થાળ ભરે છે. યમુના નદીમાં પૂર જોઈ કનૈયાની સલાહ મુજબ પ્રાર્થના કરી તો નદીમાં રસ્તો થઈ ગયો. યમુના નદીને પેલે પાર રહેતા દુર્વાસાજી પાસે પહોંચતાં-પહોંચતાં તો ગોપીઓ અધીરી બની ગઈ. ગુરુ-શિષ્યનાં વખાણ કરતાં-કરતાં ગુરુજીના આશ્રમે પહોંચી. દુર્વાસાજીને વંદન કરી પુષ્પ-પ્રસાદી અર્પણ કર્યાં અને કનૈયાની વાત પણ કરી. ગુરુદેવ તો ફ્ટાફ્ટ મેવા-મીઠાઈ આરોગીને થાળ પુરા કરી રહ્યા છે. એક કણ પણ મૂકતા નથી. ગોપીઓ વિચારે છે કે, “નિરાહારી છે અને આપણા ઘર માટે પણ પ્રસાદી રાખતા નથી. કમાલ છે !” દુર્વાસાજી મનોમન હસે છે. ગોપીઓ સમક્ષ ભર પેટ મીઠાઈ ખાઈ કનૈયાના ભર પેટ વખાણ કરતાં કહે છે કે, “પાછા ફરતી વખતે યમુના નદીમાં પૂર આવેલ હોય તો પ્રાર્થના કરવી કે - કનૈયો પૂર્ણ બ્રહ્મચારી હોય તો નદી જગ્યા આપે.” ગોપીઓ મનોમન મુંઝાય છે. ગુરુ અને શિષ્ય ગજબના છે. બન્ને એકબીજાના વખાણ જ કરે છે. આટલું બધું જમી ગયા તોય નિરાહારી અને પેલા નટખટને તો ૧૬,૧૦૮ પટરાણી અને વધારામાં આપણે છતાં બ્રહ્મચારી ! આ ભેજામાં ઉતરતું નથી. યમુના નદીમાં તો પહેલા કરતાં વધારે પૂર હતું. ગોપીઓ મુંઝાયેલી તો હતી જ તેથી દુર્વાસાની સલાહ મુજબ પ્રાર્થના કરી ત્યાં તો નદીમાં રસ્તો થઈ ગયો.

ગોપીઓને સમજાતું નથી કે - નિરાહારી અને બ્રહ્મચારીની વાસ્તવિક વ્યાખ્યા શી ??? પ્રભુ તો ગોપીઓની રાહ જ જોતા હતા. ગોપીઓ પૂછે તે પહેલાં જ જણાવે છે કે “હું અને મારા ગુરુજી આત્મ તત્ત્વ રૂપે એક જ છીએ. અમે તો આત્મ ભાવમાં જ રહીએ છીએ આત્માને તો ભૂખ-તરસ-ઈચ્છા-વાસના કશું જ નથી. ગુરુજી ગમે તેટલો આહાર કરે અને હું ગમે તેટલી સ્ત્રીઓ સાથે રહું પણ તેઓ નિરાહારી છે અને હું બ્રહ્મચારી છું તેથી શંકા રાખશો નહીં.”

ગોપીઓ બોલી, “કૃષ્ણ-કનૈયાની જય.” આપણે બોલીએ..

नंद नंद नन्दना आवो नंद नन्दना ।
गोपीजन प्राणधन राधे उर छिनयो ॥


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



"જન્માષ્ટમીની રાત્રે માત્ર પ્રસાદ-પંજરી ખાવાથી પરમાત્મા મળતા નથી. સાધના માટે જન્માષ્ટમી, શિવરાત્રી, હોળી અને કાળીચૌદશ શ્રેષ્ઠ ગયાય છે તો તે રાત્રે પરમાત્મા માટે ભાવવિભોર થઈ નાચજો-કૂદજો સાથો સાથ ખૂબ જ જાપ અને ધ્યાન પણ કરજો."

~(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ)




Janmashtmi 2002 Krishna Gopi Durvasa Kaikeyi Sandipani Sadguru MahaMantra Dattatrey Punitachariji Maiyashree ShailajaDevi Dharma Sampraday Spontaneous Meditation